માર્કેટ સમરી
નિફ્ટી ફરી કોન્સોલિડેશનમાં જોવા મળ્યો
સોમવારે 15257ની ટોચને પાર કરીને 15300 પર બંધ આપવામાં સફળ રહેલો નિફ્ટી મંગળવારે 15400ની સપાટી પાર કરી કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે બજારમાં ઊંચા સ્તરો ઘણાને અકળાવી રહ્યાં છે અને તેથી સુધારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એવું બને કે નિફ્ટી હજુ પણ નવા ઝોનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે પરંતુ તે ઓવરબોટ છે અને તેથી કોઈપણ તબક્કે કરેક્શન સંભવ છે. ટ્રેડર્સે 15000ના ચુસ્ત સ્ટોપલોસ સાથે ઘટાડે ખરીદીનો વ્યૂહ અપનાવી કામ કરવું. તેમજ ડિફેન્સિવ શેર્સમાં પોઝીશન લેવાનો વ્યૂહ પણ અપનાવી શકે.
કોટક મહિન્દ્રા બેંકે ચાર લાખ કરોડનું એમ-કેપ નોંધાવ્યું
દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી એવી કોટક મહિન્દ્રા બેંકે રૂ. ચાર લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું છે. બેંકનો શેર અગાઉના રૂ. 1986ના બંધ ભાવ સામે 3.5 ટકાના સુધારે રૂ. 2049ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 4 લાખ કરોડની સપાટીને પાર કરી ગયું હતું. જે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક બાદ ત્રીજા ક્રમનું છે. બેંકનો શેર રૂ. 1000ના તેના માર્ચ મહિનાના તળિય સામે 100 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
એપોલો હોસ્પિટલ્સના શેરે રૂ. 3200 કૂદાવ્યું
હોસ્પિટલ્સ ચેઈન્સ એપોલો હોસ્પિટલ્સનો શેર 5 ટકાથી વધુના સુધારે રૂ. 3254ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3091ના બંધ ભાવ સામે રૂ. 170થી વધુના સુધારે રૂ. 3200ના સ્તરને પાર કરી ગયો હતો. તેણે રૂ. 46500 કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 1047ના તળિયાથી ત્રણ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં તેણે 40 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું છે.
દિપક નાઈટ્રેટમાં વધુ નવ ટકાનો ઉછાળો
કેમિકલ કંપની દિપક નાઈટ્રેટનો શેર મંગળવારે વધુ નવ ટકા સુધર્યો હતો. ગયા સપ્તાહે સારા પરિણામો જાહેર કર્યાં બાદ કંપનીના શેરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર અગાઉના રૂ. 1179ના બંધ ભાવ સામે રૂ. 103ના સુધારે રૂ. 1282ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે તેણે રૂ. 17000 કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. કંપનીનો શેર રૂ. 310ના તળિયાથી સુધરતો રહ્યો છે અને હાલમાં તે સ્તરથી ચાર ગણો સુધારો દર્શાવી રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં સતત બીજા દિવસે પોઝીટીવ ટ્રેન્ડ
વૈશ્વિક બજારમાં સુધારા પાછળ સોનું-ચાંદી બીજા દિવસે મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 200ના સુધારે રૂ. 47441 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 294ના સુધારે રૂ. 70423 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારના ભાગમાં સિલ્વરે રૂ. 70864ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી ઘટીને તે રૂ. 70065ના તળિયા પર પટકાયો હતો. જોકે તેણે પોઝીટીવ ઝોનમાં ટ્રેડિંગ જાળવ્યું હતું. ક્રૂડમાં અડધા ટકાનો જ્યારે કોપરમાં પા ટકાનો ઘટાડો જોવા મળતો હતો.
પ્રાઈવેટાઈઝેશન માટેની ઉમેદવાર PSU બેંક્સના શેર્સમાં ઉપલી સર્કિટ
સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી અને બેંક ઓફ મહારાષ્ટ્રના શેર્સ મંગળવારે 20 ટકાની
અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં
ચારેય બેંક મળીને માર્કેટ-કેપમાં એક દિવસમાં રૂ. 6800 કરોડ એટલેકે લગભગ એક અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી
અન્ય નાના પીએસયૂ બેંક શેર્સમાં પણ જોવા મળેલી ખરીદી
નાણામંત્રાલયે આગામી નાણા વર્ષે ખાનગીકરણ માટે નક્કી કરેલી ચાર જાહેર ક્ષેત્રની બેંકના શેર્સ મંગળવારે ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. છેલ્લા ઘણા વર્ષોથી સતત મૂડી ધોવાણ દર્શાવનારા આ બેંક શેર્સમાં નોંધપાત્ર સમયગાળા બાદ 20 ટકાની ઉપલી સર્કિટ જોવા મળી હતી. ચારેય બેંક મળીને માર્કેટ-કેપમાં એક દિવસમાં રૂ. 6800 કરોડની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. સરકારી જાહેરાતની પોઝીટીવ અસરે અન્ય નાની પીએસયૂ બેંક શેર્સ પર પણ પોઝીટીવ અસર જોવા મળી હતી.
સોમવારે માર્કેટ બંધ થયા બાદ સરકારે બજેટની જોગવાઈનો અમલ કરતાં ચાર પીએસયૂ બેંક્સને ખાનગીકરણ માટે આઈડેન્ટિફાઈ કરી હોવાની જાહેરાત કરી હતી. જેમાં બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો. સરકારની જાહેરાતને પગલે મંગળવારે સવારે ચારેય બેંકના શેર્સ 15 ટકાથી વધુ ગેપ-અપ ઓપનીંગ દર્શાવતાં હતાં. જોકે ચારમાંથી એકમાત્ર બેંક ઓફ મહારાષ્ટ્રનો શેર બજાર ખૂલ્યાની શરૂઆતી પળોમાં જ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. તે અગાઉના રૂ. 15.90ના બંધ ભાવ સામે રૂ. 3.15ના ઉછાળે રૂ. 19.05ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. બેંકનું માર્કેટ-કેપ રૂ. 12500 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે માર્ચ મહિનાના રૂ. 8ના તળિયા પરથી સુધરીને તે લગભગ 150 ટકા સુધારા પર ટ્રેડ થઈ રહ્યો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે પીએસયૂ બેંક્સના કોન્સોલિડેશન દરમિયાન બેંક ઓફ મહારાષ્ટ્ર નાની બેંક હોવા છતાં તેનું અન્ય મોટી બેંક સાથે મર્જર નહોતું કર્યું અને તેથી ખાનગીકરણ માટે તે એક સ્વાભાવિક ઉમેદવાર હતો. અન્ય ત્રણ બેંક્સ બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી અને સેન્ટ્રલ બેંક કદમાં નોંધપાત્ર મોટી તેમજ અગ્રણી આંઠ પીએસયૂ બેંક્સમાં સમાવિષ્ટ હતી અને તેથી તેમનું અન્યોમાં મર્જર શક્ય નહોતું. ઉપરાંત આઈઓબી અને સેન્ટ્રલ બેંક જેવી બેંક્સની બેલેન્સ શીટ પીએસયૂ બેંક્સમાં સૌથી નબળી હતી. જેને કારણે અંતિમ પાંચેક વર્ષોમાં તેઓ ટોચના ભાવથી તીવ્ર ધોવાણ પાછલ તેમના આજિવન તળિયા પર ટ્રેડ થઈ રહી હતી. તેમજ અન્ય પીએસયૂ બેંક્સમાં રોકાણકારો રસ દાખવી રહ્યાં હતાં. જોકે આઈઓબી અને સેન્ટ્રલ બેંકના શેર્સમાં અંતિમ મહિનાઓમાં પણ કોઈ મૂવમેન્ટ જોવા મળી નહોતી.
ખાનગીકરણ માટે સંભવિત ઉમેદવારોમાં સમાવિષ્ટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 20 ટકા ઉછળી રૂ. 70.55ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. બેંકનો શેર અગાઉના બંધ સામે રૂ. 11.75નો ઉછાળો દર્શાવતો હતો. બેંકનું માર્કેટ-કેપ રૂ. 23 હજાર કરોડ પર જોવા મળતું હતું. 2011માં બીઓઆઈના શેરે રૂ. 580ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યાંથી ગગડીને ચાલુ વર્ષે તે રૂ. 30 પર જોવા મળ્યો હતો. આ જ રીતે સેન્ટ્રલ બેંકનો શેર 20 ટકા ઉછળી રૂ. 16.72ની સપાટીએ બંધ રહ્યો હતો. એક સમયે રૂ. 210ની સર્વોચ્ચ ટોચ દર્શાવનાર શેર ચાલુ વર્ષે રૂ. 10ના તળિયા પર ટ્રેડ થયો હતો અને ત્યાં જ અથડાતો રહ્યો હતો. દક્ષિણમાં મુખ્યાલય ધરાવતી આઈઓબીનો શેર પણ 20 ટકાની સર્કિટ સાથે રૂ. 13.20ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ડિયન ઓવરસીઝ બેંકે રૂ. 220ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યાંથી ગગડી ચાલુ વર્ષે રૂ. 6ના લાઈફ લો પર ટ્રેડ થયો હતો. આઈઓબી, બીઓઆઈ અને સેન્ટ્રલ બેંકના શેર્સ દિવસનો મોટો સમય 10 ટકા સુધારા સાથે ટ્રેડ દર્શાવતાં રહ્યાં હતાં. જોકે બજાર બંધ થતાં અગાઉ લેવાલી પાછળ તેઓ સર્કિટમાં બંધ થયા હતાં. આ ચાર બેંક સિવાય યુનિયન બેંક અને ઈન્ડિયન બેંકના શેર્સમાં પણ 3 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 1.65 ટકા ઉછળી 2315ના સ્તરે બંધ રહ્યો હતો.
ખાનગીકરણ માટે નક્કી કરાયેલી પીએસયૂ બેંક્સની શેરબજાર મૂવમેન્ટ
બેંક્સ સર્વોચ્ચ ભાવ(રૂ) તળિયાનો ભાવ(રૂ) બજારભાવ(રૂ)
બેંક ઓફ ઈન્ડિયા 580 30 70.55
સેન્ટ્રલ બેંક 210 10 16.72
આઈઓબી 220 6 13.20
બેંક ઓફ મહારાષ્ટ્ર 100 8 19.05