બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક બજારોના સપોર્ટે બજારમાં તીવ્ર બાઉન્સ જોવાયું
ભારતીય બજારમાં સોમવારે મોટી વધ-ઘટ જોવા મળી હતી. ગેપ-ડાઉન ઓપનીંગ બાદ એક તબક્કે લગભગ 1.9 ટકા જેટલો ઘટાડો દર્શાવનાર બજાર યુરોપ બજારોમાં મજબૂતી પાછળ 0.7 ટકાના ઘટાડે બંધ રહ્યું હતું. નિફ્ટી 14746ના તળિયાથી રિકવર થઈ 14930 પર બંધ આવ્યો હતો. આમ તેણે કોન્સોલિડેશનની રેંજ તોડી નથી. જે સૂચવે છે કે બજારમાં તેજીનો ટ્રેન્ડ અકબંધ છે.
કન્ટેનર્સ અને પેકેજિંગ શેર્સમાં ભારે લેવાલી
સોમવારે એકબાજુ બજારમાં વેચવાલી જોવા મળી રહી હતી ત્યારે કન્ટેનર્સ અને પેકેજિંગ ક્ષેત્રના શેર્સમાં તીવ્ર લેવાલી જોવા મળી રહી હતી. અલબત્ત, છેલ્લા કેટલાક સત્રોથી ધીમો સુધારો દર્શાવી રહેલા શેર્સમાં ઊંચી લેવાલી પાછળ 20 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જેમાં નાહર પોલીનો શેર 20 ટકા ઉછળ્યો હતો અને રૂ. 120ની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. જ્યારે જિંદાલ પોલી ફિલ્મ્સનો શેર 11 ટકા ઉછળી રૂ. 941ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 150ના તળિયેથી સુધરતો રહી છ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. એક અન્ય કંપની કોસ્મો ફિલ્મ્સનો શેર 6 ટકા ઉછળી રૂ. 698ના ટોચના ભાવે ટ્રેડ થયો હતો. માર્ચ 2020માં રૂ. 187ના તળિયાથી તે ત્રણ ગણાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે.
આઈટી અને મેટલ્સમાં મજબૂતી જોવા મળી
બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે માત્ર નિફ્ટી આઈટી અને નિફ્ટી મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી હતી. જેમાં નિફ્ટી મેટલ્સ દિવસ દરમિયાન સતત સુધરતો રહી એક ટકા મજબૂતી દર્શાવતો હતો. જયારે નિફ્ટી આઈટી 0.7 ટકા સુધારો દર્શાવતો હતો. મેટલ કાઉન્ટર્સમાં સ્ટીલ શેર્સ સૌથી વધુ મજબૂતી જોવા મળતાં હતાં. જેમાં સેઈલ 4.5 ટકા, જિંદાલ સ્ટીલ 2.6 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.5 ટકા અને ટાટા સ્ટીલ 2.2 ટકાની મજબૂતી દર્શાવતાં હતાં. એલ્યુમિનિયમ અને કોપર શેર્સમાં પણ સુધારો જોવા મળતો હતો. આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ 4 ટકા, માઈન્ડટ્રી 3 ટકા, ટેક મહિન્દ્રા 2.4 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં.
ગોલ્ડ-સિલ્વરમાં નવા સપ્તાહે મજબૂતી
ઉઘડતાં સપ્તાહે કિંમતી ધાતુઓમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં મજબૂતી વચ્ચે એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 140ના સુધારે રૂ. 44890ની સપાટીએ ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 524ના સુધારા સાથે રૂ. 67368 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં પણ નીકલ, ઝીંક અને એલ્યુમિનિયમમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો હતો. જ્યારે કોપર અને લેડમાં નરમાઈ જોવા મળતી હતી.
નિફ્ટીમાં રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં 75 ટકા રિટર્ન
16 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન નિફ્ટી 2.55 ટકાનો ઘટાડો દર્શાવે છે જ્યારે મીડ અને સ્મોલ-કેપ શેર્સે જંગી વળતર આપ્યું છે
એનએસઈ-500માં સમાવિષ્ટ 500 કંપનીઓમાંથી 123 કંપનીઓએ 10 ટકાથી વધુ રિટર્ન નોંધાવ્યું છે
ભારતીય બજાર આગવી ચાલ દર્શાવી રહ્યું છે. સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે એક તબક્કે 1.8 ટકા ઘટાડા સાથે પેનિકની સ્થિતિ ઊભી કરનાર બજાર ઉત્તરાર્ધમાં સારા બાઉન્સ સાથે બંધ આવ્યું હતું અને ટ્રેડર્સને રાહત મળી હતી. જોકે એનાથી પણ વધુ નોંધપાત્ર બાબતે એ છે કે બેન્ચમાર્ક નિફ્ટી એક મહિનાથી 5 ટકાની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સ તીવ્ર રિટર્ન દર્શાવી રહ્યાં છે. સોમવારે મંદીના દિવસે પણ બજારમાં 300થી વધુ કંપનીઓના શેર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
ભારતીય બજારે 16 ફેબ્રુઆરીએ તેની ટોચ દર્શાવી હતી. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 15430ની ટોચ દર્શાવી 15313નું સર્વોચ્ચ બંધ આપ્યું હતું. સોમવારે 14923ના બંધ ભાવે તે 2.55 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. સમાનગાળામાં એનએસઈ-500 ગ્રૂપના શેર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે લાર્જ-કેપ્સ સાઈડલાઈન રહ્યાં હતાં. જ્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં રોકાણની અનેક તકો જોવા મળી હતી. જૂથમાં સમાવિષ્ટ 500માંથી 296 કંપનીઓએ છેલ્લા મહિનામાં પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે 204 કંપનીઓમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે નેગેટિવ રિટર્ન દર્શાવવાની જૂજ કંપનીઓએ જ નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો. બીજી બાજુ પોઝીટીવ રિટર્ન દર્શાવનારી કંપનીઓએ માતબર સુધારો દર્શાવ્યો હતો. જેમકે હિંદ કોપરનો શેર મહિનાના ગાળામાં 75 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. કંપનીનો શેર રૂ. 76ના સ્તરેથી સુધરતો રહી રૂ. 158 પર જોવા મળ્યો હતો. સોમવારે તે રૂ. 134 પર બંધ રહ્યો હતો. આકર્ષક વળતર આપનારાઓમાં એમએમસીટી(65 ટકા), આરસીએફ(60 ટકા), નેશનલ ફર્ટિલાઈઝર(56 ટકા), વૈભવ ગ્લોબલ(51 ટકા), જનરલ ઈન્શ્યોરન્સ(48 ટકા), એનબીસીસી(48 ટકા),નો સમાવેશ થાય છે. આમ ઊંચું રિટર્ન આપનારી કંપનીઓમાં પીએસયૂ કંપનીઓનું પ્રમાણ ઊંચું છે. બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ અને પ્રાઈવેટાઈઝેશન પર મૂકવામાં આવેલા ભાર પાછળ પીએસયૂ શેર્સ સારો દેખાવ દર્શાવી રહ્યાં છે.
એનએસઈ-500 જૂથની 123 કંપનીઓએ 10 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું હતું. આમ ચારમાંથી એક કંપનીએ દ્વિઅંકી વળતર દર્શાવ્યું હતું. એનાલિસ્ટ્સ આ ઘટનાને રિટેલ રોકાણકારો સાથે એક પ્રકારનું છળ ગણાવે છે. લાર્જ-કેપ્સને નરમ રાખીને નાના રોકાણકારોમાં ગભરાટ ફેલાવી માલ પડાવામાં આવી રહ્યો છે. આ પ્રકારની મુવમેન્ટ થાય ત્યારે બજારમાંથી નબળા હાથ બહાર નીકળી જતાં હોય છે અને જાણકારો જંગી માત્રામાં તેમની પોઝીશન બનાવી શકતાં હોય છે. સોમવારે પણ બજારમાં પેનિક જેવો માહોલ ઊભા કરી પસંદગીના કાઉન્ટર્સમાં મોટી ખરીદી જોવા મળી હતી. જેમાં મેટલ્સ એક કેટેગરી હતી. આમ લાર્જ-કેપ્સ અને એફએન્ડઓમાં રોટેશન અને ચોપીનેસ જાળવી બાકીના બજારમાં ખરીદીનો ટ્રેન્ડ જળવાયો છે. જે નિફ્ટીમાં 15400ની સપાટી પાર થશે ત્યારબાદ બદલાશે.
છેલ્લા મહિનામાં નિફ્ટી અને નિફ્ટી-500 શેર્સની મૂવમેન્ટ
સ્ક્રિપ્સ 16 ફેબ્રુ.નો બંધભાવ(રૂ) સોમવારનો બંધ ભાવ(રૂ) વૃદ્ધિ(%)
નિફ્ટી 15313 14923 -2.55
હિંદ કોપર 76.40 134.00 75.39
MMTC 27.65 45.70 65.28
આરસીએફ 52.42 83.75 59.77
નેશનલ ફર્ટિ. 38.85 60.50 55.73
વૈભવ ગ્લોબલ 2919.80 4402.05 50.77
જનરલ ઈન્શ્યો. 141.95 209.70 47.73
NBCC 32.40 47.85 47.69
BEML 935.45 1350.00 44.32
લિંડે ઈન્ડિયા 1279.60 1845.00 44.19
SCI 85.90 123.55 43.83
IDBI 28.85 40.50 40.38
ગ્રિવ્ઝ કોટન 98.95 138.90 40.37
પોલીમેડ 630.50 885.00 40.36
જસ્ટ ડાયલ 661.45 925.00 39.84