બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી 14800 પર બંધ આપવામાં સફળ
વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ ભારતીય બજાર પણ સુધારો જાળવવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી 15821ની ટોચ બનાવી 15812ના સ્તરે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી પણ 1.35 ટકાના સુધારે 35673ના સ્તરે બંધ રહેવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડાઈસિસ તેમની નવી ટોચ પર બંધ રહ્યાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે હજુ પણ બજારમાં 15900નો અવરોધ જોઈ રહ્યાં છે. જે પાર નહિ થાય ત્યાં સુધી બજાર ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ અનુભવી શકે છે. લોંગ ટ્રેડર્સે 15700ના સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
ઈન્ડિયા વીક્સ 3 ટકા તૂટ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ ફરી 3 ટકા તૂટી 12.62ના તળિયા પર આવી ગયો છે. જે આગામી સત્રોમાં બજાર સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળે તેવી શક્યતા સૂચવે છે. જુલાઈ એક્સપાયરીને હજુ 15 દિવસો બાકી હોવા છતાં બજારમાં કોલ અને પુટના પ્રિમીયમ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
માઈન્ડટ્રીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 343 કરોડનો નફો નોંધાવ્યો
મીડ-કેપ આઈટી કંપની માઈન્ડટ્રીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 343 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ત્રિમાસિક ધોરણે 8 ટકા વૃદ્ધિ સૂચવે છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 317.3 કરોડનો નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે કંપનીએ નફામાં 61.2 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 8.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2291.7 કરોડ પર રહી હતી. ડોલર સંદર્ભમાં કંપનીની આવક 7.7 ટકા સુધારા સાથે 31.05 કરોડ ડોલર રહી હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીની ઓર્ડરબુક 50 કરોડ ડોલરથી વધુના સર્વોચ્ચ સ્તરે જોવા મળી રહી હતી. કંપનીનો એબિટ માર્જિન જોકે ત્રિમાસિક ધોરણે 90 બેસીસ પોઈન્ટ્સ ગગડી 17.7 ટકા પર જોવા મળ્યો હતો. વાર્ષિક ધોરણે તેણે આવકમાં રૂપિયા સંદર્ભમાં 20.1 ટકા જ્યારે ડોલર સંદર્ભમાં 22.6 ટકાનો વૃદ્ધિ દર્શાવ્યો હતો.
ઝોમેટોના આઈપીઓ અગાઉ ઈન્ફો એજનો શેર 5 ટકા તૂટ્યો
ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો આઈપીઓ ખૂલવાના આગલા દિવસે ઈન્ફો એજના શેરમાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈ ખાતે કંપનીનો શેર રૂ. 243.20 ઘટી રૂ. 5156.95ના સ્તરે બંધ આવ્યો હતો. ઝોમેટાનો રૂ. 9375 કરોડના આઈપીઓમાં રૂ. 9000 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર્સ મારફતે ઊભાં કરવામાં આવશે. જ્યારે રૂ. 375 કરોડની રકમ ઈન્ફો એજ ઓફર-ફોર-સેલમાંથી મેળવશે. કંપની ફૂડ ડિલિવરી પ્લેટફોર્મમાં 18.55 ટકાનો હિસ્સો ધરાવે છે. ઝોમેટોનો આઈપીઓ 14 જુલાઈએ ખૂલે છે અને 16 જુલાઈએ બંધ થાય છે. ઈન્ફોએજનો શેર રૂ. 5880ની સર્વોચ્ચ સપાટી દર્શાવી છેલ્લાં ત્રણ મહિનાથી કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે.
સીડીએસએલનો શેર 16 ટકા ઉછળ્યો
દેશમાં અગ્રણી ડિપોઝીટરી કંપની સીડીએસએલનો શેર 16 ટકાના તીવ્ર ઉછાળા સાથે રૂ. 1254.45ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીના શેરે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 1279.80ની ટોચ દર્શાવી હતી. કંપનીએ રૂ. 13000 કરોડના માર્કેટ-કેપને હાંસલ કર્યું હતું.. છેલ્લા પાંચ વર્ષોમાં સીડીએસએલે ઊંચો વૃદ્ધિ દર હાંસલ કરી એનએસડીએલને પાછળ રાખી દીધી છે. સીડીએસએલે તાજેતરમાં 4 કરોડ ડિમેટ એકાઉન્ટ્સનું સીમાચિહ્ન પણ હાંસલ કર્યું હતું. સેબીએ માર્જિન પ્લેજના નવા નિયમો અમલમાં મૂક્યાં બાદ દેશની બંને ડિપોઝીટરીઝે નોંધપાત્ર બિઝનેસ વૃદ્ધિ દર્શાવી છે. ડિસેમ્બર 2020થી અમલમાં આવેલા નવા નિયમો તથા બજારમાં તેજીને કારણે ઊંચા કામકાજને કારણે દૈનિક ધોરણે સીડીએલ અને એનએસડીએલના બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
ડોલર સામે રૂપિયો 9 પૈસા સુધર્યો
ભારતીય ચલણે યુએસ ડોલર સામે બીજા દિવસે સુધારો જાળવી રાખ્યો હતો. સોમવારે 74.58 સ્તરે બંધ થયેલો રૂપિયો મંગળવારે 9 પૈસા સુધરી 74.49ના સ્તરે બંધ રહ્યો હતો. રૂપિયો 74.51ના સ્તરે ખૂલી સુધરીને 74.41 થયા બાદ ફરી પાછો પડ્યો હતો અને 74.49 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ રૂપિયામાં મજબૂતી જોવા મળી રહી છે. જોકે ફોરેક્સ એનાલિસ્ટ્સ 74.30ની નીચે રૂપિયાનો ટ્રેન્ડ નરમ જ રહેશે એમ જણાવે છે.
કંપની સમાચાર
સ્પાઈસ જેટઃ ઉડ્ડયન કંપની 16 જુલાઈથી મધ્યપ્રદેશ માટે 8 નવી ફ્લાઈટ્સ શરૂ કરશે.
એફડીસીઃ ફાર્મા કંપનીએ દેશમાં પ્રથમવાર વાઈરસ સામે લડવા માટે ઓરલ સસ્પેન્શન ફેવીપીરાવીર રજૂ કરી છે.
ટેલિકોમ કંપનીઝઃ એપ્રિલ મહિનામાં રિલાયન્સ જિઓએ 47.6 લાખ ગ્રાહકોનો ઉમેરો કર્યો હતો. ભારતી એરટેલે એપ્રિલમાં 5.17 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં. વીએ સમાનગાળામાં 18.1 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં.
અશોક બિલ્ડકોનઃ કંપનીએ એનએચએઆઈ પાસેથી રાજસ્થાન માટે રૂ. 726 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. કંપની સૌથી સસ્તાં બીડર તરીકે ઊભરી હતી.
વી-ગાર્ડઃ અગ્રણી એએમસી એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે કંપનીમાં રૂ. 265 પ્રતિ શેરના ભાવે 50 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી હતી.
લંબોધર ટેક્સટાઈલઃ રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીની ડેટ ફેસિલિટીઝ માટેના ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કર્યું છે.
શિલ્પા મેડિકરઃ કંપનીએ કર્ણાટકમાં રાઈચૂર સ્થિત એપીઆઈ બિઝનેસના યુનિટ-1 અને યુનિટ-2ને કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનાવીને તેમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે.
એચડીએફસી એએમસીઃ કંપની એચડીએફસી ફ્લેક્સિ કેપ ફંડના 26 વર્ષ ઉજવી રહ્યું છે. ફંડનું એયૂએમ 26 વર્ષમાં 87 ગણુ વધ્યું છે. ફંડે લોંચથી અત્યાર સુધી સરેરાશ 18.44 ટકા રિટર્ન આપ્યું છે. જે નિફ્ટી 500ના 12 ટકા સામે ચડિયાતું છે.
સનટેક રિઅલ્ટીઃ રિઅલ્ટી કંપનીના પ્રથમ ક્વાર્ટરના કલેક્શન્સમાં વાર્ષિક ધોરણે 165 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 172 કરોડ પર રહ્યું હતું.
એજિસ લોજિસ્ટીક્સઃ લોજિસ્ટીક કંપનીએ એલપીજી અને કેમિકલ ટર્મિનલ્સ માટે વોપાક સાથે મળી એજીસ વોપાક ટર્મિનલ્સ નામે સંયુક્ત સાહસની સ્થાપના કરી છે.
એચએફસીએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 90.69 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 21.34 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ મહિનામાં રૂ. 699.76 કરોડની સરખામણીમાં 72.46 ટકા વધી રૂ. 1206.87 કરોડ રહી હતી.
ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાઃ બીએનપી પારિબા આર્બિટ્રેડ ફંડે સતત બીજા દિવસે કંપનીના શેર્સ ખરીદ્યાં હતાં. તેણે એનએસઈ ખાતે રૂ. 370.55 પ્રતિ શેરના ભાવે 12,52,100 ઈક્વિટી શેર્સ ખરીદ્યાં હતાં.
એસએમએલ ઈસુઝુઃ નવોદય એન્ટરપ્રાઈઝે એનએસઈ ખાતેથી કંપનીના 1,26,429 ઈક્વિટી શેર્સ ખરીદ્યાં છે. તેણે રૂ. 584.6 પ્રતિ શેના ભાવે ઈક્વિટી હિસ્સો ખરીદ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર નામે સંપૂર્ણ માલિકીની કંપની ખોલી છે. તેણે રૂ. એક લાખના ઈન્વેસ્ટમેન્ટ સાથે સોલાર એનર્જી સંબંધિત કામગીરી હાથ ધરવા કંપનીની સ્થાપના કરી છે.
એલઆઈસી હાઉસિંગઃ આસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ કંપનીના 1,94,291 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે. તેણે કંપનીમાં હિસ્સો 3.05 ટકા પરથી ઘટાડી 3.01 ટકા કર્યો છે.
આઈએસએમટીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 112.2 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 79.11 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 276.24 કરોડ સામે વધી રૂ. 459 કરોડ રહી હતી.