બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
દિવસના તળિયાથી પરત ફરેલું બજાર
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ વધુ ગગડ્યું હતું. નિફ્ટી 17369ના અગાઉના બંધ સામે 17269નું બોટમ બનાવી 17355ના સ્તરે સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. બજારને બેંક્સ અને ફાઈનાન્સિયલ સેક્ટર તથા એનર્જી તરફથી સપોર્ટ સાંપડ્યો નહોતો. અન્ય સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ રહ્યાં હતાં. આમ બેંકિંગ પાછળ બજાર નરમ બંધ રહ્યું હતું. પીએસઈ ઈન્ડેક્સ 0.91 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. એફએમસીજી પણ નવી ટોચ પર બંધ રહ્યો હતો.
ક્લિક્સ અને સૂર્યોદય સ્મોલ ફાઈ. બેંક વચ્ચે મર્જર માટે મંત્રણા
ડિજિટલ લેન્ડિંગ સર્વિસિસ પ્રોવાઈડર ક્લિક્સ કેપિટલ સર્વિસિઝ ચારેક મહિના અગાઉ શેરબજાર પર લિસ્ટ થયેલી સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક સાથે મર્જર માટે વાતચીત ચલાવી રહી છે. અગાઉ જીઈ કેપિટલના વડા દ્વારા રન કરવામાં આવતી એનબીએફસીના વર્તુળોએ જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત મર્જર માટે ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ ડીલ થઈ જશે. આ ડીલનો મર્ચન્ટ બેંકર સેન્ટ્રમ કેપિટલ હોવાનું જાણવા મળે છે. આ મર્જર સૂચવે છે કે બીજી હરોળની એનબીએફસી કંપનીઓને માટે બેંક્સ તરફથી ફંડીંગ લાઈન્સ અટકી પડવાને કારણે કામગીરી અઘરી બની રહી છે. તેથી જ તેઓ બેંક્સ સાથે મર્જરનું વિચારી રહ્યાં છે.
અદાણી ટ્રાન્સમિશન રૂ. 2 લાખ કરોડનું એમ-કેપ પાર કરી ગઈ
અદાણી જૂથની કંપની અદાણી ટ્રાન્સમિશન સોમવારે રૂ. 2 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરવા સાથે ટોચની 50 કંપનીઓમાં પ્રવેશી હતી. કંપનીનો શેર 3.58 ટકા સાથે રૂ. 1671.40ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેણે રૂ. 2.05 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. ઈન્ટ્રા-ડે દરમિયાન તેણે 1875ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. કંપનીનો શેર 30 જુલાઈએ તેણે દર્શાવેલા રૂ. 903.75ના સ્તરેથી 105 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. કંપની ઈલેક્ટ્રિકલ યુટિલિટી બિઝનેસમાં સક્રિય છે. અગાઉ અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. 2 લાખનું એમ-કેપ નોંધાવનાર જૂથની પ્રથમ કંપની બની હતી. અદાણી ટ્રાન્સમિશન આ સીમાચિહ્ન હાંસલ કરનાર બીજી કંપની બની છે. અદાણી એન્ટરપ્રાઈઝ રૂ. 1.68 લાખ કરોડ જ્યારે અદાણી ટોટલ ગેસ રૂ. 1.5 લાખ કરોડનું એમ-કેપ ધરાવે છે.
માર્કેટ નરમ છતાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ
ભારતીય બજાર સોમવારે મોટેભાગે નરમાઈ સાથે ટ્રેડ થયું હતું. જોકે તેમ છતાં બજારમાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વ્યક્તિગત શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3468 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1717 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1546 કાઉન્ટર્સે નરમાઈ દર્શાવી હતી. જ્યારે 205 કાઉન્ટર્સ ફ્લેટ બંધ રહ્યાં હતાં. 255 જેટલા કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 299 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં ફ્રીઝ રહ્યાં હતાં. 239 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં.
ઈન્ટરનેટ અંકુશો પાછળ ચીનમાં ટેક શેર્સ તૂટ્યાં
ચીનની સરકાર દ્વારા ઈન્ટરનેટ સંબંધી અંકુશો પાછળ સોમવારે ટેક્નોલોજી શેર્સમાં વધુ ઘટાડો નોંધાયો હતો. સરકાર દ્વારા ઓનલાઈન બિઝનેસિસને રિશેપ કરવાના પગલાની પ્રતિક્રિયામાં ચીન અને હોંગ કોંગ બજારમાં ટેક્નોલોજી શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. હેંગ સેંગ ઈન્ડેક્સ 2.3 ટકા તૂટીને બંધ જોવા મળ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં મેઈટુન, અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ અને ટેનસેટ હોલ્ડિંગ્સમાં સૌથી મોટો ઘટાડો નોઁધાયો હતો.
સપ્ટેમ્બરમાં FIIsનું અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ મહિનાનું સૌથી વધુ રોકાણ
જુલાઈમાં રૂ. 11308 કરોડના વેચાણ સામે સપ્ટેમ્બરમાં સોમવારે સુધી રૂ. 5000 કરોડથી વધુનું પોઝીટીવ રોકાણ
ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી પોઝીટીવ વલણ દર્શાવ્યું છે. જુલાઈમાં રૂ. 11 હજાર કરોડથી વધુની વેચવાલી બાદ ઓગસ્ટમાં પણ તેઓ મોટાભાગના દિવસોમાં વેચાણ દર્શાવતાં રહ્યાં હતાં. જ્યારે સપ્ટેમ્બરમાં તેમણે નાના જથ્થામાં ખરીદી જાળવી છે. સોમવારે સુધી તેમણે ઈક્વિટીઝમાં રૂ. 5000 કરોડની જ્યારે ડેટ પ્રોડક્ટ્સમાં રૂ. 2850 કરોડની ખરીદી દર્શાવી છે. આમ કેલેન્ડરના શરૂઆતી નવ મહિનાઓમાંથી પોઝીટીવ ફ્લો દર્શાવવામાં તે પાંચમા ક્રમે આવે છે.
એફઆઈઆઈએ એપ્રિલ, મે અને જુલાઈમાં ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. જ્યારે ઓગસ્ટમાં તેમણે રૂ. 2 હજાર કરોડનો સાધારણ ઈનફ્લો નોંધાવ્યો હતો. સપ્ટેમ્બરમાં શરૂઆતી બે ટ્રેડિંગ સત્રોમાં વેચવાલ રહ્યાં બાદ તેઓ ધીમી ખરીદી દર્શાવતાં રહ્યાં છે. શુક્રવારે એફઆઈઆઈએ સ્થાનિક બજારમાં રૂ. 423 કરોડની ખરીદી દર્શાવી હતી. આમ છેલ્લાં કેટલાક સત્રોથી તેઓ નાની માત્રામાં ખરીદી સૂચવે છે. સામાન્યરીતે સપ્ટેમ્બર મહિનો એફઆઈઆઈ રોકાણ માટે મોટેભાગે પોઝીટીવ જોવા મળ્યો છે. તેમજ તેણે ઘણીવાર કેલેન્ડરમાં માસિક ધોરણે સૌથી ઊંચું રોકાણ સપ્ટેમ્બરમાં દર્શાવ્યું હોય તેવું જોવા પણ મળ્યું છે. ચાલુ સપ્ટેમ્બરના મોટાભાગના ટ્રેડિંગ સત્રો બાકી છે અને તેથી તેઓ આગામી દિવસોમાં નોંધપાત્ર ખરીદી દર્શાવી શકે છે. કેલેન્ડરના કુલ 9 મહિનાઓમાંથી તેમણે ત્રણ દરમિયાન ચોખ્ખી વેચવાલી દર્શાવી છે. જેમાં જુલાઈમાં રૂ. 11 હજાર કરોડથી સૌથી વધુ વેચવાલી બાદ એપ્રિલમાં તેમણે રૂ. 9659 કરોડ અને મેમાં રૂ. 2954 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. ઓગસ્ટમાં તેમણે સાધારણ ખરીદી દર્શાવી હતી. જોકે કેલેન્ડરની શરૂમાં જાન્યુઆરીમાં રૂ. 19473 કરોડ જ્યારે ફેબ્રુઆરીમાં રૂ. 25787 કરોડની ઊંચી ખરીદી દર્શાવી હતી. જ્યારબાદ માર્ચમાં રૂ. 10482 કરોડ અને જૂન દરમિયાન રૂ. 17215 કરોડનું નોંધપાત્ર રોકાણ કર્યું હતું. ડેટ માર્કેટમાં નવમાંથી સાત મહિના દરમિયાન વેચવાલ રહ્યાં બાદ છેલ્લાં બે મહિનાથી તેઓ નેટ ઈન્વેસ્ટમેન્ટ દર્શાવે છે. જેમાં ઓગસ્ટમાં તેમણે રૂ. 12144 કરોડનું નોંધપાત્ર રોકાણ કર્યું હતું. જ્યારબાદ સપ્ટેમ્બરમાં પણ તેઓ રૂ. 2850નો ઈનફ્લો દર્શાવી રહ્યાં છે. આ સાથે ડેટ માર્કેટમાં તેમનો નેટ આઉટફ્લો રૂ. 7940 કરોડ જેટલો થાય છે. ઈક્વિટીમાં તેમનો ઈનફ્લો રૂ. 55 હજાર કરોડથી વધુ જોવા મળી રહ્યો છે. આમાં આઈપીઓમાં એફઆઈઆઈ તરફથી જોવા મળેલા મોટા ઈનફ્લોનો સમાવેશ પણ થાય છે. ચાલુ વર્ષે વિદેશી રોકાણકારોએ પ્રાઈમરી માર્કેટમાં રૂ. 36577 કરોડનું વિક્રમી રોકાણ નોંધાવી ચૂક્યાં છે. આ અગાઉ તેમણે 2018માં રૂ. 18 હજાર કરોડનું ઊંચું રોકાણ દર્શાવ્યું હતું.
એલ્યુમિનિયમ 3000 ડોલર પ્રતિ ટનની 13-વર્ષોની ટોચ પર
વૈશ્વિક પુરવઠામાં અવરોધ વચ્ચે માગમાં સતત વૃદ્ધિને કારણે ધાતુમાં અવિરત તેજી
વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમના ભાવ 13 વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. સોમવારે તેણે લંડન મેટલ એક્સચેન્જ ખાતે 3000 ડોલર પ્રતિ ટનની નવી સપાટી દર્શાવી હતી. મેટલ છેલ્લાં ચાર મહિનાથી સતત સુધારાતરફી ચાલ દર્શાવી રહી છે. જેનું મુખ્ય કારણ સતત વધતી માગ સામે પુરવઠામાં ઊભા થયેલા અવરોધો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સપ્ટેમ્બર એલ્યુમિનિયમ વાયદો 2 ટકા ઉછળી રૂ. 235.30ની ટોચ પર ટ્રેડ થયો હતો.
છેલ્લા ત્રણ સપ્તાહો દરમિયાન 15 ટકાની વૃદ્ધિ બાદ સોમવારે મેટલમાં વધુ સુધારો જોવા મળ્યો હતો. ચીન ખાતે પ્રદૂષણ ઘટાડવાના તથા ઊર્જા બચાવવાના ભાગરૂપે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોક્સાઈટ ઉત્પાદન ગૂએના ખાતે લશ્કરી ષડયંત્રને કારણે કાચી સામગ્રીના પુરવઠાને લઈને ચિંતા ઊભી થઈ છે. યુરોપિયન યુનિયન ખાતે પણ કાર્બન ક્રેડિટ અને પાવર ઈનપુટ્સ વિક્રમી ટોચ પર હોવાથી ભઠ્ઠીઓનો ખર્ચ વધી રહ્યો છે એમ ગોલ્ડમેન સાચે એક રિપોર્ટમાં જણાવ્યું છે. ગોલ્ડમેન સાચના એનાલિસ્ટ્સ નોંધે છે કે ચીન ખાતે તેમજ યુરોપ ખાતે એલ્યુમિનિયમ સપ્લાયને લઈને પોલિસી સંબંધી જોખમ વધી રહ્યું છે. બેંકને તાજેતરમાં ગુએના ખાતે થયેલા લશ્કરી બળવાને કારણે બોક્સાઈટના પુરવઠા પર કોઈ મોટી અસર નથી જણાતી. જોકે પ્રાદેશિત તણાવોને કારણે લોજિસ્ટીક સંબંધી અવરોધોમાં વૃદ્ધિ થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે. ચાલુ કેલેન્ડરના બાકીના સમયગાળામાં તેમજ 2022માં ઉદ્યોગે સપ્લાયમાં અવરોધોનો સામનો કરવાનો ચાલુ રહેશે એમ શિકાગો ખાતે મળેલી હાર્બોર એલ્યુમિનિયમ સમિટના ભાગ લેનારાઓનું કહેવું હતું. આમાંથી કેટલાકના મતે તો એલ્યુમિનિયમમાં પુરવઠાની સ્થિતિ સામાન્ય બનવામાં પાંચ વર્ષ જેટલો લાંબો સમય પણ લાગી શકે છે. ઉત્પાદનમાં ઊંચી એનર્જિ જરૂરિયાત ધરાવતી ધાતુના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 65 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
લંડન ખાતે એલ્યુમિનિયમના ભાવ ઈન્ટ્રા-ડે ધોરણે 2.6 ટકા ઉછળી 3000 ડોલર પર જોવા મળ્યાં હતાં. આ અગાઉ આ ભાવ સપાટી 2008માં જોવા મળી હતી. ચીન ખાતે મેટલના ભાવ 5.4 ટકા ઉછળી 23790 યુઆન પ્રતિ ટન પર જોવા મળ્યાં હતાં. 2006ની સાલ બાદ મેટલના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે. સોમવારે એલ્યુમિનિયમને છોડીને અન્ય બેઝ મેટલ્સમાં નરમાઈ જોવા મળતી હતી. ઝીંકનો ભાવ 0.9 ટકા ઘટાડો દર્શાવતો હતો. હોંગ કોંગ ખાતે એલ્યુમિનિયમ કોર્પોરેશન ઓફ ચીનનો શેર 12 ટકા જેટલો ઉછળ્યો હતો. ભારતીય ઉત્પાદકો નાલ્કો અને હિન્દાલ્કોના શેર્સમાં પણ 4 ટકા સુધીનો સુધારો નોઁધાયો હતો.
Market Summary 13 Sep 2021
September 13, 2021