Market Summary 15/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં પરત ફરતાં બુલ્સઃ નિફ્ટી 21900 પાર કરવામાં સફળ
બ્રોડ માર્કેટમાં પણ મજબૂત ખરીદી જોવા મળી
વૈશ્વિક બજારોમાં પણ અન્ડરટોન મજબૂત
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા ગગડી 15.22ના સ્તરે બંધ
નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચે
પીએસઈ ઈન્ડેક્સ પણ 3 ટકા ઉછળ્યો
ઓટો, આઈટી, મેટલમાં મજબૂતી
એફએમસીજી, ફાર્મામાં નરમાઈ
એમઆરપીએલ, ઓઈલ ઈન્ડિયા, ગુજરાત પીપાવાવ, એસ્ટર ડીએમ નવી ટોચે
પેટીએમ, એચયૂએલ, પોલીપ્લેક્સ વાર્ષિક તળિયે

શેરબજારમાં મજબૂતી પરત ફરી છે. સપ્તાહની શરૂમાં નરમાઈ દર્શાવતું બજાર પાછળના ભાગમાં ઉત્તરોત્તર સુધારો દર્શાવી રહ્યું છે. ગુરુવારે વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ ભારતીય બેન્ચમાર્ક્સ સપ્તાહની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 228 પોઈન્ટ્સ ઉછળી 72050ની સપાટીએ જ્યારે નિફ્ટી 71 પોઈન્ટ્સ મજબૂતી સાથે 21911ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ છેલ્લાં કેટલાંક સત્રો પછી ખરીદી પરત ફરી હતી. જેને કારણે બ્રેડ્થ ઘણી સારી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3938 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2354 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1504 કાઉન્ટર્સે નેગેટીવ બંધ આપ્યું હતું. 311 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા ગગડી 15.22ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બેન્ચમાર્કે ગેપ-અપ ઓપનીંગ સાથે શરૂઆત દર્શાવી હતી. નિફ્ટી 21840ના બંધ સામે 21907ની સપાટીએ ખૂલ્યો હતો. શરૂઆતી દોઢેક કલાકમાં ચોપી ચાલ દર્શાવ્યાં પછી તે રેંજની બહાર નીકળ્યો હતો અને ઈન્ટ્રા-ડે 21954ની ટોચ પર ટ્રેડ થઈ 21900ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 105 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22016ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 85 પોઈન્ટ્સના પ્રિમિયમ સામે 20 પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન વધ્યાંનો સંકેત મળે છે. જે આગામી સત્રોમાં સુધારો જળવાય રહેવાનો સંકેત છે. લોંગ ટ્રેડર્સ 21600ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. જ્યારે શોર્ટ સેલર્સે 22200ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના ઘટકોમાં એમએન્ડએમનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, બીપીસીએલ, એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ, એસબીઆઈ, કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, એશિયન પેઈન્ટ્સ, યૂપીએલ, હિંદાલ્કો, ટાઈટન કંપની, વિપ્રો, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ભારતી એરટેલ પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, એક્સિસ બેંક, એપોલો હોસ્પિટલ, આઈટીસી, એચયૂએલ, નેસ્લે, બ્રિટાનિયા, રિલાયન્સ ઈન્ડ., સન ફાર્મા, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રામાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત, પીએસઈ ઈન્ડેક્સ પણ 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઓટો, આઈટી, મેટલમાં મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, એફએમસીજી, ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 7100ની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, પીએનબી, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, જેકે બેંક, કેનેરા બેંક, આઈઓબી, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, એસબીઆઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 3 ટકા ઉછળી ટોચ નજીક બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ, એનએમડીસી, બીપીસીએલ, એનએચપીસી, ગેઈલ, આઈઓસી, એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ, ભારત ઈલે., સેઈલ, કોલ ઈન્ડિયા, ભેલ, કોન્કોર, નાલ્કોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો 1.4 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ, બોશ, એમઆરએફ, મારુતિ સુઝુકી, અશોક લેલેન્ડ, ભારત પોર્જ, આઈશર મોટર્સ, તાતા મોટર્સ, ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ અને રિઅલ્ટી પણ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી એક ટકા ઘટ્યો હતો. જેમાં આઈટીસી, એચયૂએલ, નેસ્લે, બ્રિટાનિયા, મેરિકો, ઈમામી, પીએન્ડજી, વરુણ બેવરેજિસ, તાતા કન્ઝ્યૂમર, કોલગેટમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એમએન્ડએમ સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, એચપીસીએલ, એમ્ફેસિસ, એનએમડીસી, પોલીકેબ, પીએનબી, ફેડરલ બેંક, બીપીસીએલ, ગેઈલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત ગેસ, કેનેરા બેંક, આઈઓસી, એનટીપીસી, એસ્કોર્ટ્સ કુબોટા, ઓએનજીસી, બેંક ઓફ બરોડા, પાવર ગ્રીડ કોર્પો.માં સારી ખરીદી જોવા મળી હતી. આ ઉપરાંત, ઝી એન્ટરટેઈનમેન્ટ, વેદાંતા, મૂથૂત ફાઈનાન્સ, એક્સિસ બેંક, ઈન્ટરગ્લોબ એવિએશન, શ્રી સિમેન્ટ્સ, આદિત્ય બિરલા ફેશન, મેક્સ ફાઈ., એબીબી ઈન્ડિયામાં વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એમઆરપીએલ, ઓઈલ ઈન્ડિયા, ગુજરાત પીપાવાર, એજિસ લોજિસ્ટીક્સ, એસ્ટર ડીએમ, કલ્યાણ જ્વેલર, ટોરેન્ટ પાવર, એમએન્ડએમ, એચપીસીએલ, એનએમડીસી, પીએનબી, બીપીસીએલ, ગેઈલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, રાજેશ એક્સપોર્ટ્સ, પેટીએમ અને એચયૂએલ નવા તળિયે ટ્રેડ થયાં હતાં.


સુબ્રમણ્યમ સ્વામીએ રૂ. 5100 કરોડના કૌભાંડના આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ કરતાં એક્સિસ બેંકનો શેર 2 ટકા તૂટ્યો
સ્વામીના મતે મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના શેરમાં ગેરકાયદે ટ્રેડિંગ મારફતે એક્સિસ બેંકે નફો રળ્યો છે
દેશમાં ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંક એક્સિસ બેંકના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જેનું કારણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી તરફથી દિલ્હી હાઈ કોર્ટમાં ખાનગી બેંક સામે રૂ. 5100 કરોડના કૌભાંડની ફરિયાદ હતું એમ રિપોર્ટ જણાવે છે. એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં સ્વામીએ એક્સિસ બેંક સામે મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના શેર્સમાં ટ્રાન્ઝેક્શન્સ મારફતે ગેરકાયદે લાભ મેળવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વામી આ અંગે કોર્ટમાં ગયા છે અને તેમણે આ ટ્રાન્ઝેક્શનની કમિટી મારફતે તપાસ કરાવવા જણાવ્યું છે. સ્વામીએ નોંધ્યું છે કે મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ અને મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ધરાહાર કૌભાંડ આચરાયું છે. આ ટ્રાન્ઝેક્શન્સમાં એક્સિસ બેંક અને તેની જૂથ કંપનીઓ એક્સિસ સિક્યૂરિટીઝ અને એક્સિસ કેપિટલને મેક્સ લાઈફના શેર્સની અપારદર્શક ખરીદીમાંથી ગેરકાયદે નફો કરવા દેવામાં આવ્યો છે. જે વીમા રેગ્યુલેટર ઈરડાઈના નિયમોનો ભંગ કરે છે. સ્વામીના જણાવ્યા મુજબ એક્સિસ બેંક જૂથની કંપનીઓએ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સનું 12.02 ટકા હોલ્ડિંગ રૂ. 31.51-32.12 પ્રતિ શેરના ભાવે ખરીદ્યું હતું. જે માટે તેણે રૂ. 736 કરોડ ચૂકવ્યાં હતાં. આ ખરીદી ફેર માર્કેટ વેલ્યૂ કરતાં નીચા ભાવે કરવામાં આવી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે ઈરડાઈએ ખોટી રજૂઆત બદલ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ પર રૂ. 3 કરોડનો દંડ લાગુ પડ્યો હતો પરંતુ કૌભાંડનું કદ જોતાં આ ખૂબ જ નગણ્ય રકમ છે.


જાન્યુઆરીમાં નિકાસ 3 ટકા વધી 36.92 અબજ ડોલરે જોવા મળી
વેપાર ખાધ ઘટી 17.49 અબજ ડોલર રહી

દેશની નિકાસ જાન્યુઆરીમાં 3.12 ટકા ઘટી 36.92 અબજ ડોલર પર નોંધાઈ હતી એમ સરકારી ડેટા સૂચવે છે. જ્યારે આયાત 3 ટકા વધી 54.41 અબજ ડોલર પર જોવા મળી હતી. જાન્યુઆરી માટે વેપાર ખાધ 17.49 અબજ ડોલર પર જળવાય હતી. એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન નિકાસ 4.89 ટકા ઘટી 353.92 અબજ ડોલર પર રહી હતી. જ્યારે આયાત 6.71 ટકા ઘટી 561.12 અબજ ડોલર પર રહી હતી. વાણિજ્ય સચિવ સુનીલ ભારદ્વાજના જણાવ્યા મુજબ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે નિકાસમાં પોઝીટીવ વૃદ્ધિ જોવા મળી હતી. જે એક મહત્વની બાબત છે.


IPO પ્રાઈસિંગના નિર્ણયમાંથી PE/VC શેરધારકોને દૂર રહેવા સેબીની માગ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ આઈપીઓ માટે તૈયાર થઈ રહેલી કંપનીઓને તેમની પબ્લિક ઓફરમાં પ્રાઈસિંગના નિર્ણયમાંથી શેર વેચનારા પ્રાઈવેટ ઈક્વિટી કે વેન્ચર કેપિટલ કંપનીઓને દૂર રાખવા માટે જણાવ્યું છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. તેમના મતે આમ કરવા પાછળ સેબીનો હેતુ  ‘સેલીંગ શેરહોલ્ડર્સ’ના પ્રભાવને ઘટાડવાનો છે. જેને કારણે આઈપીઓના દેખાવમાં સુધારો જોવા મળી શકે છે. રેગ્યુલેટર માને છે  આવા શેરધારકો તેમના નફાને મહત્તમ બનાવવા માટે પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. જેને કારણે તેઓ આઈપીઓના પ્રાઈસ બેન્ડને ઊંચો રાખવા માટે દબાણ કરી શકે છે. જે રોકાણકારોના હિતો પર અસરકર્તાં બની શકે. સેબીએ તાજેતરમાં જ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ(ડીઆરએચપી)ને લઈ આ પ્રકારની કોમેન્ટ કરી હતી. જેમાં તેણે જાણ્યું હતું કે ઓફર ડોક્યૂમેન્ટ સેલીંગ શેરધારકોને આઈપીઓ પ્રાઈસ સંબંધી નિર્ણય માટેનો અધિકાર આપતો હતો એમ વર્તુળો જણાવે છે. આને ધ્યાનમાં લેતાં સેબીએ હવેથી પોતાનો હિસ્સો વેચી રહેલા કોઈપણ લઘુમતી શેરધારકને ઈસ્યુ પ્રાઈસને લઈ નિર્ણયથી દૂર રહેવાની ખાતરી માટે પ્રયાસ શરૂ કર્યાં છે.

જાન્યુઆરીમાં ડોમેસ્ટીક એર ટ્રાફિક 4.7 ટકા ઉછળી 1.31 કરોડે પહોંચ્યો
જાન્યુઆરી-2024માં ડોમેસ્ટીક હવાઈ મુસાફરોની સંખ્યામાં વાર્ષિક અને માસિક ધોરણે 4.69 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. ગયા મહિને કુલ 131.50 લાખ પ્રવાસીઓએ હવાઈ મુસાફરી કરી હતી. જે સંખ્યા એક વર્ષ અગાઉ સમાનગાળામાં 125.42 લાખ પર હતી એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનો ડેટા સૂચવે છે. જાન્યુઆરીમાં સમગ્રતયા કેન્સલેશન રેટ 3.67 ટકા પર જોવા મળ્યો હતો. હાલમાં દેશમાં સૌથી ઊંચો માર્કેટ હિસ્સો ધરાવતી ઈન્ડિગોનો હિસ્સો જાન્યુઆરીમાં સાધારણ ઘટી 60.2 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે એર ઈન્ડિયાનો હિસ્સો 12.2 ટકા સાથે બીજા ક્રમે રહ્યો હતો. વિસ્તારા અને સ્પાઈસજેટે મહત્તમ પેસેન્જર લોડ ફેક્ટર્સ નોંધાવ્યું હતું. ગુરુગ્રામ સ્થિત પ્રાદેશિક ઉડ્ડયન કંપનીએ 11.76 ટકાનું સૌથી ઊંચું કેન્સલેશન દર્શાવ્યું હતું. જ્યારપછી બીજા ક્રમે ઈન્ડિગોએ 5 ટકાનું જ્યારે સ્પાઈસ જેટે 3.48 ટકાનું કેન્સલેશન નોંધાવ્યું હતું. એર ઈન્ડિયાએ 2.06 ટકા જ્યારે વિસ્તારા અને અકાશા એરે માત્ર 0.86 ટકા અને 0.17 ટકા કેન્સલેશન દર્શાવ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage