માર્કેટ સમરી
ફેડ બેઠક અગાઉ બજારોમાં સાવચેતી વચ્ચે બીજા દિવસે નરમાઈ
સેન્સેક્સ 166 પોઈન્ટ્સ અને નિફ્ટી 43 પોઈન્ટ્સ ઘટીને બંધ આવ્યાં
બીએસઈ ખાતે 3425 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1801માં સુધારો જ્યારે 1510માં ઘટાડો નોંધાયો
એફએમસીજી, ટેલિકોમ, એનબીએફસી કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળી
નિફ્ટી કાઉન્ટર્સમાં આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ ઘટવામાં અગ્રણી
એશિયન બજારોમાં હોંગ કોંગ, તાઈવાન, કોરિયા, જાપાન સહિતના માર્કેટ્સ ઘટ્યાં
વૈશ્વિક સ્તરે ઓમિક્રોનને લઈને જોવા મળી રહેલા ગભરાટ વચ્ચે યુએસ ફેડ એફઓએમસીની બેઠક અગાઉ બજારોમાં સાવચેતી જોવા મળી હતી. જેની પાછળ ભારતીય બેન્ચમાર્ક્સ સતત બીજા દિવસે નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં સેન્સેક્સ 166.33 પોઈન્ટ્સના ઘટાડે 58117.09ના સ્તરે જ્યારે નિફ્ટી 43.35 પોઈન્ટ્સના ઘટાડે 17324.90ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા સુધારા સાથે 16.95ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 26 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 24 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે કામકાજની શરૂઆત નેગેટિવ દર્શાવી હતી. જોકે બજાર તરત જ પરત ફર્યું હતું અને ફ્લેટ જોવા મળ્યું હતું. જે સુધારો ટકી શક્યો નહોતો અને નિફ્ટીએ 17225.80નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી સુધરતો રહી 17376.20ની દિવસની ટોચ પર ટ્રેડ થયા બાદ આખરે 17324.90ના સ્તરે બંધ રહ્યો હતો. આઈટી, ફાર્મા અને મેટલ જેવા સેક્ટર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. જોકે એફએમસીજી, બેંકિંગ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઈટમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં આઈટીસી 2.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારબાદ બજાજ ફાઈનાન્સ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો જોવા મળ્યો હતો. આનાથી વિપરીત પાવર ગ્રીડ કોર્પોરેશન 4 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. જે સિવાય ડિવિઝ લેબ(2.74 ટકા), નેસ્લે(1.35 ટકા), ડો. રેડ્ડીઝ લેબ્સ(1.02 ટકા), એક્સિસ બેંક(1 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં લ્યુપિને 6.7 ટકાનો તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. જ્યારે મેટલ્સમાં એપીએલ એપોલે 4.7 ટકા અને નાલ્કો 2.1 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. એનર્જી સેક્ટરમાં પાવર ગ્રીડ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી 3.65 ટકા સાથે રૂ. 1436.35ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયૂ કંપનીઓ ગેઈલ, એનટીપીસી, એચપીસીએલ અને ઓએનજીસીમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો.
બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે બીજા દિવસે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3425 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1801 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1510 ઘટાડો સૂચવતાં હતાં. 516 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 116 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સ દર્શાવી રહ્યાં હતાં. 286 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.22 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ રહ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આદિત્ય બિરલા ફેશન 6.46 ટકા, ફાઈઝર 6.22 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 3.41 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 3.08 ટકા, કોલગેટ 2.3 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે જૂથ કંપનીઓના મર્જરના અહેવાલે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ.માં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય એનએમડીસી 6 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 5.24 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ 4.16 ટકા અને ડિક્સોન ટેક્નોલોજી 3.14 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
વૈશ્વિક બજારોમાં એશિયન બજારોમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. જોકે યુરોપિયન બજારો બપોરે ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ફેડ રિઝર્વની એફઓએમસીની બે દિવસીય બેઠક મંગળવારે શરૂ થશે. જ્યારે બુઘવારે ફેડ ચેરમેન તેની જાહેરાત કરશે. જે અગાઉ યુએસ સહિતના બજારોમાં બે બાજુની વધ-ઘટની શક્યતાં છે. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17100-17200ની રેંજમાં મહત્વનો સપોર્ટ છે. જ્યારે 17500નો અવરોધ છે. ક્રિસમસને કારણે એફઆઈઆઈ વેકેશનમાં જવાને કારણે બજારમાં સુસ્તી જોવા મળી શકે છે. જેની પાછળ બજાર દિશાહિન અંદાજ જાળવી શકે છે.
ડિજીટલ વેન્ચર માટે ટાટા જૂથની માઈક્રોસોફ્ટ સાથે મંત્રણા
2.5 અબજ ડોલરના ફંડીંગ અગાઉ જૂથની 1-2 સ્ટ્રેટેજીક રોકાણકારોને લાવવાની વિચારણા
ટાટા જૂથ યુએસ ટેક્નોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટને તેના નવા ડિજિટલ પ્લેટફોર્મમાં એન્કર ઈન્વેસ્ટર તરીકે લાવવા માટેની વિચારણા ચલાવી રહ્યું હોવાનું જાણવા મળે છે. તેમના મતે કોફીથી લઈને કાર ઉદ્યોગ ક્ષેત્રે હાજર ધરાવતું જૂથ તેના નવા સાહસમાં એકાદ-બે વ્યૂહાત્મક રોકાણકારોને લાવવા માટે આતુર છે. જ્યારબાદ તે વ્યાપક ફંડરેઈઝીંગ ડ્રાઈવ હાથ ધરવાની ગણતરી રાખે છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જૂથના કન્ઝ્યૂમર બિઝનેસિસના આધુનિકીકરણ માટે અગાઉ ઉલ્લેખ કર્યો છે. આ માટે તેઓ જૂથના વિવિધ બિઝનેસિસની ડિજિટલ એસેટ્સને નવી કંપની હેઠળ લાવવાની યોજના ધરાવે છે. એમેઝોન અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના દેશના ઝડપથી વિકસતાં ઈકોમર્સ માર્કેટમાં પ્રવેશને જોતાં ટાટા જૂથ પણ કન્ઝ્યૂમર બિઝનેસને વેગ આપવા ઈચ્છે છે. જૂથના આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ ચંદ્રશેખરન રિલાયન્સ જીઓ પ્લેબુકને પ્રતિબિંબિત કરવા માગે છે. જે હેઠળ કંપનીએ ગયા વર્ષે રોકાણકારો પાસેથી 20 અબજ ડોલર ઊભાં કર્યાં હતાં. જેમાં સ્ટ્રેટેજિક ઈક્વિટી પાર્ટનર્સ તરીકે સોશ્યલ મિડિયા જાયન્ટ ફેસબુક અને ટેક કંપની ગુગલનો સમાવેશ પણ થતો હતો.
અત્યાર સુધીમા ટાટા જૂથે ટટા ડિજિટલમાં ચાલુ વર્ષે રૂ. 5025 કરોડ ઠાલવ્યાં છે. જ્યારે તે 2-3 એન્કર ઈન્વેસ્ટર્સ અને ફાઈનાન્સિયલ સ્પોન્સર્સ પાસેથી 2-2.5 અબજ ડોલર ઊભા કરવા ધારે છે. કંપનીએ બિગ બાસ્કેટ, 1એમજી, કલ્ટફિટ, ટીપીજી રાઈસ જેવી ડિજિટલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ સિવાય તેણે ચાલુ વર્ષે એર ઈન્ડિયાની ખરીદી પર કરી છે. તેમજ તે ટાટા રિન્યૂએબલ્સમાં રોકાણ માટે બ્લેકરોક સાથે ચર્ચા-વિચારણા યોજી રહ્યું છે.
RBIએ NBFC માટે PCA ફ્રેમવર્ક રજૂ કર્યું
સેન્ટ્રલ બેંકરે દેશની નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફસી) માટે મંગળવારે પ્રોમ્ટ કરેક્ટીવ એક્શન(પીસીએ) ફ્રેમવર્ક જારી કર્યું છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એનબીએફસી સેક્ટરનું કદ વધી રહ્યું છે અને ફાઈનાન્સિયલ સિસ્ટમના અન્ય સેગમેન્ટ્સ સાથે તે નોંધપાત્ર ઈન્ટરકનેક્ટેડનેસ ધરાવે છે. જેને ધ્યાનમાં રાખતાં હવેથી એનબીએફસી કંપનીઓ માટે પણ પીસીએ ફ્રેમવર્કને અમલી બનાવવાનું નક્કી કર્યું છે. જેથી તેમને લાગુ પડતાં સુપરવાઈઝરી ટુલ્સ વધુ મજબૂત બને. નવેમ્બરમાં આરબીઆઈએ શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ માટે પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન ફ્રેમવર્ક જારી કર્યાં બાદ આ જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચે એનબીએફસીની ફાઈનાન્સિયલ પોઝીશનને આધારે પીસીએ ફ્રેમવર્ક 1 ઓક્ટોબર 2022થી અમલમાં આવશે.
નાણાપ્રધાન બુધવારથી વિવિધ વર્ગો સાથે પ્રિ-બજેટ મંત્રણા શરૂ કરશે
કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણ બુધવારથી વિવિધ વર્ગો સાથે બજેટ પૂર્વે યોજાતો વિચાર-વિમર્શ શરૂ કરશે. પરંપરાગતરીતે યોજાતી આવી બેઠકોમાં પ્રથમ તેઓ કૃષિ નિષ્ણાતો અને એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે બેઠક યોજશે. નાણાપ્રધાન વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ, કૃષિ સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ પાસેથી અર્થતંત્રમાં વપરાશી માગ પુનર્જિવિત કરવા માટેના ઉપાયો જાણશે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન દેશમાં દ્વિઅંકી વૃદ્ધિ દરની શક્યતાં છે. આરબીઆઈએ ગયા સપ્તાહે તેની મોનેટરી પોલિસી સમીક્ષામાં 2021-22માં 9.5 ટકા જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ જાળવીરાખ્યો હતો. સરકારે ચાલુ વર્ષ માટે 6.8 ટકા નાણાકિય ખાધનો અંદાજ બાંધ્યો છે.
ટોયોટા 2030 સુધીમાં બેટરી ઈવી માટે 35 અબજ ડોલરનો ખર્ચ કરશે
વિશ્વમાં સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની ટોયોટા મોટર કોર્પે જણાવ્યું છે કે 2030 સુધીમાં બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલ્સ(બીઈવી) માટે કંપની 4 ટ્રિલીયન યેન(35 અબજ યુએસ ડોલર)નું રોકાણ કરશે. કંપની ઝીરો એમિશન વ્હીકલ્સના વધતાં માર્કેટ શેરને ધ્યાનમાં રાખી આટલી મોટી રકમ ખર્ચશે. આ રોકાણ કંપનીએ અગાઉ ઈલેક્ટ્રીફાઈડ વ્હીકલ્સ માટે નિર્ધારિત કરેલા કુલ 7 ટ્રિલિયન યેનનો હિસ્સો હશે. કંપનીએ ચાલુ દાયકાના અંત સુધીમાં હાઈબ્રીડ્સ અને હાઈડ્રોજન વ્હીકલ્સ સહિતના વાહનો લોંચ કરવાનું આયોજન કર્યું છે. કંપનીના સીઈઓ આકિયો ટોયોડાએ જણાવ્યું હતું કે તેઓ 2030 સુધીમાં વાર્ષિક 35 લાખ બીઈવીના વેચાણનો ટાર્ગેટ ધરાવે છે.
અદાણી ગ્રીન એનર્જીએ SECI સાથે ગ્રીન એનર્જી સપ્લાય માટે કરાર કર્યાં
સોલાર એનર્જી કોર્પોરેશનને અદાણી ગ્રીન એનર્જી 4667 મેગાવોટ રિન્યૂએબલ એનર્જી સપ્લાય કરશે
દેશમાં સૌથી મોટી રિન્યૂએબલ ક્ષેત્રની કંપની અદાણી ગ્રીન એનર્જીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એસઈસીઆઈ) સાથે 4667 મેગાવોટ ગ્રીન એનર્જી સપ્લાય માટે કરાર કર્યાં છે. કંપનીના એક નિવેદનમાં જણાવ્યા મુજબ વૈશ્વિક ધોરણે આ સૌથી મોટો ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ(પીપીએ) છે.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે દેશમાં રિન્યૂએબલ એનર્જીના વ્યાપને વધારવાના તેમજ આત્મનિર્ભર પ્રોગ્રામ હેઠળ સ્થાનિક સ્તરે મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના બેવડા હેતુને પૂરા કરવાની દિશામાં આ એક વધુ પ્રયાસ છે. કોપ 26ની કામગીરી બાદ એ વાત વધુને વધુ જોવા મળી રહી છે કે વિશ્વએ અગાઉની ધારણા કરતાં વધુ ઝડપે લો કાર્બન અર્થતંત્ર તરફ શિફ્ટ થવાની જરૂર છે. જે કારણથી જ અદાણી જૂથે રિન્યૂએબલ સ્પેસમાં 50 અબજ ડોલરથી 70 અબજ ડોલરની રકમનું રોકાણ કરવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે. આ એગ્રીમેન્ટ અમને 2030 સુધીમાં વિશ્વમાં સૌથી મોટા રિન્યૂએબલ પ્લેયર બનાવવાની અમારી પ્રતિબધ્ધતાની દિશામાં આગળ વધવામાં સહાયરૂપ બનશે એમ અદાણીએ ઉમેર્યું હતું.
અદાણી ગ્રીન અને એસઈસીઆઈ વચ્ચે કરવામાં આવેલો 4667 મેગાવોટ સપ્લાયનો કરાર જૂન 2020માં એસઈસીઆઈ દ્વારા એજીઈએલને આપવામાં આવેલા વિશ્વના સૌથી મોટા 8000 મેગાવોટના મેન્યૂફેક્ચરિંગ-લીંક્ડ સોલાર ટેન્ડરના ભાગરૂપ છે. અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જીએ તેને 2020માં ફાળવવામાં આવેલા 8 હજાર મેગાવોટના કરારમાંથી એસઈસીઆઈ સાથે કુલ 6 હજાર મેગાવોટ નજીકની ઉત્પાદન ક્ષમતા માટે પીપીએ સાઈન કર્યાં છે. એજીઈએલ આગામી બેથી ત્રણ મહિનામાં બાકીના 2 હજાર મેગાવોટના સપ્લાય માટે પણ પીપીએ પર સાઈન કરે તેવી અપેક્ષા છે.