Market Summary 14 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

સતત ચોથા દિવસે મંદીવાળાઓનો હાથ ઉપર જળવાયો
નિફ્ટી ઈન્ટ્રા-ડે 16071ની ટોચ બનાવી નીચે સરી પડ્યો
એનર્જી, ફાર્મા અને ઓટો તરફથી સાધારણ સપોર્ટ સાંપડ્યો
આઈટી, બેંકિંગ અને અન્યોમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકો ગગડી 18.34ના સતરે
વૈશ્વિક બજારોમાં પણ બાઉન્સનો અભાવ
સરકાર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરે તેવા અહેવાલે રિલાયન્સ અને ઓએનજીસીમાં સુધારો
બ્રોડ માર્કેટમાં વેચવાલી નીકળતાં બ્રેડ્થ નરમ
સપ્તાહના સતત ચોથા સત્રમાં મંદીવાળાઓએ પોતાની પકજ મજબૂત જાળવી રાખી હતી. વૈશ્વિક બજારોમાં ફ્લેટ મૂવમેન્ટ વચ્ચે સ્થાનિક બજારે કામકાજની શરૂઆત ગેપ-અપ દર્શાવી હતી. જોકે શરૂઆતી સુધારો ટકી શક્યો નહોતો અને બેન્ચમાર્ક્સ મંદીમાં સરી પડ્યાં હતાં અને આખરે રેડીશ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 98 પોઈન્ટ્સ ઘટી 53416ની સપાટીએ જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ્સ ઘટાડે 15939ની સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટકોમાંથી 20 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 30 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા ઘટાડા સાથે 18.34ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે માર્કેટે પોઝીટીવ ઓપનીંગ સાથે કામગીરી શરૂ કરી હતી. નિફ્ટી ઈન્ટ્રા-ડે 16070ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી ગગડીને 15858ના સ્તર સુધી ગગડ્યો હતો અને ત્યાંથી અડધા ટકાથી વધુ બાઉન્સ સાથે બંધ રહ્યો હતો. જોકે સતત બીજા દિવસે તેણે 16 હજારની નીચે બંધ દર્શાવ્યું હતું. જેણે ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ માટે ચિંતા જાળવી રાખી હતી. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજાર છેલ્લાં એક સપ્તાહથી કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. તેના માટે 15900 અને 16100ની રેંજ મહત્વની બની ચૂકી છે. તે જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજુ ઊંચી મૂવમેન્ટ જોવા મળી શકે છે. બુધવારે યુએસ ખાતે જૂન માટેનો સીપીઆઈ અપેક્ષા કરતાં ઊંચો આવતાં એક વર્ગ ફેડ તરફથી 100 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની વાત કરવા લાગ્યો છે. અગાઉ ફેડ રિઝર્વ 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. યુએસ ફેડ 26 જુલાઈએ તેની બેઠક યોજશે. જોકે છેલ્લાં એક મહિનામાં કોમોડિટીઝના ભાવમાં તીવ્ર ઘટાડાને જોતાં આગામી સમયગાળામાં ફુગાવામાં કરેક્શન જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. જોકે સેન્ટ્રલ બેંકર્સની પોલિસી પર આની કેવી અસર પડશે તે મહત્વનું છે. ફેડ ચાલુ કેલેન્ડરમાં જુલાઈ સહિત ચાર રેટ વૃદ્ધિ કરે તેમ માનવામાં આવે છે. જેની પાછળ વૈશ્વિક શેરબજારો તેમના એકથી દોઢ વર્ષના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં છે. ગુરુવારે એશિયાઈ બજારોમાં ચીન, હોંગ કોંગ, કોરિયા, સિંગાપુરના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. સિંગાપુર માર્કેટ 1.22 ટકા સાથે નોઁધપાત્ર ઘટાડો દર્શાવતું હતું. અન્ય બજારો પા ટકા આસપાસ ડાઉન જોવા મળતાં હતાં. તાઈવાન અને જાપાન બજારો સુધારા સાથે બંધ રહ્યાં હતાં. યુરોપ બજારો નરમાઈ સાથે કામકાજ દર્શાવી રહ્યાં હતાં. જેમાં ડેક્સ અને કેક, બંને એક ટકાથી વધુ ડાઉન હતાં. જ્યારે ફૂટ્સી 0.9 ટકા ઘટાડો સૂચવતો હતો. આમ યુરોપ બજારો પણ ફુગાવાની ચિંતા વચ્ચે ઘસાતાં જોવા મળી રહ્યાં છે. યુએસ ખાતે નાસ્ડેક બુધવારના ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફરવામાં સફળ રહ્યો હતો. જોકે તે પોઝીટીવ બંધ દર્શાવી શક્યો નહોતો. તેમજ તે 11600ના સ્તર પર ટકવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે.
સ્થાનિક બજારમાં ફાર્મામાં સતત બીજા દિવસે ખરીદી જોવા મળી હતી. જ્યારે સરકાર તરફથી ગયા સપ્તાહે લાગુ પાડવામાં આવેલા એનર્જી એક્સપોર્ટ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડા માટે 15 જુલાઈએ બેઠકની અટકળો પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી જેવા કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેણે બજારને સપોર્ટ કર્યો હતો. આ સિવાય ઓટો શેર્સમાં પણ અન્ડરટોન મજબૂત જળવાયો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં સન ફાર્મા 2.3 ટકા સાથે સૌથ સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. એ સિવાય ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા અને બાયોકોન મજબૂતી દર્શાવતાં હતાં. એનર્જી કાઉન્ટર્સમાં એચપીસીએલમાં 2.5 ટકાનો વધુ સુધારો જોવા મળ્યો હતો. ઓએનજીસી 2.2 ટકા, ગેઈલ 1.3 ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.82 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 1.6 ટકા ગગડ્યો હતો અને વાર્ષિક તળિયા પર પટકાયો હતો. ઘટાડો દર્શાવનારા અગ્રણી આઈટી કાઉન્ટર્સમાં માઈન્ડટ્રી 4 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.6 ટકા, કોફોર્જ 2.5 ટકા, એમ્ફેસિસ 1.7 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 1.7 ટકા અને એચસીએલ ટેક 1.6 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. બેંક નિફ્ટી પણ 0.5 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા 3 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3 ટકા, એક્સિસ બેંક 1.7 ટકા, એસબીઆઈ 1.5 ટકા અને પીએનબી 1.3 ટકા ઘટાડો દર્શાવતી હતી. બ્રોડ માર્કેટમાં છેલ્લાં ત્રણ સત્રોમાં સ્થિરતા બાદ ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3462 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1382 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1940 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 71 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 29 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પેટ્રોનેટ એલએનજી 3.7 ટકા, ભારત ફોર્જ 3.3 ટકા, યુનાઈટેડ સ્પિરિસ્ટ 2.3 ટકા અને યુનાઈટેડ બ્રૂઅરીઝ 2.2 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બિરલા સોફ્ટ 8 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ સિવાય પર્સિસ્ટન્ટ સિસ્ટમ 4.4 ટકા અને કેનેરા બેંક પણ 4 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

IT કંપનીઓ સાવચેત બની, નવી નિમણૂંકોમાં મૂકેલો મોટો કાપ
ઊંચું એટ્રિશન યથાવત રહેવા છતાં એક્સેન્ચર, ટીસીએસે જૂન ક્વાર્ટરમાં અડધાથી ઓછું હાયરિંગ કર્યું

દેશમાંથી ટોચના બે સોફ્ટવેર નિકાસકારોએ જૂન ક્વાર્ટરમાં નવી નિમણૂંકમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જેમાં વૈશ્વિક અગ્રણી એક્સેન્ચર અને ભારતીય આઈટી સર્વિસિસ અગ્રણી ટીસીએસનો સમાવેશ થાય છે. બંને કંપનીઓ વિક્રમી એટ્રિશનનો સામનો કરી રહી હોવા છતાં નવી નિમણૂંકમાં ખૂબ ધીમી પડી છે. જેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા છે. ઊંચા ઈન્ટરેસ્ટ રેટ અને જીઓપોલિટિકલ જોખમો વચ્ચે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર ઘટવાની આશંકાને કારણે કંપનીઓએ નવી નિમણૂંકમાં આક્રમક અભિગમ બદલ્યો હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે.
એક્ચેન્ચરે એપ્રિલથી જૂન મહિનાના ત્રણ મહિના દરમિયાન કુલ 12 હજાર કર્મચારીઓની નિમણૂંક કરી હતી. તે અગાઉના ત્રણ ક્વાર્ટર્સ દરમિયાન સરેરાશ 40 હજારના સ્તરે હતી. ટીસીએસની વાત કરીએ તો તેણે જૂન ક્વાર્ટરમાં 14136 કર્મચારીઓનું હાયરિંગ કર્યું હતું. જે ગયા નાણા વર્ષના ચાર ક્વાર્ટર્સમાં સરેરાશ 26 હજાર કર્મચારીઓના હાયરિંગ કરતાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. દેશમાં ટોચની ચાર આઈટી સર્વિસ કંપનીઓમાં સમાવિષ્ટ એચસીએલ ટેક્નોલોજી ખાતે હાયરિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા નાણા વર્ષે દરેક ક્વાર્ટરમાં 9600 નવા કર્મચારીઓની નિમણૂંક સામે જૂન ક્વાર્ટરમાં કંપનીએ માત્ર 2089 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. એચઆર રિસર્ચ કંપનીના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ હવે કોર્પોરેટ્સ વાસ્તવવાદી બની રહ્યાં છે. જ્યાં તેમને પ્રોફિટેબલ જળવાય રહેવું છે સાથે વર્તમાન ફુગાવાના દબાણમાંથી હેમખેમ બહાર પણ આવવું છે. સાથે તેમના કોર સ્ટાફને જાળવી પણ રાખવો છે. હવે આઈટી સેક્ટર છેલ્લાં 12-18 મહિનાઓમાં આડેધડ દ્વિઅંકી ગ્રોથમાંથી સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહી છે. કેમકે માગ ધીમે-ધીમે ઓસરી રહી છે. તેમજ છેલ્લાં 2-3 મહિના દરમિયાન જોવા મળતાં મોટા રાજીનામાઓની સ્થિતિ હવે શાંત પડી છે. કર્મચારીઓની નિમણૂંકમાં વર્તમાન ઘટાડાને હાયરિંગમાં મંદી તરીકે નહિ ઓળખાવતાં તેઓ તેને ટેલેન્ટ એક્વિઝિશનનું નોર્મલાઈઝેશન ગણાવે છે. નિષ્ણાતો અને કંપની એક્ઝિક્યૂટીવ્સના મતે સ્કિલ્ડ ટેલેન્ટ માટેની માગ મજબૂત જળવાયેલી રહેશે. ગયા સપ્તાહે પરિણામોની જાહેરાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટીસીએસના સીઈઓએ જણાવ્યું હતું કે જૂનમાં નવી નિમણૂંક ભલે નીચી રહી હોય પરંતુ કંપની ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન 40 હજાર ફ્રેશર્સની નિમણૂંક કરવાનો લક્ષ્ય ધરાવે છે. નાણા વર્ષ 2021-22 દરમિયાન ટીસીએસે કુલ 1.03 લાખ નવા કર્મચારીઓ નિમ્યાં હતાં. ઉદ્યોગ ક્ષેત્રે હાયરિંગમાં જોવા મળતો ઘટાડો નજીકથી મધ્યમગાળા માટે જોવા મળી રહેલી ચિંતા સૂચવે છે. ખાસ કરીને યુએસ અને યૂરોપ ખાતે ફુગાવા અને તેની પાછળ મંદીનો ડર સતાવી રહ્યો છે. બંને બજારો ભારતીય આઈટી કંપનીઓ માટે મુખ્ય બજારો છે. ટીસીએસે જણાવ્યું છે કે તેના ક્લાયન્ટ્સે મંદીને લઈને શરૂઆતી ચર્ચાનો આરંભ કર્યો છે. જ્યારે એચસીએલ ટેક્નોલોજિસે નોંધ્યું છે કે કેટલાક પોકેટ્સમાં માગ પર અસર જોવા મળી રહી છે. જોકે બંને આઈટી કંપનીઓએ સાવચેતી વચ્ચે માગની સ્થિતિ મજબૂત હોવાનું નોંધ્યું છે. વિપ્રો અને ઈન્ફોસિસ અનુક્રમે 20 જુલાઈ અને 24 જુલાઈના રોજ પરિણામો રજૂ કરવાના છે. એનાલિસ્ટ્સના મતે સામાન્યરીતે પ્રથમ ક્વાર્ટર ટ્રેઈનીઝને સમાવવા માટે લાઈટ જોવા મળતું હોય છે. જ્યારે બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં કર્મચારીઓનું ઈનટેક ખૂબ ઊંચું રહેતું હોય છે. ટીસીએસના સીઈઓ ગોપીનાથને જણાવ્યું હતું કે કંપનીએ ગયા વર્ષે ખૂબ આક્રમક વલણ અપનાવ્યું હતું અને નાણા વર્ષ દરમિયાન 1 લાખથી વધુ ટ્રેઈનીંગ બેંચિસ ઊભી કરી હતી. દરમિયાન એચસીએલ ટેક્નોલોજીએ પણ ચાલુ નાણા વર્ષને નોર્મલ ગણાવીને 30-35 હજાર કર્મચારીઓની નિમણૂંકનો ટાર્ગેટ બાંધ્યો છે. ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીએ અનુક્રમે 19.7 ટકા અને 23.8 ટકાનો એટ્રીશન રેટ નોંધાવ્યો હતો.

ડોલર સામે રૂપિયાએ 70.90નું તળિયું દર્શાવ્યું
ભારતીય ચલણમાં ડોલર સામે ઘસારો જળવાયો છે. ગુરુવારે રૂપિયો સતત ચોથા સત્રમાં ગગડતો રહી 79.90ના ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થયો હતો. યુએસ ખાતે જૂન માટેનો સીપીઆઈ 9.1 ટકાની 40 વર્ષની ટોચ પર આવતાં ડોલર ઈન્ડેક્સને સપોર્ટ મળ્યો હતો અને તે 108.63ની તેની 20 વર્ષોની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. જેની પાછળ અન્ય ચલણોમાં ઘસારો જળવાયો હતો.
બેંક્સના NBFC લેન્ડિંગમાં વાર્ષિક 21 ટકા વૃદ્ધિ નોંધાઈ
નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ તેમની ફંડીંગ જરૂરિયાત પૂરી કરવા માટે બેંક્સ તરફ વળ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજા આંકડા મુજબ બેંક્સ તરફથી નોન-બેંક લેન્ડર્સને ધિરાણમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો નોંધાયો છે. મે 2022માં બેંક્સ તરફથી નોન-બેંક લેન્ડર્સને રૂ. 11 લાખ કરોડનું ધિરાણ કરવામાં આવ્યું હતું. જે છેલ્લાં 12 મહિનાઓમાં રૂ. 1.87 લાખ કરોડની વૃદ્ધિ દર્શાવે છે. આ એવો સમયગાળો છે, જે દરમિયાન મ્યુચ્યુલ ફંડ્સે એનબીએફસીના એક્સપોઝરમાં સતત ઘટાડો નોંધાવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડેટ ફંડ્સમાંથી જંગી રિડમ્પ્શનને કારણે એનબીએફસી તેમની લેન્ડિંગ માટેની જરૂરિયાત પૂરી કરવા બેંક્સ તરફ વળી છે. કેમકે કેપિટલ માર્કેટ્સમાં ફંડીંગ કોસ્ટ ઊંચી જોવા મળી રહી છે. નાની એનબીએફસી કંપનીઓ બેંક તરફ વળવાથી તેમની ફંડીંગ કોસ્ટ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં હોવાનું વર્તુળો જણાવે છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્ફોસિસઃ ટોચની આઈટી સર્વિસિસ કંપની ડેનમાર્ક સ્થિત બેઝ લાઈફ સાયન્સની 11 કરોડ યુરોમાં ખરીદી કરશે. ભારતીય ચલણમાં આ રકમ રૂ. 875 કરોડ જેટલી થશે. આ ખરીદીને કારણે આઈટી કંપનીની લાઈફ સાઈન્સ ડોમેઈનમાં સમજણમાં વધારો થશે. તેમજ તેને યુરોપમાં તેનો વ્યાપ વધારવામાં સહાયતા મળશે.
માઈન્ડટ્રીઃ આઈટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 471.60 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 343.40 કરોડની સરખામણીમાં તે 37 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે ત્રિમાસિક ધોરણે સાધારણ ઘટાડો દર્શાવે છે. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 473 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીનું વેચાણ જૂન 2021માં રૂ. 2292 કરોડ સામે 36 ટકા વધી રૂ. 3121 કરોડ પર રહ્યું હતું.
ડાબર ઈન્ડિયાઃ એફએમસીજી કંપની જેવી એશિયન કન્ઝ્યૂમરમાં 60 કરોડ બાંગ્લાદેશી ટાકામાં 24 ટકા હિસ્સાની ખરીદી કરશે. અગાઉ ડાબરની પેટા કંપની ડાબર ઈન્ટરનેશનલે કંપનીમાં 76 ટકા હિસ્સો મેળવ્યો હતો. જ્યારે બાકીનો 24 ટકા એડવાન્સ્ડ કેમિકલ પાસે હતો.
તાતા મેટાલિક્સઃ તાતા જૂથની કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1.22 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 94.72 કરોડ પર હતો. કંપનીની વેચાણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 603 કરોડ પરથી 11 ટકા વધી રૂ. 666.37 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો શેર છ મહિનામાં તેની ટોચ પરથી 46 ટકા જેટલો ગગડ્યો છે.
જ્યુબિલિઅન્ટ ફાર્મોવાઃ કંપનીએ 35 કરોડ ડોલરના કુલ મૂલ્યની વર્તમાન ટર્મ લોન અને બોન્ડ્સની પુનઃચૂકવણી માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સાથે એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. જે હેઠળ કંપની સ્ટાન્ચાર્ટર્ડ પાસેથી ફંડ મેળવશે.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંત જૂથની કંપનીએ પ્રતિ શેર રૂ. 21નું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. જાહેરાત બાદ કંપનીના શેરમાં 5 ટકા ઉછાળો જોવા મળ્યો હતો.
એનએચપીસીઃ હાઈડ્રો પાવર ઉત્પાદક પીએસયૂ કંપનીએ સવાલકોટ એચઈ પ્રોજેક્ટ માટે પ્રિ-ઈન્વેસ્ટમેન્ટ એક્વિવિટીઝ માટે ઈન્વેસ્ટમેન્ટ પ્રસ્તાવ પર વીજ મંત્રાલય પાસેથી મંજૂરી મેળવી છે.
રાઈટ્સઃ રેલ્વે ઈન્ફ્રા કંપનીમાં એચડીએફસી મ્યુચ્યુલ ફંડે બુધવારે 50.4 લાખ કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું.
સનોફીઃ ફાર્મા કંપનીનું બોર્ડ 26 જુલાઈએ વન-ટાઈમ સ્પેશ્યલ ઈન્ટરિમ ડિવિડન્ટ માટે મળશે.
બાલક્રિષ્ણા પેપર્સઃ કંપનીના મહારાષ્ટ્ર સ્થિત પાવર પ્લાન્ટમાં કોલ ફિડીંગ હૂપરમાં આગ ફાટી નીકળી હતી.
તાતા પાવરઃ તાતા પાવરની પેટાકંપની ટીપી સૌર્યએ કર્ણાટકમાં 600 મેગાવોટ પાવર પ્રોજેક્ટ સ્થાપવાનો ઓર્ડર મેળવ્યો છે.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીની સબસિડિયરીએ સોલાર એનર્જી તરફથી 300 મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતા માટે ઓર્ડર મેળવ્યો છે.
યૂરેકા ફોર્બ્સઃ લૂનોલક્સે શાપોરજી પાલોનજી પાસેથી યૂરેકા ફોર્બ્સમાં 8.7 ટકા હિસ્સાની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage