બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શોર્ટ કવરિંગના અભાવે સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટોચેથી હજાર પોઈન્ટ્સ પટકાયો
વૈશ્વિક બજારોમાં 3 ટકા સુધીનું બાઉન્સ જોવા મળ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.26 ટકા ગગડી 23.48 પર બંધ
ઓટો, એફએમસીજી, ફાર્મામાં નીચા મથાળે લેવાલી નીકળી
મેટલ, બેંકિંગ, આઈટી અને રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં એક્યૂમ્યુલેશન્સના સંકેતો
વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર પ્રત્યાઘાતી સુધારા વચ્ચે ભારતીય બજાર ઈન્ટ્રા-ડે લાભને જાળવવામાં નિષ્ફળ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ તેની દિવસની ટોચ પરથી 992 પોઈન્ટ્સ ગગડ્યો હતો. આમ માર્કેટમાં શોર્ટ સેલર્સમાં ક્યાંય તેમની પોઝીશનને લઈને ચિંતાનો અંશ જોવા મળતો નહોતો. બેન્ચમાર્ક સેન્સેક્સ કામકાજની આખરમાં 137 પોઈન્ટ્સ ગગડી 52794 તથા નિફ્ટી 26 પોઈન્ટ્સ ઘટાડે 15782 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ નિફ્ટી વિક્સ 3.26 ટકા ગગડી 23.48ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 25 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 25 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે બ્રોડ માર્કેટમાં નીચા મથાળે બાર્ગેન હંટિંગ પાછળ એક્યૂમ્યુલેશન સ્પષ્ટ જણાઈ આવતું હતું.
સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં ભારતીય બજારે વૈશ્વિક હરિફોની સાથે પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. બંને બેન્ચમાર્ક્સ એક તબક્કે એક ટકાથી વધુના સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એક તબક્કે 16000ની સપાટી પાર કરી 16084ના સ્તર પર ટ્રેડ થયો હતો. જોકે માર્કેટમાં ઓચિંકી વેચવાલી નીકળી હતી. ખાસ કરીને એસબીઆઈનું પરિણામ બજારની અપેક્ષાથી ઊતરતું જોવા મળતાં બેંકિંગ શેર્સ તૂટ્યાં હતાં. જેની પાછળ માર્કેટ ગગડ્યું હતું અને રેડ ઝોનમાં પ્રવેશ્યું હતું. તેમજ આખરે નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલમાં વેચવાલી આગળ વધી હતી. નિફ્ટી મેટલ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જેમાં હિંદાલ્કો 4.4 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. શેર તેની દોઢ મહિના અગાઉની ટોચ પરથી 40 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. સ્ટીલ શેરમં જેએસડબલ્યુ સ્ટીલ 4 ટકા ગગડી રૂ. 600ની સપાટી પર બંધ રહ્યો હતો. એસબીઆઈ પરિણામો પાછળ 3.9 ટકા ગગડ્યો હતો. જ્યારે એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, એક્સિસ બેંક અને મારુતિ સુઝુકી પણ 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ટાટા મોટર્સ 8.6 ટકા સાથે સૌથી સારો સુધારો નોંધાવવા સાથે રૂ. 400ની સપાટી કૂદાવી ગયો હતો. જેની પાછળ નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.44 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા 1.65 ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સ 1.84 ટકાનો સુધારો નોંધાવી રહ્યો હતો. ફાર્મા કાઉન્ટર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જેમાં સન ફાર્મા 3.82 ટકા સાથે નિફ્ટી કાઉન્ટર્સમાં બીજા ક્રમે હતો. એમએન્ડએમ, એચયૂએલ, આઈટીસી, યૂપીએલ, ટાઈટન કંપની, આઈશર મોટર્સ 2 ટકાથી વધુનો સુધારો સૂચવી રહ્યાં હતાં.
નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આરબીએલ બેંક 9 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈજીએલ 8 ટકા, એમઆરએફ 7 ટકા, ટીવીએસ મોટર 5.4 ટકા, સ્ટ્રાઈડ્સ ફાર્મા 5.2 ટકા, આઈઆરસીટીસી 5 ટકા અને કેન ફીન હમ્સ 5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ જીએનએફસી વધુ 9 ટકા તૂટ્યો હતો. ઈન્ડુસ ટાવર્સ 9 ટકા, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસ 8 ટકા, હનીવેલ ઓટોમેશન 8 ટકા, વેદાંતા 7 ટકા, ચંબલ ફર્ટિલાઈઝર્સ 6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં નીચા મથાળે બોટમ ફિશીંગ જોવા મળ્યું હોય તેવા સંકેતો મળ્યા હતાં. બીએસઈ ખાતે કુલ 3472 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 2166 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1169 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. આમ લગભગ બે કાઉન્ટર્સમાં સુધારા સામે એક કાઉન્ટરમાં ઘટાડાનો રેશિયો જોવા મળતો હતો. સતત ચાર સત્રોથી નેગેટિવ માર્કેટ બ્રેડ્થ બાદ પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. માર્કેટ એનાલિસ્ટ્સ જોકે રિટેલ ઈન્વેસ્ટર્સને મીડ-કેપ અને સ્મોલ-કેપથી હાલ પૂરતું દૂર રહેવા જણાવે છે અને માત્રને માત્ર બ્લ્યૂચિપ લાર્જ-કેપ્સ પર જ ધ્યાન આપવાની ભલામણ કરે છે. તેમના મતે લાર્જ-કેપ્સમાં આગામી ક્વાર્ટરમાં નોંધપાત્ર સુધારાની શક્યતાં છે. જ્યારબાદ જ મીડ અને સ્મોલ-કેપ્સમાં ફોલો-અપ સુધારો જોવા મળી શકે છે.
FPIsનું ભારતીય બજારમાં 20 અબજ ડોલરનું વેચાણ
ચાલુ કેલેન્ડરમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં કુલ 19.53 અબજ ડોલરનું વેચાણ નોંધાવી છે. સમાનગાળા દરમિયાન ભારતીય બેન્ચમાર્ક્સ 9 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. એફઆઈઆઈ ઓક્ટોબર 2021થી માસિક ધોરણે અવિરત વેચવાલ રહી છે. જોકે તેણે અગાઉ ક્યારેય સતત આંઠ મહિના સુધી નેગેટિવ ફ્લો નથી દર્શાવ્યો. તેમજ આટલા મોટાપાયે વેચવાલી નથી દર્શાવી. જો ચાલુ કેલેન્ડરની વાત કરીએ તો તેઓ સતત પાંચ મહિનાથી નેટ સેલર્સ બની રહી છે. રૂપિયા સંદર્ભમાં તેમનું વેચાણ રૂ. 1.5 લાખ કરોડનો આંક પાર કરી ગયો છે. રશિયા-યૂક્રેન યુધ્ધ, ફેડ રેટ વૃદ્ધિ જેવા કારણો એફઆઈઆઈ વેચાણ માટેના મુખ્ય પ્રેરકબળો બની રહ્યાં છે.
ક્રિપ્ટો માર્કેટમાંથી એક જ દિવસમાં 200 અબજ ડોલરથી વધુનું ધોવાણ
ચોવીસ કલાકમાં જ ક્રિપ્ટોકરન્સિઝ માર્કેટમાંથી 200 અબજ ડોલરથી વધુની વેલ્થનું ધોવાણ નોંધાયું હતું. માર્કેટમાં ટેરાયુએસડી સ્ટેબલકોઈનના પતન પાછળ વેચવાલી જોવા મળી હતી. જેમાં બિટકોઈન 24 કલાકમાં 10 ટકાથી વધુ ગગડ્યો હોવા ઉપરાંત ડિસેમ્બર 2020 પછીના સૌથી નીચા સ્તરે જોવા મળ્યો હતો. જ્યારે ઈથેરિયમ 16 ટકા જેટલો ગગડ્યો હતો. બુધવારે શરૂ થયેલી વેચવાલીથી લઈને ગુરુવાર સુધીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે ગુરુવારે પણ જળવાયો હતો. ક્રિપ્ટો સાથે જોડાયેલા શેરના ભાવમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં હોંગ કોંગ બજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની બીસી ટેક્નોલોજી ગ્રૂપનો શેર 7 ટકા ગગડ્યો હતો. જાપાનના મોનેક્સ ગ્રૂપનો શેર 10 ટકા તૂટ્યો હતો. વૈશ્વિક સ્તરે રેટમાં વૃદ્ધિ પાછળ લિક્વિડિટી ઘટી રહી હોવાના કારણે રોકાણકારો ક્રિપ્ટોમાં વેચવાલી દર્શાવી રહ્યાં છે.
અનાજમાંથી બનતાં ઈથેનોલના ભાવ વૃદ્ધિ માટે તૈયાર
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતાં ઈથેનોલના ભાવ પ્રતિ લિટર રૂ. 2-3 જેટલી વૃદ્ધિ દર્શાવશે. સરકારે રો-મટિરિયલ ખર્ચમાં વૃદ્ધિ પાછળ ઈથેનોલના ભાવમાં વૃદ્ધિ માટે છૂટ આપી છે. હાલમાં ઓએમસી તૂટેલાં અનાજ અથવા મકાઈમાંથી ઉત્પાદિત ઈથેનોલની પ્રતિ લિટર રૂ. 52.92ના ભાવે ખરીદી કરે છે. જોકે અનાજના ભાવમાં વૃદ્ધિને કારણે ઉત્પાદકોએ ભાવમાં વૃદ્ધિની માગણી કરી છે. ભાવમાં વૃદ્ધિને કારણે સરકારના ઈથેનોલ પ્રોગ્રામ પર પ્રતિકૂળ અસરની શક્યતાં નહિ હોવાનું વર્તુળો જણાવે છે. ગયા સપ્તાહે કમિટિ ઓફ સેક્રેટરીઝની મિટિંગ મળી હતી અને તેઓ સૈધ્ધાંતિક રીતે ઈથેનોલના ભાવમાં વૃદ્ધિ માટે સહમત થયાં હતાં. તેમણે ઓએમસી કંપનીઓને આ અંગે નિર્ણય લેવા પણ જણાવ્યું હતું.
SBIનો માર્ચ ક્વાર્ટર નફો 41 ટકા ઉછળી રૂ. 9113 કરોડ
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 15.26 ટકા ઉછળી
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9113.5 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 41.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 6451 કરોડનો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં એસબીઆઈનો નફો 8 ટકા સુધારો દર્શાવતો હતો. બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8432 કરોડનો નફો રળ્યો હતો. બેંકની આવકનો મુખ્ય સ્રોત એવી નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 15.26 ટકા ઉછળી 31198 કરોડ પર જોવા મળી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 27067 કરોડ પર હતી. ત્રિમાસિક ધોરણે પણ એનઆઈઆઈ 1.6 ટકા સુધારો દર્શાવતાં હતાં. બેંકના એનઆઈઆઈ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 30687 કરોડ પર રહ્યાં હતાં. જોકે બેંકના પરિણામ સ્ટ્રીટની અપેક્ષાથી ઉતરતાં જોવા મળ્યાં હતાં. શેરબજાર ચોખ્ખા નફામાં 63-72 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યું હતું. દરમિયાનમાં બેંકની એસેટ ક્વોલિટીમાં ત્રિમાસિક ધોરણે સુધારો જોવા મળ્યો હતો અને તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રૂ. 1.12 લાખ કરોડ પર રહી હતી. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1.2 લાખ કરોડ પર હતી. જ્યારે નેટ એનપીએ રૂ. 34540 કરોડ પરથી ગગડી રૂ. 27966 કરોડ પર રહી હતી. બેંકે એનપીએ માટે રૂ. 3261.7 કરોડ સહિત કુલ રૂ. 7237.45 કરોડનું પ્રોવિઝન્સ કર્યું હતું. બેંકે શેર દીઠ રૂ. 7.1ના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી.
ઈમર્જિંગ માર્કેટ્સ મંદીના આખરી તબક્કામાઃ મોર્ગન સ્ટેનલી
એશિયન બજારો તેમજ ઉભરતાં બજારો મંદીના આખરી તબક્કામાં પ્રવેશ્યાં હોવાનું મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે. સામાન્ય રીતે ફ્રન્ટલાઇન સ્ટોક ઇન્ડાઇસિસ તેમના ટોચના સ્તરેથી 20 ટકા અથવા વધુ તુટે ત્યારે મંદીનો તબક્કો ચાલી રહ્યો હોવાનું કહી શકાય.
જાણકારોના માનવા અનુસાર એએસઇએએનને ફુગાવાના ઉંચા દરો અને સ્રોતો-સંબંધિત વૈશ્વિક પરિસ્થઇતિનો લાભ થઇ શકે છે કારણકે તેઓ અનુકૂળ રીતે વ્યાપક સ્થિરતા તથા રિઓપનિંગ સાથે વૃદ્ધિ માટે જરૂરીય ટેકો હાંસલ કરી રહ્યાં છે. એક અંદાજ મૂજબ આગામી 12 મહિનાઓમાં ઇક્વિટી, ક્રેડિટ, યિલ્ડ અને યુએસ ડોલર માટે માર્કેટ રેન્જ-બાઉન્ડ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે મંદી, આકરી નાણાકીય પરિસ્થિતિ, વૃદ્ધિમાં ઘટાડો, ફુગાવામાં વધારો, ચાઇનામાં સખ્ત કોવિડ નિયંત્રણો જેવાં પરિબળો માર્કેટમાં મંદી માટે કારણભૂત છે. આ ઉપરાંત યુરોપમાં ભુરાજકીય તણાવને કારણે પણ અર્થતંત્રોને અસર થઇ રહી છે. જોકે, જાણકારો માને છે કે ઇક્વિટીમાં છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળતી પીછેહઠ મીડ-સાઇકલ કરેક્શન છે.
કોટનના ભાવ ખાંડીએ રૂ. એક લાખની સપાટી કૂદાવી ગયા
સ્ટોકિસ્ટ્સે રૂ. 1.04 લાખ સુધીમાં એકસ્ટ્રા સુપર ક્વોલિટી માલ વેચ્યાં
ઓક્ટોબર 2021થી શરૂ થયેલી સિઝનમાં ભાવ લગભણ બમણા થયાં
ખેડૂતોને સારા માલોના રૂ. 2600-2700 પ્રતિ મણના મળી રહેલા ભાવ
કપાસ ખેડૂતોની કમાણી વીઘે રૂ. 40 હજાર સુધી પહોંચી
વરસાદના એકાદ રાઉન્ડ બાદ ભાવમાં કરેક્શનની શક્યતાં
જોકે મોટું કરેક્શન ડિસેમ્બર 2022 પહેલા જોવા મળે તેવી નહિવત સંભાવના
કોટન સાચા અર્થમાં વ્હાઈટ ગોલ્ડ બન્યું છે. શુક્રવારે કોટનના ભાવ રૂ. 1 લાખ પ્રતિ ખાંડીની સપાટી પાર કરી ગયા હતાં. માલ પકડીને બેઠેલાં સ્ટોકિસ્ટ્સે રૂ. 1.04 લાખ સુધીના ભાવે તેમની પાસેના એકસ્ટ્રા સુપર ક્વોલિટી કોટનનું વેચાણ કર્યું હતું. દક્ષિણની ક્વોલિટી સ્પીનીંગ મિલ્સે ટોચના ભાવે ખરીદી કરી હોવાનું વર્તુળો જણાવતાં હતાં. કોટન સ્ટોકિસ્ટ્સ માટે ચાલુ સિઝન સોનેરી પુરવાર થઈ છે. તેમને માર્કેટિંગ સિઝનની શરૂમાં રૂ. 55 હજારની આસપાસના ભાવ સામે ઓફ સિઝનમાં લગભગ 100 ટકા રિટર્ન મળી રહ્યું છે.
ખેડૂતો માટે પણ ચાલુ સિઝન અસાધારણ બની રહી છે. રૂ. 1 લાખની ખાંડી થાય તેની રાહ જોઈને બેઠેલાં ખેડૂતો હજુ પણ માલ વેચવા ઉતાવળા નથી એમ વર્તુળો જણાવે છે. તેમને કપાસના રૂ. 2600-2700 પ્રતિ મણના ભાવ ઉપજી રહ્યાં છે. જે ગઈ સિઝનની સરખામણીમાં બમણાથી વધુ છે. જોકે બજારમાં માલની શોર્ટેજ જોતાં તેઓને માલ વેચવાની ઉતાવળ નથી. વૈશ્વિક સ્તરે પણ સ્થિતિ ટાઈટ બનવાની સંભાવના છે અને તેથી જ કોટનમાં તેજી સતત જળવાયેલી રહી છે. યુએસ ખાતે ટેક્સાસમાં વરસાદના અભાવે ન્યૂ યોર્ક વાયદો મજબૂત છે. જ્યારે ભારતમાં સ્થાનિક સ્તરે ક્વોલિટી માલોનો અભાવ છે. અધૂરામાં તાજેતરમાં ડોલર સામે રૂપિયામાં ઘસારાને કારણે પણ કોટનની આયાત મોંઘી બનતાં સ્થાનિક ભાવને ઓર વેગ મળ્યો છે. સરકારે બે સપ્તાહ અગાઉ કોટનની આયાત પર સપ્ટેમ્બર મહિના સુધી ડ્યુટી નાબૂદ કરતાં સાઉથની મિલ્સે રૂ. 95 હજારથી રૂ. એક લાખ આસપાસના ભાવે સોદા કર્યાં હતાં. જેનો સપ્લાય જૂનમાં ભારતીય બજારમાં પ્રવેશશે. જ્યાં સુધી સ્થાનિક મિલ્સે લોકલ માલ ખરીદવો પડશે. જે માટે તેમણે પ્રિમીયમ ચૂકવવું પડી રહ્યું છે. રૂટિન માલોના ભાવ રૂ. 99 હજારથી એક લાખની રેંજમાં જોવા મળી રહ્યાં છે. કોટનના ભાવ રૂ. એક લાખ પર બોલાશે તેવી કલ્પના પણ સિઝનની શરૂઆતમાં કોઈએ નહોતી કરી. જોકે છેલ્લાં આંઠ મહિનાથી ભાવ એકધારા વધતાં રહ્યાં છે. જ્યારે જૂન 2020માં રૂ. 32000ના સ્તરેથી તે સુધારાતરફી બન્યાં છે. વૈશ્વિક સ્તરે સ્ટોકની શોર્ટેજને આ માટે કારણભૂત ગણાવવામાં આવી રહ્યું છે. જોકે વર્તુળોના મતે ખેડૂતો અને ટ્રેડર્સ પાસે માલ છે પરંતુ તેઓ મજબૂત પકડ સાથે બેઠાં છે. એકાદ સારા વરસાદી રાઉન્ડ બાદ તેઓ માલ વેચવા માટે બજારમાં આવશે. હાલમાં ઘણા સ્ટોકિસ્ટ્સ તેમની ડિલિવરી ઉતારી રહ્યાં છે. જોકે ખેડૂતોનો લોભ વધતો જાય છે અને તેઓ હજુ પણ માલ વેચવા આવી રહ્યાં નથી.
દરમિયાનમાં ઉત્તર ભારતમાં કોટનનું વાવેતર પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ પિયત વિસ્તારોમાં કોટનની વાવણી શરૂ થવામાં છે. માર્કેટ વર્તુળોના મતે નવી ખરિફ સિઝનમાં મગફળી, સોયાબિન સહિતના રોકડિયા પાકોમાંથી નોંધપાત્ર વિસ્તાર કોટનમાં જવાનો છે. કેમકે ખેડૂતોને હાલના ભાવે કોટનમાં સૌથી ઊંચું વળતર મળી રહ્યું છે.
એપ્રિલમાં એમએન્ડએ સોદા 68.1 અબજ ડોલરની માસિક ટોચે
2021માં સમાનગાળામાં માત્ર 14.78 અબજ ડોલરના ડિલ્સ સામે ચાર ગણી વૃદ્ધિ
ભારતની એમએન્ડએ પ્રવૃત્તિ એપ્રિલ 2022માં 68.1 બિલિયન યુએસ ડોલરના ટ્રાન્ઝેક્શન સાથે માસિક ધોરણે ટોચના સ્તરે સ્પર્શી છે. આ વોલ્યુમ એપ્રિલ 2021માં 14.78 બિલિયન યુએસ ડોલરના મૂલ્યના સોદાની તુલનામાં ચાર ગણી વૃદ્ધિ સૂચવે છે તથા માર્ચ 2022ના 9.18 બિલિયન યુએસ ડોલરની સરખામણીમાં સાત ગણો ઉછાળો દર્શાવે છે. તેની સાથે ભારત સંબંધિત એમએન્ડએ પ્રવૃત્તિઓ વર્તમાન કેલેન્ડર વર્ષ (1 જાન્યુઆરીથી 11 મે) દરમિયાન 107.7 બિલિયન યુએસ ડોલરના સ્તરે સ્પર્શી છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 44.6 બિલિયન યુએસ ડોલર છે. સોદાઓની સંખ્યામાં વર્તમાન વર્ષમાં 847 સોદા થયાં છે.
વર્તુળોના કહેવા અનુસાર એપ્રિલમાં 171 સોદાઓની સંખ્યા નોંધાઇ હતી, જે માર્ચ, 2022ના 233 સોદાની સરખામણીમાં 24 ટકા ઓછી હતી. જોકે વેલ્યૂ સંદર્ભમાં તે સાત ગણી ઊંચી હતી. એપ્રિલમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ લિમિટેડ અને એચડીએફસી બેંક વચ્ચે 60.4 બિલિયન યુએસ ડોલરના મૂલ્યનું મેગા-મર્જર થયું હતું. આ સોદો ભારતીય બજારમાં સૌથી મોટો છે, જે પહેલાં વર્ષ 2018માં ફ્લિપકાર્ટ-વોલમાર્ટ વચ્ચે 16 બિલિયન યુએસ ડોલરની ડીલ થઇ હતી.
વૈશ્વિક સ્તરે એમએન્ડએ પ્રવૃત્તિઓ મજબૂત છે ત્યારે તેની અસર ભારતમાં પણ જોવા મળી છે. એપ્રિલમાં આશરે 378.4 બિલિયન યુએસ ડોલરના સોદાની જાહેરાત થઇ હતી, જે વાર્ષિક ધોરણે 23 ટકા વધુ છે. આ દરમિયાન ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટી સમર્થિત એમએન્ડએ પ્રવૃત્તિ 1 જાન્યુઆરીથી 11 મે દરમિયાન 25.2 ટકા વધીને 12.90 બિલિયન યુએસ ડોલર થઇ છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં 10.3 બિલિયન યુએસ ડોલર હતી. એપ્રિલમાં પીઇ સમર્થિત માસિક વોલ્યુમ 2.59 બિલિયન ડોલર હતું, જે ગત વર્ષે સમાન સમયગાળામાં 5.67 બિલિયન ડોલર હતું. આ ઉપરાંત વૈશ્વિક પ્રાઇવેટ ઇક્વિટી સમર્થિત એમએન્ડએ 147.4 બિલિયન ડોલર નોંધાયું છે, જે અગાઉના મહિનાની સરખામણીમાં 43 ટકા વધુ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા મોટર્સઃ તાતા જૂથની ઓટોમોબાઈલ કંપનીએ માર્ચ ક્વાર્ચરમાં રૂ. 1032 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7605 કરોડની ખોટની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવતી હતી. કંપનીનો શેર 8 ટકા ઉછળ્યો હતો.
આરબીએલ બેંકઃ પ્રાઈવેટ સેક્ટરની બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 164.77 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં બમણી વૃદ્ધિ દર્શાવતો હતો. બેંકે 2021-22ના વર્ષ માટે રૂ. 74.74 કરોડની ખોટ દર્શાવી હતી. 2021-21માં તેણે રૂ. 508 કરોડનો નફો નોંધાવ્યો હતો. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન સુધરીને 5.04 ટકા પર જોવા મળ્યાં હતાં.
વોડાફોન આઈડિયાઃ જંગી ઋણના બોજ હેઠળ દબાયેલી ટેલિકોમ ઓપરેટર સરકાર ટૂંકમાં જ રૂ. 16100 કરોડના ડ્યૂઝને કંપનીમાં 33 ટકા હિસ્સામાં રૂપાંતરિત કરવાની કામગીરી પૂર્ણ કરે તેવી અપેક્ષા રાખી રહી છે.
અનુપમ રસાયણઃ કેમિકલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 46.10 કરોડનો નફો રળ્યો છે. જે વાર્ષિક ધોરણે 108 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ 17 ટકા ઉછળી રૂ. 317.24 કરોડ થયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 271.67 કરોડ પર હતું. સમગ્ર 2021-22 માટે કંપનીએ રૂ. 152.18 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે 116 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
પૂનાવાલા ફિનકોર્પઃ એનબીએફસી કંપનીએ 2021-22 માટે રૂ. 375 કરોડનો નફો નોંધાવ્યો છે. 2020-21માં સમાનગાળામાં તેણે રૂ. 647.7 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 118.9 કરોડનો નફો રળ્યો હતો. કંપનીનૂં એયૂએમ 17 ટકા વધી રૂ. 16579 કરોડ પર પહોંચ્યું હતું.
એપોલો ટાયર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 113.5 કરોડનો કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 287.27 કરોડની સરખામણીમાં 60.5 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક જોકે 10.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5615.50 કરોડ પર જોવા મળી હતી.
સિમેન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 329 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 328.30 કરોડ સામે ફ્લેટ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3408.30 કરોડ સામે 8.3 ટકા સુધરી રૂ. 3692.30 કરોડ પર રહી હતી.
કોટયાર્ક ઈન્ડસ્ટ્રીઝઃ બાયોડિઝલ કંપનીએ માર્ચ 2022માં પૂરા થયેલાં બીજા છમાસિક ગાળામાં રૂ. 89.75 કરોડની આવક દર્શાવી હતી. જે પ્રથમ છમાસિક ગાળાની સરખામણીમાં 159 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નફો બીજા છમાસિક ગાળામાં રૂ. 66.6 કરોડ પર જોવા મળ્યો હતો. તેણે રૂ. 2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
ઉજ્જીવન એસએફબીઃ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકે રૂ. 127 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 7 ટકા ઘટાડો સૂચવે છે.
મેટ્રીમનીડોટકોમઃ કંપનીના બોર્ડે રૂ. 75 કરોડના શેર્સ બાયબેકને મંજૂરી આપી છે. કંપની રૂ. 1150 કરોડ પ્રતિ શેરના ભાવે શેર્સની પરત ખરીદી કરશે.
દાલમિયા સિમેન્ટઃ સિમેન્ટ કંપનીએ તમિલનાડુમાં આગામી ચાર વર્ષોમાં રૂ. 2600 કરોડના ઈન્વેસ્ટમેન્ટની યોજના ઘડી કાઢી છે.
ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 225 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 57.5 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો.
વિન્ડલાસ બાયોટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 14.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 151 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
Market Summary 13 May 2022
May 13, 2022