Market Summary 13 October 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઊંચા સ્તરે દબાણને કારણે ઊભરા જેવા નીવડતાં સુધારા
વૈશ્વિક શેરબજારોમાં બાઉન્સનો અભાવ
નિફ્ટી ઈન્ટ્રા-ડે 17Kની નીચે ટ્રેડ થયા બાદ સપોર્ટ જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.55 ટકા સુધરી 20.29ના સ્તરે
વિપ્રોએ નિરાશ કરતાં શેરમાં 7 ટકાનો કડાકો
HCL ટેક્નોલોજી 3 ટકાથી વધુ ઉછળ્યો
ફાર્મા, મેટલમાં સાધારણ સુધારો જોવાયો
બેંકિંગ, આઈટી, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ
સન ફાર્મા, ટીવીએસ મોટરે નવી ટોચ દર્શાવી
બાયોકોન, એચપીસીએલ, એલઆઈસીમાં નવું તળિયું

વૈશ્વિક બજારો બાઉન્સ દર્શાવવામાં સદંતર નિષ્ફળ જવાના કારણે સ્થાનિક બજારમાં એકાંતરે દિવસે તેજી-મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બુધવારે નોંધપાત્ર સુધારા પાછળ રોકાણકારોને રાહત આપનાર શેરબજાર ગુરુવારે પાછા ઊંધા માથે પટકાયાં હતાં અને અગાઉના દિવસનો સુધારો લગભગ ભૂંસાઈ ગયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 391 પોઈન્ટ્સ ગગડી 57235ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 107 પોઈન્ટ્સ ગગડી 17017ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સ નરમ માર્કેટ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 34 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે માત્ર 16 કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે લગભગ બે શેર્સમાં ઘટાડા સામે એક સુધારો દર્શાવતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.55 ટકાની સાધારણ વૃદ્ધિ સાથે 20.29ની સપાટી પર જળવાયેલો રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં સતત નરમાઈ પાછળ સ્થાનિક બજાર ઓવરનાઈટ સુધારો દર્શાવી શકતું નથી. બુધવારે યુએસ બજારો સુધારો જાળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ફેડ રિઝર્વની સપ્ટેમ્બર મિટિંગમાં રેટ વૃદ્ધિ અનિવાર્ય હોવા અંગેની મિનિટ્સ રજૂ થતાં બજારો પર ફરી દબાણ જોવા મળ્યું હતું અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો હતો. એશિયન બજારો પણ યુએસ બજારની સાથે નરમ જોવા મળ્યાં હતાં. જેમાં હોંગ કોંગ બજારે નવુ તળિયું બનાવ્યું હતું. તાઈવાન, કોરિયા, ચીન અને સિંગાપુરમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. સિંગાપુર અને તાઈવાન બજારે પણ તેમના નવા લો દર્શાવ્યાં હતાં. આમ ભારતીય બજાર પર તેની અસર જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 13124ના બંધ સામે 17087 પર ખૂલ્યાં બાદ ઈન્ટ્રા-ડે 17112ની ટોચ દર્શાવી દિવસ દરમિયાન ઘસાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 16957નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે સાધારણ પરત ફર્યો હતો અને 17 હજારની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 16950નો નજીકનો સપોર્ટ છે. જેની નીચે 16750નો સપોર્ટ છે. જે તૂટશે તો બેન્ચમાર્ક ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. બીજી બાજુ સુધારે 17240નો અવરોધ છે. જે પાર થશે તો 17500 સુધીની જગા થઈ શકે છે. આઈટી કંપનીઓ તરફથી સતત સારા પરિણામો છતાં ભારતીય બજારને સપોર્ટ સાંપડી રહ્યો નથી. ગુરુવારે એચસીએલ ટેક્નોલોજીનો શેર 3 ટકાથી વધુ સુધારે મજબૂતી દર્શાવી રહ્યો હતો. જ્યારે વિપ્રોનો શેર 7 ટકાથી વધુ પટકાયો હતો. બજાર બંધ થયા બાદ ઈન્ફોસિસે પરિણામો રજૂ કર્યાં હતાં. જે પણ અપેક્ષા કરતાં થોડા સારા જણાયા હતાં. કંપનીએ રૂ. 1850ના ભાવે શેર બાયબેકની જાહેરાત કરી હતી. જે કંપનીના શેર માટે સપોર્ટિવ બની શકે છે.
ગુરુવારે બજારને સપોર્ટમાં માત્ર ફાર્મા અને મેટલ જોવા મળતાં હતાં. બંને સેક્ટરલ સૂચકાંકો સાધારણ વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 0.22 ટકા સુધારે બંધ રહ્યો હતો. તેના મુખ્ય ઘટકોમાં સન ફાર્મા 1.34 ટકા વૃદ્ધિ સાથે છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર પહોંચ્યો હતો. શેર રૂ. 970નું સ્તર દર્શાવી રૂ. 968.4ની સપાટીએ બંધ રહ્યો હતો. લ્યુપિન, ડો. રેડ્ડીઝ અને ટોરેન્ટ ફાર્મા પણ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ બાયોકોન, ઝાયડસ લાઈફ, આલ્કમે લેબ, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સમાં નરમાઈ જોવા મળી હતી. મેટલ ઈન્ડેક્સ 0.11 ટકાના સાધારણ સુધારે પોઝીટીવ જોવા મળી રહ્યો હતો. જેમાં નાલ્કો 2.55 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળતો હતો. જે ઉપરાંત વેદાંત, કોલ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝમાં સુધારો જોવા મળતો હતો. ઘટાડો દર્શાવવામાં બેંક નિફ્ટી ટોચ પર હતો. બેન્ચમાર્ક 1.26 ટકા ગગડી 38624ની સપાટીએ બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં સૌથી ખરાબ દેખાવમાં એસબીઆઈ ટોચ પર હતી. કંપનીનો શેર 2.31 ટકા જેટલો ગગડ્યો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એચડીએફસી બેંક, પીએનબી અને એક્સિસ બેંક પણ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંક પણ નરમ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.53 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં એચપીસીએલ, ઓએનજીસી, ગેઈલ જેવા પીએસયૂ શેર્સ ઘટાડો દર્શાવવામાં અગ્રણી હતાં. આ ઉપરાંત ટાટા પાવર, અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી, બીપીસીએલ અને એનટીપીસીનો પણ સમાવેશ થાય છે. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.4 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં કોલગેટ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એચયૂએલ, ઈમામી, ડાબર ઈન્ડિયા, આઈટીસી અને પીએન્ડજીનો ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. નિફ્ટી આઈટીમાં વિપ્રો ઉપરાંત એલએન્ડટી ઈન્ફોટેક, એલએન્ડટી ટેક્નોલોજી, માઈન્ડટ્રી, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા પણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.3 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં ભારત ફોર્જ 2.14 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, બોશ, બજાજ ઓટો, અમર રાજા બેટરીઝમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. બીજી બાજુ ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ અને ટાટા મોટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ડો. લાલ પેથલેબ્સમાં 2.4 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેન ફિન હોમ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, મેરિકો, બાટા ઈન્ડિયા, જીએનએફસી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, લૌરસ લેબ્સ, આઈજીએલ, અતુલ, એબીબી ઈન્ડિયામાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ ઈન્ડિયા સિમેન્ટ્સ, ઈન્ડિયન હોટેલ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, હેવેલ્સ ઈન્ડિયા, મધરસન, પિરામલ એન્ટરપ્રાઈઝ, એસીસી, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, મણ્ણાપુરમ, જીએમઆર ઈન્ફ્રા, અદાણી પોર્ટ્સમાં 2 ટકાથી લઈ 6 ટકા સુધીનો ઘટાડો નોઁધાયો હતો. ઈન્ડિયા સિમેન્ટ્સનો શેર ફરી એકવાર રૂ. 236ના મહિનાના તળિયા પર આવી પહોંચ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્મસાં રાઈટ્સ, સન ફાર્મા, શેલે હોટેલ્સ, ટીવીએસ મોટર, રેમન્ડ અને આઈડીએફસીનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ વિપ્રો, આલોક ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, શિલ્પા, સનોફી ઈન્ડિયા, એચપીસીએલ, એલેમ્બિક ફાર્મા, પીબી ઈન્ફોટેક, બિરલા સોફ્ટ અને એલઆઈસી ઈન્ડિયાના શેરે તેમના વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ અન્ડરટોન નરમ હતો. બીએસઈ ખાતે કુલ 3562 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2137 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 1293 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 114 કાઉન્ટર્સે અપર સર્કિટ્સ દર્શાવી હતી. જ્યારે 70 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 132 કાઉન્ટર્સ તેમના અગાઉના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં.દિવાળી પછીના મહિનામાં મહ્દઅઁશે તેજી દર્શાવું શેરબજાર
ચાલુ વર્ષે દિવાળી પૂર્વે મંદી બાદ તહેવારો પછી મજબૂતી જોવા મળી શકે
2012થી 2021 સુધીની 10 દિવાળીમાંથી સાતમાં માર્કેટે સુધારો નોંધાવ્યો છે
2014 દિવાળી પછી 6.61 ટકાનું જ્યારે 2020માં 6 ટકાનું ઊંચું રિટર્ન આપ્યું

વર્તમાન સંવતમાં દિવાળી પૂર્વેના મહિનામાં શેરમાર્કેટનો દેખાવ સારો નથી રહ્યો. વૈશ્વિક સ્તરે બજારોમાં મોટી વધ-ઘટ પાછળ સ્થાનિક શેરબજારમાં પણ ઘસારો જોવા મળ્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી મહિના અગાઉના તેના 18000ના સ્તરેથી 1000 પોઈન્ટ્સ નીચે 17000ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જોકે દિવાળી પછીના મહિનામાં બજાર સામાન્યરીતે પોઝીટીવ જોવા મળતું હોવાનું છેલ્લાં 10 વર્ષોનો ટ્રેન્ડ સૂચવે છે. 2012થી લઈને 2021 સુધીના 10 વર્ષોમાંથી સાતમાં પોઝીટીવ રિટર્ન જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે સ્થિતિમાં સુધારો જોવા મળે તો સ્થાનિક બજાર આ ટ્રેન્ડ જાળવી શકે છે.
ચાલુ વર્ષે દિવાળી પૂર્વેના મહિનામાં અત્યાર સુધીમાં 4 ટકાનું નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. નવા સંવતના મૂહૂર્ત ટ્રેડિંગ પૂર્વે હવે છ ટ્રેડિંગ સત્રો બાકી છે. જે દરમિયાન માર્કેટ 4 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવે તેવી શક્યતાં ઓછી જણાય છે. જોકે દિવાળી પછીના મહિનામાં તે ધીમો સુધારો દર્શાવી શકે છે એમ માર્કેટ એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે વૈશ્વિક બજારો ટૂંકાગાળામાં ઓવરસોલ્ડ જણાય છે અને તેથી ત્યાં સ્થિરતા પરત ફરી શકે છે. જે ભારતીય બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડી શકે છે. ભારતીય બજાર છેલ્લાં ઘણા સમયથી આઉટપર્ફોર્મર બની રહ્યું હોવાથી તીવ્ર બાઉન્સ દર્શાવે તેમ નથી જણાતું. દિવાળી અગાઉ તે 17000ની આસપાસ અથડાયેલો જોવા મળે તેવી શક્યતાં ઊંચી છે. જ્યારે દિવાળી પછી 2-3 ટકાનું બાઉન્સ દર્શાવી શકે છે. એટલેકે બેન્ચમાર્ક નિફ્ટી 17500 સુધીનો સુધારો દર્શાવી શકે છે. છેલ્લાં 10 વર્ષોમાં સાત દરમિયાન માર્કેટે દિવાળી પછી સુધારો નોંધાવ્યો છે. જેમાં 2014ની દિવાળી બાદ નિફ્ટીએ 6.61 ટકાનું મજબૂત રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે 2020 દિવાળી બાદ તેણે 6 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. આ ઉપરાંત 2019માં 4.51 ટકા, 2012માં 3.27 ટકા અને 2021માં 2 ટકાનું રિટર્ન આપ્યું હતું. માત્ર ત્રણ કિસ્સામાં તેણે દિવાળી પછીના મહિનામાં નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. જેમાં 2016 દિવાળી બાદ 4.58 ટકા, 2015 દિવાળી બાદ 3.18 ટકા અને 2013 દિવાળી બાદ 1.8 ટકાનું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું હતું. 10 વર્ષોમાં દિવાળી પછીના મહિનામાં સરેરાશ 1.52 ટકાનું સરેરાશ રિટર્ન બજારે દર્શાવ્યું છે. ચાલુ વર્ષે માર્કેટમાં વોલેટિલિટી સામાન્ય સમયગાળા કરતાં ઊંચી જોવા મળી છે અને તેથી માર્કેટ એક દિશામાં ગતિ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું છે. જોકે ત્રીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતાં સારી શરૂઆત દર્શાવી રહ્યાં છે અને તેની પાછળ માર્કેટને સપોર્ટ મળી શકે છે. જોકે નિફ્ટી નજીકમાં 18000ની સપાટી કૂદાવે તેવી શક્યતાં ધૂંધળી હોવાનું વર્તુળો જણાવે છે. તે મોટેભાગે 16800-17500ની રેંજમાં અથડાયેલો રહેશે એવુ જણાય રહ્યું છે. ક્રૂડમાં નોંધપાત્ર ઘટાડો અને ડોલર સામે રૂપિયામાં સારા બાઉન્સ જેવી ઘટનાઓ જ રૂપિયાને નવી ટોચ તરફ લઈ જઈ શકે છે. હાલમાં તો ભારતીય બજારના વેલ્યૂએશન્સ હરિફ બજારોની સરખામણીમાં ઘણા ઊંચા જણાય રહ્યાં છે અને તેથી નવી ખરીદીમાં સાવચેતીનું સૂચન પણ એનાલિસ્ટ્સ કરી રહ્યાં છે.
દિવાળીના મહિના પછી માર્કેટનો દેખાવ
વર્ષ રિટર્ન(ટકામાં)
2012 3.27
2013 -1.8
2014 6.61
2015 -3.18
2016 -4.58
2017 3.61
2018 1.23
2019 4.51
2020 6.00
2021 2.00
સરેરાશ 1.52%ઈન્ફોસિસે બીજા ક્વાર્ટરમાં રૂ. 6021 કરોડનો નફો નોંધાવ્યો
દેશમાં બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસ ટેક્નોલોજીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6021 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5421 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 23.4 ટકા ઉછળી રૂ. 36538 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળમાં રૂ. 29602 કરોડ પર હતી. ત્રિમાસિક ધોરણે વાત કરીએ તો કંપનીની આવકમાં 6 ટકા જ્યારે નેટ પ્રોફિટમાં 12.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીના પરિણામ માર્કેટની અપેક્ષા મુજબ જ જોવા મળ્યાં છે. આઈટી કંપનીના બોર્ડે પ્રતિ શેર 1850ના ભાવે રૂ. 9300 કરોડ સુધીના શેર બાયબેકને પણ મંજૂરી આપી છે. બાયબેક ભાવ કંપનીના શેરના વર્તમાન બજારભાવથી 30 ટકા પ્રીમીયમ દર્શાવે છે.
ડોલર ઈન્ડેક્સ ગગડતાં ગોલ્ડમાં મજબૂતી
વિશ્વ બજારમાં છ કરન્સી બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને પગલે ગુરુવારે ડોલરમાં મજબૂતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ 0.55 ટકા નરમાઈ સાથે સાંજે 112.525ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે તેનું છેલ્લાં બે દિવસનું લો લેવલ છે. જેની પાછળ કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 10 ડોલર મજબૂતી સાથે 1688 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રો દરમિયાન ડોલર ઈન્ડેક્સમાં ઊંચી વોલેટિલિટી પાછળ ગોલ્ડમાં પણ બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. ગુરુવારે યુએસ ખાતે સપ્ટેમ્બર માટેનો સીપીઆઈ ડેટા રજૂ થવાનો છે. જો તે અપેક્ષાથી નીચો રહેશે તો ગોલ્ડમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે સીપીઆઈ ડેટા ઊંચો આવશે તો ડોલરમાં મજબૂતી પાછળ યુએસ ટ્રેઝરી યિલ્ડ ઊંચકાઈ શકે છે. જેની પાછળ ગોલ્ડમાં ફરી ઘટાડો સંભવ છે.
તહેવારોની ઊંચી માગ પાછળ પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં 92 ટકા ઉછાળો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પીવી સેલ્સ 38 ટકાની મજબૂત વૃદ્ધિ પાછળ 10,26,309 યુનિટ્સ પર નોંધાયું

વર્તમાન ફેસ્ટીવલ સિઝન દરમિયાન પેસેન્જર વેહીકલ્સ(પીવી)ની માગ ખૂબ ઊંચી જોવા મળી છે. જેને કારણે પીવીના હોલસેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 92 ટકા વૃદ્ધિ નોઁધાઈ છે અને સપ્ટેમ્બર મહિનામાં તે 3,07,389 યુનિટ્સ પર રહ્યું હતું એમ ઈન્ડસ્ટ્રી બોડી સિઆમનો ડેટા સૂચવે છે. સપ્ટેમ્બર 2021માં પીવીનું હોલસેલ વેચાણ માત્ર 1,60,212 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
સિઆમના અહેવાલ મુજબ ટુ-વ્હીલર્સનું વેચાણ પણ સપ્ટેમ્બરમાં 13 ટકા વૃદ્ધિ સાથે 17,35,199 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 15,37,604 વેહીકલ્સ પર હતું. મોટરસાઈકલનું વેચાણ 18 ટકા ઉછળી 11,14,667 યુનિટ્સ પર રહ્યું હતું. જે સપ્ટેમ્બર 2021માં 9,48,161 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જો સ્કૂટર સેલ્સની વાત કરીએ તો તે 9 ટકા ઉછળી 5,72,919 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષના 5,27,779 યુનિટ્સ કરતાં 34 હજાર યુનિટ્સથી વધુની વૃદ્ધિ સૂચવે છે. જો સમગ્ર સપ્ટેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો પીવી સેલ્સમાં 38 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 7,41,442 યુનિટ્સ સામે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં પીવી સેલ્સ 10,26,309 યુનિટ્સ પર રહ્યું હતું. આ જ રીતે ટુ-વ્હીલર્સનું વેચાણ પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 13 ટકા વધી 46,73,931 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 41,36,484 યુનિટ્સ પર હતું. કુલ કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 39 ટકા ઉછળી 2,31,880 યુનિટ્સ પર રહ્યું હતું. જે વર્ષ પહેલા સમાનગાળામાં 1,66,251 યુનિટ્સ પર હતું. તમામ કેટેગરીઝ કુલ મળીને 60,52,628 યુનિટ્સ વાહનોનું વેચાણ નોંધાયું હતું. જે વર્ષ અગાઉ 51,15,112 યુનિટ્સ પર હતું.


કોર્પોરેટ હેડલાઈન્સ

ક્રિસિલઃ રેટિંગ એજન્સીએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સના નફામાં 3 ટકા ઘટાડાની અપેક્ષા છે. કંપનીઓની આવકમાં 15 ટકા વૃદ્ધિ છતાં તેમનો પ્રોફિટ ઘટાડો દર્શાવશે એમ તે જણાવે છે. કંપનીએ 300થી વધુ કંપનીઓનું એનાલિસીસ કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ઓઈલ-ગેસ સેક્ટરની કંપનીઓનો સમાવેશ નથી થતો.
વિપ્રોઃ આઈટી કંપનીએ જણાવ્યું છે કે તે 85 ટકા કર્મચારીઓને સપ્ટેમ્બર ક્વાર્ટર માટે 100 ટકા વેરિએબલ પેની ચૂકવણી કરશે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં 10 હજારથી વધુ કર્મચારીઓને પ્રમોશન આપ્યું હતું અને તેમના વેતનમાં વૃદ્ધિ જાળવી હતી.
અદાણી ટ્રાન્સમિશનઃ કંપનીએ કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન પાસેથી અલીપુરદૂર ટ્રાન્સમિશનમાં વધુ 25 ટકા હિસ્સાનું ખરીદી કરી છે. જે ભૂતાન સ્થિત પાવર પ્રોજેક્ટ્સમાંથી હાઈડ્રોઈલેક્ટ્રીક પાવરને ભારતમાં ટ્રાન્સમિટના કામની દેખરેખ કરે છે.
એનએસડીએલઃ ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સે કેન્દ્ર સરકારની ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સમાં રૂ. 10 કરોડમાં 5.6 ટકા હિસ્સાની ખરીદી કરી છે. તેણે પ્રાઈવેટ પ્લેસમેન્ટ રૂટ મારફતે આ રોકાણ કર્યું છે.
પીવીઆરઃ કંપનીના શેરધારકોએ આઈનોક્સ લેઝર સાથેના મર્જરને મંજૂરી આપી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચના નિર્દેશ બાદ પીવીઆરે શેરધારકોની બેઠક બોલાવી હતી. જેમાં પ્રસ્તાવની તરફેણમાં 99 ટકાથી વધુ વોટ પડ્યાં હતાં.
સેઈલઃ કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સ્ટીલ ઉત્પાદકની માલિકીના ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટના સ્ટ્રેટેજિક વેચાણના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. જેની પાછળ સેઈલના શેરમાં નરમાઈ જોવા મળી હતી.
અંબેર એન્ટરપ્રાઈઝિસઃ આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે અંબેર એન્ટરપ્રાઈઝિસમાં 1.83 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
પેનેશ્યા બાયોટેકઃ કંપનીમાં ઈન્વેસ્ટર સિરસ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ ઓપન માર્કેટ ઓપરેશન મારફતે પેનેશ્યા બાયોટેકના 2.2 ટકા ઈક્વિટી હિસ્સાનું વેચાણ કર્યું છે.
અદાણી પોર્ટ્સઃ કંપનીએ વેસ્ટ બેંગાલ ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફતી તાજપુર ખાતે ડીપ-સી પોર્ટ ડેવલપમેન્ટના વિકાસ માટે મંજૂરી મેળવી છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ કેલેન્ડર 2030 સુધીમાં 10 કરોડ ટન કોલ ગેસિફિકેશન હાંસલ કરવાનો ટાર્ગેટ બાંધ્યો છે.
એનટીપીસીઃ પીએસયૂ ઈલેક્ટ્રીસિટી ઉત્પાદકે ગેસ ટર્બાઈન્સમાં નેચરલ ગેસ સાથે બ્લેન્ડ કરીને હાઈડ્રોજન કો-ફાયરિંગ માટે સિમેન્સ સાથે એમઓયૂ કર્યાં છે.
આઈટીસીઃ કંપનીના આઈટી એકમ આઈટીસી ઈન્ફોટેકે બ્રાઝિલ ખાતે આઈટીસી ઈન્ફોટેક ડુ બ્રાઝિલ લિમિટેડની સ્થાપના કરી છે.
એસડબલ્યુ રિન્યૂએબલ એનર્જીઃ કંપનીએ પીએસયૂ કંપનીની પેટાકંપની એનપીટીપી આરઈએલ પાસેથી તેના 1255 મેગાવોટએસી અને 1568 મેગાવોટડીસી સોલાર પીવી પ્રોજેક્ટ માટે ઓર્ડર મેળવ્યો છે.
ડિશટીવીઃ કંપનીએ કહેવાતાં નિયમ ભંગ બદલ સેબીની તપાસ મુદ્દે સેટલમેન્ટ માટે રૂ. 46 લાખની ચૂકવણી કરી છે.
એલઆઈસીઃ લાઈફ ઈન્શ્યોરરે જણાવ્યું છે કે પાવર ગ્રીડ કોર્પોરેશનમાં તેનો હિસ્સો મે મહિનામાં 5.3 ટકા પરથી ઘટી 3.3 ટકા થયો છે. પાવર ગ્રીડ કોર્પો.નો શેર પણ અન્ડરપર્ફોર્મર જોવા મળ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage