Market Summary 15 September 2022

માર્કેટ સમરી

 

ટ્રેડર્સ સાવચેત બનતાં નિફ્ટી 18k જાળવી રાખવામાં નિષ્ફળ

વૈશ્વિક બજારોમાં ચીનને બાદ કરતાં પોઝીટીવ દિવસ

આઈટીમાં સતત ત્રીજા દિવસે વેચવાલી

બેંક નિફ્ટી ઈન્ટ્રા-ડે ટોચ બનાવી કરેક્ટ થયો

સ્મોલ-સાઈઝ બેંક્સમાં જોવા મળેલી ભારે લેવાલી

ઓટો, એનર્જી, મેટલ, પીએસઈમાં મજબૂતી

ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયામાં નરમાઈ

અદાણી જૂથ શેર્સમાં લેવાલીનો ક્રમ જારી

ટીએમબીના ફ્લેટ લિસ્ટીંગથી રોકાણકારો નિરાશ

 

બુધવારે વૈશ્વિક બજારોમા ગભરાટ વચ્ચે તીવ્ર બાઉન્સ દર્શાવી મજબૂત બંધ આપનાર ભારતીય બજારમાં ગુરુવારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. પોઝીટીવ ઓપનીંગ બાદ સ્થાનિક બજાર સતત ઘટાડાતરફી બની રહ્યું હતું અને નરમ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 413 પોઈન્ટ્સના ઘટાડે 59934ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિપ્ટી 126 પોઈન્ટ્સ ગગડી 17877ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. સેન્સેક્સે 60 હજારની સપાટી જ્યારે નિફ્ટીએ 18 હજારની સપાટી તોડી હતી. લાર્જ-કેપ્સમાં વેચવાલીના ભારે દબાણને પગલે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 39 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 11 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ છેલ્લાં બે સત્રો સમાન જોવા મળી હતી. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.6 ટકા સુધારે 18.39ની સપાટીએ બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોએ બુધવારના તીવ્ર ઘટાડા બાદ થોડી રાહત મેળવી હતી અને તેઓ ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવતાં હતાં. એકમાત્ર ચીનનું બજાર એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યું હતું. જ્યારે બપોરે યુરોપ ખાતે ફ્રાન્સ અને જર્મની પણ સાધારણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજારે કામગીરીની શરૂઆત મજબૂતી સાથે કરી હતી. જોકે ખૂલતાની સાથે જ વેચવાલીનું દબાણ જોવાયું હતું. નિફ્ટી 18096ની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડી 17862 સુધી ગગડ્યો હતો અને તેની આસપાસ જ બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17772નું બુધવારનું બોટમ મહત્વનો સપોર્ટ બની રહેશે. જેના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવાની રહેશે. ઉપરમાં 18 હજારનું સ્તર ફરીવાર અવરોધક બની રહેશે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ ફેડ તરફથી 100 બેસીસ પોઈન્ટ્સની શક્યતાં પાછળ બજારોમાં આગામી સત્રોમાં ઊંચી વધ-ઘટ જોઈ રહ્યાં છે. તેમના મતે રોકાણકારોએ બને તો હાથ પર કેશ જાળવવી જોઈએ. નવુ રોકાણ ટાળવું જોઈએ. બીજા ક્વાર્ટરના કોર્પોરેટ્સ અર્નિંગ્સ કેવા રહે છે તેને આધારે જ ક્યાં પૈસા રોકવા છે તે નક્કી થઈ શકશે.

આઈટી શેર્સમાં સતત ત્રીજા સત્રમાં વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત ફાર્મા, એફએમસીજી જેવા અન્ય બે ડિફેન્સિવ સેક્ટર્સ પણ વેચવાલીમાં જોડાયા હતાં. બેંકિંગ સેક્ટરમાં મજબૂતી જોવા મળતી હતી. જેણે બજારને સવારના ભાગમાં સપોર્ટ કર્યો હતો. જોકે પાછળથી બેંક નિફ્ટી પણ નેગેટિવ જોવા મળ્યો હતો. તે ઈન્ટ્રા-ડે 41840.15ની ટોચ બનાવી નીચામાં 41153.50ના સ્તરે ટ્રેડ થયા બાદ અડધા ટકા ઘટાડે બંધ રહ્યો હતો. બેંકિંગ કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈએ તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે આઈસીઆઈસીઆઈ બેંક નેગેટિવ ઝોનમાં બંધ દર્શાવતો હતો. જ્યારે એસબીઆઈ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નાની બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 3.63 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ફેડરલ બેંક અને પીએનબી પણ સુધારો દર્શાવતાં હતાં. સ્મોલ-કેપ બેંક્સમાં સાઉથ ઈન્ડિયન બેંકનો શેર 20 ટકાની ઉપલી સર્કિટમાં જોવા મળ્યો હતો. જ્યારે કર્ણાટક બેંકનો શેર પણ 4 ટકાનો સુધારો સૂચવતો હતો. જોકે બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બંધન બેંક, એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડા નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ઓટો સેક્ટરે બજારને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો અને તે 13421ની નવી ટોચ દર્શાવી 0.71 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઓટો અગ્રણી મારુતિ સુઝુકીનો શેર 2.7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ 2.3 ટકા, અશોક લેલેન્ડ 1.3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. ટાયર કંપનીઓમાં એમઆરએફ, બાલક્રિષ્ણ ઈન્ડમાં 8 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, બોશ, ટાટા મોટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી પણ 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી અને પાવર ગ્રીડ કોર્પોરેશનનું મુખ્ય યોગદાન હતું. ટાટા પાવર પણ 1.6 ટકા સુધારો દર્શાવતો હતો. જોકે ઓઈલ પીએસયૂ કંપનીઓના શેર્સમાં વેચવાલીનો ક્રમ જળવાયો હતો. નિફ્ટી પીએસઈ 0.4 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં એનએચપીસી 4.45 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે પાવર ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઆરસીટીસી અને એનટીપીસીમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જેમાં વેદાંત, કોલ ઈન્ડિયા મુખ્ય કન્ટ્રીબ્યુટર્સ હતાં. બજારને ડિફેન્સિવ્સ તરફથી દબાણનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયગાળાથી અન્ડરપર્ફોર્મર એવું ફાર્મા સેક્ટર વધુ ગગડ્યું હતું. નિફ્ટી ફાર્મા 1.3 ટકા તૂટ્યો હતો. જેમાં સિપ્લા 2.5 ટકા, બાયોકોન 1.9 ટકા, ડિવિઝ લેબ્સ 1.7 ટકા, ઝાયડસ લાઈફ 1.2 ટકા અને સન ફાર્મા એક ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.32 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેમાં મેરિકો 2 ટકા, બ્રિટાનિયા 0.7 ટકા, ડાબર 0.6 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નેસ્લે, એચયૂએલ પણ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે સિગાર અગ્રણી આઈટીસીનો શેર પણ નોંધપાત્ર સમયગાળા બાદ નેગેટિવ બંધ સૂચવી રહ્યો હતો.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમન્ટની વાત કરીએ તો એપોલો ટાયર્સ 7 ટકા ઉછળ્યો હતો. ડેલ્ટા કોર્પ 5.4 ટકા, ઈન્ડિયન હોટેલ્સ 4 ટકા, એસ્ટ્રાલ 4 ટકા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 4 ટકા, ગુજરાત ગેસ 3.3 ટકા, પાવર ફાઈનાન્સ 3 ટકા અને ઈન્ડિયા સિમેન્ટ્સ 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ પીવીઆરમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત નાલ્કો, હિંદાલ્કો, મેટ્રોપોલિસ, લૌરસ લેબ્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને જિંદાલ સ્ટીલમાં 2 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં સિએટ, એમઆરએફ, કલ્યાણ જ્વેલર્સ, ઈઆડી પેસી, પીસીબીએલ અને અદાણી એન્ટરપ્રાઈઝનો સમાવેશ થતો હતો.

 

 

તાતા પાવર સોલારે SJVN પાસેથી રૂ. 612 કરોડનો ઓર્ડર મેળવ્યો

તાતા પાવર સોલાર સિસ્ટમ્સે પીએસયૂ કંપની એસજેવીએન લિમિટેડ પાસેથી 100 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટની સ્થાપના માટે રૂ. 612 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપની તાતા પાવર રિન્યૂએબલ એનર્જીની 100 ટકા સબસિડિયરી કંપની છે. એસજેવીએન હાઈડ્રો, થર્મલ, સોલાર, વિન્ડ અને પાવર ટ્રાન્સમિશન અને પાવર ટ્રેડિંગ બિઝનેસિસમાં સક્રિય છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં રાઘનેસડા સોલાર પાર્ક ખાતે પ્લોટ સીમાં સ્થાપિત હશે. એલએઓ મળ્યાં તારીખથી 11 મહિનામાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

 

SBI રૂ. 5 લાખનું માર્કેટ-કેપ વટાવી સાતમી સૌથી મોટી કંપની બની

જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ. 5 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ છે. બેંકનું એમ-કેપ ગુરુવારે રૂ. 572.15ની સર્વોચ્ચ બંધ સપાટીએ રૂ. 5.11 લાખ કરોડ પર જોવા મળતું હતું. બેંકના શેરે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 578ની સૌથી ઊંચી ટોચ દર્શાવી હતી. રૂ. 425ના વાર્ષિક તળિયાથી બેંકનો શેર લગભગ 40 ટકા જેટલું રિટર્ન સૂચવી રહ્યો છે. એસબીઆઈ રૂ. 5 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી ટોચની ત્રણ બેંક્સમાં સામેલ છે. એચડીએફસી બેંકનું રૂ. 8.5 લાખ કરોડના એમ-કેપ સાથે સૌથી મોટી બેંક છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક રૂ. 6.4 લાખ કરોડ સાથે બીજા ક્રમે જોવા મળે છે. બે વર્ષોમાં એસબીઆઈનું માર્કેટ-કેપ રૂ. 3.33 લાખ કરોડ પરથી વધતું જોવા મળ્યું છે. એસબીઆઈ ઉપરાંત બે વર્ષોમાં માર્કેટ-કેપમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવનાર કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી ટ્રાન્સમિશન, આરઆઈએલ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.

વૈશ્વિક સોનુ 1700 ડોલરની નીચે ગગડી ગયું

યુએસ ખાતે ઓગસ્ટ માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ અપેક્ષાથી ઊંચો રહેવા પાછળ ફેડ તરફથી આગામી સપ્તાહે મળનારી બેઠકમાં 100 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ પણ કરવામાં આવી શકે છે તેવી વધતી અટકળો પાછળ ગોલ્ડ પણ દબાણ વધ્યું છે અને ગુરુવારે તે 1685 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની બે સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થયું હતું. કોમેક્સ ફ્યુચર્સ પણ 1696 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જે તેના 1678 ડોલરના વાર્ષિક તળિયાથી ઘણો નજીક જોવા મળે છે. એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ માટે 1670 ડોલરનું સ્તર મહત્વનો સપોર્ટ છે. ગુરુવારે ડોલર ઈન્ડેક્સ 0.16 ટકા સુધરી 109.532 પર ટ્રેડ દર્શાવતો હતો. તે હાલમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો ફેડ સપ્ટેમ્બર મિટિંગ બાદ પણ તીવ્ર રેટ વૃદ્ધિ જાળવી રાખવાનો સંકેત આપશે તો ડોલર ઈન્ડેક્સ 110.785ની અગાઉની 22 વર્ષોની ટોચ પાર કરી 112 સુધીનો ઉછાળો દર્શાવી શકે છે.

 

 

 

બોફાના સર્વેમાં ‘સુપર બેરિશ’ જોવા મળતાં ગ્લોબલ ફંડ મેનેજર્સ

ફંડ મેનેજર્સનું એવરેજ કેશ બેલેન્સ 6.1 ટકાની 21 વર્ષોની ટોચ પર

 

બેંક ઓફ અમેરિકાએ વૈશ્વિક ફંડ મેનેજર્સના સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરેલા એક સર્વેમાં તેઓ ‘સુપર બેરિશ’ જોવા મળી રહ્યાં છે. વિશ્વમાં પથરાયેલાં 212 ફંડ મેનેજર્સની સેમ્પલ સાઈઝ ધરાવતાં સર્વેના તારણોમાં મની મેનેજર્સ વર્ષો બાદ ઉદાસ જણાય રહ્યાં છે. આ ફંડ મેનેજર્સ કુલ 616 અબજ ડોલરની વેલ્થ મેનેજ કરી રહ્યાં છે.

સર્વેમાં જાણવા મળ્યા મુજબ ફંડ મેનેજર્સ છેલ્લાં 20 વર્ષોના સૌથી ઊંચા કેશ લેવલ પર બેઠાં છે. સપ્ટેમ્બરમાં તેમનું કેશ લેવલ 6.1 ટકાની સપાટીએ હતું. જે 9/11 પછી ઓક્ટોબર 2001માં જોવા મળેલા કેશ લેવલ્સ પછીનું સૌથી ઊંચું લેવલ છે. તેમજ લોંગ-ટર્મ એવરેજ 4.8 ટકા કરતાં પણ નોંધપાત્ર ઊંચું કેશ લેવલ છે. બોફાના સર્વે મુજબ એફએમએસ ઈન્વેસ્ટર્સનો હિસ્સો વિક્રમી તળિયા પર જોતાં જણાય છે રોકાણકારો સામાન્ય કરતાં ઊંચું જોખમ લઈ રહ્યાં છે. ઈન્વેસ્ટરનો રિસ્ક એપેટાઈટ કોવિડ મહામારી બહાર આવ્યા બાદ માર્ચ 2020માં જોવા મળતાં રિસ્ક એપેટાઈટ જેટલો છે. યુએસ ખાતે ઈન્ટરેસ્ટ રેટને લઈને ફંડ મેનેજર્સ હોકિશ જણાય છે. 38 ટકાના મતે ફેડ 4-4.25 ટકાના સ્તરે રેટ લઈ જશે. ઓગસ્ટમાં 3.5-3.75 ટકા સુધી વૃદ્ધિ થાય તેમ માનવામાં આવતું હતું. તેમના મતે ફેડ રેટ વૃદ્ધિ બંધ કરે અથવા તેમાં ઘટાડો કરે તે માટે પીસીઈ ડિફ્લેટર 4 ટકાની નીચે જાય તે જરૂરી છે. હાલમાં તે 6.3 ટકાના સ્તરે જોવા મળે છે. આર્થિક મંદીના મુદ્દે 68 ટકા ફંડ મેનેજર્સ માને છે કે મંદી આવી રહી છે. મે 2020 પછી મંદી માટે સહમતિ દર્શાવી રહેલા ફંડ મેનેજર્સનો આ સૌથી ઊંચો હિસ્સો છે. ફંડ મેનેજર્સનો 79 ટકા હિસ્સો આગામી 12 મહિના દરમિયાન નીચું ઈન્ફ્લેશન જોઈ રહ્યો છે. તેમના મતે ગયા મહિને ઈન્ફ્લેશને તેની ટોચ બનાવી દીધી છે. આમ તે તબક્કાવાર ઘટાડાતરફી રહેશે.

 

 

NARCLને ઓછામાં ઓછા ત્રણ એકાઉન્ટ્સ વેચવા બેંક્સને સરકારનો નિર્દેશ

નાણા વિભાગની સૂચનાને ધ્યાનમાં રાખતાં બેંકિંગ સંસ્થાઓએ ઓક્ટોબર આખર સુધીમાં આમ કરવાનું રહેશે

અધિકારીઓએ કોન્સોર્ટિયમની લીડ બેંક્સને વધુ 15-18 બેડ લોન એકાઉન્ટ્સના વેચાણ માટે પણ જણાવ્યું

 

કેન્દ્રિય નાણા વિભાગે બેંકિંગ કંપનીઓએ ઓક્ટોબર આખર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ બેડ લોન એકાઉન્ટ્સ સરકારે પ્રમોટ કરેલી બેડ લોન બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(NARCL)ને વેચવા માટે નિર્દેશ કર્યો છે. આ ત્રણ એકાઉન્ટ્સમાં રેન્બો પેપર્સ, મિત્તલ કોર્પ અને કોન્સોલિડેટેડ કન્સ્ટ્રક્શન કંપનીનો સમાવેશ થાય છે.

વર્તુળોના જણાવ્યા મુજબ આ ત્રણ એકાઉન્ટ્સ ઉપરાંત અગાઉ શોર્ટ લિસ્ટ કરેલા અન્ય 15 બેડ લોન એકાઉન્ટ્સના વેચાણ માટે પણ સરકારી ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત લીડ બેંક્સને સૂચન કર્યું છે. જેને ધ્યાનમાં રાખી વધુ એકાઉન્ટ્સના વેચાણ માટે લીડ બેંક્સ તેમની સંબંધિત કોન્સોર્ટિયમ બેંક્સની મંજૂરી માગશે. આવા શોર્ટ લિસ્ટ થઈ ચૂકેલા એકાઉન્ટ્સમાં જયપી ઈન્ફ્રાટેક, શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ, શ્રેઈ ઈક્વિપમેન્ટ અને કેટલીક ફ્યુચર જૂથ કંપનીઓનો સમાવેશ થાય છે. ડિસ્ટ્રેસ્ડ સેલના વેચાણ માટેનો નિર્ણય મંગળવારે બંધબારણે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું વર્તુળો જણાવે છે. જેમાં NARCLના અધિકારીઓ અને બેંકના સિનિયર અધિકારીઓ હાજર હતાં. નાણા વિભાગના સચિવ સંજય મલ્હોત્રાએ આ બેઠકનું અધ્યક્ષતા સંભાળી હતી. બેઠકમાં એસબીઆઈના ચેરમેન અને એમડી દિનેશ ખરા પણ હાજર રહ્યાં હતાં.

લગભગ બે કલાક ચાલેલી બેઠકમાં મલ્હોત્રાએ બેંક્સને ઓછામાં ઓછી 15-18 બેડ એસેસ્ટના વેચાણ માટે આગામી સપ્તાહે જોઈન્ટ લેન્ડર્સ મીટીંગ(જેએલએમ) બોલાવવા માટે જણાવ્યું હતું. તેમણે પ્રથમ તબક્કામાં આંઠ એકાઉન્ટ્સ અને બીજા તબક્કામાં 10 એકાઉન્ટ્સ વેચવા માટે જણાવ્યું હોવાનું મિટિંગમાં હાજર રહેનાર વર્તુળોએ ઉમેર્યું હતું. નાણા વિભાગે બેંક્સને આ પ્રકારનો નિર્દેશ આપવાનું કારણ એક વર્ષથી કાર્યરીત હોવા છતાં NARCLની એક પણ ટ્રાન્ઝેક્શન્સ ક્લોઝ કરવામાં જોવા મળી રહેલી નિષ્ફળતા છે. ગયા ઓક્ટોબરમાં NARCLને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એઆરસી લાયસન્સ ઈસ્યુ કર્યું હતું. આરબીઆઈના નિયમ મુજબ કોઈપણ એઆરસીએ તેની સ્થાપનાના એક વર્ષમાં ઓછામાં ઓછું એક એકાઉન્ટ ક્લોઝ કરવાનું રહે છે. યુનિયન બજેટ 2020માં નાણાપ્રધાને સીતારામણે બેડ બેંકની રચના અંગે જાહેરાત કરી હતી.

વર્તુળોના જણાવ્યા મુજબ આગામી કેટલાંક દિવસોમાં NARCL રેન્બો પેપર્સ, મિત્તલ કોર્પ અને સીસીસી માટે બાઈન્ડિંગ ઓફર્સ રજૂ કરશે. અગાઉ NARCLએ રેન્બો પેપર્સ માટે રૂ. 80 કરોડ ઓફર કર્યાં હતાં. જોકે કંપની રૂ. 1136 કરોડનું દેવું ધરાવે છે. મિત્તલ કોર્પ માટે એઆરસીએ રૂ. 1587 કરોડના ડેટ સામે રૂ. 232 કરોડ ઓફર કર્યાં હતાં. જ્યારે સીસીસીના રૂ. 2426 કરોડના આઉટસ્ટેન્ડિંગ ડેટ સામે રૂ. 80 કરોડ ઓફર કર્યાં હતાં. NARCLની આ ઓફર્સને લેન્ડર્સે ફગાવી દીધી હતી. કેમકે પ્રાઈસિંગ તેમની અપેક્ષા કરતાં ખૂબ જ નીચું હતું. મંગળવારની બેઠકમાં નાણા વિભાગના સચિવે NARCL અને બેંક્સને સાથે બેસીને સર્વસંમત પ્રાઈસિંગ નિર્ધારિત કરવા જણાવ્યું હતું. જેથી NARCLને બેડ લોન્સ ટ્રાન્સફર કરી શકાય. એકવાર NARCL પાસેથી બાઈન્ડિંગ ઓફર્સ મળ્યાં બાદ લેન્ડર્સે તેમની ક્રેડિટ કમિટિ પાસેથી લોન્સના વેચાણ માટે મંજૂરી મેળવવાની રહે છે. ડીલમાં NARCL નક્કી કરેલા પ્રાઈસના 15 ટકા અપફ્રન્ટ આપે છે. જ્યારે 85 ટકા રકમ સિક્યૂરિટી રિસિટ્સના સ્વરૂપમાં ચૂકવાય છે.

 

NARCLની આંટીઘૂંટી

ઓક્ટોબર 2021માં સ્થાપના પછી એક પણ એકાઉન્ટ ક્લોઝ નથી કર્યું

આરબીઆઈ નિયમ મુજબ એઆરસીએ સ્થાપનાના વર્ષમાં ઓછામાં ઓછું એક એકાઉન્ટ ક્લોઝ કરવું પડે.

NARCLએ કરેલી અગાઉની ઓફર્સ બેંકર્સે ઠુકરાવી હતી.

રેન્બો પેપર્સ માટે રૂ. 1136 કરોડના ડેટ સામે રૂ. 80 કરોડ ઓફર કર્યાં હતાં. જ્યારે મિત્તલ કોર્પ માટે રૂ. 1587 કરોડના ડેટ સામે રૂ. 232 કરોડ ઓફર કર્યાં હતાં અને સીસીસીના રૂ. 2426 કરોડના આઉટસ્ટેન્ડિંગ ડેટ સામે રૂ. 80 કરોડ ઓફર કર્યાં હતાં.

 

 

 

 

 કોર્પોરેટ હેડલાઈન્સ

 

બાઈજુસઃ દેશમાં સૌથી મોંઘા સ્ટાર્ટઅપે 2021-22માં રૂ. 4588 કરોડની ખોટ દર્શાવી હતી. જે 2019-20માં તેણે નોંધાવેલી રૂ. 231 કરોડની ખોટ કરતાં 20 ગણી વૃદ્ધિ સૂચવે છે. ગયા નાણા વર્ષ દરમિયાન કંપનીની ગ્રોસ અનઓડિટેડ રેવન્યૂ રૂ. 10 હજાર કરોડ નજીક રહી હતી. ચાલુ વર્ષમાં તે રૂ. 15 હજાર કરોડ રહેવાનો અંદાજ છે.

હોમ ફર્સ્ટ ફાઈનાન્સઃ લિસ્ટેડ એફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ ક્ષેત્રે સૌથી મોટા ડિલમાં પીઈ ફર્મ વોરબર્ગ હોમ ફર્સ્ટ ફોઈનાન્સમાંના તેના 28.73 ટકા હિસ્સાના વેચાણ માટે બેંક્સ અને એનબીએફસી સાથે મંત્રણા કરી રહી છે. કંપનીમાં તેના હિસ્સાનું મૂલ્ય રૂ. 2170 કરોડ આસપાસ થાય છે. ઈન્ડસઈન્ડ બેંક, આરબીએલ બેંક, શ્રીરામ હાઉસિંગ અને યસ બેંકનો વોરબર્ગે સંપર્ક કર્યો છે.

એસબીઆઈઃ દેશમાં સૌથી મોટી અને પીએસયૂ બેંકને રશિયા સાથે રૂપિયામાં વેપારને પ્રમોટ કરવા માટે સરકારે સત્તા આપી હોવાનું ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું.

જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સઃ કંપનીના પ્રમોટર્સ ઓફર ફોર સેલ મારફતે તેમની પાસેના 57.04 લાખ શેર્સનું વેચાણ કરશે. જે કંપનીની કુલ ઈક્વિટીનો 5.9 ટકા જેટલો હિસ્સો હશે.

ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ કંપનીએ બેલ્જિયન પોસ્ટ સાથે પોસ્ટલ સર્વિસિઝ એક્સપિરિયન્સમાં સિક્યૂરિટીમાં સુધારા માટે જોડાણ કર્યું છે.

અંબુજા સિમેન્ટઃ સિમેન્ટ કંપની પ્રેફરન્શિયલ બેસીસ પર સિક્યુરિટીઝ, કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, રાઈટ ઈશ્યૂ કરી ફંડ એકત્ર કરવા માટે વિચારણા હાથ ધરશે.

બાલાજી એમાઈન્સઃ કેમિકલ કંપનીએ જણાવ્યું છે કે 90-એકર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ(યુનિટ પાંચ)ના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે.

આઈડીબીઆઈ બેંકઃ સરકારના દિપમ સેક્રેટરીએ જણાવ્યું છે કે તેમનો વિભાગ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જ ઈન્વેસ્ટર્સ તરફથી પ્રિલિમનરી બીડ્સ મંગાવશે.

તાતા સ્ટીલઃ સ્ટીલ કંપનીના બોર્ડે બે સિરિઝમાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરી રૂ. 2000 કરોડ એકત્ર કરવા માટેની મંજૂરી આપી છે.

ગ્લેક્સોસ્મિથલાઈન ફાર્માઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાર્મા કંપનીમાં 34.63 લાખ ઈક્વિટી શેર્સ અથવા 2.04 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.

એસબીઆઈઃ ટોચના બેંકરે તેના પ્રાઈમ લેંડિંગ રેટને 70 બેસીસ પોઈન્ટ્સ વધારી 13.45 ટકા કર્યાં છે. તે 15 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage