Market Summary 16/04/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં મંદીની હેટ્રીકઃ નિફ્ટીએ 22200નો સપોર્ટ ગુમાવ્યો
એશિયન બજારોમાં 2-3 ટકા વચ્ચેનો તીવ્ર ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.1 ટકા વધી 12.61ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં નરમાઈ યથાવત
ફાર્મા, પીએસઈ, એફએમસીજી, ઓટોમાં મજબૂતી
આઈટી, પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, અમરારાજા, એજિસ લોજીસ્ટીક્સ, ફિનિક્સ મિલ્સ નવી ટોચે
બંધન બેંક, બાટા ઈન્ડિયા, હિંદ યુનિલીવર નવા તળિયે

ઈઝરાયેલ-ઈરાન વચ્ચે તંગદિલી વધુ વકરે તેવી શક્યતાંને પગલે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો આગળ વધ્યો હતો. એશિયન બજારોમાં 2-3 ટકા ઘટાડા વચ્ચે ભારતીય બજારમાં અડધા ટકાથી ઊંચો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 456 પોઈન્ટ્સ ગગડી 72,944ની સપાટીએ જ્યારે નિફ્ટી 125 પોઈન્ટ્સ ઘટી 22148ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ઘટાડો જળવાય રહ્યો હતો. જેની પાછળ બ્રેડ્થ નરમાઈ દર્શાવતી હતી. બીએસઈ ખાતે કુલ 3933 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2177 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે 1638 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 170 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.1 ટકા વધી 12.61ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયાઈ બજારો તાઈવાન, કોરિયા ખાતે 2 ટકાથી વધુ ઘટાડો જોવા મળતો હતો. જ્યારે હોંગ કોંગ, ચીન જેવા બજારો પણ એક ટકાથી વધુ નરમાઈ દર્શાવતાં હતાં. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-ડાઉન ખૂલ્યાં પછી વધુ ગગડ્યું હતું. જોકે માર્કેટમાં ઈન્ટ્રા-ડે તળિયાથી થોડો બાઉન્સ નોંધાયો હતો. નિફ્ટી ઈન્ટ્રા-ડે 22079નું લો બનાવી 22100 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટની સામે નિફ્ટી ફ્યુચર 53 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22211ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 91 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે મોટો ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લેણ ફૂંકાયા હોય તેમ જણાય છે. બેન્ચમાર્ક 22200ના સપોર્ટ નીચે ઉતરતાં હવે 21700-21800 સુધીના ઘટાડાની જગા થઈ છે. લોંગ ટ્રેડર્સે વર્તમાન સ્થિતિમાં તેમની પોઝીશનમાંથી એક્ઝિટ લેવી જોઈએ. જ્યારે શોર્ટ ટ્રેડર્સ મંગળવારના ઈન્ટ્રા-ડે હાઈના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં આઈશર મોટર્સ, ડિવિઝ લેબ્સ, ટાઈટન કંપની, એચયૂએલ, ઓએનજીસી, એચડીએફસી બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝુકી, એપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, ગ્રાસિમનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેંક, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા, પીએસઈ, એફએમસીજી, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ અડધો ટકો સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી પણ લગભગ અડધા ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચયૂએલ, ડાબર ઈન્ડિયા, વરુણ બેવરેજીસ, કોલગેટમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી આઈટી 2.5 ટકા જેટલો પટકાયો હતો. જેના ઘટકોમાં એમ્ફેસિસ, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 12 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઝી એન્ટર., આઈશર મોટર્સ, લૌરસ લેબ્સ, મધરસન, કમિન્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, એલઆઈસી હાઉસિંગ, ઓરોબિંદો ફાર્મા, એચડીએફસી એએમસી, એસ્કોર્ટ્સ કુબોટા, ચંબલ ફર્ટિલાઈઝર્સ, વેદાંત, ઈન્ડિયા સિમેન્ટ્સ, કોન્કોર, દાલમિયા ભારત, આરતી ઈન્ડ., અંબુજા સિમેન્ટ્સ, ડાબર ઈન્ડિયા, સિમેન્સ, બલરામપુર ચીનીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, કોફોર્જ, ગુજરાત ગેસ, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક, એલટીઆઈમાઈન્ડટ્રી, એયૂ સ્મોલ ફિન., આરબીએલ બેંક, ચોલા ઈન્વે., એલએન્ડટી ટેક્નોલોજીમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, અમરારાજા, એજિસ લોજીસ્ટીક્સ, ફિનિક્સ મિલ્સ, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ, નિપ્પોન, આઈશર મોટર્સ, કમિન્સ ઈન્ડિયા, આરતી ઈન્ડ., ઓએનજીસી, ઈપ્કા લેબ્સ, પેટ્રોનેટ એલએનજીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બંધન બેંક, બાટા ઈન્ડિયા, એચયૂએલમાં નવું તળિયું જોવા મળ્યું હતું.




સિનિયર સિટીઝન ડિપોઝીટ્સ રૂ. 34 લાખ કરોડે પહોંચી
પાંચ વર્ષોમાં સિનિયર સિટીઝન ડિપોઝીટ્સમાં 150 ટકા વૃદ્ધિ નોંધાઈ
દેશમાં કુલ 7.4 કરોડ સિનિયર સિટીઝન ડિપોઝીટ્સ એકાઉન્ટ્સ

છેલ્લાં પાંચ વર્ષોમાં સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝીટ્સમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે અને તેનો હિસ્સો વધીને 30 ટકા પર પહોંચ્યો છે. પાંચ વર્ષોમાં સિનિયર સિટીઝન ડિપોઝીટ્સમાં 150 ટકા વૃદ્ધિ જોવા મળી છે. 2023-24ની આખરમાં તે વધી રૂ. 34 લાખ કરોડ પર પહોંચી હતી એમ એસબીઆઈનો રિસર્ચ રિપોર્ટ સૂચવે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ્સની સંખ્યા 7.4 કરોડ જેટલી જોવા મળે છે. 2018થી અત્યાર સુધીમાં સિનિયર સિટીઝન એકાઉન્ટ્સ સંખ્યામાં 81 ટકા જ્યારે ડિપોઝીટ્સમાં 150 ટકા ઉછાળો નોંધાયો છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ સિનિયર સિટીઝન માટે ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સને કારણે ડિપોઝીટ્સમાં મોટો ઉછાળો નોંધાયો છે. કુલ 7.4 કરોડ એકાઉન્ટ્સમાં 7.3 કરોડ એકાઉન્ટ્સ રૂ. 15 લાખ સુધીની ડિપોઝીટ્સ ધરાવે છે. સિનિયર સિટીઝન બેંક ડિપોઝીટ્સ પર 7.5 ટકાનો વ્યાજ દર ગણીએ તો રૂ. 2.6 લાખ કરોડના વ્યાજની કમાણી થઈ ચૂકી છે. 2018માં એસબીઆઈના અંદાજ મુજબ દેશમાં 4.1 કરોડ સિનિયર સિટિઝન એકાઉન્સ હતાં. જેમાં કુલ રૂ. 14 લાખ કરોડની ડિપોઝીટ્સ જમા હતી. આમ, છ વર્ષોમાં એકાઉન્ટ્સની સંખ્યા તેમજ ડિપોઝીટ્સની કુલ રકમમાં તીવ્ર વૃદ્ધિ નોઁધાઈ છે. એકાઉન્ટ્સમાં સરેરાશ બેલેન્સમાં પણ 38.7 ટકા વૃદ્ધિ જોવા મળી છે. તે અગાઉના રૂ. 3.3 લાખ કરોડ પરથી વધી રૂ. 4.6 લાખ કરોડ પર પહોંચ્યું છે.



માર્ચ-2024માં મ્યુચ્યુલ ફંડ્સે હેલ્થથી લઈ કેપિટલ ગુડ્ઝ સેક્ટર્સમાં રોકાણ કર્યું
ઉપરાંત, કન્ઝ્યૂમર, પ્રાઈવેટ બેંક્સ, ઓટોમોબાઈલ્સ, એનબીએફસી, રિટેલ, મેટલ્સ, ટેલિકોમમાં પણ રોકાણ વધાર્યું
ભારતીય બજારમાં મ્યુચ્યુલ ફંડ્સે માર્ચ, 2024માં તેમના રોકાણમાં સ્ટ્રેટેજિક શિફ્ટ દર્શાવી હતી. તેમનું ધ્યાન કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, પ્રાઈવેટ બેંક્સ, ઓટોમોબાઈલ્સ અને હેલ્થકેરમાં જોવા મળ્યું હતું. જેને કારણે માસિક ધોરણે તેમના પોર્ટફોલિયોમાં આ સેક્ટર્સના વેઈટેજમાં વૃદ્ધિ નોંધાઈ હતી. બીજી બાજુ, ટેક્નોલોજી, પીએસયૂ બેંક્સ, સિમેન્ટ, રિઅલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિડિ સેક્ટર્સનું વેઈટેજ માસિક ધોરણે ઘટાડો દર્શાવતું હતું.
માર્ચમાં એમએફના હોલ્ડિંગમાં પ્રાઈવેટ બેંક્સ ટોચના સેક્ટર તરીકે ઉભર્યું હતું. તે કુલ પોર્ટફોલિયોનો 16.9 ટકા હિસ્સો ધરાવતું હતું. જોકે, ડેટાનો અભ્યાસ ડાયવર્સિફિકેશન તરફનો વધતો ટ્રેન્ડ સૂચવે છે. જેમાં ટેક્નોલોજીનું વેઈટેજ 8.7 ટકા, ઓટોમોબાઈલ્સનું 8.3 ટકા, કેપિટલ ગુડ્ઝ 7.9 ટકા અને હેલ્થકેરનું 7.4 ટકા વેઈટેજ સૂચવે છે. ટેલિકોમ, મેટલ્સ, રિટેલ, કેપિટલ ગુડ્ઝ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ માસિક ધોરણે સૌથી ઊંચી વૃદ્ધિ સૂચવે છે. માર્ચમાં માસિક ધોરણે સૌથી મોટી ખરીદીની વાત કરીએ તો એચડીએફસી લાઈફમાં સૌથી ઊંચી ખરીદી જોવા મળી હતી. ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં 17 ટકા ઊંચી ખરીદી જોવા મળી હતી. આ ઉપરાંત, આઈટીસી, ટીસીએસ, આઈશર મોટર્સમાં પણ નોંધપાત્ર ઊંચી ખરીદી જળવાય હતી.


એપ્રિલ-2024માં વિક્રમી એડવાન્સ-ડિક્લાઈન રેશિયો જોવા મળ્યો
જોકે, છેલ્લાં કેટલાંક સત્રોથી માર્કેટમાં ગભરાટ પાછળ એડવાન્સ-ડિક્લાઈન રેશિયો નેગેટિવ
શેરબજાર માટે એપ્રિલ મહિનો ઘણો સારો બની રહ્યો છે. ખાસ કરી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. 1 એપ્રિલથી 12 એપ્રિલ સુધીના સત્રોની વાત કરીએ તો બીએસઈ ખાતે એડવાન્સ-ડિક્લાઈન રેશિયો વિક્રમી મોમેન્ટમ દર્શાવે છે. આ સમય દરમિયાન આ રેશિયો 1.31 પર જોવા મળ્યો હતો. જે માર્ચ-2024ના 0.83ના રેશિયો સામે નોંધપાત્ર ઊંચો છે.
જોકે, 12 એપ્રિલ પછી સ્થિતિ બદલાય છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી છે. સતત ત્રણ સપ્તાહથી શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. આને કારણે ચાર શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળ્યો છે. આમ, રોકાણકારો માટે સાવચેતી દાખવવી જરૂરી બન્યું છે. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી માર્ચમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ્સને લઈ સાવચેતીભર્યા ઉચ્ચારણ પાછળ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત, માર્ચ મહિનો નાણા વર્ષનો આખરી મહિનો હોવાથી પણ ઘણા ટ્રેડર્સે ખોટ બુક કરી હતી. જોકે, તેમણે એપ્રિલમાં તેમની પોઝીશન પાછી સ્થાપિત કરવાને કારણે બ્રોડ માર્કેટમાં ઊંચી ખરીદી જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage