બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સના મજબૂત સપોર્ટે નવી ઊંચાઈનો ક્રમ જળવાયો
નિફ્ટી ઈન્ટ્રા-ડે 20200 પર ટ્રેડ થયો
ચીન સિવાય વૈશ્વિક બજારો ગ્રીન ઝોનમાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 10.90ના સ્તરે
ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગમાં મજબૂતી
એફએમસીજી, પીએસઈ, મેટલમાં નરમાઈ
બજાજ ઓટો, ફર્ટિ એન્ડ કેમ., જનરલ ઈન્શ્યોરન્સ નવી ટોચે
તેજીવાળાઓ મક્કમ રહેલાં ભારતીય શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહેવા સાથે બેન્ચમાર્ક્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 320 પોઈન્ટ્સ ઉછળી 67839 પોઈન્ટ્સની સપાટીએ જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ્સ મજબૂતી સાથે 20192ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ગુરુવારની સરખામણીમાં ખરીદી ધીમી પડી હતી. જોકે, તેમ છતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3786 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1932 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 1701 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 236 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે જોવા મળ્યાં હતાં. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 10.90ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સમગ્ર દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં ટ્રેડ જાળવી રાખ્યું હતું. અલબત્ત, ઈન્ટ્રા-ડે વધ-ઘટ જળવાય હતી. નિફ્ટીએ દિવસ દરમિયાન 20222.45ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે, તે 20200 પર બંધ દર્શાવી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 48 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 20240.10ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ અગાઉના સત્રમાં જોવા મળતાં 85 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે તે તીવ્ર ઘટાડો દર્શાવે છે. જેનો અર્થ એમ થાય છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી છે. જે રોકાણકારોમાં વેલ્યૂએશન્સને લઈને ચિંતા સૂચવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે નિફ્ટીમાં 20400 સુધીની તેજી જોઈ રહ્યાં છે. જોકે, મીડ અને સ્મોલ-કેપ્સમાંથી તેઓ સંપૂર્ણપણે પોઝીશન હળવી કરવા સૂચવી રહ્યાં છે. તેમના મતે મીડ અને સ્મોલ-કેપ્સ વર્તમાન સ્તરેથી 15-20 ટકાનું કરેક્શન દર્શાવી શકે છે. જ્યારે લાર્જ-કેપ્સમાં કોઈ વાંધો નહિ આવે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં બજાજ ઓટો મુખ્ય હતો. શેર 6 ટકા ઉછળી રૂ. 5000ની સપાટી પાર કરી ગયો હતો અને ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ભારતી એરટેલ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, ગ્રાસિમ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, તાતા મોટર્સ, એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ અને ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, એનટીપીસી, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, પીએસઈ, મેટલમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ઓટો 1.6 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બજાજ ઓટો, ટીવીએસ મોટર, ભારત ફોર્જ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, સોના બીએલડબલ્યુ, અશોક લેલેન્ડ, તાતા મટર્સ, આઈશર મોટર્સ, બોશમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગભગ એક ટકા ઉછળી વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, ટીસીએસ અને વિપ્રોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ વધુ 0.5 ટકા સુધારા સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં યૂકો બેંક 9 ટકા, આઈઓબી 7 ટકા, પંજાબ એન્ડ સિંધ બેંક 5 ટકા, સેન્ટ્રલ બેંક 5 ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંક નિફ્ટી પણ 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બંધન બેંક 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતી. આ ઉપરાંત એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, પીએનબીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઇડિયા 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, બંધન બેંક, ઈપ્કા લેબ્સ, કોફોર્જ, હેવેલ્સ ઈન્ડિયા, ટીવીએસ મોટર, ઈન્ડુસ ટાવર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઈન્ટરગ્લોબ એવિએશન, આઈઓસી, એચપીસીએલ, સેઈલ, નાલ્કો, આરતી ઈન્ડ., બીપીસીએલ, ભેલ, ઈન્ડિયન હોટેલ્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં બજાજ ઓટો, ફર્ટિ એન્ડ કેમ., જનરલ ઈન્શ્યોરન્સ, ત્રિવેણી ટર્બાઈન, યૂકો બેંક, આઈઓબી, સુવેન ફાર્મા, સેન્ટ્રલ બેંક, વેલસ્પન કોર્પ, ઝોમેટોનો સમાવેશ થતો હતો.
ઓથોરાઈઝ્ડ પર્સન્સ માટે સેબીની સખત નિયમો લાગુ પાડવાની વિચારણા
મહામારી પછી બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા AP તરફથી ગ્રાહકો સાથે મોટાપાયે છેતરપિંડીની ફરિયાદો
ટોચના સ્ટોક બ્રોકર્સ પાસે હજારોની સંખ્યામાં જોવા મળતાં ઓથોરાઈઝ્ડ પર્સન્સ
સેબીને 2022-23માં નાણા નહિ મેળવ્યાં હોવાની 1499 અને કે શેર્સ નહિ મેળવ્યાં હોવાની 1481 ફરિયાદો મળી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓથોરાઈઝ્ડ પર્સન્સ(AP)ના વધતા વ્યાપને લઈ ચિંતા દર્શાવવા સાથે તેમની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે બ્રોકર્સને જણાવ્યું છે. ઓથોરાઈઝ્ડ પર્સન્સને લઈને વધી ફરિયાદાને જોતાં રેગ્યુલેટર આવી કંપનીઓ માટે સખત નિયમો લાવે તેવી શક્યતાં છે. ઓથોરાઈઝ્ડ પર્સન્સ સામે એસ્યોર્ડ રિટર્ન્સ, કેશમાં પેમેન્ટ લેવું, બિનસત્તાવાર ટ્રેડ્સ કરવાં, બ્રોકર્સને નોન-પેમેન્ટ અને ગ્રાહકોના નાણાની ઠગાઈ જેવી ફરિયાદો જોવા મળી રહી છે એમ બે જાણકાર વર્તુળોનું કહેવું છે. નિયમોમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન એપી અને બ્રોકર્સ માટે કોમ્પ્લાયન્સ ખર્ચમાં વૃદ્ધિ કરી શકે છે.
મહામારી પછીના સમયગાળામાં શેરબજારમાં તીવ્ર તેજીને પગરે રિટેલ પાર્ટિસિપેશન વધવાથી ઓથોરાઈઝ્ડ પર્સન્સની સંખ્યામાં પણ ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે. કેટલાંક મોટા બ્રોકર્સ હાલમાં હજારો ઓથોરાઈઝ્ડ પર્સન્સ ધરાવે છે. જેમના પર નજર રાખવી ઘણી કઠિન છે. બ્રોકિંગ કંપની એંજલ વન 20 હજારથી વધુ ઓથોરાઈઝ્ડ પર્સન્સ ધરાવે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝે 2022-23માં 1100 ઓથોરાઈઝ્ડ પર્સન્સ ઉમેર્યાં હતાં. જે સાથે કુલ સંખ્યા 8033 પર પહોંચી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ માર્ચ 2023ની આખરમાં 41 હજારથી વધુ બિઝનેસ પાર્ટનર્સ, ઓથોરાઈઝ્ડ પર્સન્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એસોસિએટ્સ ધરાવતી હતી.
સ્ટોકબ્રોકર્સે નિશ્ચિત સમયાંતરે ઓથોરાઈઝ્ડ પર્સન્સની શાખાઓનું ઈન્સ્પેક્શન હાથ ધરવાનું રહેતું હોય છે એમ સેબીના નિયમો સૂચવે છે. સાથે તેમણે વાર્ષિક ઓડિટ પણ કરવાનું રહે છે. ઉદ્યોગ વર્તુળના જણાવ્યા મુજબ ઓથોરાઈઝ્ડ પર્સન્સનો બિઝનેસ જે રીતે ફૂલીફાલી રહ્યો છે તેનાથી સેબી ખુશ નથી. ખાસ કરીને નાના શહેરોમાંથી ગ્રાહકોની વધતી ફરિયાદોને જોતાં તે ઓથોરાઈઝ્ડ પર્સન્સ પર નિયંત્રણો માટે વિચારી રહી છે. રેગ્યુલેટર નોન-સિરિયસ પ્લેયર્સને બિઝનેસ ક્ષેત્રે પ્રવેશતાં અટકાવવા તેમજ તેમના પર વધુ સખત અંકુશો લાગુ પાડવા વિચારણા ચલાવી રહી છે. ઓથોરાઈઝ્ડ પર્સન્સ તેના નામે કે એકાઉન્ટમાં કોઈપણ પ્રકારના નાણા કે શેર્સ લઈ શકે નહિ. તેઓ એક પ્રકારે સબબ્રોકર જ છે. આમ બ્રોકિંગ સિવાય તેઓ કોઈ નાણા ચાર્જ કરી શકે નહિ.
એક સિનિયર બ્રોકરના જણાવ્યા મુજબ સખત નિયમો રોકાણકારોના હિતની બાબત છે. એવા અનેક કિસ્સા છે જેમાં ઓથોરાઈઝ્ડ પર્સન્સે તેના ગ્રાહકોને ઊંચા રિટર્નની ખાતરી આપી હોય તેમજ ગ્રાહકો વતી તેમના એકાઉન્ટમાં ટ્રેડિંગ કર્યું હોય અથવા તો ગ્રાહકના નાણાનો ઉપયોગ કરી તેના પોતાના એકાઉન્ટમાં ટ્રેડ કર્યું હોય. તેમજ ઓથોરાઈઝ્ડ પર્સન્સ ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલા હોય તેમજ કેશ સ્વીકારતા હોય તથા નુકસાન કર્યાં પછી દુકાનને શટર માર્યું હોય તેવું પણ જોવા મળ્યું છે. જેને કારણે બ્રોકર અને ક્લાયન્ટ વચ્ચે વિવાદ પણ જોવા મળ્યાનું બન્યું છે. 2022-23માં સેબીએ ગ્રાહકો પાસેથી નાણા નહિ મેળવ્યાં હોવાની 1499 અને કે શેર્સ નહિ મેળવ્યાં હોવાની 1481 ફરિયાદો મેળવી હતી.
ટોટલએનર્જીસની અદાણી ગ્રીનના પ્રોજેક્ટમાં રોકાણ માટે વાતચીત
આ ડીલ ઝડપી વૃદ્ધિ પામી રહેલા ભારતીય એનર્જી માર્કેટમાં ટોટલની હાજરીમાં વૃદ્ધિ કરશે
ફ્રેન્ચ જૂથ તરફથી અદાણી ગ્રીનના પ્રોજેક્ટ્સમાં 70 કરોડ ડોલરના રોકાણની સંભાવના
ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જી લિ.એ વિકસાવેલા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે ટોટલએનર્જીસ એસઈ તરફથી વાતચીત ચાલી રહી હોવાનું જાણવા મળે છે. વર્તુળોના મતે ફ્રેન્ચ કંપની ટોટલ અદાણી ગ્રીનના કેટલાંક પ્રોજેક્ટ્સમાં હિસ્સો ખરીદવા વિચારી રહી છે. કંપની ક્લિન એનર્જી પ્રોજેક્ટ્સમાં તેના પોર્ટફોલિયોના વિસ્તરણના ભાગરૂપે આમ ઈચ્છે છે. ફ્રેન્ચ જૂથ તરફથી અદાણી ગ્રીનના પ્રોજેક્ટ્સમાં 70 કરોડ ડોલરના રોકાણની સંભાવના વર્તુળો નામ નહિ આપવાની શરતે વ્યક્ત કરી રહ્યાં છે.
તેઓ ઉમેરે છે કે હાલમાં ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને ટ્રાન્ઝેક્શનને લઈને હજુ કશું ચોક્કસપણે કહી શકાય નહિ. અદાણી અને ટોટલના પ્રતિનિધિઓએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. આ ડિલ ઝડપી વૃદ્ધી પામી રહેલાં ભારતીય એનર્જી માર્કેટમાં ટોટલની હાજરીમાં વૃદ્ધિ કરશે. જ્યારે અદાણી ગ્રીનને નવા રિન્યૂએબલ એનર્જી પ્રોજેકટ્સ વિકસાવવા માટે વધુ નાણા પૂરી પાડશે. આ ઉપરાંત તે અદાણી ગ્રીન સાથે ટોટલનું જોડાણ વધુ ગાઢ પણ બનાવશે. હાલમાં કંપનીમાં ટોટલ 19.75 ટકા સાથે બીજો સૌથી મોટો રોકાણકાર છે. ટોટલે અદાણી સાથે એકથી વધુ વાર ભાગીદારી દર્શાવી છે. કેમકે ફ્રેન્ચ જાયન્ટ ક્લિન-એનર્જી ઉત્પાદનને વેગ આપવા માગે છે.
અગાઉ 2019માં ટોટલે અદાણી ગેસમાં 37.4 ટકા હિસ્સો ખરીદવા માટે 60 કરોડ ડોલર ખર્ચ્યાં હતાં. હાલમાં કંપની અદાણી ટોટલ તરીકે ઓળખાય છે 2021માં કંપનીએ અદાણી ગ્રીનમાં 20 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેમજ 2.5 અબજ ડોલરના ડિલમાં અદાણી ગ્રીનના કેટલાક સોલાર ફાર્મ્સમાં 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણોમાંનું એક છે. અદાણી ગ્રીને જુલાઈમાં જણાવ્યું હતું કે તે સંસ્થાકિય રોકાણકારોને શેર્સ વેચી રૂ. 12300 કરોડ ઊભા કરવાનું વિચારી રહી છે.
બ્રેન્ટ ક્રૂડ 94 ડોલર વટાવી 10-મહિનાની ટોચે પહોંચ્યું
જૂનમાં 70 ડોલરની સપાટી પરથી ત્રણ મહિનામાં 30 ટકાથી વધુની વૃદ્ધિ
ક્રૂડના ભાવમાં ફરીથી તેજીનો દોર જોવા મળી રહ્યો છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 94 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી 10-મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. સતત ત્રીજા સપ્તાહે તેણે સુધારો નોંધાવ્યો હતો. ચાલુ સપ્તાહે તેણે 3 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. અગાઉ ઓગસ્ટમાં તે 15 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે છેલ્લાં ચાલુ કેલેન્ડરમાં તે 13 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે.
ચીન તરફથી બેંક્સ માટેની કેશ રિઝર્વ માટેની જરૂરિયાતમાં 25 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવતાં ક્રૂડમાં ઉછાળો નોંધાયો હતો. ચીન સરકાર અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે રેટમાં ઘટાડા ઉપરાંત માર્કેટમાં લિક્વિડીટી વધે તે માટેના પ્રયાસો હાથ ધરી રહી છે. આ ઉપરાંત છેલ્લાં બે સપ્તાહ દરમિયાન હેજ ફંડ્સ તરફથી જોવા મળી રહેલી ખરીદીને કારણે પણ ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી છે. ચાલુ સપ્તાહની શરૂમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA) અને ઓપેક, બંનેએ ચાલુ વર્ષે ક્રૂડની તંગીની ચેતવણી આપી હતી. છેલ્લાં કેટલાંક મહિનાઓથી વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિને લઈને જોવા મળેલી ચિંતા લગભગ દૂર થઈ છે અને તેને સ્થાને હવે ટાઈટ સપ્લાયની ચિંતા બજારને સતાવી રહી છે.
કેલેન્ડર 2023ની શરૂમાં ક્રૂડ 82 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જ્યાંથી તે ઘટીને જૂનમાં 70 ડોલર પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. છેલ્લાં ત્રણ મહિનામાં તે 30 ટકાથી વધુ મજબૂતી સાથે 94 ડોલર પર પહોંચ્યું છે. લગભગ 20 દિવસ અગાઉ 23 ઓગસ્ટે તે 82 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. આમ છેલ્લાં ત્રણ સપ્તાહમાં તેણે ઝડપી ઉછાળો નોંધાવ્યો છે. જૂલિયસ બેઅરના એશિયા માટેના રિસર્ચ એનાલિસ્ટના જણાવ્યા મુજબ ક્રૂડના ભાવમાં ઉછાળા પાછળ સાઉદી અરેબિયા તરફથી ઉત્પાદનમાં તત્કાળ ઘટાડો કારણભૂત છે. જોકે, આ ભાવ જળવાય રહે તેમ નથી જણાતું અને 2024 સુધીમાં તે ફરી 75 ડોલર પર પાછા ફરે તેવી શક્યતાં છે. કેમકે ક્રૂડ ઉત્પાદક દેશો વચ્ચે વધતી સ્પર્ધાને કારણે સાઉદી અરેબિયાએ ફરી ઉત્પાદન વધારવાની ફરજ પડશે. 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં ક્રૂડને લઈને તંગીની શક્યતાં વ્યક્ત થઈ રહી છે. ઓપેકે ચાલુ ક્વાર્ટરમાં 33 લાખ બેરલ્સ પ્રતિ દિવસની ખાધની આગાહી કરી છે. જ્યારે આઈઈએ તરફથી 11 લાખ બેરલ્સ પ્રતિ દિવસની ખાધ અંદાજવામાં આવી છે. જ્યારે ઈઆઈએ તરફથી 2.3 લાખ બેરલ્સની ખાધ જોવાઈ રહી છે.
ઓગસ્ટમાં વેપાર ખાધ ઘટીને 24.16 અબજ ડોલરે નોંધાઈ
નિકાસ પણ 7 ટકા ઘટી 34.48 અબજ ડોલરે રહી
ઓગસ્ટમાં દેશની વેપાર ખાધ માસિક ધોરણે ઘટીને 24.16 અબજ ડોલરે જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે 25.7 અબજ ડોલર પર નોંધાઈ હતી. આમ 1.5 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા મહિને નિકાસ 6.86 ટકા ઘટી 34.48 અબજ ડોલર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 37.02 અબજ ડોલર પર જોવા મળતી હતી. આમ વાર્ષિક ધોરણે નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટમાં દેશમાં આયાત પણ 5.3 ટકાગગડી 58.64 અબજ ડોલર પર રહી હતી. જે ઓગસ્ટ 2022માં જોવા મળતી 61.88 અબજ ડોલરની સરખામણીમાં ત્રણ અબજ ડોલર કરતાં વધુ ઘટાડો સૂચવે છે.
નિકાસની સાથે આયાતમાં પણ ઘટાડાને પગલે વેપાર ખાધમાં ઘટાડો નોંધાયો હતો અને તે 24.16 અબજ ડોલર પર જળવાય હતી. ચાલુ નાણાકિય વર્ષ એપ્રિલની શરૂઆતથી ઓગસ્ટ સુધીમાં દેશમાંથી નિકાસ 11.9 ટકા ઘટાડે 172.95 અબજ ડોલર પર જોવા મળી રહી છે. જ્યારે આયાત પણ 12 ટકા ઘટાડે 271.83 અબજ ડોલર પર નોંધાઈ છે. જુલાઈમાં વેપાર ખાધ વધી 20.67 અબજ ડોલર પર જોવા
બ્રિટેન તાતા સ્ટીલમાં 62.1 કરોડ ડોલર રોકશે
કંપનીના વેલ્શ પ્લાન્ટમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આ રોકાણ કરવામાં આવશે
બ્રિટેન સરકાર તાતા સ્ટીલના વેલ્શ પ્લાન્ટમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભાગરૂપે 62.1 કરોડ ડોલર(50 કરોડ પાઉન્ડ)નું રોકાણ કરશે. આ રોકાણ પાછળ દેશના સ્ટીલ ઉદ્યોગના ભવિષ્યને સુરક્ષિત જાળવવાનો હેતુ પણ છે. જોકે તેને કારણે 3000 જોબ્સ સામે જોખમ ઊભું થઈ શકે છે.
બ્રિટેનની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક માટે 1.25 અબજ પાઉન્ડના કુલ ફંડિંગ પેકેજમાં 75 કરોડ પાઉન્ડ તાતા તરફથી ચૂકવવામાં આવશે. જે સ્ટીલ ઉત્પાદન પ્રક્રિયાને કોલ-ચલિત પધ્ધતિમાંથી નીચું ઉત્સર્જન ધરાવતી ઈલેક્ટ્રીક આર્ક ફર્નેસિસમાં તબદિલ કરશે. બ્રિટેન સરકારે એક નિવેદનમાં આ રોકાણને ઈતિહાસમાં સરકાર તરફથી કરવામાં આવેલા સપોર્ટ પેકેજિસમાં સૌથી મોટું ગણાવ્યું હતું. જે 5000 જોબ્સને સુરક્ષા પૂરી પાડવામાં સહાયક બનશે. હાલમાં તાતા સ્ટીલ બ્રિટેન ખાતે 8000થી વધુ લોકોને રોજગાર પૂરો પાડી રહી છે. લોઅર-કાર્બન ઈલેક્ટ્રીક ફર્નેસિસને જોકે લેબરની ઓછી જરૂરિયાત ધરાવતી હોવાથી 3000 જોબ્સ સામે ખતરો હોવાની શક્યાતાં જોવાઈ રહી છે. ભારતીય માલિકી ધરાવતી તાતા સ્ટીલે ઘણા સમયથી ચેતવણી આપી રહી હતી કે સરકારની સહાય વિના તેણે તેની સાઈટ્સને બંધ કરવી પડી શકે છે. જોકે બ્રિટીશ બિઝનેસ અને ટ્રેડ મિનિસ્ટર કેમી બડેનોચે શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર નોકરીઓના લાંબાગાળા માટે બચાવી રહી છે. બ્રિટનમાં સ્ટીલ ઉદ્યોગ 39800 જેટલી પ્રત્યક્ષ જોબ્સ પૂરી પાડી રહ્યો છે. જ્યારે અન્ય 50 હજાર જેટલી અપ્રત્યક્ષ જોબ્સને સપોર્ટ કરે છે.
દેશમાં ચોખાનું ઉત્પાદન 20 લાખ ટન ઘટાડાનો અંદાજ
યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ ઓગસ્ટમાં અપૂરતાં વરસાદથી ધાન્ય પાક પર અસર જોવાશે
ખરિફ, રવિ અને ઉનાળુ એમ ત્રણેય સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઘટશે
યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ(USDA)ના જણાવ્યા મુજબ ભારતમાં પાક વર્ષ 2023-24માં ચોખાના ઉત્પાદનમાં 20 લાખ ટનનો ઘટાડો જોવા મળી શકે છે. ઓગસ્ટમાં અપૂરતાં વરસાદને કારણે ચોખાનું ઉત્પાદન નીચું જોવા મળશે એમ તેનું કહેવું છે.
યુએસડીએના તાજા ક્રોપ આઉટલૂકમાં જણાવ્યા મુજબ 2023-24 માટે ભારતમાં ચોખાનું ઉત્પાદન 13.2 કરોડ ટન પર જોવા મળી શકે છે. જે ઓગસ્ટમાં જોવા મળેલા નીચા વરસાદને ખરિફ પાક પરની અસર દર્શાવે છે. 2023-24 માટેના ઉત્પાદનમાં ખરિફ સિઝન, રવિ સિઝન અને ઉનાળુ સિઝન, ત્રણેયમાં ચોખા ઉત્પાદનનો સમાવેશ થાય છે. સરકારના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ 2022-23માં ખરિફ, રવિ અને ઉનાળુ સિઝનનું થઈ 13.554 કરોડ ટન ચોખાનું ઉત્પાદન રહ્યું હતું. જોકે 2023-24માં દેશમાં ચોખાનું ઉત્પાદન 20 લાખ ટન ઘટી 13.2 કરોડ ટન પર જોવા મળે એમ યુએસડીએનો રિપોર્ટ સૂચવે છે. જોકે, એ વાત ઉલ્લેખનીય છે કે ભારત સરકારે હજુ સુધી 2023-24 માટે ખરિફ પાક ઉત્પાદનનો અંદાજ પ્રગટ નથી કર્યો. આમ યુએસ કૃષિ વિભાગનું અવલોકન ભારત સરકાર સાથે બંધબેસતું ના હોય તે સંભવ છે.
યુએસડીએના રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે ચોખાનો વપરાશ 2 લાખ ટન ઘટી 52.27 લાખ ટન પર રહેશે. ચોખાના વપરાશમાં ઘટાડો મુખ્યત્વે બાંગ્લાદેશ અને વિયેટનામમાં ઘટાડા પાછળ હશે. જે ભારતમાં વપરાશ વૃદ્ધિને પાછળ રાખશે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ 2023-24માં ચોખાનો વૈશ્વિક વેપાર 5.22 કરોડ ટનનો રહેવાની અપેક્ષા છે. જે 8 લાખ ટનનો ઘટાડો સૂચવે છે. વેપારમાં ઘટાડા પાછળ ભારતમાંથી ચોખાની નિકાસમાં ઘટાડાને જવાબદાર ગણાવાઈ છે. જેને થાઈલેન્ડ, વિયેટનામ અને યુએસ તરફથી આઁશિક રીતે સરભર કરવામાં આવશે. ભારત સરકારે દેશમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધ સહિતના ઉપાયો લીધાં છે. જેથી સ્થાનિક બજારમાં ખાદ્યાન્નના ભાવ સ્થિર જળવાય રહે. 2023-24માં વિશ્વમાં એન્ડિંગ સ્ટોક્સ 16.76 કરોડ ટન હશે. જે 42 લાખ ટનનો ઘટાડો દર્શાવે છે. આમાં મોટાભાગનો ઘટાડો ભારતને આભારી છે એમ યુએસડીએનો રિપોર્ટ નોંધે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપનીએ ચાલુ નાણા વર્ષ દરમિયાન 60થી વધુ વેલ્સના ડ્રીલીંગનું આયોજન કર્યું છે. 2022-23માં તેણે 45 વેલ્સનું ડ્રીલીંગ હાથ ધર્યું હતું. કંપની 2024-25 સુધીમાં 40 લાખ ટન ક્રૂડ ઓઈલ ઉત્પાદનનો આંકડો પાર કરવાનો ટાર્ગેટ ધરાવે છે. જ્યારે 5 બિલિયન ક્યૂબિક મીટર્સ ગેસ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખે છે. 2022-23માં તેણે 32 લાખ ટન ક્રૂડ ઉત્પાદન હાથ ધર્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ ઓઈલ-ટુ-ટેલિકોમ કોંગ્લોમેરટ તેની જામનગર સ્થિત ઓઈલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ યુનિટ્સને મેન્ટેનન્સ અને ઈન્સ્પેક્શનના હેતુથી હંગામી ધોરણ માટે શટડાઉન કરશે. જોકે અન્ય યુનિટ્સ રાબેતા મુજબ કામગીરી દર્શાવશે. કંપની કુલ 14 લાખ બેરલ્સ પ્રતિ દિવસની રિફાઈનીંગ ક્ષમતા ધરાવાં બે પ્લાન્ટ્સ ધરાવે છે.
અશોક લેલેન્ડઃ કમર્સિયલ વેહીકલ્સ ઉત્પાદકે ઉત્તર પ્રદેશ સરકાર સાથે રૂ. 1000 કરોડના રોકાણ સાથે બસ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે એગ્રીમેન્ટ કર્યો છે. જે શરૂઆતમાં 2500 બસનું ઉત્પાદન કરશે. હિંદુજા ગ્રૂપની કંપની યૂપી ખાતે ઈન્ટીગ્રેટેડ બસ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરશે. જે રાજ્યમાં તેની પ્રથમ સુવિધા હશે. તેમજ તે ગ્રીન મોબિલિટી પર ફોકસ ધરાવતી હશે.
એન્ટેરો હેલ્થકેરઃ હેલ્થકેર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર કંપની એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. એક હજાર કરોડના નવા ઈશ્યુ અને બાકીના ઓફર-ફોર-સેલનો સમાવેશ થતો હશે. જેમાં પીઈ ઈન્વેસ્ટર્સ સહિતના રોકાણકારો હિસ્સાનું વેચાણ કરશે. નાણાનો ઉપયોગ ડેટની પુનઃચૂકવણી સહિતના કામોમાં થશે.
સ્પાઈસજેટઃ એરલાઈન કંપનીએ સુપ્રીમ કોર્ટની ચેતવણી પછી ક્રેડિટ સ્વીસને 15 લાખ ડોલર ચૂકવી દીધાં છે. ચાલુ સપ્તાહની શરૂમાં સર્વોચ્ચ અદાલતે કંપનીના ચેરમેનને 10 લાખ ડોલરની ડિફોલ્ટની રકમ ઉપરાંત 5 લાખ ડોલરનો ઈન્સ્ટોલમેન્ટ ચૂકવવા આદેશ કર્યો હતો. જો આમ કરવામાં તે નિષ્ફળ જશે તો તિહાર જેલમાં જવા તૈયાર રહેવા જણાવ્યું હતું.
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝઃ કેમિકલ સેક્ટરની કંપનીએ કોપ્પેર્ટ સાથે વ્યૂહાત્મક જોડાણમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેકટિસિસને વેગ આપવા તથા એગ્રીકલ્ચ બાયોલોજિકલ્સ ક્ષેત્રે સંયુક્તપણે ઈનોવેશન માટે આ ભાગીદારી હાથ ધરી છે.
રેસ્ટોરન્સ બ્રાન્ડ્સ એશિયાઃ કંપનીમાં રોકાણ ધરાવતી પીઈ કંપની એવરસ્ટોન કેપિટલે શુક્રવારે એક બ્લોક ડીલ્સ મારપતે 25 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. જે મારફતે તેણે રૂ. 1494 કરોડ મેળવ્યાં હતાં. હજુ પણ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર કંપનીમાં 15.44 ટકા હિસ્સો ધરાવે છે. કંપની બર્ગર કિંગ બ્રાન્ડની ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ્સ ધરાવે છે.
સોના બીએલડબલ્યુઃ ઓટો સેક્ટરની કંપનીના બોર્ડે તેના મેક્સિકો સ્થિત યુનિટમાં 16 લાખ ડોલરના રોકાણને મંજૂરી આપી છે. જે એકથી વધુ તબક્કામાં હાથ ધરવામાં આવશે. કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સોના બીએલડબલ્યુ ઈડ્રાઈવ મેક્સિકાના આગામી વર્ષથી કામગીરી શરૂ કરે તેવી શક્યતાં છે.
આલ્કેમ લેબ્સઃ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આલ્કેમ લેબોરેટરીઝ તથા તેની સબસિડિયરીઝની એકથી વધુ ઓફિસો ખાતે સર્વે હાથ ધર્યો હતો. જોકે, આને કારણે કંપનીની કામગીરી પર કોઈ અસર નહી પડી હોવાનું આલ્કેમે જણાવ્યું હતું. એક્સચેન્જને ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે સર્વે પૂરો થયાં પછી સર્વેમાં શું મળ્યું તેની વિગતો આપશે.