Market Summary 15 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


સતત બીજા દિવસે પાંખા કામકાજ વચ્ચે રેંજ બાઉન્ડ માર્કેટ
વૈશ્વિક બજારોમાં સુધારાની ચાલ આગળ વધી
હોંગ કોંગ, તાઈવાન, ચીનના બજારોમાં મજબૂતી
ઈન્ડિયાવિક્સ 2 ટકા ગગડી 14.63ની સપાટીએ
બેંકિંગ, એનર્જી, પીએસઈ, મેટલ તરફથી સપોર્ટ
એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ખરીદીનો અભાવ
મઝગાંવ ડોક, રેઈલ વિકાસ સર્વોચ્ચ સપાટીએ

વૈશ્વિક બજારોમાં મહ્દઅંશે મજબૂતી વચ્ચે ભારતીય બજાર બીજા દિવસે રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 249 પોઈન્ટ્સના સુધારા સાથે 61873ની સપાટીએ જ્યારે નિફ્ટી 74 પોઈન્ટ્સ મજબૂતી વચ્ચે 18403ની સપાટીએ બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ દિવસના તળિયેથી 519 પોઈન્ટ્સ ઉંચકાઈને બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં મજબૂતી પાછળ નિફ્ટી કાઉન્ટર્સની માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 33 પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 17 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદીનો અભાવ વર્તાતો હતો અને તેને કારણે માર્કેટ બ્રેડ્થ સતત ત્રીજા દિવસે નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા નરમાઈ સાથે 14.63ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે યુએસના બજારો સોમવારે નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જોકે તેની અસર એશિયન બજારો પર જોવા મળી નહોતી. હોંગ કોંગ માર્કેટ 4 ટકાથી વધુ ઉછળી બંધ રહ્યું હતું. જ્યારે તાઈવાન, ચીન જેવા બજારો 1-2 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ સાથે શરૂઆત બાદ રેડ ઝોનમાં સરી પડ્યું હતું અને સાંકડી રેંજમાં અથડાતું રહ્યું હતું. જોકે બંધ થતાં અગાઉ તેમાં એક ઝડપી સુધારો જોવા મળ્યો હતો અને તે દિવસની ટોચ નજીક જ બંધ આપવામાં સફળ રહ્યું હતું. સેન્સેક્સે તેનું સર્વોચ્ચ બંધ આપ્યું હતું. જ્યારે નિફ્ટી માટે આજનો બંધ ડેઈલી ચાર્ટ પર ત્રીજો સૌથી ઊંચો બંધ હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 18400-18500ની રેંજ મહત્વની બની રહેશે. જે પાર થશે તો તે નવી રેંજમાં પ્રવેશી શકે છે. માર્કેટને મુખ્ય સપોર્ટ ફાઈનાન્સિયલ્સ તરફથી મળે તેવી શક્યતાં છે. યુએસ ખાતે ટેક્નોલોજી હેવી નાસ્ડેક બોટમ આઉટ થઈ રહ્યો હોવાના કારણે આઈટી પણ મજબૂતી દર્શાવી રહ્યું છે. બજારમાં નવેમ્બર એક્સપાયરી અગાઉ માત્ર સાત ટ્રેડિંગ સત્રો બાકી રહ્યાં છે અને તે દરમિયાન માર્કેટમાં ઊંચી વધ-ઘટની શક્યતાં છે.
મંગળવારે માર્કેટને બેંકિંગ, એનર્જી, પીએસઈ, મેટલ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટીબેંક 0.7 ટકા સુધારા સાથે 42372.70ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 42450ની ટોચ દર્શાવી હતી. બેંકિંગ કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક 2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત એસબીઆઈ, બંધન બેંક, એક્સિસ બેંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈ., ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.63 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગેઈલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એચપીસીએલ સુધારો દર્શાવવામાં અગ્રણી હતાં. નિફ્ટી એનર્જી અડધો ટકો મજબૂતી સૂચવતો હતો. જેમાં પણ ઉપરોક્ત પીએસયૂ કાઉન્ટર્સનું યોગદાન મુખ્ય હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.45 ટકા નરમાઈ દર્શાવી રહ્યો હતો. નિફ્ટી મેટલ અડધા ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 2 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત વેદાંત, મોઈલ અને નાલ્કો મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો પણ 0.64 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન હીરો મોટોકોર્પ તરફથી જોવા મળ્યું હતું. આ ઉપરાંત એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, એમએન્ડએમ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, અમર રાજા બેટરીઝમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા પણ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી અને ટેક મહિન્દ્રાએ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે માઈન્ડટ્રી, કોફોર્જ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, એલએન્ડટી ઈન્ફોટેક નરમા જોવા મળ્યા હતાં. નિફ્ટી ફાર્મા ક્ષેત્રે ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, ઓરો ફાર્મા મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે ઝાયડસ લાઈફ, સિપ્લા, લ્યુપિન અને બાયોકોનમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં ઘટવામાં ઈમામી, આઈટીસી, ડાબર ઈન્ડિયા અને નેસ્લે મુખ્ય હતાં. નિફ્ટી રિઅલ્ટી પણ સાધારણ નરમાઈ દર્શાવતો હતો. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 4 ટકા તૂટ્યો હતો. પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ડીએલએફ પણ નરમ બંધ જોવા મળ્યાં હતાં.



વોરેન બૂફેની બર્કશાયર હાથવેએ TSMCમાં 4.1 અબજ ડોલરનું રોકાણ કર્યું

વિશ્વમાં રોકાણ ગુરુ તરીકે જાણીતા વોરેન બૂફેની બર્કશાયર હાથવેએ તાઈવાન સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ કંપની(ટીએસએમસી)માં 4.1 અબજ ડોલરના શેર્સની ખરીદી કરી છે. વોરેન બૂફે દ્વારા ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ્યે જ જોવા મળતાં રોકાણોમાંનું આ એક રોકાણ છે.
બૂફેના રોકાણ પાછળ મંગળવારે ટીસીએમસીનો શેર 7.9 ટકા ઉછળી બંધ રહ્યો હતો. બર્કશાયરના રોકાણ પાછળ વિશ્વમાં સૌથી મોટી કોન્ટ્રેક્ટ ચીપમેકર ઉત્પાદક કંપનીને લઈ રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝીટીવ બન્યું હતું. વૈશ્વિક ચીપ માગમાં તીવ્ર મંદી પાછળ ગયા મહિને કંપનીનો શેર બે-વર્ષોના તળિયા પર ટ્રેડ થયો હતો. સોમવારે રેગ્યુલેટરી ફાઈલીગમાં બર્કશાયરે જણાવ્યું હતું કે તે 30 સપ્ટેમ્બરના રોજ તે ટીએસએમસીના 6.01 કરોડ અમેરિકન ડિપોઝીટરી શેર્સ ધરાવતી હતી. ટીએસએમસીના અન્ય વિદેશી રોકાણકારોમાં યૂએસ એસેટ મેનેજર્સ બ્લેકરોક ઈન્ક અને વેનગાર્ડ ગ્રૂપ ઈન્ક તેમજ સિંગાપુર સોવરિન ફંડ જીઆઈસીનો સમાવેશ થાય છે. ટીએસએમસી એપલ ઈન્ક, ક્વાલકોમ અને એનવિડિયા કોર્પ જેવી અગ્રણી કંપનીઓ માટે ચિપ્સનું ઉત્પાદન કરે છે. તેણે ગયા મહિને પ્રોફિટમાં 80 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.


રાજ્યમાં 9.11 લાખ હેકટર સાથે 20 ટકા રવિ વાવેતર પૂર્ણ
ગઈ સિઝનમાં 2.49 લાખ હેકટર સામે સમાનગાળામાં 6.62 લાખ હેકટરમાં વધુ વાવેતર
રાયડો, ચણા, ઘઉંનું વાવેતર 1-2 લાખ હેકટરમાં નોંધાયું
જીરુ, ડુંગળી, બટાટા, શાકભાજી અને ઘાસચારા પાકોનું પણ ઊંચું વાવેતર
વર્તમાન રવિ સિઝનમાં વાવેતર પ્રગતિ ખૂબ સારી જોવા મળી રહી છે. રાજ્યમાં ચૂંટણીની ચહેલ-પહેલ વચ્ચે વાવેતર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સોમવાર સુધીમાં ગુજરાતમાં કુલ 9.11 લાખ હેકટરમાં વિવિધ શિયાળુ પાકોની વાવણી થઈ ચૂકી છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 2.49 લાખ હેકટરમાં જોવા મળી રહી હતી. આમ ચાલુ સિઝનમાં 6.62 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લી ત્રણ રવિ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 44.75 લાખ હેકટરમાં શિયાળુ પાક વવાયાં હતાં.
ચાલુ સિઝનમાં વાવેતર ઝડપી જોવા મળી રહ્યું છે. દરેક પાકનું વાવેતર ગઈ સિઝનમાં સમાનગાળા કરતાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવી રહ્યું છે. જેમકે રવિ તેલિબિયાં રાયડાની વાવણી 1,81,373 હેકટરમાં થઈ ચૂકી છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 69,468 હેકટરમાં જોવા મળતી હતી. છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 2.42 લાખ હેકટર સામે રાયડાનું વાવેતર 75 ટકા વિસ્તારમાં સંપન્ન થઈ ચૂક્યું છે. ચણાનું વાવેતર પણ 1.80 લાખ(ગઈ સિઝનમાં 17602 હેકટર)માં જોવા મળે છે. જે 7.75 લાખ હેકટરના સરેરાશ વિસ્તારના 23 ટકાથી વધુ વિસ્તારમાં નોંધાઈ ચૂક્યું છે. સૌથી મોટા શિયાળુ પાક ઘઉંનું વાવેતર પણ 1.17 લાખ હેકટર(2220 હેકટર)માં જોવા મળે છે. જે 8 ટકા વાવેતર વિસ્તાર દર્શાવે છે. મસાલા પાકોની વાત કરીએ તો જીરુંનું વાવેતર 29 હજાર હેકટર(330 હેકટર)માં થઈ ચૂક્યું છે. જે કુલ વાવેતરના 7 ટકા જેટલું જોવા મળે છે. ધાણાનું વાવેતર પણ ગઈ સિઝનના માત્ર 159 હેકટર સામે 32210 હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે 27 ટકા વાવેતર વિસ્તાર સૂચવે છે. ડુંગળી(16602 હેકટર) અને બટાટા(16476 હેકટર)નું વાવેતર અનુક્રમે 26 ટકા અને 14 ટકા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જે ગઈ સિઝનમાં અનુક્રમે 2528 હેકટર અને 5508 હેકટરમાં જ નોંધાયું હતું. શાકભાજી પાકોનું વાવેતર 20 ટકા સાથે 40 હજાર હેકટર(11 હજાર હેકટર)માં જ્યારે ઘાસચારા પાકોનું વાવેતર 1,36,367 હેકટર(32401 હેકટર)માં પૂર્ણ થઈ ચૂક્યું છે. ખરિફ સિઝનમાં ખેડૂતો માટે સમયસર પાકની કાપણી શક્ય બનવાને કારણે રવિ વાવેતર વહેલું જોવા મળી રહ્યું છે. ઉપરાંત ખેડૂતો પાસે પાણીની સગવડને કારણે પણ તેઓ રવિ પાકની વાવણીને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે.
રવિ પાકની વાવણીનું ચિત્ર(વાવેતર હેકટરમા)
પાક રવિ 2022 રવિ 2021

રાયડો 1,81,373 69,468
ચણા 1,80,157 17,602
ઘઉં 1,17,000 2220
જીરું 29000 330
બટાટા 17476 5508
ડુંગળી 16602 2528
શાકભાજી 40000 18897
ઘાસચારો 1,36,367 32401



ઓક્ટોબરમાં વેપારી ખાધ વધી 27 અબજ ડોલરે પહોંચી
નિકાસમાં 17 ટકા ઘટાડો નોંધાયો, આયાત ઓક્ટોબર 2021માં 53.64 અબજ ડોલર સામે વધી 56.69 અબજ ડોલર પર જોવા મળી

ભારતની વેપારી ખાધ(ટ્રેડ ડેફિસિટ)માં વૃદ્ધિનો ક્રમ ચાલુ છે. ઓક્ટોબરમાં દેશની નિકાસ 16.65 ટકા ગગડી 29.78 અબજ ડોલર પર રહી હતી. જેને કારણે વેપારી ખાધ વધુ મોટી બની હતી. સપ્ટેમ્બર 2022માં દેશમાંથી નિકાસ 35.4 ટકા પર રહી હતી. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબર(2021)માં નિકાસ 35.7 અબજ ડોલર પર જોવા મળી હતી.
ઓક્ટોબરમાં દેશની આયાતમાં માસિક ધોરણે ઘટાડો નોંધાયો હતો. જોકે વાર્ષિક ધોરણે તે વૃદ્ધિ દર્શાવતી હતી. ગયા મહિને દેશમાં કુલ 56.69 અબજ ડોલરની આયાત જોવા મળી હતી. જે સપ્ટેમ્બર 2022માં 61.16 અબજ ડોલરના સ્તરે નોંધાઈ હતી. જ્યારે ઓક્ટોબર 2021માં 53.64 અબજ ડોલર પર રહી હતી. આમ વાર્ષિક ધોરણે આયાતમાં 3 અબજ ડોલરથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે નિકાસ છ અબજ ડોલરનો ઘટાડો સૂચવતી હતી. જેને કારણે વેપારી ખાધ વધુ પહોળી બની હતી. ચાલુ નાણાકિય વર્ષની વાત કરીએ તો એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં દેશની નિકાસ 12.55 ટકા વૃદ્ધિ સાથે 263.35 અબજ ડોલર પર જોવા મળી છે. જ્યારે આયાત 33.12 ટકા ઉછળી 436.81 અબજ ડોલર પર નોંધાઈ છે. સપ્ટેમ્બર 2022માં દેશની વેપાર ખાધ 26.72 અબજ ડોલર પર જોવા મળી હતી. જોકે તે ઓગસ્ટ મહિનામાં જોવા મળતી 28.68 અબજ ડોલરની ખાધ કરતાં નીચી રહી હતી. જોકે સપ્ટેમ્બર 2021માં જોવા મળતી 22.47 અબજ ડોલરની ખાધની સરખામણીમાં તે 4 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવતી હતી. નાણાકિય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેપાર ખાધમાં બમણાથી પણ વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બરમાં કુલ વેપાર ખાધ 149.47 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 76.25 અબજ ડોલર પર જોવા મળતી હતી. એપ્રિલથી સપ્ટેમ્બર 2022માં દેશમાંથી કુલ નિકાસ 229.05 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 198.25 અબજ ડોલરની નિકાસની સરખામણીમાં 15.54 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સમાનગાળામાં આયાત પર નજર નાખીએ તો તે 38 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલથી સપ્ટેમ્બરમાં દેશમાં કુલ આયાત 378.5 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 274.5 અબજ ડોલર પર હતી. આમ નિકાસની સરખામણીમાં આયાતમાં વૃદ્ધિ દર બમણાથી પણ ઊંચો નોંધાયો છે. જેને કારણે વેપાર ખાધ વિક્રમી સપાટી પર જોવા મળી રહી છે.

આયાત-નિકાસમાં અસંતુલન
• એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં નિકાસ 12.55 ટકા વૃદ્ધિ સાથે 263.35 અબજ ડોલર પર રહી
• એપ્રિલથી ઓક્ટોબરમાં આયાત 33.12 ટકા ઉછળી 436.81 અબજ ડોલર પર નોંધાઈ
• ઓક્ટોબરમાં દેશની નિકાસ 16.65 ટકા ગગડી 29.78 અબજ ડોલર પર રહી
• ઓક્ટોબરમાં આયાત 15 ટકાથી વધુ વૃદ્ધિ સાથે 56.69 અબજ ડોલર જોવા મળી


RBIએ ગુજરાતની બે સહિત નવ સહકારી બેંક્સને દંડ ફટકાર્યો
રાજ્યની સંતરામપુર અર્બન કો-ઓપરેટીવ બેંક અને નવાનગર કો-ઓપરેટીવ બેંક પર પેનલ્ટી લાગુ પડી

બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે દેશની નવ અર્બન સહકારી બેંક્સને નાણાકિય દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ આ બેંક્સ તરફથી વિવિધ નિયમોના ભંગ બદલ આમ કર્યું હતું. નવ બેંક્સમાં ગુજરાત સ્થિત સંતરામપુર અર્બન કો-ઓપરેટિવ બેંક અને નવાનગર કો-ઓપરેટિવ બેંક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિસ્સા, મધ્યપ્રદેશની બે-બે બેંક્સ જ્યારે છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડની એક-એક બેંક્સનો સમાવેશ થાય છે.
ઓડિશાની બેંક્સમાં કેન્દ્રપારા અર્બન કો-ઓપરેટિવ બેંક અને બેરહામપુર કોઓપરેટીવ અર્બન બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ક્રિષ્ણા મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક અને જિલા સહકારી કેન્દ્રિય બેંકનો સમાવેશ થાય છે. ઝારખંડની એક બેંકમાં જમશેદપુર અર્બન કોઓપરેટીવ બેંક અને છત્તીસગઢની રેણુકા નાગરિક સહકારી બેંક તથા મહારાષ્ટ્રની ઓસ્માનાબાદ જનતા સહકારી બેંકનો સમાવેશ થાય છે. બેંક રેગ્યુલેટર વિવિધ બેંક્સ પર ભિન્ન-ભિન્ન ટેક્સ લાગુ પાડ્યો છે. જેમાં બેરહામપુર કોઓપરેટીવ અર્બન બેંક પર એક્સપોઝર નોર્મ્સ એન્ડ સ્ટેચ્યૂટરી પરના નિર્દેશોના ભંગ બદલ રૂ. 3.10 લાખનો દંડ લાગુ પડાયો છે. બેંક તરફથી નો યોર કસ્ટમર ડિરેક્શન અને ડિપોઝીટર એજ્યૂકએશન એન્ડ અવેરનેસ ફંડ નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જમશેદપુર અર્બન કોઓપરેટીવ બેંક સુપરવાઈઝરી એક્શન ફ્રેમવર્ક(એસએએફ) હેઠળ ચોક્કસ નિર્દેશોના પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી. જેના માટે તેના પર રૂ. 1 લાખનો દંડ લાગુ પાડવામાં આવ્યો છે. જામનગર સ્થિત નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ. પર ડિરેક્ટર્સને ‘લોન્સ એન્ડ એડવાન્સિસ’ સંબંધી નિર્દેશોના પાલનમાં નિષ્ફળતા બદલ રૂ. 25000નો નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે.

ડોલર સામે રૂપિયો 17 પૈસા મજબૂત બન્યો
સપ્તાહના બીજા સત્રમાં રૂપિયામાં મજબૂતી પરત ફરી હતી અને તે ડોલર સામે 17 પૈસા સુધરી 81.11ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે રૂપિયો 48 પૈસા ગગડ્યો હતો. મંગળવારે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ 106ની સપાટી નીચે ઉતરી જતાં ઈમર્જિંગ માર્કેટ્સ ચલણમાં મજબૂતી જોવા મળી હતી. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા મુજબ ઈક્વિટી માર્કેટમાં મજબૂતી જળવાય રહેવાને કારણે પણ રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે. નવેમ્બરમાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ રૂ. 19 હજાર કરોડનું ચોખ્ખું રોકાણ જાળવ્યું છે. રૂપિયો સવારે 81.18ની સપાટી પર ખૂલી વધુ સુધારે 81.04 પર ટ્રેડ થયો હતો. નીચામાં તેણે 81.45નું બોટમ દર્શાવ્યું હતું.
વૈશ્વિક ગોલ્ડ વધુ ઉછળી 1787 ડોલરે ટ્રેડ થયું
ડોલર ઈન્ડેક્સમાં ઘટાડા પાછળ કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ મંગળવારે 1787 ડોલરની ત્રણ મહિનાથી વધુની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું છે અને હવે તેનો ટાર્ગેટ 1800-1830 ડોલર છે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. છેલ્લાં એક સપ્તાહમાં ગોલ્ડ 100 ડોલરનો તીવ્ર ઉછાળો દર્શાવી ચૂક્યું છે. ડોલર ઈન્ડેક્સમાં સતત નરમાઈ પાછળ યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ તૂટી રહ્યાં છે. જેનો લાભ ગોલ્ડને મળી રહ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 53051ની સપાટી પર ટ્રેડ થયો હતો. આમ ભારતીય બજારમાં ગોલ્ડ તેની રૂ. 56 હજારની ટોચ નજીક આગળ વધી રહ્યું છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એપોલો ટાયરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 194.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે રૂ. 159 કરોડના અંદાજની સરખામણીમાં 22 ટકા ઊંચો હતો. કંપનીની આવક રૂ. 5749 કરોડના અંદાજ સામે રૂ. 5956 કરોડ પર જોવા મળી હતી.
એનબીસીસીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 95.5 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 71.2 કરોડની સરખામણીમાં 34 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1880 કરોડ સામે 8 ટકા વધી રૂ. 2030 કરોડ પર રહી હતી.
ગ્રિવ્ઝ કોટનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 29 કરોડનો નફો દર્શાવ્યો હતો. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.3 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 373.5 કરોડ સામે 81 ટકા વધી રૂ. 699 કરોડ પર રહી હતી.
શાલીમાર પેઈન્ટ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11 કરોડની ખોટ દર્શાવી હતી.. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 91 કરોડ સામે 22 ટકા વધી રૂ. 110 કરોડ પર રહી હતી.
જીઆઈસી હાઉસિંગઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 56.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 45.2 કરોડની સરખામણીમાં 25 ટકા ઊંચો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષે રૂ. 115 કરોડ સામે 13 ટકા વધી રૂ. 99.4 કરોડ પર રહી હતી.
ડિશ ટીવીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 22.1 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 30.8 કરોડની સરખામણીમાં 28 ટકા નીચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 718.2 કરોડ સામે 17 ટકા ઘટી રૂ. 596 કરોડ પર રહી હતી.
દિશમાન કાર્બોજેનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 614 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 459 કરોડ પર હતી. કંપનીનો એબિટા ગયા વર્ષે રૂ. 82.32 કરોડ સામે ગયા ચાલુ વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 99.23 કરોડ રહ્યો હતો. તેણે રૂ. 11.19 કરોડના નફા સામે રૂ. 10 કરોડની ખોટ દર્શાવી હતી.
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 289 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 286 કરોડની સરખામણીમાં સાધારણ નીચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 2233 કરોડ સામે રૂ. 2230 કરોડ પર ફ્લેટ જોવા મળી હતી.
આઈઆરસીટીસીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 226 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 159 કરોડની સરખામણીમાં 42 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 405 કરોડ સામે 100 ટકા વધી રૂ. 806 કરોડ પર રહી હતી.
બાયોકોનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 82 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે રૂ. 183 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર નીચો હતો. કંપનીની આવક રૂ. 2303 કરોડના અંદાજ સામે રૂ. 2320 કરોડ પર જોવા મળી હતી.
હૂડકોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 396 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 370 કરોડની સરખામણીમાં 5 ટકા ઊંચો હતો. કંપનીની આવક રૂ. 1718 કરોડ પર ફ્લેટ જોવા મળી હતી.
ઈન્ડો કાઉન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 67 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 85 કરોડની સરખામણીમાં 25 ટકા નીચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 739 કરોડ સામે 14 ટકા વધી રૂ. 844 કરોડ પર રહી હતી.
આરતી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 124.5 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 150 કરોડની સરખામણીમાં 17 ટકા નીચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1256 કરોડ સામે 34 ટકા વધી રૂ. 1685 કરોડ પર રહી હતી.
માર્કસન્સ ફાર્માઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 61.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 45.5 કરોડની સરખામણીમાં 35 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 361.2 કરોડ સામે 25 ટકા વધી રૂ. 453 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage