Market Summary 16 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક બજારોનો સપોર્ટ સાંપડતાં બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ

સેન્સેક્સ 113.11 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ્સના સાધારણ સુધારે બંધ રહ્યાં

બ્રોડ માર્કેટમાં નરમાઈઃ બીએસઈ ખાતે 3453 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1858 નેગેટિવ બંધ રહ્યાં

બજારમાં સાધારણ સુધારા વચ્ચે પણ ઈન્ડિયા વીક્સમાં 8 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો

નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજા ફાઈ., ઈન્ફોસિસ, બીપીસીએલ, ટાઈટન કંપની, આરઆઈએલ સુધરવામાં ટોચ પર

એનએસઈ ડેરિવેટિવ્સમાં જેકે સિમેન્ટ, પર્સિસ્ટન્ટ, એસઆરએફ, એલએન્ડટી ઈન્ફોટેક, એસબીઆઈ કાર્ડ્સમાં 2 ટકાથી વધુ સુધારો


ભારતીય શેરબજારે ચાર દિવસથી ઘટતાં રહ્યાં બાદ ગુરુવારે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ફેડ ઈવેન્ટ પાછળ બજારોમાં સુધારાને પગલે સ્થાનિક બજારમાં વેચવાલી અટકી હતી. જોકે બેન્ચમાર્ક્સ સાધારણ સુધારો દર્શાવી બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 113.11 પોઈન્ટ્સના સુધારે 57901.14 પર જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ્સ સુધરી 17248.40 પર બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સમાં 7.72 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાયો હતો અને તે 15.89 પર બંધ રહ્યો હતો. નિફ્ટી-50માં 26 કાઉન્ટર્સ નેગેટિવ જ્યારે 24 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં.

યુએસ ફેડ રિઝર્વે છેલ્લાં એક ક્વાર્ટરથી જોવા મળતી રેટ સંબંધી અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં તેની નીતિને સ્પષ્ટ કરી હતી. ફેડ ચેરમેને નવા કેલેન્ડર 2022માં ત્રણ વાર 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવી હતી. જોકે બજારમાં આ મુદ્દો ખૂબ જ ચર્ચાઈ ચૂક્યો હોવાથી તેની કોઈ નેગેટિવ અસર જોવા મળી નહોતી. બુધવારે યુએસ બજારો બાઉન્સ થઈને બંધ આવતાં એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે નિફ્ટી સુધારો જાળવી શક્યો નહોતો અને કેટલાંક સમય માટે નેગેટિવ ઝોનમાં પણ ટ્રેડ થયો હતો. અગાઉના 17221.40ના બંધ સામે તે 17379.35ની ઓપનીંગ ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડી 17184.95ના તળિયા પર ટ્રેડ થયો હતો. માર્કેટને આઈટી અને પીએસયૂ કંપનીઓ તરફથી મહત્વનો સપોર્ટ મળી રહ્યો હતો. જેમાં ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક સાથે બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી મુખ્ય હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે એ સિવાય મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ રહ્યાં હતાં. બેંક નિફ્ટી 0.65 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી ઓટો પણ 0.73 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો.

અગાઉના ચાર સત્રોમાં લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. જ્યારે ગુરુવારે બેન્ચમાર્કસ પોઝીટીવ હોવા છતાં બ્રોડ માર્કેટમાં નરમાઈ જોવા મળતી હતી. બીએસઈ ખાતે 3453 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1858 નેગેટિવ બંધ રહ્યાં હતાં. જયારે 1411 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. કુલ 464 કાઉન્ટર્સ અપર સર્કિટ્સ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 173 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.

ફેડ પોલિસીને લઈને અનિશ્ચિતતા દૂર થતાં રોકાણકારોને રાહત
ઈક્વિટી, ગોલ્ડ, ક્રૂડ અને બેઝ મેટલ્સ સહિતના એસેટ ક્લાસિસમાં સુધારો નોંધાયો
ફેડની જાહેરાતની પ્રતિક્રિયામાં નાસ્ડેકે 2 ટકાથી વધુનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો
સિલ્વરમાં 3 ટકા, ગોલ્ડ-ક્રૂડ-નેચરલ ગેસમાં એક ટકાથી વધુનો સુધારો
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી, રૂપિયાને નીચા સ્તરે સાંપડેલો સપોર્ટ
યુએસ ફેડ રિઝર્વે કેલેન્ડર 2021ની તેની આખરી મોનેટરી પોલિસી સમીક્ષામાં ટેપરિંગ અને રેટ વૃદ્ધિના તેના ઈરાદાને વધુ સ્પષ્ટ બનાવતાં વૈશ્વિક એસેટ બજારોને મોટી રાહત મળી હતી. ફેડ રિઝર્વના ચેરમેને 2022માં ત્રણ વાર રેટ વૃદ્ધિની શક્યતાં સાથે તેના ટેપરિંગને વધારીને માસિક 30 અબજ ડોલર કરવાની જાહેરાત કર્યાં બાદ તમામ એસેટ ક્લાસિસમાં સુધારો જોવા મળ્યો હતો અને તેઓ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. વૈશ્વિક સ્તરે અગ્રણી છ કરન્સી બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ 0.22 ટકાના ઘટાડે 96.27ના સ્તરે જોવા મળી રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 23 પૈસા સુધરી 76.06ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સની વાત કરીએ તો બુધવારે ફેડની બેઠક અગાઉ તમામ અગ્રણી બજારો નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે ફેડ ચેરમેનની જાહેરાત બાદ તેમણે તીવ્ર બાઉન્સ દર્શાવ્યો હતો. જેમાં ટેકનોલોજી હેવી નાસ્ડેકે તેના દિવસના તળિયાથી 500 પોઈન્ટ્સ કરતાં વધુનું બાઉન્સ દર્શાવી બંધ આપ્યું હતું. ઈન્ડેક્સ અગાઉના દિવસના બંધ સામે 2.15 ટકા અથવા 328 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ 383 પોઈન્ટ્સ અથવા 1.1 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ 2.13 ટકા સુધારો દર્શાવતો હતો. યુરોપ બજારોમાં જર્મની 1.7 ટકાનો જ્યારે ફ્રાન્સ 1.4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
જો કોમોડિટીઝની વાત કરીએ તો કિંમતી ધાતુઓ, ક્રૂડ અને બેઝ મેટલ્સમાં સુધારો નોંધાયો હતો. વૈશ્વિક સિલ્વરમાં 3 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ માર્ચ સિલ્વર વાયદો 3.25 ટકા સુધારે 22.23 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો 1.3 ટકા અથવા 23 ડોલર સુધારે 1788 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થતો હતો. ક્રૂડમાં પણ સુધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.3 ટકા સુધારે 74.8 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરમાં 2 ટકાથી વધુ સુધારો નોંધાયો હતો. જ્યારે આઈસીઈ ખાતે કોટન ફ્યુચર પણ મજબૂતી દર્શાવતો હતો.
વૈશ્વિક એસેટ ક્લાસિસના ભાવમાં હલ-ચલ
ઈન્ડેક્સ/એસેટ બજારભાવ ભાવ વૃદ્ધિ(ટકામાં)
નાસ્ડેક 15565 2.15
ડાઉ જોન્સ 35927 1.08
ગોલ્ડ 1788 1.3
સિલ્વર 22.23 3.25
બ્રેન્ટ ક્રૂડ 74.80 1.3

કાર કંપનીઓના અર્નિંગ્સમાં રૂ. 2 હજાર કરોડના ઘટાડાની શક્યતાં
સેમીકંડક્ટર્સની અછત પાછળ પેસેન્જર વેહીકલ્સ ઉત્પાદક કંપનીઓના અર્નિંગ્સમાં માર્ચ 2022માં પૂરા થતાં વર્ષ દરમિયાનન રૂ. 1800-2000 કરોડના કુલ નુકસાનની શક્યતાં રેટિંગ એજન્સી ઈકરા જોઈ રહી છે. તેણે જણાવ્યું છે કે નાણા વર્ષ 2021-22માં ચિપ્સની તંગીને કારણે સમગ્ર ઉદ્યોગ 5 લાખ યુનિટ્સનો પ્રોડક્શન લોસ દર્શાવશે. જો ચીપ્સ અને અન્ય સમાર્ટ કોમ્પોનેન્ટ્સની અછત ના સર્જાઈ હોત તો ચાલુ વર્ષે ઉદ્યોગે વાર્ષિક ધોરણે સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું હોત એમ રેટિંગ એજન્સી જણાવે છે. તેણે 2021-22 માટે પીવી માર્કેટનો ગ્રોથ રેટનો અંદાજ અગાઉના 10-14 ટકા પરથી ઘટાડી 8-11 ટકા કર્યો છે. એક અંદાજ મુજબ ચીપની તંગી સપ્ટેમ્બર મહિનામાં તેની ટોચ બનાવી ચૂકી હતી અને ત્યારબાદ તેમાં રિકવરી જોવા મળી રહી છે. કેલેન્ડર 2022ની આખર સુધીમાં સ્થિતિ સામાન્ય બને તેવી અપેક્ષા છે.
SBI MF રૂ. 7000 કરોડનો આઈપીઓ લાવે તેવી શક્યતાં
દેશમાં સૌથી મોટી બેંક એસબીઆઈની પેટાકંપની એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ આગામી નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. દેશમાં રૂ. 70-75 હજાર કરોડના વેલ્યૂએશન સાથે સૌથી મોંઘી એસેટ વેલ્યૂએશન કંપની સાથે તે રૂ. 7000-7500 કરોડનો આઈપીઓ લાવે એમ વર્તુળો જણાવે છે. ફંડ હાઉસના ટોચના અધિકારીઓ જણાવે છે કે આઈપીઓ સંબંધી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ અંગે ટૂંકમાં જ નિર્ણય લેવાય જશે. તેમજ જાન્યુઆરી 2022ની આખર સુધીમાં સેબીમાં ડીઆરએચપી પણ ફાઈલ કરી દેવામાં આવશે. એસબીઆઈ એમએફ એ એસબીઆઈ અને યુરોપની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની અમુંડી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. જેમાં એસબીઆઈ 63 ટકા હિસ્સો ધરાવે છે.
ક્રિપ્ટો બિલને બજેટ સત્રમાં લઈ જવામાં આવે તેવી શક્યતા
અગાઉ સંસદના શિયાળુ સત્રમાં રજૂ થવાની અપેક્ષા ધરાવતું ક્રિપ્ટોકરન્સિઝના રેગ્યુલેશન સંબંધી બિલ હવે બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાં છે. આ સિવાય એક અન્ય મહત્વનું બિલ એવું પીએસયૂ બેંક્સના પ્રાઈવેટાઈઝેશન સંબંધી બિલ પણ હવે બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તેમ જાણવા મળે છે. ચાલુ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલા 26 નવા ખરડાઓની યાદીમાં સ્થાન ધરાવતાં આ બંને બિલ્સ પરત ઠેલાય તેવી પૂરી શક્યતાં હોવાનું વર્તુળો જણાવે છે. આમ થવા પાછળના કારણોમાં ક્રિપ્ટોકરન્સિઝને લઈને જોવા મળી રહેલા ભિન્ન-ભિન્ન અભિપ્રાયો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. બુધવારે કેબિનેટ બેઠકના એજન્ડામાં પણ આ બિલને સ્થાન આપવામાં આવ્યું નહોતું. જે સૂચવે છે કે સરકાર આ મુદ્દે વિલંબ માટે તૈયાર છે.
મહામારી વચ્ચે વૈશ્વિક દેવું 2020માં 226 ટ્રિલિયન ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યુઃ IMF
બીજા વિશ્વ યુધ્ધ બાદ વાર્ષિક 28 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ સાથે દેવુ જીડીપીના 256 ટકા પર જોવાયુ
ખાનગી ઋણ 164 ટકા પરથી મધ્યમ ગતિએ વધી 178 ટકા પર નોંધાયું
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈએમએફ)ના જણાવ્યા મુજબ કોવિડ-19 મહામારી અને ઊંડી મંદીને કારણે કેલેન્ડર 2020માં વિશ્વનું કુલ દેવું વધીને વિક્રમી 226 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું હતું. આઈએમએફના ફિસ્કલ અફેર્સ વિભાગના ડિરેક્ટરે જણાવ્યા મુજબ 2020માં વૈશ્વિક ઋણ કુલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)ના 256 ટકાના સ્તરે પહોંચ્યું હતું. તેણે કેલેન્ડર દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ બાદ 28 ટકાની સૌથી ઊંચી વાર્ષિક વૃદ્ધિ દર્શાવી હતી.
દેવામાં મુખ્ય વૃદ્ધિ વિકસિત અર્થતંત્રોમાં જોવા મળી છે. ત્યાં જાહેર દેવુ 2007માં જીડીપીના 70 ટકાના સ્તરેથી વધી 124 ટકા પર જોવા મળી રહ્યું છે. દરમિયાન ખાનગી દેવુ મધ્યમ ઝડપથી વધ્યું હોવાનું આઈએમએફે નોંધ્યું છે. 2020માં તે 164 ટકા પરથી વધુ 178 ટકા પર જોવા મળ્યું હતું એમ તે જણાવે છે. આઈએફએફ અધિકારીઓએ નોંધ્યાં મુજબ ઊંચા દેવા અને વધતાં ફુગાવના માહોલ વચ્ચે સરકારો સામે મુખ્ય પડકાર ફિસ્કલ અને મોનેટરી પોલિસીસનું યોગ્ય સંયોજન જાળવી રાખવાનું છે. કેમકે વિકસિત દેશોનું દેવું ઉત્તરોત્તર વધતું જાય છે. તેઓ ઉમેરે છે કે જો વૈશ્વિક ઈન્ટરેસ્ટ અપેક્ષા કરતાં ઝડપથી વધશે અને આર્થિક વૃદ્ધિ દર ઘટશે તો જોખમમાં અનેકગણી વૃદ્ધિ જોવા મળશે. રેટમાં નોંધપાત્ર વૃદ્ધિ પાછળ લિક્વિડીટીની સ્થિતિ સખત બનતાં સૌથી ઊંચું દેવુ ધરાવતી સરકારો, પરિવારો અને કંપનીઓ પર દબાણમાં વધારો જોવા મળશે. આઈએમએફ અધિકારીઓના સૂચન મુજબ જે દેશો ઊંચી ગ્રોસ ફાઈનાન્સિંગની જરૂરિયાત ધરાવે છે તેમણે માર્કેટ વિશ્વાસને જાળવી રાખવા તથા વધુ નાણાકિય તણાવથી બચવા ઝડપી સમાધાનકારી બનવાની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું છે કે મહામારી અને વૈશ્વિક ફાઈનાન્સિંગ ડિવાઈડને જોતાં મજબૂત અને અસરકારક ઈન્ટરનેશનલ કોઓપરેશન તથા વિકાસશીલ દેશોને ટેકાની જરૂર છે.

બાયજૂસ SPAC ડિલ મારફતે વિદેશ બજારમાં લિસ્ટીંગની વિચારણામાં
સ્વદેશી એડટેક કંપની 48 અબજ ડોલરનું વેલ્યૂએશન ઈચ્છી રહી છે
ઓનલાઈન એજ્યૂકેશન કંપની તથા સૌથી ઊંચું મૂલ્ય ધરાવતું ભારતીય સ્ટાર્ટ-અપ બાયજૂસ ચર્ચિલ કેપિટલના સ્પેશ્યલ-પરપઝ એક્વિઝિશન કંપનીઝ(એસપીએસી) સાથે મર્જર મારફતે લિસ્ટીંગ માટે આખરી તબક્કાની મંત્રણા ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. સ્ટાર્ટઅપે ઘણા સંભવિત એસપીએસી પાર્ટનર્સ સાથે વાતચીત ચલાવી હોવા સાથે હાલમાં તે મિશેલ ક્લેનની ચર્ચિલ કેપિટલ સાથે એગ્રીમેન્ટ માટે વિચારણા ચલાવી રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. ચર્ચિલ કેપિટલ-7એ ફેબ્રુઆરીમાં ઓફરિંગ મારફતે 1.3 અબજ ડોલરથી વધુ રકમ ઊભી કરી હતી અને તે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતે ટ્રેડ ધરાવે છે.
અત્યાર સુધી થયેલી વાતચીત હેઠળ બાઈજુસ 48 અબજ ડોલરના વેલ્યૂએશનની અપેક્ષાએ કુલ 4 અબજ ડોલર ઊભા કરશે એમ જાણકારો જણાવે છે. માર્કેટ રિસર્ચ કંપની સીબી ઈન્સાઈટ્સના જણાવ્યા મુજબ સ્ટાર્ટઅપનું વેલ્યૂએશન 21 અબજ ડોલર હતું. આ અંગેની જાહેરાત જાન્યુઆરીમાં થઈ શકે છે એમ જણાવવા સાથે વર્તુળો ઉમેરે છે કે હજુ પણ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. બાઈજુસ અથવા તો ચર્ચિલ, બંનેમાંથી કોઈપણ હજુ આ સોદામાંથી બહાર નીકળી શકે છે અને તે કિસ્સામાં બાઈજુસ આગામી વર્ષે ભારતીય બજારમાં આઈપીઓ લાવવાનું વિચારી શકે છે. અગાઉ સ્ટાર્ટઅપે અગાઉ મિશેલ ડેલના એમએસડી એક્વિઝિશન કોર્પ અને ઓલ્ટીમીટર કેપિટલ મેનેજમેન્ટ સાથે એસપીએસી મર્જર સાથે ચર્ચા-વિચારણા કરી હતી. ભારતમાં મુખ્યાલય ધરાવતી કંપનીઓ દેશના વર્તમાન નિયમોને કારણે યુએસ બજારમાં પરંપરાગત આઈપીઓ સાથે પ્રવેશ કરી શકતી નથી. અગાઉ સપ્ટેમ્બરમાં એક અહેવાલમાં બાઈજુસ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં આઈપીઓ માટે ફાઈલ કરે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. જેમાં સ્ટાર્ટ-અપ અને બેંકર્સે 40-50 અબજ ડોલરના વેલ્યૂએશન અંગે ચર્ચા કરી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage