Market Summary 15 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

વૈશ્વિક દબાણ પાછળ પાંચ સત્રોની તેજી પર બ્રેક

સેન્સેક્સ દિવસની ટોચ પરથી 1302 પોઈન્ટ્સ પટકાયો

વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 26.73ના સ્તરે

મેટલ, આઈટી, એનર્જીમાં ભારે વેચવાલી નોંધાઈ

સુગર શેર્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ

એશિયામાં હોંગ કોંગ-ચીનના બજારોમાં બ્લડબાથ

 

મંગળવારે ગેપ-અપ ઓપનીંગ વચ્ચે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહેલા સ્થાનિક બજારમાં બપોર બાદ વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ વેચવાલી નીકળી હતી અને પાંચ સત્રોથી જોવા મળી રહેલી તેજીને બ્રેક લાગી હતી. બીએસઈ સેન્સેક્સ 709 પોઈન્ટ્સ ઘટાડે 55777ની સપાટીએ જ્યારે એનએસઈનો નિફ્ટી 208 પોઈન્ટ્સ ગગડી 16663 પર બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 26.73ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 18 પોઝીટીવ જોવા મળ્યાં હતાં.

ક્રૂડ અને બેઝ મેટલ્સના ભાવમાં ઝડપી ઘટાડા વચ્ચે ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ બે સત્રોથી મજબૂત જોવા મળી રહ્યું હતું. જેની પાછળ મંગળવારે પોઝીટીવ ઓપનીંગ બાદ નિફ્ટી 16928ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે દિવસ જતાં તે ઘટતો રહ્યો હતો અને ટોચથી 350 પોઈન્ટ્સ કરતાં વધુ ઘટાડે 16555ના તળિયા પર ટ્રેડ થયો હતો. હોંગ કોંગ અને ચીન બજારોમાં તીવ્ર ઘટાડાને કારણે સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. બપોરે યુરોપિયન માર્કેટ્સ પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેને કારણે બજારમાં બાઉન્સનો અભાવ જોવા મળ્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે તાજેતરના તળિયાથી નોંધપાત્ર પ્રત્યાઘાતી સુધારા બાદ કેટલોક સમય માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડાને તેઓ ભારતીય બજાર માટે મોટું પોઝીટીવ કારણ દર્શાવી રહ્યાં છે. જેને કારણે વધ-ઘટ વચ્ચે બજાર સુધારાતરફી ચાલ દર્શાવે તેવી શક્યતા ઊંચી હોવાનું તેમનું માનવું છે. માર્કેટમાં અત્યાર સુધી અન્ડરપર્ફોર્મર રહેલું બેંકિંગ ક્ષેત્ર નવી તેજીનું સુકાન લે તેમ પણ માનવામાં આવે છે. જેની પાછળ ઓટોમાં પણ મજબૂતી જોવા મળી શકે છે. મંગળવારે બેંક નિફ્ટીમાં માત્ર 0.82 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને નાના કદની પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓના શેરમાં ખરીદી જોવા મળી હતી. જેમાં બંધન બેંક 6 ટકા જ્યાર એયૂ સ્મોલ ફાઈ. બેંક 4.32 ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં. બેઝ મેટલ્સના ભાવમાં ઘટાડા પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.07 ટકાનો ઘટાડો સૂચવતો હતો. જેમાં હિંદાલ્કો 5.25 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. જ્યારે ટાટા સ્ટીલ પણ 4.9 ટકા ઘટાડો દર્શાવતો હતો. હોંગ કોંગ ખાતે ટેક્નોલોજિ શેર્સમાં તીવ્ર ગાબડાં પડતાં સ્થાનિક આઈટી કંપનીઓના ભાવ પર પણ તેની અસર જોવા મળી હતી અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.58 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત એનર્જિ ઈન્ડેક્સ 2.18 ટકા, પીએસઈ 2.34 ટકા અને ઓઈલ-ગેસમાં 2.52 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા અને એફએમસીજીમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. જેમાં સિપ્લાનો શેર રૂ. 1083ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ 1.85 ટકા સુધારા સાથે રૂ. 1068 પર બંધ રહ્યો હતો. કન્ઝ્યૂમર કંપનીઓમાં ટાટા કન્ઝ્યૂમર 3.65 ટકા સાથે નિફ્ટીમાં સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. એ સિવાય બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન અને નેસ્લેમાં પણ સુધારો નોંધાયો હતો.

બ્રોડ માર્કેટમાં જોકે સતત છ સત્રો બાદ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3488 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2120 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1270 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 116 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.87 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.41 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. સ્મોલ-કેપ્સમાં બલરામપુર ચીની 7 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત વોખાર્ડ(-6 ટકા), જીએનએફસી(-5 ટકા), હિંદ કોપર(-5 ટકા) અને બિરલા કોર્પ(-5 ટકા) ઘટાડો સૂચવી રહ્યાં હતાં.

 

હોંગકોંગ-ચીનના શેર બજારોમાં 2008 પછીનો સૌથી તીવ્ર ઘટાડો

બે સત્રોમાં જ હોંગ કોંગ શેરબજારમાં 12 ટકાનો કડાકો જ્યારે ચીનનો બેન્ચમાર્ક 7 ટકા જેટલો તૂટ્યો

ચીન સરકારે જાહેર કરેલા કોમન પ્રોસ્પેરિટી પ્રોગ્રામ પાછળ વિદેશી ફંડ્સની જંગી વેચવાલી

ચીન સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા કોમન પ્રોસ્પેરિટી પ્રોગ્રામ પાછળ છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા માર્કેટ-કેપ ધરાવતાં હોંગ કોંગ બજારમાં તીવ્ર ગાબડાં પડ્યાં છે. બે ટ્રેડિંગ સત્રોમાં જ હોંગ કોંગ માર્કેટનો હેંગ સેંગ ઈન્ડેક્સ 12 ટકાથી વધુનું ધોવાણ દર્શાવવા સાથે છેલ્લાં દાયકાના તળિયા પર પહોંચ્યો છે. મંગળવારે હેંગ સેંગ 1117 પોઈન્ટ્સ અથવા 5.72 ટકા ઘટાડે 18415ની સપાટી પર બંધ રહ્યો હતો. માર્ચ મહિનામાં તેણે 17 ટકા જ્યારે ચાલુ કેલેન્ડરમાં બેન્ચમાર્ક 22 ટકાનું તીવ્ર ધોવાણ દર્શાવી રહ્યો છે. બીજી બાજુ ચીન ખાતે કોવિડ કેસિસમાં વૃદ્ધિ પાછળ બેન્ચમાર્ક 7 ટકા જેટલો ગગડ્યો છે. મંગળવારે તે 5 ટકા તૂટી 3064ની છેલ્લાં બે વર્ષથી વધુ સમયના તળિયા પર ટ્રેડ થયો હતો.

ચીનના કોમન પ્રોસ્પેરિટી પ્રોગ્રામને કારણે વિદેશી ફંડ્સને ડર છે કે સરકાર ખાનગી ઉદ્યોગો પર વધુ નિયંત્રણો લાગુ પાડશે. તેમજ વિદેશી રોકાણ નીતિમાં પણ ફેરફાર કરશે. જેને કારણે છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં અનેક વિદેશી ફંડ્સે હોંગ કોંગ માર્કેટ્સમાં ભારે વેચવાલી દર્શાવી છે. જે ફંડ્સે છેલ્લાં કેટલાંક સત્રો દરમિયાન ઘટાડે ખરીદી કરી હતી. તેમણે પણ સોમવારે માર્કેટમાં વેલ્યૂએશન્સ દાયકાના નીચા સ્તરે પહોંચી ગયા બાદ વેચવાલી કાઢી હતી. જેમાં યૂબીએસ એક હતું એમ વર્તુળો જણાવે છે. ચીન પ્રમુખે 13મી નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં કોમન પ્રોસ્પેરિટિ હાંસલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

હોંગ કોંગનો ટેક ઈન્ડેક્સ ચાલુ મહિને 30 ટકા જેટલો તૂટ્યો છે. રોકાણકારોને યુએસ અને ચીનના સત્તાવાળાઓ તરફથી સેક્ટર પર નવી રેગ્યુલેટરી પસ્તાળ પાડવામાં આવે તેનો ભય સતાવી રહ્યો છે. જાપાન બજાર સિવાયનો એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્સ છેલ્લાં એક મહિનામાં 8.2 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. ચીન ખાતે કોવિડના નવા વેવને કારણે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રને લઈને ચિંતા ઊભી થઈ છે. સાથે રશિયાને મિલિટરી અથવા નાણાકિય સહાય પૂરી પાડવા અંગે યુએસ તરફથી ચીનને આપવામાં આવેલી ચેતવણીએ પણ રોકાણકારોમાં ચિંતા ઊભી કરી છે.

 

રિલાયન્સ ન્યૂ એનર્જીએ લિથિયમ વર્ક્સની એસેટ્સ ખરીદી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જીએ 6.1 કરોડ યુએસ ડોલરમાં લિથિયમ વર્ક્સની તમામ એસેટ્સ હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં કંપનીની ભાવિ વિકાસ માટેના ભંડોળનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ એનર્જીએ લિથિયમ વર્ક્સના સમગ્ર પેટન્ટ પોર્ટફોલિયો, ચીનમાં ઉત્પાદન સુવિધા, ચાવીરૂપ વ્યાપાર કરારો અને વર્તમાન કર્મચારીઓ સહિતની એસેટ્સ ખરીદશે. વેલેન્સ અને A123 ઔદ્યોગિક વિભાગની ચોક્કસ સંપત્તિના સંપાદન મારફતે 2017માં સ્થપાયેલી લિથિયમ વર્ક્સના મેનેજમેન્ટ પાસે 30થી વધુ વર્ષોનો બેટરી ઉદ્યોગનો અનુભવ છે.

બે ટ્રેડિંગ સત્રોમાં પેટીએમના શેરમાં 25 ટકાનું ગાબડું

ફિનટેક કંપની પેટીએમના શેરમાં બે ટ્રેડિંગ સત્રોમાં 25 ટકાનું ગાબડું પડ્યું છે. સોમવારે 13 ટકાના ઘટાડા બાદ મંગળવારે પણ શેર 12.20 ટકા જેટલો ગગડ્યો હતો. મંગળવારે તે રૂ. 82.35ના ઘટાડે રૂ. 592.45ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 584.55નું તળિયું દર્શાવ્યું હતું. શેરનું માર્કેટ-કેપ રૂ. 38421 કરોડ પર જોવા મળ્યું હતું. જે સાથે તે બીએસઈ ખાતે ટોચની 100 માર્કેટ-કેપ કંપનીઓમાંથી બહાર નીકળી ગયો હતો. ગયા સપ્તાહે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો નહિ લેવા માટે આદેશ આપ્યો હતો. જે પાછળના કારણોમાં કંપની દ્વારા ચાઈનીઝ કંપનીને ડેટા વહેંચવાનો તેમજ ક્લાયન્ટ્સ વેરિફિકેશનમાં છીંડા હોવાની બાબતો જવાબદાર હતી. એક અન્ય ડેવલપમેન્ટમાં કંપનીમાં રોકાણકાર સોફ્ટ બેંકના પ્રતિનિધિ પેટીએમમાંથી બહાર નીકળવાના અહેવાલે પણ માર્કેટને આંચકો આપ્યો હતો.

નવી ટેકનોલોજીસે રૂ. 3350 કરોડ એકત્ર કરવા ડીઆરએચપી ફાઇલ કર્યું

સચિન બંસલ-પ્રમોટેડ નોન-ડિપોઝિટ ટેકિંગ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની માઇક્રો ફાઇનાન્સમાં સક્રિય નવી ટેકનોલોજીસ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યુ છે. કંપની આઈપીઓમાં ફ્રેશ ઇશ્યૂ મારફતે રૂ. 3,350 કરોડનું ફંડ ઊભું કરવાની યોજના ધરાવે છે. જેનો ઉપયોગ બિઝનેસ વૃદ્ધિમાં રોકાણનો રહેશે.

 

કોમોડિટીઝમાં તેજી અલ્પજીવી નીવડી, ક્રૂડ સહિત સોનુ-ચાંદી ઊંધા માથે પટકાયાં

બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 8 ટકા ગગડી 100 ડોલર નીચે ઉતર્યો, ગોલ્ડ 1922 ડોલર પર જોવા મળ્યું

ક્રૂડ ગયા સપ્તાહની ટોચ પરથી 42 ડોલર જ્યારે ગોલ્ડમાં 155 ડોલરનો તીવ્ર ઘટાડો નોંધાયો

યુએસ ફેડ દ્વારા બુધવારે રેટ વૃદ્ધિ અગાઉ કોમોડિટીઝમાં ભારે વેચવાલી

રશિયા-યુક્રેન યુધ્ધ પાછળ તીવ્ર ઉછાળો દર્શાવનારા કોમોડિટીઝના ભાવમાં તેજી અલ્પજીવી નીવડી છે. ક્રૂડ સહિત મોટાભાગની કોમોડિટીઝના ભાવ બે સપ્તાહમાં જોવા મળેલા સુધારાનો નોંધપાત્ર હિસ્સો ગુમાવી ચૂક્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 8 ટકા ગગડી 97.50 ડોલરની સપાટી પર ટ્રેડ થયો હતો. ઈવેન્ટ સ્પેસિફિક તેજી બાદ ખરીદીના અભાવે તેઓ ઊંધા માથે પટકાયાં હોવાનું માર્કેટ નિરીક્ષકો માને છે. ઘટાડો આગામી સમયગાળામાં પણ જળવાય રહેવાની શક્યતાં તેઓ વ્યક્ત કરે છે.

કોમોડિટી એનાલિસ્ટ્સના મતે યુધ્ધના કારણે કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલું રિસ્ક પ્રિમીયમ લગભગ દૂર થયું છે. ક્રૂડના ભાવ ફરીથી તેની અગાઉની સપાટી તરફ પરત ફરે તેવી શક્યતાં ઊભી થઈ છે. કેમકે ક્રૂડના સપ્લાય પર કોઈ મોટી નેગેટિવ અસર નથી જોવા મળી. બીજી બાજુ ચીન ખાતે કોવિડ કેસિસમાં વૃદ્ધિને કારણે લોકડાઉન પાછળ પણ ભાવ પર નેગેટિવ અસર ઊભી થઈ છે. અગાઉ કોવિડની પ્રથમ લહેર વખતે ક્રૂડના ભાવ 70 ડોલરથી ગગડી 15 ડોલર પર ટ્રેડ થયા હતાં. જ્યારે યુએસ ખાતે ક્રૂડ વાયદો શૂન્યની નીચે ઉતરી ગયો હતો. વર્તુળોના મતે રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં કોઈ પોઝીટીવ ડેવલપમેન્ટ જોવા મળે તેવી શક્યતાં પણ રાખવામાં આવે છે. જો આમ થશે તો ક્રૂડમાં ઝડપી ઘટાડો જોવા મળી શકે છે. જે સ્થિતિમાં બ્રેન્ટ વાયદો 90 ડોલર નીચે સરકી જાય તેવી સંભાવના છે. ગયા સપ્તાહે બ્રેન્ટ વાયદો 139 ડોલરની જુલાઈ 2008 પછીની 14 વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી લગભગ 40 ટકા જેટલો ગગડી મંગળવારે 98 ડોલર પર પરત ફર્યો હતો. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો રૂ. 10000ની સર્વોચ્ચ સપાટી પરથી ગગડી મંગળવારે રૂ. 7159ના સ્તરે જોવા મળ્યો હતો.

ક્રૂડ સાથે બુલિયન અને બેઝ મેટલ્સના ભાવ પણ ઘસાતાં જોવા મળે છે. કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ મંગળવારે 36 ડોલરથી વધુ ઘટાડે 1922 ડોલર પર ટ્રેડ થયો હતો. જે ગયા સપ્તાહે 2077 ડોલરની ટોચ પરથી 155 ડોલરનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ ફેડ બુધવારે તેની નાણાકિય સમીક્ષા બેઠક બાદ રેટમાં વૃદ્ધિ કરશે તે નિશ્ચિત છે. જેની પ્રતિક્રિયારૂપે ગોલ્ડમાં ઘસારો જોવા મળ્યો છે. જોકે આ બાબત અગાઉથી ડિસ્કાઉન્ટેડ છે. ઊલટાનું જો ફેડ માત્ર 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરશે તો ગોલ્ડ ઉછાળો પણ દર્શાવી શકે છે એમ માનવામાં આવે છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ સોનુ ટોચના સ્તરેથી રૂ. 3000 કરતાં વધુ ગગડી ચૂક્યું છે. મંગળવારે તે 1.5 ટકા અથવા રૂ. 700થી વધુના ઘટાડે રૂ. 51449ના સ્તરે ટ્રેડ થયું હતું. તેણે ઊપરમાં રૂ. 55 હજારની સપાટી પાર કરી હતી. ચાંદીના ભાવ ગયા સપ્તાહે રૂ. 73 હજારની ટોચ સામે રૂ. 5000થી વધુ ગગડી રૂ. 67710ની સપાટી પર જોવા મળતાં હતાં. મંગળવારે તે 1.5 ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ રૂ. 320ની ટોચ સામે રૂ. 265ના સ્તરે ટ્રેડ થતું હતું. મંગળવારે તે 2.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. કોપર, ઝીંક અને લેડ પણ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જ્યારે નેચરલ ગેસ 2 ટકા ઘટાડો દર્શાવતો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage