Market Summary 13 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઓટો, IT અને મેટલના સપોર્ટથી સતત પાંચમા દિવસે સુધારો જળવાયો
નિફ્ટીએ 18150ની સપાટી પાર કરી જ્યારે સેન્સેક્સમાં 61 હજારથી 300થી ઓછા પોઈન્ટસનું છેટું
ભારતીય શેરબજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં સતત પાંચમા સત્રમાં સુધારો જાળવી રાખ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 453 પોઈન્ટ્સ ઉછળી 60737 પર જ્યારે નિફ્ટી 170 પોઈન્ટસ ઉછળી 18162ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટને ઓટોમોબાઈલ કાઉન્ટર્સ તરફથી મજબૂત સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે આઈટી અને મેટલ સ્ટોક્સે પણ સારો દેખાવ દર્શાવ્યો હતો.
મંગળવારે યુએસ બજારમાં નરમાઈ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. જોકે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી સુધરતું રહ્યું હતું અને તેણે દિવસ દરમિયાન નવી ટોચ દર્શાવી હતી. બુધવારે ટાટા જૂથના શેર્સમાં સાર્વત્રિક ઉછાળો જોવા મળતો હતો. જૂથની અગ્રણી કંપનીઓના શેર્સ ટકાવારીની રીતે દ્વિઅંકી ઉછાળા સાથે તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેમાં ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કેમિકલ્સ, ટાટા સ્ટીલ, ટાઈટન સહિતના નામોનો સમાવેશ થતો હતો. મેટલ ક્ષેત્રે સ્ટીલ કંપનીઓએ પણ સારો દેખાવ દર્શાવ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ આવ્યો હતો. જોકે સૌથી સારો દેખાવ ઓટો ઈન્ડેક્સે દર્શાવ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 12001ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ 3.43 ટકા સુધારે 11870 પર બંધ રહ્યો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટાટા મોટર્સ ઉપરાંત અશોક લેલેન્ડ 5.28 ટકા, એમએન્ડએમ 5 ટકા, ભારત ફોર્જ 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. આઈટી ક્ષેત્રે મીડ-કેપ કાઉન્ટર્સમાં સારો સુધારો જોવા મળતો હતો. જેમાં માઈન્ડટ્રી 2.31 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2.2 ટકા અને વિપ્રો 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
માર્કેટમાં તેજી બ્રોડ બેઝ જોવા મળી હતી. જોકે લાર્જ-કેપ્સમાં તોફાન વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં સુધારો મધ્યમસરનો જળવાયો હતો બીએસઈ ખાતે 3476 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1760 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1578 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ જોવા મળતાં હતાં. 138 કાઉન્ટર્સે ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. 399 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 247 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં જોવા મળતાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.54 ટકા ઉછળી 32294ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જેને મુખ્ય સપોર્ટ ટાટા પાવર, ટાટા કેમિકલ્સ, યુનિયન બેંક, ઈન્ડિયામાર્ટ ઈન્ટર, ભેલ, ફેડરલ બેંક, અશોક લેલેન્ડ, સેઈલ, જેએસડબલ્યુ એનર્જી, ગોદરેજ એગ્રોવેટ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ જોકે 0.01 ટકા ઘટીને બંધ રહ્યો હતો. જોકે ઈન્ડેક્સમાં ભાગરૂપ કેટલાક કાઉન્ટર્સ સારો સુધારો દર્શાવતાં હતાં. જેમાં ગોડફ્રે ફિલિપ્સ(7.4 ટકા), ટ્રાઈડન્ટ(4.93 ટકા), શિલ્પા મેડીકેર(4.46 ટકા), દિલીપ બિલ્ડકોન(4.25 ટકા)નો સમાવેશ થાય છે.

ટાટા જૂથના માર્કેટ-કેપમાં એક દિવસમાં રૂ. 57 હજાર કરોડનો ઉછાળો
જૂથની 30 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ રૂ. 23.45 લાખ કરોડ પર પહોંચ્યું
ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કેમિકલ્સના શેર્સમાં 14-20 ટકા સુધીનો એક દિવસીય ઉછાળો નોઁધાયો
દેશમાં ટોચના ઔદ્યોગિક જૂથ ટાટાના શેર્સમાં બુધવારે ભારે ખરીદી જોવા મળી હતી. જૂથની અગ્રણી કંપનીઓ સહિત નાની કંપનીઓના શેર્સમાં લેવાલી પાછળ શેર્સમાં 20 ટકા સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જેની પાછળ ટાટા જૂથની કંપનીઓનું કુલ માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 23.45 કરોડની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું હતું. તેણે એક દિવસમાં 2.5 ટકા અથવા રૂ. 57000 કરોડની વૃદ્ધિ નોઁધાવી હતી.
સૌથી જૂના એવા ટાટા જૂથની કુલ 30 કંપનીઓ શેરબજાર પર લિસ્ટેડ છે. જેમાંથી કેટલીક જાણીતી કંપનીઓ છેલ્લાં કેટલાક સત્રોથી સતત સારો દેખાવ દર્શાવી રહી છે. જેમાં ટાટા મોટર્સ અને ટાટા પાવર મુખ્ય છે. આ બંને કંપનીઓના શેર્સ બુધવારે નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ બાદ દિવસ દરમિયાન વધતાં રહ્યાં હતાં અને આખરે ટોચની નજીક જ બંધ જોવા મળ્યાં હતાં. ટાટા મોટર્સનો શેર રૂ. 310ના સ્તરેથી સુધરતો રહી જોતજોતામાં રૂ. 524ની ટોચ પર જોવા મળ્યો હતો. બુધવારે કંપનીનો શેર 20.43 ટકા ઉછળ્યો હતો. કંપનીએ તેના ઈવી મોબિલિટી બિઝનેસ માટે નવી પેટાકંપનીની રચનાની જાહેરાત કરી હતી. જ્યારે કંપનીએ ટીપીજી દ્વારા રૂ. 7500 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. જેની પાછળ ટાટા મોટર્સનો શેર 10 ટકાની ઉપલી સર્કિટમાં ખૂલ્યો હતો. 15 મિનિટ બાદ તેણે વઘુ બે 5-5 ટકાની સર્કિટ દર્શાવી હતી. દિવસ દરમિયાન એક તબક્કે તે 24 ટકા ઉછાળે રૂ. 524 પર ટ્રેડ થયો હતો. કામકાજને અંતે રૂ. 86ના સુધારા સાથે બંધ રહ્યો હતો. ટાટા પાવરનો શેર 14.50 ટકા ઉછળી રૂ. 224.20ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 52ના વાર્ષિક તળિયા સામે લગભગ પાંચ ગણો સુધરી ચૂક્યો છે. છેલ્લા એક મહિનામાં તેણે 80 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો છે. ટાટા કેમિકલ્સનો શેર પણ એક દિવસમાં 14 ટકા ઉછળી પ્રથમવાર રૂ. 1000ની સપાટી કૂદાવી ગયો હતો. તે રૂ. 136ના સુધારે રૂ. 1107 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત જૂથના હોસ્પિટાલિટી બિઝનેસ સાથે જોડાયેલી ઈન્ડિયન હોટેલ્સનો શેર પણ 8 ટકા ઉછળ્યો હતો. જૂથની કેટલીક અન્ય લિસ્ટેડ કંપનીઓમાં ઓટો કોર્પ ગોવા(14 ટકા), ટાટા ટેલિ(5 ટકા), નેલ્કો(5 ટકા), આર્ટસન એન્જિ(5 ટકા), ટિનપ્લેટ(5 ટકા), ટાટા કોમ્યુનિકેશન(4.5 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે હાલમાં રોકાણકારો ક્વોલિટી કાઉન્ટર્સની શોધમાં છે. મોટાભાગના ક્વોલિટી શેર્સ ઊંચા વેલ્યૂએશન પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ટાટા જૂથની કેટલીક કંપનીઓના શેર્સ નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ બાદ હવે રોકાણકારોના રડાર પર આવ્યાં છે અને તેથી તેમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ કાઉન્ટર્સ મધ્યમગાળામાં વધુ સુધારો દર્શાવી શકે છે એમ પણ તેઓ ઉમેરે છે.

બુધવારે ટાટા જૂથની કંપનીઓનો દેખાવ

સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં)
ટાટા મોટર્સ 20.43
ટાટા મોટર્સ-DVR 20.00
ટાટા પાવર 14.48
ટાટા કેમિકલ્સ 14.16
ઓટો કોર્પ ગોવા 13.63
ઈન્ડિયન હોટેલ્સ 8.13
ટાટા ટેલિ મહા. 5.00
નેલ્કો 5.00
આર્ટ્સન એન્જિ. 4.96
ટિનપ્લેટ કંપની 4.72
ટાટા કોમ્યુ. 4.51
રેલીસ ઈન્ડિયા 3.27
ટાઈટન કંપની 1.71
ટાટા સ્ટીલ 1.90


ઈન્ફોસિસનો નફો 12 ટકા ઉછળી રૂ. 5428 કરોડ, વિપ્રોએ રૂ. 2931 કરોડનો નફો નોંધાવ્યો
ઈન્ફોસિસે શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ જાહેર કર્યું
દેશની અગ્રણી આઈટી કંપનીઓ ઈન્ફોસિસ અને વિપ્રોએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અપેક્ષિત પરિણામો જાહેર કર્યાં હતાં. ઈન્ફોસિસે બીજા ક્વાર્ટર માટે 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5428 કરોડનો કોન્સોલિડેટેડ નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4845 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 29602 કરોડ પર જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 24570 કરોડ પર હતી. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
દેશમાં ત્રીજા ક્રમની આઈટી કંપની વિપ્રોનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 19 ટકા વધી રૂ. 2931 કરોડ રહ્યો હતો. જ્યારે કોન્સોલિડેટેડ રેવન્યૂ 30 ટકા ઉછળી રૂ. 19670 કરોડ પર જોવા મળી હતી. કોપ્કોની ખરીદી તથા વેતન વૃદ્ધિને કારણે ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 9.6 ટકા ઘટાડો દર્શાવતો હતો. કંપનીની આઈટી સર્વિસિસ સેગમેન્ટ 258 કરોડ ડોલર પર જોવા મળી હતી. જે ત્રિમાસિક ધોરણે 6.9 ટકાની જ્યારે વાર્ષિક ધોરણે 29.5 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. કંપનીના આઈટી સર્વિસિસ ઓપરેટિંગ માર્જિન 17.8 ટકા પર રહ્યાં હતાં. જે ત્રિમાસિક ધોરણે 104 બેસીસ પોઈન્ટસનો ઘટાડો સૂચવે છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આઈટી સર્વિસ સેગમેન્ટમાં 116 નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં. જ્યારે આઈટી સર્વિસ સેગમેન્ટમાં કુલ કર્મચારી સંખ્યા 2,21,365 પર પહોંચી હતી. વિપ્રોનો શેર બુધવારે 2 ટકા સુધારા સાથે રૂ. 672.35 પર બંધ રહ્યો હતો.
ઈન્ફોસિસના સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં આકર્ષક દેખાવ અને મજબૂત ગ્રોથ આઉટલૂક અમારી ડિજિટલ ઓફરિંગ્સની મજબૂતી અને અમારા સ્ટ્રેટેજિક ફોકસને દર્શાવે છે. વૈશ્વિક એન્ટરપ્રાઈઝિસ ઝડપથી ડિજિટલાઈઝ્ડ બની રહ્યાં છે અને તેને કારણે અમે મજબૂત માર્કેટ તકો જોઈ રહ્યાં છીએ. તેમણે આગામી સમયગાળા માટે 16.5 ટકાથી 17.5 ટકાનું મજબૂત રેવન્યૂ ગ્રોથ ગાઈડન્સ આપ્યું હતું.


ઈન્વેસ્કોએ ઝી-સોની ડિલને અટકાવવાના આક્ષેપોને નકાર્યાં
ઝીએ જણાવ્યું હતું કે ઈન્વેસ્કોએ કંપનીના એમડી ગોએન્કાનો હરિફ કંપની સાથે મર્જરના પ્રસ્તાવ સાથે સંપર્ક કર્યો હતો
ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસમાં સૌથી મોટા શેરધારક ઈન્વેસ્કોએ બુધવારે મિડિયા કંપનીએ તેના સોની ઈન્ડિયા સાથેના પ્રસ્તાવિત મર્જરને લઈને કરેલા આક્ષેપોનો ઈન્કાર કર્યો હતો. તેણે ઝીના આક્ષેપોને તર્કહિન ગણાવ્યાં હતાં.
અગાઉ મંગળવારે ઝી લિએ એક આક્ષેપમાં જણાવ્યું હતું કે ઈન્વેસ્કોએ ફેબ્રુઆરીમાં એક મોટા ભારતીય ઔદ્યોગિક ગ્રૂપના ભાગરૂપ એવી હરિફ કંપની તરફથી મર્જરનો પ્રસ્તાવ લઈને કંપનીના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાનો સંપર્ક કર્યો હતો. જેને સ્વીકારવામાં આવ્યો હોત તો કંપનીના શેરધારકોને રૂ. 10 હજાર કરોડનું નુકસાન ભોગવવાનું થયું હોત. જેના લેખિત ઉત્તરમાં ઈન્વેસ્કોએ જણાવ્યું હતું કે ઝી દ્વારા 12 ઓક્ટોબર 2021ના કોમ્યુનિકેશન્સમાં સ્ટ્રેટેજીક ગ્રૂપ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રિલાયન્સ જૂથ સાથેનું પ્રસ્તાવિત મર્જર રિલાયન્સ અને મિ. ગોએન્કા તથા ઝીના પ્રમોટર ફેમિલી દ્વારા ચર્ચવામાં આવ્યું હતું. ઝીના સૌથી મોટા રોકાણકાર તરીકે ઈન્વેસ્કોની ભૂમિકા સંભવ ડિલ માટે માત્ર ફેસિલિટેટરથી વધારેની નહોતી. ઝીએ કરેલા આક્ષેપોને અમે સંપૂર્ણપણે વખોડીએ છીએ એમ તેણે ઉમેર્યું હતું. ઈન્વેસ્કોએ સોની સાથેના ઝીના ડીલની કેટલીક શરતોનો વિરોધ કર્યો છે. જેમાં ગોએન્કાને તેમના વર્તમાન 4 ટકા હિસ્સાને ઓપેક મેનરમાં વધારીને 20 ટકા કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.

ફ્રેન્કલીન એમએફે બંધ ડેટ સ્કિમ્સ રોકાણકારોને રૂ. 24 હજાર કરોડ ચૂકવ્યાં
ફ્રેન્કલીન મ્યુચ્યુલ ફંડે જણાવ્યું હતું કે તેની બંધ પડેલી છ ડેટ સ્કિમ્સના રોકાણકારોને રૂ. 24 હજાર કરોડનું ચૂકવણું કર્યું છે. 30 સપ્ટેમ્બરે ફંડ પાસે ભવિષ્યમાં વિતરણ માટે રૂ. 693 કરોડની કેશ હાથ પર હોવાનું પણ જણાવ્યું હતું. એક પત્રમાં ફ્રેન્કલીન ટેમ્પલ્ટન એસેટ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધીમાં છ ફંડ્સ હેઠળ કુલ રૂ. 23999 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. જે 23 એપ્રિલે જોવા મળતા કુલ એયૂએમના 95 ટકા જેટલું થાય છે. અત્યાર સુધીમાં ફંડે 23 એપ્રિલના રોજ છ ફંડ્સની રિપોર્ટેડ એસેટ અન્ડર મેનેજમેન્ટના 84 ટકાથી 108 ટકાની રેંજમાં ડિસ્બર્સમેન્ટ કર્યું છે.

રિલાયન્સ ન્યૂ એનર્જિ અને સ્ટાઈસડાલ હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સ બનાવશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ ન્યૂ એનર્જિ સોલાર લિમિટેડ અને ડેનમાર્ક સ્થિત સ્ટાઈસડાલ એ/એસે ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને ભારતમાં હાઈડ્રોજન ઈલેટ્રોલાઈઝર્સ બનાવવા માટે એગ્રીમેન્ટ કર્યાં છે. આ એગ્રીમેન્ટ ડેનમાર્કના વડાપ્રધાનની ભારતની મુલાકાત દરમિયાન કરવામાં આવ્યાં હતાં. તેની જાહેરાત પણ બંને દેશોના વડાપ્રધાનોની હાજરીમાં કરવામાં આવી હતી. સ્ટાઈસડાલી સ્થાપના હેનરિક સ્ટાઈસડાલે કરી હતી. જેઓ વિન્ડ પાવરના પ્રણેતા હોવા સાથે વૈશ્વિક રીન્યૂએબલ ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે અગ્રણી થોટ લીડર ગણાય છે. સ્ટાઈસડાલ હવામાનને લઈને જોવા મળતી કટોકટીને હળવી કરવા માટે ટેક્નોલોજીસના વિકાસ અને કમર્સિયલાઈઝેશનમાં સક્રિય છે.

એર ઈન્ડિયા ડીલ બાદ ટાટાને સ્પર્ધક ગણી રહેલી ઈન્ડિગો
ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના મતે એકવાર એર ઈન્ડિયાની ખરીદી પૂરી થશે ત્યારબાદ ટાટા સન્સ એક મહત્વનો હરિફ બની રહેશે. તાજેતરમાં જ સરકાર 2.4 અબજ ડોલરમાં ટાટા સન્સને એર ઈન્ડિયાના વેચાણની જાહેરાત કરી હતી. હાલમાં ટાટા સન્સ સિંગાપુર એરલાઈન્સ સાથેના તેના પ્રિમીયમ સંયુક્ત સાહસ વિસ્ટારામાં તથા બજેટ એરલાઈન એરએશિયા ઈન્ડિયામાં બહુમતી હિસ્સો ધરાવે છે. ઈન્ડિગો સીઈઓએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું એક સખત સ્પર્ધા જોઈ રહ્યું છું અને હું તેને આવકારું છું. એર ઈન્ડિયા વિશે બોલતાં દત્તાએ જણાવ્યું હતુ કે તેઓ આર્થિક રીતે વધુ જવાબદાર બનશે એવું હું વિચારું છું. કરદાતાઓના નાણાથી બનેલો લાર્જ પ્લેયર્સ અમારા માટે સારો સ્પર્ધક નથી. ઈન્ડિગો ભારતના ડોમેસ્ટીક ઉડ્ડયન બજારમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. જોકે તેનું આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ એર ઈન્ડિયાની સરખામણીમાં ઘણું નાનું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage