સાર્વત્રિક લેવાલી વચ્ચે બેન્ચમાર્ક્સ પાંચ-મહિનાની ટોચે
કર્ણાટક ચૂંટણીના પરિણામોને બજારે અવગણ્યાં
નિફ્ટી 18400 પર જઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા મજબૂતીએ 13.17ના સ્તરે
ઓટો, બેંકિંગ, એફએમસીજી, આઈટી, પીએસઈમાં મજબૂતી
રિઅલ્ટી ઈન્ડેક્સ 4.3 ટકા ઉછળ્યો
બ્રોડ માર્કેટમાં પણ ખરીદી નોંધાઈ
ડીએલએફ, સાયન્ટ, પ્રેસ્ટીજ નવી ટોચે
સુમીટોમો, પીવીઆર આઈનોક્સ નવા તળિયે
શેરબજારમાં તેજીનો ટોન અકબંધ જળવાયો છે. ગયા સપ્તાહાંતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારને અવગણીને સોમવારે શેરબજારમાં સુધારો આગળ વધ્યો હતો અને બેન્ચમાર્ક્સ તેમની પાંચ-મહિનાની નવી ટોચ પર બંધ જોવા મળ્યા હતાં. બીએસઈ સેન્સેક્સ 318 પોઈન્ટ્સ મજબૂતી સાથે 62346ના સ્તરે જ્યારે એનએસઈનો નિફ્ટી 84 પોઈન્ટ ઉછળી 18399ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી. બીએસઈ ખાતે કુલ 3820 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1856 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1802 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. કુલ 172 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 38 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે સોમવારે નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. અગાઉના 18315ના બંધ સામે બેન્ચમાર્ક 18339 પર ખૂલી ઘટી 18288 થઈ ઉપરમાં 18459ની ઈન્ટ્રા-ડે ટોચે ટ્રેડ થયો હતો. જોકે, આખરી કલાકમાં ટોચ પરથી ઘટ્યો હતો અને 18400 પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર માત્ર 13 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 29 પોઈન્ટ્સના પ્રિમીયમ સરખામણીમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો થાય છે કે ઉંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે અને બજાર આગામી સમયગાળામાં કરેક્શન દર્શાવી શકે છે. એનાલિસ્ટ્સના મતે માર્કેટ ટૂંકાગાળા માટે ઓવરબોટ બન્યું છે અને વધુ સુધારા પહેલાં એક કોન્સોલિડેશનની જરૂરિયાત છે. બેન્ચમાર્કમાં 18060નો મહત્વનો ટેકનિકલ સપોર્ટ છે. જેના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. માર્કેટમાં મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો પણ છેલ્લાં એક મહિનામાં સારો એવો સુધારો દર્શાવી ચૂક્યાં છે. આમ બજારમાં નવી ખરીદી માટે સાવચેતી દાખવવી જરૂરી છે. વૈશ્વિક સ્તરે યુએસ ખાતે ડેટ સેલીંગ જેવી ઘટનાને જોતાં બજાર પણ સાવચેત બની રહેશે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં હીરોમોટોકોર્પ, તાતા મોટર્સ, આઈટીસી, ટેક મહિન્દ્રા, એચયૂએલ, હિંદાલ્કો, ડો. રેડ્ડીઝ લેબ્સ, લાર્સન, કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ બજારમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવવામાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, સિપ્લા, બીપીસીએલ, ગ્રાસિમ, ડિવિઝ લેબ્સ, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, યૂપીએલ અને સન ફાર્મા મુખ્ય હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ઓટો, બેંકિંગ, આઈટી, પીએસઈ સૂચકાંકોમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પ્રથમવાર 14 હજારની સપાટી પર ટ્રેડ થયો હતો. જેને સપોર્ટ આપનારા મુખ્ય ઘટકોમાં હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, બોશ, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. નિફ્ટી બેંક પણ તેની અગાઉની ટોચને સ્પર્શી 44000ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેને સપોર્ટ આપવામાં બંધન બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, પીએનબી, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી પણ પ્રથમવાર 49000ની સપાટી પાર કરી ગયો હતો. જેમાં ડાબર ઈન્ડિયા, કોલગેટ, આઈટીસી, એચયૂએલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર જેવા કાઉન્ટર્સ મુખ્ય હતાં. રિઅલ્ટી ઈન્ડેક્સ 4.3 ટકા ઉછળ્યો હતો. જેમાં સોભા, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ જેવા કાઉન્ટર્સ સુધરવામાં ટોચ પર હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ડીએલએફ 7 ટકાથી વધુ ઉછળી સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ રિઅલ્ટી, પાવર ફાઈનાન્સ, ગોદરેઝ પ્રોપર્ટીઝ, બંધન બેંક, આરબીએલ બેંક, ગેઈલ, હીરો મોટોકોર્પ સુધરવામાં ટોચ પર હતાં. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એબીબી ઈન્ડિયા, ડો. લાલ પેથલેબ્સ, સિપ્લા, આઈઈએક્સ, સિમેન્ટ અને પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો જોવા મળતો હતો. ડીએલએફ, સાયન્ટ, પ્રેસ્ટીજ નવી ટોચે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સુમીટોમો, પીવીઆર આઈનોક્સ નવા તળિયે જોવા મળતાં હતાં.
BSE સાપ્તાહિક ઓપ્શન્સ સાથે F&O સેગમેન્ટને ફરીથી શરૂ કરશે
એક્સચેન્જના નવા ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરી શુક્રવારે રહેશે
કોન્ટ્રેક્ટ્સની સાઈઝ પણ અગાઉના લોટ સાઈઝ કરતાં ઘટાડવામાં આવી છે
દેશનું તથા એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ બીએસઈ તેના ડેરિવેટીવ્સ સેગમેન્ટ પુનર્જિવિત કરવા માટેનો નવેસરથી પ્રયાસ કરી રહ્યું છે. જે માટે તે સેન્સેક્સ અને બેંકેક્સ ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ(એફએન્ડઓ) કોન્ટ્રેક્ટ્સને લોંચ કરી રહ્યું છે. આ વખતે તે નાની લોટ સાઈઝ અને અલગ એક્સપાયરી ડેટ્સ સાથે આ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરશે.
બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરામણ રામમૂર્થીએ મુંબઈ ખાતે 15 મેના રોજ બે પ્રોડક્ટ્સ લોંચ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સેન્સેક્સના એફએન્ડઓ કોન્ટ્રેક્ટની સાઈઝ અગાઉના 15ની સામે આ વખતે 10ની કરવામાં આવી છે. બેંકેક્સ માટે પણ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની લોટ સાઈઝ પણ અગાઉના 20 પરથી ઘટાડી 15 કરવામાં આવી છે. બંને સૂચકાંકોના કોન્ટ્રેક્ટ્સ શુક્રવારે એક્સપાયર થશે. અગાઉ તેઓ ગુરુવારે એક્સપાયર થતાં હતાં.. આ ફેરફારો બંને બેન્ચમાર્ક્સના માસિક, સાપ્તાહિક અને લાંબાગાળાના કોન્ટ્રેક્ટ્સ માટે લાગુ પડશે. બીએસઈએ ડેરિવેટિવ્સ સેગમેન્ટને સક્રિય કરવા માટે અગાઉ કરેલા પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતાં. બ્રોકિંગ વર્તુળોનું માનવું છે કે આ વખતે પણ એક્સચેન્જ સામે અવરોધો ઊભાં છે. હાલમાં એનએસઈ ઈક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં 99 ટકા બજાર હિસ્સા સાથે પ્રભુત્વ ધરાવે છે. જોકે બીએસઈએ આશાવાદ રાખવા માટેનું કારણ છે. છેલ્લાં બે વર્ષોમાં ઓપ્શન્સ ટ્રેડિંગમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે અને તેના વોલ્યુમ સતત નવા વિક્રમ દર્શાવી રહ્યાં છે. કોવિડ પછી બજારમાં પ્રવેશેલાં નવા ટ્રેડર્સનો મોટો હિસ્સો ઓપ્શન્સને સ્પેક્યૂલેશનના એક સાધન તરીકે જોઈ રહ્યો છે. જેમાં નીચા મૂડી રોકાણ મારફતે મોટું રિટર્ન મેળવી શકાય છે. બીએસઈએ નવી લોંચ કરેલી ઓપ્શન્સ પ્રોડક્ટ્સમાં એકમાત્ર તરફેણદાયી પરિબળ શુક્રવારની એક્યપાયરી છે. એનએસઈના ટોચના સાપ્તાહિક ઓપ્શન કોન્ટ્રેક્ટ્સ નિફ્ટી અને બેંક નિફ્ટી ગુરુવારે એક્સપાયર થતાં હોય છે. નિફ્ટી ફાઈનાન્સિયલ મંગળવારે એક્સપાયર થાય છે. જ્યારે તાજેતરમાં લોંચ કરવામાં આવેલો નિફ્ટી મીડકેપ સિલેક્ટ બુધવારે એક્સપાયર થતો હોય છે. નિફ્ટી ફાઈનાન્સિયલ શરૂઆતમાં ગુરુવારે એક્સપાયરી ધરાવતો હતો. જેને પાછળથી બદલીને મંગળવાર કરવામાં આવી હતી. આમ કરવાનું કારણ ટ્રેડર્સનો ઈન્ટરેસ્ટ જાળવી રાખવાનો હતો. એક જ દિવસે ત્રણ એક્સપાયરી કોન્ટ્રેક્ટ્સને કારણે ટ્રેડર્સનું ધ્યાન એક જ કોન્ટ્રેક્ટ પર જોવા મળતું હોય છે. આ ફેરફાર લેખે લાગ્યો હતો અને નિફ્ટી ફાઈનાન્સિયલમાં ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઉછાળો નોંધાયો હતો. તેને અનુસરીને બીએસઈએ શુક્રવાર એક્સપાયરી નિર્ધારિત કરી છે. જે સમાન દિવસે એક્સપાયર થતાં કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડ કરવા ઈચ્છતાં હોય તેવા ટ્રેડર્સને આકર્ષિત કરશે. જેઓ સોમવારથી શુક્રવારની સેટલમેન્ટ સાઈકલ ઈચ્છે છે તેવા ટ્રેડર્સ પણ આ પ્રોડક્ટ્સથી આકર્ષાશે. આ બાબત કેટલેક અંશે કામ કરી જ શકે છે. જોકે, બીએસઈના સાપ્તાહિક ઓપ્શન્સની સફળતાને પામીને એનએસઈ તેના બેંક નિફ્ટી અથવા નિફ્ટીના કોન્ટ્રેક્ટ્સી એક્સપાયરી શુક્રવારે શિફ્ટ કરી શકે છે. બંને એક્સચેન્જિસ વચ્ચેની સ્પર્ધા દાયકાઓ જૂની છે. બીએસઈના જૂના વહીવટીઓનું કહેવું છે કે એનએસઈના એમડી રવિ નારાયણ હતાં ત્યારે તેણે બીએસઈને રેગ્યુલેટરી મંજૂરી વિલંબમાં પડે તે માટે ખૂબ લોબીંગ કર્યું હતું. તેમજ નિયમોનું એ રીતે અર્થઘટન કરવામાં આવતું હતું જે એનએસઈની તરફદારી કરતું હોય. બીએસઈએ 2001માં એનએસઈની અગાઉ તેના પ્રથમ ઈન્ડેક્સ ફ્યુચર્સ અને પાછળથી ઈન્ડેક્સ ઓપ્શન્સમાં ટ્રેડિંગ લોંચ કર્યું હતું. જોકે, તે વખતે કેતન પારેખ કૌભાંડને કારણે બીએસઈની વિશ્વસનીયતા તળિયા પર પહોંચી હતી. બીએસઈના બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું પ્રોફેશ્નલ મેનેજમેન્ટને નીમાયું હતું. જે હજુ પણ એનએસઈ સામે સંઘર્ષ કરી રહ્યું છે.
લોંગ-ટર્મ પાવર પરચેઝ એગ્રીમેન્ટ 12-15 વર્ષના જ રહેશેઃ સરકાર
અત્યાર સુધી લોંગ-ટર્મ પીપીએ 25 વર્ષ માટે ગણવામાં આવતો હતો.
ભારતમાં લોંગ-ટર્મ માટે કરવામાં આવતા પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ(પીપીએ) હવેથી 12-15 વર્ષો માટેના જ રહેશે. અત્યાર સુધી લોંગ-ટર્મ કોન્ટ્રેક્ટ 25-વર્ષ સુધી સક્રિય રહેતો હતો એમ વીજ મંત્રાલયના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. દેશમાં ઈલેક્ટ્રીસિટી માર્કેટને મજબૂત કરવા માટે રજૂ થનારાં કેટલાંક ફેરફારોમાં આ નિર્ણયનો સમાવેશ થાય છે. હાલમાં દેશના કુલ પાવર સ્રોતોમાં ઈલેક્ટ્રિસિટી માર્કેટનો હિસ્સો માત્ર 7 ટકા જેટલો છે. સરકાર આ હિસ્સાને વધારવા ઈચ્છે છે એમ અધિકારીઓ જણાવે છે.
સરકાર તરફથી દેશમાં ઈલેક્ટ્રિસીટ માર્કેટના વિકાસ માટે નીમવામાં આવેલા ગ્રૂપની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂથે ગયા સપ્તાહે તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ગ્રૂપના ચેરમેન તરીકે પાવર મંત્રાલયના સચિવ આલોક કુમાર હતાં. જ્યારે અન્ય સંબંધિત વિભાગ ઉપરાંત સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી, સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન(સીઈઆરસી) અને ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તમિલનાડુ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ તેનો ભાગ હતાં. લોંગ-ટર્મ પીપીએના સમયગાળામાં ઘટાડો કરવાની ચર્ચા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહી હતી. જોકે, તેનો અમલ કરવામાં આવ્યો નહોતો. હવે સરકાર ટૂંકમાં આ ફેરફારને લઈ વિગતવાર જાહેરનામું બહાર પાડશે. કેન્દ્રિય પાવર પ્રધાને કોન્ટ્રેક્ટ ફોર ડિફરન્સ(સીએફડી) મેથોડોલોજીને આધારે નવા રિન્યૂએબલ એનર્જી(આરઈ) કેપેસિટીના વિકાસને હાથ પર ધરવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરના ડેટા મુજબ 2022-23માં ભારતીય ઈલેક્ટ્રિસિટી માર્કેટમાં કુલ ટ્રેડેડ વોલ્યુમ 1,02,276 મિલિયન યુનિટ્સ રહ્યું હતું. જે દેશમાં તમામ સ્રોતોમાઁથી ઊભી થતી વીજળીના એક નાના હિસ્સા જેટલું હતું. દેશમાં કુલ 16,24,465 એમયૂ વીજળી પેદા થાય છે. 2022-23માં વીજળીની પીક માગ 215.8 ગીગાવોટ હતી અને 2029-30 સુધીમાં તે 335 ગીગાવોટ પર પહોંચે તેવી અપેક્ષા છે.
અદાણી સામે 2016થી તપાસના આક્ષેપો આધારવિહોણાઃસેબી
સેબીએ તેની તપાસને યોગ્ય રીતે પૂરી કરવા માટે સુપ્રીમ પાસે ડેડલાઈન લંબાવવા માગણી કરી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે અદાણી જૂથની કોઈપણ કંપની સામે 2016થી તપાસ ચલાવી રહી નથી અને આ પ્રકારે કરવામાં આવી રહેલા આક્ષેપો પાયાવિહોણા છે. આ ઉપરાંત તેણે હિંડેનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથ કરવામાં આવેલા આક્ષેપોને લઈ ચાલી રહેલી તપાસને પૂરી કરવા માટે ડેડલાઈન લંબાવવાની માગણી પણ કરી હતી. સેબીએ જણાવ્યું હતું કે ન્યાયની ખાતરી માટે ડેડલાઈનને લંબાવવી જરૂરી છે.
તેણે નોંધ્યું હતું કે બિલિયોનર ગૌતમ અદાણી તરફથી સંભવિત રેગ્યુલેટરી ડિસ્ક્લોઝર્સ અંગેની તપાસમાં ઉતાવળે કોઈ તારણ પર આવવાથી ન્યાયનો હેતુ પૂરો નહિ થાય અને કાનૂની રીતે તે યોગ્ય પણ નહિ હોય. કોર્ટને ફાઈલીંગમાં સેબીએ જણાવ્યું હતું કે તે અદાણી જૂથ તરફથી નિયમોના ભંગ અંગે તપાસ કરવા માટે 11 જેટલા વિદેશી રેગ્યુલેટર્સનો સંપર્ક સાધ્યો છે. ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાણી જૂથ તરફથી કંપનીના શેર્સમાં ગેરરિતીના આક્ષેપો અંગેની તપાસ મામલે તે સેબીને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપી શકે છે. સેબીએ કોર્ટ સમક્ષ છ-મહિનાના એક્સટેન્શનની માગણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ પીએસ નરસિંહન અને જેબી પારડીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટ રજિસ્ટ્રીએ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દા માટે ઘડેલી એએમ સાપ્રે કમિટિનો રિપોર્ટ મેળવ્યો છે અને તે પેનલના તારણોને આધારે સોમવારે કેસ પર સુનાવણી કરશે. 2 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે સેબીને હિંડેનબર્ગ રિપોર્ટ પછી અદાણી જૂથ શેર્સમાં બોલાઈ ગયેલા કડાકાની તપાસ કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત તેણે રોકાણકારોનું રક્ષણ કરવા માટે રેગ્યુલેટરી માળખાને કેવી રીતે મજબૂત કરી શકાય તેના સૂચનો પણ મંગાવ્યાં હતાં. એપ્રિલમાં સેબીએ સુપ્રીમ કોર્ટમાં જઈ છ-મહિનાના એક્સટેન્શનની માગણી કરી હતી.
MSCIમાંથી જૂથ કંપનીઓ દૂર થવાથી અદાણી જૂથના શેર્સમાં સાર્વત્રિક નરમાઈ
અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં 5-5 ટકાની સેલર સર્કિટ
વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર MSCIએ અદાણી જૂથની અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસને તેના ઈન્ડિયા ઈન્ડેક્સમાંથી દૂર કરતાં શેરબજાર પર બંને કંપનીઓના શેર્સ સહિત અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી તેની પાંચ મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો ત્યારે અદાણી જૂથના શેર્સ 2-5 ટકા સુધીનો ઘટાડો સૂચવતાં હતાં. જેમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેર્સ ઊંચા વોલ્યુમ સાથે 5-5 ટકાની સેલરમાં બંધ રહ્યા હતાં. છેલ્લાં બે સત્રોમાં અદાણી ટોટલનો ગેસ 9 ટકા જ્યારે અદાણી ટ્રાન્સમિશનનો શેર 7 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે.
અદાણી જૂથના અન્ય શેર્સ જેવાકે અદાણી એન્ટરપ્રાઈઝિ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મેર અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝમાં ઘટાડો પ્રમાણમાં નીચો જોવા મળતો હતો. ગયા સપ્તાહાંતે અદાણી જૂથની બે કંપનીઓએ માર્કેટમાંથી રૂ. 21000 કરોડ ઊભા કરવા માટેની યોજના જાહેર કરી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ રૂ. 12500 કરોડ સુધીની રકમ ઊભી કરશે. જ્યારે અદાણી ટ્રાન્સમિશન રૂ. 8500 કરોડ સુધીનું ફંડ ઊભું કરશે. બંને કંપનીઓ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ મારફતે આમ કરશે એમ એક્સચેન્જ ફાઈનીંગમાં જણાવાયું હતું. જોકે, જૂથ કંપની અદાણી ગ્રીન એનર્જીએ તેના ફંડ ઊભું કરવાની યોજનાને લઈને બેઠકને 13 મે પરથી 24 મે પર ખસેડી હતી. દરમિયાનમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન સોમવારે એડિશ્નલ સર્વેલન્સ મેઝર ફ્રેમવર્કમાંથી બહાર નીકળ્યાં હતાં. અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશનના એમએસસીઆઈ ઈન્ડિયામાંથી દૂર થવાથી બંને કંપનીઓ મળીને રૂ. 3200 કરોડના આઉટફ્લોની શક્યતાં છે. એક્સચેન્જ પ્રોવાઈડરે માર્કેટ પાર્ટિસિપન્ટ્સના પ્રતિભાવને આધારે આ નિર્ણય લીધો હતો.
સોફ્ટબેંક સમર્થિત ભારતીય સ્ટાર્ટ-અપ્સનું મોટાપાયે કોસ્ટ કટિંગ
અનએકેડમી, મિશો, સ્વીગી અને કાર્સ24 જેવા સાહસોએ નોંધપાત્ર પ્રમાણમાં ખર્ચ ઘટાડ્યો
સોફ્ટબેંક ગ્રૂપ કોર્પનું ઈન્વેસ્ટમેન્ટ ધરાવતાં ભારતીય સ્ટાર્ટ-અપ્સે છેલ્લાં 15-મહિનાઓમાં મોટા પાયે કોસ્ટ-કટિંગ કરી સુરક્ષિત અભિગમ અપનાવ્યો છે. નવું ફંડ મેળવવામાં પડી રહેલી તકલીફોને જોતાં આ કંપનીઓએ ખર્ચને અંકુશમાં રાખવા માટે વિવિધ ઉપાયો હાથ ધર્યાં છે.
2022ની શરૂઆતથી સોફ્ટબેંકના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ ભારતીય સ્ટાર્ટઅપ્સે ખર્ચમાં 50-75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. તે એટલે સુધી કે તેમણે તેમના રનવેને 12 મહિના સુધી પાછો ઠેલ્યો હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. સ્ટાર્ટઅપ્સે હજારો કર્મચારીઓની છટણી મારફતે આમ કર્યું છે. આ ઉપરાંત તેમણે કર્મચારીઓને આપવામાં આવતાં લાભો ઘટાડ્યાં છે. એડવર્ટાઈઝીંગ ખર્ચમાં ઘટાડો કર્યો છે એમ તેઓ ઉમેરે છે. એક અંદાજ મુજબ સોફ્ટબેંક સમર્થિત કંપનીઓએ તેમના કર્મચારીઓમાં કુલ 5000નો ઘટાડો કર્યો છે. જેને કારણે નોંધપાત્ર બચત થઈ છે. આવી કંપનીઓમાં અનએકેડેમી, કાર્સ24 વગેરેનો સમાવેશ થાય છે. અનએકેડેમીએ તેના કર્મચારીઓ માટે ફ્રી ભોજન બંધ કર્યું છે. તેમજ ટોપ મેનેજમેન્ટના વેતનમાં ઘટાડો કર્યો છે. કાર્સ24એ તેના માટે મુખ્ય નથી એવા ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં કામગીરી બંધ કરી છે. જ્યારે મિશોએ તેના ગ્રોસરી બિઝનેસને મુખ્ય એપ્લિકેશન સાથે જોડી દીધી છે.
તાતા જૂથ આઈફોન 15 સિરિઝનું ભારતમાં ઉત્પાદન કરશે
તાતા જૂથ એપલ માટે ચોથુ આઈફોન એસેમ્બલર બને તેવી અપેક્ષા
એપલની આઈફોન સિરિઝના બે 2023 સ્માર્ટફોન્સ ભારતમાં તાતા જૂથે બનાવેલા હશે. તાતાએ તાઈવાનની વિસ્ટ્રોન કોર્પની ફેક્ટરીને હસ્તગત કરતાં આમ શક્ય બનશે એમ એક રિપોર્ટ જણાવે છે. સ્ટીલથી લઈ સોફ્ટવેર સુધીના ક્ષેત્રોમાં સક્રિય જૂથે એપલ પાસેથી નવા આઈફોન 15 અને આઈફોન 15 પ્લસ માટે ઓર્ડર્સ પણ મેળવ્યો છે. આ સ્માટફોન મોડેલ્સ ચાલુ વર્ષે લોંચ થવાના છે. તાતા જૂથ દેશમાં એપલ માટે આઈફોનનો ચોથો એસેમ્બલર બને તેવી અપેક્ષા છે. હાલમાં ફોક્સકોન, લક્સશેર અને પેગાટ્રોન આઈફોન માટે એપલનું ઉત્પાદન કરે છે. તાતા જૂથે વિસ્ટ્રોનના ભારતમાં કર્ણાટક સ્થિત આઈફોન મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટને ટેકઓવર કર્યો છે. જે સાથે વિસ્ટ્રોને આઈફોન એસેમ્બલી બિઝનેસમાંથી એક્ઝિટ લીધી છે. કેલેન્ડર 2022માં ભારતમાં ઉત્પાદિત આઈફઓન્સના શીપમેન્ટ વોલ્યુમમાં 65 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ઉપરાંત, આઈફોન્સની વેલ્યૂમાં 162 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
FPIનું રૂ. 23 હજાર કરોડ સાથે છ-મહિનામાં સૌથી મોટું રોકાણ
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂ. 23 હજાર કરોડ સાથે છ-મહિનાનો સૌથી મોટો ઈનફ્લો દર્શાવ્યો છે. જોકે કેલેન્ડર 2023માં અત્યાર સુધીમાં તેમનું ચોખ્ખું રોકાણ રૂ. 8,572 કરોડ જ જોવા મળે છે. જેનું કારણ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો તરફથી જોવા મળેલી વેચવાલી હતી. આગામી સમયગાળામાં એફપીઆઈનું વલણ પોઝીટીવ જળવાય રહેવાની શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરે છે. જે પાછળ હવે ફેડ તરફથી રેટ વૃદ્ધિની નીચી શક્યતાં કારણભૂત છે. યુએસ ખાતે મેક્રો ડેટા નબળો આવવાને કારણે ફેડ એક વિરામ અપનાવે તેવી શક્યતાં છે. જોકે, નજીકના સમયગાળામાં તેના તરફથી રેટ ઘટાડાની શક્યતાં નથી જોવાઈ રહી.
ટોચના ત્રણ બ્રોકર્સ સેબી, RBI અને ઈડીના રડાર પર
દેશમાં ટોચના ત્રણ બ્રોકર્સ એકથી વધુ રેગ્યુલેટરી એજન્સીઝના રડાર પર હોવાનું વર્તુળો જણાવે છે. આ એજન્સીઝમાં માર્કેટ રેગ્યુલેટર સેબી, બેંક રેગ્યુલેટર આરબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)નો સમાવેશ થાય છે. આ બ્રોકર્સની હજારો કરોડના શંકાસ્પદ મની લોન્ડરિંગ અને ગેરકાયદે ટ્રેડિંગ એક્ટિવિટી હેઠળ તપાસ થઈ રહી છે એમ સિનિયર અધિકારી જણાવે છે. હાલમાં ચાલી રહેલી તપાસને કારણે બ્રોકર્સના નામ નહિ આપવા સાથે અધિકારી ઉમેરે છે કે આ બ્રોકર્સ પીઈપી સાથે જોડાયેલા હોવાનું પણ માલૂમ થયું છે તેમજ મહત્વના ઔદ્યોગિક રાજ્યમાં સિનિયર પોલિટીકલ લીડરના મહત્વના કૌટુંબિક સભ્યની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. ટોચના ત્રણ બ્રોકર્સ સામે ચારથી પાંચ વર્ષોથી તપાસ ચાલી રહી છે. આ બ્રોકર્સ કેપિટલ માર્કેટ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરમાં બ્રોકરેજ, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી સર્વિસિઝ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ અને એનબીએફસી સાથે જોડાયેલા છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જીઈ શીપીંગઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 721.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 189 કરોડની સરખામણીમાં ચાર ગણો વધુ હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 916.2 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 58.9 ટકા વધી રૂ. 1456 કરોડ પર રહી હતી.
રેન્બો પેપરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 53.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.3 કરોડ પર હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 212.4 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 49.2 ટકા વધી રૂ. 317 કરોડ પર રહી હતી.
નવિન ફ્લોરોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 136.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75.2 કરોડની સરખામણીમાં 81.4 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 409 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 70.5 ટકા વધી રૂ. 697.1 કરોડ પર રહી હતી.
એડવાન્સ્ડ એન્ઝિમ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 32.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 24.4 કરોડની સરખામણીમાં 31.6 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 131.7 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 5.3 ટકા વધી રૂ. 138.7 કરોડ પર રહી હતી.
વીએસટી ટીલર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 40.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 22 કરોડની સરખામણીમાં 82 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 218.4 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 48 ટકા વધી રૂ. 323 કરોડ પર રહી હતી.
આઈઓબીઃ પીએસયૂ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 650.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 552.4 કરોડના પ્રોફિટની સરખામણીમાં 17.7 ટકા ઊંચો છે. બેંકની આવક રૂ. 1609.5 કરોડ સામે 41.4 ટકા વધી રૂ. 2276.1 કરોડ પર રહી હતી.
કોટક મહિન્દ્રા બેંકઃ ટોચની પ્રાઈવેટ બેંકે નવો પ્રિવી લીગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે હાઇ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ માટેનો ખાસ પ્રિમીયમ બેંકિંગ પ્રોગ્રામ છે. જે કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ અને એક્સપિરિયન્સ પૂરા પાડશે.
ચોલા હોલ્ડિંગ્ઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 407.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 305 કરોડની સરખામણીમાં 34 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3742.6 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 39 ટકા વધી રૂ. 5186.1 કરોડ પર રહી હતી
કિર્લોસ્કર ફેરસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 88.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.3 કરોડની સરખામણીમાં 14 ગણો ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1034 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 51.4 ટકા વધી રૂ. 1565.6 કરોડ પર રહી હતી.
એપીએલ એપોલોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 201.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 177 કરોડની સરખામણીમાં 14.3 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4114.7 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 5.1 ટકા વધી રૂ. 4431.1 કરોડ પર રહી હતી.
શારદા ક્રોપસાઈન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 198.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 177 કરોડની સરખામણીમાં 12.3 ટકા ઊંચો હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1434.5 કરોડની આવક દર્શાવી હતી. જે ચાલુ વર્ષે સમાનગાળામાં 3.3 ટકા વધી રૂ. 1481.8 કરોડ પર રહી હતી.