માર્કેટ સમરી
બજારમાં ઊંચા સ્તરે ડિસ્ટ્રીબ્યુશનના સંકેત
મંગળવારે 15850ના અવરોધને પાર કર્યાં બાદ નિફ્ટી 102 પોઈન્ટ્સના ઘટાડે 15768 પર બંધ આવ્યો હતો. આમ તેણે સપોર્ટ તોડ્યો હતો. નિફ્ટી માટે ઉપરમાં 15900 મહત્વનો અવરોધ બની રહેશે. મેટલ, બેંક અને સિમેન્ટ કાઉન્ટર્સ પાછળ બેન્ચમાર્કમાં નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારોનો પણ સપોર્ટ સાંપડ્યો નહોતો. સવારે એશિયા બાદ બપોરે યુરોપીય બજારો પણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. બુધવારે લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સ પણ ઘટીને બંધ રહ્યાં હતાં.
ટ્રેડર્સ સાઈડલાઈન બનતાં કેશ સેગમેન્ટના વોલ્યુમમાં બે સત્રોમાં રૂ. 20 હજાર કરોડનો ઘટાડો
સોમવારે રૂ. 88 હજાર કરોડ પર જોવા મળતું કેશ સેગમેન્ટ કામકાજ મંગળવારે રૂ. 75 હજાર કરોડ અને બુધવારે રૂ. 67 હજાર કરોડ જોવાયું
મહિનામાં સરેરાશ રૂ. 84 હજાર કરોડના દૈનિક ટર્નઓવર સામે જૂનમાં રૂ. 81300 કરોડનું સરેરાશ કામકાજ જોવાયું
ચાલુ સપ્તાહની શરૂઆતથી શેરમાર્કેટની ચાલમાં જોવા મળેલા ફેરફારે રિટેલ ઈન્વેસ્ટર્સને સાવચેત બનાવી દીધો છે. છેલ્લા ત્રણ સત્રોમાં દેશના બે સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ એનએસઈ અને બીએસઈના કેશ સેગમેન્ટ્સના કામકાજમાં જંગી ઘટાડાથી આ બાબતનો ખ્યાલ આવે છે. સોમવારે બંને સ્ટોક એક્સચેન્જિના કેશ સેગમેન્ટ મળીને કુલ રુ. 88 હજાર કરોડનું ટર્નઓવર જોવા મળ્યું હતું. જે મંગળવારે ઘટી રૂ. 75 હજાર કરોડ પર નોંધાયું હતું. જ્યારે બુધવારે તે ઓર ગગડી રૂ. 67 હજાર કરોડ પર રહ્યું હતું. બ્રોકિંગ વર્તુળોના મતે ઊંચા બજારભાવોને કારણે રિટેલ વર્ગ નવી ખરીદીને લઈને ગભરાટ અનુભવી રહ્યો છે અને તેથી જ એક નોંધપાત્ર વર્ગ બજારમાં પ્રોફિટ બુક કરી સાઈડલાઈન બન્યો છે.
સામાન્યરીતે બજારમાં ઝડપી પ્રોફિટ મળતો હોય ત્યારે રિટેલ તેના નાણાનું સતત ચર્નિંગ કરતો હોય છે અને તેથી દિવસમાં તે એકથી વધારે ટ્રેડ સાઈકલ્સ દર્શાવતો હોય છે. જેને કારણે બજારના ટર્નઓવરમાં ઊંચી વૃદ્ધિ નોંધાતી હોય છે. મે મહિનાના બીજા પખવાડિયામાં બેન્ચમાર્ક નિફ્ટીએ દર્શાવેલા બ્રેકઆઉટ બાદ માર્કેટમાં જોવા મળેલો તેજીનો જવર બહુ લાંબો ચાલી શક્યો નથી. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં માર્કેટની ચાલ બદલાયેલી જોવા મળી છે. જેને અનુભવીને રિટેલ ટ્રેડર્સ બજારથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યો છે. સોમવાર અને બુધવારે બજારની માર્કેટ બ્રેડ્થ પણ નરમ રહી હતી. એટલેકે બજારમાં સુધારો દર્શાવનાર શેર્સ કરતાં ઘટાડો દર્શાવનાર શેર્સની સંખ્યા ઊંચી હતી. આમ માર્કેટ થાક ખાઈ રહ્યું હોય તેમ જણાય છે. માર્કેટ વર્તુળોના મતે જ્યારે પણ બજાર નવી ટોચ પર ટ્રેડ થતું હોય અને તેજીથી વિપરીત દિશાના અહેવાલ આવે ત્યારે રોકાણકારોના વિશ્વાસ ડગમગતો હોય છે. સોમવારે છેલ્લા એક વર્ષમાં જંગી વેલ્થ ક્રિએટ કરનાર અદાણી જૂથના શેર્સને લઈને આવેલા અહેવાલોએ પણ ટ્રેડર્સની સાઈકોલોજી પર અસર કરી હોય તેવું બની શકે છે. જેનો પ્રભાવ બજારની કામગીરી પર પડ્યો છે. જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં સરેરાશ દૈનિક રૂ. 80 હજાર કરોડથી ઊંચા કામકાજ જોવા મળતાં હતાં અને તે કારણથી જ બુધવાર સુધી જૂન મહિનામાં દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 81349 કરોડ પર જોવા મળ્યું હતું. જે બુધવારે રૂ. 67 હજાર કરોડ પર મહિનાના સૌથી નીચા સ્તરે નોંધાયું હતું. માર્કેટના વેલ્યૂએશન જૂન મહિનાની સરખામણીમાં ઊંચા છે જ્યારે ટર્નઓવરમાં ઘટાડો જોવા મળે છે. જે સ્પષ્ટરીતે ટ્રેડર્સની માર્કેટમાં ઘટેલી હાજરીનો સંકેત આપે છે. મે મહિનામાં કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક કામકાજ રૂ. 84 હજાર કરોડ પર નોંધાયું હતું.
કેશ સેગમેન્ટ સાથે એફએન્ડઓ સેગમેન્ટના કામકાજમાં પણ ઘટાડો જોવા મળે છે. જૂન મહિનામાં દૈનિક સરેરાશ રૂ. 45 લાખ કરોડના ડેરિવેટિવ્સ ટર્નઓવર સામે બુધવારે રૂ. 30 લાખ કરોડથી સહેજ ઊંચું કામકાજ જોવા મળતું હતું. આમ એફએન્ડઓ કામગીરી પર પણ નોંધપાત્ર અસર પડી છે. ડેરિવેટિવ્સ એનાલિસ્ટના મતે એક્સપાયરી નજીક આવતી હોવાના કારણે ઓપ્શન્સની પ્રિમીયમ વેલ્યૂઝ ઘટતાં કુલ ટર્નઓવરમાં ઘટાડો જોવા મળી શકે છે. એક્સપાયરી અગાઉ રોલઓવર વખતે તે ફરી ઊંચકાઈ શકે છે.
અદાણી જૂથના શેર્સમાંમાં અવિરત ઘટાડો, માર્કેટ-કેપ રૂ. 45 હજાર કરોડ ઘટ્યું
અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટને શેર્સમાં સોમવાર બાદ બીજો મોટો ઘટાડો
અમદાવાદ સ્થિત અદાણી જૂથના શેર્સમાં સતત ત્રીજા દિવસે ઘટાડાનો ક્રમ જળવાયો છે. સોમવારે જૂથની ચાર કંપનીના રૂ. 43500 કરોડના મૂલ્યના શેર્સ ધરાવતી ત્રણ એફપીઆઈના ડીમેટ ફ્રીઝ નહિ થયા હોવા અંગે જૂથે તથા એનએસડીએલે સ્પષ્ટતા કર્યાં બાદ પણ જૂથ કંપનીઓના શેર્સ તૂટી રહ્યાં છે. જેની પાછળ બુધવારે જૂથના કુલ માર્કેટ-કેપમાં વધુ રૂ. 45 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો અને તે મંગળવારે રૂ. 8.85 લાખ કરોડ પરથી ગગડી રૂ. 8.40 લાખ કરોડ રહ્યું હતું. અગાઉ સોમવારે જૂથના માર્કેટ-કેપમાં રૂ. 54 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો.
જૂથની તમામ છ લિસ્ટેડ કંપનીઓ બુધવારે નોંધપાત્ર ઘટાડા સાથે બંધ જોવા મળી હતી. જેમાં એનએસઈ એફએન્ડઓમાં સમાવિષ્ટ અવી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર લગભગ 6 ટકા ઘટાડે રૂ. 1448ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1539ના બંધ ભાવ સામે રૂ. 1409ના ઈન્ટ્રા-ડે તળિયા પર ટ્રેડ થયો હતો. દિવસની શરૂઆતમાં તે સાધારણ ઘટાડા સાથે ટ્રેડ દર્શાવતો હતો. જોકે કામકાજના અંતિમ અડધો કલાકમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને જોતજોતામાં તે 6 ટકાથી વધુ તૂટી ચૂક્યો હતો. જૂન મહિનામાં જ તેણે દર્શાવેલી રૂ. 1700ની ટોચથી તે 15 ટકા કરતાં વધુ ઘસાઈ ચૂક્યો છે. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ અન્ય જૂથ કંપની અદાણી પોર્ટ્સનો શેર પણ 7.24 ટકાના ઘટાડે રૂ. 706.70ના સ્તરે બંધ રહ્યો હતો. સપ્તાહ અગાઉ રૂ. 901ની સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કંપનીનો રૂ. 200 જેટલો ગગડી ચૂક્યો છે. કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ ધરાવતાં હોવાથી સર્કિટ ફિલ્ટર ધરાવતી જૂથ કંપનીઓ અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરના શેર્સ 5 સતત ત્રીજા દિવસે 5 ટકાની નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જેમાં અદાણી ટોટલ ગેસ રૂ. 1394 પર બંધ રહ્યો હતો. અદાણી ટ્રાન્સમિશન રૂ. 1374 પર જ્યારે અદાણી પાવર રૂ. 127.25ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીએ સપ્તાહ અગાઉ રૂ. 166.90ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. અદાણી ગ્રીન એનર્જી 2.43 ટકા ઘટાડા સાથે રૂ 1183 પર બંધ રહ્યો હતો.
રિલાયન્સ જૂથની આરઆઈઆઈએલનું સપ્તાહમાં 90 ટકા રિટર્ન
મુકેશ અંબાણીના રિલાયન્સ જૂથની લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઅલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે છેલ્લા એક સપ્તાહમાં 90 ટકા જેટલું રિટર્ન દર્શાવ્યું છે. કંપનીનો શેર રૂ. 440ના સ્તરેથી ઉછળી બુધવારે રૂ. 816ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજના અંતે 7 ટકાથી વધુ સુધારા સાથે રૂ. 795 પર બંધ આવ્યો હતો. લાંબા સમયથી સાઈડલાઈન જોવા મળતા કાઉન્ટર્સમાં છેલ્લા કેટલાંક સત્રોમાં ભારે લેવાલી જોવા મળી હતી અને તે અપર સર્કિટ્સમાં પણ બંધ જોવા મળ્યો હતો. જૂથની ફ્લેગશીપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામે ખૂબ નાનુ માર્કેટ-કેપ ધરાવતી કંપની બુધવારે રૂ. 1200 કરોડના એમ-કેપ પર બંધ જોવા મળી હતી.
ભારે વેચવાલીએ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકા તૂટ્યો
વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સના ભાવમાં તીવ્ર ઘટાડા પાછળ મેટલ શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી. જે કારણથી નિફ્ટી મેટલ ઈન્ડેક્સ બુધવારે 2.9 ટકા તૂટ્યો હતો. ચીને બેઝ મેટલ્સના વધતાં ભાવને જોતાં તેના રિઝર્વ્સનો ઉપયોગ કરવાનું વલણ રજૂ કરતાં કોપર સહિતના બેઝ મેટલ્સમાં કડાકો બોલાઈ ગયો હતો. એલ્યુમિનિયમ તથા ઝીંક પણ તૂટ્યાં હતાં. જેની સાથે સ્ટીલ પણ જોડાયું હતું. બુધવારે મેટલ શેર્સમાં સૌથી વધુ ઘટાડો સેઈલમાં 4.5 ટકા જોવા મળ્યો હતો. આ ઉપરાંત જિંદાલ સ્ટીલ(-3.6 ટકા), હિંદ કોપર(-3.35 ટકા), ટાટા સ્ટીલ(2.75 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.72 ટકા) અને હિંદાલ્કો(2.71 ટકા)માં ઘટાડો નોંધાયો હતો.
રૂપિયામાં ધીમી ગતિએ ઘસારો જળવાયો
બુધવારે સતત સાતમા દિવસે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. મંગળવારની જેમ વધુ 2 પૈસા ઘટાડા સાથે તે 73.33ના સ્તરે બંધ રહ્યો હતો. યુએસ ખાતે ફેડ રિઝર્વની એફઓએમસી બેઠક અગાઉ ટ્રેડર્સ રિસ્ક-ઓફ મોડમાં આવી ગયાં છે. આ અગાઉ ઓગસ્ટ 2018માં પોણા ત્રણ વર્ષ અગાઉ રૂપિયો સતત સાત ટ્રેડિંગ સત્રો દરમિયાન નરમાઈ દર્શાવતો રહ્યો હતો. ફેડ કમિટી રેટને લઈને કોઈ ફેરફાર નહિ કરે તેવું માર્કેટ માની રહ્યું છે. જોકે તેઓ શું કોમેન્ટરી આપે છે તે બજાર માટે મહત્વની બની રહેશે. યુએસ ખાતે ગય સપ્તાહે ફુગાવાનો રેટ અપેક્ષા કરતાં ઊંચો આવ્યાં બાદ એક વર્ગ માની રહ્યો છે કે ફેડ 2023 અગાઉ રેટમાં વૃદ્ધિની વાત કરી શકે છે. જેની બજારો પર વિપરીત અસર પડી શકે છે. ક્રૂડના ભાવમાં મજબૂતી પણ ભારતીય ચલણ માટે ચિંતાનું એક કારણ છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 75 ડોલર નજીક દોઢ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.
માર્કેટમાં નરમાઈ વચ્ચે આઈટી ઈન્ડેક્સે નવી ટોચ દર્શાવી
શેરબજારમાં જોવા મળી રહેલા દિશાહિન ટ્રેડ વચ્ચે ડિફેન્સિવ નેચર ધરાવતાં આઈટી કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી રહી છે. છેલ્લા એક પખવાડિયામાં આઈટી ઈન્ડેક્સ ધીમી ગતિએ નવી ટોચ દર્શાવતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મીડ-કેપ આઈટી કાઉન્ટર્સ પાછળ તેમાં મજબૂતી જોવા મળી રહી છે. બુધવારે તે 28600ની નવી ટોચ બનાવી 28449 પર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સને એમ્ફેસિસ અને એલએન્ડટી ઈન્ફોટેક જેવી કંપનીઓ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. એમ્ફેસિસ 2 ટકા સાથે જ્યારે એલએન્ડટી ઈન્ફોટેક 1.4 ટકા સુધારા સાથે બંધ આવ્યાં હતાં. કોફોર્જ પણ 0.9 ટકા સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો.
Market Summary 16 June 2021
June 16, 2021