માર્કેટ સમરી
માર્કેટમાં બ્રેકઆઉટ, નિફ્ટી આખરે 15900ને પાર
આઈટી અને ફાઈનાન્સિયલ્સે બજારને મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો
બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 80 હજાર કરોડ વધી રૂ. 233.86 લાખ કરોડની નવી ટોચ પર પહોંચ્યું
જૂન ક્વાર્ટર અર્નિંગ સિઝનની મજબૂત શરૂઆત પાછળ શેરબજારમાં મહત્વનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. જેમાં બેન્ચમાર્ક નિફ્ટી ચોથા પ્રયાસમાં 15900ના અવરોધને પાર કરવા સાથે નવી ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યો છે. ગુરુવારે તે ઈન્ટ્રા-ડે 15952.35ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 70.25 પોઈન્ટ્સના સુધારે 15924.20ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 53266.12ની ઈન્ટ્રા-ડે હાઈ બનાવી 255 પોઈન્ટ્સના સુધારે 53159ના સ્તરે બંધ રહ્યો હતો. બજારને આઈટી અને ફાઈનાન્સિયલ્સ તરફથી મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો અને તે સાપ્તાહિક સિરિઝના એક્સપાયરી દિવસે નવી ટોચ પર બંધ રહ્યું હતું. બીએસઈનું માર્કેટ-કેપ રૂ. 80 હજાર કરોડ વધી રૂ. 233.86 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.
યુએસ સહિત વૈશ્વિક બજારોમાં મજબૂતીએ પણ ગુરુવારે ભારતીય બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. જેને કારણે તે મહત્વના અવરોધ સ્તરને પાર કરવામાં સફળ રહ્યું હતું. જૂનના બીજા સપ્તાહમાં 15915નું સ્તર દર્શાવ્યાં બાદ સતત ત્રણ વાર નિફ્ટી આ સ્તરને પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેની માર્કેટમાં એક પ્રકારની નીરસતા પણ ઊભી થઈ હતી. જેની પાછળ છેલ્લાં કેટલાંક સત્રોથી ટ્રેડર્સ માર્કેટથી સાઈડલાઈન રહેવાનું પસંદ કરતાં હતાં. જેને કારણે માર્કેટના કામકાજ પર નોંધપાત્ર અસર પડી હતી. જોકે ગુરુવારે બજાર સર્વોચ્ચ સપાટી પર બંધ રહેતાં ટ્રેડર્સે રાહત મેળવી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે માર્કેટ માટે હવે વધુ સુધારાનો માર્ગ ખૂલ્લો થયો છે અને આગામી દિવસોમાં તે 16000ની સપાટી પાર કરે તેવી પૂરી શક્યતા છે. ટેકનિકલી નિફ્ટી માટે 16040નો અવરોધ રહેશે. જે પાર થતાં તે 16300 સુધીનો સુધારો દર્શાવી શકે છે. જૂન ક્વાર્ટર માટે ઉત્તરોત્તર જાહેર થઈ રહેલાં સારા કોર્પોરેટ પરિણામો પણ બજારના મોરલને સપોર્ટ કરી રહ્યાં છે. જે કારણે મંદીવાળાઓ ફાવી રહ્યાં નથી. ગુરુવારે બજારમાં ઉત્કૃષ્ટ દેખાવ દર્શાવનાર આઈટી કાઉન્ટર્સમાં એચસીએલ ટેક્નોલોજિસ, લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, ટાટા સ્ટીલ મુખ્ય હતાં. જ્યારે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, ટીસીએસ અને મારુતિ સુઝુકીમાં નરમાઈ જોવા મળી હતી.
લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ સિલેક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું. જોકે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. એક્સચેન્જ ખાતે 1662 શેર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1576 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે ઘટીને બંધ આવ્યાં હતાં. 499 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 206 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ જોવા મળતાં હતાં. 511 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર જોવા મળતાં હતાં. માર્કેટમાં મીડ-કેપ આઈટી કાઉન્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી અને તેઓ 20 ટકા સુધીનો ઉછાળો દર્શાવતાં હતાં. વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ગુરુવારે રૂ. 267 કરોડની સાધારણ વેચવાલી દર્શાવી હતી. બુધવારે તેમણે રૂ. 1400 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જોકે સામે સ્થાનિક સંસ્થાઓએ આટલી જ ખરીદી દર્શાવી હતી અને તેથી એફઆઈઆઈની વેચવાલી એબ્સોર્બ થઈ હતી.
વિપ્રોનો ચોખ્ખો નફો 35.6 ટકા વધી રૂ. 3242 કરોડ થયો
કંપનીએ આગામી સમયગાળા માટે આવકમાં સાત ટકા ઘટાડાનું ગાઇડન્સ
દેશમાં ત્રીજા ક્રમની આઇટી કંપની વિપ્રોનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ જૂન 2021 ક્વાર્ટરમાં 35.6 ટકા ઉછળી રૂ. 3242.6 કરોડ થયો હતો. કંપનીએ ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 2390.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક 22.3 ટકા વધીને રૂ. 18252.4 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 14913 કરોડ પર હતી. એ જૂન ક્વાર્ટરમાં 12000 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. જે દાયકામાં કંપની દ્વારા સૌથી રિક્રૂટમેન્ટ હતી. પરિણામોની જાહેરાત અગાઉ કંપનીનો શેર 2.53 ટકા સુધરી રૂ. 575.90ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.
જૂન ક્વાર્ટરમાં કંપનીના આઈટી સર્વિસિસ ઓપરેટિંગ માર્જિન 18.8 ટકા પર રહ્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 29 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 35.2 ટકા વધી રૂ. 3230 કરોડ જોવા મળી હતી. મોટાભાગની આવક આઇટી સર્વિસમાંથી મેળવતી આ કંપનીએ જણાવ્યું હતું કે કંપનીના આઇટી સર્વિસ યુનિટની આવક સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 253.5 કરોડ ડોલરથી 258.3 કરોડ ડોલર રહેવાનો અંદાજ છે. જે ત્રિમાસિક ધોરણે 5-7 ટકાનો ઘટાડો દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આઇટી સર્વિસ એકમની આવક 241.45 કરોડ ડોલર રહી હતી, જે ત્રિમાસિક ધોરણે 12.2 ટકા અને વાર્ષિક ધોરણે 25.7 ટકાનો વધારો દર્શાવે છે. કંપની જૂન ક્વાર્ટરમાં આવકમાં 2-4 ટકા વધારાનું ગાઇડન્સ આપ્યું હતું. કંપનીની આઇટી સર્વિસ યુનિટના કર્મચારીઓની સંખ્યા બે લાખના આંકને વટાવીને 2.09 લાખ થઈ હતી. જૂન 2021 ક્વાર્ટરમાં વિપ્રો પાંચ વર્ષની મુદતના 75 કરોડ ડોલરના બોન્ડ જારી કર્યા હતા. ટીસીએસ અને ઈન્ફોસિસ બાદ વિપ્રોએ સારુ પરિણામ દર્શાવ્યું છે. જેની પાછળ આઈટી કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.
લાર્સન જૂથના શેર્સ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાં
દેશમાં સૌથી મોટી કન્સ્ટ્રક્શન અને એન્જિનીયરીંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રોનો શેર ગુરુવારે 4 ટકાથી વધુના સુધારે સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂ. 1625ની ટોચ દર્શાવી રૂ. 1609.35ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 2.26 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. કેલેન્ડર 2021માં સેન્સેક્સમાં 11 ટકાના સુધારા સામે લાર્સનનો શેર 20 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે લાર્સનની સબસિડિયરી એવી એલટીટીએસ અને એલએન્ડટી ઈન્ફોટેકે પણ ગુરુવારે તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. એલએન્ડટી ઈન્ફોટેકનો શેર 5 ટકા ઉછળી રૂ. 4420ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 4600ની ટોચ દર્શાવી હતી. જ્યારે એલએન્ડટી ટેક્નોલોજીનો શેર 19 ટકા ઉછળ્યો હતો અને રૂ. 3493ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર દિવસ દરમિયાન અગાઉના બંધ સામે રૂ. 550નો તીવ્ર ઉછાળો દર્શાવતો હતો. સારા પરિણામો પાછળ લાર્સન જૂથની કંપનીઓમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.
વીજ વપરાશ કોવિડ પહેલાના સ્તરે પરત ફર્યો
જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન દેશમાં વીજ વપરાશ 17 ટકા વધી 59.36 બિલિયન યુનિટ્સ(બીયુ) પર જોવા મળ્યો છે. જે કોવિડ અગાઉના સ્તરે પરત ફર્યો છે. દેશમાં લોકડાઉનમાં રાહત તથા ચોમાસામાં વિલંબને કારણે વીજ વપરાશમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું વીજ મંત્રાલયે નોંધ્યું છે. 2020 દરમિયાન 1 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં દેશમાં 50.79 બીયુ વીજ વપરાશ જોવા મળ્યો હતો. અગાઉ 2010માં સમાનગાળા દરમિયાન દેશમાં 52.89 બીયુનો વીજ વપરાશ જોવા મળ્યો હતો. આમ 2020માં કોવિડને કારણે વીજ વપરાશ ઘટ્યો હતો. જે હવે સામાન્ય બન્યો છે. જુલાઈ 2020માં વીજ વપરાશ 112.14 બીયુ પર હતો. જે 2019માં સમાનગાળામાં 116.48 બીયુ કરતાં નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો.
રૂપિયામાં 4 પૈસાનો સાધારણ સુધારો
સપ્તાહના ચોથા દિવસે રૂપિયો યુએસ ડોલર સામે 4 પૈસા સુધરી 74.55ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં સુધારો જોવા મળ્યો હતો. ગોલ્ડમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. જોકે વિદેશી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલી જળવાય છે. જોકે આમ છતાં દેશમાં ડોલર ઈનફ્લો પોઝીટીવ છે અને તેથી ચલણ પર તેની ખાસ અસર જોવા મળી રહી નથી.