Market Summary 15/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં તેજીનું તોફાન યથાવત, બેન્ચમાર્ક્સ નવી ટોચે
સેન્સેક્સ 71500 નજીક બંધ આપવામાં સફળ
નિફ્ટીએ 21400 કૂદાવ્યું
બેંક નિફ્ટીએ 48 હજાર પાર કર્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.5 ટકા ઉછળી 13.12ના સ્તરે
નિફ્ટી આઈટી 5 ટકા ઉછળ્યો
મેટલ, પીએસયૂ બેંક્સ, એનર્જી, પીએસઈમાં પણ મજબૂતી
ઓટો, રિઅલ્ટી, મિડિયામાં નરમાઈ
જેએમ ફાઈ., ઝેનસાર ટેક, માસ્ટેક, નાલ્કો નવી ટોચે

શેરબજારમાં તેજીનું તોફાન અવિરત આગળ વધી રહ્યું છે. જેની પાછળ બેન્ચમાર્કસ નવી ટોચ દર્શાવી રહ્યાં છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 970 પોઈન્ટ્સ ઉછળી 71484ની સપાટીએ જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી 274 પોઈન્ટ્સ ઉછળી 21457ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાયાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3888 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1969 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં.જ્યારે 1801 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 396 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 15 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.5 ટકા ઉછળી 13.12ના સ્તરે બંધ રહ્યો હતો.
છેલ્લાં બે સપ્તાહથી અવિરત તેજી પાછળ બજાર નવી ટોચ દર્શાવી રહ્યું છે. શુક્રવારે પણ વૈશ્વિક બજારોમાં પોઝીટીવ અન્ડરટોન પાછળ સ્થાનિક બજાર ઉછળ્યું હતું અને નવી ટોચે પહોંચ્યું હતું. શોર્ટ સેલર્સના કવરિંગ પાછળ બજાર આખરી મિનિટ સુધી વધતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21183ના બંધ સામે 21287ની સપાટીએ ખૂલી ઉપરમાં 21492ની ટોચ બનાવી તેની નજીક બંધ દર્શાવવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 101 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21558ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 167 પોઈન્ટ્સના પ્રિમિયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં લોંગ ખાસ્સું એવું શોર્ટ કવરિંગ થઈ ચૂકવા સાથે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે. આગામી સત્રોમાં માર્કેટ કુલડાઉન થઈ શકે છે. ટૂંકાગાળામાં તે ઓવરબોટ બન્યું છે અને તેથી પ્રોફિટ બુકિંગની ઊંચી શક્યતાં છે. રિટેલ ઈન્વેસ્ટર્સે પ્રોફિટ બુક કરવા સિવાય અન્ય કોઈ કામ કરવું જોઈએ નહિ. તેમજ બજારમાં 3-4 ટકા કરેક્શન વખતે નવી ખરીદી શરૂ કરવી જોઈએ. લોંગ ટ્રેડર્સ 21000ના સ્ટોપલોસે પોઝીશન જાળવી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, ઈન્ફોસિસ, એસબીઆઈ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, તાતા સ્ટીલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, હિંદાલ્કો, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સ, યૂપીએલ, તાતા મોટર્સ અને લાર્સન મુખ્ય હતાં. બીજી બાજુ, નેસ્લે, એચડીએફસી લાઈફ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ, બજાજ ઓટો, બ્રિટાનિયા, મારુતિ સુઝુકી, આઈશર મોટર્સ, આઈટીસી, કોટક મહિન્દ્રમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો આઈટી, બેંકિંગ, મેટલ, એનર્જી, પીએસઈ સહિતના સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી 5 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી 5.5 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પર્સિસ્ટન્ટ ટેક્નોલોજી, ટીસીએસ, ઈન્ફોસિસ, કોફોર્જ, ટેક મહિન્દ્રા, એલએન્ટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, એમ્ફેસિસમાં મોટી ખરીદી નીકળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક્સ 2.4 ટકા ઉછળી 5700ની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં એસબીઆઈ 4 ટકા ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત, યુનિયન બેંક, આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, પીએનબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 2.1 ટકા સાથે 7700ની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, તાતા સ્ટીલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, વેદાંત, કોલ ઈન્ડિયામાં મજબૂત તેજી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 1.6 ટકા ઉછાળે 32675ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનટીપીસી, આઈઓસી, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રીન એનર્જી, બીપીસીએલ, ગેઈલ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, ઓટો, રિઅલ્ટી, મિડિયામાં નરમાઈ જોવા મળી હતી. જેમાં નિફ્ટી રિઅલ્ટી 0.71 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફિઅર, ગોદરેજ પ્રોપર્ટીઝમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો નાલ્કો છ ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. તે 111ની ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, ઈન્ફોસિસ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કોફોર્જ, બંધન બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આરબીએલ બેંક, તાતા કોન્યુનિકેશન, અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ભારત ઈલે., આઈડીએફસી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, પિરામલ એન્ટરપ્રાઈઝ અને ફેડરલ બેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, મેક્સ ફાઈનાન્સિયલ, પાવર ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, આરઈસી, ઈન્ટરગ્લોબ એવિએશન, શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, દાલમિયા ભારત, ઓરોબિંદો ફાર્મા, કોન્કોર, નેસ્લે, ઈન્ડુસ ટાવર્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જેએમ ફાઈ., ઝેનસાર ટેક, માસ્ટેક, નાલ્કો, જ્યુબિલિઅન્ટ ફાર્મા, માસ્ટેક, નાલ્કો, એચસીએલ ટેક્નોલોજી, શેલેત હોટેલ્સ, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, ટીમલીઝ સર્વિસિઝનો સમાવેશ થતો હતો.

પુરવઠો સુધરતાં કઠોળના ભાવમાં નરમાઈ જોવા મળે તેવી શક્યતાં
મ્યાનમારથી ઊંચી આયાત પાછળ તુવેર-અડદનો સપ્લાય વધવાથી ભાવમાં 10 ટકા ઘટાડો અપેક્ષિત

કેલેન્ડર 2024માં કઠોળના ભાવ નરમ પડે તેવી શક્યતાં છે. મુખ્ય કઠોળ પાકો તુવેર, અડદનો ઊંચા પાક તથા લીલા વટાણાની ઊંચી આયાત પાછળ સ્થાનિક સપ્લાયને વેગ મળશે એમ વેપારી વર્તુળો જણાવે છે. રવિ સિઝનમાં વાવેતરમાં 10-15 ટકા ઘટાડા છતાં સમગ્રતયા કઠોળનો સપ્લાય ઊંચો જળવાય રહેવાની અપેક્ષા છે.
ઈન્ડિયા પલ્સિસ એન્ડ ગ્રેઈન્સ એસોસિએશન(આઈપીજીએ)ના ચેરમેન બિમલ કોઠારીએ રવિ કઠોળના વાવેતર અંગે વેબિનારમાં જણાવ્યું હતું કે ચણાનું વાવેતર દેશમાં 10-15 ટકા જેટલું નીચું જોવા મળે છે પરંતુ ખરિફ કઠોળ પાકોનો સપ્લાય સારો છે. ચાલુ વર્ષે અનિયમિત ચોમાસાને કારણે તૂવેરના વાવેતર પર અસર પડી હતી. જોકે, તાજેતરમાં વરસાદને કારણે ઉપજ સારી રહેવાની અપેક્ષા છે. કૃષિ મંત્રાલયના પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ 33 લાખ ટન પાકની શક્યતાં છે. જે 12 લાખ ટન જેટલો નીચો છે. જેને મ્યાનમાર અને પૂર્વ આફ્રિકાના દેશો ખાતેથી આયાત કરવામાં આવશે. દેશમાં કઠોળની વાર્ષિક માગ 45 લાખ ટનની રહેતી હોય છે. જેને આંશિક રીતે આયાતથી સરભર કરવામાં આવે છે.
ઓલામ એગ્રીના બિઝનેસ હેડ અંકુશ જૈનના જણાવ્યા મુજબ હવામાનની પ્રતિકૂળતાને કારણે વટાણાનું વાવેતર 5 ટકા જેટલું નીચું છે. લાંબા સમય માટે સૂકા ગાળાને લઈ પાકની ઊંચાઈ પર અસર પડી છે. જોકે, નવેમ્બરમાં થયેલા વરસાદને કારણે કેટલાંક વિસ્તારોમાં લાભ થયો છે. જેને કારણે ગયા વર્ષ કરતાં ઉત્પાદક્તા સારી જોવા મળી શકે છે. આમ, પાક લગભગ ગયા વર્ષ જેટલો જ રહેવાની શક્યતાં છે. ખેડૂતોએ હજુ પાકને બજારમાં લાવવાનો બાકી છે. કેમકે કાપણીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. આગામી 30-45 દિવસોમાં બજારમાં ભાવ યોગ્ય સપાટી પર જોવા મળશે એમ તેઓ ઉમેરે છે. એક અન્ય ટ્રેડરના મતે મ્યાનમાર ખાતે 2024માં તૂવેરનું ઉત્પાદન 3.5 લાખ ટન જોવા મળે તેવી શક્યતાં છે. જે ગયા વર્ષે 2.6 લાખ ટન પર હતું. જો હવામાન સારુ રહેશે તો તે 3.75-4 લાખ ટન પર પહોંચી શકે છે. આમ તુવેરના ભાવમા 10 ટકા સુધીનો ઘટાડો અપેક્ષિત છે. અડદનું ઉત્પાદન પણ 8.5 લાખ ટન પર ઊંચું જોવાઈ રહ્યું છે. આમ ભારતમાં ગયા વર્ષની સરખામણીમાં આયાત ઊંચી થવાનો અંદાજ છે. જોકે, રવિ સિઝનમાં ચણાનું વાવેતર 10 ટકા જેટલું નીચું જોવા મળી રહ્યું છે. જો, હવામાન સારુ રહે અને ઉત્પાદક્તા ઊંચી બેસે તો પાકમાં ઘટાડો બહુ મોટો જોવા ના મળે તેવું બની શકે છે.

ખાનગી એક્સપ્લોરેશન એજન્સિઝને મિનરલ બ્લોક્સમાં ઓક્શનમાં છૂટ

કેન્દ્રિય ખાણકામ મંત્રાલયે પરમિટેડ નોટીફાઈડ પ્રાઈવેટ એક્સપ્લોરેશન એજન્સિઝને તેમણે એક્સપ્લોર કરેલાં મહત્વના અને ડિપ-સિટેડ મિનરલ બ્લોક્સના ઓક્શનમાં ભાગ લેવાની છૂટ આપી છે. આને કારણે મોટી માઈનીંગ કંપનીઓ એક્સપ્લોરેશન ક્ષેત્રે આકર્ષાશે અને વિશ્વભરમાંની નવી માઈનીંગ કંપનીઓને ભારતમાં આવવા તથા નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ(એનએમઈટી) ફંડિંગ સાથે એક્સપ્લોરેશન પ્રોજેક્ટ્સ હાથ પર લેવા માટે પ્રોત્સાહન આપશે.
મંત્રાલયે આ ઉપરાંત મહત્વના અને ડિપ-સિટેડ મિનરલ્સ માટે નોટીફાઈડ પ્રાઈવેટ એક્સપ્લોરેશન એજન્સિઝને પ્રોજેક્ટ્સની સીધી મંજૂરી માટે નવી સ્કિમ લોંચ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ નવી સ્કીમ એક્સપ્લોરેશન ક્ષેત્રે નવી ટેક્નોલોજી લાવશે. ખાણ મંત્રાલયને સીધાં જ પ્રોજેક્ટ સબમિટ કરવાની છૂટના એનપીઈએના નિર્ણયને કારણે પ્રોજેક્ટ્સની મંજૂરીનો સમય ઘટાડવામાં તેમજ પ્રોજેક્ટ્સના ઝડપી એક્ઝિક્યૂશનમાં સહાયતા મળશે. આ પગલાનો હેતુ ક્રિટિકલ અને ડિપ-સિટેડ ખનીજોના એક્સપ્લોરેશનને વેગ આપવાનો છે. તાજેતરમાં એમએમડીઆર એક્ટમાં સુધારણા હેઠળ ગ્રેફાઈટ અને નીકલ જેવા 24 ખનીજોને ક્રિટીકલ અને સ્ટ્રેટેજિક મિનરલ્સ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં સુધારો કેન્દ્ર સરકારને આ મિનરલ્સ માટે કન્સેશન આપવાની સત્તા આપે છે. જેથી તે આ મિનરલ્સની ઓક્શનને અગત્યતા આપી શકે.

ભારત વેનેઝૂએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી અને એચપીસીએલ-મિત્તલ એનર્જીએ ખરીદી શરૂ કરી દીધી

લેટીન અમેરિકી દેશ વેનેઝૂએલા પાસેથી ભારત ક્રૂડ ઓઈલની ખરીદી કરશે એમ કેન્દ્રિય ઓઈલ પ્રધાન હરદિપ સિંઘ પૂરીએ જણાવ્યું છે. ભારતીય કંપનીઓ પાસે વેનેઝૂએલામાં ઉત્પાદિત ઓઈલને પ્રોસેસ કરવાની ક્ષમતા હોવાથી તે આમ કરશે. કેટલાંક ભારતીય રિફાઈનર્સે તો વેનેઝૂએલાથી કાર્ગો મંગાવવાની શરૂઆત કરી દીધી હોવાનું પણ જાણવા મળે છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને એચપીસીએલ-મિત્તલ એનર્જીનો સમાવેશ થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સે ઓક્ટોબરમાં વેનેઝૂએલના ઓઈલ પરથી પ્રતિબંધો દૂર કરતાં ભારતીય કંપનીઓએ ખરીદી શરૂ કરી છે. આ પહેલા ભારતે 2020માં વેનેઝૂએલા ખાતેથી ઓઈલ ખરીદ્યું હતું.
પૂરીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં ઘણી રિફાઈનરીઝ હેવી વેનેઝૂલિઅન ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં પારાદિપનો સમાવેશ થાય છે. જેને જોતાં આપણે ત્યાંથી ઓઈલ આયાત કરીશું. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું ઓઈલ આયાતકાર અને વપરાશકાર છે. જે તેની 80 ટકાથી ઊંચી ઓઈલની આયાત કરે છે. તે તેનું ક્રૂડ આયાત બિલ ઘટાડવા ઈચ્છે છે અને રિફાઈનીંગનું વિસ્તરણ ઈચ્છે છે. ઓઈલ પ્રધાને જણાવ્યું હતું કે જેના પર પ્રતિબંધો નથી તેવા કોઈપણ દેશ પાસેથી ભારત તેલ ખરીદવા ઈચ્છે છે. તેમના જણાવ્યા મુજબ ભારત હાલમાં પ્રતિ દિવસ 50 લાખ બેરલ્સ રિફાઈનિંગ કરે છે. દેશની રિફાઈનીંગ ક્ષમતા વધી રહી છે અને અમે વેનેઝૂએલિઅન ઓઈલને આવકારીશું. તેમણે ઓએનજીસીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ભારતના કેટલાંક નાણા વેનેઝૂએલામાં અટવાઈ પડ્યાં છે. કંપનીએ વેનેઝૂએલા સ્થિત પ્રોજેક્ટ્સમાં તેના હિસ્સા માટે 50 કરોડ ડોલરથી વધુ ડિવિડન્ડ્સ પેટે લેવાના થાય છે. આ રકમ 2014થી સલવાઈ છે.

ઝી-સોની મર્જર પર સ્ટેનો NCLATનો ઈન્કાર

નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે શુક્રવારે કલ્વેર મેક્સ એન્ટરટેઈનમેન્ટ(અગાઉની સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા) અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ વચ્ચેના મર્જર પર સ્ટેની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. હવે આ કેસ અંગે 8 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આઈડીબીઆઈ બેંક અને એક્સિસ ફાઈનાન્સે 10 ઓગસ્ટે એનસીએલટીની મુંબઈ બેંચમાં ઝી અને સોની વચ્ચેના મર્જરને પડકાર્યું હતું. અગાઉ એનસીએલટી મર્જરને મંજૂરી આપી ચૂકી હતી. જે વખતે તેણે નાણાકિય સંસ્થાઓ તરફથી કરવામાં આવેલી અરજીને ખારીજ કરી હતી. આ સંસ્થાઓમાં આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ, આઈડીબીઆઈ બેંક, એક્સિસ ફાઈનાન્સ, જેસી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને આઈમેક્સ કોર્પનો સમાવેશ થતો હતો. આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ સર્વિસિઝે એસ્સેલ જૂથના ચેરમેન સુભાષ ચંદ્રની સામે પણ એનસીએલએટીમાં અપીલ ફાઈલ કરી હતી. આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપે જણાવ્યું હતું કે એસ્સેલ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ તરફથી કેટલીક સ્કિમ્સમાં ઈસ્યુ કરવામાં આવેલા 425 ડિબેન્ચર્સની તે ટ્રસ્ટી છે. આ ડિબેન્ચર્સનું મેનેજમેન્ટ ફ્રેન્કલીન ટેમ્પલ્ટન એસેટ મેનેજમેન્ટ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે આ ડિબેન્ચર્સ માટે ચંદ્રાએ 25 જૂન, 2019ના રોજ આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપની ફેવરમાં પર્સનલ ગેરંટી આપી હતી. જેમાં ડિબેન્ચર્સ ઓબ્લિગેશન્સના રિપેમેન્ટની ગેરંટી હતી. અગાઉ મે મહિનામાં એનસીએલએટીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈને ઝી-સોની મર્જર માટે તેમણે આપેલા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટની સમીક્ષા માટે જણાવ્યું હતું. આ મેટર એનસીએલટીને પરત મોકલવામાં આવી હતી.

મેડિટેરેનિયન શિપિંગ અદાણી AECTPLમાં 49 ટકા હિસ્સો ખરીદશે
કંપની રૂ. 247 કરોડમાં અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલમાં વ્યૂહાત્મક હિસ્સો ખરીદી કરશે

ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ મેડિટેરેનિયન શિપિંગ(MSC)ના કન્ટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગની સહયોગી મૂંડી તરફથી અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ. (AECTPL) માં 49 ટકા હિસ્સો ખરીદવામાં આવશે તેમ જણાવ્યું છે. કંપની રૂ. રૂ. 247 કરોડમાં આ હિસ્સો ખરીદશે. અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ. (AICTPL) અને TiL સાથે 2013ના સંયુક્ત સાહસની સફળતા બાદ આ બીજું સંયુક્ત સાહસ છે, જે ભારતના સૌથી મોટા ખાનગી વ્યાપારી બંદર મુંદ્રા ખાતે CT3 કન્ટેનર ટર્મિનલનું સંચાલન કરે છે.
APSEZ ના સી.ઇ.ઓ અને ફૂલટાઈમ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે APSEZ અને ટીલ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પારદર્શિતા પર આધારિત અમારા આગળ વધતા જોડાણનું આ પ્રતિબિંબ છે અને MSC સાથે મજબૂત ભાગીદારી કરવાનો આનંદ છે. આ બીજા સંયુક્ત સાહસ સાથે અમે હવે દક્ષિણ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા કન્ટેનર ટર્મિનલ માર્કેટમાં આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે અમારો હેતુ એનોર કન્ટેનર ટર્મિનલ પર AICTPL ટર્મિનલની સફળતાને અનુકરણ કરવા સાથે દક્ષિણ ભારતીય બજારમાં વેપાર જરૂરિયાતોને પૂરી પાડવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની સાથેના અમારા જોડાણનું આ મજબૂતીકરણ પારદર્શક વ્યવસાયિક અભિગમ દ્વારા ક્ષેત્રીય વૃદ્ધિને વેગ આપવાના APSEZના મજબૂત વિઝનનો પડઘો પાડે છે. ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટના સીઇઓ અમ્મર કનાને જણાવ્યું હતું કે ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પોર્ટ ઓપરેટર APSEZ સાથે અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ખૂશી છે. આ સહયોગ ભારતીય ઉપખંડમાં ગ્રાહકોને અમારી ઓફર મજબૂત બનાવે છે. ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિ., તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંડી લિ.મારફત રૂ. 247 કરોડની વિચારણા માટે APSEZ પાસેથી AECTPLનું 49% શેરહોલ્ડિંગનો આ વ્યવહાર નિયમનકારી મંજૂરીઓને આધીન રહી હસ્તગત કરશે.AECTPLનું કુલ એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 1,211 કરોડ છે.આ વ્યવહાર પૂર્ણ થયા બાદ APSEZ AECTPLમાં 51% હિસ્સો ધરાવશે. ભારતના પૂર્વ કિનારે સ્થિત AECTPL ખાડીની 400 મીટરની લંબાઈ અને 0.8 મિલિયન TEUs ની વાર્ષિક સંચાલન ક્ષમતા ધરાવે છે. ટર્મિનલે નાણાકીય વર્ષ-23 માં 0.55 મિલિયન TEUs અને ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભિક આઠ મહિનામાં 0.45 મિલિયન TEUs સંચાલન કર્યું છે. ટર્મિનલનો કન્સેશન સમયગાળો 2044 સુધીનો છે, અને તેની વાર્ષિક ક્ષમતા 1.4 મિલિયન TEUs સુધી વધારી શકવા સક્ષમ છે.

નવેમ્બરમાં વેપાર ખાધ 4.3 ટકા ઘટી 20.58 અબજ ડોલર રહી
મહિનામાં નિકાસ 2.8 ટકા ગગડી 33.90 અબજ ડોલર નોંધાઈ

નવેમ્બર માટે દેશની વેપાર ખાધ વાર્ષિક ધોરણે 4.3 ટકા ગગડી 20.58 અબજ ડોલર પર જોવા મળી હતી. જેની પાછળ આયાતમાં ઘટાડો મુખ્ય કારણભૂત હતો. ગયા નવેમ્બરમાં 56.95 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 54.48 અબજ ડોલરની આયાત જોવા મળી હતી. જેની પાછળ ટ્રેડ ડિફિસિટમાં ઘટાડો નોંધાયો હતો. નિકાસની વાત કરીએ તો તેમાં 2.8 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને તે 33.90 અબજ ડોલર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 34.89 અબજ ડોલર પર હતી. વેપાર ખાધ એ દેશની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત સૂચવે છે. એપ્રિલ-નવેમ્બરના સમયગાળા દરમિયાન નિકાસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નાણા વર્ષના શરૂઆતી આંઠ મહિનામાં તે 6.51 ટકા ગગડી 278.8 અબજ ડોલર પર જોવા મળી હતી. જ્યારે આયાત 8.67 ટકા ઘટાડે 445.15 અબજ ડોલર પર રહી હતી.
કેન્દ્રિય કોમર્સ સેક્રેટરી સુનીલ બર્થવાલના જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી છતાં ભારતીય નિકાસ સારી કામગીરી દર્શાવી રહી છે. ઓક્ટોબરમાં માલ-સામાનની નિકાસ 6.21 ટકા વધી 33.57 અબજ ડોલર પર જોવા મળી હતી. જોકે, મહિના માટે વેપાર ખાધ પણ 31.46 અબજ ડોલરની વિક્રમી સપાટીએ જળવાય હતી. હાલમાં જીઓપોલિટિકલ તણાવોને કારણે પણ નિકાસ પર અસર પડી છે. આ ઉપરાંત ઊંચું ઈન્ફ્લેશન અને વિકસિત દેશોમાં આર્થિક વૃદ્ધિ દરમાં નરમાઈ પણ નિકાસમાં ઘટાડા પાછળ કારણભૂત છે. ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના સમયગાળા માટે દેશની નિકાસ નેગેટિવ ઝોનમાં જોવા મળી હતી. જોકે, વાણિજ્ય મંત્રાલય તરફથી આંકડાઓમાં સુધારા પછી નિકાસ શીપમેન્ટ્સમાં ઓગસ્ટમાં 3.88 ટકાની વૃદ્ધિ નોંધી હતી. જોકે, સપ્ટેમ્બરમાં નિકાસ 2.6 ટકા ઘટી હતી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને કેલેન્ડર 2023 માટે વૈશ્વિક ટ્રેડમાં 0.8 ટકા વૃદ્ધિની શક્યતાં દર્શાવી છે.

ડોલર સામે રૂપિયામાં 33 પૈસાનો સુધારો નોઁધાયો
વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ ભારતીય ચલણને થોડો લાભ થયો હતો. શુક્રવારે તે ડોલર સામે 33 પૈસા મજબૂતી સાથે 83ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે તે 83.33ના સ્તરે બંધ દર્શાવતો હતો. ડોલર સામે રૂપિયાનો આંઠ મહિનામાં સૌથી મોટો સુધારો હતો. ડોલરમાં નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ઊંચા ઈનફ્લો પાછળ રૂપિયાને સપોર્ટ સાંપડ્યો હતો. તેણે સાપ્તાહિક ધોરણે 25 ઓગસ્ટ પછી 0.4 ટકાનો સૌથી મોટો સુધારો દર્શાવ્યો હતો. યુએસ ડોલર ઈન્ડેક્સ 102ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જોકે, પાછળથી પરત ફર્યો હતો. પૂરાં થતાં સપ્તાહમાં તેણે તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. મોટી ફોરેન બેંક્સ તરફથી ડોલરમાં વેચવાલી નીકળતાં સ્થાનિક ચલણને સપોર્ટ મળ્યો હોવાનું ફોરેક્સ ડિલર્સનું કહેવું હતું. ફોરેક્સ એનાલિસ્ટ્સ રૂપિયામાં વધુ સુધારાની અપેક્ષા રાખી રહ્યાં છે. તેમના મતે આગામી સત્રોમાં રૂપિયો 82.70-82.75ની રેંજમાં જોવા મળી શકે છે.

અદાણી ટોટલ ગેસ 75,000 ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે

અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક વિસ્તારવા મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ATGL વર્ષ 2030 સુધીમાં 75,000 ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપની CNG, PNG, કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને ઈ-મોબિલિટી સાથે અવિરત વિસ્તરણ કરી રહી છે. અદાણીની 50 સાઇટ્સ હવે રૂફટોપ સોલર પેનલ્સ દ્વારા સંચાલિત થઈ રહી છે. EV સ્ટેશન વધારવાની આ મહત્વાકાંક્ષી યોજના અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા અને તેનાથી ઉત્પન્ન થતા પ્રદૂષણને ઘટાડવાના ભારતના લક્ષ્યો સાથે સંરેખિત છે. જેમ-જેમ EVsની માંગ વધે છે, તેમ તેમ મજબૂત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું મહત્ત્વપૂર્ણ બને છે.
અદાણી ટોટલ ગેસ આ પરિવર્તનમાં મોખરે રહેવાનું લક્ષ્ય રાખે છે. EV ક્ષેત્રમાં ટોટલ એનર્જીસ જેવા જાયન્ટ્સ સાથે અદાણી ગ્રૂપનો સહયોગ ભારતના EV સંક્રમણને વેગ આપવાના તેમજ કુશળતા અને અદ્યતન ટેક્નોલોજીનો લાભ માટેના સંયુક્ત પ્રયાસોને દર્શાવે છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ATGL દ્વારા વિવિધ પ્રકારના નવતર અભિગમો અપનાવવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ATGLના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત 4,000થી વધુ રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ગ્રીન હાઇડ્રોજન (GH2) ને કુદરતી ગેસ સાથે મિશ્રિત કરવા નવીનતમ તકનીકોનો ઉપયોગ કરશે. જેમાં નિયમનકારી મંજૂરીઓ પ્રમાણે હાઇડ્રોજન સંમિશ્રણ ગેસ ઉમેરવાથી સમાન હીટિંગ માટે પ્રમાણમાં ઓછો કાર્બન ઉત્પન્ન થાય છે. આ પ્રોજેક્ટ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની સાથે ઉદ્યોગોની ઉત્ક્રાંતિ અને ટકાઉ ઉર્જાના ઉકેલો લાવવામાં સક્રિય યોગદાન આપશે. એક અભ્યાસ મુજબ, 8% સુધીનું હાઇડ્રોજન મિશ્રણ 4% સુધી ઉત્સર્જન ઘટાડો કરે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એનટીપીસીઃ પીએસયૂ વીજ સાહસે નાણા વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં 2.322 કરોડ ટન કોલ ઉત્પાદન દર્શાવ્યું છે. જે 2022-23ના કુલ ઉત્પાદનથી આગળ નીકળી ગયું છે. કંપનીએ ગયા વર્ષની સરખામણીમાં 108 ઓછા દિવસો સાથે 257 દિવસોમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેણે કોલ ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 77 ટકા જ્યારે કોલ ડિસ્પેચમાં 88 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે.
સિપ્લાઃ ફાર્માસ્યુટીકલ કંપનીએ હેલ્થકેર એક્સેસના વિસ્તરણ માટે ગોએપ્ટીવમાં રૂ. 42 કરોડનું રોકાણ કર્યું છે. જે કંપનીના ચેનલ્સ અને ટેક્નોલોજિસમાં ઈન્વેસ્ટમેન્ટ્સને મજબૂત કરવાના તેના વિઝન સાથે બંધ બેસે છે. ગોએપ્ટીવ ડિજિટલ ટેક્નોલોજી કંપની છે. જે અન્ડરસર્વ્ડ પ્રદેશોમાં હેલ્થકેર ઉપલબ્ધ કરાવે છે. આ રોકાણ પછી ગોએપ્ટિવમાં સિપ્લાનો હિસ્સો 22.99 ટકા પર પહોંચશે.
અદાણી ગ્રીન એનર્જીઃ અદાણી જૂથની રિન્યૂએબલ એનર્જી કંપનીએ બે સ્ટેપ ડાઉન સબસિડિઅરીઝની રચનાની જાહેરાત કરી છે. જેમાં અદાણી રિન્યૂએબલ એનર્જી ફિફ્ટી સિક્સ લિમિટેડ અને અદાણી રિન્યૂએબલ ફિફ્ટી સેવન લિમિટેડનો સમાવેશથાય છે. આ બંને પેટાકંપનીઓ રૂ. 1-1 લાખનું પેઈડ-અપ શેર કેપિટલ ધરાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage