માર્કેટ સમરી
રિઝલ્ટ સિઝનની નબળી શરૂઆતે માર્કેટમાં ફરી નિરસતા
તેજીવાળાઓનો વિશ્વાસ ડગતાં નિફ્ટી 16 હજાર જાળવવામાં નિષ્ફળ
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટોચ પરથી 700 પોઈન્ટ્સથી વધુ ગગડ્યો
એનર્જી, બેંક, આઈટીમાં નરમાઈ
ફાર્મા, મેટલ અને એફએમસીજીમાં લેવાલી
વૈશ્વિક બજારોમાં પણ અન્ડરટોન નરમ
વોલેટિલિટી ઈન્ડેક્સ 18.52ના સ્તરે ફ્લેટ
એચસીએલ ટેક, ટીસીએસ સહિતના શેર્સ વાર્ષિક તળિયા પર
બ્રોડ માર્કેટમાં 50:50 ટ્રેન્ડ
બે ટોચની આઈટી કંપનીઓએ રજૂ કરેલા પરિણામો સ્ટ્રીટને માફક નહિ આવતાં તેજીવાળાઓનો વિશ્વાસ ડગ્યો હોય તેમ જણાય રહ્યો છે. જેને કારણે ચાલુ સપ્તાહે સતત ત્રીજા સત્રમાં માર્કેટ નરમાઈ તરફી જળવાયું હતું. બુધવારે તો બેન્ચમાર્ક સેન્સેક્સ તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી 700થી વધુ પોઈન્ટ્સ ગગડ્યો હતો અને કામકાજની આખરમાં 372 પોઈન્ટ્સ ઘટાડા સાથે 53514ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ્સ ગગડી 15967 પર બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલીનો અભાવ હતો અને તેથી માર્કેટ-બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ પણ ફ્લેટ બંધ દર્શાવતો હતો.
બુધવારે કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી અને લગભગ અડધા દિવસ સુધી બજાર પોઝીટીવ ઝોનમાં ટકેલું રહ્યું હતું. જોકે બપોર બાદ ધીમી વેચવાલી જોવા મળી હતી અને બંધ થતાં અગાઉ જોત જોતામાં તે તાજેતરના તળિયા પર પહોંચી ગયું હતું. નિફ્ટીએ 16 હજારની નીચે બંધ દર્શાવ્યું હતું. વૈશ્વિક સ્તરે એશિયન બજારોમાં હોંગ કોંગ અને સિંગાપુરને બાદ કરતાં સ્થિરતા જોવા મળી હતી. તાઈવાન બજારે બાઉન્સ દર્શાવ્યો હતો. જોકે યુરોપ બજારોમાં નરમાઈ આગળ વધી હતી અને તેની અસર ભારતીય બજાર પર પણ વર્તાતી હતી. મંગળવારે એચસીએલ ટેક્નોલોજીએ પણ પ્રતિકૂળ પરિણામો દર્શાવ્યાં હતાં. જેની પાછળ આઈટી બાસ્કેટમાં નરમાઈ જોવા મળી હતી. ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજી બંને તેમના વાર્ષિક તળિયા નજીક ટ્રેડ દર્શાવતાં હતાં. આ ઉપરાંત એનર્જી અને બેંકિંગમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી એનર્જી 1.5 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં બે દિવસના તીવ્ર સુધારા બાદ અદાણી ગ્રીન એનર્જીમાં 8.3 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.8 ટકા, ગેઈલ એક ટકો અને એચપીસીએલ પણ એક ટકા આસપાસ ઘટાડો દર્શાવી રહ્યો હતો. જોકે એનટીપીસીમાં સુધારો જળવાયો હતો અને તે એક ટકો સુધારો સૂચવતો હતો. નિફ્ટી બેંક 0.9 ટકા ઘસાયો હતો. જેમાં મુખ્ય ભૂમિકા ઈન્ડસઈન્ડ બેંકની રહી હતી. ઈડી તરફથી તપાસના અહેવાલ પાછળ શેર તૂટીને રૂ. 800ની નીચે જતો રહ્યો હતો. જ્યાંથી થોડો બાઉન્સ થઈ 3.3 ટકા ઘટાડે રૂ. 819 પર બંધ રહ્યો હતો. એચડીએફસી બેંકમાં પણ 2.5 ટકા અને બંધન બેંકમાં 1.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કોટક બેંક જોકે 1.34 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી 0.42 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેમાં ટીસીએસ 1.5 ટકા, એચસીએલ ટેક 1.1 ટકા અને એમ્ફેસિસ 0.83 ટકા મુખ્ય હતાં. બીજી બાજુ માઈન્ડટ્રી 1.7 ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો. ફાર્મા શેર્સમાં લેવાલી પાછળ નિફ્ટ ફાર્મા 1.4 ટકા સુધર્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 4.52 ટકા સાથે ટોચ પર હતો. ડિવીઝ લેબ્સ 2.5 ટકા, લ્યુપિન 2.2 ટકા, સિપ્લા 1.9 ટકા અને આલ્કેમ 1.63 ટકા સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ 0.94 ટકા સુધારો દર્શાવતો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં વરુણ બેવરેજીસ 2.5 ટકા, એચયૂએલ 2 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 1.9 ટકા અને કોલગેટ 1.6 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. માર્કેટ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 16 હજારની નીચે બંધ દર્શાવતાં આગામી સત્રોમાં વધુ દબાણ જોવા મળી શકે છે. બેન્ચમાર્કને 15700ના સ્તરે મહત્વનો સપોર્ટ રહેલો છે. જેને સ્ટોપલોસ જાળવી લોંગ પોઝીશન હોલ્ડ કરી શકાય. કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી હળવી થઈ છે. જોકે બીજી બાજુ સ્થાનિક ફ્લો પણ ઘટ્યો છે અને તેથી બજારમાં સુધારા ટકી રહ્યાં નથી. છેલ્લાં કેટલાક સત્રોમાં લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સનો દેખાવ સારો જળવાયો છે. આમ ઘટાડે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ખરીદી કરવામાં લાભ મળવાની શક્યતાં ઊંચી છે.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સીજી કન્ઝ્યૂમર 4.3 ટકા, લૌરસ લેબ્સ 4 ટકા, સિન્જિન ઈન્ટરનેશનલ 3.8 ટકા, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 3.42 ટકા, એસ્ટ્રાલ લિ. 3.2 ટકા, વોલ્ટાસ 2.8 ટકા અને દાલમિયા ભારત 2.7 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ડો. લાલ પેથલેબ 3.4 ટકા, ભારતી એરટેલ 3 ટકા, એચડીએફસી 2.8 ટકા, એચડીએફસી બેંક 2.4 ટકા અને રિલાયન્સ 1.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં લેવાલી નહોતી તો વેચવાલી પણ નહોતી જોવા મળી. જેને કારણે બીએસઈ ખાતે કુલ 3463 ટ્રેડેડ કાઉન્ટર્સ સામે 1612 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1705 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે 73 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી અને 30 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
FPIsની ઈન્ડેક્સ શોર્ટ પોઝીશનમાં 50 ટકા જેટલો ઘટાડો
વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ)એ તેમની ઈન્ડેક્સ ફ્યુચર્સમાંની શોર્ટ પોઝીશનમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાવ્યો છે. જેને માર્કેટ નિરીક્ષકો એફપીઆઈ મંદીનો મત નહિ ધરાવતી હોવાનું ગણાવી રહ્યાં છે. 16 જૂનના રોજ એફપીઆઈ ઈન્ડેક્સ ફ્યુચર્સ સેગમેન્ટમાં 1.46 લાખ કોન્ટ્રેક્ટ્સની શોર્ટ પોઝીશન્સ ધરાવતાં હતાં. જે 8 જુલાઈના રોજ ઘટીને 62 હજાર કોન્ટ્રેક્ટ્સ પર જોવા મળી હતી. સમાનગાળામાં કેશ નિફ્ટીમાં 5 ટકા સુધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં ઈન્ટ્રા-ડે 15200 આસપાસના તળિયાથી સોમવારે તે 16100ના સ્તરને પાર કરી ગયો હતો. નિષ્ણાતોના મતે બજાર હાલમાં ઓવરસોલ્ડ છે અને તેથી કોઈ પ્રતિકૂળ અહેવાલ પાછળ મંદીની પોઝીશન લેવી એ કોઈ સમજદારી નથી દર્શાવતું. એફપીઆઈની શોર્ટ પોઝીશનમાં ઘટાડો નોંધાયો છે. જોકે લાર્જ ક્લાયન્ટ્સ અથવા તો પ્રોપરાયટરી ટ્રેડર્સ તરીકે ઓળખાતો વર્ગ તેની લોંગ પોઝીશન્સ લઈને ઊભો છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ચાર મહિનાના તળિયે
ક્રૂડના ભાવ તેના ચાર મહિનાથી વધુના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે રાતે 100 ડોલર નીચે ઉતરી ગયા બાદ 98 ડોલરથી 101 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. બુધવારે તે મોટાભાગનો સમય 100 ડોલરની નીચે જ ટ્રેડ થયો હતો. જે છેલ્લાં ચાર મહિનામાં પ્રથમવાર જોવા મળ્યું હતું. અગાઉ તે ત્રણેકવાર 100 ડોલર નીચે જઈ પરત ફર્યો હતો અને 110 ડોલરને પાર કરી ગયો હોય તેમ જોવા મળ્યું છે. જોકે એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક બજારમાં સપ્લાયની સ્થિતિ હળવી થઈ રહી છે અને તેથી ક્રૂડના ભાવ પણ અન્ય કોમોડિટીઝની માફક ધીમે-ધીમે ઘસાઈ રહ્યાં છે. જોકે બ્રેન્ટ ક્રૂડને 96 ડોલર આસપાસ સપોર્ટ છે. જો આ સ્તર તૂટશે તો તે વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતાં હોવાનું તેઓ ઉમેરે છે.
વૈશ્વિક ગોલ્ડના ભાવ દોઢ વર્ષના તળિયે ઉતરી ગયાં
જીઓ-પોલિટિકલ જોખમની ઓસરતી અસરે ડોલરમાં તીવ્ર તેજી પાછળ વૈશ્વિક ગોલ્ડના ભાવ જાન્યુઆરી 2021 પછીના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે. કોમેક્સ ખાતે ગોલ્ડ બુધવારે 1720 ડોલર પર ટ્રેડ થયું હતું. છેલ્લાં દોઢ મહિનામાં 150 ડોલરથી વધુના ઘટાડા વચ્ચે ગોલ્ડમાં બાઉન્સ જોવા મળ્યું નથી. ગોલ્ડ ગયા સપ્તાહે 1800 ડોલરના મહત્વના સાઈકોલોજિકલ સપોર્ટ નીચે ઉતરી ગયું હતું. ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન જંગ બાદ તેણે 2070 ડોલરને સ્પર્શ કર્યો હતો. જે તેનું સર્વોચ્ચ સ્તર નજીકનું લેવલ હતું. જ્યાંથી ત્રણ મહિનામાં તે દોઢ વર્ષના તળિયા પર પટકાયું છે. ભારતીય બજારમાં તે રૂ. 50 હજારની સપાટીને હજુ પણ સાચવી શક્યું છે. કેમકે ડોલર સામે રૂપિયામાં ચાલુ કેલેન્ડરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતીય ટેક્નોલોજી કંપનીઓએ USમાં 2 લાખથી વધુને નોકરી આપી
2021માં યુએસને 103 અબજ ડોલરની આવક ઊભા કરવામાં સહાય કરી
ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગે કેલેન્ડર 2021માં યુએસ ખાતે 2.07 લાખ લોકોને સીધી રોજગારી આપવા સાથે 103 અબજ ડોલરની રેવન્યૂનું સર્જન કર્યું હોવાનું નાસ્કોમે તેના રિપોર્ટમાં નોંધ્યું છે. ભારતીય કંપનીઓએ સરેરાશ 106360 ડોલરનું વેતન આપ્યું છે. જે 2017ના સ્તરથી 22 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
નાસ્કોમ અને આઈએચએસ માર્કિટના રિપોર્ટ મુજબ ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગની સીધી અસરને કારણે યુએસ અર્થતંત્રને કુલ 396 અબજ ડોલરનું વેચાણ ઊભું કરવામાં સહાયતા મળી છે. જે 16 લાખ નોકરીઓને સપોર્ટ કરે છે અને અમેરિકી અર્થતંત્રમાં 198 અબજ ડોલરનું યોગદાન આપી રહી છે. જે યુએસના 20 રાજ્યોના સંયુક્ત યોગદાન કરતાં વધુ છે. ભારતીય ટેક સેક્ટર ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 75 ટકા કરતાં વધુ કંપનીઓ સાથે કામ કરે છે. આમાંની મોટાભાગની યુએસ હેડક્વાર્ટર્ડ કંપનીઓ છે અને તેથી તેઓ ક્રિટિકલ સ્કિલના પડકારોને મેળવવા માટે સારી સમજ ધરાવે છે એમ નાસ્કોમના પ્રેસિડેન્ટ દેવ્યાની ઘોષ જણાવે છે. ભારતીય ટેક્નોલોજી કંપનીઓએ 1.1 અબજ ડોલરના યોગદાન સાથે યુએસ ખાતે સ્ટેમ પાઈપલાઈનને મજબૂત કરવા માટે 180 યુનિવર્સિટિઝ, કોલેજિસ, કોમ્યુનિટી કોલેજિસ અને અન્યો સાથે ભાગીદારી વિકસાવી છે. તેણે માત્ર કે-12ના પગલા માટે જ 30 લાખ ડોલરથી વધુ પૂરા પાડ્યા છે. આ પ્રયાસો યુએસ ખાતે 29 લાખ સ્ટુડન્ટ્સ અને ટિચર્સ સુધી પહોંચ્યાં છે. વધુમાં વર્તમાન 2.55 લાખ કર્મચારીઓની સ્કિલ પણ અપગ્રેડ કરવામાં આવી હોવાનું રિપોર્ટ જણાવે છે.
મેઘ મહેર બાદ રાજ્યમાં ખરિફ વાવેતર ખાધમાં નોંધપાત્ર ઘટાડો
અગાઉના સપ્તાહે 10.33 લાખ હેકટરનો ગેપ ઘટી 2.43 લાખ હેકટર પર રહ્યો
ખરિફ વાવેતર 44.37 લાખ હેકટર સાથે 51.4 ટકા વિસ્તારમાં પૂર્ણ
કપાસનું વાવેતર ગયા વર્ષના 18.43 લાખ હેકટર સામે 20.53 લાખ હેકટરમાં સંપન્ન
મગફળીના વાવેતરમાં હજુ 86 હજાર હેકટરનો ઘટાડો
ખાદ્યાન્ન, કઠોળ, ઘાસચારા અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર હજુ નીચું
છેલ્લાં બે સપ્તાહથી જોવા મળી રહેલાં વ્યાપક વરસાદને કારણે રાજ્યમાં ખરિફ વાવેતરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને તે ત્રણ વર્ષની સરેરાશના 51.4 ટકા વિસ્તારમાં પૂર્ણ થયું છે. જેને કારણે ગયા વર્ષની સરખામણીમાં એક સપ્તાહ અગાઉ જોવા મળતી 10.33 લાખ હેકટરની ખાધ ઘટી માત્ર 2.43 લાખ હેકટરમાં જોવા મળે છે. જે પણ આગામી પખવાડિયામાં ભરાઈ જાય તેવી પૂરી શક્યતાં છે. જોકે બીજી બાજુ કેટલાંક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે વાવેતરને નુકસાન પણ ગયું છે અને તેથી ફરીથી વાવણી કરવી પડશે એમ વર્તુળો જણાવે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 86.32 લાખ હેકટર વિસ્તારમાં ખરિફ વાવેતર જોવા મળ્યું હતું. જે ચાલુ વર્ષે 44.37 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. ગયા વર્ષે સમાનગાળામાં 46.80 લાખ હેકટરમાં વાવેતર જોવા મળતું હતું.
ખરિફ પાકોમાં કપાસને બાદ કરતાં અન્ય તમામ પાકોનું વાવેતર નીચું જોવા મળી રહ્યું છે. કપાસનું વાવેતર ગઈ સિઝનમાં સમાનગાળામાં 18.43 લાખ હેકટરની સામે 2.1 લાખ હેકટરની વૃદ્ધિ સાથે 20.53 લાખ હેકટરમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 24 લાખ હેકટરમાં કપાસનું વાવેતર જોવા મળ્યું હતું. જોકે કોમોડિટીઝના ઊંચા ભાવોને જોતાં ખેડૂતોમાં કપાસના વાવેતર તરફ ઝોક જોવા મળે તે સ્વાભાવિક છે. વર્તુળો મુજબ કપાસનું વાવેતર 27-28 લાખ હેકટર સુધી પહોંચવાની શક્યતાં છે. બીજા મુખ્ય ખરિફ પાક મગફળીનું વાવેતર 14.26 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 15.40 લાખ હેકટરની સરખામણીમાં 86 હજાર હેકટરનો ઘટાડો સૂચવે છે. રાજ્યમાં સરેરાશ 18.43 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું છે. તેલિબિયાંના ભાવ પણ ઊંચા હોવાના કારણે મગફળીનું વાવેતર આગામી સપ્તાહમાં તેની સરેરાશ આસપાસ પહોંચી જવાની શક્યતાં છે. ચાલુ સિઝનમાં તલના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ગઈ સિઝનમાં 39 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં માત્ર 18 હજાર હેકટરમાં તલની વાવણી થઈ છે. સોયાબિનનું વાવેતર 1.48 લાખ હેકટર સામે 1.35 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જો કઠોળ પાકોની વાત કરીએ તો વાવેતરમાં 1.12 લાખ હેકટરનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ સિઝનમાં 2.28 લાખ હેકટર સામે હજુ સુધીમાં માત્ર 1.16 લાખ હેકટરમાં જ કઠોળ વવાયાં છે. કઠોળમાં અડદનું વાવેતર ગઈ સિઝન કરતાં 53 હજાર હેકટરન જ્યારે તુવેરમાં 44 હજાર હેકટર અને મગમાં 11 હજાર હેકટરનો ઘટાડો દર્શાવે છે. ખરિફ ધાન્યોમાં પણ ડાંગર, બાજરી અને મકાઈના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જોકે ડાંગર પકવતાં વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તેનું વાવેતર ગઈ સિઝનથી આગળ નીકળી જાય તેવી શક્યતાં છે. અત્યાર સુધીમાં તે 79 હજાર હેકટરમાં નોંધાયું છે. જે ગયા વર્ષે 1.10 લાખ હેકટરમાં જોવા મળતું હતું. મકાઈનું વાવેતર પણ 1.65 લાખ હેકટર સામે 1.21 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 3.13 લાખ હેકટર(ગઈ સિઝનમાં 3.99 લાખ હેકટર) અને શાકભાજીનું વાવેતર 1 લાખ હેકટર(1.09 લાખ હેકટર)માં જોવા મળે છે.
ખરિફ વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
પાક ખરિફ 2021 ખરિફ 2022
કપાસ 18.43 20.53
મગફળી 15.40 14.26
ખાદ્યાન્ન 3.58 2.72
કઠોળ 2.28 1.16
ઘાસચારો 3.99 3.13
શાકભાજી 1.09 1.0
કુલ 46.80 44.33
એક્સિસ MF કૌભાંડ 465 અબજ ડોલરના મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગને હલાવે તેવી આશંકા
માર્કેટ વર્તુળોના મતે સમગ્ર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે ઊંચી સ્ક્રૂટિની જોવા મળે તેવી શક્યતાં
ભવિષ્યાં ફંડ મેનેજર્સ, ડિલર્સ અને તેમના નજીકના સંબંધીઓના બેંક એકાઉન્ટ્સની તથા ટેક્સ રિટર્ન્સની સ્ક્રૂટિની થઈ શકે
દેશમાં ટોચના એસેટ મેનેજર્સમાંથી એક એવા એક્સિસ મ્યુચ્યુલ ફંડમાં ફ્રન્ટ રનીંગને લઈને થઈ રહેલી તપાસ 465 અબજ ડોલરના સમગ્ર મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગને હચમચાવે તેવી શક્યતાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં જોડાયેલા વર્તુળોના મતે સમગ્ર ભારતીય મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે ઊંચી સ્ક્રૂટિની જોવા મળે તેવી શક્યતાં છે. કેમકે આ કોઈ એક એએમસી કંપની સાથે જોડાયેલી ઘટના હોય તેવું સંભવ નથી. એક લો એડલાઈઝરી ફર્મ્સના ફાઉન્ડર જણાવે છે કે સેબી જે સ્તર સાથે તપાસ કરી રહી છે તેને જોતાં તે ઘટનાને લઈને ખૂબ જ ગંભીર હોવાનું જણાય છે. તેમના મતે ઝડપી તપાસ અને પગલાં સાથે ફંડ મેનેજર્સ માટે વધુ સખત નિયમો અમલી બની શકે છે.
તેમના મતે આગામી સમયમાં ફંડ મેનેજર્સ, ડિલર્સ અને તેમના નજીકના સંબંધીઓના બેંક એકાઉન્ટ્સની તથા ટેક્સ રિટર્ન્સની સ્ક્રૂટિની કરવા સુધીની જોગવાઈઓ થઈ શકે છે. ઊંચું જોખમ ધરાવતાં સ્ટોક ટ્રેડિંગ અને નીચું-રિટર્ન આપતી બેંક ડિપોઝીટ્સ વચ્ચે મ્યુચ્યુલ ફંડ્સ યુવાન તથા સિનિયર સિટિઝન્સ માટે આકર્ષક રોકાણ વિકલ્પ પૂરો પાડે છે. છેલ્લાં એક દાયકામાં એમએફ ઉદ્યોગ પાંચ ગણો વૃદ્ધિ પામ્યો છે. જૂનની આખરમાં તેનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 37 લાખ કરોડ પર જોવા મળતું હતું. એક્સિસ મ્યુચ્યુલ ફંડ 2009માં પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ સાથે ઉદ્યોગમાં જોડાયું હતું અને જૂનની આખરમાં તે રૂ. 2.5 લાખ કરોડના એયૂએમ સાથે સાતમી સૌથી મોટી એસેટ મેનેજર હતી. કંપનીએ દૂર કરેલા ચીફ ડિલર વિરેશ જોષી શરૂઆતી સભ્યોમાંના એક હતાં. તેઓ 2019થી ફંડના ટ્રેડિંગ ઓપરેશન્સના વડા હતા. બ્રિટીશ ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ શ્રોડર્સે એક્સિસ એએમસીમાં 25 ટકા હિસ્સો લીધો હતો. જ્યારે બાકીનો હિસ્સો એક્સિસ બેંક પાસે છે.
જુલાઈમાં એક્સિસ એએમસીએ રેગ્યુલેટરને તેનો તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે દૂર કરવામાં આવેલા ફંડના કર્મચારીઓ એ સિક્યૂરિટીઝ લોનો ભંગ કર્યો હોવાના પુરાવા તેની પાસે છે. સેબી પણ સંભવિત ફ્રંટ રનીંગ કેસમાં બે કર્મચારીઓની તપાસ કરી રહી છે. ફ્રન્ટ રનિંગએ કોઈ કંપનીના શેરમાં મોટો ફેરફાર થવાની શક્યતાં ધરાવતાં મોટા ટ્રાન્ઝેક્શન અગાઉ આ માહિતીનો ઉપયોગ કરી કરવામાં આવતો સોદો છે. જે સંપૂર્ણપણે ગેરકાયદે છે. સેબીએ એક્સિસ એમએફના અધિકારીઓ, સ્ટોક બ્રોકર્સ અને ટ્રેડર્સના 30થી વધુ લોકેશન્સ ખાતે તપાસ કરી હોવાનું વર્તુળો જણાવે છે.
તપાસમાં કેટલીક એવી બાબતો પણ બહાર આવી રહી છે કે કોવિડ નિયંત્રણોને કારણે છેલ્લાં બે વર્ષોથી કોમ્પ્લાયન્સિસ અને પ્રેકટિસિસ સંબંધી નિયમોનો ભંગ કરાયો હતો. જેને કારણે કેટલાંક શેર્સે ટૂંકાગાળામાં અનેકગણી વૃદ્ધિ દર્શાવી હતી. મે મહિનાની આખરમાં સેબીએ બ્રોકરેજિસ અને ફંડ ગૃહોને એક સર્ક્યુલર મારફતે ઈન્વેસ્ટમેન્ટ્સ, કોમ્પ્લાયન્સ અને રિસ્ક મેનેજમેન્ટ જેવી મહત્વની કામગીરી સંભાળી રહેલાં કર્મચારીઓને આપવામાં આવી રહેલી વર્ક ફ્રોમ હોમની છૂટ બંધ કરવા જણાવ્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
ડેલ્ટા કોર્પઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 57 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 29 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 76 કરોડ પરથી ઉછળી રૂ. 250 કરોડ પર રહી હતી.
એમજીએલઃ મહાનગર ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ. 4ની વૃદ્ધિ કરી છે. હવેથી તે પ્રતિ કિગ્રા રૂ. 80 પર જોવા મળે છે. જ્યારે ડોમેસ્ટીક પીએનજીના ભાવ પ્રતિ એસસીએમ રૂ. 3 વધારી રૂ. 48.50 કર્યાં છે.
એચસીએલ ટેક્નોલોજીસઃ ટોચની આઈટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 23464 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળાની રૂ. 20 હજાર કરોડની સરખામણીમા 17 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નેટ નફો 2 ટકા વધી રૂ. 3281 કરોડ પર રહ્યો હતો. ત્રિમાસિક ધોરણે નફો 9 ટકા ઘટાડો દર્શાવતો હતો. માર્ચ ક્વાર્ટરમાં તેનો નફો રૂ. 3600 કરોડ પર હતો.
સ્ટર્લિંગ એન્ડ વિલ્સનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 353.9 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 76 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક 1 ટકો વધી રૂ. 1207 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1194.6 કરોડ પર હતી.
સિગ્નેચર ગ્લોબલઃ નેશનલ કેપિટલ રિજનમાં સૌથી મોટા રિઅલ્ટી ડેવલપરે રૂ. 1000 કરોડના આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની રૂ. 750 કરોડનો ફ્રેશ ઈશ્યૂ તથા રૂ. 250 કરોડની ઓફર ફોર સેલ લાવવા વિચારી રહી છે. 2014માં સ્થાપિત કંપનીએ માર્ચ 2022ની આખર સુધીમાં 23 હજારથી વધુ રેસિડેન્શિયલ અને કમર્સિયલ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. મિડ સેગમેન્ટમાં તે સૌથી મોટી રિઅલ્ટી કંપની છે. તેની સરેરાશ યુનિટ સેલીંગ વેલ્યૂ રૂ. 28.1 લાખ હતી. 2021-22માં તેણે રૂ. 2590.22 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
નવીન ફ્લોરિનઃ કંપનીએ દહેજ ખાતે નવા મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જે હનીવેલના પ્રોપરાયટરી સોલ્ટાઈસ રેંજના હાઈડ્રોફ્લોરોલ્ફિન્સનું ઉત્પાદન હાથ ધરશે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંક એસકેએસ પાવર જેન છત્તીસગઢ પાસેથી રૂ. 1740 કરોડની રકમ રિકવર કાઢી છે.
શિલ્પા મેડિકેરઃ ફાર્મા કંપનીના બેંગલૂરી એકમ 6એ યૂકે એમએચઆરએ જીએમપી સર્ટિફિકેટ મેળવ્યું છે.
મેક્સ વેન્ચર્સઃ બીએસઈ અને એનએસઈએ કંપનીને તેની મર્જર સ્કીમ માટે ‘નો ઓબ્જેક્શન’ સર્ટિફિકેટ આપી દીધું છે.
બોરોસિલઃ કંપનીએ ઈન્ટરફ્લોટ કોર્પોરેશન અને જીએમબી ગ્લાસમેન્યૂફેક્ચર બ્રાન્ડેનબર્ગમાં 100 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપનીએ જણાવ્યું છે કે નાણાકિય વર્ષ 2022-23માં કોલ ઉત્પાદન 92 કરોડ ટનને પાર કરી જાય તેવી શક્યતાં છે.
Market Summary 13 July 2022
July 13, 2022