Market Summary 14 March 2022

યુધ્ધની ચિંતા છોડી તેજીવાળાઓ બજારમાં પરત ફર્યાં

નિફ્ટીએ 16800ના ટેકનિકલ અવરોધને પાર કર્યો

હોંગ કોંગ બજારમાં 5 ટકા અને ચીનમાં 2.6 ટકા ઘટાડો નોંધાયો

બેંકિંગ, આઈટી શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી

બ્રોડ માર્કેટમાં જોકે પાંચ દિવસની સૌથી નીચી માર્કેટ-બ્રેડ્થ

વોલેટિલિટી ઈન્ડેક્સમાં 1.26 ટકાની વૃદ્ધિ નોંધાઈ

અમદાવાદ

ભારતીય શેરબજારે સોમવારે મજબૂતી સાથે સપ્તાહની શરૂઆત દર્શાવી હતી. જાપાનને બાદ કરતાં અન્ય તમામ એશિયન હરિફોમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે સ્થાનિક બજાર દિવસ દરમિયાન સતત સુધરતું રહ્યું હતું અને બે સપ્તાહની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 936 પોઈન્ટ્સ અથવા 1.68 ટકા સુધારે 56486ના સ્તરે જ્યારે નિફ્ટી 241 પોઈન્ટ્સ અથવા 1.45 ટકા ઉછળી 16871ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.26 ટકા સુધારા સાથે 25.67ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 37 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 13 નેગેટિવ બંધ સૂચવતાં હતાં.

વિતેલા સપ્તાહે ચાર સપ્તાહોથી અવિરત ઘટાડા બાદ પોઝીટીવ બંધ રહેલા સ્થાનિક બજારનો અન્ડરટોન મજબૂત હતો. જોકે સવારે એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી હતી. જેને કારણે સિંગાપુર નિફ્ટી 85 પોઈન્ટ્સ જેટલો નેગેટિવ ટ્રેડ દર્શાવતો હતો. જોકે આનાથી ઊલટું બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી અને તે દિવસ દરમિયાન અવિરત સુધારાતરફી જોવા મળ્યું હતું. નિફ્ટીએ 16888ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 16800નો મહત્વનો અવરોધ પાર કર્યો હતો. આમ તેના માટે હવે 17200 સુધીની જગા ખૂલી છે. બીજી બાજુ એશિયન બજારોમાં હોંગ કોંગ 5 ટકા ઘટડા સાથે ત્રણ વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કંપોઝીટ પણ 2.6 ટકા ઘટાડે નવા વાર્ષિક તળિયા પર પહોંચ્યો હતો. સિંગાપુર, તાઈવાન અને કોરિયન બજારો પણ નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે જાપાન સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. યુરોપ ખાતે જર્મની બજાર 2 ટકાથી વધુના સુધારા સાથે ટ્રેડ થતું હતું. આમ બપોર પછી તેણે ભારતીય બજારને સપોર્ટ કર્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે ભારતીય બજારને મોટી રાહત મળી છે. આગામી સત્રોમાં પણ ક્રૂડમાં ઘટાડો જળવાય રહેવાની સંભાવના છે. કેમકે રશિયન ક્રૂડ સપ્લાય પર કોઈ મોટી અસર જોવા મળી રહી નથી.

માર્કેટને મુખ્ય સપોર્ટ બેંકિંગ અને આઈટી તરફથી સાંપડ્યો હતો. બેંક નિફ્ટી 2.22 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. ગયા સપ્તાહે અન્ડરપર્ફોર્મન્સ બાદ તેણે નિફ્ટી કરતાં ચઢિયાતો દેખાવ કર્યો હતો. એચડીએફસી બેંક, એસબીઆઈ, એક્સિસ બેંકના શેર્સ 3 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે આઈટી ઈન્ડેક્સ 1.92 ટકા સુધારો દર્શાવતો હતો. આઈટી દિગ્ગજ ઈન્ફોસિસનો શેર 3.8 ટકા સાથે રૂ. 1800ની સપાટી પાર કરી ગયો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં તેણે સૌથી સારો ઉછાળો નોંધાવ્યો હતો. આ ઉપરાંત મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, વિપ્રો જેવા કાઉન્ટર્સ પણ 2 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં.

બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ છેલ્લાં પાંચ દિવસોમાં સૌથી નીચી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3612 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1749 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1725 નેગેટિવ બંધ સૂચવી રહ્યાં હતાં. આમ બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ રહી હતી. 123 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 30 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 14 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ ખાતે મીડ-કેપ ઈન્ડેક્સ 0.20 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.22 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં દિપર નાઈટ્રેડ 7.66 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 7 ટકા, મહાનગર ગેસ 6 ટકા, આઈજીએલ 5.3 ટકા અને એસઆરએફ 4.65 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ જ્યુબિલિઅન્ટ ફૂડ 12.24 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવતો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પેટીએમનો શેર વધુ 13 ટકા પટકાયો

ફિનટેક કંપની પેટીએમનો શેર સોમવારે 12.84 ટકાના તીવ્ર ઘટાડે રૂ. 675.35ના સૌથી નીચા સ્તરે બંધ રહ્યો હતો. ગયા સપ્તાહાંતે આરબીઆઈએ પેટીએમ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકતાં કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને શેર રૂ. 774.80ના અગાઉના બંધ સામે સોમવારે રૂ. 662.25ના તળિયા પર ટ્રેડ થયો હતો અને લગભગ ત્યાં જ બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ પૂ. 43798 કરોડ જોવા મળ્યું હતું. કંપનીનો શેર રૂ. 2150ના ઓફર ભાવ સામે 65 ટકાથી વધુ મૂડી ધોવાણ દર્શાવી ચૂક્યો છે. તેણે લિસ્ટીંગ બાદ રૂ. 1961.05ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે અવિરત ગગડતો રહ્યો છે.

ડોલર સામે રૂપિયો 11 પૈસા ગગડ્યો

નવા સપ્તાહે રૂપિયાએ નરમાઈ સાથે કામકાજની શરૂઆત કરી હતી. સોમવારે રૂપિયો 76.63ના સ્તરે ઓપન થયા બાદ 76.52 સુધી સુધર્યાં બાદ 76.69ના તળિયા પર જોવા મળ્યો હતો અને કામકાજની આખરમાં 76.55ના સ્તરે બંધ રહ્યો હતો. જે અગાઉના 76.44ના બંધ સામે 11 પૈસાનો ઘટાડો સૂચવતો હતો. વૈશ્વિક બજારમાં છ કરન્સિઝના બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ 0.39 ટકા ઘટાડે 98.79 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ભારતીય ચલણમાં નરમાઈનું કારણ ફેબ્રુઆરી સિરિઝ માટે ઊંચો હોલસેલ ફુગાવો હતો. તે સતત દ્વિઅંકમાં જળવાયો હતો. જેને કારણે જ ક્રૂડના ભાવમાં ઘટાડા વચ્ચે રૂપિયો નરમ જોવા મળ્યો હતો.

એનએસઈ કો-લોકેશન કેશમાં ચિત્રા રામક્રિષ્ણનને 14 દિવસની જેલ

દિલ્હી કોર્ટે એનએસઈ કો-લોકેશન કેસમાં એક્સચેન્જના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામક્રિણ્નનને 14 દિવસ માટે જેલનો આદેશ આપ્યો હતો. સાથે તેણીને વિશેષ સુવિધા આપવાની વકિલની માગ પણ ફગાવી હતી અને અન્ય આરોપીની જેમ જ ટ્રીટ કરવા જણાવ્યું હતું. સીબીઆઈના વિશેષ જજ સંજીવ અગ્રવાલે ચિત્રા રામક્રિષ્ણનની આગાતરા જામીન અરજી ફગાવ્યા બાદ તેને 14 દિવસ માટે જેલમાં મોકલી આપવા જણાવ્યું હતું. ચિત્રાના વકિલે તેણીને ઘરમાં બનાવેલા ફૂડ માટે વિનંતી કરી હતી. જેને જજે ફગાવી હતી અને જણાવ્યું હતું કે વીઆઈપી કેદીઓને તમામ સુવિધા જોઈતી હોય છે પરંતુ તેણીને અલગ રીતે ટ્રીટમેન્ટ આપવામાં નહિ આપે કેમકે તેણી અન્યોથી અલગ નથી.

 

 

 

 

 

 

 

 

ક્રૂડ, સોનું-ચાંદી સહિત કોમોડિટીઝમાં તેજીના વળતાં પાણી

બ્રેન્ટ વાયદો 108 ડોલરના સપ્તાહના તળિયે, ગોલ્ડ 1962 ડોલર પર ટ્રેડ થયું

એલ્યુમિનિયમ, કોપર, નેચરલ ગેસના ભાવમાં ઝડપી વળતા પાણી

અમદાવાદ

વૈશ્વિક કોમોડિટી બજારમાં ત્રણ સપ્તાહ બાદ તેજી ઓસરી રહી છે. રશિયા-યૂક્રેન વચ્ચેના જંગ પાછળ ગગનગામી બનેલી કોમોડિટીઝના ભાવમાં નવા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી છે. જે સૂચવે છે કે કોમોડિટીઝ માર્કેટ વર્તમાન ઘર્ષણને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે અને સેન્ટિમેન્ટ પાછળ જોવા મળેલા તીવ્ર ઉછાળો ધીરે-ધીમે શમી રહ્યો છે.

સોમવારે ક્રૂડના ભાવ 5 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો અગાઉના 113 ડોલરના બંધ સામે 107 ડોલર પર ટ્રેડ થયો હતો. જ્યારે એમસીએક્સ ક્રૂડ ફ્યુચર્સ પણ 5 ટકા ગગડી રૂ. 8000ની નીચે ઉતરી ગયો હતો. આમ રૂ. 10000ની ગયા સપ્તાહની સર્વોચ્ચ સપાટી સામે તે રૂ. 2000 જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે. રશિયા ખાતેથી એનર્જિ સપ્લાય પર કોઈ નોંધપાત્ર અસરની શક્યતાના અભાવે ક્રૂડના ભાવ ઉપરના સ્તરેથી ઝડપી ગગડ્યાં છે. માર્કેટ નિરીક્ષકોના મતે બ્રેન્ટ વાયદો 100 ડોલર નીચે ઉતરી જાય તેવી શક્યતા છે. જે ભારત જેવા નિકાસ પર અવલંબિત દેશ માટે મોટી રાહતની બાબત હશે. રોકાણકારોમાં ગભરાટ શમતાં ગોલ્ડમાં પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જળવાયું હતું. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 20 ડોલર ઘટી 1962 ડોલરની સપાટી પર જોવા મળ્યો હતો. તે 2077 ડોલરના ગયા સપ્તાહની ટોચના સ્તરેથી 115 ડોલરનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યો છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 600ના ઘટાડે રૂ. 52300ની નીચે ટ્રેડ થયા હતા. તેણે ગયા સપ્તાહે રૂ. 55 હજારની સપાટી પાર કરી હતી. વૈશ્વિક ચાંદી 3 ટકા ઘટાડે 25.42 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. જ્યારે એમસીએક્સ ખાતે ચાંદીના ભાવ રૂ. 1300 તૂટી રૂ. 69064 પર ટ્રેડ થયા હતા. ચાંદી પણ રૂ. 73000ના ગયા સપ્તાહના ટોચના સ્તરેથી રૂ. 4 હજાર જેટલો ઘટાડો સૂચવી રહી છે. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ 3 ટકા, કોપર 2 ટકા સહિત નીકલ, ઝીંક પણ નરમ ટ્રેડ થતાં હતાં. જ્યારે નેચરલ ગેસના ભાવ 4 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે કોમોડિટીઝના ભાવમાં વચગાળાની ટોચ બની ચૂકી છે અને તેથી તેઓ ધીમે-ધીમે ઘસારા તરફી જોવા મળી શકે છે.

 

રિલાયન્સ કેપિટલની એસેટ્સમાં કેકેઆર, બ્લેકસ્ટોન અને અદાણી સ્પર્ધામાં

એપોલો, પૂનાવાલા, બ્રૂકફિલ્ડ અને પિરામલે પણ આર-કેપની એસેટ ખરીદીમાં રસ દર્શાવ્યો

રિલાયન્સ કેપિટલ અને તેની એસેટ્સ ખરીદીમાં વિશ્વની ટોચની ફાઈનાન્સિયલ કંપનીઓએ રસ દર્શાવ્યો છે. જેમાં બ્લેકસ્ટોન, કેકેઆર એન્ડ કં અને બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે તેમના એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) રજૂ કરી દીધાં છે. આ ઉપરાંત પિરામલ, અદાણી અને પૂનાવાલા જૂથે પણ તેમની ઈઓઆઈ રજૂ કર્યાં હોવાનું વર્તુળો જણાવે છે.

જાણકાર વર્તુળના મતે નિપ્પોન લાઈફ, જેસી ફ્લાવર્સ, ઓકટ્રી કેપિટલ મેનેજમેન્ટ, એપોલો ગ્લોબલ, આર્પવુડ કેપિટલ, વર્ડે પાર્ટનર્સ, મલ્ટીપ્લેસ અલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ અને હીરો ફિનકોર્પ પણ સ્પર્ધામાં જોડાયા છે. અગાઉ પિરામગ જૂથે ઓકટ્રી અને અદાણીને પાછળ રાખી દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની સ્પર્ધામાં જીત મેળવી હતી. રિલાયન્સ કેપિટલ ત્રણ એનબીએફસીમાંની એક છે જે નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. શ્રીઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ માટે રેસોલ્યુશન પ્લાન હાલમાં પ્રક્રિયા હેઠળ છે. કેટલાંક સંભવિત બીડર્સે બીડીંગ માટે વધારાનો સમય માગતા રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે ઈઓઆઈ રજૂ કરવા માટેની ડેડલાઈનને 11 માર્ચથી વધારી 25 માર્ચ કરી હોવાનું જાણવા મળે છે. શોર્ટ લિસ્ટેડ કરવામાં આવેલી કંપનીઓને 5 મે સુધીમાં ફાઈનાન્સિયલ બીડ્સ રજૂ કરવાનું કહેવામાં આવશે. એકવાર ઈઓઆઈ સબમિટ થઈ જશે ત્યારબાદ સંભવિત બાયર્સને ડેટા રૂમની પહોંચ પ્રાપ્ય થશે. જ્યાં તેમને ફાઈનાન્સિયલ બીડ કરવા માટે કેટલીક વધારાની વિગતો પૂરી પાડશે. એડમિનિસ્ટ્રેટરે રિલાયન્સ કેપિટલના તમામ આઁઠ ક્લસ્ટર્સ અથવા તો સમગ્ર કંપની માટે ઈઓઆઈ મંગાવ્યાં હતાં. મોટાભાગના બીડર્સે પણ સમગ્ર કંપની માટે જ ઈઓઆઈ બીડ કર્યું છે. એડમિનિસ્ટ્રેટરે રિલાયન્સ કેપિટલની બે પ્રોફિટ કરતી પેટાકંપની રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ અને રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યોરન્સને પણ વેચવા માટે મૂકી છે. રિલાયન્સ નિપ્પોન લાઈફમાં જાપાનની નિપ્પોન લાઈફ તેનો હિસ્સો વર્તમાન 49 ટકાથી વધારે તેવી અપેક્ષા છે. ઈન્શ્યોરન્સ સાહસો ઉપરાંત રિલાયન્સ સિક્યૂરિટીઝ, રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રિલાયન્સ હોમ અને રિલાયન્સ કમર્સિયલ ફાઈનાન્સનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ હોમ અને રિલાયન્સ કમર્સિયલ ફાઈ.નું અગાઉ મુંબઈ સ્થિત ઔથુમ ઈન્વેસ્ટમેન્ટને વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે આરબીઆઈએ હજુ તેને મંજૂરી નથી આપી અને એડમિનિસ્ટ્રેટરે બંને કંપનીઓને બેન્ક્ટ્રપ્સી પ્રક્રિયા હેઠળ મૂકી દીધી છે. આરબીઆઈએ ગયા નવેમ્બરમાં રિલાયન્સ કેપિટલના બોર્ડને સુપરસીડ કર્યું હતું અને નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે નાગેશ્વરા રાવને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમ્યાં હતાં.

 

LIC ચાલુ વર્ષે IPO સાથે બજારમાં નહિ પ્રવેશે

સેબીએ આપેલી ડીઆરએચપી મંજૂરી હેઠળ કંપની 12 મે સુધી આઈપીઓ લાવી શકે છે

દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી) પૂરા થવા જઈ રહેલા નાણાકિય વર્ષ 2021-22માં આરંભિક ભરણા સાથે બજારમાં પ્રવેશે તેવી શક્યતા નહિ હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. રશિયા-યૂક્રેન ઘર્ષણને જોતાં શેરબજારમાં ઊંચી વોલેટિલિટીને કારણે સરકારે માર્ચમાં આઈપીઓ લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાનું તેઓ ઉમેરે છે.

એલઆઈસી પાસે સેબીમાં નવેસરથી કોઈ પેપર્સ રજૂ કરવા સિવાય બજારમાં આઈપીઓ લાવવા માટે 12 મે સુધીની મુદત છે એમ જણાવતાં વર્તુળો એમ પણ ઉમેરે છે કે નવા નાણાકિય વર્ષની શરૂઆતમાં એટલેકે એપ્રિલમાં વીમા જાયન્ટનું લિસ્ટીંગ થવાની શક્યતા પણ નથી. કેમકે રશિયા-યુક્રેન વચ્ચેની લડાઈ લંબાઈ ગઈ છે અને તેને કારણે સારા-નરસા અહેવાલો બજારોને ડગાવતાં રહેશે. સરકારે 13 ફેબ્રુઆરીએ સેબી સમક્ષ એલઆઈસીના આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું હતું. જેને સેબીએ ગયા સપ્તાહે માન્યતા આપી હતી. સરકાર એલઆઈસીમાં તેની પાસેના 100 ટકા હિસ્સામાંથી 5 ટકા અથવા તો 31.6 કરોડ શેર્સ વેચીને રૂ. 60 હજાર કરોડથી વધુ મેળવવાનો અંદાજ ધરાવતી હતી. જેને કારણે તેને નાણાકિય ખાધને અંકુશમાં રાખવામાં મોટી સહાયતા મળી હોત. 5 ટકા હિસ્સાના વેચાણ મારફતે એલઆઈસીનો આઈપીઓ ભારતીય શેરબજારમાં સૌથી મોટો આઈપીઓ બની રહ્યો હોત. જ્યારે લિસ્ટીંગ બાદ કંપનીનું માર્કેટ-કેપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ જેવી ખાનગી ક્ષેત્રની ટોચની કંપનીઓની સમકક્ષ જોવા મળ્યું હોત.

આંતરરાષ્ટ્રીય એકચ્યૂરિયર કંપનીએ નિર્ધારિત કર્યાં મુજબ સપ્ટેમ્બર 2021ની આખરમાં એલઆઈસીની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 5.4 લાખ કરોડ પર રહી હતી. ડીઆરએચપીમાં કંપનીએ ક્યાંય વેલ્યૂએશનનો ઉલ્લેખ નહોતો કર્યો. જોકે ઉદ્યોગના ધોરણો મુજબ એમ્બેડેડ વેલ્યૂના 3 ગણુ વેલ્યૂએશન ગણવામાં આવે છે. એલઆઈસીએ રિટેલ રોકાણકારો માટે આઈપીઓમાં 35 ટકા હિસ્સો અનામત રાખ્યો હતો. જોકે પોલિસીધારકો તથા એલઆઈસીના કર્મચારીઓને આઈપીઓમાં કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે તેને લઈને કોઈ ચોક્કસ જાહેરાત નહોતી કરવામાં આવી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage