Market Summary 15 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

ફેડ બેઠક પૂર્વે શેરબજારોમાં નિરસ ટ્રેન્ડ
એશિયન બજારોમાં નરમાઈ, યુરોપમાં સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.14 ટકા સુધરી 22.14ના સ્તરે
ઓટો અને ફાર્મા ક્ષેત્રે સ્થિરતાં
આઈટી, એફએમસીજી, મેટલ, એનર્જી પર દબાણ યથાવત
એલઆઈસીમાં પ્રથમવાર 2 ટકા મજબૂતી જોવાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી રૂ. 2600ની સપાટી નીચે

યુએસ ફેડ રિઝર્વની રેટ સમીક્ષા બેઠક અગાઉ વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે યુરોપિયન બજારોમાં સુધારો જોવા મળી રહ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક્સે સાંકડી રેંજમાં અથડાયેલાં રહ્યાં બાદ નેગેટિવ બંધ દર્શાવ્યું હતું અને 11-મહિનાના તળિયા પર બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 152 પોઈન્ટ્સ ગગડી 52541ના સ્તરે જ્યારે નિફ્ટી 40 પોઈન્ટ્સ ગગડી 15692ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 24 પોઝીટીવ બંધ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે 26 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સપોર્ટ જોવા મળ્યો હતો. જેને કારણે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.14 ટકા સુધરી 22.14ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે રાતે યુએસ ફેડ કેટલા બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરે છે તેને લઈને માર્કેટમાં એક પ્રકારનો અજંપો જોવા મળતો હતો. અગાઉ ફેડના જણાવ્યા પ્રમાણે તે 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરશે તે બાબત ડિસ્કાઉન્ટેડ છે. જોકે છેલ્લાં સપ્તાહથી ફેડ 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે તેવી શક્યતાં વધી છે અને તેથી જ વૈશ્વિક બજારોમાં ગયા સપ્તાહના આખરી સત્રથી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય બજાર છેલ્લાં ચાર સત્રોથી ઘસારો અનુભવી રહ્યું છે. બુધવારે માર્કેટ નોંધપાત્ર સમય સુધી પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયા બાદ આખરી સમયગાળામાં નેગેટિવ બન્યું હતું અને દિવસના તળિયા નજીક જ બંધ જોવા મળ્યું હતું. એનાલિસ્ટ્સના મતે જો ફેડ 50 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરશે તો પણ બજાર એક બાઉન્સ દર્શાવીને વધુ ઘટાડો નોંધાવી શકે છે. કેમકે હાલમાં ટેકનિકલી તે ખૂબ જ નબળુ જોવા મળે છે. નિફ્ટીને 15000ની આસપાસ જ મજબૂત સપોર્ટ રહેલો છે. ફેડની રેટ વૃદ્ધિ ઉપરાંત ભારતીય બજાર માટે ચોમાસાને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. અત્યાર સુધી ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં નીચો નોંધાયો છે અને તેથી હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી સામાન્ય ચોમાસાની આગાહી સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માર્કેટને ઓટોમોબાઈલ સેક્ટર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે ફાર્માએ પણ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે અન્ય સેક્ટર્સ સુધારો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ઓટો ક્ષેત્રે ટાટા મોટર્સે 2.21 ટકા સાથે સૌથી સારો સુધારો નોંધાવ્યો હતો. આ ઉપરાંત બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ અને બોશ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. ફાર્મા કંપનીઓમાં ડિવિઝ લેબ 1.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે સિવાય આલ્કેમ લેબ, લ્યુપિન, ઓરોબિંદો ફાર્મામાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળતો હતો. બીજી બાજુ મેટલ ઈન્ડેક્સ 0.72 ટકા તૂટ્યો હતો. જેમાં વેલસ્પન કોર્પ 3.13 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. ઉપરાંત નાલ્કો 1.2 ટકા, કોલ ઈન્ડિયા 1.12 ટકા ને સેઈલ 0.7 ટકા નેગેટિવ જોવા મળ્યાં હતાં. એફએમસીજી ક્ષેત્રે મેરિકો, એચયૂએલ અને આઈટીસીમાં એક ટકા આસપાસ નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી 0.5 ટકા ડાઉન બંધ રહ્યો હતો. જેમાં વિપ્રો, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવા ટોચની હરોળના શેર્સ એક ટકા આસપાસ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે મીડ-કેપ આઈટી શેર્સમાં ખરીદી જોવા મળતી હતી. જેમાં એમ્ફેસિસ અને કોફોર્જ એક ટકાથી વધુ મજબૂતી સૂચવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ ખાતે સ્ટ્રાઈડ્સ ફાર્મા 5 ટકા સુધારો દર્શાવતો હતો.જ્યારે બજાજ ફિનસર્વ 4.17 ટકા મજબૂત હતો. એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 4 ટકા, આઈજીએલ 4 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 4 ટકા, પોલીકેબ 3 ટકા અને ચંબલ ફર્ટિલાઈઝર 3 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ ટાટા કોમ્યુનિકેશન 5 ટકા ઘટાડા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવતો હતો. આ સિવાય કેનેરા બેંક, ડેલ્ટા કોર્પ, ટાટા કેમિકલ્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એનટીપીસી અને સન ટીવી નેટવર્કમાં પણ 2 ટકાથી લઈ 4.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો.

