Market Summary 13/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજીવાળાઓ પરત ફરતાં શેરબજારે ઈન્ટ્રા-ડે લો પરથી બાઉન્સ દર્શાવ્યું
નિફ્ટી 20900ની સપાટી જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 12.06ના સ્તરે બંધ
જાહેર સાહસોમાં આગઝરતી તેજી
રિઅલ્ટી, મેટલ, એનર્જી, ફાર્મા, ઓટોમાં મજબૂતી
આઈટી, બેંકિંગમાં નરમાઈ
એનએલસી ઈન્ડિયા, આરઈસી, પીએફસી, એનએમડીસી નવી ટોચે
શેરબજારમાં બુધવારે આખરી કામકાજી સમયગાળામાં તેજીવાળાઓ પરત ફરતાં બેન્ચમાર્ક્સ તેમના ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફર્યાં હતાં અને પોઝીટીવ ઝોનમાં બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 33.57 પોઈન્ટ્સ સુધરી 69,585ની સપાટીએ જ્યારે નિફ્ટી 20 પોઈન્ટ્સના સુધારે 20,926ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3890 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2179 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1597 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 342 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સ તેમના 52-સપ્તાહનું તળિયું દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 12.06ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછી તે નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. મધ્યાંતરે તે બોટમ બનાવી પરત ફર્યું હતું અને આખરી કલાકમાં પોઝીટીવ ઝોનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 20770ના તળિયેથી ઉછળી 20950ને સ્પર્શી 20900ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 109 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21635 પર બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં તે 104 પોઈન્ટ્સનું પ્રિમીયમ દર્શાવતો હતો. આમ, લોંગ પોઝીશનમાં સાધારણ વૃદ્ધિના સંકેતો છે. બીજી બાજુ, વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો પણ આગામી સત્રમાં પોઝીટીવ ટોન જળવાય રહે તેવી શક્યતાં સૂચવે છે. ટ્રેડર્સે 20700ના ચુસ્ત સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. જો નિફ્ટી 21000ની સપાટી પાર કરશે તો 21300-21400 સુધીનો ઉછાળો સંભવ છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટક કાઉન્ટર્સમાં એનટીપીસી, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, લાર્સન, સિપ્લા, સન ફાર્મા, એસબીઆઈ, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, બજાજ ઓટો, તાતા કન્ઝ્યૂમર, ટાઈટન કંપની, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ટીસીએસ, ઈન્ફોસિસ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો જાહેર સાહસોમાં આગઝરતી તેજી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ, રિઅલ્ટી, મેટલ, એનર્જી, ફાર્મા, ઓટો લગભગ તેમની નવી ટોચે બંધ રહ્યાં હતાં. જ્યારે આઈટી, બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી પ્રથમવાર 7500ની સપાટી પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં આરઈસી, પીએફસી, એચપીસીએલ, એનએમડીસી, એનટીપીસી, એનએચપીસી, સેઈલ, પાવર ગ્રીડ કોર્પો., નાલ્કો, આઈઓસી, ગેઈલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટીક્સ, ભેલ, કોન્કોરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.6 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ અને ઓબેરોય રિઅલ્ટીઝમાં લેવાલી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા એક ટકાથી વધુ ઉછળ્યો હતો. જેને બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ 0.9 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, સેઈલ, વેદાંત, નાલ્કો, હિંદાલ્કો, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો એક ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બોશ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, મધરસન સુમીમાં નોંધપાત્ર ખરીદી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી 0.70 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં કોલગેટ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ઈમામી, ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ, પીએન્ડજી, તાતા કન્ઝૂયમર, આઈટીસી, નેસ્લે, એચયૂએલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો આરઈસી 8 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પાવર ફાઈનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, એચપીસીએલ, એનએમડીસી, બાયોકોન, ટીવીએસ મોટર, એનટીપીસી, સેઈલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, હીરો મોટોકોર્પ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઓરોબિંદો ફાર્મા, પાવર ગ્રીડ, કોલગેટ, ટાટા પાવર, ઈન્ડિયા સિમેન્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બલરામપુર ચીની, ટીસીએસ, ઈન્ફોસિસ, લૌરસ લેબ્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ઝી એન્ટરટેઈન, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, એક્સિસ બેંક, બાટા ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ નોઁધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એનએલસી ઈન્ડિયા, આરઈસી, પીએફસી, એનએમડીસી, જીએમઆર એરપોર્ટ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, સીઈએસસી, એનએમડીસી, હૂડકો, શેલે હોટેલ્સ, ટીવીએસ મોટર, સીડીએસએલ, હિટાચી એનર્જી, સુંદરમ ફાઈનાન્સ, નિપ્પોન, એનટીપીસી, સેઈલનો સમાવેશ થતો હતો.

રવિ વાવેતર ફરી ગઈ સિઝનની સરખામણીમાં નીચે સરકી ગયું
ગયા સપ્તાહમાં 6 લાખ હેકટરની વૃદ્ધિ છતાં વાર્ષિક ધોરણે 1.32 લાખ હેકટરનો ઘટાડો
ઘઉંનું વાવેતર ગઈ સિઝન કરતાં 1.23 લાખ હેકટર નીચું
ચણાના વાવેતરમાં દોઢ લાખ હેકટરથી વધુનો ઘટાડો
જીરુંનું વાવેતર ગઈ સિઝન કરતાં 2.10 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ
શેરડીનું વાવેતર પણ 40 હજાર હેકટરમાં વધુ જોવા મળ્યું

ગુજરાતમાં શિયાળુ વાવેતર ફરી એકવાર ગઈ સિઝનની સરખામણીમાં નીચું જોવા મળે છે. સોમવાર સુધી રાજ્યમાં કુલ 35.97 લાખ હેકટરમાં રવિ વાવેતર નોંધાયું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 37.29 લાખ હેકટરની સરખામણીમાં 1.32 લાખ હેકટરનો ઘટાડો સૂચવે છે. રવિ સિઝનની શરૂઆતથી જ વાવેતર વાર્ષિક ધોરણે નીચું જોવા મળી રહ્યું હતું. જોકે, અગાઉના સપ્તાહે વાવેતરમાં તીવ્ર વૃદ્ધિ પાછળ તે 1.94 લાખ હેકટર આગળ નીકળી ગયું હતું પરંતુ, ગયા સપ્તાહે ફરી ઝડપ ઘટતાં વાવેતર વાર્ષિક ધોરણે પાછળ ચાલી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં સરેરાશ 46.11 લાખ હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ગયા સપ્તાહે શિયાળુ પાકોના વાવેતરમાં 6.01 લાખ હેકટરનો ઉમેરો નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 9.27 લાખ હેકટર પર જોવા મળ્યો હતો. ડિસેમ્બરના મધ્યના બે સપ્તાહ રવિ વાવેતર માટે ખૂબ મહત્વના હોય છે. જે ખેડૂતો શરૂમાં વાવણી નથી કરી શક્યાં તેમને માટે 5 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં ઘઉં અને જીરાં જેવા પાકોનું વાવેતર કરવા માટે આખરી તક હોય છે. જોકે, ગુજરાતમાં પાણીના અભાવે ઘણા ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી શક્યાં નથી. જેને કારણે છેલ્લાં ત્રણ વર્ષોથી સતત વૃદ્ધિ દર્શાવી રહેલું રવિ વાવેતર ચાલુ સિઝનમાં ઘટાડો સૂચવી રહ્યું છે. ગયા સોમવાર સુધીમાં રાજ્યમાં 9.08 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 10.31 લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ, મુખ્ય રવિ પાકનું વાવેતર સવા લાખ હેકટરનો ઘટાડો સૂચવે છે. ચણાનું વાવેતર પણ ગઈ સિઝનના 6.74 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 5.22 લાખ હેકટરમાં જ જોવા મળે છે. કુલ રવિ કઠોળ પાકોનું વાવેતર 7.12 લાખ હેકટરના વાવેતર સામે 5.61 લાખ હેકટરમાં શક્ય બન્યું છે. જ્યારે રવિ તેલિબિયાં પાક રાયડાનું વાવેતર ગઈ સિઝનના 2.99 લાખ હેકટર સામે માત્ર 2.57 લાખ હેકટરમાં જોવા મળે છે.
બીજી બાજું, મસાલા પાકોમાં જીરુનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમં 2.1 લાખ હેકટરની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. પાકના વિક્રમી ભાવોને જોતાં ખેડૂતોએ ચણા અને ઘઉં જેવા પાકોની સરખામણીમાં જીરું પર પસંદગી ઉતારી છે. જીરુંનું વાવેતર 4.34 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામં માત્ર 2.24 લાખ હેકટરમાં જોવા મળતું હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં સરેરાશ 3.51 લાખ હેકટરમાં જીરુંની વાવણી થઈ હતી. આમ, ચાલુ સિઝનમાં સામાન્ય કરતાં 24 ટકા વાવેતર ઊંચું જોવા મળે છે. જેમાં હજુ પણ બે સપ્તાહ દરમિયાન વૃદ્ધિ નોંધાશે. ખેડૂતો ધાણા પરથી જીરું પર વળ્યાં હોય તેમ જણાય છે. ગઈ સિઝનમાં 2.07 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં ધાણાનું વાવેતર 1.08 લાખ હેકટરમાં જ નોંધાયું છે. બટાટાની વાત કરીએ તો કુલ વાવેતર 1.27 લાખ હેકટર(ગઈ સિઝનમાં 1.24 લાખ હેકટર)માં જોવા મળે છે. જ્યારે શાકભાજી પાકોનું વાવેતર ગઈ સિઝનના 1.52 લાખ હેકટર સામે 9 હજાર હેકટરના ઘટાડે 1.43 લાખ હેકટરમાં જોવા મળે છે. બીજી બાજુ ઘાસચારાનું વાવેતર પણ ગઈ સિઝનના 4.95 લાખ હેકટર સામે ઘટાડા સાથે 4.60 લાખ હેકટર પર નોંધાયું છે. પરચૂરણ પાકોમાં શેરડીનું વાવેતર ગઈ સિઝન કરતાં 40 હજાર હેકટરની વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે 1.04 લાખ હેકટર સામે ચાલુ વર્ષે તે 1.44 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે.

UPI મારફતે ઓટોમેટીક પેમેન્ટની મર્યાદા વધારી રૂ. 1 લાખ કરાઈઃ RBI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેટલીક કેટેગરીઝ માટે યૂપીઆઈ મારફતે ઓટોમેટીક પેમેન્ટ્સની મર્યાદા વધારીને રૂ. 1 લાખ કરી છે. હાલમાં તે રૂ. 15000 પર જોવા મળતી હતી. આવી સુવિધાઓમાં મ્યુચ્યુલ ફંડ્સ માટેના સબસ્ક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે. હાલમાં કાર્ડ્સ, પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ અને યૂપીઆઈ પર રૂ. 15 હજાર કરોડના પેમેન્ટ્સ સુધી પ્રોસેસિંગ ઈ-મેન્ડેન્ટ્સ/સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ માટે એડિશ્નલ ફેક્ટર ઓફ ઓથોન્ટીકેશન(AFA)માં રાહત આપવામાં આવી છે. એક સર્ક્યુલરમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે તેણે પ્રતિ ટ્રાન્ઝેક્શનની વર્તમાન મર્યાદાને રૂ. 15 હજાર પરથી વધારી રૂ. 1 લાખ કરી છે. જેમાં મ્યુચ્યુલ ફંડ્સ સબસ્ક્રિપ્શન, ઈન્શ્યોરન્સ પ્રિમિયમ્સનું પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સનો સમાવેશ થાય છે. દેશમાં વિશાળ વર્ગ માટે યૂપીઆઈ એક પસંદગીનો પેમેન્ડ મોડ બની રહ્યો છે. નવેમ્બરમાં યૂપીઆઈ મારફતે 11.23 અબજ ટ્રાન્ઝેક્શન્સ હાથ ધરાયાં હતાં. ગયા સપ્તાહે દ્વિમાસિક મોનેટરી સમીક્ષાની જાહેરાત વખતે આરબીઆઈ ગવર્નરે આ અંગે જાહેરાત કરી હતી. જેને બુધવારથી અમલી બનાવવામાં આવી હતી.

સેબીએ NSEL કેસમાં રેલીગેર કોમોડિટીઝનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યું
પેર્ડ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડિંગની છૂટ આપી ગ્રાહકોને ખોટના ખાડામાં ઉતારતાં સેબીનું પગલું
માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાલમાં નિશ્ક્રિય એવા નેશનલ સ્પોટ એક્સચેન્જ(એનએસઈએલ) પર ગેરકાયદે પેર્ડ કોન્ટ્રેક્ટ્સ કેસમાં કહેવાતી સંડોવણી બદલ બ્રોકિંગ કંપની રેલીગેર કોમોડિટીઝના રજિસ્ટ્રેશનને સસ્પેન્ડ કર્યું છે. ‘પેર્ડ કોન્ટ્રેક્ટ્સ’માં ગ્રાહકોને એક્સપોઝર માટે એક્સેસ આપીને બ્રોકરેજે ગ્રાહકોને રેગ્યુલેટરી મંજૂરી નહિ ધરાવતી પ્રોડક્ટ્સના જોખમી ટ્રેડિંગમાં ધકેલ્યાં હતાં એમ સેબીએ તેના આદેશમાં નોંધ્યું છે.
સેબીએ વધુમાં નોંધ્યું છે કે પેર્ડ કોન્ટ્રેક્ટ્સમાં ક્લાયન્ટ્સ માટે રેલીગેર કોમોડિટીઝની ટ્રેડિંગ પ્રવૃત્તિ સિક્યૂરીટીઝ માર્કેટમાં સ્પર્ધાત્મક્તા અને ઈન્ટિગ્રિટીનો ભંગ કરતાં ઘણા પરિબળો ધરાવતી હતી. જેને ધ્યાનમાં રાખી સેબીએ કોમોડિટી ડેરિવેટીવ્સ બ્રોકર તરીકેના રેલીગેર કોમોડિટીઝના રજિસ્ટ્રેશનને તેના ઓર્ડરથી ત્રણ મહિના અથવા તો ઈકોનોમિક ઓફેન્સ વીંગ તરફથી બ્રોકિંગ કંપનીની સામે કરવામાં આવેલી એફઆઈઆર પેન્ડિંગ છે ત્યાં સુધી ચાલુ રહેશે. સેબીએ તેનો આદેશ તત્કાળ અસરથી અમલી બનશે એમ પણ ઉમેર્યું હતું. સપ્ટેમ્બર, 2009માં એનએસઈએલે પેર્ડ કોન્ટ્રેક્ટ્સ લોંચ કર્યાં હતાં. જે એક્સચેન્જ પ્લેટફોર્મ પર એક જ કોમોડિટીમાં બે ભિન્ન ભાવ સપાટી પર બે અલગ કોન્ટ્રેક્ટ્સમાં ખરીદ અને વેચાણની છૂટ આપતાં હતાં. એનએસઈએલ પર પેર્ડ કોન્ટ્રેક્ટ્સની આ સ્કિમને કારણે રોકાણકારોને રૂ. 5500 કરોડનું નુકસાન જોવા મળ્યું હતું. પાછળથી એક્સચેન્જ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ રોકાણકારોના નાણામાંથી મોટો લાભ મેળવનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, ટ્રેડર્સને તેમનું નુકસાન પરત મળી શક્યું નથી.

મલ્ટી-એસેટ ફંડ્સની એસેટ્સમાં આંઠ મહિનામાં 76 ટકાનો ઉછાળો
એપ્રિલમાં રૂ. 27,740 કરોડનું AUM નબેમ્બરમાં વધી રૂ. 48,635 કરોડે પહોંચ્યું

મલ્ટી-એસેટ મ્યુચ્યુલ ફંડ્સ સ્કિમ્સમાં ઈનફ્લોમાં એપ્રિલથી અત્યાર સુધીમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલમાં રૂ. 445 કરોડના ઈનફ્લો પરથી નવેમ્બર સુધીમાં ઈનફ્લો વધી રૂ. 2,589 કરોડ પર નોંધાયો છે. જે એસેટ ક્લાસની વધતી લોકપ્રિયતા સૂચવે છે. મલ્ટી-એસેટ મ્યુચ્યુલ ફંડ્સ સ્કિમ્સમાં રોકાણને ધીરે-ધીરે વધારતાં રહેવાનો રોકાણકારોનો નિર્ણય તેમના માટે લાભદાયી બની રહ્યો હોવાનું જણાય છે. એપ્રિલમાં રૂ. 27,740 કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ નબેમ્બરમાં વધી રૂ. 48,635 કરોડ પર જોવા મળ્યું હતું.
ઈક્વિટી માર્કેટમાં અવિરત તેજી અને માર્કેટમાં વેલ્યૂએશન્સને લઈ વધી રહેલી ચિંચા વચ્ચે ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રોકાણકારોને તેમના નાણા મલ્ટી-એસેટ સ્કિમ્સમાં પાર્ક કરવા માટે ભલામણ કરી રહ્યાં છે. જે જરૂરી ડાયવર્સિફિકેશન પૂરાં પાડી રહ્યાં છે. મલ્ટી-એસેટ સ્કિમ્સમાં ઈનફ્લો છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ધીરે-ધીરે વધી રહ્યો છે. એપ્રિલમાં રૂ. 445 કરોડ પરથી વધતો રહી નવેમ્બરમાં તે રૂ. 2589 કરોડ પર પહોંચ્યો હતો. સપ્ટેમ્બરમાં ત્રણ નવી ફંડ ઓફર્સ પાછળ ઈનફ્લો રૂ. 6,324 કરોડ પર પહોંચ્યો હતો. આ ત્રણ ફંડ્સે ભેગા થઈ રૂ. 4,791 કરોડ ઊભા કર્યાં હતાં. માર્કેટ વોલેટિલિટીને જોતાં તમામ એસેટ ક્લાસિસમાં ડાયવર્સિફિકેશન ખૂબ જરૂરી બની ગયું છે. કેમકે તમામ એસેટ ક્લાસિસને તેમની પોતાની સાઈકલ હોય છે અને તેમના ઘટાડાને કળી શકાય તેમ નથી હોતો. આ સ્થિતિમાં ડાયવર્સિફિકેશન મહત્વનું બની રહે છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ હાઈબ્રીડ મલ્ટી-એસેટ ફંડ્સને તેના કુલ ભંડોળનો 10 ટકા હિસ્સો લઘુત્તમ ત્રણ એસેટ ક્લાસિસમાં રોકવા માટે જણાવ્યું છે. જે ઈક્વિટીઝ, ડેટ અને કેમોડિટીઝમાં રોકવાનું રહે છે. ઈક્વિટીઝમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઈક્વિટીમાં રોકાણ થતું હોય છે. કોઈપણ ઈન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફિકેશન માટે ફંડ મેનેજર્સે તમામ એસેટ ક્લાસિસમાં નોંધપાત્ર ફાળવણી કરવાની રહે છે. જેને માર્કેટ વોલેટિલિટીથી પર જઈ જાળવવાનું રહે છે. ફંડ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ રોકાણકારો ‘ફ્લેવર ઓફ ધ સિઝન એસેટ ક્લાસ’ સિન્ડ્રોમમાં ફસાવું ના જોઈએ. આનાથી ઊલટું તેમણે પોર્ટફોલિયો માટે બેલેન્સ્ડ એસેટ એલોકેશન સ્ટ્રેટેજીને અનુસરવી જોઈએ. જેમાં મલ્ટી-એસેટ ક્લાસ શ્રેષ્ઠ છે. દરેક એસેટ ક્લાસમાં શ્રેષ્ઠ રિટર્ન મળે તે માટે સાચા અર્થમાં મલ્ટી-એસેટ ક્લાસ હોય તેના પર જ પસંદગી ઉતારવી જોઈએ. સામાન્યરીતે ક્વોલિટી મલ્ટી એસેટ ક્લાસ ફંડ્સ દરેક એસેટ ક્લાસમાં 20 ટકા આસપાસ રોકાણ કરતાં હોય છે. જેઓ માર્કેટ વોલેટિલિટી સામે ઊંચું પ્રોટેક્શન પૂરું પાડે છે.

ડિસેમ્બરમાં ઘણી પ્રાઈવેટ અને પીએસયૂ બેંક્સે તેમના FD રેટ્સ વધાર્યાં
ઊંચી ક્રેડિટ માગને પહોંચી વળવા માટે બેંકિંગ કંપનીઓ 8 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે

ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ઘણી બેંક્સ ફિક્સ ડિપોઝીટ્સ પરના ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ કરી ચૂકી છે. જેમાં પ્રાઈવેટ તેમજ સરકારી માલિકીની બેંક્સનો સમાવેશ થાય છે. કેટલીક સ્મોલ ફાઈનાન્સ બેંક્સ પણ વ્યાજ દરમાં વધારો કરી ચૂકી છે. ગયા સોમવારે જ કોટક મહિન્દ્રા બેંકે તેના ફિક્સ ડિપોઝીટ રેટ્સમાં 85 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાવીહતી. કોટક મહિન્દ્રાના ગ્રાહકો હવે સિનિયર સિટીઝન એફડી પર વાર્ષિક 7.8 ટકા સુધીનું વ્યાજ દર મેળવી શકે છે. જે 23 મહિનાથી લઈ 2 વર્ષ સુધીની એફડી પર ઓફર થઈ રહ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા સપ્તાહે તેની મોનેટરી સમીક્ષામાં રેપો રેટને 6.5 ટકા પર સ્થિર જાળવી રાખ્યાં પછી બેંક્સ તરફથી રેટમાં વૃદ્ધિ કરવામાં આવી હતી. આરબીઆઈએ સતત પાંચમી બેઠકમાં રેટને સ્થિર જાળવ્યાં હતાં. સેન્ટ્રલ બેંકર તરફથી રેટને સ્થિર જાળવવામાં આવશે તેવી શક્યતાને જોતાં ઘણી બેંક્સ ચાલુ મહિનાની શરૂમાં જ તેમના ઈન્ટરેસ્ટ રેટ્સમાં વધારો જાહેર કરી ચૂકી હતી. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. આઈસીઆઈસીઆઈ બેંકે રૂ. 2 કરોડથી રૂ. 5 કરોડ સુધીની એફડી પરના ઈન્ટરેસ્ટ રેટ્સને 13 ડિસેમ્બરથી સુધાર્યાં છે. સુધારેલા રેટ્સ પર નજર નાખીએ તો સાતથી ચૌદ દિવસ માટે એફડી 4.75 ટકા લાગુ પડશે. જ્યારે 390થી 15 મહિના માટે તે 7.25 ટકા લેખે ચૂકવવામાં આવશે. ટોચની પ્રાઈવેટ બેંક એચડીએફસીની વાત કરીએ તો તેણે રૂ. 5 કરોડ સુધીની એફડી પર ઈન્ટરેસ્ટ રેટને 13 ડિસેમ્બરથી વધાર્યાં છે. જેમાં સાતથી ચૌદ દિવસની મુદત માટે તેણે રેટને 4.75 ટકા પર કર્યાં છે. જ્યારે એક વર્ષથી 15 મહિના માટે રેટને 7.3 ટકા કર્યાં છે. રૂ. 100 કરોડથી લઈ રૂ. 500 કરોડ સુધીની એફડી માટ તેણે હવે રેટને 7.3 ટકા પરથી વધારી 7.35 ટકા કર્યો છે. પ્રાઈવેટ સેક્ટર બેંક કોટક મહિન્દ્રા બેંકે રૂ. 2 કરોડથી નીચી એફડી માટે રેટ્સમાં 85 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી છે. તેણે રેગ્યુલર કસ્ટમર્સ માટે પણ ઈન્ટરેસ્ટ રેટ્સને વધાર્યાં છે. તેણે તમામ મુદત માટેની એફડી પરના રેટ 50 બેસીસ પોઈન્ટ્સ વધાર્યાં છે. જેમાં સિનિયર સિટીઝન્સ માટે એફડી રેટને હવે 7.8 ટકા સુધી કર્યો છે. જે 23 મહિનાથી લઈ 2 વર્ષની મુદત પર લાગુ બનશે. જ્યારે રૂ. 2 લાખથી નીચું એફડી રોકાણ કરતાં નિયમિત રોકાણકારોને બેંક 7.25 ટકા એફડી ઈન્ટરેસટ રેટ આપશે. જેની મુદત 23 મહિના અને એક દિવસથી લઈ 2 વર્ષની નીચી રહેશે.
પીએસયૂ બેંક બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બરમાં એફડી રેટ્સમાં વૃદ્ધિ કરનાર પ્રથમ બેંક હતી. તેણે રૂ. 2 કરોડથી લઈ રૂ. 10 કરોડથી નીચેની એફડી કરાવનાર સ્થાનિક કસ્ટમર્સ માટે એફડી રેટ્સને 1 ડિસેમ્બરથી વધાર્યાં હતાં. નવા રેટ્સ મુજબ એક વર્ષની મુદત માટે તેઓ 7.25 ટકાનું વ્યાજ મેળવી શકશે. ફેડરલ બેંકની વાત કરીએ તો તેણે ડિપોઝીટ રેટ્સની સમીક્ષા કરી તેમાં વૃદ્ધિ કરી હતી. હવેથી બેંક 500 દિવસની મુદત માટે 7.5 ટકા રેટ ઓફર કરી રહી છે. જે રેસિડેન્ટ તથા નોન-રેસિડેન્ટ ડિપોઝીટર્સને લાગુ પડશે. સિનિયર સિટીઝન્સને 8.15 ટકાનો રેટ ઓફર કરવામાં આવ્યો છે. ડીસીબી બેંકે રૂ. 2 કરોડથી નીચેની એફડી માટે રેટ્સમાં વૃદ્ધિ કરી છે. બેંક રેગ્યુલર ડિપોઝીટ્સ પર 8 ટકાના રેટ ઓફર કરે છે. જ્યારે સિનિયર સિટીઝન્સને 8.6 ટકાનો રેટ ઓફર કરે છે. આ રેટ 25 મહિનાથી લઈ 26 મહિનાની મુદત માટે ઓફર કરવામાં આવી છે. આ સુધારો 13 ડિસેમ્બરથી અમલી બનશે. હાલમાં ઘણી સ્મોલ ફાઈનાન્સ બેંક્સ નવ ટકા સુધીના ઊંચા ઈન્ટરેસ્ટ રેટ ઓફર કરી રહી છે. જ્યારે પ્રાઈવેટ અને પીએસયૂ બેંક્સ 7-7.5 ટકાની રેંજમાં રેટ ઓફર કરે છે. એસએફબીમાં યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક સિનિયર સિટીઝન્સને 1001 દિવસ માટે 9.5 ટકાનું રિટર્ન ઓફર કરી રહી છે.

ફોક્સકોન ભારતમાં તેના રોકાણમાં એક અબજ ડોલર ઉમેરશે

ટેક્નોલોજી જાયન્ટ એપલનો કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર તાઈવાનનું ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપને ભારતમાં તેના ઉત્પાદન પ્લાન્ટમાં વધુ એક અબજ ડોલરના રોકાણની મંજૂરી મળી છે. જૂથ ચીનની બહાર તેની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે. વિશ્વમાં ટોચનો આઈફોન એસેમ્બલર તેણે અગાઉ જાહેર કરેલા બેંગલૂરૂ એરપોર્ટ નજીકની 300-એકર સાઈટમાં 1.6 અબજ ડોલરના રોકાણ ઉપરાંતનું રહેશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. નવું રોકાણ આઈફોન સહિત એપલ ડિવાઈસિસ માટે વધારાની ક્ષમતા પૂરી પાડશે એમ નામ નહિ જણાવવાની શરતે તેઓ ઉમેરે છે. એક અબજ ડોલરના નવા ઉમેરા સાથે તાઈવાનની કંપની ભારતમાં અંદાજે 2.7 અબજ ડોલરનું રોકાણ કરશે. જે ભારતમાં મેન્યૂફેક્ચરિંગ ક્ષમતા માટે એક મહત્વનું કેન્દ્ર બની રહેશે. 2023ની શરૂમા જૂથે 70 કરોડ ડોલરના રોકાણ માટે જણાવ્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે ચાલુ નાણાકિય વર્ષમાં રૂ. 10,149 કરોડનો મૂડી ખર્ચ કર્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 7.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન કંપનીએ ચાલુ નાણાકિય વર્ષ માટેના રૂ. 16,500 કરોડના અંદાજમાંથી 65 ટકા મૂડી ખર્ચ કર્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 9751 કરોડનો ખર્ચ કર્યો હતો.
રાઈટ્સઃ રેલ્વેની માલિકીની કંપની રાઈટ્સ લિમિટેડે મોઝામ્બિક પોર્ટ્સ એન્ડ રેલ્વેની માલિકીની સીએફએમ માઝોમ્બિક સાથે કરાર સાઈન કર્યાં છે. જે હેઠળ કંપની ડિઝલ લોકોમોટીવ અને ઈન્સિડેન્ટલ સર્વિસિઝ સપ્લાય કરશે. કંપની કુલ રૂ. 314.1 કરોડના મૂલ્યના લોકોમોટિવ અને સર્વિસિઝની સપ્લાય કરશે. કંપનીએ ચાલુ વર્ષે ભારત બહાર માટે સર્વિસ સપ્લાયના નોંધપાત્ર ઓર્ડર્સ મેળવ્યાં છે. જેની પાછળ કંપનીના શેર્સમાં તેજી જોવા મળી છે.
મેનકાઈન્ડ ફાર્માઃ ટોચની ત્રણ પીઈ કંપનીઓએ મેનકાઈન્ડ ફાર્મામાં 7.9 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. તેમણે આ હિસ્સા વેચાણ મારફતે રૂ. 5589 કરોડ મેળવ્યાં હતાં. હિસ્સો વેચનાર પીઈ કંપનીઓમાં ક્રિસ કેપિટલની સહયોગી બેઈજે 4.47 ટકા હિસ્સો વેચ્યો હતો. જે મારફતે તેણે રૂ. 3282 કરોડ મેળવ્યાં હતાં. કેઈનહિલ સીઆઈપીઈએફ અને હેમા સીઆઈપીઈએફે અનુક્રમે 1.74 ટકા અને 1.4 ટકા હિસ્સો વેચ્યો હતો.
ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાઃ ફાર્મા કંપનીએ જેનેરિક પેન્ટાપ્રાઝોલ સોડિયમ ડિલેય્ડ-રિલિઝ ટેબલેટ્સ માટે યુએસ હેલ્થ રેગ્યૂલેટર યૂએસએફડીએની મંજૂરી મેળવી છે. તેણે 20 એમજી અને 40 એમજીની સ્ટ્રેન્થ્સમાં આ ટેબ્લેટ્સ રજૂ કરવા માટે મંજૂરી મેળવી છે એમ રેગ્યૂલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે. કંપનીની પ્રોડક્ટ વાયેથ ફાર્માની પ્રોટોનિક્સ ડિલેય્ડ-રિલીઝ ટેબલેટ્સની સમકક્ષ પ્રોડક્ટ છે.
અતુલ લિમિટેડઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કેમિકલ કંપનીમાં તેના ઈક્વિટી હિસ્સાને વધાર્યો છે. જાહેર ક્ષેત્રની વીમા કંપની અને દેશમાં સૌથી મોટા ઈક્વિટી ઈન્વેસ્ટરે અતુલ લિ.માં વધુ 0.14 ટકા હિસ્સો ખરીદ્યો છે. જે પછી કંપનીમાં તેનો ઈક્વિટી હિસ્સો 5.117 ટકા પર પહોંચ્યો છે. જે અગાઉ 4.997 ટકા પર જોવા મળતો હતો.
એનએલસી ઈન્ડિયાઃ લિગ્નાઈટ ઉત્પાદક સરકારી સાહસે જણાવ્યું છે કે તેનો કન્સ્ટ્રક્શન-ગ્રેડ સેન્ડ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ જાન્યુઆરી મહિનાની આખર સુધીમાં ચાલુ થવાની અપેક્ષા છે. કંપની તેના માઈનીંગ ઓપરેશન્સ દરમિયાન ઉત્પાદિત વેસ્ટ્સ માઈન ઓવરબર્ડનમાંથી સિવિલ કન્સ્ટ્રક્શન-ગ્રેડ સેન્ડનું ઉત્પાદન કરશે. પ્લાન્ટ 2.62 લાખ ક્યુબિક મિટર ગ્રેડ એમ-સેન્ડનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage