માર્કેટ સમરી
ફેડના આક્રમક રેટ વૃદ્ધિના પડકાર સામે બજારમાં નિરસતા
ભારતીય બજારનું વૈશ્વિક હરિફો સામે અન્ડરપર્ફોર્મન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઘટી 17.78ના સ્તરે
બેંકિંગ, ઓટો, આઈટીમાં નરમાઈ
એફએમસીજી, ફાર્મા, એનર્જી અને પીએસઈમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં જોકે અન્ડરટોન મજબૂત
શેરબજારમાં તેજીવાળાઓ નવી ખરીદીથી દૂર જોવા મળી રહ્યાં છે. ચાલુ સપ્તાહે સતત ત્રીજા સત્રમાં માર્કેટમાં ઘટાડો જળવાયો હતો. ગુરુવારે તથા શુક્રવારે રજાને કારણે સપ્તાહ ખૂબ નાનુ હોવાથી પણ નિરસતા જોવા મળી રહી છે. જેની પાછળ બુધવારે બીએસઈ સેન્સેક્સ 237.44 પઈન્ટ્સ ઘટી 58338.93ના સ્તરે જ્યારે નિફ્ટી 54.65ના ઘટાડે 17475.65ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 17.78ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 28 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં જોકે અન્ડરટોન મજબૂત જળવાયો હતો અને માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ હતી.
મંગળવારે યુએસ ખાતે માર્ચ મહિના માટે રિટેલ ઈન્ફ્લેશનનો આંક 8.5 ટકાની ચાર દાયકાની નવી ટોચ પર જોવા મળ્યો હતો. જેને કારણે વૈશ્વિક બજારોમાં ઊંચી વધ-ઘટ જોવા મળી હતી. જોકે તેમ છતાં એશિયન બજારો પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં અને જાપાન, કોરિયા અને તાઈવાનના બજારો 2 ટકાના સુધારા સાથે બંધ રહ્યાં હતાં. સિંગાપુર અને હોંગ કોંગ પણ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે ચીન 0.83 ટકા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. યુરોપ ખાતે જર્મની અને ફ્રાન્સના બજારો નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જ્યારે યુએસ ખાતે પણ બજારોમાં સાધારણ નરમાઈ જોવા મળતી હતી. માર્ચ મહિનામાં 8.4 ટકા સામે ફુગાવો 8.5 ટકા પર આવતાં ફેડ રિઝર્વ એપ્રિલ મહિનામાં તેની રેટ સમીક્ષામાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે તે નિશ્ચિત માનવામાં આવે છે. જેને કારણે ઈમર્જિંગ માર્કેટ્સમાં ઊંચો આઉટફ્લો જોવા મળી શકે છે. જોકે ભારતીય બજારની વાત છે તો સ્થાનિક ફંડ્સ તરફથી સતત ખરીદી જોવા મળે છે અને તેઓ વિદેશી રોકાણકારોની વેચવાલીને પચાવી રહ્યાં છે. યુએસ ઉપરાંત ભારતમાં પણ રિટેલ ફુગાવો 17 મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. જેણે બજારની ચિંતામાં ઉમેરો કર્યો હતો. બોન્ડ યિલ્ડ્સ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. જે પણ ઈક્વિટી ઈન્વેસ્ટર્સને અકળાવી રહ્યું છે. યુએસ ખાતે ઈન્ફ્લેશન વધતાં રોકાણકારો ગોલ્ડ જેવી સેફ હેવન એસેટ્સ તરફ વળ્યાં હતાં. જે સૂચવે છે કે ઈક્વિટીનું આકર્ષણ કેટલાંક સમય માટે ઓછું જોવા મળી શકે છે.
બુધવારે બેંકિંગ શેર્સમાં વેચાણ જોવા મળ્યું હતું. જેને કારણે બેંક નિફ્ટીમાં 0.75 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ઓટો અને આઈટી ઈન્ડેક્સ પણ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જ્યારે ફાર્મા, એફએમસીજી, મેટલ, એનર્જી અને પીએસઈ સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં ઓએનજીસી 3 ટકા, એપોલો હોસ્પિટલ 2.6 ટકા, આઈટીસી 2 ટકા, સન ફાર્મા 1.7 ટકા અને યૂપીએલ 1.6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે મારુતિ 2 ટકા, એચડીએફસી 2 ટકા, એચડીએફસી બેંક 2 ટકા અને ડો. રેડ્ડીઝ લેબો. 1.7 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ચંબલ ફર્ટિલાઈઝર 3.6 ટકા, આઈજીએલ 3.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2.2 ટકા અને ફર્સ્ટસોર્સ 2.13 ટકાનો સુધાર દર્શાવતાં હતાં. જ્યારે બલરામપુર ચીની 3.5 ટકા, કેન ફીન હોમ્સ 3.5 ટકા, ડેલ્ટા કોર્પ 2.9 ટકા અને ગોદરેજ કન્ઝ્યૂમર 2.5 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ ખાતે કુલ 3529 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1852 પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે 1542 ઘટાડો સૂચવતાં હતાં. 194 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ 52-સપ્તાહનું તળિયું સૂચવતાં હતાં. અદાણી જૂથના શેર્સમાં અદાણી વિલ્મેર વધુ એક પાંચ ટકાની ઉપલી સર્કિટ સાથે રૂ. 636.15ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ પણ સર્વોચ્ચ સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જૂથના અન્ય શેર્સ સાધારણ વધ-ઘટ દર્શાવી રહ્યાં હતાં.
કાર્વી ફ્રોડ કેસમાં શિથિલતા બદલ સેબીએ BSE, NSEને દંડ ફટકાર્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર્વી ફ્રોડ કેસમાં શિથિલતા દર્શાવવા બદલ દેશના અગ્રણી સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર દંડ ફટકાર્યો છે. જેમાં તેણે બીએસઈ પર રૂ. 3 કરોડનો જ્યારે એનએસઈ પર રૂ. 2 કરોડનો દંડ લાગુ પાડ્યો છે. કાર્વી સ્ટોક બ્રોકિંગે ક્લાયન્ટ્સની સિક્યૂરિટીઝનો દૂરૂપયોગ કર્યો હતો. હૈદરાબાદ સ્થિત બ્રોકરેજે 95 હજારથી વધુ ગ્રાહકોની રૂ. 2300 કરોડની સિક્યૂરિટીઝ પ્લેજ કરી હતી.
રિલાયન્સ કેપ માટે સંપૂર્ણપણે કેશ બીડ્સની લેન્ડર્સની માગ
એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની કમિટિ ઓફ ક્રેડિટર્સ(સીઓસી)એ કંપની માટે ઓલ-કેશ બીડ્સ મંગાવીને બિડીંગ પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ કેપિટલની નફ કરતી સબસિડિયરીઝ માટે બીડ કરનારા બીડર્સને કંપની માટે બીડ કરવા કોન્સોર્ટિયમ રચવા માટે તેમણે જણાવ્યું છે. વર્તુળોના જણાવ્યા અનુસાર આરબીઆઈએ નીમેલા વહીવટદાર જોકે ઓલ-કેશ બીડ્સની તરફેણમાં નથી. તેમ છતાં સીઓસી તેની માગમાં અડગ છે.
US ખાતે ઈન્ફ્લેશન ઊંચું જળવાતાં ગોલ્ડમાં ઉછાળો
યુએસમાં માર્ચ મહિના માટેનું રિટેલ ઈન્ફ્લેશન 8.5 ટકાની ચાર દાયકાની નવી ટોચ પર જોવા મળતાં સોનુ 12 કલાકમાં 40 ડોલર્સથી વધુ ઉછળી 1980 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. માર્ચ મહિનામાં રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ બાદ ઉછળીને 2070 ડોલર પર ટ્રેડ થઈ 1900 ડોલર સુધી પટકાયેલું ગોલ્ડ પખવાડિયાથી વધુ સમયથી સાઈડલાઈન જોવા મળતું હતું. તે 1940-1950 ડોલરની રેંજના પાર કરવામાં અસમર્થતા અનુભવી રહ્યું હતું. જોકે યુએસ ખાતે ફુગાવા અપેક્ષાથી ઊંચો રહેતાં ઈન્ફ્લેશન સામે હેજ તરીકે સોનામાં ખરીદી જોવા મળી હતી.
બીબા ફેશને આઈપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું
ભારતમાં લેડીઝવેર માર્કેટમાં હિસ્સાની રીતે સૌથી મોટી લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પૈકીની એક બીબા ફેશન લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. 1986માં સ્થાપિત કંપની તેના સેગમેન્ટમાં કેટેગરી ક્રિએટર છે. તે તમામ કેટેગરીમાં ટોચની પોઝીશન ધરાવે છે. ઓનલાઈન વેચાણમાં પણ તે અગ્રણી છે. કંપની રૂ. 90 કરોડનો ફ્રેશ ઈસ્યુ તથા ઓફર ફોર સેલ ધરાવે છે. આઈપીઓ રકમનો ઉપયોગ લોન ચૂકવણી તથા કાર્યકારી મૂડીમાં કરવામાં આવશે.
CPSE ETFsએ 62 ટકા સાથે સૌથી ઊંચું રિટર્ન દર્શાવ્યું
જોકે હવે એનાલિસ્ટ્સનની લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ્સ સામે સાવચેતી રાખવા સલાહ
ઊંચા ડિવિડન્ડ યિલ્ડને કારણે પણ નીચા ભાવે ખરીદેલા પીએસયૂ શેર્સ જાળવીને બેઠેલા ઈન્વેસ્ટર્સ
ટોચના જાહેર સાહસનોના શેર્સ ધરાવતાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ(ઈટીએફ)એ વિતેલા નાણા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હત. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈસિઝ(સીપીએસઈ) ઈટીએફે 2021-22 દરમિયાન 61.75 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું હતું. તેની સામે નિફ્ટીએ 20 ટકા વળતર આપ્યું હતું. વૈશ્વિક સ્તરે કોમોડિટીઝના ભાવમાં તેજી અને એનર્જી કંપનીઓમાં રોકાણકારોનો રસ પરત ફરતાં પીએસયૂ કંપનીઓનું વર્ષોનું અન્ડરપર્ફોર્મન્સ દૂર કરવામાં સહાયતા મળી હતી. જોકે એનાલિસ્ટ્સ હવે ઈટીએફમાં નવા લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટથી દૂર રહેવાની ભલામણ કરી રહ્યાં છે. કેમકે તાજેતરમાં પીએસયૂ સ્ટોક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળી ચૂક્યો છે.
નિપ્પોન લાઈફ ઈન્ડિયા દ્વારા ચલાવવામાં આવતાં ઈટીએફમાં 12 પીએસયૂ શેર્સનો સમાવેશ થાય છે. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને એનએમડીસી ટોચના છ કાઉન્ટર્સ છે. તેઓ સમગ્ર પોર્ટફોલિયોનો 91 ટકા હિસ્સો ધરાવે છે. ઈટીએફનો 45 ટકા હિસ્સો પાવર કંપનીઓનો બનેલો છે. જ્યારે 44 ટકા હિસ્સો કોમોડિટી કંપનીઓનો છે. જેમાં મુખ્યત્વે ઓઈલનો સમાવેશ થાય છે. સીપીએસઈ ઈટીએફ એ મોટેભાગે એક ડિફેન્સિવ પ્લે છે. વર્તમાન સ્તરે જ્યારે વૈશ્વિક અને સ્થાનિક મેક્રોઈકોનોમિક પરિબળો પડકારદાયી જણાય રહ્યાં છે ત્યારે તેમાં કેટલીક ફાળવણી કરવી જરૂરી છે એમ અગ્રણી બ્રોકરેજના રિસર્ચ હેડ જણાવે છે. તેમના મતે અન્ડરલાઈંગ સ્ટોક્સની તેમના સંબંધિત ક્ષેત્રે લીડરશીપ પોઝીશન્સને જોતાં રોકાણકારોએ તેમાં રોકાણ કરવું જોઈએ. જોકે તેમણે આ શેર્સમાં ખરીદી માટે વધુ સારા લેવલ્સ માટે રાહ જોવી જોઈએ. કેટલાંક એનાલિસ્ટ્સ તાજેતરમાં સુધારા બાદ ઈટીએફમાંથી રોકાણકારોને તેમનું હોલ્ડિંગ્સ ઘટાડવા માટે સલાહ આપી રહ્યાં છે.
છેલ્લાં એક વર્ષ દરમિયાન પીએસયૂ શેર્સમાં તીવ્ર સુધારો જોવા મળી રહ્યો છે. આ શેર્સમાંથી રોકાણકારોએ કેટલોક પ્રોફિટ બુક કરવો જોઈએ કેમકે આગામી સમયગાળામાં રિટર્નમાં વોલેટિલિટી જોવા મળી શકે છે એમ અન્ય બ્રોકરેજના એનાલિસ્ટ જણાવે છે. છેલ્લા વર્ષમાં ઓએનજીસીએ 65 ટકા, એનટીપીસીએ 51 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશને 49 ટકા અને કોલ ઈન્ડિયાએ 46 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર સરકારી કંપનીઓના શેર્સના વેલ્યૂએશન્સ સસ્તાં હોવાના કારણે તેમજ ઊંચા ડિવિડન્ડ પેઆઉટ્સને કારણે ઘણા વેલ્યૂ ઈન્વેસ્ટર્સે પીએસયૂ શેર્સમાં ખરીદી કરી હતી અને તેને જાળવી રાખી હતી. કેમકે વર્તમાન બજારભાવે પણ તેઓ ઊંચા ડિવિડન્ડ યિલ્ડ્સ દર્શાવી રહ્યાં છે. સરકારે પણ જાહેર સાહસોમાં તેના નિયમિત વેચાણમાં કાપ મૂક્યો હોવાથી દર વર્ષે જોવા મળતી નવા સપ્લાયની ચિંતા પણ હળવી થઈ છે. જેને કારણે પીએસયૂ શેર્સમાં સુધારો જળવાયો છે. સીપીએસઈ ઈટીએફનો પીઈ રેશિયો 7.44 ગણો છે. જેની સામે નિફ્ટીનો પીઈ 23.34 ગણો છે. જો ડિવિડન્ડ યિલ્ડની વાત કરીએ તો સીપીએસઈ ઈટીએફ 5.79 ટકાનું ડિવિડન્ડ યિલ્ડ ધરાવે છે. જ્યારે નિફ્ટી માત્ર 1.11 ટકાનું જ યિલ્ડ સૂચવે છે. જો છેલ્લા ત્રણ અને પાંચ વર્ષોની વાત કરીએ તો સીપીએસઈ ઈટીએફ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવે છે. નિફ્ટીમાં ત્રણ વર્ષોમાં સરેરાશ 16.07 ટકા રિટર્ન સામે ઈટીએફ 10.31 ટકા રિટર્ન સૂચવે છે.
સરકારે ગયા નાણા વર્ષમાં 96 હજાર કરોડનું એસેટ મોનેટાઇઝેશનનું લક્ષ્ય પાર કર્યું
2022-23 માટે સરકારે રૂ. 1.62 લાખ કરોડના એસેટ વેચાણનો ટાર્ગેટ બાંધ્યો છે
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022માં રૂ. 96,000 કરોડનું એસેટ મોનેટાઇઝેશન પૂર્ણ કરીને રૂ. 88,000 કરોડના લક્ષ્યને પાર કર્યું છે. નાણાકીય વર્ષ 2023 માટે સરકારે રૂ. 1.62 લાખ કરડનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે તથા તેને અમલમાં મૂકવા માટે પહેલેથી જ રૂ. 1.6 લાખ કરોડના મૂલ્યની એસેટ પાઇપલાઇનમાં છે.
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે વિવિધ મંત્રાલયો દ્વારા કરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી તથા વિભાગોને તેમના દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યને હાંસલ કરવા દબાણ કર્યું હતું. આ વર્ષે મોનેટાઇઝ થનારી એસેટ માટેની પાઇપલાઇન નીતિ આયોગ દ્વારા વિવિધ મંત્રાલયો સાથેની ચર્ચા દ્વારા તૈયાર કરાઇ રહી છે. વિતેલા વર્ષે માર્ગ, ઉર્જા, કોલ અને માઇનિંગ મંત્રાલય દ્વારા તેનું નેતૃત્વ કરાયું હતું, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ટોલ ઓપરેટ ટ્રાન્સફરના સુધારા તરફી અને નવીન મોડલનો સહયોગ મળ્યો હતો.
માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે રૂ. 23,000 કરોડની એસેટ મોનેટાઇઝ કરી હતી. ઉર્જા મંત્રાલયે પાવરગ્રીડ કોર્પોરેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તથા એનએચપીસીના સિક્યુરિટાઇઝએશન દ્વારા રૂ. 9,500 કરોડ મોનેટાઇઝ કર્યાં હતાં. ઉજા મંત્રાલય માટે રૂ. 7,700 કરોડના મોનેટાઇઝેશનનું લક્ષ્ય નિર્ધારિત કરાયું હતું. નવા માર્કી રોકાણકારોએ માર્ગ અને પઉજા સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં ભાગ લીધો હતો, જેમાં સીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ, ઓન્ટારિયો ટિચર્સ, ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ વગેરે સામેલ હતાં. ખાનગી ક્ષેત્ર માટે કોલ માઇનિંગ ખોલવું તેમજ ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરવા માટે લેવાયેલાં પગલાં માટે 22 કોલ બ્લોક્સની હરાજી કરાઇ હતી. તેના દ્વારા કોલસા મંત્રાલય રૂ. 40,000 કરોડના મૂલ્યની એસેટ મોનેટાઇઝ કરવા સક્ષમ બન્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
બીપીસીએલઃ ટોચની ઓઈલ માર્કેટિંગ કંપની 100 ફાસ્ટ ઈવી ચાર્જિંગ કોરિડોર્સની સ્થાપના માટે રૂ. 200 કરોડનું રોકાણ કરસે. તેણે તાજેતરમાં ચેન્નાઈ-ત્રીચી-મદુરાઈ હાઈવે પર એક ચાર્જિંગ યુનિટની સ્થાપના કરી છે. કંપની 100 નેશનલ હાઈવેઝ પર 2000 સ્ટેશન્સ ધરાવતાં 100 ફાસ્ટ ઈવી ચાર્જિંગ કોરિડોર્સની સ્થાપના કરશે.
હેડલબર્ગઃ સિમેન્ટ કંપનીએ મધ્ય પ્રદેશમાં તેના માઈનીંગ એરિયામાં 5.5 મેગા વોટના સોલાર પાવર પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો છે.
ફર્ટિલાઈઝર કંપનીઓઃ સરકાર 25 જેટલી ફર્ટિલાઈઝર પ્રોડક્ટ્સ પર સબસિડીમાં વૃદ્ધિનો નિર્ણય બુધવારની બેઠકમાં તેવી શક્યતાં છે. રશિયા-યુક્રેન યુધ્ધને કારણે વૈશ્વિક બજારમાં ખાતરના સપ્લાય અને ભાવ પર મોટી અસરને કારણે આમ કરવામાં આવશે. ખાતર સબસિડિ બિલમાં ગયા વર્ષની સરખામણીમાં 60 ટકા વૃદ્ધિનો અંદાજ છે.
ટીવીએસ મોટરઃ ટુ-વ્હીલર્સ કંપનીની સ્વિસ સબસિડિયરીએ 27.9 કરોડ સ્વિસ ફ્રેંકમાં એલેક્ઝાન્ડ્રો એડોર્ડો પેશનમાં 100 ટકા હિસ્સાની ખરીદી કરી છે. એલેક્ઝાન્ડ્રો મૂળે પ્રિમિયમ ઈ-બાઈક બ્રાન્ડ્સ જેવીકે ટ્રેક, મોશ્ટેચ અને અન્યનું વેચાણ કરે છે.
સિમ્પલેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સઃ કંપનીના બોર્ડે ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરી રૂ. 421.8 કરોડનું ફંડ્સ ઊભું કરવા માટે મંજૂરી આપી છે.
રાઈટ્સઃ રેલ્વેની કંપની અને ટાટા સ્ટીલે સંયુક્તપણે ઈન્ટિગ્રેટેડ ઈન્ફ્રા સર્વિસિસ કંપનીની સંભાવના શોધવા માટેનો નિર્ણય લીધો છે.
થર્મેક્સઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ રાજસ્થાન પાસેથી રૂ. 520 કરોડના મુલ્યનો ઓર્ડર મેળવ્યો છે.