Market Summary 14 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


બેન્ચમાર્ક્સ 11-મહિનાનું તળિયું દર્શાવી નેગેટિવ બંધ રહ્યાં
વૈશ્વિક બજારોમાં પણ બાઉન્સનો અભાવ
નાસ્ડેક 5 ટકા તૂટી 11 હજારની નીચે ઉતર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા ગગડી 21.88 પર
આઈટી, ફાર્મા, મેટલ અને રિઅલ્ટીમાં ધીમી લેવાલી
બેંકિંગ, ઓટો, એનર્જીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ નબળો અન્ડરટોન
વૈશ્વિક શેરબજારોમાં બાઉન્સના અભાવે સ્થાનિક બજારમાં પણ નેગેટિવ સેન્ટિમેન્ટ જળવાયું હતું. બેન્ચમાર્ક્સે 11-મહિનાનું તળિયું દર્શાવી સતત ત્રીજા દિવસે રેડિશ બંધ આપ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 153 પોઈન્ટ્સ ગગડી 52694ના સ્તરે જ્યારે નિફ્ટી 42 પોઈન્ટ્સના ઘટાડે 15732ના સ્તરે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 636 પોઈન્ટ્સની રેંજમાં અથડાયો હતો. નિફ્ટીના 50 ઘટકા સભ્યોમાંથી 25 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 50-નેગેટિવ બંધ સૂચવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં લેવાલીનો અભાવ જોવા મળતો હતો અને સેન્ટિમેન્ટ નરમ જળવાયું હતું. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ હતી.
મંગળવારે દિવસ દરમિયાન બપોરે મે મહિના માટે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ 15.8 ટકાની 2012 પછીની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. જેણે પણ આરબીઆઈ તરફથી આગામી સમયગાળામાં વધુ આક્રમક વલણની શક્યતાને મજબૂત બનાવી હતી. વિવિધ એજન્સીઓના મતે આગામી બે મોનેટરી બેઠકમાં પણ આરબીઆઈ રેપો રેટમાં 50-50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી શકે છે. જે માગ સામે મોટો પડકાર સર્જી શકે છે. બુધવારે ફેડ રિઝર્વ પણ તેની બેઠકમાં 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાં પાછળ ડોલરમાં મજબૂતી જોવા મળતી હતી અને વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો આગળ વધ્યો હતો. જેમાં ટેક્નોલોજી હેવી નાસ્ડેક 5 ટકા તૂટી 11 હજારની સપાટીની નીચે ઉતરી ગયો હતો. એશિયન બજારો પણ મહ્દઅઁશે નરમાઈ તરફી જોવા મળતાં હતાં. જ્યારે યુરોપિયન બજારોમા 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ બધા વચ્ચે ભારતીય બજાર રેંજ બાઉન્ડ અથડાયા બાદ અગાઉના તળિયા આસપાસ બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી નેગેટિવ ઝોનમાં સરી પડ્યો છે અને હવે તેના માટે 15100નો સપોર્ટ છે. જો વૈશ્વિક બજારો વધુ ગગડશે તો નિફ્ટી 15000નું સ્તર દર્શાવી શકે છે. હાલમા બજારને સપોર્ટ માટે એકપણ ક્ષેત્ર આગળ આવી રહ્યું નથી. જેને જોતાં માર્કેટમાં 2-3 ટકાનો ઘટાડો શક્ય જણાય છે.
મંગળવારે બજારને આઈટી, ફાર્મા અને મેટલ તરફથી સાધારણ સપોર્ટ સાંપડ્યો હતો. મેટલ ઈન્ડેક્સ 0.37 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. સ્ટીલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે સ્ટીલ શેરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ટાટા સ્ટીલ પોઝીટીવ બંધ રહ્યો હતો. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ અને જિંદાલ સ્ટીલ નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. મોઈલ અને વેદાંત પોઝીટીવ જોવા મળ્યાં હતાં. આઈટી ક્ષેત્રે એલએન્ડટી ઈન્ફોટેક 2.55 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી, માઈન્ડટ્રી અને ઈન્ફોસિસ એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. ફાર્મા ક્ષેત્રે ઓરોબિંદો ફાર્મા 3.7 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ સિવાય ડિવિઝ લેબ, સિપ્લા અને ડો. રેડ્ડીઝ લેબ પણ એક ટકાથી વધુ મજબૂતી સૂચવતાં હતાં. બીજી બાજુ ઓટો ક્ષેત્રે બજાજ ઓટોમાં 5 ટકાનું ગાબડું પડ્યું હતું. આ સિવાય હીરો મોટોકોર્પ 1.6 ટકા, ભારત ફોર્જ 1.5 ટકા, મારુતિ સુઝુકી 1.14 ટકા અને એક્સાઈડ ઈન્ડ 0.6 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટમાં અન્ડરટોન નરમ હતો. બીએસઈ ખાતે કુલ 3449 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1782 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1532 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 50 શેર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 191 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. જ્યારે 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં અને 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ 5.6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. આ સિવાય સ્ટ્રાઈડ્સ ફાર્મા 3.7 ટકા, ઓરોબિંદો ફાર્મા 3.7 ટકા, ટોરેન્ટ પાવર 3.4 ટકા, બિરલાસોફ્ટ 3.17 ટકા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 2.8 ટકા, હેવેલ્સ ઈન્ડિયા 2.74 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ એચપીસીએલ 5.66 ટકા ઘટાડે સૌથી ખરાબ પર્ફોર્મન્સ સૂચવતો હતો. આ સિવાય બજાજ ઓટો 5.1 ટકા, મેટ્રોપોલિસ 4 ટકા, પોલીકેબ 3.6 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 3.23 ટકા, નાલ્કો 3.15 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

મેમાં ભારતની પામ ઓઈલ આયાતમાં 10 ટકા ઘટાડો નોંધાયો
ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં મે મહિના દરમિયાન ભારતની પામતેલની આયાતમાં 10 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલમાં 5.72 લાખ ટન આયાતની સરખામણીમાં મેમાં 5.14 લાખ ટન પામતેલની આયાત જળવાય હતી. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી મોટો પામ તેલ ઉત્પાદક અને નિકાસકાર છે. તેણે ઘરઆંગણે ભાવમાં વૃદ્ધિને અંકુશમાં રાખવા માટે 28 એપ્રિલના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે પાછળથી 23મેના રોજ તેણે નિકાસ માટેની છૂટ આપી હતી. ઈન્ડોનેશિયાથી સપ્લાય ઘટાડાની સ્થિતિમાં ભારતીય રિફાઈનર્સે મલેશિયા, થાઈલેન્ડ અને પપુઆ ન્યૂ ગૂયેના ખાતેથી ખરીદી વધારી હતી. જોકે સમગ્રતયા આયાત નીચી જોવા મળી હતી. મુંબઈ સ્થિત અગ્રણી વૈશ્વિક ટ્રેડિંગ કંપનીના જણાવ્યા મુજબ ઈન્ડોનેશિયાએ ફરીથી પામતેલ નિકાસને છૂટ આપતાં જૂનમાં ભારતની આયાત 6 લાખ ટનથી ઊંચી જોવા મળી શકે છે. મે મહિનામાં ભારતની સોયાતેલ આયાત 37 ટકા ઉછલી 3.73 લાખ ટન પર રહી હતી. જ્યારે સનફ્લાવર તેલની આયાત બમણાથી વધુ વધી 1.18 લાખ ટન પર જોવા મળી હતી.
ડિસેમ્બર સુધીમાં રેપો રેટ 5.9 ટકા પર જોવા મળે તેવી અપેક્ષા
ફિચ રેટિંગ્સના મતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બર 2022 સુધીમાં ઈન્ટરેસ્ટ રેટમાં વધુ વૃદ્ધિ કરશે અને તેને 5.9 ટકાના સ્તર સુધી લઈ જશે. દેશમાં ઈનફ્લેશનની વણસતી જતી સ્થિતિને લઈને આમ થવાની અપેક્ષા રેટિંગ એજન્સી રાખી રહી છે. ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકને એક અપડેટમાં ફિચે જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર વણસતાં જતાં બાહ્ય માહોલનો સામનો કરી રહ્યું છે. સાથે કોમોડિટીના ભાવમાં ઉછાળો અને ટાઈટ વૈશ્વિક મોનેટરી સપ્લાય પણ તેને કનડી રહ્યો છે. ફુગાવાની સ્થિતિ હજુ પણ ખરાબ થવાની શક્યતાંને જોતાં આરબીઆઈ ડિસેમ્બર સુધીમાં રેટમાં વૃદ્ધિ ચાલુ રાખે અને તેને 5.9 ટકા સુધી લઈ જાય તેવી શક્યતાં છે. જ્યારે 2023ની આખર સુધીમાં તેને 6.15 ટકા પર પહોંચાડે તેવી શક્યતાં છે. જોકે 2024માં રેટમાં ફેરફારની શક્યતાં નહિ હોવાનું એજન્સી માને છે. આરબીઆઈ છેલ્લાં બે મહિનામાં રેપો રેટમાં 90 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી ચૂકી છે. હાલમાં તે 4.9 ટકા પર જોવા મળે છે.
સરકારનું આઈટી સ્પેન્ડિંગ 12 ટકા વધી 9.5 અબજ ડોલર રહેશે
કેલેન્ડર 2022માં ભારત સરકારનો આઈટી પાછળનો ખર્ચ 12.1 ટકા વધી 9.5 અબજ ડોલર થવાની અપેક્ષા છે. ગાર્ટનરના એક અહેવાલ મુજબ ભારતમાં સોફ્ટવેર સેગમેન્ટ સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવશે. જ્યારબાદ આઈટી સર્વિસિઝ ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળશે. વૈશ્વિક સ્પેન્ડિંગથી ભિન્ન રીતે ભારતમાં તમામ સેગમેન્ટ્સમાં 2022માં ગ્રોથ જોવા મળશે એમ ગાર્ટનરના પ્રિન્સિપલ એનાલિસ્ટ જણાવે છે. સરકાર ડિજીટલ સર્વિસિઝને સ્ટ્રીમલાઈન કરવા માટે ઈનોવેટિવ ઓપરેશન્સનું અમલીકરણ કરી રહી છે. 2022માં ગ્લોબલ ગવર્મેન્ટ આઈટી સ્પેન્ડિંગ 5 ટકા વધી 565.7 અબજ ડોલર પર રહેવાની અપેક્ષા છે.

ઐતિહાસિક તળિયે હોવા છતાં રૂપિયાનું હરિફ ચલણો સામે આઉટપર્ફોર્મન્સ
ડોલર સામે 14 ટકા ઘટાડા સાથે જાપાનીઝ યેનનો સૌથી ખરાબ દેખાવ
ઈમર્જિગ અર્થતંત્રોમાં કોરિયા અને ચીનના ચલણોમાં પણ નોંધપાત્ર ઘટાડો
રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆતથી તાજેતરમાં રૂપિયાએ ડોલર સામે દર્શાવેલી ઐતિહાસિક સપાટી દરમિયાનના સમયગાળામાં વૈશ્વિક હરિફ ચલણોની સરખામણીમાં તેણે નોંધપાત્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. મોટાભાગના ઈમર્જિંગ માર્કેટ ચલણોમાં 4-6 ટકા ઘટાડા સામે ભારતીય રૂપિયો 3 ટકા આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યો છે. યુએસ ખાતે મે મહિના માટે અપેક્ષાથી ઊંચા કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન ડેટા પાછળ ચાલુ સપ્તાહે રૂપિયો પ્રથમવાર 78ની સપાટી નીચે ઉતરી ગયો હતો.
જીઓ-પોલિટિકલ કટોકટી પછીના ત્રણ મહિનાથી વધુ સમય દરમિયાન જાપાન જેવા વિકસિત અર્થતંત્રના ચલણમાં 14 ટકાથી વધુનો ઘટાડો જોવા મળે છે. જાપાનીઝ યેન ડોલર સામે 14.1 ટકાનું અવમૂલ્યન દર્શાવી રહ્યો છે. જ્યારે ઈમર્જિંગ અર્થતંત્રોમાં થાઈલેન્ડ, સાઉથ કોરિયા, ચીન, તાઈવાન, મલેશિયા અને ફિલિપિન્સના ચલણોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ તમામ દેશોના ચલણો 4-6.5 ટકા સુધીનો ઘસારો દર્શાવી રહ્યાં છે. જેમકે થાઈલેન્ડનો બ્હાત ડોલર સામે 6.53 ટકા જેટલો ગગડ્યો છે. જ્યારે સાઉથ કોરિયાનો વોન 6.37 ટકા ઘટાડો દર્શાવે છે. આ જ રીતે ચીનનો રેમેમ્બિ 6 ટકાથી વધુ અવમૂલ્ય પામી ચૂક્યો છે. સામાન્યરીતે ચીનનું ચલણ વર્ષોથી ડોલર સામે મજબૂત જોવા મળ્યું હતું. જોકે કોવિડ પછી તેણે ડોલર સામે નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો છે. ચીનની નિકાસ સ્પર્ધાત્મક્તા જાળવી રાખવા માટે પણ ત્યાંના ચલણમાં ઘસારો લાભદાયી સાબિત થઈ શકે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીન બાદ મહત્વના નિકાસી અર્થતંત્ર એવા તાઈવાનનો ડોલર પણ 5.75 ટકાનો નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જ્યારે મલેશિયન રિંગીટ 4.8 ટકા અને ફિલિપિન્સ પેસો 3.65 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ભારતીય ચલણની સરખામણીમાં સારો દેખાવ દર્શાવવામાં સિંગાપુર ડોલર(2.53 ટકા ઘસારો) અને ઈન્ડોનેશિયન રુપિયો(1.98 ટકા) તથા હોંગ કોંગ ડોલર(0.53 ટકા)નો સમાવેશ થાય છે.
આયાત-નિકાસમાં સક્રિય સાહસિકોના મતે રૂપિયો નરમાઈ દર્શાવી રહ્યો છે. તેમ છતાં અન્ય ચલણોની સરખામણીમાં તે મક્કમ છે. હાલમાં તે સાઈડવેઝ જણાય છે. તે કોઈ તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો નથી અને ધીમે-ધીમે ઘસાઈ રહ્યો છે. રૂપિયામાં ઘસારાને રોકવા માટે આરબીઆઈ બજારમાં નોંધપાત્ર દરમિયાનગીરી કરી રહી હોવાનું આશંકા પણ તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર જોતાં ભારતીય ચલણ પર દબાણ જળવાયેલું રહેશે એમ મનાય છે. જોકે તે ઊંધા માથે પટકાય તેવી શક્યતાં ઓછી છે. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી વેચવાલી છતાં રૂપિયો છેલ્લાં આંઠ મહિનાઓમાં 4 ટકાનો ઘસારો દર્શાવે છે. બુધવારે યુએસ ફેડ 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરે તેવી અપેક્ષામાં ડોલરમાં મજબૂતી પાછળ વિશ્વભરના ચલણોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં વિકસિત સહિત ઈમર્જિંગ ચલણોમાં પણ એક ટકાથી વધુનો એક દિવસીય ઘટાડો જોવા મળ્યો હતો.
રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆતથી વિવિધ ચલણોનો દેખાવ
ચલણ ડોલર સામે ઘટાડો(ટકામાં)
જાપાનીઝ યેન 14.10
થાઈ બ્હાત 6.53
સાઉથ કોરિયન વોન 6.37
ચાઈના રેમેમ્બી 6.02
તાઈવાન ડોલર 5.75
મલેશિયન રિંગીટ 4.80
ફિલિપિન્સ પેસો 3.65
ભારતીય રૂપિયો 3.05


અદાણી, ટોટલએનર્જિસે ગ્રીન હાઈડ્રોજનમાં 50 અબજ ડોલરના રોકાણ માટે હાથ મિલાવ્યાં
ગૌતમ અદાણીના મતે અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વમાં સૌથી સસ્તો ગ્રીન હાઈડ્રોજન બનાવશે
ફ્રેન્ચ ઉર્જા અગ્રણી ટોટલએનર્જિસ નવી શરુ કરેલી અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ(એએનઆઈએલ)માં અદાણી એન્ટરપ્રાઈઝિસ પાસેથી 25 ટકા હિસ્સાની ખરીદી કરશે. બંને કંપનીઓ વચ્ચે આ ચોથી ભાગીદારી હશે. શરૂઆતમાં થયેલી ત્રણ ભાગીદારીઓ એલએનજી ટર્મિનલ્સ, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને સોલાર પાવર કેન્દ્રિત હતી.
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એએનઆઈએલ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે આગામી 10 વર્ષોમાં 50 અબજ ડોલર(રૂ. 3.9 લાખ કરોડ)નું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે. શરૂઆતી તબક્કામાં એએનઆઈએલ 2030 અગાઉ પ્રતિ વર્ષ 10 લાખ ટનની ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા વિકસાવશે એમ કંપનીએ જણાવ્યું હતું. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની વિશ્વમાં સૌથી સસ્તો ગ્રીન હાઈડ્રોજન પેદા કરશે તેવો આત્મવિશ્વાસ તેઓ ધરાવે છે. વિશ્વમાં સૌથી મોટા ગ્રીન હાઈડ્રોજન પ્લેયર બનવાની અમારી સફરમાં ટોટલએનર્જિસ સાથેની અમારી ભાગીદારી કેટલાક નવા પરિમાણોનો ઉમેરો કરે છે. જેમાં આરએન્ડડી, માર્કેટ પહોંચ અને એન્ડ કન્ઝ્યૂમરની સમજણનો સમાવેશ થાય છે. આ બાબત ફંડામેન્ટલ રીતે માર્કેટ ડિમાન્ટને આકાર આપવાની છૂટ પૂરી પાડશે. આ ભાગીદારી સંખ્યાબંધ ઉત્તેજનાસભર ડાઉનસ્ટ્રીમ પાથવેઝ ખોલશે એમ અદાણીએ ઉમેર્યું હતું.
ચાલુ કેલેન્ડરમાં જાન્યુઆરીમાં એએનઆઈએલની સ્થાપના કરવામાં આવી હતી. ગ્રૂપના ન્યૂ એનર્જી અને લો કાર્બનની દિશામાં પ્રયાસોને આગળ લઈ જવા કંપની રચાઈ હતી. અગાઉ કંપનીએ રેગ્યુલર ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે નીચો કાર્બન ધરાવતાં ફ્યુઅલ્સ અને કેમિકલ્સના સિન્થેસિસ, નીચો કાર્બન ધરાવતી વીજળીના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સહિતના પ્રોજેક્ટ્સ માટે ચાવીરુપ કોમ્પોનેન્ટ્સ અને મટિરિયલ્સના ઉત્પાદનના બિઝનેસિસ હાથ ધરશે. ઉપરાંત તે સંબંધિત ડાઉસ્ટ્રીમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રિસિટી જનરેશન અને વિન્ડ ટર્બાઈન્સના ઉત્પાદનમાં પણ સક્રિય બનશે. તાજેતરની જાહેરાતમાં એએનઆઈએલે જણાવ્યું છે કે તે વિશ્વની સૌથી મોટી સંપૂર્ણપણે ઈન્ટિગ્રેટેડ ગ્રીન હાઈડ્રોજન કંપની બનવાનો ઈરાદો ધરાવે છે. જેમાં તે સમગ્ર વેલ્યૂ ચેઈનમાં હાજર રહેવા માગે છે. સપ્ટેમ્બર 2021માં ગૌતમ અદાણીએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝિસ આગામી 10 વર્ષોમાં રિન્યૂએબલ એનર્જી સપ્લાય ચેઈન ક્ષેત્રે 20 અબજ ડોલરનું રોકાણ કરશે. જેમાં પાવર જનરેશન, મેન્યૂફેક્ચરિંગ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો સમાવેશ થતો હશે. 2020માં અદાણીએ જણાવ્યું હતું કે ગ્રૂપ તેના એનર્જી વર્ટિકલના કુલ મૂડી ખર્ચનો 70 ટકા હિસ્સો ક્લિન એનર્જીમાં અને એનર્જિ-એફિસ્યન્ટ સિસ્ટમ્સમાં રોકશે. ટોટલએનર્જીસના ચેરમેન પેટ્રીકે જણાવ્યા મુજબ ભવિષ્યમાં બનનારી 10 લાખ ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા ન્યૂ ડિકાર્બોનાઈઝ્ડ મોલેક્યૂલ્સમાં ટોટલએનર્જિસના હિસ્સાને વધારવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એનબીએફસીઃ ક્રિસિલ રેટિંગ્સના એક રિપોર્ટ મુજબ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓનું રૂ. 18 લાખ કરોડનું ડેટ 85-105 બેસીસ પોઈન્ટ્સ જેટલું મોંઘું બનશે. એક એનાલિસિસ મુજબ એનબીએફસીનું રૂ. 15 લાખ કરોડનું ડેટ અથવા 65 ટકા આઉટસ્ટેન્ડિંગનું 31 માર્ચ 20222ના રોજ રિપ્રાઈસિંગ થશે.
ઈન્ફોસિસઃ આઈટી કંપની અને હાર્વર્ડ બિઝનેસ પબ્લિશીંગ ટીમ ફ્રી ઓફ કોસ્ટ એજ્યૂકેશન ટુલ્સ પૂરાં પાડશે. જેમાં સ્ટુડન્ટ્સ પસંદગીના હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ આર્ટિકલ્સ, વિડિયોઝ અને પોડકાસ્ટ્સની એક્સેસ મેળવી શકશે. ઉપરાંત દસ હાર્વર્ડ મેનેજ મેન્ટર કોર્સિસ પણ પ્રાપ્ય બનશે. જેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ, ઈનોવેશન એન્ડ ક્રિએટિવિટી વગેરેનો સમાવેશ થતો હશે.
શ્રેઈ ગ્રૂપઃ હાલમાં કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઈ રહેલી શ્રેઈ જૂથ કંપનીઓએ કુલ રૂ. 3025 કરોડનું ફ્રોડ કર્યું હોવાનું ઓડિટર રિપોર્ટ જણાવે છે. કોવિડ દરમિયાન ગ્રાહકો તરફથી પેમન્ટ નહિ મળતાં એસેટ-લાયેબિલિટી અસંતુલન ઊભું થયું હતું.
આઈઆઈએફએલ ફાઈનાન્સઃ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સે એડીએઆઈ તરફથી 20 ટકા હિસ્સા બદલ રૂ. 2200 કરોડ ઊભા કર્યાં છે.
એસ્કોર્ટ્સઃ ટ્રેકટર ઉત્પાદક કંપનીએ નામ બદલાવવા માટે જરૂરી મંજૂરી મેળવી લીધી છે.
પીએફસીઃ જાહેર ક્ષેત્રની કંપનીનું એસપીવી રાજસ્થાનમાં રિન્યૂએબલ એનર્જી ઝોન ખાતેથી પાવર ઈવેક્યૂએશન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કરશે.
ટાટા મોટર્સઃ કંપનીએ ચીન ખાતે રિટેલ પેસેન્જર વ્હીકલ્સમાં મે મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 17.3 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો.
જીએમઆર ઈન્ફ્રાઃ ડીવીઆઈ ફંડ મોરેશ્યસે કંપનીમાં 32.7 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. તેણે રૂ. 36.3 પ્રતિ શેરના ભાવે આ વેચાણ હાથ ધર્યું હતું.
ડેલ્ટા કોર્પઃ એચડીએફસી મ્યુચ્યુલ ફંડે ઓપન માર્કેટ મારફતે 10 જૂને કેસિનો કંપની ડેલ્ટા કોર્પમાં અધિક 57.89 લાખ શેર્સ અથવા 2.15 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
કેપ્રિ ગ્લોબલઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કંપનીમાં વધુ 35.41 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
એથર ઈન્ડસ્ટ્રીઝઃ એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે કંપનીમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીમાં 3.23 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
પ્રિમિયર લિઃ ઓટોમોટીવ મેન્યૂફેક્ચરરે એઝ્યોર પાવર ગ્લોબલ લિ. સાથે સંયુક્તપણે 1.25 ગીગાવોટ સોલાર સેલ્સ બાંધવા માટે રૂ. 700 કરોડનું રોકાણ કર્યું છે.
મેટ્રોપોલીસ હેલ્થઃ કંપનીના પ્રમોટરે જણાવ્યું છે કે અનેક લોકો તરફથી કંપનીમાં રોકાણની ઓફર મળી રહી છે. જોકે તે સ્ટ્રેટેજિક વિકલ્પને શોધી રહી છે.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિસ કંપનીએ યુએસ ખાતે રોજગારીની તકોમાં અવિરત વૃદ્ધિનો ક્રમ જાળવ્યો છે. તેણે તાજેતરમાં મિનેસોટા સ્ટેટ ખાતે 100 નવી જોબ્સનો ઉમેરો કર્યો છે.
બજાજ ફાઈનાન્સઃ બજાજ જૂથની અને દેશમાં સૌથી મોટી એનબીએફસીએ તેના ફિક્સ્ડ ડિપોઝીટ રેટમાં 20 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે.
ઈન્ફોસિસઃ આઈટી કંપનીએ ટીકે એલિવેટર્સ સાથે સાત વર્ષો માટે સ્ટ્રેટેજિક જોડાણ હાથ ધર્યું છે.
ઓરિએન્ટ એરોમેટિક્સઃ કંપનીની પેટાકંપની ઓરિએન્ટલ એરોમેટીક્સ એન્ડ સન્સે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે એન્વાર્યમેન્ટલ ક્લિઅરન્સ મેળવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage