Market Summary 16/10/2023

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

જીઓપોલિટીકલ ચિંતા વચ્ચે શેરબજારોમાં સાવચેતીનો માહોલ

એશિયન બજારોમાં 2 ટકાના ઘટાડા વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ

વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 11.07ના સ્તરે

મેટલ, પીએસઈ, ઓટો, એનર્જીમાં મજબૂતી

ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ

જીએસએફસી, આઈટીઆઈ, એમસીએક્સ નવી ટોચે

ડેલ્ટા કોર્પ, વી-માર્ટ નવા તળિયે

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ વકરતાં વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીનું માહોલ જોવા મળી રહ્યું છે. એશિયાઈ બજારમાં ઉઘટતાં સપ્તાહે 2 ટકા સુધીના ઘટાડા વચ્ચે ભારતીય બજાર સાંકડી રેંજમાં ટ્રેડિંગ વચ્ચે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 116 પોઈન્ટ્સ ઉછળી 66167ની સપાટીએ જ્યારે નિફ્ટી 19 પોઈન્ટ્સના સુધારે 19732ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાય હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3953 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2033 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1746 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 336 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ જ્યારે 32 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 405 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 213 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 11.07ના સ્તરે બંધ રહ્યો હતો.

સોમવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. અગાઉના 19751ના બંધ સામે તે 19737ની સપાટી પર ખૂલી શરૂમાં 19692નું તળિયું બનાવી ઉપરમાં 19781 પર ટ્રેડ થયા પછી લગભગ ફ્લેટ ટ્રેડ દર્શાવ્યાં પછી રેડ ઝોનમાં જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 1 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19733ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 17 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટમાં સુધારો સૂચવે છે. એટલેકે ઘટાડે લોંગ પોઝીશનમાં વૃદ્ધિનો સંકેત મળે છે. લોંગ ટ્રેડર્સ 19600ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે. ઉપરમાં 19800નું લેવલ અવરોધક છે. તે પાર થશે તો 20000ની સપાટી જોવા મળી શકે છે. જોકે, વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ જોખમોને જોતાં માર્કેટમાં ઝડપી પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું મહત્વનું બની રહેશે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, યૂપીએલ, એચસીએલ ટેક્નોલોજી, એક્સિસ બેંક, ઓએનજીસી, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ડિવિઝ લેબ્સ, નેસ્લે, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા અને ટેક મહિન્દ્રામાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, પીએસઈ, ઓટો, એનર્જીમાં મજબૂતી નોંધાઈ હતી. જ્યારે ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો, કોલ ઈન્ડિયા, હિંદુસ્તાન ઝીંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ 0.6 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં એનએમડીસી, ભેલ, ઓઈલ ઈન્ડિયા, નાલ્કો, ગેઈલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસીમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ અડધા ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં મધરસન સુમી, હીરો મોટોકોર્પ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, એમએન્ડએમ, બોશ, બજાજ ઓટો, એમઆરએફ, ભારત ફોર્જ, આઈશર મોટર્સ વગેરેમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયન બેંક, જેકે બેંક, આઈઓબી, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંકમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, નિફ્ટી બેંક નરમાઈ દર્શાવતો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક રેડ ઝોનમાં બંધ રહ્યાં હતાં.

એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો જીએનએફસી 5.4 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત, એમસીએક્સ ઈન્ડિયા, એનએમડીસી, મધરસન, ભેલ, આદિત્ય બિરલા ફેશન, હીરો મોટોકોર્પ, હિંદ કોપર, આઈજીએલ, પોલીકેબ, સન ટીવી નેટવર્ક, જેએસડબલ્યુ સ્ટીલ, હેવેલ્સ ઈન્ડિયા, વેદાંતમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ, ડિવિઝ લેબ્સ, મેટ્રોપોલીસ, નેસ્લે, ઈન્ડિયા સિમેન્ટ્સ, વોડાફોન, લૌરસ લેબ્સ, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, ઓરોબિંદો ફાર્મા, મણ્ણાપુરમ ફાઈ.માં ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, એમએમટીસી, જીએસએફસી, આઈટીઆઈ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, કેપીઆઈએલ, એમસીએક્સ ઈન્ડિયા, એમઆરપીએલ, સોભા, સીએસબી બેંક, કરુર વૈશ્ય અને પોલીકેબનો સમાવેશ થતો હતો.

દેશમાં સ્થાનિક PV હોલસેલ વેચાણમાં 1.87 ટકા વૃદ્ધિઃ સિઆમ

થ્રી-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ્સના વેચાણમાં પણ નોંધાયેલી વૃદ્ધિ

દેશમાં પેસેન્જર વેહીકલ્સના હોલસેલ વેચાણમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 1.87 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ ઓટો ઈન્ડસ્ટ્રી સંસ્થા સિઆમનો ડેટા જણાવે છે. ગયા મહિને ઓટો કંપનીઓએ કુલ 3,61,717 પેસેન્જર વેહીકલ્સની રવાનગી કરી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 3,55,043 પેસેન્જર વેહીકલ્સ પર જોવા મળતી હતી. આ જ રીતે ટુ-વ્હીલર્સનું હોલસેલવેચાણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 17,35,199 યુનિટ્સ પરથી વધી 17,49,794 યુનિટ્સ પર જોવા મળ્યું હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સનું કહેવું છે.

સપ્ટેમ્બરમાં થ્રી-વ્હીલર્સનું હોલસેલ વેચાણ 74,418 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે સપ્ટેમ્બર 2022માં 50,626 યુનિટ્સ પર હતું. સપ્ટેમ્બરમાં કુલ ઓટોમોબાઈલની રવાનગી 21,41,208 યુનિટ્સ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 20,93,286 યુનિટ્સ પર હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ વેચાણ 61,16,091 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 60,52,739 યુનિટ્સ પર હતું. આમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 10,74,189 યુનિટ્સ પર જોવા મળતું હતું. જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 10,26,309 યુનિટ્સ પર હતું. કમર્સિયલ વેહીકલ્સ ડિસ્પેચ 2022માં 2,31,991 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં 2,47,929 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે થ્રી-વ્હીલરનું હોલસેલ વેચાણ 1,95,215 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,20,319 યુનિટ્સ પર હતું. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ટુ-વ્હીલર્સનું કુલ વેચાણ ગયા વર્ષે 46,73,931 યુનિટ્સ પરથી ઘટી 45,98,442 યુનિટ્સ પર નોંધાયું હતું. સિઆમના પ્રમુખ વિનોદ અગ્રવાલના જણાવ્યા મુજબ થ્રી-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ્સના વેચાણમાં બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ જળવાય હતી. જ્યારે ટુ-વ્હીલર્સના વેચાણમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો.

HDFC બેંકનો નેટ પ્રોફિટ 50 ટકા ઉછળી રૂ. 15976 કરોડ નોંધાયો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકની ગ્રોસ એનપીએ વણસીને 1.34 ટકા પર જોવા મળી

બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 30.3 ટકા વધી રૂ. 27,835 કરોડ પર રહી

દેશમાં ટોચની પ્રાઈવેટ બેંક એચડીએફસી બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 15,796 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 10,605 કરોડના નફાની સરખામણીમાં 50.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની કુલ આવક પણ ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 46181 કરોડની સામે 69 ટકા ઉછળી રૂ. 78406 કરોડ પર રહી હતી.

બેંકની નેટ રેવન્યૂ 33.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 38,093 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28,617 કરોડ પર નોંધાઈ હતી. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 21,021 કરોડની સરખામણીમાં 30.3 ટકા વધારા સાથે રૂ. 27,835 કરોડ પર જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકના કોર નેટ ઈન્ટરેસ્ટ માર્જિન કુલ એસેટ્સ પર 3.65 ટકા જળવાયું હતું. જ્યારે ઈન્ટરેસ્ટ અર્નિંગ એસેટ્સ પર 3.85 ટકા રહ્યું હતું. બેંકનો કરવેરા પૂર્વેનો નફો રૂ. 19,790 કરોડ પર જોવા મળ્યો હતો. રૂ. 3814 કરોડના કરવેરા પછી બેંકનો નેટ પ્રોફિટ રૂ. 15,976 કરોડ રહ્યો હતો. જે વાર્ષિક 50.6 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. બેંકે બીજા ક્વાર્ટરમાં રૂ. 15,399 કરોડનો કામકાજી ખર્ચ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 37.2 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 11,225 કરોડ પર રહ્યો હતો. બેંકનો પ્રોવિઝન અગાઉનો ઓપરેટિંગ પ્રોફિટ રૂ. 22,694 કરોડ રહ્યો હતો. જે વાર્ષિક ધોરણે 30.5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. બેંકનો કુલ ક્રેડિટ કોસ્ટ રેશિયો 0.49 ટકા પર હતો. જે 30 સપ્ટેમ્બર, 2022ની આખરમાં 0.87 ટકા પર હતો. બીજા ક્વાર્ટરમાં બેંકના ગ્રોસ એડવાન્સિસ રૂ. 1.1 લાખ કરોડની વૃદ્ધિ દર્શાવતાં હતાં. મર્જર પછી તે રૂ. 23,54,633 કરોડ પર રહ્યાં હતાં. વાર્ષિક ધોરણે તે 57.7 ટકા વૃદ્ધિ સૂચવે છે.

અદાણી જૂથ પોર્ટની ક્ષમતા વૃદ્ધિ માટે રૂ. 20 હજાર કરોડનું રોકાણ કરશે

કોંગ્લોમેટર 2030 સુધીમાં કાર્ગો ક્ષમતા એક અબજ ટન સાથે વિશ્વમાં ટોચના ક્રમે લઈ જશે

જાન્યુઆરી સુધીમાં અદાણી પોર્ટ 65 કરોડ ડોલરના ડોલર બોન્ડ્સનું બાયબેક કરશે

અદાણી જૂથ તેના પોર્ટ્સ ખાતે કાર્ગો હેન્ડલીંગ ક્ષમતાને ચાર ગણી વધારી 1 અબજ ટન પર લઈ જવા માટે 2030 સુધીમાં રૂ. 20 હજાર કરોડનું રોકાણ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ સાથે કંપની વિશ્વમાં પોર્ટ ક્ષેત્રે સૌથી મોટી કંપની બની રહેશે.

આ માટે કંપની વિશ્વભરમાં જો તેને સારો સ્થાનિક ભાગીદાર મળી રહેશે ત એક્વિઝીશન માટે વિચારી શકે છે. આ માટે કંપની આર્થિક અને રાજકીય રીતે સ્થિરતા ધરાવતાં દેશ પર પસંદગી ઉતારશે એમ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું હતું. જૂથે ચાલુ વર્ષની શરૂઆતમાં ઈઝરાયેલ ખાતે હાઈફા પોર્ટની ખરીદી કરી હતી. તેણે 1.2 અબજ ડોલરમાં આ પોર્ટ ખરીદ્યું હતું. હાલમાં તે પૂર્વ આફ્રિકામાં કેન્યા અને ટાન્ઝાનિયામાં તેમજ વિયેટનામ અને ભૂમધ્ય સાગરમાં કેટલાંક સ્થળોએ પોર્ટ ખરીદવા નજર દોડાવી રહ્યું છે. કરણ અદાણીના જણાવ્યા મુજબ વિદેશ સ્થિત પોર્ટ ભારત સાથે મજબૂત વેપારી સંબંધો ધરાવતું હોય તે અનિવાર્ય છે. તેમજ તે સ્થાનિક સ્તરે પણ મજબૂત અર્થતંત્ર ધરાવતું હોય તે આવશ્યક છે. અદાણી જૂથે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈની હજુ સુધી હાઈફા પોર્ટની કામગીરી પર કોઈ અસર જોવા મળી નથી. કરણ અદાણીના મતે હાઈફા પોર્ટમાં અમારા રોકાણને લઈ અમે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. અમે જ્યારે અમારુ ડ્યુ ડિલિજન્સ કર્યું હતું ત્યારે કેટલીક અડચણોની અપેક્ષા રાખી હતી. પોર્ટનું કામકાજ હાલમાં ચાલુ છે અને અમે કોઈ સમસ્યાની અપેક્ષા રાખી રહ્યાં નથી એમ અદાણી ઉમેરે છે. હાલમાં એપીએન્ડસેઝના કુલ વોલ્યુમનો માત્ર ત્રણ ટકા હિસ્સો હાઈફા પોર્ટ ખાતેથી આવે છે. અમે જ્યારે પણ કોઈ દેશમાં પ્રવેશીએ છીએ ત્યારે ખૂબ જ ડ્યુ ડિલિજન્સ અને ગણતરીઓ કરીએ છીએ. જેમાં રાજકીય સ્થિરતા સૌથી મહત્વનું પરિબળ હોય છે. અદાણીના જણાવ્યા મુજબ અદાણી પોર્ટ્સ દર વર્ષે ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 5-6 હજાર કરોડનું રોકાણ કરશે. કંપની દર વર્ષે રૂ. 7-8 હજાર કરોડનો ફ્રી કેશ ફ્લો રળે છે. જે વિસ્તરણ માટે ભંડોળ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવાશે. તેમણે કેરળ ખાતે વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સ-શીપમેન્ટ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે વાતચીતમાં આ માહિતી આપી હતી. કંપની જાન્યુઆરી સુધીમાં તેના 65 કરોડ ડોલરના સમગ્ર ફોરેન એક્સચેન્જ બોન્ડ્સનું બાયબેક કરશે એમ કરણ અદાણીએ ઉમેર્યું હતું.

IDBI બેંક પાસે રૂ. 11520 કરોડની ડેફર્ડ ટેક્સ એસેટ્સ

કંપની પાસે સાત શહેરોમાં 120થી વધુ પ્રોપર્ટીઝ આવેલી છે

કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બેંકના સંભવિત એસેટ વેલ્યૂઅર્સને જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રના લેન્ડર પાસે રૂ. 11520 કરોડની ડેફર્ડ ટેક્સ એસેટ્સ આવેલી છે. ઉપરાંત બેંક ટોચના સાત શહેરોમાં 120 પ્રોપર્ટીઝ ધરાવે છે. આઈડીબીઆઈ બેંકના સંભવિત એસેટ વેલ્યૂઅર્સ તરફથી બીડ અગાઉની ક્વેરીનો પ્રતિભાવ આપતાં દિપમ(ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ)એ જણાવ્યું હતું કે બેંક મુંબઈમાં 68, પૂણેમાં 20, ચેન્નાઈમાં નવ અને અમદાવાદમાં સાત પ્રોપર્ટીઝ ધરાવે છે. આ ઉપરાંત તેની પાસે કોલકોતામાં છ અને દિલ્હી અને હૈદરાબાદ ખાતે 5-5 પ્રોપર્ટીઝ રહેલી છે.

દિપમે નોંધ્યું છે કે આઈડીબીઆઈ બેંક બેલેન્સ શીટમાં દેખાતી નથી તેવી રૂ. 11520 કરોડની આસપાસનું મૂલ્ય ધરાવતી ડેફર્ડ ટેક્સ એસેટ્સ રહેલી છે. ડેફર્ડ ટેક્સ એસેટ એટલે એવી એસેટ્સ જેનો ભવિષ્યમાં ટેક્સ બચાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. કંપની તરફથી આવી એસેટ્સનો ઉપયોગ ટેક્સના ઓવરપેમેન્ટના સંદર્ભમાં કરવામાં આવે છે. જેને ભાવિ ટેક્સ ડ્યૂઝ સામે પાછળથી એડજસ્ટ કરવામાં આવે છે. દિપમે વધુમાં નોંધ્યું છે કે એસેટ વેલ્યૂઅરે વધુમાં કેટલીક અન્ય અદ્રશ્ય એસેટને ઓળખી કાઢવી જોઈએ જેમાં બ્રાન્ડ નામ, બ્રાન્ચ નેટવર્કનો સમાવેશ થાય છે અને તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. જોકે, તે બેંકની બેલેન્સ શીટ પર જોવા નહિ મળે. એસેટ વેલ્યૂઅર્સ માટે આપવામાં આવેલા સંદર્ભની શરતોમાં તમામ પ્રોપર્ટીઝ અને એસેટ્સના લિસ્ટીંગનો સમાવેશ થાય છે. જેમાં બેંક્સ તરફથી પૂરા પાડવામાં આવેલા ટ્રેડમાર્ક્સ, પ્રોપર્ટી રાઈટ્સનું ટાઈટલના મૂલ્યનો સમાવેશ થાય છે.

સરકાર અને એલઆઈસી મળીને આઈડીબીઆઈ બેંકમાં લગભગ 61 ટકા જેટલો હિસ્સાનું વેચાણ કરવા જઈ રહ્યાં છે. હાલમાં સરકાર અને એલઆઈસી મળી બેંકમાં 94.72 ટકા હિસ્સો ધરાવે છે. આઈડીબીઆઈ બેંકમાં હિસ્સાની ખરીદી માટે ઘણા રોકાણકારો રસ દર્શાવી ચૂક્યાં છે. એસેટ વેલ્યૂઅર તરફથી બીડ રજૂ કરવા માટે 30 ઓક્ટોબરની આખરી તારીખ નિર્ધારિત કરવામાં આવી છે.

TCS બ્રાઈબ-ફોર-જોબ કેસમાં 16 કર્મચારીઓને દૂર કરાયાં

આઈટી સર્વિસ જાયન્ટે છ વેન્ડર્સ પર પણ પ્રતિબંધ મૂક્યો

ટીસીએસના મતે કંપનીના ટોચના અધિકારીઓની સંડોવણી નથી

આઈટી સર્વિસિઝ જાયન્ટ કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ ખાતે જોબ્સ માટે લાંચ-રૂશ્વતના કૌભાંડની ઊંડાણમાં તપાસ પછી કંપનીએ 16 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યાં છે જ્યારે ત્રણ કર્મચારીઓને રિસોર્સ મેનેજમેન્ટ કામગીરીમાંથી દૂર કર્યાં છે. આ ઉપરાંત, તેણે છ વેન્ડર્સ પર કંપની સાથે કોઈપણ પ્રકારની કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે.

ટીસીએસે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે કે અમારી તપાસમાં 19 કર્મચારીઓની સંડોવણી માલૂમ પડી છે. જે તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીએ તેમની સામે આચારસંહિતાના ભંગ બદલ પગલાં લઈ તેમને નોકરીમાંથી છૂટાં કર્યાં છે. જ્યારે અન્ય ત્રણ કર્મીઓને રિસોર્સ મેનેજમેન્ટ કામગીરીમાંથી દૂર કરાયાં છે. આ નિવેદનમાં જ કંપનીએ જણાવ્યું છે કે તેણે છ વેન્ડર કંપનીઓ અને સહયોગીઓને કંપની સાથે કોઈપણ પ્રકારના બિઝનેસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ત્રણ મહિના અગાઉ નોકરી સામે લાંચ કેસની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં રિક્રૂટમેન્ટ કંપની તરફથી કંપનીના અધિકારીઓને વધુ બિઝનેસ મેળવવા માટે લાંચ ચૂકવાયાં હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. જેમાં કંપનીના અધિકારીઓની સંડોવણી પણ જણાય હતી. જોકે, ટીસીએસે તેના નિવેદનમાં નોંધ્યું છે કે આ ઘટના કંપની દ્વારા કે કંપનીની વિરુધ્ધમાં કોઈ છેતરપિંડી નથી અને તેની કંપનીની નાણાકિય બાબતો પર પણ કોઈ અસર નથી. આ ઘટના કેટલાંક કર્મચારીઓ તરફથી આચારસંહિતાના ભંગની છે અને ટીસીએસના કોઈ ચાવીરૂપ અધિકારીની તેમાં સંડોવણી નથી.

કંપનીએ ફાઈલીંગમાં નોંધ્યું છે કે તેણે કોર્પોરેટ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવા માટે કેટલાંક ઉપાયો હાથ ધર્યાં છે. જેમાં રિસોર્સ મેનેજમેન્ટ કામગીરીમાં સંડોવાયેલા કર્મચારીઓના નિયમિત રોટેશન, સપ્લાયર મેનેજમેન્ટ પર વધુ વ્યાપક એનાલિસીસ, વેન્ડર્સ તરફથી તાતા કોડ ઓફ કંડક્સ પર સમયાંતરે ડિક્લેરેશન અને વેન્ડર મેનેજમેન્ટ પ્રોસેસ ઓડિટ્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ગયા સપ્તાહે અર્નિંગ્સ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના સીઈઓએ તપાસ પૂરી થઈ ચૂકી હોવાની માહિતી આપી હતી.

સપ્ટેમ્બરમાં NSEના 63.3 લાખ શેર્સના ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા

સંસ્થાઓએ રૂ. 3055 પ્રતિ શેરના ભાવે દેશમાં ટોચના સ્ટોક એક્સચેન્જમાં કરેલી ખરીદી

એક્સચેન્જ સતત ત્રણ વર્ષથી એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની બાબતમાં ટોચનું એક્સચેન્જ

વિશ્વમાં ટોચના સ્ટોક એક્સચેન્જિસમાંના એક નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)માં સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ 63.3 લાખ શેર્સનો હાથ બદલો થયો હોવાનું જાણવા મળે છે. વર્તુળોના જણાવ્યા મુજબ સરેરાશ રૂ. 3055 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરવામાં આવી હતી. મૂલ્યની રીતે જોઈએ તો કુલ રૂ. 1860 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું હતું. મોટાભાગની ખરીદી સંસ્થાઓ તરફથી કરવામાં આવી હતી.

સપ્ટેમ્બરમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ 4.36 લાખ શેર્સની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ 29.8 લાખ શેર્સ ખરીદ્યાં હતાં. જ્યારે નોન-રેસિડેન્ટ ઈન્ડિયન(એનઆરઆઈ) રોકાણકારોએ 34.17 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું. જો પ્રાઈસ રેંજની વાત કરીએ તો મહિના દરમિયાન સૌથી ઊંચું ટ્રાન્ઝેક્શન રૂ. 3600 પ્રતિ શેરના ભાવે થયું હતું. જ્યારે સૌથી નીચા નીચો સોદો રૂ. 2200 પ્રતિ શેરના ભાવે થયો હતો. જોકે, મહિના અગાઉ એનએસઈનો શેર રૂ. 3935ના ટોચના ભાવે વેચાયો હતો. જ્યારે નીચામાં રૂ. 1800ના ભાવે ટ્રેડ થયો હતો. બ્રોકર્સના મતે નીચા ભાવે થતાં ટ્રાન્ઝેક્શન્સ સામાન્યરીતે કેપિટલ ગેઈન્સ ટેક્સને ભૂંસવા માટે કરવામાં આવતાં હોય છે. કેલેન્ડર 2019થી 2021 સુધી અનલિસ્ટેડ માર્કેટમાં શેરનો ભાવ રૂ. 3500-3600 સુધી ઉછળ્યો હતો. જેનું કારણ એક્સચેન્જની વધતી નફાકારક્તા અને આઈપીઓની આશા હતી. ગયા વર્ષે શેરનો સરેરાશ ભાવ રૂ. 3000ની નીચે ઉતરી ગયો હતો. બ્રોકર્સના જણાવ્યા મુજબ આ ડીલમાં ચારથી પાંચ મહિનાનો સમય લાગતો હોય છે. જ્યારે કેટલાંક કિસ્સામાં તો તેનાથી પણ વધુ સમય લાગતો હોય છે. કેમકે ટ્રાન્ઝેક્શન માટે બોર્ડની મંજૂરીની જરૂરિયાત રહેતી હોય છે. એનએસઈના શેરના આકર્ષણ આશ્ચર્યની બાબત નથી. કેમકે છેલ્લાં ત્રણ વર્ષોથી એક્સચેન્જ વિશ્વમાં એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સની બાબતમાં સૌથી મોટું એક્સચેન્જ છે અને તે એક પ્રકારની મોનોપોલી ધરાવે છે. જ્યારે કેશ સેગમેન્ટમાં પણ એક્સચેન્જ સતત હિસ્સો વધારી રહ્યો છે 2012-13માં કેશ સેગમેન્ટનો હિસ્સો 83 ટકા પરથી વધી 2022-23માં 93 ટકા પર પહોંચ્યો હતો.

UPI મારફતે રૂપે ક્રેડિટ પેમેન્ટ્સ પર MDRની બ્રેક

મોટી સંખ્યામાં નાના અને મોટા મર્ચન્ટ્સે તેમના બેંકર્સને યૂપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ બંધ કરવા જણાવ્યું

વેપારીઓએ અન્ય ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સની સરખામણીમાં રૂપે કાર્ડ પર ઊંચો એમડીઆર ચૂકવવો પડી રહ્યો છે

છેલ્લાં ચારથી પાંચ મહિનાઓછી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) પર રૂપે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ ગ્રાહકોની પસંદ બન્યાં છે. કેમકે તે 45-50 દિવસોની વ્યાજમુક્ત ક્રેડિટ સાથે ઝડપી અને અનૂકૂળ એવા યૂપીઆઈ પર ઘણી સારી ક્રેડિટ કાર્ડ ઓફર્સ અને રિવોર્ડ્સ આપી રહ્યાં છે. હાલમાં માત્ર રૂપે ક્રેડિટ કાર્ડ્સને યૂપીઆઈ સાથે લિંક કરવાની છૂટ છે.

મે મહિનામાં રૂ. 50-60 કરોડના દૈનિક ટ્રાન્ઝેક્શન પરથી યૂપીઆઈ પર રૂપે ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ ઓક્ટોબરમાં દૈનિક રૂ. 100 કરોડ પર પહોંચ્યું છે. જે સપ્તાહાંતે દૈનિક રૂ. 150-200 કરોડ પર પહોંચે છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. કેટલાંક મહિનાઓ અગાઉ નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅન્સમાં 10 ટકાથી નીચા હિસ્સા પરથી હાલમાં રૂપે ક્રેડિટ કાર્ડનો હિસ્સો નવા ક્રેડિટ કાર્ડ્સમાં 25 ટકા પર પહોંચ્યો છે. જે મહિને લગભગ ચાર લાખ કાર્ડ્સ જેટલો છે એમ રૂપે અને યૂપીઆઈનું સંચાલન કરનાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એનપીસીઆઈ) જણાવે છે.

જેણે 15-20 ટકા જેટલા નાનાથી લઈ મોટા મર્ચન્ટ્સને માટે અકળામણ ઊભી કરી છે. તેમણે તેમની બેંક્સને યૂપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડના વપરાશને અટકાવવા માટે વિનંતી કરી હોવાનું બહુવિધ બેંક્સ અને યૂપીઆઈ એપ્સ જણાવી રહ્યાં છે. હાલમાં દેશમાં 7 કરોડ મર્ચન્ટ્સ યૂપીઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. આમ, કરવાનું કારણ મર્ચન્ટ્સે ગ્રાહક તરફથી રૂપે ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગ પર તેમના બેંકરને ચૂકવવાનો થતો ઊંચો ડિસ્કાઉન્ટ રેટ(MDR) છે. સામાન્યરીતે ક્રેડિટ કાર્ડ પર મર્ચન્ટ 2 ટકા અથવા રૂ. 1000ના ટ્રાન્ઝેક્શન પર રૂ. 20નો એમડીઆર ચૂકવતાં હોય છે. જેમાંથી 1.5 ટકા અથવા રૂ. 15ને ઈન્ટરચેન્જ કહેવામાં આવે છે. જે કાર્ડ-ઈસ્યુકર્તા બેંકને મળે છે. જ્યારે 0.5 ટકા હિસ્સો મર્ચન્ટ એક્વાયરીંગ-બેંક અને કાર્ડ નેટવર્ક્સ પાસે જાય છે. બે એક બેંક્સના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ ગુડ્ઝ રિટેલર ડેકાથ્લોન, ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ આઈઆરસીટીસી, ફૂડ રિટેલર પિઝ્ઝા હટ, ઈકોમર્સ એપ જીઓમાર્ટ, ટેલિકોમ પ્લેયર વોડાફોન-આઈડિયા, લોજિસ્ટીક્સ ફર્મ ડેલ્હીવેરી અને ડેરી કંપની મધર ડેરી સહિતના વેન્ડર્સનો યૂપીઆઈ મારફતે રૂપે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ નહિ સ્વિકારનારાઓમાં સમાવેશ થાય છે.

યુએસ બોન્ડ્સમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં નરમાઈ

વિશ્વ બજારમાં ગોલ્ડમાં 20 ડોલરનો ઘટાડો જોવા મળ્યો

ડોલર ઈન્ડેક્સમાં પણ નરમાઈ જોવાઈ

યુએસ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી પાછળ સોમવારે ગોલ્ડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ગોલ્ડ ફ્યુચર સોમવારે એક તબક્કે 20 ડોલરના ઘટાડે 1921 ડોલર પર ટ્રેડિંગ દર્શાવતો હતો. ગયા શુક્રવારે તે 1945 ડોલર પર બંધ રહ્યો હતો. ગોલ્ડ પાછળ ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી હતી. વિશ્વ બજારમાં સિલ્વર ફ્યુચર 0.65 ટકા નરમાઈ સાથે 22.747 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા સપ્તાહે ગોલ્ડમાં 90 ડોલરનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. જે છ મહિનામાં તેનો શ્રેષ્ઠ દેખાવ હતો. અમદાવાદ હાજર બજારમાં ગોલ્ડ 61500ની સપાટી પર ટ્રેડ થયું હતું. જ્યારે વાયદામાં તે રૂ. 59 હજારની સપાટી પાર કરી ગયું હતું.

આશ્ચર્યની બાબત એ છે કે ડોલર ઈન્ડેક્સમાં પણ નરમાઈ જોવા મળી હતી અને તે 0.21 ટકા નરમાઈ સાથે 106.217ની સપાટી આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે છેલ્લાં કેટલાંક સત્રોમાં ગોલ્ડમાં તીવ્ર ઉછાળા પછી કેટલોક સમય કોન્સોલિડેશન જોવા મળી શકે છે. જોકે, જ્યાં સુધી ઈઝરાયેલ-પેલેસ્ટાઈન તણાવ ઓછો નહિ થાય ત્યાં સુધીમાં તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડાની શક્યતાં નથી. ઉલટાનું, જો આ તણાવ વકરશે તો ગોલ્ડ 2000 ડોલરની સપાટી પણ પાર કરી શકે છે. જે સ્થિતિમાં ભારતીય બજારમાં તે અગાઉની રૂ. 62500ની સર્વોચ્ચ સપાટીને ફરી દર્શાવી શકે છે. સોમવારે ક્રૂડના ભાવ સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો ક્યારેક રેડ તો ક્યારેક ગ્રીન ઝોનમાં અથડાયેલો જોવા મળ્યો હતો. તેણ 91 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતો હતો.

ઓક્ટોબરમાં FPIની રૂ. 9800 કરોડની વેચવાલી

વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ઓક્ટોબરમાં ગયા સપ્તાહ સુધીમાં રૂ. 9800 કરોડની વેચવાલી દર્શાવી છે. યુએસ બોન્ડ યિલ્ડ્સમાં સતત વૃદ્ધિ પાછળ વિદેશી રોકાણકારોએ ઈક્વિટીઝમાં આઉટફ્લો નોંધાવ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ તેઓ રૂ. 15 હજાર કરોડની નેટ વેચવાલી દર્શાવી હતી. છેલ્લાં 10-દિવસોથી ઈઝરાયેલ-હમાસ વચ્ચે જોવા મળતાં જંગને કારણે પણ વિદેશી રોકાણકારોનું સેન્ટીમેન્ટ ખરડાયું છે અને તેમની વેચવાલી લંબાઈ ગઈ છે. જોકે, 2015 પછી ચાલુ વર્ષે તેમના તરફથી નોંધપાત્ર ખરીદી જોવા મળી છે. માર્ચથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં એફપીઆઈએ રૂ. 1.74 લાખ કરોડની કુલ ખરીદી નોંધાવી હતી. વૈશ્વિક સ્તરે રેટ વૃદ્ધિ અટક્યાંની ખાતરી મળ્યાં પછી વિદેશી રોકાણકારો ઈમર્જિંગ બજારોમાં પરત ફરતાં જોવા મળી શકે છે. ખાસ કરીને ભારતીય બજાર તેમના માટે આકર્ષક બની શકે છે.

NSEએ વધુ 13 કોમોડિટી ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સ લોંચ કર્યાં

નવા કોન્ટેક્ટ્સમાં 1 કિગ્રા ગોલ્ડ ફ્યુચર, ગોલ્ડ મિની ફ્યુચર્સનો સમાવેશ

અગાઉ પ્લેટફોર્મે ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ મિની ફ્યુચર્સ અને સિલ્વર મિની ફ્યુચર્સ લોંચ કર્યાં હતાં

નેશનલ સ્ટોક એક્સચેન્જે સોમવારે તેના કોમોડિટી ડેરિવેટીવ્સ સેગમેન્ટનો વિસ્તાર કરતાં તેમાં 13 નવા કોન્ટ્રેક્ટ્સ ઉમેર્યાં હતાં. જે સાથે હવે તે કુલ 28 કોમોડિટી ડેરિવેટીવ્સ પ્રોડક્ટ્સ ઓફર કરી રહ્યું છે. નવી ડેરિવેટીવ્સ પ્રોડક્ટ્સમાં ગોલ્ડ 1 કેજી ફ્યુચર્સ, ગોલ્ડ મિની ફ્યુચર્સ, સિલ્વર મિની ફ્યુચર્સ, કોપર ફ્યુચર્સ અને ઝીંક ફ્યુચર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોલ્ડ ગિની(8 ગ્રામ) ફ્યુચર્સ, એલ્યુમિનિયમ ફ્યુચર્સ, એલ્યુમિનિયમ મિની ફ્યુચર્સ, લેડ ફ્યુચર્સ, લેડ મિની ફ્યુચર્સ, નીકલ ફ્યુચર્સ, ઝીંક ફ્યુચર્સ અને ઝીંક મિની ફ્યુચર્સ પણ નવી પ્રોડક્ટ્સમાં સામેલ છે.

એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્ણનના જણાવ્યા મુજબ નવી 13 પ્રોડક્ટ્સ લોંચ કરવા સાથે હવે એનએસઈ પ્લેટફોર્મ પર એનર્જી, બુલિયન અને બેઝ મેટલ્સ કેટેગરીમાં તમામ મહત્વની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જે પાર્ટિસિપન્ટ્સને તમામ કોમોડિટીઝમાં તેના રિસ્કને કાર્યદક્ષ રીતે હેજ કરવાની સુવિધા પૂરી પાડશે. અગાઉ એનએસઈ છ કોમોડિટી ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરી ચૂક્યું છે. જેમાં ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ-મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ, નેચરલ ગેસ મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ તથા સિલ્વર મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ તતા માઈક્રો ફ્યુચર્સનો સમાવેશ થાય છે.

દેશમાં સ્થાનિક PV હોલસેલ વેચાણમાં 1.87 ટકા વૃદ્ધિઃ સિઆમ

થ્રી-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ્સના વેચાણમાં પણ નોંધાયેલી વૃદ્ધિ

દેશમાં પેસેન્જર વેહીકલ્સના હોલસેલ વેચાણમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 1.87 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ ઓટો ઈન્ડસ્ટ્રી સંસ્થા સિઆમનો ડેટા જણાવે છે. ગયા મહિને ઓટો કંપનીઓએ કુલ 3,61,717 પેસેન્જર વેહીકલ્સની રવાનગી કરી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 3,55,043 પેસેન્જર વેહીકલ્સ પર જોવા મળતી હતી. આ જ રીતે ટુ-વ્હીલર્સનું હોલસેલવેચાણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 17,35,199 યુનિટ્સ પરથી વધી 17,49,794 યુનિટ્સ પર જોવા મળ્યું હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરર્સનું કહેવું છે.

સપ્ટેમ્બરમાં થ્રી-વ્હીલર્સનું હોલસેલ વેચાણ 74,418 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે સપ્ટેમ્બર 2022માં 50,626 યુનિટ્સ પર હતું. સપ્ટેમ્બરમાં કુલ ઓટોમોબાઈલની રવાનગી 21,41,208 યુનિટ્સ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 20,93,286 યુનિટ્સ પર હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ વેચાણ 61,16,091 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં 60,52,739 યુનિટ્સ પર હતું. આમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ 10,74,189 યુનિટ્સ પર જોવા મળતું હતું. જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 10,26,309 યુનિટ્સ પર હતું. કમર્સિયલ વેહીકલ્સ ડિસ્પેચ 2022માં 2,31,991 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં 2,47,929 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે થ્રી-વ્હીલરનું હોલસેલ વેચાણ 1,95,215 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,20,319 યુનિટ્સ પર હતું. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ટુ-વ્હીલર્સનું કુલ વેચાણ ગયા વર્ષે 46,73,931 યુનિટ્સ પરથી ઘટી 45,98,442 યુનિટ્સ પર નોંધાયું હતું. સિઆમના પ્રમુખ વિનોદ અગ્રવાલના જણાવ્યા મુજબ થ્રી-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ્સના વેચાણમાં બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ જળવાય હતી. જ્યારે ટુ-વ્હીલર્સના વેચાણમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

ફેડરલ બેંકઃ ખાનગી બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 953.82 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 35.54 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 16.72 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2056.42 કરોડ જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1761.83 કરોડ પર હતી. બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.38 ટકા પરથી સુધરી 2.26 ટકા રહી હતી.

સ્પાઈસજેટઃ ઉડ્ડયન કંપનીનો શેર સોમવારે 11 ટકા પટકાયો હતો. ઈન્ટરગ્લોબના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલે તેઓ સ્પાઈસજેટમાં હિસ્સો ખરીદવાના છે તે પ્રકારના અહેવાલને રદિયો આપતાં શેરમાં ઘટાડો નોંધાયો હતો. ગંગવાલ ખોટા અહેવાલને લઈને માર્કેટ રેગ્યુલેટર સેબીને તપાસનું જણાવવા પણ વિચારી રહ્યાં છે.

ઈન્ફોસિસઃ આઈટી જાયન્ટ ઈન્ફોસિસે વિશાખાપટ્ટનમ ખાતે નવા ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત કરી છે. નવુ સેન્ટર 83,750 ચોરસ ફિટ વિસ્તારમાં ફેલાયેલું છે. જે અંદાજે એક હજાર કર્મચારીઓને સમાવશે અને હાઈબ્રીડ વર્કિંગ ગોઠવણ માટેની સુવિધા પૂરી પાડશે. આ સેન્ટર નેક્સ્ટ-જનરેશન ટેક્નોલોજિસ જેવીકે ક્લાઉડ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને ડિજીટલ પર ફોકસ કરશે.

કરુર વૈશ્ય બેંકઃ પ્રાઈવેટ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 378 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 250 કરોડ પર જોવા મળતો હતો. બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.99 ટકા પરથી ચાલુ વર્ષે સમાનગાળામાં 1.73 ટકા પર રહી હતી. બેંકે બીજા ક્વાર્ટરમાં રૂ. 1,53,516 કરોડનો વિક્રમી બિઝનેસ દર્શવ્યો હતો. બેંકની વ્યાજની ઈન્કમ રૂ. 1579 કરોડ પરથી વધી રૂ. 1997 કરોડ રહી હતી.

ડેલ્ટા કોર્પઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે કંપનીને મોકલેલી રૂ. 6384 કરોડની ટેક્સ નોટિસ પાછળ કંપનીનો શેર સોમવારે 9 ટકા જેટલો ગગડ્યો હતો. જે સાથે ચાલુ મહિનામાં તે 22 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. સોમવારે કંપનીનો શેર રૂ. 127.30ન સપાટીએ ગગડ્યો હતો. જે વાર્ષિક બોટમ હતું. કંપની તેની વાર્ષિક ટોચ પરથી 51 ટકા જેટલો તૂટી ચૂક્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage