Market Summary 14 June 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી
નિફ્ટી 15607નો સપોર્ટ લઈ પરત ફર્યો
ગયા સપ્તાહે બુધવાર બાદ સોમવારે ઉઘડતાં સપ્તાહે નિફ્ટી ફરી એકવાર 15606ના સ્તરેથી સપોર્ટ લઈ પરત ફર્યો હતો અને બંધ જોવા મળ્યો હતો. મંદીવાળાઓ સામે તેજીવાળાઓ બીજીવાર હાથ ઊપર રાખવામાં સફળ રહ્યાં હતાં. નિફ્ટી પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે બેંકિંગ શેર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બેંક નિફ્ટી 97 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. આઈટી અને પીએસયૂ બેંક નિફ્ટી સિવાય લગભગ અન્ય તમામ ક્ષેત્રો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં નરમાઈ
નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ બેન્ચમાર્ક્સમાં નરમાઈ જોવા મળી હતી. બંને બેન્ચમાર્ક્સ લાંબા સમયથી નિફ્ટી સામે આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં હતાં. જોકે સોમવારે આમ બન્યું નહોતું. લાર્જ-કેપ્સમાં બાઉન્સ ટક્યું હતું. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સ પોઝીટીવ બંધ રહેવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

અદાણી જૂથના માર્કેટ-કેપમાં રૂ. 54 હજાર કરોડનો તીવ્ર ઘટાડો

જૂથની ચાર કંપનીઓમાં રોકાણ ધરાવતાં FPIના ડિમેટ એકાઉન્ટ્સ ફ્રિઝ થયા હોવાના અહેવાલ બાદ શેરોમાં પેનિક જોવાયું

જોકે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર કામકાજની શરૂઆતમાં 25 ટકા ઘટાડા સામે માત્ર 6 ટકા ઘટી બંધ રહ્યો

અદાણી પ્રમોટર્સની માર્કેટ-વેલ્થ રૂ. 39000 કરોડ ઘટી રૂ. 6.54 લાખ કરોડ જોવા મળી


અમદાવાદ મુખ્યાલય ધરાવતાં અદાણી જૂથના શેર્સમાં લગભગ સવા વર્ષ પછી સોમવારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં અગ્રણી ડિપોઝીટરી એનઅસડીએલે જૂથની ચાર કંપનીઓમાં રોકાણ ધરાવતાં ત્રણ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ)ના ડિમેટ એકાઉન્ટ્સ ફ્રિઝ કર્યાંના અહેવાલ પાછળ નવા સપ્તાહે કામકાજની શરૂઆત જૂથના શેર્સમાં તીવ્ર ગેપ-ડાઉ ઓપનીંગ સાથે થઈ હતી. જોકે તળિયાના ભાવેથી જૂથના શેર્સમાં સતત રિકવરી જોવા મળી હતી. બપોરે અદાણી જૂથ તરફથી એફપીઆઈ એકાઉન્ટ્સ ફ્રિઝ થયાના અહેવાલો ખોટા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેની પાછળ જૂથ શેર્સ કામકાજના અંતે સાધારણ ઘટાડા પાછળ બંધ રહ્યાં હતાં. તેમણે સવારે ખૂલ્યાં ભાવથી 50 ટકા નુકસાન કવર કરી લીધું હતું. કામકાજના અંતે અદાણી જૂથનું માર્કેટ-કેપ રૂ. 54 હજાર કરોડનો ઘટાડો દર્શાવતું હતું. જે સવારે ખૂલતી વખતે રૂ. 1.05 લાખ કરોડનું નુકસાન દર્શાવતું હતું. કંપનીના પ્રમોટર અદાણી પરિવારની માર્કેટ-વેલ્થમાં રૂ. 38700 કરોડનો ઘટાડો નોંધાયો હતો અને તેઓ શુક્રવારે રૂ. 6.93 લાખ કરોડ સામે સોમવારે રૂ. 6.54 લાખ કરોડની વેલ્થ દર્શાવતાં હતાં.


અદાણી જૂથની છ લિસ્ટેડ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓ જ એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સ્થાન ધરાવે છે. અન્ય ચાર કંપનીઓ કેશ સેગમેન્ટમાં જ ટ્રેડ થાય છે. જેઓ સર્કિટ લિમિટ્સ ધરાવે છે. આમ જૂથ માટે નેગેટિવ અહેવાલ પાછળ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી જેવા કાઉન્ટર્સમાં 5-10 ટકાની મર્યાદામાં જ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એફએન્ડઓમાં સમાવિષ્ટ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 25 ટકાથી વધુ ગગડ્યો હતો. શુક્રવારે રૂ. 1601.60ના બંધ સામે તે રૂ. 400ના ઘટાડે રૂ. 1201 પર ટ્રેડ થયો હતો. જોકે કામકાજના અંતે તે 6.25 ટકા અથવા તો રૂ. 100.15ના ઘટાડે રૂ. 1501.45ના સ્તરે બંધ રહ્યો હતો. ફ્યુચર્સ ટ્રેડિંગ ધરાવતી અન્ય કંપની અદાણી પોર્ટનો શેર પણ રૂ. 840ના અગાઉના બંધ સામે રૂ. 681ના સ્તર સુધી ગગડ્યો હતો અને આખરે 8.5 ટકાના ઘટાડા સાથે રૂ. 768.45ના સ્તરે બંધ રહ્યો હતો. જૂથની અન્ય ચાર કંપનીઓમાં અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસના શેર્સ 5 ટકા સર્કિટ લિમિટ ધરાવતાં હોવાથી 5 ટકા નીચે ખૂલીને તે સ્તર પર જ બંધ રહ્યાં હતાં. જ્યારે અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. 1218ના અગાઉના બંધ સામે રૂ. 1156.85ની નીચલી સર્કિટના ભાવે ટ્રેડ થઈ રૂ. 1213ના સ્તરે ફ્લેટ બંધ દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે નીચલી સર્કિટ ફિલ્ટર્સમાં બંધ રહેલાં જૂથ શેર્સ આગામી સત્રોમાં પણ તેમનો ઘટાડો ચાલી રાખી શકે છે.

માર્કેટ નિરીક્ષકોના મતે અદાણી જૂથના શેર્સમાં લાંબા સમયબાદ આ પ્રકારની ઘટના જોવા મળી હતી. ખાસ કરીને 2017માં શ્રેણીબધ્ધ ડિમર્જર બાદ અસ્તિત્વમાં આવેલી છ લિસ્ટેડ કંપનીઓ બાદ આવું પ્રથમવાર બન્યું હતું. 2015 પહેલા જૂથ કંપનીઓમાં સારા-માઠાં અહેવાલો પાછળ મોટા ઘટાડા નોંધાયાના કિસ્સાઓ બન્યાં છે. જોકે છેલ્લે માર્ચ 2020માં કોવિડ વખતે માર્કેટમાં સાર્વત્રિક ઘટાડા વખતે અદાણી જૂથના શેર્સે પણ તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો.




અદાણી જૂથે ખુલાસો કરી માધ્યમના અહેવાલને ખોટા અને ગેરમાર્ગે દોરનારા જણાવ્યાં

અદાણી જૂથે તેની ચાર કંપનીઓના મળીને કુલ રૂ. 43500 કરોડના મૂલ્યના શેર્સ ધરાવતાં ત્રણ વિદેશી રોકાણકારો(એફપીઆઈ)ના ડિમેટ એકાઉન્ટ્સ નેશનલ સિકયૂરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ(એનએસડીએલ)એ ફ્રિઝ કર્યાંના અહેવાલને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ અહેવાલ સાવ ખોટો છે અને તે નાના રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવ્યો છે. જૂથ તરફથી 3.30 વાગે શેરબજારની કામગીરી પૂરી થવાના અડધો કલાક અગાઉ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જૂથે અખબારી યાદીમાં નોંધ્યું હતું કે કંપનીના શેર્સ ધરાવતાં ત્રણ વિદેશી રોકાણકારોના એકાઉન્ટ્સ ફ્રીઝ થયાના અહેવાલ પાયાવિહોણા છે. તેને કારણે જૂથના રોકાણકારોને ભરપાઈ ના થઈ શકે તેવું આર્થિક નુકસાન ઉઠાવવાનું થયું છે. સાથે જૂથની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી છે. નાના રોકાણકારો પણ આ ઘટનાની પ્રતિકૂળ અસર જોતાં અમે રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને કહેવાતાં ત્રણ ફંડ્સના ડિમેટ એકાઉન્ટ્સને ફ્રિઝ નહિ કરવામાં આવ્યાં હોવાની સ્પષ્ટતા કરવા વિનંતી કરી છે. અમે લઘુમતી રોકાણકારોના હિતમાં આ પત્ર જાહેર કરી રહ્યાં છીએ. અગાઉ એક માધ્યમના અહેવાલે ડિપોઝીટરી પરથી લીધેલી માહિતીને બેઝ તરીકે લઈ જણાવ્યું હતું કે મોરેશ્યસ સ્થિત એફપીઆઈ આલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડના ડીમેટ એકાઉન્ટ્સ 31 મે અથવા તો તે અગાઉ ફ્રિઝ કરવામાં આવ્યાં છે.



રિલા. ઈન્ડ પાર્ટલી પેઈડ-અપ રૂ. 1600 કૂદાવી ગયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાર્ટલી પેઈડ-અપ શેર્સ સોમવારે રૂ. 1600ના સ્તરને કૂદાવી ગયો હતો. કંપનીનો પાર્ટલી પેઈડ-અપ શેર અગાઉના રૂ. 1578ના બંધ ભાવ સામે 3 ટકા જેટલો ઉછળી રૂ. 1625ની ટોચ પર ટ્રેડ થયો હતો. કામકાજના અંતે તે 2.3 ટકાના સુધારે રૂ. 1614ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યાં તેનું માર્કેટ-કેપ રૂ. 67000 કરોડથી વધુ જોવા મળતું હતું. છેલ્લા એક મહિનામાં પાર્ટલી પેઈડ-અપ શેરમાં 50 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. મહિના અગાઉ તે રૂ. 1000ની નીચેના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બજાજ ફાઈનાન્સની આગેકૂચ જારી
બજાજ જૂથની એનબીએફસી બજાજ ફાઈનાન્સના શેરમાં સુધારો જળવાયો હતો અને શેર સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 6118ના બંધ ભાવ સામે રૂ. 6250ની ટોચ પર ટ્રેડ થયા બાદ 1.21 ટકાના સુધારે રૂ. 6194ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 3.74 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. જે બજાજ જૂથની કંપનીઓમાં સૌથી વધુ હોવા ઉપરાંત લિસ્ટેડ કંપનીઓમાં ટોચની સાત કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીનો શેર માર્ચ 2020ના તળિયાથી 3.5 ગણા ભાવે ટ્રેડ દર્શાવી રહ્યો છે. તાજેતરમાં કંપનીએ પરિણામોની જાહેરાત વખતે એસેટ ક્વોલિટીમાં થોડી ખરાબી દર્શાવી હતી. તેમ છતાં માર્કેટ તેને પ્રિમીયમ આપી રહ્યું છે.
નવા સપ્તાહે બે આઈપીઓ બજારમાં પ્રવેશશે
ચાલુ સપ્તાહે બે કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. જેમાં ડોડલા ડેરી લિમિટેડનો આઈપીઓ 16 જૂને ખૂલશે અને 18 જૂને બંધ થશે. કંપની મૂડીબજારમાંથી રૂ. 520 કરોડ એકત્ર કરશે. તે રૂ. 421-428ની પ્રાઈસ બેન્ડમાં શેર્સ ઓફર કરશે. રિટેલ માટે લઘુત્તમ 35 શેર્સના લોટમાં બિડિંગ કરવાનું રહેશે. જ્યારે ક્રિષ્ણા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ(કેઆઈએમએસ) પણ 16 જૂને આઈપીઓ સાથે પ્રવેશશે. કંપની બજારમાંથી રૂ. 2144 કરોડ ઊભા કરવા ધારે છે. તે રૂ. 815-825ની રેંજમાં શેર્સ ઓફર કરશે. કંપનીનો આઈપીઓ 18 જૂને બંધ થશે. કંપનીનો આઈપીઓ રૂ. 200 કરોડની ફ્રેશ ઈક્વિટી સાથે મોટો હિસ્સો ઓફર-ફોર-સેલનો ધરાવે છે. બંને કંપનીઓ હૈદરાબાદ સ્થિત છે. ગ્રે-માર્કેટની વાત કરીએ તો ડોડલા ડેરીના શેર માટે તે રૂ. 150નું પ્રિમીયમ દર્શાવી રહ્યું છે. જોકે કેઆઈએમએસ માટે હજુ ગ્રે-માર્કેટ સક્રિય નથી બન્યું.
સોનુ-ચાંદીમાં એક ટકાથી વધુનો ઘટાડો
કિંમતી ધાતુઓમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ આવી જાય છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ ઓગસ્ટ વાયદો નવા સપ્તાહે 1.15 ટકા અથવા રૂ. 557ના ઘટાડે રૂ. 48346ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જે તેની લગભગ બે સપ્તાહની નીચી સપાટી હતી. ગોલ્ડને રૂ. 49 હજારના સ્તર પર ટકવામાં તકલીફ નડી રહી છે. એમસીએક્સ ખાતે સિલ્વર જુલાઈ વાયદો એક ટકા અથવા રૂ. 710ના ઘટાડે રૂ. 71517ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સિલ્વર પણ રૂ. 72000ના સ્તર પર જઈ પરત ફરી જાય છે. વૈશ્વિક બજારમાં તે 28 ડોલર પર ટકવામાં મુશ્કેલી અનુભવે છે. બેઝ મેટલ્સમાં કોપરમાં નરમાઈ જોવા મળી રહી હતી. જોકે ક્રૂડ રૂ. 5200ની સપાટી કૂદાવી ગયું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage