Market Summary 14 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સેન્સેક્સે 61 હજાર પાર કર્યું, માર્કેટમાં છઠ્ઠા દિવસે તેજી

નિફ્ટી 18300ની સપાટીને પાર કરી ગયો

બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 2.03 લાખ કરોડની વૃદ્ધિ સાથે રૂ. 272.8 લાખ કરોડ પર પહોંચ્યું

મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ સૂચકાંકો પણ નવી ટોચ પર પહોંચ્યાં

ભારતીય બજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ દિવસ દરમિયાન તેજી જોવા જળવાઈ હતી. જેમાં બેન્ચમાર્ક્સે તેમની નવી ટોચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 568.90 પોઈન્ટ્સ ઉછળી 61305.95ની સપાટીએ જ્યારે નિફ્ટી 176.80 પોઈન્ટસ ઉછળી 18338.55ના સ્તરે બંધ રહ્યો હતો. રોકાણકારોની વેલ્થમાં રૂ. 2.03 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 272.76 લાખ કરોડ પર જોવા મળી હતી.

વૈશ્વિક બજારોમાં પોઝીટીવ સંકેતો વચ્ચે ભારતીય બજારે ગુરુવારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. કેટલોક સમય કોન્સોલિડેશન દર્શાવી બપોર બાદ નવેસરથી ખરીદી નીકળી હતી અને બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચ પર પહોંચ્યાં હતાં અને લગભગ તેની નજીક જ બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટને બેંકિંગ, આઈટી, મેટલ, પીએસઈ અને ઈન્ફ્રા જેવા ક્ષેત્રો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. બેંક નિફ્ટીએ 39375.05ની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યાં બાદ 39340.90ના સ્તરે બંધ આપ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસોથી તીવ્ર સુધારો દર્શાવનાર ટાટા જૂથના શેર્સ ઘટીને બંધ રહ્યાં હતાં. પોઝીટીવ ઓપનીંગ બાદ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ તેઓ દિવસ દરમિયાન સાઈડલાઈન રહ્યાં હતાં. જોકે કોઈ મોટું પ્રોફિટ બુકિંગ નહોતું જ જોવાયું. એફએમસીજી અગ્રણી આઈટીસીનો શેર 3 ટકા ઉછળી બે વર્ષની ટોચ નજીક પહોંચ્યો હતો. છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોમાં કંપનીનો શેર 11 ટકા જેટલો ઉછાળો દર્શાવી રહ્યો છે. કેટલાક હાઈ બીટા કાઉન્ટર્સમાં આઈઆરસીટીસીના શેરમાં 11 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો હતો. કંપનીનો શેર એક જ દિવસમાં રૂ. 535ના ઉછાળે રૂ. 5464ના સ્તરે બંધ રહ્યો હતો. કાઉન્ટરમાં 1.42 કરોડ શેર્સનું જંગી કામકાજ નોંધાયું હતું.

બેન્ચમાર્ક્સ નવી ટોચ પર હતાં ત્યારે માર્કેટ બ્રેડ્થ ફ્લેટ જોવા મળી હતી. એટલેકે બીએસઈ ખાતે 3498 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1658 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ આવ્યાં હતાં. જ્યારે 1698 કાઉન્ટર્સ ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. 144 કાઉન્ટર્સ ફ્લેટ જળવાયાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 209 પોઈન્ટસ ઉછળી 32722.55ની સર્વોચ્ચ ટોચ બનાવી 32503.50 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 11644ની સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં બાદ 11595.90ના સ્તરે બંધ રહ્યો હતો.

ઓક્ટોબરમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 13.16 લાખ કરોડની વૃદ્ધિ

શેરબજારમાં જોવા મળી રહેલી અવિરત તેજીમાં રોકાણકારોની વેલ્થમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. એક ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધીમાં 10 ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોની વેલ્થમાં 13.16 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. એટલેકે પ્રતિ દિવસ રોકાણકારોની વેલ્થમાં રૂ. 1.31 લાખ કરોડનો ઉમેરો થયો છે. સપ્ટેમ્બર આખરમાં રૂ. 259.60 કરોડ પર જોવા મળતી કુલ વેલ્થ ગુરુવારે કામકાજના અંતે રૂ. 272.76 લાખ કરોડ પર પહોંચી હતી.

ઉત્કૃષ્ટ પરિણામો પાછળ IT કાઉન્ટર્સમાં ભારે લેવાલી

વિપ્રોએ રૂ. 4 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.3 ટકા ઉછળ્યો

અગ્રણી આઈટી કંપનીઓ તરફથી સારા પરિણામોનો દોર જળવાતાં તેમના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. બુધવારે ઈન્ફોસિસ, વિપ્રો અને માઈન્ડટ્રી જેવી કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પરિણામો જાહેર કર્યા હતાં. જેમણે સ્ટ્રીટની અપેક્ષા કરતાં સારા પરિણામો રજૂ કરવા સાથે ફ્યુચર ગાઈડન્સમાં પણ સુધારો કર્યો હતો.
ગુરુવારે ઊંચો સુધારો દર્શાવનાર આઈટી કાઉન્ટર્સમાં માઈન્ડટ્રી અગ્રણી હતી. કંપનીનો શેર 7.5 ટકા ઉછળી રૂ. 4691.20ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 4937ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 77311 કરોડ પર જોવા મળ્યું હતું. દેશમાં ત્રીજા ક્રમની આઈટી કંપની વિપ્રોનો શેર 5.3 ટકા સુધારા સાથે રૂ. 708.25ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 739.85ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જે વખતે કંપનીનો શેર રૂ. 4 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો અને ટીસીએસ, ઈન્ફોસિસ બાદ આ સીમાચિહ્ન હાંસલ કરનાર ત્રીજી આઈટી કંપની બની હતી. ઊંચો સુધારો દર્શાવનાર કેટલાંક અન્ય આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ(5 ટકા), એમ્ફેસિસ(4.4 ટકા), એલએન્ડટી ઈન્ફોટેક(2.5 ટકા), ટેક મહિન્દ્રા(2 ટકા) અને ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસનો સમાવેશ થાય છે. ઈન્ફોસિસનો શેર પણ 0.4 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જોકે ટીસીએસના શેરમાં નરમાઈ જળવાય હતી અને તે 1.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.


સોનુ રૂ. 48 હજારની સપાટી કૂદાવી 3 મહિનાની ટોચ પર પહોંચ્યું

યુએસ ડોલરમાં નરમાઈ અને બોન્ડ યિલ્ડ્સમાં ઘટાડા પાછળ વૈશ્વિક સોનુ 1787 ડોલર પર ટ્રેડ થયું

ગોલ્ડ અને બેઝ મેટલ્સ પાછળ ચાંદી પણ રૂ. 63000ની સપાટી કૂદાવી ગઈ


તહેવારોની સિઝન શરૂ થતાં સાથે જ સોનામાં મજબૂતી જોવા મળી છે. બુધવારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોનાના ભાવ રૂ. 48000ની સપાટી કૂદાવી ત્રણ મહિનાની ટોચ પાર કરી ગયા હતા. વૈશ્વિક બજારમાં યુએસ ડોલરમાં નરમાઈ સાથે યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં ઘટાડાને પગલે સોનામાં ખરીદી નીકળી હતી. કોમેક્સ ખાતે સોનુ 1787 ડોલર પ્રતિ ઔંસ પર છેલ્લા મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. સોના પાછળ ચાંદીમાં પણ મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બેઝ મેટલ્સ પણ સુધારો દર્શાવી રહી હતી.
એમસીએક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ વાયદો બપોરના સમયે રૂ. 109ના સુધારા સાથે રૂ. 48025 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે રૂ. 48045ની ટોચ દર્શાવી હતી. બુધવારે તે રૂ. 47916 પર બંધ રહ્યો હતો. અગાઉ જૂલાઈ મહિનાની શરૂમાં સોનાએ રૂ. 48 હજાર પર ટ્રેડ દર્શાવ્યું હતું. જ્યારબાદ તે ગગડીને રૂ. 45500 પર ટ્રેડ થયું હતું. વૈશ્વિક બજારમાં પણ તે 1840 ડોલરની ટોચ દર્શાવી 1730 ડોલર સુધી ગગડ્યું હતું. જોકે છેલ્લા સપ્તાહમાં તે ફરીથી સુધારાતરફી જોવા મળ્યું છે. જેના મુખ્ય કારણોમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને તેને કારણે યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં જોવા મળતું કરેક્શન છે. ક્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછળ ઈન્ફ્લેશનની ચિંતા પાછળ સોનામાં ખરીદી વધી છે. ગયા શુક્રવારે યુએસ ખાતે રજૂ થયેલો નોન-ફાર્મ પે-રોલ ડેટા અપેક્ષા કરતાં ખૂબ ખરાબ જોવા મળ્યો હતો. જે યુએસ ફેડને ટેપરિંગ માટે પુનર્વિચાર કરવા માટે પ્રેરી શકે છે. ફેડની છેલ્લી બેઠક બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરથી તે ટેપરિંગ શરૂ કરશે. જોકે આ અપેક્ષાથી વિપરીત તે ટેપરિંગ મોકૂફ રાખશે તો સોનામાં એક ઝડપી સુધારો જોવા મળી શકે છે. જે વખતે તે 1800 ડોલરની સપાટી ઉપર ટ્રેડ દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે સોનાએ 1781 ડોલરની અવરોધની સપાટી પાર કરીને બ્રેકઆઉટ દર્શાવ્યો છે. તેના નવા ટાર્ગેટ્સ 1800 ડોલર અને 1820 ડોલરના રહેશે. સ્થાનિક બજારમાં તહેવારો પાછળ ગોલ્ડની ઊંચી માગ રહેશે. જેને કારણે પીળી ધાતુ રૂ. 49000 અને ત્યારબાદ રૂ. 50000ના સ્તર સુધીનો સુધારો દર્શાવી શકે છે. ટ્રેડર્સનું શુક્રવારે રજૂ થનારી યુએસ બિઝનેસ ઈન્વેન્ટરીઝ પર પણ ધ્યાન રહેશે. દરમિયાનમાં વિશ્વમાં સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ બુધવારે 0.2 ટકા ઘટી 982.70 ટન પર જોવા મળતું હતું. મંગળવારે તે 985.05 ટન પર હતું.

સોના પાછળ ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ગુરુવારે એમસીએક્સ ડિસેમ્બર વાયદો રૂ. 493ના સુધારે રૂ. 63380ની દિવસની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે તાજેતરના રૂ. 58000ના તળિયા સામે લગભગ 10 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. ચાંદીને ગોલ્ડ ઉપરાંત બેઝ મેટલ્સમાં જોવા મળી રહેલી તેજીનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ઝીંક, એલ્યુમિનિયમ, નિકલ, કોપર સહિતની ધાતુઓ તેમના ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવી રહી છે. એમસીએક્સ એલ્યુમિનિયમે ગુરુવારે રૂ. 253.80ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.


ડીશ ટીવી બોર્ડે યસ બેંકની ઈજીએમની માગ ઠુકરાવી

ડીશ ટીવી લિ.ના બોર્ડે વિશેષ સાધારણ સભા(ઈજીએમ) બોલાવવા માટેની યસ બેંકની માગને ફગાવી દીધી છે. કંપનીએ નિયમનકારી મર્યાદાઓ અને સરકાર તથા લેન્ડર્સ તરફથી આગોતરી મંજૂરીની ગેરહાજરીને કારણ દર્શાવીને આમ કર્યું છે. યસ બેંકે કંપનીના કેટલાક ડિરેક્ટર્સને દૂર કરવાના ઠરાવ માટે ઈજીએમ બોલાવવા જણાવ્યું હતું. ખાનગી બેંક ડીટીએલમાં 25.93 ટકાનો હિસ્સો ધરાવે છે. તેણે ડિટીએલના બોર્ડ પર ડિરેક્ટર્સ તરીકે સેવા આપતાં જવાહર લાલ ગોએલ તથા અન્યોને દૂર કરવા માટેની માગણી કરી હતી અને તેમને સ્થાને બેંકના પોતાના પ્રતિનિધિઓની નિમણૂંક માટે જણાવ્યું હતું. તેમને દૂર કરવા માટેના કારણોમાં યસ બેંક તરફથી વિરોધ વચ્ચે કંપનીના બોર્ડે રાઈટ્સ ઈશ્યૂ માટે લીધેલો ઝડપી અને વિવાદી નિર્ણય હતો. બીએસઈને ફાઈલીંગમાં ડીટીએલે જણાવ્યું હતું કે તેણે પોતાની પ્રતિક્રિયા આપતાં અગાઉ હકીકતોની ચકાસણી કરી છે. તેમજ અનેક કાનૂનવિદોની સલાહ લીધી છે.

કારદેખો શેરબજાર પર લિસ્ટીંગ કરાવશે

દેશમાં નવી તેમજ યુઝ્ડ કાર્સના ખરીદ-વેચાણ માટેના ઓનલાઈન પોર્ટલ કારદેખોની માલિક કંપની ગિરનાર સોફ્ટવેર આગામી 18 મહિનામાં શેરબજારો પર લિસ્ટીંગનું વિચારી રહી હોવાનું કંપનીના સિનિયર અધિકારીએ જણાવ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટીવ અમીત જૈને જણાવ્યું છે કે હાલમાં આઈપીઓ માટેની વિચારણા ચાલી રહી છે. અમે આઈપીઓ માટેની પ્રક્રિયા તથા નિયમન સંબંધી જોગવાઈઓનું પાલન શરૂ કરીશું. હાલમાં કંપની નવી કાર્સ, ઈન્શ્યોરન્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ બિઝનેસ ચલાવે છે. જેમાં તે પ્રોફિટ પણ કરી રહ્યો છે. કંપનીએ ચાલુ સપ્તાહની શરૂમાં 1.2 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે 25 કરોડ ડોલર ઊભાં કર્યાં હતાં. યુનિકોર્નનો દરજ્જો મેળવનાર તે તાજી કંપની છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage