બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઈન્ટ્રા-ડે તીવ્ર વધ-ઘટ પછી નિફ્ટી 21400 પર બંધ આપવામાં સફળ
બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય
વોલેટિલિટી ઈન્ડેક્સ વિક્સ 1.4 ટકા ઘટી 19.49ના સ્તરે બંધ
આઈટી, પીએસઈ, એફએમસીજી, બેંકિંગ, ઓટોમાં મજબૂતી
માત્ર પીએસયૂ બેંક્સમાં નરમાઈ
હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓબેરોય રિઅલ્ટી, ટિમકેન, બ્લ્યૂ સ્ટાર, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ નવી ટોચે
ભારતીય શેરબજારમાં ગુરુવારે વોલેટિલિટીએ માઝા મૂકી હતી. ઈન્ટ્રા-ડે તીવ્ર વધ-ઘટ પછી જોકે માર્કેટ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 677 પોઈન્ટ્સ ઉછળી 73664ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 203 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22404ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી અને બ્રેડ્થ પોઝીટીવ નોંધાઈ હતી. બીએસઈ ખાતે કુલ 3952 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2125 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1706 કાઉન્ટર્સ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. 193 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા ગગડી 19.49ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ ખાતે એપ્રિલ માટેનો સીપીઆઈ અપેક્ષાથી સહેજ નીચો આવતાં યુએસ બજારમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. એશિયન બજારો પણ પણ બુધવારે પોઝીટીવ ટ્રેડ સૂચવતાં હતાં. જેની પાછળ ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ પછી બે વાર ચઢાવ-ઉતાર દર્શાવી પોઝીટીવ બંધ રહ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 22055નું તળિયું દર્શાવ્યું હતું. જ્યારે ઉપરમાં 22432ની ટોચ બનાવી હતી. આમ, તેણે એક બ્રેકઆઉટ આપ્યું હતું. માર્કેટ વર્તુળો 22200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવા સૂચવે છે.
નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એમએન્ડએમ, તાતા કન્ઝ્યૂમર, ભારતી એરટેલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચડીએફસી લાઈફ, ટાઈટન કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ, ઓએનજીસી, એચડીએફસી બેંક, બ્રિટાનિયા, લાર્સન, એપોલો હોસ્પિટલ, ટાઈટન કંપનીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, એસબીઆઈ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ડસઈન્ડ બેંક, ડો. રેડ્ડીઝ લેબ્સ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો આઈટી, પીએસઈ, એફએમસીજી, બેંકિંગ, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એક માત્ર પીએસયૂ બેંક્સ નરમાઈ દર્શાવતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસઈ પણ એક ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી 0.8 ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.6 ટકા ઉછળ્યો હતો. એકમાત્ર નિફ્ટી પીએસયૂ બેંક 0.9 ટકા ઘટાડો દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો હિંદુસ્તાન એરોનોટીક્સ 10 ટકાથી વધુ ઉછાળો દર્શાવતો હતો. આ ઉપરાંત, ઓબેરોય રિઅલ્ટી, એમ્ફેસિસ, પાવર ફાઈનાન્સ, એલઆઈસી હાઉસિંગ, મણ્ણાપુરમ ફિન, એમએન્ડએમ, બાલક્રિષ્ણા ઈન્ડ., એપોલો ટાયર્સ, પીવીઆર આઈનોક્સ, એસ્ટ્રાલ, એબીબી ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટામાં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, બંધન બેંક, કેનેરા બેંક, ગેઈલ, મારુતિ સુઝુકી, બાયોકોન, સેઈલ, એચપીસીએલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, હિંદ કોપર, ઈન્ફો એજ, જેકે સિમેન્ટ, તાતા મોટર્સ, સિમેન્સ, એસબીઆઈ, બીપીસીએલ, વેદાંતામાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓબેરોય રિઅલ્ટી, ટિમકેન, બ્લ્યૂ સ્ટાર, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, ત્રિવેણી ટર્બાઈન, એસ્ટ્રાલ, એબીબી ઈન્ડિયા, હિંદુસ્તાન ઝીંક, હિતાચી એનર્જી, એસ્કોર્ટ્સ કુબોટા, ભારતી એરટેલ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થતો હતો.
HALનો માર્ચ ક્વાર્ટર નફો 52 ટકા ઉછળી રૂ. 4309 કરોડ જોવા મળ્યો
કંપનીની આવકમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ
ડિફેન્સ સેક્ટરની અગ્રણી કંપની હિંદુસ્તાન એરોનોટીક્સ(HAL)એ માર્ચ, 2024 ક્વાર્ટર માટે રૂ. 4308 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 52 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક પણ 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 14,769 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12,494 કરોડ પર નોંધાઈ હતી.
ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો બમણાથી વધુ ઉછળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1261 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક પણ ત્રિમાસિક ધોરણે 140 ટકા ઉછળી હતી. કંપનીના ગ્રાહકોમાં ભારતીય આર્મી, નેવી અને એર ફોર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એરબસ અને બોઈંગ પણ કંપનીના ગ્રાહકો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના માર્જિન 25.9 ટકા પરથી સુધરી 35 ટકા પર જોવા મળ્યાં હતાં.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ખર્ચ 8 ટકા ઘટી રૂ. 9543 કરોડ પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ રૂ. 10,360 કરોડ પર હતો. કંપનીનો એબિટા રૂ. 5470 કરોડ પર જોવા મળ્યો હતો. જે વર્ષ અગાઉના રૂ. 3,242 કરોડની સરખામણીમાં 60 ટકા ઊંચો હતો. સમગ્ર વર્ષ માટે કંપનીનો નેટ પ્રોફિટ 31 ટકા વૃદ્ધિ સાથે રૂ. 7621 કરોડ પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 5828 કરોડ પર જોવા મળતો હતો. જ્યારે આવક 13 ટકા વધી રૂ. 30,381 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 26,927 કરોડ પર હતી.
કંપનીનો શેર 10 ટકાથી વધુ ઉછળી રૂ. 4600ની સપાટી પાર કરી ગયો હતો. કંપની રૂ. 3 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરી ગઈ હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નફો 32 ટકા ઉછળી રૂ. 2038 કરોડ નોંધાયો
કંપનીની આવક 11 ટકા વધી રૂ. 25,109 કરોડ પર જોવાઈ
કંપનીએ પ્રતિ શેર રૂ. 21.10નું ડિવિડન્ડ જાહેર કર્યું
યુટિલિટી વેહીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2038 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 32 ટકા વૃદ્ધિ સૂચવે છે. વર્ષ અગાઉ કંપનીએ રૂ. 1549 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 22571 કરોડની સામે 11 ટકા વધી રૂ. 25,109 કરોડ પર જોવા મળી હતી.
માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીના ઓટોમોબાઈલ સેગમેન્ટે 2,15,280 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે વાર્ષિક 14 ટકા વૃદ્ધિ સૂચવે છે. તેના ફાર્મા ઈક્વિપમેન્ટ સેગમેન્ટે 71,039 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે વાર્ષિક 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. દરમિયાનમાં મુંબઈ સ્થિત ઓટોમેકરના બોર્ડે પ્રતિ શેર રૂ. 21.10નું ડિવિડન્ડ મંજૂર કર્યું હતું. જે માટે રેકર્ડ ડેટ 5 જુલાઈ, 2024 નિર્ધારિત કરવામાં આવી છે. ડિવિડન્ડ 31 જુલાઈ પછી ચૂકવવામાં આવશે.
ગેઈલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2474 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
ત્રિમાસિક ધોરણે નફામાં 22 ટકા ઘટાડો જોવા મળ્યો
પીએસયૂ કંપની ગેઈલ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2474.31 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ત્રિમાસિક ધોરણે 24 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3193.34 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જોકે, વાર્ષિક ધોરણે કંપનીના નફામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 642.74 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 32,833.24 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 33,264.06 કરોડ પર હતી.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નેચરલ ગેસ ટ્રાન્સમિશન સેગમેન્ટ એબિટા રૂ. 989 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.41 કરોડ પર હતો. કંપનીનો પેટકેમ સેગમેન્ટનો એબિટા રૂ. 262 કરોડ પર રહ્યો હતો. ગયા વર્ષે તેણે રૂ 400 કરોડની ખોટ નોંધાવી હતી. દરમિયાનમાં, ગેઈલનો નેચરલ ગેસ માર્કેટિંગ સેગમેન્ટ એબિટા રૂ. 1388.7 કરોડ પર રહ્યો હતો. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1880 કરોડ પર હતો.
નાણા વર્ષ 2023-24 માટે ગેઈલે રૂ. 9899 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક 76 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 5616 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1.33 લાખ કરોડ પર રહી હતી. જે 2022-23માં રૂ. 1.45 લાખ કરોડ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે.
Market Summary 16/05/2024
May 16, 2024