Market Summary 14 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


એશિયન બજારોમાં 3 ટકા સુધી ઘટાડા સામે ભારતનું આઉટપર્ફોર્મન્સ
સેન્સેક્સ 1000 પોઈન્ટ્સથી વધુ ઘટ્યાં બાદ પોઝીટીવ બન્યો
નિફ્ટીએ 18 હજારના સ્તરને જાળવી રાખ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.6 ટકા ઉછળી 18.27ની સપાટીએ
બેંકિંગ સર્વોચ્ચ સપાટીથી 200 પોઈન્ટ્સ છેટે જોવા મળ્યો
આઈટી ઈન્ડેક્સમાં 3.5 ટકાનું ગાબડું
મેટલ, પીએસઈમાં મજબૂતી
વેદાંતનો શેર 10 ટકાથી વધુ ઉછળ્યો
સિમેન્ટ શેર્સમાં ભારે લેવાલીએ અનેક કાઉન્ટર્સ ઓલ-ટાઈમ હાઈ


યુએસ બજારોમાં મંગળવારે રાતે તીવ્ર ઘટાડાને પગલે વૈશ્વિક શેરબજારોમાં રક્તપાત વચ્ચે ભારતીય બજારે જબરદસ્ત આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક્સ દોઢ ટકાથી વધુ ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ એક તબક્કે પોઝીટીવ ટ્રેડ નોંધાવી સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 224 પોઈન્ટ્સ ઘટાડે 60347ની સપાટીએ જ્યારે નિફ્ટી 66 પોઈન્ટ્સ ગગડી 18004ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 27 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ માર્કેટમાં જોવા મળેલો ગભરાટ હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 4.6 ટકા ઉછળી 18.27ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતીય બજારે મંગળવારે તેમની પાંચ મહિનાની ટોચે બંધ દર્શાવ્યા બાદ મોડી સાંજે યુએસ ખાતે પ્રગટ થયેલો ઓગસ્ટ માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા અપેક્ષાની સરખામણીમાં 0.1 ટકા ઊંચો આવ્યો હતો. જેની પાછળ ડોલર ઈન્ડેક્સ તીવ્ર ઉછળ્યો હતો અને ઈક્વિટીઝમાં વેચવાલી ફરી વળી હતી. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 1276 પોઈન્ટ્સ અથવા 4 ટકા જેટલો ગગડ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ પાંચ ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આમ એશિયન બજારો મોટા ગેપ-ડાઉન સાથે ખૂલ્યાં હતાં અને ત્રણ ટકા જેટલો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારો પણ ઊંચા ગેપ-ડાઉન સાથે ખૂલ્યાં હતાં. નિપ્ટી 18070ના અગાઉના બંધ સામે 17771 પર લગભગ 300 પોઈન્ટ્સ નીચે ખૂલ્યાં બાદ દિવસ દરમિયાન સુધરતો રહ્યો હતો. તેણે 18092ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. આખરે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જોકે તેણે 18 હજારનું સ્તર જાળવી રાખ્યું હતું. સપ્ટેમ્બર સિરિઝ નિફ્ટી ફ્યુચર્સ 18018ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17750ના સપોર્ટ લેવલ નજીક જ સપોર્ટ મેળવ્યો હતો અને ત્યાંથી તે બાઉન્સ ફર્યો હતો. આમ આ સ્તર આગામી સત્રો માટે પણ મહત્વનું બની રહેશે. લોંગ ટ્રેડર્સ 17750ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન્સ જાળવી શકે છે. ઉપરમાં નિફ્ટી માટે 18100નો નજીકનો અવરોધ છે. જે પાર થશે તો બેન્ચમાર્ક 18300-18400 સુધી ગતિ દર્શાવી શકે છે. સ્થાનિક બજારમાં બુધવારે જોવા મળેલું બાઉન્સ માર્કેટની આંતરિક મજબૂતી સૂચવે છે એમ તેઓ માને છે. અલબત્ત, ભારતીય બજાર છેલ્લાં એક દાયકાથી વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે અને તેથી નજીકના સમયગાળામાં તેના માટે કોન્સોલિડેશન આવશ્યક છે એમ પણ એનાલિસ્ટ્સ માને છે.
બુધવારે બજારને બેંકિંગ, મેટલ અને જાહેર સાહસો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. બેંકનિફ્ટીએ એક તબક્કે ઈન્ટ્રા-ડે ધોરણે તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 200 પોઈન્ટ્સ છેટે ટ્રેડ દર્શાવ્યો હતો. કામકાજની આખરમાં તે 1.3 ટકા સુધારા સાથે 41405ની સપાટીએ બંધ રહ્યો હતો. જે છેલ્લાં ઘણા મહિનાઓનું ટોચનું સ્તર છે. પ્રાઈવેટ તેમજ પીએસયૂ બેંકિંગ શેર્સમાં અસાધારણ મજબૂતી જોવા મળી હતી. જેમાં ઈન્ડસઈન્ડ બેંક 4.5 ટકા જેટલો ઉછળ્યો હતો. બંધન બેંક 3 ટકા, એસબીઆઈ 2.5 ટકા, કોટક મહિન્દ્રા 1.7 ટકા અને પીએનબી 1.4 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ એકમાત્ર એક્સિસ બેંક સાધારણ નરમાઈ સૂચવતો હતો. નિફ્ટી મેટલમાં 1.6 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન વેદાંતનું હતું. મેટલ અને એનર્જી સેક્ટરમાં સક્રિય કંપનીનો શેર 10.11 ટકા ઉછાળે રૂ. 305.60ની સપાટીએ બંધ રહ્યો હતો. શેરમાં સુધારાનું કારણ કંપનીના સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી જંગી રાહત માનવામાં આવે છે. જેને કારણે દેશમાં પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ માત્ર પાંચ વર્ષોના સમયગાળામાં નફો કરતો થશે એમ માનવામાં આવે છે. અન્ય મેટલ શેર્સમાં જિંદાલ સ્ટીલ, નાલ્કો, ટાટા સ્ટીલ, એનએમડીસી, હિંદાલ્કો, સેઈલ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદુસ્તાન ઝીંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.5 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં સુધારા પાછળ એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશનનું મુખ્ય યોગદાન હતું. બંને કાઉન્ટર્સ 2 ટકાથી વધુ ઉછળી બંધ જોવા મળ્યાં હતાં. એનટીપીસીનો શેર તેની ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. બીજી બાજુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં વેચવાલી આગળ વધી હતી. જેમાં બીપીસીએલ, એચપીસીએલ મુખ્ય હતાં. નોંધપાત્ર સત્રો બાદ હિંદુસ્તાન એરોનોટિક્સમાં નરમાઈ જોવા મળી હતી અને કાઉન્ટર એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. ઓટો, ફાર્મા અને એફએમસીજી જેવા સેક્ટર્સ સાધારણ નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી ક્ષેત્રે પણ દબાણ જોવા મળ્યું હતું. જોકે નિફ્ટી મિડિયા 0.9 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં આઈનોક્સ લેઝર, ઝી એન્ટરટેઈનમેન્ટ અને પીવીઆર મુખ્ય હતાં. નિફ્ટી આઈટીમાં 3.4 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાયો હતો. નાસ્ડેકમાં 5 ટકાથી વધુ ઘટાડે સ્થાનિક આઈટી કાઉન્ટર્સ પણ ઊંધા માથે પટકાયાં હતાં. જેમાં ઈન્ફોસિસ 4.5 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી 4.3 ટકા, કોફોર્જ 4 ટકા, ટીસીએસ 3.4 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.4 ટકા, એમ્ફેસિસ 3 ટકા અને ટેક મહિન્દ્રા 3 ટકા ઘટાડો સૂચવતાં હતાં. આમ ત્રણ દિવસોમાં આઈટી કાઉન્ટર્સમાં જોવા મળેલો સુધારો ઘણે અંશે ભૂંસાઈ ગયો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સિમેન્ટ શેર્સમાં લાવ-લાવ વચ્ચે નવી ટોચ જોવા મળી હતી. ઈન્ડિયા સિમેન્ટ્સનો શેર 9 ટકા ઉછળી છેલ્લાં 17 વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે અંબુજા સિમેન્ટ્સ, એસીસી જેવા કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. અંબુજા સિમેન્ટનો શેર 8 ટકા ઉછળી રૂ. 500ની સપાટી કૂદાવી ગયો હતો. જ્યારે એસીસી રૂ. 2700ની સપાટી પાર કરી ગયો હતો. કેનેરા બેંક, આરબીએલ બેંક, એનટીપીસી, હનીવેલ ઓટોમેશન, એસબીઆઈ, મેરિકો અને સિમેન્સ જેવા કાઉન્ટર્સ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ બિરલા સોફ્ટ, ઈન્ફોએજ, પર્સિસ્ટન્ટ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઈપ્કા લેબ, બાટા ઈન્ડિયા, એબીબી ઈન્ડિયામાં 2 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.



ઓગસ્ટમાં ખાદ્ય તેલોની આયાતમાં 35 ટકાનો તીવ્ર ઉછાળો
RBD પામોલીનની આયાત ચાલુ વર્ષે 484 ટકા ઉછળી 13.46 લાખ ટન પર

વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડા પાછળ ભારતની આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટમાં દેશમાં 13.75 લાખ ટન ખાદ્ય તેલોની આયાત જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 10.16 લાખ ટન પર હતી. આમ વાર્ષિક ધોરણે 35.29 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. અગાઉ જુલાઈ દરમિયાન દેશની ખાદ્ય તેલ આયાત 12.05 લાખ ટન પર રહી હતી. આમ માસિક ધોરણે પણ 13 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ઓગસ્ટમાં ભારતીય આયાતમાં વૃદ્ધિના અહેવાલ પાછળ મંગળવારે મલેશિયન ડેરિવેટિવ્સ એક્સચેન્જ ખાતે પામ વાયદામાં 5.84 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
વર્તમાન ખાદ્ય તેલ વર્ષ 2021-22(નવેમ્બરથી ઓક્ટોબર) દરમિયાન દેશમાં કુલ 110.70 લાખ ટનની આયાત થઈ ચૂકી છે. જે ગયા વર્ષે પ્રથમ 10 મહિના દરમિયાન 103.86 લાખ ટન આયાતની સરખામણીમાં 6.58 ટકા વૃદ્ધિ દર્શાવે છે. દેશમાં ખાદ્ય તેલની આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિનું કારણ આરબીડી પામોલીનની ઊંચી આયાત પણ છે. નવેમ્બર 2021થી ઓગસ્ટ 2022 સુધીના 10 મહિના દરમિયાન રિફાઈન્ડ પામતેલની આયાત 13.46 લાખ ટન પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 2.3 લાખ ટન પર હતી. આમ આરબીડી પામોલીનની આયાતમાં 484 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આમ થવા પાછળનું કારણ દેશમાં સીપીઓની આયાત પર ઊંચી આયાત ડ્યુટી ઉપરાંત ઈન્ડોનેશિયાએ આરબીડી પામોલીનની નિકાસ પર રાખેલી નીચી ડ્યુટી કારણભૂત છે. જેને કારણે ઈન્ડોનેશિયાના નિકાસકારો ડિસ્કાઉન્ટ રેટ્સ પર આરબીડી પામોલીનની નિકાસ કરી શકે છે. ગયા વર્ષે ભારતની કુલ આયાતમાં માત્ર 2 ટકા હિસ્સો ધરાવતું આરબીડી પામોલીન ચાલુ વર્ષે 12 ટકા હિસ્સો દર્શાવે છે. દેશમાં સીપીઓની આયાત બીજી બાજુ ગયા વર્ષની 60.20 લાખ ટન પરથી ઘટી 44.42 લાખ ટન પર જોવા મળી હતી. જે 26.21 ટકા ઘટાડો દર્શાવે છે.



ખરિફમાં વધુ 84 હજાર હેકટરના ઉમેરા સાથે 97 ટકા વાવેતર સંપન્ન
ગયા સપ્તાહે એરંડા હેઠળ 49 હજાર હેક્ટર અને ઘાસચારા હેઠળ 28 હજાર હેકટર વિસ્તાર ઉમેરાયો

રાજ્યમાં ખરિફ વાવણીનું ચિત્ર ગઈ સિઝન કરતાં સારુ જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહે વધુ 94 હજાર હેકટર વિસ્તારમાં વાવેતર બાદ ચાલુ સિઝનમાં કુલ વાવેતર વિસ્તાર 84.17 લાખ હેકટર પર પહોંચ્યો છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 82.83 લાખ હેકટરની સરખામણીમાં 1.34 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 86.32 લાખ હેકટર વિસ્તારના 97.51 ટકા જેટલો થાય છે. આમ હજુ પણ 2 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં વાવણી જોવા મળી શકે છે. જોકે સપ્ટેમ્બર બાદ થતું વાવેતર ખરિફ વાવેતર નથી ગણાતું.
ગયા સપ્તાહે એરંડાના વાવેતરમાં 49 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 6.53 લાખ હેકટરે પહોંચ્યું હતું. ગઈ સિઝનમાં સમાનગાળામાં તે 5.39 લાખ હેકટરમાં જ જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં એરંડાના વાવેતરમાં 1.14 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 6.77 લાખ હેકટરમાં એરંડાનું વાવેતર જોવા મળ્યું હતું. રાજ્યના જે વિસ્તારોમાં મગફળીને નુકસાન થયું છે ત્યાં ખેડૂતો એરંડાનું વાવેતર કરે તેવી શક્યતાં હોવાનું વર્તુળો જણાવે છે. ઘાસચારાનું વાવેતર પણ સપ્તાહ દરમિયાન 28 હજાર હેકટરમાં વધી 10.60 લાખ હેકટર પર પહોંચ્યું હતું અને ગઈ સાલના 10.52 લાખ હેકટરથી આગળ નીકળી ગયું હતું. કપાસના વાવેતરમાં વધુ 4 હેકટરનો ઉમેરો થયો હતો અને તે 25.49 લાખ હેકટરની છેલ્લાં પાંચ વર્ષોની ટોચ પર પહોંચ્યું હતું. અનાજ પાકોના વાવેતરમાં 2 હજાર હેકટરનો જ્યારે શાકભાજી પાકોમાં 3 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી. ચાલુ સિઝનમાં તમાકુનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં સૌથી વધુ ઘટાડો સૂચવે છે. ગઈ સિઝનમાં 30 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં તે 15 હજાર હેકટરમાં જ જોવા મળે છે.


RBI MPCની આગામી સમીક્ષામાં 35-50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની અપેક્ષા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મોનેટરી પોલિસી કમિટી(એમપીસી) તેની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 35-50 બેસીસ પોઈન્ટ્સની રેંજમાં વૃદ્ધિ કરે તેવી અપેક્ષા અર્થશાસ્ત્રીઓ રાખી રહ્યાં છે. એમપીસીની બેઠક 28-30 સપ્ટેમ્બર દરમિયાન મળશે. તે અગાઉ 20-21 સપ્ટેમ્બરે યુએસ ફેડની પણ બેઠક છે. જેમાં તે 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. સ્થાનિક અર્થશાસ્ત્રીઓના એક સર્વે મુજબ આરબીઆઈનો મુખ્ય હેતુ ઈન્ફ્લેશનને અંકુશમાં રાખવાનો છે. તાજેતરમાં રજૂ થયેલો ઓગસ્ટ મહિના માટેનો સીપીઆઈ 7 ટકા પર જોવા મળ્યો હતો. જે આરબીઆઈના કમ્ફર્ટ ઝોન 2-6 ટકાની રેંજ ઉપર હતો. લગભગ ત્રણેક સિરિઝથી ઘટતો રહેલો સીપીઆઈ ઓગસ્ટમાં ફૂડ ઈન્ફ્લેશન પાછળ ઊચકાયો હતો. બીજી બાજુ જુલાઈમાં ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન(આઈઆઈપી) ગ્રોથ માત્ર 2.4 ટકા પર રહ્યો હતો. જે જૂનમાં 12.7 ટકા પર જોવા મળતો હતો. આમ આરબીઆઈ માટે ઈન્ફ્લેશન અને ગ્રોથ, બંને વચ્ચે બેલેન્સ રાખવાની કઠિન સમસ્યા ઊભી થઈ હોવા છતાં તે રેટ વૃદ્ધિ જાળવે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સ પ્રોવાઈડર્સે ભારતનો કરેલો સંપર્ક
તેમના અગાઉના વલણમાં ફેરફાર કરતાં ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સ પ્રોવાઈડર્સે તેમના પ્લેટફોર્મ પર સ્થાનિક સોવરિન ડેટનો સમાવેશ કરવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. ઈન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાંથી રશિયા ધીમે-ધીમે બહાર નીકળી રહ્યું હોવાથી મોટા ઈમર્જિંગ માર્કેટ અર્થતંત્રના સમાવેશની જરૂર ઊભી થઈ છે. ગ્લોબલ ઈન્ડેક્સ પ્રોવાઈડર્સે સામેથી ભારત સાથે માત્ર ચર્ચા-વિચારણા જ શરૂ કરવા ઉપરાંત કોઈપણ દબાણ વિના વિદેશી રોકાણકારોને ટેક્સ એક્ઝેમ્પ્શન્સ માટે તૈયાર થયાં છે. આ મુદ્દો અગાઉની મંત્રણાઓ દરમિયાન એક મડાગાંઠ બની રહ્યો હતો. વધુમાં જો ભારતીય બોન્ડ્સને ગ્લોબલ ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે તો બેલ્જિયમ સ્થિત યુરોક્લિઅર ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ગયા વિના જ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. યુરોક્લિઅર પર જવા માટે ટેક્સ કન્સેશન્સની જરૂર રહેતી હોય છે અને તે એક વધુ અવરોધ બની રહ્યો હતો. ઓગસ્ટ મહિનાના મધ્યભાગથી ભારતીય બોન્ડ્સ વૈશ્વિક ઈન્ડેક્સ પર સમાવેશ પામશે તેવી અટકળો જોર પર જોવા મળી રહી છે. જો આમ થશે તો ભારતીય બોન્ડ્સમાં વિદેશી રોકાણકારો તરફથી ઈનફ્લોમાં ઊંચી વૃદ્ધિ નોંધાશે.


જૂનના તળિયેથી સેક્ટરલ ઈન્ડાઈસિસમાં 34 ટકા સુધીનું તગડું રિટર્ન
બેન્ચમાર્ક નિફ્ટીએ ત્રણ મહિના અગાઉના તળિયા સામે લગભગ 19 ટકાનું વળતર આપ્યું
પાવર, કેપિટલ ગુડ્ઝ, રિઅલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ અને બેંકિંગે નોંધપાત્ર ચઢિયાતો દેખાવ નોંધાવ્યો

શેરબજારમાં છેલ્લું એક ક્વાર્ટર ભરપૂર તેજીનું બની રહ્યું છે. મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી લગભગ પાંચ મહિના બાદ 18 હજારના સ્તર પર જોવા મળ્યો હતો ત્યારે અનેક સેક્ટરલ સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી પર અથવા તો તેનાથી ખૂબ છેટે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. છેલ્લાં ત્રણ મહિનામાં બીએસઈ ખાતે સેક્ટરલ સૂચકાંકોએ 34 ટકા સુધીનું ઊંચું રિટર્ન નોંધાવ્યું છે. જેમાં પાવર, કેપિટલ ગુડ્ઝ, રિઅલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ અને બેંકિંગ મુખ્ય છે. સમાનગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી 19 ટકા જેટલું રિટર્ન સૂચવી રહ્યો છે.
બીએસઈ ખાતે પાવર ઈન્ડેક્સ 34 ટકા સાથે સૌથી ઊંચું વળતર દર્શાવી રહ્યો છે. પીએસયૂ તથા પ્રાઈવેટ સેક્ટરની એનર્જી કંપનીઓના શેર્સ તેમના ઘણા વર્ષોના ટોચના સ્તરે જોવા મળી રહ્યાં છે. જેની પાછળ પાવર શેર્સમાં મોટી તેજી નોંધાઈ છે. એનટીપીસી, એનએચપીસી, ટાટા પાવર સહિત અનેક કાઉન્ટર્સ પાછળ બેન્ચમાર્કમાં ઊંચો સુધારો જોવા મળ્યો છે. પાવર પછીના ક્રમે રિટર્ન આપવામાં કેપિટલ ગુડ્ઝ સેક્ટર આવે છે. કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સ 32.58 ટકા સુધારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. લાર્સન, સિમેન્સ, એબીબી જેવા શેર્સ તેમની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. લગભગ અડધા દાયકા સુધી સુષુપ્ત રહ્યાં બાદ કેપિટલ ગુડ્ઝ શેરોએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં બ્રોડ માર્કેટ સામે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. આવી જ રીતે રિઅલ્ટી શેર્સ પણ માર્કેટમાં કરેક્શન પૂરું થયા બાદ ફરીથી તેજીમાં જોવા મળ્યાં છે. જેમાં બેંગલૂરું અને મુંબઈ સ્થિત રિઅલ્ટી ડેવલપર કંપનીઓના શેર્સમાં ભારે તેજી નોંધાઈ છે. બીએસઈ રિઅલ્ટી ઈન્ડેક્સ 27 ટકા ઉછળ્યો છે. મજબૂત દેખાવ દર્શાવનાર સેક્ટરલ સૂચકાંકોમાં કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, બેંકેક્સ, મેટલ અને ઓટોનો સમાવેશ પણ થાય છે. આ તમામ સેક્ટરલ બેન્ચમાર્ક્સ 25-22 ટકા સુધીનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમાં ઓટો ઈન્ડેક્સે તાજેતરમાં જ તેની સર્વોચ્ચ સપાટી બનાવી છે. જ્યારે બેંકેક્સ તેની નવેમ્બર 2021ની ઓલ-ટાઈમ ટોચથી થોડે છેટે જોવા મળી રહ્યો છે. જ્યારે મેટલ ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએથી 10 ટકા જેટલો દૂર છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં 21 ટકા રિટર્ન દર્શાવનાર એફએમસીજી ઈન્ડેક્સ તેની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. સિગારેટ અગ્રણી આઈટીસીએ છેલ્લાં બે મહિનામાં નોંધાવેલા તીવ્ર સુધારા પાછળ એફએમસીજી ઈન્ડેક્સ નવી ટોચ દર્શાવતો રહ્યો છે. મંગળવારે પણ આઈટીસીએ તેની પાંચ વર્ષોની રૂ. 335ની નવી ટોચ દર્શાવી હતી.
છેલ્લાં ક્વાર્ટરમાં બેન્ચમાર્કની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવવામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ અગ્રણી છે. આ ક્ષેત્રોના ઈન્ડાઈસિસ 9-13 ટકા સુધીનું વળતર સૂચવે છે. જે નિફ્ટીની સરખામણીમાં નોંધપાત્ર નીચું છે. છેલ્લાં કેટલાંક સત્રોથી આઈટી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી છે. જોકે તેઓ ઊંચા સ્તરે ટકવામાં પરેશાની અનુભવી રહ્યાં છે. યુએસ અને યુરોપ ખાતે મંદીને કારણે આઈટી બિઝનેસને લઈને ચિંતા ઊભી થઈ છે. મંગળવારે એક અહેવાલ મુજબ એચસીએલ ટેક્નોલોજીએ 350થી વધુ કર્મચારીઓને છૂટા કર્યાં છે. જેને કારણે ત્રણ સત્રોથી મજબૂત આઈટી કાઉન્ટર્સ કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં હતાં. જ્યારે હેલ્થકેર સેક્ટરને લઈને પણ માર્જિન બાબતે ચિંતા ઊભી છે. યુએસ માર્કેટમાં નોંધપાત્ર હાજરી ધરાવતી અનેક ભારતીય કંપનીઓ પ્રાઈસિંગ પ્રેશરનો સામનો કરી રહી છે અને તેથી ઘણી કંપનીઓ વાર્ષિક તળિયા નજીક ટ્રેડ દર્શાવી રહી છે.

જૂનના તળિયેથી અત્યાર સુધીમાં બીએસઈ ખાતે સેક્ટરલ પર્ફોર્મન્સ
સેક્ટરલ બેંન્ચમાર્ક મંગળવારનો બંધ ભાવ વૃદ્ધિ(ટકામાં)
પાવર 5217.14 33.67
કેપિટલ ગુડ્ઝ 33841.4 32.58
રિઅલ્ટી 3818.46 26.91
કન્ઝ્યૂમર ડ્યૂરેબલ 43726.95 25.96
બેંકેક્સ 46771.72 24.37
મેટલ 19398.07 22.03
ઓટો 30373.06 21.61
FMCG 16156.42 20.69
PSU 9356.05 18.35
ઓઈલ એન્ડ ગેસ 20095.74 13.26
હેલ્થકેર 23293.4 9.11
ટેક 13684.53 9.03
આઈટી 29714.97 7.89


કોર્પોરેટ હેડલાઈન્સ

એચસીએલ ટેક્નોલોજીઃ આઈટી સર્વિસ કંપનીએ તેના ક્લાયન્ટ માઈક્રોસોફ્ટની ન્યૂઝ સંબંધિત પ્રોડક્ટ પર કામ કરતાં તેના 350 કર્મચારીઓને છૂટાં કર્યાં છે. તેણે વૈશ્વિક સ્તરે આ એમ્પ્લોઈઝને છૂટાં કર્યાં છે. કંપનીએ ખર્ચ ઘટાડાના ભાગરૂપે આમ કર્યું છે.
ફાર્મા એક્સપોર્ટ્સઃ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ફાર્મા નિકાસ 25 અબજ ડોલરનો આંક વટાવી જાય તેવી શક્યતા છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફાર્મા નિકાસ 6 ટકા વૃદ્ધિ સાથે 10.52 અબજ ડોલર પર જોવા મળી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 9.9 અબજ ડોલર પર હતી. 2021-22માં દેશમાંથી કુલ 24.6 અબજ ડોલરની નિકાસ જોવા મળી હતી.
તાતા સન્સઃ તાતા જૂથની હોલ્ડિંગ કંપની સ્પેશ્યલ પર્પઝ વેહીકલ પૂણે આઈટી સિટી મેટ્રો રેઈલ પ્રોજેક્ટમાં રૂ. 975 કરોડનું રોકાણ કરશે. આ એસપીવી શિવાજી નગર અને હિંજેવાડીને જોડતી મેટ્રોનું બાંધકામ, ઓપરેશન અને મેઈન્ટેનન્સ સંભાળશે.
IRCTC: રેલ્વેની સબસિડીયરી કંપનીએ પેમેન્ટ એગ્રીગેટર તરીકેની કામગીરી ભજવવા માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તરફથી મંજૂરી મેળવી છે.
હટસન એગ્રોઃ ડેરી સેક્ટર કંપનીનું બોર્ડ 19 સપ્ટેમ્બરના રોજ રાઈટ્સ ઈસ્યૂ મારફતે ફંડ ઊભું કરવાના પ્રસ્તાવ પર વિચાર માટે મળશે.
અમી ઓર્ગેનિક્સઃ પ્લૂટૂસ વેલ્થ મેનેજમેન્ટ એલએલપીએ કેમિકલ કંપનીમાં 9,53,20 શેર્સ અથવા 2.6 ટકા ઈક્વિટી હિસ્સાની ઓપન માર્કેટમાંથી ખરીદી કરી છે.
લોજિસ્ટીક્સ સ્ટોક્સઃ કેન્દ્રિય કેબિનેટ ટૂંક સમયમાં જ નેશનલ લોજિસ્ટીક્સ પોલિસી 2022ને મંજૂરી આપે તેવી શક્યતાં પાછળ લોજિસ્ટીક્સ સેક્ટરની કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.
બજાજ હોલ્ડિંગ્સઃ બજાજ જૂથની કંપનીઓની હોલ્ડિંગ કંપનીએ પ્રતિ શેર રૂ. 110નું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ અગ્રણી સ્ટીલ કંપનીએ કાર્બન રિડક્શન પ્રોજેક્ટ્સ માટ એસએમએસ ગ્રૂપ સાથે જોડાણ કર્યું છે. કાર્બન ઉત્સર્જનને શૂન્ય કરવા માટે કંપનીએ રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે.
સોયામિલ એક્સપોર્ટઃ દેશમાંથી સોયામિલની નિકાસમાં પૂરી થવા જઈ રહેલી ખરિફ સિઝનમાં 67 ટકા ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022ની સિઝનના પ્રથમ 11 મહિનામાં સોયા મિલ નિકાસ 6.25 લાખ ટન રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 19.12 લાખ ટન પર હતી. સ્થાનિક ઉત્પાદનના ઊંચા ભાવને કારણે નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ કંપનીએ બેલ્જિયન પોસ્ટ સાથે પોસ્ટલ સર્વિસિઝ એક્સપિરિયન્સમાં સિક્યૂરિટીમાં સુધારા માટે જોડાણ કર્યું છે.
અંબુજા સિમેન્ટઃ સિમેન્ટ કંપની પ્રેફરન્શિયલ બેસીસ પર સિક્યુરિટીઝ, કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, રાઈટ ઈશ્યૂ કરી ફંડ એકત્ર કરવા માટે વિચારણા હાથ ધરશે.
કેઈસી ઈન્ટરનેશનલઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ રૂ. 1108 કરોડના મૂલ્યનો નવો ઓર્ડર મેળવ્યો છે.
ભારત ફોર્જઃ કંપનીની સબસિડિયરી કલ્યાણી પાવરટ્રેઈન અને હર્બિંન્જર મોટર્સે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર સ્કૂટર્સઃ ઓટો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ શેર રૂ. 100ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage