બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડના ડોવિશ વલણ પાછળ નિફ્ટીએ 21k પાર કર્યું
સેન્સેક્સે 930 પોઈન્ટ્સ ઉછળી 70 હજારની સપાટી કૂદાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા મજબૂતી સાથે 12.32ના સ્તરે બંધ
ડાઉ જોન્સે સર્વોચ્ચ ટોચ પર બંધ આપ્યું
યુએસમાં સોફ્ટ લેન્ડિંગની અપેક્ષાએ આઈટી ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળ્યો
રિઅલ્ટી, બેંકિંગ, ઓટોમાં સારી ખરીદી જોવાઈ
હૂડકો, આઈઆરએફસી, સ્વાન એનર્જી, સેઈલ, સોનાટા નવી ટોચે
યુએસ ફેડ ચેરમેન તરફથી બે વર્ષોમાં પ્રથમવાર ડોવિશ ટોન પાછળ શેરબજારોમાં ફાટફાટ તેજી જોવા મળી હતી. જેની પાછળ ભારતીય બજારો તેમની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 930 પોઈન્ટ્સ ઉછળી 70 હજારની સપાટી કૂદાવી 70514ની ટોચે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 256 પોઈન્ટ્સ ઉછળી 21,183ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3892 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2064 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1702 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 419 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા મજબૂતી સાથે 12.32ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે યુએસ ચેરમેન પોવેલે વ્યાજ દર વૃદ્ધિનું ચક્ર પૂરું થયું હોવાનું જણાવ્યું હતું. જેની પાછળ યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડેક્સ તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેની અસરે એશિયન બજારોમાં ચીન સિવાય સાર્વત્રિક તેજી જોવા મળતી હતી. ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી દિવસ દરમિયાન સુધરતો રહ્યો હતો. નિફ્ટી 21110ની સપાટીએ ખૂલી ઉપરમાં 21211ની ટોચ દર્શાવી તેની નજીક બંધ આપી શક્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 167 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21350ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 107 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે માર્કેટમાં તેજી વચ્ચે લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઉમેરો થયો છે. જે બજારમાં ટૂંકા સમયગાળામાં મજબૂતી જળવાય રહેવાનો સંકેત છે. વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ કોઈ ખાસ વૃદ્ધિ નથી નોંધાઈ. આમ, નિફ્ટી 21300-21400ની રેંજ સુધીનો સુધારો દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સ 21 હજારના નજીકના સ્ટોપલોસ સાથે તેજીની પોઝીશન જાળવી શકે છે. નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, એમએન્ડએમ, ટીસીએસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી લાઈફ, નેસ્લે, સિપ્લા, તાતા કન્ઝ્યૂમર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બીપીસીએલ, ટાઈટન કંપની, મારુતિ સુઝુકીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ જોઈએ તો યુએસમાં સોફ્ટ લેન્ડિંગની અપેક્ષાએ આઈટી ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળી બે વર્ષની ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. આ ઉપરાંત, રિઅલ્ટી, બેંકિંગ, ઓટોમાં સારી ખરીદી જોવાઈ હતી. તે તમામ સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. નિફટી આઈટી 34 હજારની ટોચ પાર કરી ગયો હતો. જેના કાઉન્ટર્સમાં એમ્ફેસિસ, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીમાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 1.4 ટકા ઉછળી 47732ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. જેને સપોર્ટ આપનાર ઘટકોમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, પીએનબી, બંધન બેંક, એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંકમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેને સપોર્ટ આપનાર ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, સોભા મુખ્ય હતાં. નિફ્ટી ઓટો 0.7 ટકા મજબૂતી સાથે 18 હજારની સપાટી પાર કરી ગયો હતો. જેના મજબૂત ઘટકોમાં મધરસન સુમી, એમએન્ડએમ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ, એમઆરએફ, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ, બોશનો સમાવેશ થતો હતો. નિફ્ટી એનર્જી 0.8 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, ગેઈલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, આઈઓસી સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં. નિફ્ટી પીએસઈ પણ વધુ 0.5 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સેઈલ, નાલ્કો, ઓઈલ ઈન્ડિયા, ગેઈલ, આઈઆરસીટીસી, કોન્કોર, ઓએનજીસી, એનએચપીસી, ભેલ, ભારત ઈલે., કોલ ઈન્ડિયા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો 7 ટકા સાથે સેઈલ સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, ઈન્ફો એજ, ઈન્ડુસ ટાવર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એમએન્ડએમ ફાઈ., શ્રીરામ ફાઈનાન્સ, વોડાફોન આઈડિયા, કોફોર્જ, નાલ્કો, પર્સિસ્ટન્ટ, મણ્ણાપુરમ ફાઈ, બિરલાસોફ્ટ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ડીએલએફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, મેક્સ ફાઈનાન્સિયલ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ચંબલ ફર્ટિ, પાવર ગ્રીડ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, જિંદાલ સ્ટીલ, સીજી કન્ઝ્યૂમર, નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હૂડકો, આઈઆરએફસી, સ્વાન એનર્જી, સેઈલ, સોનાટા, એમ્ફેસિસ, ઈન્ફો એજ, ઈન્ડુસ ટાવર્સ, માસ્ટેક, ગોદરેજ પ્રોપર્ટીઝ, શ્રીરામ ફાઈનાન્સ, એન્જિનીયર્સ ઈન્ડિયા, એસજેવીએન, પર્સિન્ટન્ટ, મણ્ણાપુરમ ફાઈ.નો સમાવેશ થતો હતો.
ડોલર ઈન્ડેક્સ-યિલ્ડ પટકાયાં, ગોલ્ડ-સિલ્વરમાં 6 ટકા સુધીનો ઉછાળો
યુએસ 10-યર બોન્ડ યિલ્ડ્સ 4 ટકાની નીચે ઉતરી ગયા
યુએસ ફેડે 2024માં ત્રણ વાર 25 બેસીસ પોઈન્ટ્સ ઘટાડાની શક્યતાં દર્શાવતાં ડોલર ઈન્ડેક્સ ઊંધા માથે પટકાયો હતો અને 102ની સપાટી નીચે ઉતરી ગયો હતો. યુએસ ખાતે બેન્ચમાર્ક યિલ્ડ પણ 4ની સપાટી નીચે જોવા મળ્યાં હતાં. જેની પાછળ ગોલ્ડ 3 ટકા અને સિલ્વર 6 ટકા ઉછાળો દર્શાવતાં હતાં. કોપર, ક્રૂડમાં પણ મજબૂતી જોવાતી હતી.
બુધવારે ફેડ રિઝર્વના ચેરમેને રેટ વૃદ્ધિ ચક્ર પૂરું થયું હોવાની સ્પષ્ટતા કરી હતી. સાથે તેમણે 2024માં રેટ ઘટાડાના ત્રણ રાઉન્ડની શક્યતાં પણ દર્શાવી હતી. જેણે ગોલ્ડમાં તેજીવાળાઓને તાકાત આપતાં કોમેક્સ ગોલ્ડ 2000 ડોલરની નીચેથી બાઉન્સ થયું હતું અને 2040 ડોલર પર જોવા મળતું હતું. કોમેક્સ વાયદો 2055 ડોલર પર ટ્રેડ થયો હતો. જ્યારે ચાંદી 24 ડોલરની સપાટી પર પરત ફરી હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 1300ની વૃધ્ધિ સાથે રૂ. 62500 પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 3200થી વધુના ઉછાળે રૂ. 74800 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોપરમાં પણ 3 ટકા નજીકની તેજી જોવા મળી હતી. યુએસ ખાતે સોફ્ટ લેન્ડિંગની શક્યતાં પ્રબળ બનતાં કોમોડિટીઝમાં મજબૂતી નીકળી હતી. શોર્ટ સેલર્સે તેમની પોઝીશન કવર કરવા માટે દોટ મૂકવી પડી હતી. એનાલિસ્ટ્સના મતે ડોલર ઈન્ડેક્સ 102ની નીચે ઉતરી જતાં 100ની સપાટી દર્શાવે તેવી શક્યતાં છે. જે સ્થિતિમાં ગોલ્ડ ફરી 2100 ડોલર પર ટ્રેડ થતું જોવા મળી શકે છે. ચાંદી પણ 25 ડોલરની તાજેતરની ટોચ પાર કરશે તો મધ્યમગાળામા 30 ડોલરની સપાટી દર્શાવી શકે છે. બ્રેન્ટ ક્રૂડ 73 ડોલરનો સપોર્ટ લઈ બાઉન્સ થયું છે. જોકે, ઉપરમાં 80 ડોલરનો અવરોધ રહેશે. ભારત માટે ક્રૂડના ભાવ નીચા જળવાય તે લાભમાં છે.
મોદીની સંસદ સ્પીચ પછી PSU શેર્સમાં 106 ટકા સુધીનો ઉછાળો
છેલ્લાં પાંચ મહિનામાં શેરબજારમાં તેજીનું સુકાન પીએસયૂ શેર્સ પાસે જોવા મળ્યું
આરઈસી, પીએફસી, ભેલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા જેવા શેર્સનો શ્રેષ્ઠ દેખાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 10 ઓગસ્ટે સંસદમાં પીએસયૂ શેર્સમાં રોકાણનું સૂચન કર્યાં પછી જાહેર ક્ષેત્રની તમામ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી છે. જેની પાછળ પીએસયૂ કાઉન્ટર્સ 106 ટકા સુધીનું તીવ્ર રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, ભેલ, કોલ ઈન્ડિયા જેવા કાઉન્ટર્સ વળતર દર્શાવવામાં ટોચ પર જોવા મળે છે. નાના પીએસયૂ કાઉન્ટર્સ પણ 20 ટકા સુધીના રિટર્ન સૂચવી રહ્યાં છે. લાંબા સમયગાળા પછી શેરબજારમાં પીએસયૂ શેર્સ તેજીના સુકાની તરીકે જોવા મળ્યાં છે.
અગાઉ 10 ઓગસ્ટે વડાપ્રધાને વિપક્ષ તરફથી પીએસયૂ કંપનીઓની ટીકાને લઈને જણાવ્યું હતું કે જાહેર સાહસો તેમની વિક્રમી કામગીરી દર્શાવી રહ્યાં છે અને જેઓ પણ શેરબજારમાં રોકાણ કરતાં હોય તેઓએ પીએસયૂ પર દાવ લગાવવો જોઈએ. સંસદમાંના તેમના આ પ્રવચનથી ગુરુવાર સુધી શેરબજારનો દેખાવ જોઈએ તો બેન્ચમાર્ક નિફ્ટી 8.43 ટકાનું રિટર્ન દર્શાવે છે. જેની સરખામણીમાં નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 39 ટકાનો તીવ્ર સુધારો સૂચવે છે. જ્યારે વ્યક્તિગત ધોરણે અનેક પીએસયૂ શેર્સ ભારે લેવાલી દર્શાવી રહ્યાં છે. જેમાં આરઈસીનો શેર 106 ટકા સાથે રિટર્ન આપવામાં ટોચ પર છે. કંપનીનો શેર 10 ઓગસ્ટે રૂ. 214.52ની બંધ સપાટી સામે ગુરુવારે રૂ. 441.50ની સપાટીએ બંધ રહ્યો હતો. જે 106 ટકાનું તીવ્ર વળતર સૂચવે છે. આ જ રીતે પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો શેર પણ સમાનગાળામાં 102 ટકાનું વળતર દર્શાવી રહ્યો છે. બંને કંપનીઓ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહી છે. તગડું રિટર્ન રળી આપનારા અન્ય કાઉન્ટર્સમાં ભેલ(82 ટકા), એનએમડીસી(70 ટકા), કોલ ઈન્ડિયા(58 ટકા), એચએએલ(47 ટકા), એચપીસીએલ(42 ટકા), એનટીપીસી(39 ટકા), આઈઓસી(35 ટકા), એનએચપીસી(32 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારત ઈલે.(30 ટકા), કોન્કોર(27 ટકા), એલઆઈસી(27 ટકા), ગેઈલ(24 ટકા) અને આઈઆરસીટીસી(24 ટકા)નું રિટર્ન દર્શાવી રહ્યાં છે. 15 ટકા સાથે લાર્જ-કેપ પીએસયૂમાં ઓએનજીસી ગણતરીમાં લીધેલાં સમયગાળામાં સૌથી નીચું રિટર્ન સૂચવી રહ્યો છે.
નિષ્ણાતોના મતે છેલ્લાં વર્ષોમાં પીએસયૂ કંપનીઓ તરફથી જંગી માત્રામાં નવું કેપેક્સ જોવા મળી રહ્યું છે અને તેને કારણે આગામી સમયગાળામાં તેઓ ચોક્કસ સારો દેખાવ દર્શાવશે. સરકાર તરફથી નીચા ભાવે પીએસયૂ શેર્સના હિસ્સાને નહિ વેચવાના નિર્ણયને કારણે પણ પીએસયૂ શેર્સમાં ખરીદી જોવા મળી છે. અગાઉ, સરકાર ઓફર-ફોર-સેલ મારફતે સસ્તાંમાં પીએસયૂ શેર્સનું વેચાણ કરતી હતી. જેને કારણે રોકાણકારો પ્રવેશતાં ખચકાતાં હતાં. કેમકે, માર્કેટમાં ફ્લોટિંગ સ્ટોક વધવાથી તેમને રિટર્ન મળી રહ્યું નહોતું. જોકે, મોદી સરકારે હિસ્સા વેચાણમાં ટેન્ડરિંગ અપનાવ્યું હતું. જેણે બજારમાં નવા હિસ્સાને અટકાવ્યો હતો. ઉપરાંત, ટોચના પીએસયૂમાં સરકાર તરફથી કોઈ નવું વેચાણ છેલ્લાં ઘણા વર્ષોમાં નથી થયું અને તેથી ફ્લોટિંગ સ્થિર જળવાયો છે.
PSU શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 10 ઓગસ્ટનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) ફેરફાર(ટકામાં)
નિફ્ટી 19543.00 21190 8.43
નિફ્ટી PSE 5438.00 7553 38.89
REC લિમિટેડ 214.52 441.50 105.81
PFC 209.78 423.95 102.09
ભેલ 99.85 181.50 81.77
NMDC 113.24 192.00 69.55
COAL ઈન્ડિયા 220.52 348.00 57.81
HAL 1888.24 2771.00 46.75
HPCL 264.90 376.70 42.20
NTPC 212.19 295.95 39.47
IOC 89.25 120.10 34.57
NHPC 49.25 65.00 31.98
BPCL 341.46 446.00 30.62
પાવર ગ્રીડ 178.80 232.45 30.01
એસ્સારે ગુજરાત સરકાર સાથે રૂ. 55 હજાર કરોડના MOU સાઈન કર્યાં
જૂથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ્સ, એમ ત્રણ સેક્ટર્સને લઈ રોકાણ કરાર કર્યાં
અગ્રણી ઔદ્યોગિક જૂથ એસ્સારે ગુજરાત સરકાર સાથે કુલ રૂ. 55 હજાર કરોડના રોકાણના સમજૂતી કરાર(એમઓયૂ) કર્યાં છે. તેણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ 2024 અગાઉ આ કરાર કર્યાં છે. એસ્સાર રાજ્યમાં ત્રણ સેક્ટર્સમાં નવેસરથી વ્યૂહાત્મક રોકાણના તબક્કામાં જોવા મળે છે. તે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટર્સમાં રોકાણ કરશે. જેના થકી 10 હજાર રોજગારીની તકો ઊભી થશે.
છેલ્લાં ચાર દાયકામાં એસ્સારે ગુજરાતમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. જે એનર્જી, મેટલ્સ એન્ડ માઈનીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે. એસ્સાર જૂથની ગ્રોથ સ્ટોરીમાં ગુજરાતે મહત્વની ભૂમિકા ભજવી છે. કંપનીના કોર ઈન્ડસ્ટ્રીઅલ પ્રોજેક્ટ્સમાં રોકાણે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વિસ્તાર્યો છે. તેમજ રોકાણ માટે યોગ્ય સ્થળ તરીકે રાજ્યની સંભાવનાઓને પણ સાર્થક કરી છે. રાજ્ય સરકાર સાથે એમઓયૂ સાઈન કરતી વખતે એસ્સારના ડિરેક્ટર પ્રશાંત રૂઈયાએ જણાવ્યું હતું કે એસ્સારના સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં વધુ રૂ. 55 હજાર કરોડના રોકાણ સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં વધુ યોગદાન માટે ખૂશી અનુભવી રહ્યાં છીએ. એનર્જી ટ્રાન્ઝિશન ક્ષેત્રે કંપનીએ 1 ગીગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રૂ. 30 હજાર કરોડના રોકાણના એમઓયૂ કર્યાં છે. જ્યારે પાવર જનરેશન સેક્ટરમાં કંપની સલાયા પાવર પ્લાન્ટના ફેઝ-2 વિસ્તરણમાં રૂ. 16 હજાર કરોડનું રોકાણ કરશે. જ્યારે પોર્ટ્સ સેક્ટરમાં કંપની રૂ. 10 હજાર કરોડ રોકશે.
ઈરડાઈના ઊંચા સરેન્ડર વેલ્યૂના પ્રસ્તાવ પછી HDFC લાઈફ, મેક્સ ફાઈ.માં ઘટાડો
વીમા રેગ્યૂલેટરે નોન-PAR પ્રોડક્ટ્સ પર ઊંચી સરેન્ડર વેલ્યૂ માટે કન્સલ્ટેશન પેપર રજૂ કર્યું
વીમા રેગ્યુલેટર ઈરડાઈએ નોન-પાર પ્રોડ્કટ્સ પર ઊંચી સરેન્ડર વેલ્યૂનો પ્રસ્તાવ મૂકતાં એચડીએફસી લાઈફ અને મેક્સ ફાઈનાન્સિયલના શેર્સમાં ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ઈરડાઈએ પ્રસ્તાવિત ઊંચી સરેન્ડર વેલ્યૂ માટે એક કન્સલ્ટેશન પેપર રજૂ કર્યું છે. આ પ્રસ્તાવ પસાર થયાં પછી પોલિસીધારક તેમની પોલિસિઝમાં લેપ્સિસ પછી ઊંચી રકમ મેળવી શકશે. જેની અસરે નોન-પાર પ્રોડક્ટ્સના માર્જિન્સ પર નેગેટિવ અસર જોવા મળી શકે છે. ગુરુવારે બપોરે એનએસઈ ખાતે મેક્સલાઈફનો શેર રૂ. 1027ની સપાટીએ જ્યારે એચડીએફસી લાઈફનો શેર રૂ. 685ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. બંને કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બીજી બાજુ, બ્રોડ માર્કેટમાં ભારે તેજી જળવાય હતી.
પોલિસી પાકી ગયા પછી પોલિસીધારકને વીમા કંપની તરફથી થતાં કુલ ચૂકવણાને સરેન્ડર વેલ્યૂ ગણવામાં આવે છે. આમ આ બાબત એ પોલિસિઝને જ લાગુ પડશે જેઓ સરેન્ડર બેનિફિટ ધરાવે છે. ઉપરાંત, આની અસર માત્ર નોન-પાર પ્રોડક્ટ્સ પર જ પડશે. જે પોલિસીમાં પોલિસીધારક લાઈફ ઈન્શ્યોરન્સ કંપની તરફથી રળવામાં આવેલા નફા કે ડિવિડન્ડ્સમાં હિસ્સો નથી ધરાવતાં તેને નોન-પાર પ્રોડક્ટ્ કહેવામાં આવે છે. આ પોલિસીમાં કોઈ બોનસ પણ ચૂકવવામાં નથી આવતું. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ઈરડાઈ ‘ઈન્શ્યોરન્સ ફોર ઓલ બાય 2047’ને હાંસલ કરવા પર સુધારાઓ હાથ ધરી રહી છે. તેણે વીમા ક્ષેત્રે બેંક્સના પાર્ટિસિપેશનને વધારવા માટે સૂચનો આપે તે માટે હાઈ-લેવલ પેનલની સ્થાપના પણ કરી છે.
ફેડ પોલિસીની અસરે આરબીઆઈ પણ આગામી વર્ષે રેટ ઘટાડો કરી શકે
યુએસ ફેડે 2024માં 25 બેસીસ પોઈન્ટ્સના ત્રણ ઘટાડાનો સંકેત આપ્યો
યુએસ ફેડરલ રિઝર્વ ચેરમેન તરફથી 2024માં રેટ ઘટાડાની શક્યતાં જાહેર કર્યાં પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ નાણા વર્ષ 2024-25માં રેટમાં ઘટાડો કરી શકે છે એમ નિષ્ણાતો જણાવે છે. ફેડ રિઝર્વે બુધવારે તેના ચાવીરૂપ ઈન્ટરેસ્ટ રેટને સતત ત્રીજીવાર જાળવી રાખ્યાં હતાં. તેમજ તેણે રેટ વૃદ્ધિ સમાપ્ત થઈ હોવાનો સંકેત પણ આપ્યો હતો. ફેડ પોલિસીમેકર્સે આગામી વર્ષે બેન્ચમાર્ક ઈન્ટરેસ્ટ રેટમાં ત્રણવાર 25 બેસીસ પોઈન્ટ્સ રેટ ઘટાડાનો સંકેત આપ્યો હતો.
અગ્રણી પ્રાઈવેટ બેંકના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટના જણાવ્યા મુજબ ફેડ તરફથી રેટ કટને પાછળ ધકેલવાનું ચાલુ રહેશે તો આરબીઆઈનું વલણ બદલાઈ શકે છે. તેમના મતે યુએસ અને ભારતમાં 2024ના મધ્યમાં રેટમાં ઘટાડો થશે. યુએસ ફેડે 5.25-5.5 ટકા પર રેટને સ્થિર જાળવી રાખ્યાં હતાં. તેમજ જણાવ્યું હતું કે 2024ના મધ્યમાં રેટ ઘટાડવાનો સંકેત આપ્યો હશે. આઈડીએફસી ફર્સ્ટ બેંકના ઈકોનોમિસ્ટના જણાવ્યા મુજબ ભારતમાં મજબૂત આર્થિક વૃદ્ધિ સાથે 2023-24ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફ્લેશન ઘટી 4 ટકા તરફ જવાની અપેક્ષા છે. આમ, આરબીઆઈ ફેડ તરફથી રેટ ઘટાડા પાછળ ભારતમાં આગામી ઓગસ્ટ કે ઓક્ટોબરથી પણ રેટ ઘટાડો શરૂ કરી શકે છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે ગયા સપ્તાહે મોનેટરી પોલિસીની જાહેરાત વખતે જણાવ્યું હતું કે તેમના તરફથી ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવી રાખવાનો અર્થ એવો નથી કે તેઓ ન્યૂટ્રલ વલણ ધરાવે છે. સેન્ટ્રલ બેંક હજુ પણ ફુગાવાને લઈ ચિંતિત છે એમ તેમણે ઉમેર્યું હતું. દાસે જણાવ્યું હતું કે પાંચ બેઠકોમાં સતત રેટ સ્થિર જાળવી રાખવાનો અર્થ અમે ન્યૂટ્રલ છીએ તેમ નથી થતો. અમે આ પ્રકારનો કોઈ સંકેત આપી રહ્યાં નથી. આરબીઆઈની એમપીસીએ સર્વસંમતિ સાથે રેપો રેટને 6.5 ટકા પર સ્થિર જાળવ્યો હતો. જોકે, પછીની નવેમ્બર માટે રજૂ થયેલો સીપીઆઈ ડેટા 5.55 ટકા પર જોવા મળ્યો હતો. જે ઓક્ટોબરના 4.87 ટકાની સરખામણીમાં 68 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. આમ, આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓને જોતાં આરબીઆઈ તરફથી નજીકના ભવિષ્યમાં રેટ ઘટાડાની કોઈ શક્યતાં નથી.
ઉદ્યોગોને બેંક ક્રેડિટ વૃદ્ધિમાં ઘટાડો નોંધાયોઃ RBI
નિષ્ણાતોના મતે ઊંચા ડિફોલ્ટ રિસ્ક્સ અને વૈશ્વિક મંદી પાછળ માગ ઘટતાં ધિરાણ ઘટ્યું
ઓક્ટોબર 2023માં ઉદ્યોગોને ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સ્મોલ, મિડિયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2022માં 13.5 ટકા વૃદ્ધિ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં ઔદ્યોગિક ક્રેડિટ ઘટી 5.9 ટકા પર જોવા મળી હતી એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે.
જો આખરી આંકડાની રીતે જોઈએ તો ઓક્ટોબર 2023માં ઉદ્યોગોને કુલ આઉટસ્ટેન્ડિંગ લોન્સ રૂ. 35.72 લાખ કરોડ પર જોવા મળી હતી. જે ઓક્ટોબર 2022માં રૂ. 33.72 લાખ કરોડ પર રહી હતી. ઓક્ટોબરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ 16.9 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જે ઓક્ટોબરમાં 20.2 ટકા પર જોવા મળી હતી. જો આખરી આંકડાની રીતે જોઈએ તો માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝને ઓક્ટોબર 2023માં રૂ. 6.83 લાખ કરોડની ક્રેડિટ મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.84 લાખ કરોડ પર અને ઓક્ટોબર 2021માં રૂ. 4.86 લાખ કરોડ પર જોવા મળતી હતી. મધ્યમ ઉદ્યોગો માટે ઓક્ટોબરમાં 12.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે ગયા વર્ષે 29.6 ટકા પર જળવાય હતી. ચાલુ વર્ષે ઓક્ટોબરમાં રૂ. 2.8 લાખ કરોડની ક્રેડિટ મળી હતી. જે ગયા વર્ષે રૂ. 2.5 લાખ કરોડ પર જોવા મળતી હતી. મોટા ઉદ્યોગોની વાત કરીએ તો ઓક્ટોબરમાં તેમની ક્રેડિટ વૃદ્ધિ માત્ર 2.8 ટકા પર જોવા મળી હતી. જે ગયા વર્ષે 10.7 ટકા પર હતી. ઓક્ટોબર 2023માં બેંક ક્રેડિટ 26.08 લાખ કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25.37 લાખ કરોડ પર નોંધાઈ હતી. નિષ્ણાતોના મતે સ્મોલ એન્ડ માઈક્રો અને મિડિયમ ઈન્ડસ્ટ્રીઝને ક્રેડિટમાં ઘટાડા પાછળનું કારણ બેંક્સ તરફથી જોખમને ટાળવાનું છે. બેંક્સ નવી ક્રેડિટ આપવામાં સાવચેતી દાખવી રહી છે. જેને કારણે ક્રેડિટ ગ્રોથ ઘટ્યો છે. ટ્રાન્સયુનિયન સિબિલ એન્ડ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા(સિડબી)ના ઓગસ્ટ 2023ના રિપોર્ટ મુજબ એમએસએમઈ સેગમેન્ટમાં ઊંચી માગ છતાં લેન્ડર્સ લોન પૂરી પાડવામાં સાવચેતી દાખવી રહ્યાં છે. કેમકે પૂરતાં એનાલિટીકલ ડેટાનો અભાવ જોવા મળે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
વેદાંતાઃ વેદાંતા રિસોર્સિસે ફોરેન પ્રાઈવેટ ઈક્વિટી લેંડર્સ પાસેથી 1.25 અબજ ડોલરના ક્રેડિટ ફાઈનાન્સિંગની જાહેરાત કરી છે. કંપની આ રકમનો ઉપયોગ તેના ડેટની ચૂકવણીમાં કરશે. કંપનીએ તેના વર્તમાન બોન્ડ હોલ્ડર્સ સાથે મેચ્યોરિટીને વધારવા માટેની મંત્રણા પણ શરૂ કરી છે. આ માટે તે બોન્ડ હોલ્ડર્સને કેટલીક છૂટ આપવા વિચાર કરી રહી છે. ક્રેડિટર્સ નવા ધિરાણ માટે વેદાંતાના શેર્સને કોલેટરલ પર રાખશે.
જેએસડબલ્યુ એનર્જીઃ જેએસડબલ્યુ એનર્જીની પાંખ જેએસડબલ્યુ એનર્જી(બાડમેર)એ રૂ. 753.89 કરોડના મૂલ્યના 75.38 કરોડ શેર્સનો બોનસ ઈસ્યુ પૂરો કર્યો છે. કંપનીએ વર્તમાન ત્રણ ઈક્વિટી શેર્સ સામે એક શેર બોનસ તરીકે આપ્યો છે. બોનસ અગાઉ કંપનીની કેપિટલ રૂ. 10ની ફેસવેલ્યૂ સાથેના 226 કરોડ શેર્સની હતી. જે ઈસ્યુ પછી વધી 301 કરોડ શેર્સ પર પહોંચી છે.
એમેઝોનઃ ઈ-કોમર્સ પ્લેયરે 17-27 નવેમ્બર વચ્ચે વૈશ્વિક સ્તરે આયોજિત બ્લેક ફ્રાઈડે અને સાયબર મન્ડે શોપિંગ ઈવેન્ટ્સમાં ભારતીય નિકાસકારો તરફથી 80 ટકા બિઝનેસ વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે વાર્ષિક ધોરણે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 25 ટકાથી વધુ વૃદ્ધિ જોઈ હતી. ભારતમાં તહેવારોની સિઝન પછી તરત જ આવતા બીએફસીએમ સેલ ભારતીય નિકાસકારો માટે મુખ્ય સેલનો સમયગાળો રહ્યો છે.
વીઃ ટોચના ટેલિકોમ ઓપરેટરે દેશમાં VoLTE (વોઈસ ઓવર એલટીઈ) પર ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ ઉચ્ચ કોલિંગ અનુભવ પ્રદાન કરવા અનરિત્સુ સાથે ભાગીદારી કરી છે. ઉત્તમ ગ્રાહક અનુભવની ખાતરી માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી વોઇસ સર્વિસ જાળવવી મહત્વપૂર્ણ છે. જેને ધ્યાનમાં રાખીને, Vi એ અનરિત્સુના VoLTE મોનિટરિંગ સોલ્યુશનને અમલમાં મૂક્યું છે.
વિવાંતા ઇન્ડસ્ટ્રીઝઃ કન્સલ્ટન્સી અને ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીએ નેક્સ્ટ-જેન ટેક બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ડ્રોન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એઆઈ અને રોબોટિક્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સહિતના નવા વર્ટિકલ્સમાં સાહસ કરી રહી છે. તેણે ડ્રોન અને ઇવી બિઝનેસ પર કામ શરૂ કરી દીધું છે, એસેમ્બલી લાઇન તેમજ ડ્રોનના આરએન્ડડી માટે વીડીઆરસીટીએલમાં 50% હિસ્સો હસ્તગત કરશે.