રૂપિયો 13 પૈસા તૂટી નવા તળિયે
યુએસ ડોલર સામે રૂપિયો 13 પૈસા તૂટી 78.17ના નવા તળિયા પર ટ્રેડ થયો હતો. બુધવારે તે 77.99ના સ્તરે ખૂલી અગાઉના 78.04ના બંધ સામે 78.17ના સ્તરે જોવા મળ્યો હતો. વૈશ્વિક રોકાણકારોની વેચવાલી પાછળ રૂપિયામાં સેન્ટિમેન્ટ ખરડાયું છે.

વૈશ્વિક મ્યુચ્યુલ ફંડ્સમાં ટોચના સ્તરેથી 21-40 ટકાનું તીવ્ર ધોવાણ
મિરાઈ ફાન્ગ પ્લસ ફંડ તેની સર્વોચ્ચ સપાટીએથી 34 ટકા ડાઉન જ્યારે એડલવેઈસ જીઆર ચાઈના ઈક્વિટીમાં 30 ટકા ધોવાણ
વિદેશી શેરબજારમાં રોકાણ કરતી મ્યુચ્યુલ ફંડ સ્કીમ્સ સૌથી મોટી વેલ્થ ડિસ્ટ્રક્ટર્સ પુરવાર થઈ છે. રોકાણકારોની સંપત્તિમાં તેમણે ટોચના ભાવથી 21-40 ટકા જેટલું ધોવાણ દર્શાવ્યું છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમણે 24-38 ટકાનું નુકસાન નોંધાવ્યું છે. લિક્વિડીટીમાં જોવા મળી રહેલી ઓટ પાછળ વૈસ્વિક બજારો ચાલુ કેલેન્ડરમાં 20 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં નાસ્ડેક સહિતના માર્કેટ્સનો સમાવેશ થાય છે. જેણે સૌથી મોટી માત્રામાં ઈમર્જિંગ માર્કેટ રોકાણકારોને આકર્ષ્યાં હતાં.
જે ભારતીય રોકાણકારો વૈશ્વિક ફંડ્સમાં ઘટેલાં ભાવે એવરેજિંગ કરવા ઈચ્છે છે તેઓ હાલમાં આમ કરી શકે એમ નથી. કેમકે એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયાએ ફેબ્રુઆરીના સ્તરે વ્યક્તિગત મ્યુચ્યુલ ફંડ્સ ઈન્વેસ્ટમેન્ટની મર્યાદા બાંધી છે. ટોચના ભાવેથી તીવ્ર ઘટાડો નોંધાવનાર ફંડ્સમાં ઈન્વેસ્કો ગ્લોબલ કન્ઝ્યૂમર ટ્રેન્ડ્સ અને પીજીઆઈએમ ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટી અગ્રણી છે. છેલ્લાં એક વર્ષમાં બંને ફંડ્સ અનુક્રમે 42 ટકા અને 34 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. સોમવારે તેમનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ અનુક્રમે રૂ. 463 કરોડ અને રૂ. 150 કરોડ પર જોવા મળતું હતું. એડલવેઈસ યુએસ ટેક્નોલોજી ઈક્વિટી ફંડ તેની ટોચથી 25 ટકા જેટલો ઘટાડો દર્શાવતું હતું. તેનું એયૂએમ રૂ. 1582 કરોડ જેટલું થાય છે. કોટક ગ્લોબલ ઈનોવેશન ફંડે છેલ્લાં એક વર્ષમાં 35 ટકા ગાબડું નોંધાવ્યું છે. વિશ્વમાં અગ્રણી બેન્ચમાર્ક ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેની વિક્રમી ટોચથી 17 ટકા જેટલો ગગડ્યો છે. જ્યારે નાસ્ડેક તેની ટોચ પરથી 33 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યો છે. તે 16000ની ટોચ પરથી ગગડી 11 હજારની સપાટી નીચે ઉતરી ગયો છે.
એક અગ્રણી બ્રોકરેજના એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ હાલમાં વૈશ્વિક બજારો વોલેટિલિટીમાં સપડાયાં છે. આગામી ત્રણથી છ મહિના સુધી તેઓ આ ટ્રેન્ડ જાળવી રાખે તેવી શક્યતાં છે. કેમકે જીઓ-પોલિટીકલ રિસ્ક માથે ઊભું છે. બીજી બાજુ વૈશ્વિક સપ્લાય ચેઈનને કારણે ફુગાવો ઐતિહાસિક ટોચ પર જોવા મળી રહ્યો છે. જેને કારણે સેન્ટ્રલ બેંકર્સ આક્રમક રેટ વૃદ્ધિ તરફ વળ્યાં છે. એક ઓનલાઈન બ્રોકરેજ હાઉસના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર આરબીઆઈ તથા સેબીએ વૈશ્વિક બજારમાં રોકાણ માટેની મર્યાદામાં વૃદ્ધિ કરવાનું વિચારવું જોઈએ. કેમકે વૈશ્વિક બજારો નોંધપાત્ર કરેક્શન દર્શાવી શક્યાં છે અને રોકાણકારોને તેમના યુએસ ઈન્વેસ્ટમેન્ટમાં નીચા ભાવે સરેરાશ કરવાની તક મળી રહેવી જોઈએ. તેમના મતે થ્રેસહોલ્ડ લિમિટ્સને કારણે યુએસ બજારમાં એમએફ મારફતે રોકાણ કરવાનો વિકલ્પ પ્રાપ્ય નહિ હોવાથી રોકાણકારો એલઆરએસ રૂટ મારફતે ઈન્ડેક્સ ઈટીએફ અથવા તો પ્રોફેશ્નલી મેનેજ્ડ ફંડ મારફતે જ ખરીદી કરી શકે છે. એક અગ્રણી બી-સ્કૂલ્સના પ્રોફેસરના જણાવ્યા મુજબ યુએસ ફેડ રિઝર્વ ફુગાવા નિયંત્રણના ભાગરૂપે રેટ વૃદ્ધિમાં આક્રમક વલણ અપનાવી રહી છે અને તેથી ડોલર ફરી સેફહેવન કરન્સી બન્યું છે. જેને જોતાં સ્ટોક્સમાં ડાયવર્સિફિકેશન લાંબાગાળે સ્થિર રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન્સ પુરું પાડતું રહેશે. જોકે તેઓ ઉમેરે છે કે આરબીઆઈ પાસે જંગી પ્રમાણમાં ફોરેક્સ રિઝર્વ હોવા છતાં તે વૈશ્વિક એમએફમાં રોકાણ માટેની વર્તમાન મર્યાદાને વળગી રહેવાની શક્યતાં ઊંચું છે. જેના મુખ્ય કારણોમાં બજારોમાં ઊંચી વોલેટિલિટી તથા રૂપિયામાં સતત જોવા મળતો ઘસારો છે.

વૈશ્વિક આંચકો
ફંડ ઘટાડો(ટકામાં)
સર્વોચ્ચ સપાટીએથી એક-વર્ષમાં ઘટાડો
મિરાઈ ફાંગ પ્લસ 34 20
ફ્રેન્કલીન યુએસ ઓપોર્ચ્યુ. 32 22
એડલવેઈસ જીઆર ચાઈના 30 27
એચએસબીસી ગ્લોબલ ઈક્વિ. 25 17
કોટક નાસ્ડેક 100 25 10


NSEL કેસમાં નવેસરથી તપાસ હાથ ધરવા સેટનો સેબીને આદેશ
મોતીલાલ ઓસ્વાલ, આઈઆઈએફએલ, ફિલિપ કેપિટલ, આનંદ રાઠી અને જીઓજીત જેવા બ્રોકરેજિસ સામે રહેલા પુરાવાઓ ચકાસવા માગ
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના મતે બ્રોકર્સે ખોટા વચનો અને અપૂરતાં ડોક્યૂમેન્ટ્સ સાથે એનએસઈએલ પર ટ્રેડ કરવા માટે ગ્રાહકોને લલચાવ્યાં હતાં.

સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ એનએસઈએલ(નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) સંબંધી મુદ્દે પાંચ મોટા બ્રોકરેજ હાઉસની કોમોડિટી પાંખની સંડોવણીને લઈને માર્કેટ રેગ્યુલેટર સેબીને નવેસરથી તપાસ હાથ ધરવા જણાવ્યું છે. આ માટે તેણે છ મહિનાની સમય મર્યાદા પણ નિર્ધારિત કરી છે. સેટે નોંધ્યું છે કે સેબી તેણે કોર્ટમાં રજૂ નહિ કરેલા દસ્તાવેજો અને પુરાવાનો ટ્રિબ્યુનલ સપોર્ટ લે તેમ ઈચ્છતી હતી.
સેટે એમ પણ નોંધ્યું છે કે આ સમગ્ર કેસમાં એનએસઈએલ એક પિડિત વ્યક્તિ છે અને બ્રોકર્સ તરફથી ફાઈલ કરવામાં આવેલી અપીલ્સમાં દરમિયાનગીરી કરવાનો તેને અધિકાર છે. તેમજ અલગથી અપીલ્સ કરવાનો વ્યક્તિગત અધિકાર પણ રહેલો છે. ટ્રિબ્યુનલે અગ્રણી બ્રોકરેજિસ જેવાકે મોતીલાલ ઓસ્વાલ, આઈઆઈએફએલ, ફિલિપ કેપિટલ, આનંદ રાઠી અને જીઓજીતની કોમોડિટી બ્રોકિંગ પાંખો સામે રહેલા પુરાવાઓમાં નવેસરથી નજર નાખવા માટે છ મહિનાની સમયમર્યાદા પણ નિશ્ચિત કરી છે. હાલમાં સેબીના વડા માધવી પુરી બૂચ એ વખતે હોલ-ટાઈમ મેમ્બર હતાં અને 2013માં બહાર આવેલા એનએસઈએલ કેસમાં સંડોવણીને લઈને તેમણે બ્રોકર્સને ફીટ નહિ ગણાવીને ફેબ્રુઆરી અને માર્ચ 2019માં તેમની સામે ઓર્ડર્સ ઈસ્યુ કર્યાં હતાં.
જ્યારે આ બાબત સેટમાં પહોંચી હતી ત્યારે સેબીએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે તે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા તરફથી નોંધવામાં આવેલા નિરીક્ષણોને તેમજ એનએસઈએલ તરફથી રજૂ કરવામાં આવેલા ફરિયાદ પત્રોને તથા સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસ(એસએફઆઈઓ) તરફથી નિરિક્ષણો તે ગણનામાં લઈ શકે છે. ત્યારબાદ સેબીએ આ નિરીક્ષણોને આધારે જણાવ્યું હતું કે બ્રોકર્સ સામેના સેબીના ઓર્ડર્સ જાળવી શકાય છે. જોકે સેટને સેબીની આ દલીલોથી આશ્ચર્ય થયું હતું કેમકે માર્કેટ રેગ્યુલેટરે ટ્રિબ્યુનલને તેણે સૂચવેલાં એકપણ ડોક્યૂમેન્ટ્સ રજૂ કર્યાં નહોતાં કે નથી તો તેમને પુરાવા તરીકે એટેચ કરેલાં. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા અને એસએફઆઈઓએ નોંધ્યું છે કે બ્રોકર્સે ખોટા વચનો અને અપૂરતાં ડોક્યૂમેન્ટ્સ સાથે એનએસઈએલ પર ટ્રેડ કરવા માટે ગ્રાહકોને લલચાવ્યાં હતાં. સેટે નોંધ્યું છે કે એકબાજુ સેબી ડબલ્યુટીએમ બ્રોકર્સને એનએસઈએલ સાથે નજીકથી જોડાયેલાં ગણાવે છે અને બીજી બાજુ તે પુરાવા રજૂ કરવાનું ટાળે છે.

SBI, IDBIએ રિટેલ ટર્મ ડિપોઝીટ્સ રેટ્સમાં કરેલી વૃદ્ધિ
દેશમાં ટોચની બેંકર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ટર્મ ડિપોઝીટ રેટ્સમાં 15-20 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. તેણે 14 જૂનથી અમલી બને તે રીતે કેટલીક મુદત માટેના ડિપોઝીટ રેટ્સ વધાર્યાં છે. સાથે તેણે બલ્ક ડિપોઝીટ્સ પરના રેટ્સમાં પણ 50-75 બેસીસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. સરકાર અને એલઆઈસીની માલિકીની આઈડીબીઆઈએ પણ રૂ. 2 કરોડ સુધીની રિટેલ ડિપોઝીટ્સ પર તેની મુદતને આધારે 10-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. જે 15 જૂનથી અમલી બની છે. ગયા સપ્તાહે આરબીઆઈ તરફથી કરવામાં આવેલી રેટ વૃદ્ધિને ધ્યાનમાં રાખી બેંક્સ દ્વારા ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિ કરવામાં આવી છે. એસબીઆઈએ જણાવ્યા મુજબ રૂ. 2 કરોડની 211 દિવસ અથવા તેનાથી ઓછા સમયગાળાની ડિપોઝીટ્સ પર ઈન્ટરેસ્ટ રેટ 20 બેસીસ પોઈન્ટ્સ વધારીને 4.6 ટકા કરવામાં આવ્યાં છે. આ જ રીતે એકથી બે વર્ષની મુદત માટેની ડિપોઝીટ પર રેટ્સને 20 બેસીસ પોઈન્ટ્સ વધારી 5.3 ટકા નિર્ધારિત કરવામાં આવ્યાં છે.

PFRDA દ્વારા સપ્ટેમ્બરમાં ગેરંટેડ રિટર્ન સ્કીમ રજૂ કરવામાં આવશે
નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ)નું કામકાજ સંભાળતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(પીએફઆરડીએ) ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં ગેરંટેડ રિટર્ન સ્કીમ રજૂ કરવાનું વિચારી રહી છે. પેન્શન રેગ્યુલેટર નોન-ગવર્મેન્ટ સેક્ટરમાં દરેક એસેટ ક્લાસમાં ત્રણ ભિન્ન પેન્શન ફંડ્સની પસંદગી પૂરી પાડવાનું પણ વિચારી રહ્યો છે. મુંબઈ ખાતે એક ઈવેન્ટ દરમિયાન પીએફઆરડીએના ચેરમેને જણાવ્યું હતું કે મિનિમમ એસ્યોર્ડ રિટર્ન સ્કીમ પર હાલમાં સરસ રીતે કામ ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરની આખર સુધીમાં તેને અંતિમ આકાર આપવામાં આવશે. પેન્શન એડવાઈઝરી કમિટિના ભાગરૂપ એવી કેટલીક એક્ચ્યૂરિઝ અમારા કન્સલ્ટન્ટ ઈએન્ડવાય સાથે આ અંગે કામ કરી રહી છે અને તેથી તે ખૂબ જ સારી રીતે તૈયાર થઈ રહ્યું છે. હાલમાં એનપીએસ હેઠળ રોકાણકારો ઈક્વિટી, કોર્પોરેટ બોન્ડ્સ, ગવર્મેન્ટ સિક્યૂરિટીઝ અને અલ્ટરનેટીવ એસેટ્સમાંથી પસંદગી ઉતારી શકે છે.

કીસ્ટોન રિયલ્ટર્સે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું
મુંબઈ સ્થિત કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડે મૂડીબજારમાં આઈપીઓ સાથે પ્રવેશવા માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની માર્કેટમાંથી રૂ. 850 કરોડ ઊભા કરવા ધારે છે. તે ‘રુસ્તમજી’ બ્રાન્ડ અંતર્ગત રિયલ્ટર્સ માઇક્રો માર્કેટ્સમાં કામકાજ ધરાવે છે. વર્ષ 1995થી સક્રિય કંપની હાઇ-એન્ડ એવોર્ડવિનર બિલ્ડિંગ્સ, ગેટેડ કમ્યુનિટીઝ અને વસાહતો બાંધવાનો ટ્રેક રેકર્ડ ધરાવે છે. તે કુલ 32 પ્રોજેક્ટ પૂર્ણ કરી ચૂકી છે અને 12 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્ડિયન હોટેલ્સઃ તાતા જૂથની હોટેલ કંપનીની તાજ બ્રાન્ડને વિશ્વની સૌથી મજબૂત હોટેલ બ્રાન્ડનું રેટિંગ મળ્યું છે. જ્યારે હિલ્ટોન બ્રાન્ડે વિશ્વની સૌથી મૂલ્યવાન હોટેલ બ્રાન્ડનું સ્થાન જાળવી રાખ્યું છે. આ રેટિંગ બ્રાન્ડ વેલ્યૂએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાઈનાન્સ તરફથી આપવામાં આવ્યાં છે.
અદાણી ટ્રાન્સમિશનઃ અદાણી જૂથની કંપનીની 70 કરોડ ડોલરની રિવોલ્વિંગ લોન ફેસિલિટીને સસ્ટેઈનાલિટિક્સ તરફથી ‘ગ્રીન લોન’નું ટેગ આપવામાં આવ્યું છે. ગ્રીન લોન ફ્રેસિલિટી એક પ્રકારનું ફ્લેક્સિબલ ફાઈનાન્સિંગ ટુલ છે. જે બોરોઅરને ડ્રો ડાઉન અથવા વિથ્ડ્રો, રિપે અને ફરીવાર વિથ્ડ્રોની સુવિધા પૂરી પાડે છે.
એનટીપીસીઃ દેશમાં સૌથી મોટી વીજ ઉત્પાદક કંપનીએ ગુજરાતમાં કવાસ ખાતે 15 મેગાવોટ કવાસ સોલાર પીવી પ્રોજેક્ટને 15 જૂનથી કાર્યાન્વિત કર્યો છે.
હીરો મોટોકોર્પઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને સૌથી મોટી ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીમાં તેના હિસ્સાને 9.163 ટકા પરથી વધારી 11.256 ટકા કર્યો છે. જીવન વીમા કંપનીએ હિંદુસ્તાન યુનિલીવરમાં પણ તેના હિસ્સાને 4.995 ટકા પરથી વધારી 5.008 ટકા કર્યો છે.
એનએલસી ઈન્ડિયાઃ કંપનીએ રૂ. 4400 કરોડના મિથેનોલ પ્રોજેક્ટ માટે પીએસયૂ ઈપીસી કંપની એન્જિનીયર્સ ઈન્ડિયાની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક કરી છે.
બાયોકોનઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ વાઈટ્રીસના ગ્લોબલ બાયોસિમિલર્સ પોર્ટફોલિયોના વેચાણ માટે બાયોકોન બાયોલોજિક્સને મંજૂરી આપી છે.
આઈઆઈએફએલ વેલ્થઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ બીસી એશિયાને આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટમાં 24.98 ટકા હિસ્સાની ખરીદી માટે મંજૂરી આપી છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ ડીએનડીઆઈ સાથે મળી સાઉથ એશિયામાં એચઆઈવી બાળકો માટે 4-ઈન-1 એન્ટીરેટ્રોવાઈરસ ટ્રીટમેન્ટ લોંચ કરી છે.
એક્સેન્ચરઃ આઈટી કંપનીએ જણાવ્યું છે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહેલાં મોટાભાગના ઓર્ગેનાઈઝેશન્સ હજુ પણ ટેક્નોલોજી સાથે પ્રયોગાત્મક તબક્કામાં છે. જ્યારે માત્ર 12 ટકા સંસ્થાઓ જ એઆઈના ઉપયોગ વડે સ્પર્ધાત્મક્તામાં ટોચના સ્તરે જોવા મળે છે.
પીએનબી હાઉસિંગઃ પીએનબીની સબસિડિયરી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના બોર્ડે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 2000 કરોડ ઊભા કરવાને મંજૂરી આપી છે.
વિપ્રોઃ અગ્રણી આઈટી સર્વિસિસ કંપની નોર્વે ખાતે તેના સ્ટાફની સંખ્યાને વર્તમાન 85 પરથી બે વર્ષમાં વધારી 350 સુધી લઈ જશે.
અજંતા ફાર્માઃ કંપનીએ ટોપીરામેટ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.
એશિયન પેઈન્ટ્સઃ ટોચની પેઈન્ટ કંપનીએ વેધરસિલ ફેનેસ્ટ્રેશનમાં રૂ. 18.84 કરોડમાં 51 ટકા હિસ્સાની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage