બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં ત્રીજા સત્રમાં સુધારો જળવાયોઃ નિફ્ટી 22200ની સપાટી પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 20.19ના સ્તરે બંધ
ઓટો, મેટલ, પીએસઈ, રિઅલ્ટી, બેંકિંગમાં મજબૂતી
ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં નીકળેલી નોંધપાત્ર લેવાલી
ફિનોલેક્સ ઈન્ડ., વેદાંત, એમએન્ડએમ, જિંદાલ સ્ટીલ, બોશ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ નવી ટોચે
ક્લિન સાઈન્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજાર મંગળવારે સતત ધીમો સુધારા સાથે 0.5 ટકા પોઝીટીવ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 328 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 73105ની સપાટીએ જ્યારે નિફ્ટી 114 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 22218ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખૂબ સારી ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3923 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2698 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1111 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 158 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઘટાડા સાથે 20.19ના સ્તરે બંધ આવ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી સાધારણ ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યાં પછી એક તબક્કે નેગેટીવ ઝોનમાં ઉતરી ગયો હતો. જોકે, ત્યાંથી તરત જ પરત ફરી સુધારાતરફી જળવાયો હતો. ઈન્ટ્રા-ડે 22270ની ટોચ બનાવી તે 22200 પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટમાં બાઉન્સની શક્યતાં જોઈ રહ્યાં હતાં. તેમના મતે ઈન્ડિયા વિક્સને 21-22નો અવરોધ છે અને ત્યાંથી જ તે પરત ફર્યો છે. આમ, માર્કેટમાં સ્થિરતા જોવા મળી શકે છે. નજીકમાં 21800નો સપોર્ટ રહેશે. જ્યારે ઉપરમાં 22400-22500ની રેંજમાં મુખ્ય અવરોધ છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, લાર્સન, જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, હિંદાલ્કો, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એનટીપીસી, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી, ટાઈટન કંપનીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સિપ્લા, ટીસેસ, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, ડો. રેડ્ડીઝ લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફઆઈનાન્સ, ગ્રાસિમ, આઈટીસી, એચયૂએલ, એશિયન પેઈન્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ જોઈએ તો ઓટો, મેટલ, પીએસઈ, રિઅલ્ટી, બેંકિંગમાં મજબૂતી જળવાય હતી. જ્યારે ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.8 ટકા ઉછળી ટોચની નજીક પહોંચ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, સેઈલ, વેદાંત, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, મોઈલ, વેલસ્પન કોર્પમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળી ટોચની નજીક જ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ, બોશ, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ, મધરસન સુમી, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, તાતા મોટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક એક ટકા મજબૂતી સૂચવતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ પણ એક ટકા આસપાસ વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, વોડાફોન આઈડિયા, સેઈલ, તાતા પાવર, વેદાંત, એસીસી, જિંદાલ સ્ટીલ, બિરલા સોફ્ટ, એમએન્ડએમ, હિંદુસ્તાન એરોનોટીક્સ, અંબુજા સિમેન્ટ્સ, આઈઆરસીટીસી, એનએમડીસી, બોશમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, યૂપીએલ, સિપ્લા, લ્યુપિન, ડિક્સોન ટેક્નોલોજી, આરતી ઈન્ડ., ચોલા ઈન્વે., ગોદરેજ કન્ઝ્યૂમર, ગ્લેનમાર્ક, પોલીકેબ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, પીવીઆર આઈનોક્સ, એચપીસીએલ, કોલગેટમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફિનોલેક્સ ઈન્ડ., વેદાંત, એમએન્ડએમ, જિંદાલ સ્ટીલ, બોશ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, સીજી પાવર, કમિન્સ ઈન્ડિયા,આઈશર મોટર્સ, હેવેલ્સ ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટા, મેરિકોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ક્લિન સાઈન્સે નવું તળિયું દર્શાવ્યું હતું.
એપ્રિલ માટે WPI 13-મહિનાની ટોચ પર જોવા મળ્યો
ફૂડ અને ફ્યુઅલ પ્રાઈસિસમાં વૃદ્ધિ પાછળ હોલસેલ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ નોંધાઈ
દેશમાં એપ્રિલ માટેનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(ડબલ્યુપીઆઈ) તીવ્ર વૃદ્ધિ સાથે 13-મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. માર્ચમાં 0.53 ટકા પરથી ઉછળી તે 1.26 ટકા પર પહોંચ્યો હતો. આમ, સતત છઠ્ઠા મહિને ડબલ્યુપીઆઈ પોઝીટીવ ટેરિટરીમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે -0.79 ટકા પર નોંધાયો હતો.
કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ ફૂડ આર્ટિકલ્સ અને ફ્યુઅલના ભાવમાં વૃદ્ધિ પાછળ જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ નોંધાઈ હતી. ફૂડ આર્ટિકલ્સમાં ડુંગળીના ભાવમાં 60 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. શાકભાજીના ભાવમાં 24 ટકા, બટાટાના ભાવમાં 72 ટકા, ડાંગરમાં 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે જાડાં ધાન્યો અને કઠોળના ભાવમાં અનુક્રમે 8.7 ટકા અને 16.6 ટકા ઘટાડો નોંધાયો હતો. ફળોના ભાવમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. દૂધના ભાવ પણ 4.3 ટકા જેટલાં ઘટ્યાં હતાં.
મેન્યૂફેક્ચર્ડ પ્રોડક્ટ્સના ભાવ ડિફ્લેશન(-0.42 ટકા)માં જળવાયાં હતાં. જે ઈન્ડેક્સમાં 64.2 ટકાનું ઊંચું વેઈટેજ ધરાવે છે. સતત ચોથા મહિને તે ડિફ્લેશનમાં રહ્યાં હતાં. જેમાં ટેક્સટાઈલ્સ, પેપર, કેમિકલ્સ અને મેટલ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મેન્યૂફેક્ચર્ડ ફૂડ પ્રોડક્ટ્સના ભાવમાં 1.25 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
એપ્રિલમાં પેસેન્જર વેહીકલ, ટુ-વ્હીલર્સની નિકાસમાં 20 ટકાથી વધુ વૃદ્ધિ
વાર્ષિક ધોરણે ટુ-વ્હીલર્સની નિકાસમાં 24.3 ટકા વૃદ્ધિ નોંધાઈ
પેસેન્જર વેહીકલ્સની નિકાસ 21.1 ટકા વધી
દેશમાંથી એપ્રિલ દરમિયાન વાહનોની નિકાસમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)નો ડેટા જણાવે છે. તેના મતે પેસેન્જર વેહીકલ્સ અને ટુ-વ્હીલર્સ, બંને સેગમેન્ટે 20 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં ટુ-વ્હીલર્સની નિકાસ 24.3 ટકા નિકાસ વૃદ્ધિ જ્યારે પેસેન્જર વેહીકલ્સે 21.1 ટકા નિકાસ વૃદ્ધિ નોંધાવી હતી.
સમગ્ર નાણાકિય વર્ષ 2023-24ની વાત કરીએ તો ટુ-વ્હીલર્સની નિકાસ વાર્ષિક ધોરણે 5.3 ટકા ઘટાડો દર્શાવતી હતી. તે 34.58 લાખ યુનિટ્સ પર રહી હતી. જ્યારે પેસેન્જર વેહીકલ્સની નિકાસ 1.5 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. તે 6.72 લાખ યુનિટ્સ પર નોંધાઈ હતી. જોકે, તાજેતરના કેટલાંક મહિનાઓમાં નિકાસમાં ફરીથી બાઉન્સ જોવા મળ્યું હતું.
એપ્રિલની વાત કરીએ તો ટુ-વ્હીલર્સની નિકાસ 24.3 ટકા ઉછળી 3,20,877 યુનિટ્સ પર રહી હતી. પેસેન્જર વેહીકલ નિકાસ 21.1 ટકા ઉછળી 49,563 યુનિટ્સ પર જોવા મળી હતી. મારુતિ સુઝુકીએ દેશમાં 2023-24માં કુલ 2.83 લાખ કાર્સની નિકાસ કરી હતી. જે ચાર વર્ષ અગાઉ વાર્ષિક એક લાખ યુનિટ્સની નિકાસની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
ભારતી એરટેલનો નેટ પ્રોફિટ 31 ટકા ગગડી રૂ. 2072 કરોડ નોંધાયો
ટેલિકોમ કંપનીની આવક વાર્ષિક 4.4 ટકા વધી રૂ. 37,599 કરોડ પર રહી
કંપનીએ પ્રતિ શેર રૂ. 8નું ડિવિડન્ડ જાહેર કર્યું
ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2072 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 31.1 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 4.4 ટકા વધી રૂ. 37,599 કરોડ પર નોંધાઈ હતી. આવકમાં ઘટાડા પાછળ આફ્રિકન ચલણોમાં ડિવેલ્યૂએશનની અસર કારણભૂત હતી. ખાસ કરીને નાઈજિરિયન ચલણ નાઈરામાં ડોલર સામે ઘટાડો મહત્વનો રહ્યો હતો.
કંપનીની આવક અપેક્ષા મુજબ રહી હતી પરંતુ નેટ પ્રોફિટ અપેક્ષાથી નીચો રહ્યો હતો. બ્રોકરેજિસ રૂ. 2201 કરોડ-5309 કરોડની રેંજમાં નેટ પ્રોફિટની અપેક્ષા રાખતાં હતાં. જ્યારે આવક રૂ. 38,736 કરોડથી રૂ. 39,360 કરોડ રહેવાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. આમાં ભારતીય કામગીરીની આવક રૂ. 28,513 કરોડ પર હતી. જે વાર્ષિક 12.9 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. મોબાઈલ રેવન્યૂ વાર્ષિક 12.9 ટકા વધી હતી. જેનું કારણ પ્રતિ ગ્રાહક રિઅલાઈઝેશનમાં વૃદ્ધિ હતું. કોન્સોલિડેટેડ મોબાઈલ ડેટા ટ્રાફિક 17,702 પીબી પર જોવા મળ્યો હતો. વાર્ષિક 26.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
એરટેલનો એબિટા વાર્ષિક 4.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 19,590 કરોડ પર જોવા મળ્યો હતો. એબિટા માર્જિન 52.1 ટકા પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 52.2 ટકા પર જોવા મળતો હતો. કોન્સોલિડેટેડ એબિટ વાર્ષિક 0.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9423 કરોડ રહ્યો હતો.
Market Summary 14/05/2024
May 15, 2024