Market Summary 13 Jan 2022

ઊંચા ઈન્ફ્લેશનની અવગણના કરી ચોથા દિવસે શેરબજાર પોઝીટીવ
યુએસ ખાતે ડિસેમ્બર માટે કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન 40 વર્ષોની ટોચ પર
માર્કેટ રોટેશનમાં મેટલ અને ફાર્માની આગેવાનીમાં મજબૂતી જળવાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.8 ટકા ઘટી 16.70 પર બંધ રહ્યો
અર્નિંગ્સ સિઝનની અપેક્ષિત શરૂઆતથી તેજીવાળાઓને મોરલ સપોર્ટ
વૈશ્વિક સ્તરે ચીન, જાપાન, કોરિયા અને યુરોપમાં નરમાઈ

શેરબજારમાં ચોપી ટ્રેડ વચ્ચે બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. નિફ્ટી 110 પોઈન્ટ્સની રેંજમાં અથડાતો રહી કામકાજના અંતે 44 પોઈન્ટ્સના સુધારે 18257 પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 85 પોઈન્ટ્સ સુધરી 61235 પર બંધ જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.79 ટકા ગગડી 16.70 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 36 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 14 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. આમ બજારમાં બે મહિનાની ટોચના સ્તરે ટ્રેડર્સમાં લાર્જ-કેપ્સ તરફ વળવાનું વલણ સ્પષ્ટપણે જોવા મળતું હતું.
યુએસ ખાતે ડિસેમ્બર માટેનું રિટેલ ઈન્ફ્લેશન 7 ટકાની 40 વર્ષોની ટોચ પર જોવા મળ્યું હતું. જેની પ્રતિક્રિયારૂપે ફેડ ચેરમેને ઝડપી રેટ વૃદ્ધિ કરવા માટે તેઓ ખચકાશે નહિ એમ જણાવ્યું હતું. જોકે આ કોમેન્ટ પાછળ યુએસ બજારો એકવાર ગગડ્યાં બાદ દિવસના તળિયાથી પરત ફર્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 38 પોઈન્ટ્સના સુધારે બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 35 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો અને ચીન અને જાપાનના બજારો એક ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બપોરે યુરોપ બજારો પણ નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. તેમ છતાં ભારતીય બજાર પોઝીટીવ બંધ આપી શક્યું હતું. જેનું એક મહત્વનું કારણ ત્રીજા ક્વાર્ટરની અર્નિંગ્સ સિઝનની અપેક્ષિત શરૂઆત પણ માનવામાં આવે છે. એનાલિસ્ટ્સના મતે અગ્રણી આઈટી કંપનીઓનો દેખાવ વાજબી રહ્યો છે. વિપ્રોએ નિરાશા આપી છે. જેની પાછળ શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઈન્ફોસિસે ગાઈડન્સમાં સુધારો કરતાં મૂડ અપબીટ બન્યો છે. ટીસીએસને ઊંચા કર્મચારી ખર્ચને કારણે થોડી અસર થઈ છે.
જોકે ગુરુવારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો. જ્યારે મેટલ અને ફાર્મા સપોર્ટ માટે મેદાનમાં આવ્યાં હતાં. નિફ્ટી મેટલ તો 3.48 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવતો હતો. જેમાં સ્ટીલ શેર્સ સુધરવામાં અગ્રણી હતાં. ટાટા સ્ટીલ 6.45 ટકા, જેએસપીએલ 5.85 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4.7 ટકા, એનએમડીસી 3.4 ટકા અને સેઈલ 3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. અન્ય મેટલ શેર્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. ફાર્મા ઈન્ડેક્સ 1.6 ટકા સુધરી બંધ રહ્યો હતો. જેમાં સન ફાર્મા 3.5 ટકા સાથે ટોચ પર હતો. જે સિવાય ડિવિઝ લેબ 2.2 ટકા અને સિપ્લા 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ 1.2 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં કોલ ઈન્ડિયા 3.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ટાટા પાવર, આઈઓસી, બીપીસીએલ અને પાવર ગ્રીડ પાછળ નિફ્ટી એનર્જી પણ 1.23 ટકા સુધારો દર્શાવતો હતો. જોકે નિફ્ટી બેંક 0.67 ટકા નરમાઈ સૂચવતો હતો. અગ્રણી બેંક્સ એચડીએફસી 1.9 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક પણ એક ટકાથી વધુ ઘસારા સાથે બંધ રહ્યાં હતાં.
મીડ અને સ્મોલ-કેપ્સમાં મોમેન્ટમ ધીમું પડ્યું હતું. બીએસઈ ખાતે જોકે 14મા સત્રમાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. જોકે 1737 શેર્સમાં સુધારા સામે 1681 શેર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 430 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહેવા સાથે 421 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. છેલ્લાં બે દિવસથી સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં નીચલી સર્કિટ્સનું પ્રમાણ વધ્યું છે. જે રિટેલ ઈન્વેસ્ટર્સને નાના કાઉન્ટર્સથી દૂર રહેવા માટેનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 18500નું સ્તર અવરોધ બની શકે છે. જે પાર થશે તો બેન્ચમાર્ક 19000 સુધીનો ઝડપી સુધારો દર્શાવે તેવી સંભાવના છે.

બ્રેન્ટ ક્રૂડ વાયદો 85 અબજ ડોલરની બે મહિનાની ટોચે

વૈશ્વિક ક્રૂડના ભાવોમાં મજબૂતી જોવા મળી છે. યુએસ સહિત દુનિયાના અનેક દેશોમાં કોવિડ સંક્રમણમાં વૃદ્ધિ વચ્ચે ક્રૂડના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે સંક્રમણના ત્રીજા વેવને કારણે વૈશ્વિક આર્થિક રિકવરી પર મોટી અસરની શક્યતાં નથી જોવાઈ રહી. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 85.02 ડોલર પ્રતિ બેરલની ઓક્ટોબર મહિના પછીની ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉ તેણે ઓક્ટોબરમાં 86.70 ડોલરની ચાર વર્ષોની ટોચ દર્શાવી હતી. જ્યાંથી ગગડીને તે 67 ડોલર પર ટ્રેડ થયો હતો. જોકે છેલ્લા એક મહિનામાં તે 15 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે વાર્ષિક ધોરણે તે લગભગ 50 ટકા રિટર્ન સૂચવે છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે જાન્યુઆરી ક્રૂડ વાયદો રૂ. 6081ની સપાટી આસપાસ સાધારણ નરમાઈ સૂચવતો હતો. ડોલર સામે ભારતીય ચલણમાં મજબૂતીને કારણે વૈશ્વિક બજારની સરખામણીમાં ભારતીય બજારમાં ક્રૂડના ભાવમાં વૃદ્ધિ નથી જોવા મળી. ગુરુવારે પણ ડોલર સામે રૂપિયો એક પૈસાના સુધારે 73.92ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 73.75ની ત્રણ મહિનાની ટોચ દર્શાવી હતી. છેલ્લાં મહિનામાં રૂપિયો ડોલર સામે અઢી ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યો છે.

ત્રણ કેલેન્ડર્સ બાદ જાન્યુઆરીમાં શેરબજારનો પોઝીટીવ દેખાવ
હજુ અડધો મહિનો પૂરો થયો છે ત્યારે નિફ્ટીએ 5.2 ટકાનું રિટર્ન દર્શાવ્યું
મહિનામાં કુલ 9માંથી 8 ટ્રેડિંગ સત્રોમાં બજાર સુધારા સાથે બંધ જોવા મળ્યું

ભારતીય શેરબજારમાં નવા કેલેન્ડરની શરૂઆત ધમાકેદાર જોવા મળી છે. રિટેલ રોકાણકારોમાં અવઢવ વચ્ચે બજાર તેના ત્રણેક સપ્તાહ અગાઉના તળિયેથી 10 ટકા જેટલું સુધરી ચૂક્યું છે. જ્યારે જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો નિફ્ટીમાં 5.2 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં ત્રણ કેલેન્ડર્સમાં સતત નેગેટીવ રિટર્ન બાદ ચાલુ કેલેન્ડરમાં તે પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યો છે. છેલ્લાં 10 કેલેન્ડર્સના રિટર્નની સાથે સરખામણી કરીએ તો પણ તે ત્રીજો સૌથી સારો દેખાવ સૂચવે છે.
ગુરુવારે ભારતીય બજારે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જે સાથે ચાલુ મહિનામાં નવમાંથી આંઠ દરમિયાન તેણે સુધારા સાથે બંધ જાળવ્યું હતું. ડિસેમ્બર 2021માં 17354ના સ્તરે બંધ થયેલો નિફ્ટી નવ ટ્રેડિંગ સત્રોમાં 904 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. માર્કેટના પોઝીટીવ દેખાવ પાછળ વિદેશી રોકાણકારોનું ભારતીય બજારમાં પોઝીટીવ બનવું એક મહત્વનું કારણ છે. છેલ્લા નવ સત્રોમાં તેમણે ભારતીય ઈક્વિટીઝમાં રૂ. 4000 કરોડ આસપાસનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે. ગયા કેલેન્ડરમાં તેઓ સ્થાનિક બજારમાં સતત વેચવાલ જોવા મળ્યાં હતાં. જોકે તે વખતે સ્થાનિક સંસ્થાઓ અને રિટેલ તરફથી બજારને સપોર્ટ સાંપડ્યો હતો. હવે રિટેલ પાર્ટિસિપેશન ઓછું થયું છે ત્યારે વિદેશી સંસ્થાઓ ફરી નેટ ઈનફ્લો દર્શાવી રહી છે.
સામાન્યરીતે જાન્યુઆરી મહિનામાં માર્કેટમાં એફઆઈઆઈનો આઉટફ્લો જોવા મળતો હોય છે. જોકે ચાલુ વર્ષે આ ટ્રેન્ડ બદલાયો છે એમ બજાર વર્તુળો માને છે. જોકે તેમણે હજુ મોટી ખરીદી નથી જ નોંધાવી પરંતુ ગયા વર્ષે સતત વેચવાલ રહ્યાં હોવાના કારણે હવે તેઓ આગામી સમયગાળામાં પોઝીટીવ જોવા મળી શકે છે. એક અન્ય નોંધપાત્ર બાબત એ પણ છે કે યુએસ ફેડ દ્વારા 2022માં ત્રણ વાર રેટ વૃદ્ધિની વાત કરવા છતાં વિદેશી સંસ્થાઓ ચોખ્ખી ખરીદી દર્શાવી રહી છે. જે સૂચવે છે કે ભારતીય બજાર તેમના માટે આકર્ષક છે. હાલમાં આવી રહેલા નાણા લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ તરફથી આવી રહ્યાં છે એમ પણ વર્તુળો માને છે. જાન્યુઆરી મહિનાના ઐતિહાસિક દેખાવ પર નજર નાખીએ તો છેલ્લાં 31 વર્ષોમાં તે સરેરાશ 0.58 ટકાનું પોઝીટીવ રિટર્ન સૂચવે છે. જોકે છેલ્લાં 15 વર્ષોમાં તે સરેરાશ નેગેટિવ રિટર્ન સૂચવે છે. કેલેન્ડર 2008માં તેણે 13 ટકા અને 2011માં 11 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. જે સિવાય 2014, 2016 અને 2021માં પણ તેણે નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. 2019-2021 દરમિયાન તેણે નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું.

જાન્યુઆરી મહિનામાં બજારનો દેખાવ
કેલેન્ડર વળતર(ટકામાં)
2013 2.41
2014 -3.10
2015 6.35
2016 -4.82
2017 4.59
2018 5.60
2019 -0.29
2020 -1.70
2021 -2.48
2022 5.20
RILએ ગ્રીન એનર્જી સહિતના પ્રોજેક્ટ્સ માટે રૂ. 5.95 લાખ કરોડના MoU કર્યા

દેશમાં ઓઈલથી લઈ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે હાજરી ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાત સરકાર સાથે રૂ. 5.955 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ કર્યાં છે. જેમાં ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇન્નોવેશન અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાયરૂપ બનવા રિલાયન્સ ઇકો-સિસ્ટમ વિકસાવશે. કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022ના ભાગરૂપે આ એમઓયુ કર્યાં છે. આ પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં 10 લાખ જેટલી પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. કંપનીએ રાજ્ય સરકાર સાથે મળીને 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે. કંપની ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ – ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ, સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેક્ટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફ્યુઅલ સેલ્સ વગેરે સહિતની ફેસિલિટી સ્થાપવા માટે રૂ. 60,000 કરોડનું રોકાણ કરશે.

અદાણી જૂથ પોસ્કો સાથે મળી 5 અબજ ડોલરનું રોકાણ કરશે
કોરિયન જૂથ પોસ્કો સાથે મળીને અદાણી જૂથ 5 અબજ ડોલરનું રોકાણ કરવા માટે સહમત થયું છે. બંને જૂથો ગુજરાત ખાતે મુંદ્રામાં ગ્રીન, એન્વાર્યન્મેન્ટ-ફ્રેન્ડલી ઈન્ટિગ્રેટેડ સ્ટીલ મિલ સ્થાપવા સહિતની બિઝનેસ તકો શોધશે. અદાણી અને પોસ્કો વચ્ચેના નોન-બાઈન્ડિંગ એમઓયૂ વિવિધ ઉદ્યોગો જેવાકે રિન્યૂએબલ એનર્જિ, હાઈડ્રોજન અને લોજિસ્ટીક્સમાં વધુ જોડાણ હાથ ધરશે. બંને કંપનીઓ કાર્બન ઘટાડાની જરૂરિયાતોને ઘ્યાનમાં રાખીને ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં પોસ્કોની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટેક્નોલોજી અને કટીંગ-એજ આરએન્ડડીનો ઉપયોગ કરી મુંદ્રા ખાતે સ્ટીલ મિલની સ્થાપનાનો સમાવેશ થાય છે.

વૈશ્વિક સ્તરે સ્ટાર્ટ-અપ્સે 621 અબજ ડોલર ઊભાં કર્યાં
સ્ટાર્ટ-અપ્સે કેલેન્ડર 2021માં 621 અબજ ડોલરનું ફંડીંગ મેળવ્યું હતું. જે અગાઉના વર્ષ કરતાં ઊંચું હતું. સમગ્ર વિશ્વમાં સ્ટાર્ટ-અપ કલ્ચરનો વ્યાપ વધ્યો હતો. જોકે સિલિકોન વેલી મજબૂતપણે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. કુલ 612 અબજ ડોલરમાંથી લગભગ 50 ટકા રકમ યુએસના ફાળે ગઈ હતી. ત્યાંની સ્ટાર્ટ-અપ્સ કંપનીઓએ 311 અબજ ડોલર ઊભા કર્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage