Market Summary 15 April 2022

ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 63 ટકા ઉછળી 9 કરોડ નજીક પહોંચી

કેલેન્ડર 2020થી માર્ચ 2022 સુધીમાં દર મહિને સરેરાશ 20 લાખ નવા ડિમેટનો ઉમેરો થયો

જોકે આગામી સમયગાળામાં નવા ડિમેટ ઓપનીંગ્સની ગતિ ધીમી પડવાનો અંદાજ

દેશમાં રોકાણકારોની સંખ્યામાં અવિરત વૃદ્ધિ પાછળ નાણા વર્ષ 2021-22માં એક્ટિવ ડિમટિરિઅલાઈઝ્ડ(ડિમેટ) એકાઉન્ટ્સની સંખ્યામાં 63 ટકાની જંગી વૃદ્ધિ જોવા મળી હતી અને તે 8.97 કરોડ નજીક પહોંચી હતી એમ ડિપોઝીટરીઝે તૈયાર કરેલો ડેટા સૂચવે છે.

ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં વૃદ્ધિ પાછળના કારણોમાં સ્માર્ટફોન ઉપયોગમાં વૃદ્ધિ, ગ્રાહકોનું સરળ ડિજિટલ ઓનબોર્ડિંગ તેમજ ઈક્વિટી માર્કેટ્સે પૂરું પાડેલું આકર્ષક રિટર્ન છે. 31 માર્ચે પૂરા થતાં સમયગાળા દરમિયાન સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ(સીડીએસએલ) પાસે કુલ 6.3 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ હતાં. જે કુલ રૂ. 37.2 લાખ કરોડ એસેટ અન્ડર કસ્ટડી ધરાવતાં હતાં. જ્યારે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી(એનએસડીએલ) 2.67 કરોડ ડિમેટ એકાઉન્ટ્સનું સંચાલન કરી રહી હતી. જેનું એયૂએમ રૂ. 302 લાખ કરોડ જેટલું હતું. કોવિડ મહામારી બાદ દેશમાં કોવિડ એકાઉન્ટ્સની સંખ્યામાં 2.2 ગણી વૃદ્ધિ જવા મળી છે. જ્યારે સંયુક્ત એસેટ અન્ડર કસ્ટડી પણ બમણી વૃદ્ધિ દર્શાવે છે.

કોવિડ મહામારીએ વિશ્વભરમાં સહુને તેમના ખર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ ટેવને લઈને પુનર્વિચાર કરવાની ફરજ પાડી હતી. સ્માર્ટફોન્સની વ્યાપક પ્રાપ્તિ અને ડેટાના સસ્તાં ખર્ચે ડિજિટલ સ્વરુપમાં ઈન્વેસ્ટીંગ અને ટ્રડિંગને વેગ આપ્યો હતો. ઈકેવાયસી અને આધાર ઈસાઈનને કારણે ડિમેટ એકાઉન્ટ ઓપનીંગ પેપરલેસ અને સરળ બન્યું હતું. કુલ ગ્રાહકોમાં મોટાભાગનો વર્ગ મિલેનિયલ્સ છે. જ્યારે 85 ટકા ટિયર-2 અને ટિયર-થ્રી શહેરોમાંથી આવે છે. જ્યારે 70 ટકા પ્રથમ વખતનો રોકાણકાર હોવાનું એક ઓનલાઈન બ્રોકરેજના અધિકારી જણાવે છે. માર્કેટે માર્ચ 2020માં કોવિડના ગભરાટમાં દર્શાવેલા તીવ્ર કડાકા બાદ બજારોમાં ભારે તેજી જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 2021-22માં 19 ટકા ઉછળ્યો હતો. જ્યારે મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં અનુક્રમે 25 ટકા અને 29 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. આમ અન્ય એસેટ ક્લાસિસની સરખામણીમાં આકર્ષક રિટર્ન્સને જોતાં રોકાણકારોમાં ઈક્વિટી માર્કેટ તરફનું ખેંચાણ વધ્યું હતું. બજારમાં ધેર-ઈઝ-નો-અલ્ટરનેટિવ(ટીના) ફેક્ટર મંત્ર બન્યો હતો. જે શેર્સમાં તીવ્ર તેજીનું કારણ બન્યો હતો. નવા રોકાણકારોને કારણે ટ્રેડિંગ વોલ્યુમમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. 2021-22માં કેશ માર્કેટ વોલ્યુમમાં 9 ટકા જ્યારે ડેરિવેટિવ્સ વોલ્યુમમાં 2.6 ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. રિટેલ તરફથી મજબૂત ઈનફ્લોસને કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી તીવ્ર વેચવાલીને પણ બજાર પચાવી શક્યું હતું. અગાઉ નાણાપ્રધાન નિર્મળા સીતારામણે પણ સંસદમાં નાના રોકાણકારોની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રિટેલ રોકાણકારો અને તેમની સ્ટોક ખરીદી ક્ષમતાએ વિદેશી રોકાણની વેચવાલીને પચાવી હતી. જેની આપણે પ્રસંશા કરવી જોઈએ. માર્કેટ મધ્યસ્થીઓના મતે ડિમેટ એકાઉન્ટ્સમાં વૃદ્ધિનો ટ્રેડ જળવાશે. જોકે નવા એકાઉન્ટ્સના ઉમેરાની ગતિ ધીમી પડશે.

 

મોટાભાગના લાર્જ-કેપ્સ ફંડ્સે બેન્ચમાર્ક્સ કરતાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું

એસએન્ડપી ડાઉજોન્સ ઈન્ડાઇસિસના અભ્યાસ મુજબ 82 ટકા લાર્જ-કેપ ફંડ્સ સંબંધિત સૂચકાંકોને પાછળ રાખવામાં નિષ્ફળ

ભારતીય બજારે છેલ્લાં ત્રણ વર્ષોમાં હરિફોની સરખામણીમાં ઉત્કૃષ્ટ દેખાવ દર્શાવ્યો છે ત્યારે લાર્જ-કેપ ફંડ્સ કેટેગરી બેન્ચમાર્ક્સથી ચઢિયાતું રિટર્ન આપવામાં નિષ્ફળ રહી છે. દેશમાં 82 ટકા જેટલી લાર્જ-કેપ્સ સ્કીમ્સ છેલ્લાં પાંચ વર્ષોમાં સૂચકાંકો સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહી છે. જે સૂચવે છે કે એક્ટિવ ફંડ મેનેજર્સ માર્કેટ સાથે તાલ મિલાવી શક્યાં નથી.

ટોચના ઇન્ડેક્સ પ્રોવાઇડર એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસએ  એસએન્ડપી ઇન્ડાઇસીસ વર્સિસ એક્ટિવ ફંડ્સ  સ્કોરકાર્ડ રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ ભારતમાં 50 ટકા ઇક્વિટી લાર્જ કેપ ફંડ્સે ડિસેમ્બર, 2021માં પૂરા થયેલા કેલેન્ડરમાં એસએન્ડપી બીએસઈ 100 કરતાં ઓછું વળતર આપ્યું છે. આ જ ગાળામાં 50 ટકા ઇન્ડિયન ઇક્વિટી મિડ-/સ્મોલ-કેપ અને 27 ટકા ઇન્ડિયન ઇએલએસએસ ફંડે તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે. કેલેન્ડર 2021માં બજારમાં મોટેભાગે તેજી જળવાય હતી અને એસએન્ડપી બીએસઈ-100માં 26 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જેની સામે ફંડ્સ આટલું રિટર્ન આપી શક્યાં નહોતાં. જો લાંબાગાળા માટે સરખામણી કરીએ તો પણ તેઓ બેન્ચમાર્ક્સને પાછળ રાખી શક્યાં નથી. જેમકે 68 ટકા લાર્જ-કેપ ફંડે ડિસેમ્બર, 2021માં પૂરા થતાં 10 વર્ષના ગાળામાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે. દરમિયાનમાં ઇએલએસએસમાં એક્ટિવ ફંડ અને મિડ-/સ્મોલ-કેપ કેટેગરીઓએ વળતરની દ્રષ્ટિએ તેમના બેન્ચમાર્કો કરતાં વધારે સારું વળતર આપ્યું છે. રિપોર્ટ નોંધે છે કે આશરે 39 ટકા એક્ટિવ ઇએલએસએસ અને 37 ટકા એક્ટિવ મિડ-/સ્મોલ-કેપ ફંડોએ ડિસેમ્બર, 2021માં પૂરા થતાં છ મહિનામાં ગાળામાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે.

એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના એસોસિએટ ડિરેક્ટર આકાશ જૈને કહ્યું હતું કે, “ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં મિડ-/સ્મોલ-કેપ સ્પિવા ઇન્ડિયા સ્કોરકાર્ડમાં આવરી લેવામાં આવેલી ઇક્વિટીઓ વચ્ચે બેસ્ટ પર્ફોર્મિંગ ફંડ કેટેગરી હતી. આ કેટેગરી માટે બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 400 મિડસ્મોલકેપ ઇન્ડેક્સ આ જ ગાળામાં 51 ટકા વધારે હતો. એક્ટિવ ફંડ્સની આ કેટેગરીમાં બજારના સહભાગીઓને ફંડ રિટર્નમાં વધારે વધઘટ જોવા મળી શકે છે, કારણ કે પ્રથમ અને ત્રિમાસિક ક્વાર્ટાઇલ ફંડમાં ફરક 19 ટકા હતો, જેથી ફંડની પસંદગીના પડકારો પ્રસ્તુત થયા છે.” ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં એસએન્ડપી બીએસઇ ઇન્ડિયા ગવર્મેન્ટ બોન્ડ ઇન્ડેક્સ અને એસએન્ડપી બીએસઇ ઇન્ડિયા બોન્ડ ઇન્ડેક્સમાં અનુક્રમે 3 ટકા અને 4 ટકાનો વધારો થયો હતો. લાંબા ગાળામાં બોન્ડ કેટેગરીમાં મોટા ભાગના એક્ટિવ ફંડે સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે.

 

 

કોર્પોરેટ્સનું ડેટ મારફતે ફંડ રેઈઝીંગ છ વર્ષના તળિયે

લિસ્ટેડ કંપનીઓ તરફથી કોર્પોરેટ બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ મારફતે ફંડ એકત્ર કરવાનું પ્રમાણ 2021-22 નાણાકિય વર્ષ દરમિયાન છ વર્ષોના તળિયા પર જોવા મળ્યું હતું. વિતેલા નાણા વર્ષ દરમિયાન કંપનીઓએ રૂ. 5.88 લાખ કરોડની રકમ એકત્ર કરી હતી. તે 2020-21માં ઊભા કરવામાં આવેલા રૂ. 7.71 લાખ કરોડની વિક્રમી રકમની સરખામણીમાં 24 ટકા જેટલી નીચી હતી એમ સેબીનો ડેટા સૂચવે છે. ઈક્વિટી માર્કેટના સારા દેખાવ અને બેંક્સ તરફથી નીચા ઈન્ટરેસ્ટ રેટ પર આક્રમક ફંડ વિતરણને કારણે ડેટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની ઓછી જરૂર પડી હોવાનું વર્તુળો જણાવે છે.

ટાટા મોટર્સ અને એમએન્ડએમે વિદેશી બ્રાન્ડ્સ પાસેથી બજાર હિસ્સો મેળવ્યો

એસયૂવી અને નવી કાર લોન્ચિંગમાં સતત સફળતાને પગલે ભારતી હેવીવેઈટ્સ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હરિફ વિદેશી ઓટો કંપનીઓ પાસેથી માર્કેટ શેર હસ્તગત કર્યો છે. જેમાં મારુતિ સુઝુકીનો પણ સમાવેશ થાય છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સે આપેલા 2021-22ના વેચાણ ડેટા મુજબ બે ભારતીય ઓટો કંપનીઓનો સંયુક્ત બજાર હિસ્સો લગભગ 20 ટકા નજીક જોવા મળી રહ્યો છે. જે છેલ્લા નવ વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ છે. ગયા વર્ષે દર પાંચ પેસેન્જર વેહીકલ્સના વેચાણમાંથી એક વાહન બે ભારતીય બ્રાન્ડ્સમાંથી એકનું હતું. ટાટા અને મહિન્દ્રાએ માર્કેટમાં હિસ્સો મેળવતાં વિદેશી બ્રાન્ડ્સનો હિસ્સો ઘટ્ય છે. ટોચની કાર અને એસયૂવી ઉત્પાદક બે કંપનીઓ મારુતિ અને હ્યુન્ડાઈનો સંયુક્ત હિસ્સો છેલ્લા આંઠ વર્ષોના તળિયા પર જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે મારુતિએ તેના માર્કેટ હિસ્સામાં દાયકામાં સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો એમ સિઆમનો ડેટા સૂચવે છે. મારુતિનો હિસ્સો 43.38 ટકા(અગાઉના વર્ષે 47.71 ટકા) પર જ્યારે હ્યુન્ડાઈનો 15.68 ટકા(17.39 ટકા) પર જોવા મળ્યો હતો.

 

 

રવિ પાકોમાં MSPની સરખામણીમાં 67 ટકા સુધીનું પ્રિમીયમ

ગઈ સિઝનની સરખામણીમાં વિવિધ રવિ પાકોમાં 6-67 ટકા જેટલો સુધારો

જુવાર, રાયડો, દાળ, ઘઉં સહિતના ભાવો સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવની ઉપર

એક માત્ર ચણાના ભાવ ટેકાના ભાવથી સાધારણ નીચે ટ્રેડ થઈ રહ્યાં છે

 

સતત બીજા વર્ષે રવિ માર્કેટિંગ સિઝન ખેડૂતો માટે વિક્રમી બની રહી છે. ઊંચા ઉત્પાદન વચ્ચે દેશના ખેડૂતોને તેમની ઉપજ માટે વિક્રમી ભાવ પ્રાપ્ત થઈ રહ્યાં છે. એક ચણાને બાદ કરતાં તમામ રવિ પાકો માટે ખેડૂતોને સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકા(એમએસપી)ના ભાવ કરતાં નોંધપાત્ર પ્રિમીયમ ઉપજી રહ્યું છે. જેમાં જુવાર એમએસપીથી 67 ટકા જેટલા ઊંચા ભાવે વેચાઈ રહી છે. જ્યારે ચણાના ભાવ એમએસપીથી સાધારણ નીચે ટ્રેડ થઈ રહ્યાં છે.

સામાન્યરીતે માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી રવિ માર્કેટિંગ સિઝન શરૂ થઈ જતી હોય છે. જ્યારે એપ્રિલ એ રવિ પાકો માટે પીક માર્કેટિંગ મહિનો ગણાય છે. આ વખતે રવિ સિઝનમાં વાવેતર સમયસર અથવા તો છેલ્લી કેટલીક સિઝન કરતાં વહેલું જોવા મળ્યું હતું અને તેથી આવકો પણ વહેલી શરૂ થઈ હતી. બીજી બાજુ વિક્રમી રવિ વાવેતર તથા ઊંચી ઉત્પાદક્તાને કારણે ખેડૂતો તરફથી આવકો ઊંચી જોવા મળી છે. એપ્રિલ મહિનામાં અત્યાર સુધીની વાત કરીએ તો રવિ પાકો માટે સરેરાશ એપીએમસી પ્રાઈસ તેમની એમએસપીથી 3-66 ટકા જેટલા પ્રિમીયમ પર જોવા મળ્યાં છે. જ્યારે વર્ષ અગાઉના ભાવની સરખામણીમાં તે 6-67 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ચણાના ભાવ એમએસપીથી ઉપર ટ્રેડ દર્શાવી રહ્યાં નથી એમ એક અભ્યાસ જણાવે છે.

રવિ પાકોના ભાવ ઊંચા જવા મળવાનું કારણ રશિયા-યૂક્રેન વોરને કારણે વધતી વૈશ્વિક માગ છે. જેમાં ખાસ કરીને ઘઉં, ચોખા અને મકાઈન સમાવેશ થાય છે. યુધ્ધને કારણે આ પાકોના સપ્લાય પર અસર પડી છે. જંગને કારણે જુવારની આયાત પર પણ અસર પડી છે અને તેને કારણે સ્થાનિક ભાવો વધ્યાં છે. જ્યારે રાયડાના ભાવમાં મજબૂતીનું કારણ સનફ્લાવર તેલની નિકાસને પડેલો ફટકો છે. એપ્રિલમાં દેશમાં સનફ્લાવર તેલના શીપમેન્ટ નજીવા રહેવાની ધારણા છે. કેમકે સૌથી મોટા નિકાસકાર યૂક્રેનથી સપ્લાય ઠપ્પ થયો છે. સામાન્યરીતે રવિ સિઝનમાં એકવાર નવો પાક આવવાની શરૂઆત થાય ત્યારબાદ ભાવ પર દબાણ જોવા મળતું હોય છે. જોકે ચાલુ વર્ષે જુવારને બાદ કરતાં અન્ય તમામ પાકોની આવક વિક્રમી જોવા મળી રહી છે. જોકે તેમ છતાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત ખાતે ટ્રેડર્સ એપીએમસીની બહાર પણ છૂટથી માલની ખરીદી કરી રહ્યાં છે એમ એક ટ્રેડર જણાવે છે. દેશમાં ચાલુ સિઝનમાં રાયડાની આવક ગયા વર્ષની સરખામણીમાં 12 ટકા જેટલી ઊંચી જોવા મળી છે. દેશમાં રાયડાના વાવેતરમાં 50 ટકા વિસ્તાર ધરાવતાં રાજસ્થાનમાં જોકે રાયડાની આવક ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા ઘટાડો દર્શાવે છે. દેશમાં અન્ય વિસ્તારોની માફક રાજસ્થાનમાં પણ રાયડાના ભાવ એમએસપીથી 25 ટકા ઊપર ચાલી રહ્યાં છે તેમ છતાં આવકો નીચી જોવા મળે છે. જેનું એક કારણ ખેડૂતોની ઊંચા ભાવની અપેક્ષા છે. ગયા વર્ષે ખેડૂતોએ રાયડામાં રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ જેટલા વિક્રમી ભાવ મેળવ્યાં હતાં. જે હાલમાં રૂ. 6300 આસપાસ જોવા મળી રહ્યાં છે. આ વખતે રવિ સિઝનમાં રાયડાનું વાવેતર 90 લાખ હેકટરનો આંક વટાવી ગયો હતો. જેને કારણે ઉત્પાદન પણ વિક્રમી જોવા મળશે. ખેડૂતો ઓફ સિઝનમાં ભાવમાં ઊંચા ભાવની શક્યતાંએ માલને બજારમાં લાવી રહ્યાં નથી.

ઘઉંના ખેડૂતોને પણ એમએસપીની સરખામણીમાં પ્રતિ ક્વિન્ટર 20 ટકા જેટલા ઊંચા ભાવ મળી રહ્યાં છે. સરકારે દેશમાં સૌથી મોટા ખાદ્યાન્ન પાક માટે રૂ. 2015 પ્રતિ 100 કિગ્રાની એમએસપી નિર્ધારિત કરી છે. જોકે ભાવ રૂ. 2150-2200 જોવા મળી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોને આનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે. કેમકે તેઓ પોર્ટસથી નજીક હોવાથી નિકાસકારો સ્થાનિક બજારમાંથી ઘઉંની મોટાપાયે ખરીદી કરી રહ્યાં છે. દેશના નિકાસકારોએ ચાલુ સિઝનમાં વિક્રમી નિકાસ કોન્ટ્રેક્ટ્સ હાથ ધર્યાં છે.

 

ડેરી પ્રોડક્ટ્સની નિકાસ 50 કરોડ ડોલરની આંઠ વર્ષોની ટોચ પર

વૈશ્વિક સ્તરે સ્થાનિક પેદાશોની ઊંચી સ્પર્ધાત્મક્તાને કારણે નિકાસ વોલ્યુમમાં ઉછાળો નોંધાયો

નાણાકીય વર્ષ 2021-22માં દેશમાંથી ડેરી પ્રોડક્ટ્સની નિકાસમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે મજબૂત માગને કારણે નિકાસ આઠ વર્ષની ટોચ પર જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ઉંચા ભાવને કારણે સ્થાનિક પેદાશોની માગ વધ હતી. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 દરમિયાનના અગિયાર મહિનાના ડેટા મૂજબ 55.2 કરોડ ડોલરના મૂલ્યની 1.70 લાખ ટનની નિકાસો થઇ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં મૂલ્યની દ્રષ્ટિએ 93 ટકા અને વોલ્યુમની દ્રષ્ટિએ 63 ટકાની વૃદ્ધિ સૂચવે છે.

ડીજીસીઆઇએસના આંકડા મૂજબ રૂપિયા સંદર્ભમાં નિકાસ વધીને રૂ. 4,115 કરોડ થઇ હતી, જે ગયા વર્ષે રૂ. 2,122 કરોડની સરખામણીમાં 94 ટકા વૃદ્ધિ સૂચવે છે. કોમોડિટી અને મૂલ્ય-વર્ધિત ડેરી પ્રોડક્ટ્સની મજબૂત માગ તથા વૈશ્વિક બજારોમાં વૃદ્ધિને કારણે નિકાસોમાં વધારો થયો છે. વ્યાપારી સુત્રોના મત અનુસાર સહકારી અને ખાનગી કંપનીઓએ વર્ષ દરમિયાન ડેરી પ્રોડક્ટ્સની નિકાસમાં સારી વૃદ્ધિ હાંસલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સૌથી મોટું દૂધ ઉત્પાદક છે અને તેણે નાણાકીય વર્ષ 2013-14માં 72.7 કરોડ ડોલરની વિક્રમી ડેરી નિકાસ નોંધાવી હતી, જે સમયે વૈશ્વિક બજારોમાં ભાવ ઉંચા જોવા મળી રહ્યાં હતાં. સ્કિમ્ડ મિલ્ક પાઉડર (એસએમપી) જેવી કોમોડિટીની નિકાસમાં ઊંચા વોલ્યુમને કારણે નિકાસ વૃદ્ધિ જોવા મળી છે તેમજ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સે 15-20 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાધી છે. વર્ષ દરમિયાન અમૂલે આશરે 35,000 ટન એસએમપીની નિકાસ કરી હતી. દેશની સૌથી મોટી સહકારી ડેરીનું નિકાસ ટર્નઓવર નાણાકીય વર્ષ 2021-2022માં 300 ટકા વધી આશરે રૂ. 1,450 કરોડ થયું હતું, જે અગાઉના વર્ષે રૂ. 520 કરોડ હતું. મહત્વપૂર્ણ છે કે ઘાસચારા ખર્ચમાં વધારો અને ખાતરની અછતને કારણે ઘણાં દેશોમાં દૂધના ઉત્પાદન ઉપર અસર જોવા મળી રહી છે, જેના પરિણામે ભારતીય ડેરી પ્રોડક્ટ્સની માગ વધી રહી છે. નોંધપાત્ર નિકાસ થઇ હોવા છતાં ભારતીય ડેરી કંપનીઓ પાસે એસએમપી તથા બીજી પ્રોડક્ટ્સનો પર્યાપ્ત સ્ટોક છે.

છેલ્લાં વર્ષોમાં ડેરી નિકાસનું ચિત્ર

નાણાકિય વર્ષ          વેલ્યૂ સંદર્ભમાં નિકાસ(કરોડ ડોલર)

2016-17                       25.5

2017-18                       30.3

2018-19                       48.1

2019-20                       28.0

2020-21                       32.2

2021-22*                     55.2

 

(* એપ્રિલ 2021થી ફેબ્રુ. 2022 સુધી)

 

કેમિકલ શેર્સમાં MF હોલ્ડિંગ્સમાં માસિક ધોરણે 12 ટકા વૃદ્ધિ

એસેટ મેનેજર્સે પોર્ટફોલિયોમાં નવી થીમ તરીકે કેમિકલ સેક્ટરનો ઉમેરો કર્યો

માર્ચ 2022માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ભંડોળના જંગી પ્રવાહને પરિણામે ફંડ મેનેજર્સને તેમના પોર્ટફોલિયોમાં નવી થીમ અને વિશેષ કરીને કેમિકલ સેક્ટર સામેલ કરવાની તક મળી હતી. એક અંદાજ મૂજબ કેમિકલ શેર્સમાં એમએફનું હોલ્ડિંગ વધીને રૂ. 31,039 કરોડ થયું છે, જે માસિક ધોરણે 12 ટકા વધુ છે. જોકે, કેમિકલની તુલનામાં પેપર, મીડિયા અને એન્ટરટેઇમેન્ટ તથા સર્વિસિસ જેવાં સેક્ટર્સમાં એસેટ બેઝમાં વધારો થયો છે. શેરના ભાવમાં તીવ્ર વધારાને કારણે પણ આમ થયું છે.

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સતત વધારો થઇ રહ્યો છે તથા માર્ચ 2022માં તેણે રૂ. 12,328 કરોડના સ્તરને હાંસલ કર્યું છે. છેલ્લાં ચાર મહિનામાં માર્કેટના નીચા સ્તર વચ્ચે નેટ ઇનફ્લો વધ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બજારમાં તીવ્ર ઘટાડા દરમિયાન ઇનફ્લોમાં વધારો થયો છે, જે રિટેઇલ રોકાણકારોની પરિપક્વતા સૂચવે છે. ઇક્વિટી ફંડ્સમાં ઇનફ્લો (એક્સ-એનએફઓ)માં માર્ચ 2022માં . 20,300 કરોડનું રેકોર્ડ સ્તર નોંધાયું છે, જે ફેબ્રુઆરી, 2022માં રૂ. 17,800 કરોડ હતું. એક અંદાજ મૂજબ સહજાનંદ મેડિકલ, યુરેકા ફોર્બ્સ, ગોદાવરી પાવર, એસ ચંદ, જેએન્ડકે બેંક, એશિયન ગ્રેનિટો, એમએસટીસી, ફ્યુચર રિટેઇલ અને નેશનલ ફર્ટિલાઇઝર્સમાંથી એમએફ એક્ઝિટ થયાં છે. બીજી તરફ વેદાન્તા, ઇન્ડસ ટાવર્સ, ગોદરેજ કન્ઝ્યુમર, અંબુજા સિમેન્ટ્સ, ઓએનજીસી, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ, પીબી ફિનટેક અને એલએન્ડટી ઇન્ફોટેક જેવાં લાર્જ-કેપને ફંડ મેનેજર્સે પસંદ કર્યાં છે. મ્યુચ્યુઅલ ફંડ્સે માર્ચમાં રૂ. 22,499 કરોડની ખરીદી કરી છે, જે ફેબ્રુઆરીમાં રૂ. 28,180 કરોડ હતી.

 

કોર્પોરેટ હેડલાઈન્સ

 

એનટીપીસીઃ કેન્દ્ર સરકારના તાજા નિર્દેશને અનુસરતાં જાહેર ક્ષેત્રની વીજ ઉત્પાદક એનટીપીસી તેની નોન-ઓપરેશ્નલ કોલ માઈન્સને પરત કરશે. હાલમાં તે ત્રણ નોન-ઓપરેશ્નલ કોલ માઈન્સ ધરાવે છે. જેમાં ઓરિસ્સા ખાતે મંદાકિની-બી, બનાઈ જ્યારે છત્તીસગઢમાં ભાલૂમ-ઉદાનો સમાવેશ થાય છે. કંપનીને સંયુક્ત સાહસ હેઠળ 10 માઈન્સ ફાળવાઈ હતી. જેમાંથી ત્રણ કાર્યરત છે. જ્યારે બે ટૂંકમાં કાર્યરત બનશે.

ફ્યુચર રિટેલઃ જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયા લીડ લેન્ડર તરીકે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ર્ટ્પ્સી કોડ હેઠળ કિશોર બિયાણીની ફ્યુચર રિટેલને એનસીએલટીમાં લઈ ગઈ છે. ફ્યુચર રિટેલના કોન્સોર્ટિયમ લેન્ડર્સની લીડર તરીકે તેણે ડેટ રેઝોલ્યુશન માટે આમ કર્યું છે. કંપનીને બેંક્સનું કુલ એક્સપોઝર રૂ. 17 હજાર કરોડ હોવાનો અંદાજ છે. જ્યારે બીઓઆઈનું એક્સપોઝર રૂ. 1442 કરોડ જેટલું છે.

ઉડ્ડયન કંપનીઓઃ ઊંચા હવાઈ ભાડાઓની અસર એર ટ્રાફિક પર પડી છે. 1 માર્ચથી 7 માર્ચ સુધી 23,17,915 પ્રવાસીઓ સામે 7 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 4.6 ટકા ગગડી 22,11,838 પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage