Market Summary 16 May 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ  સમરી

 

 

તેજીવાળાઓએ પ્રતિકાર કરતાં શેરબજારમાં મંદી અટકી

નિફ્ટી જોકે 16000ની સપાટીને સ્પર્શવામાં નિષ્ફળ

વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે સ્થાનિક બજારમાં સ્થિરતા

ઓટો, બેંકિંગ, એનર્જી અને પીએસઈનો સપોર્ટ

આઈટી, ફાર્મા અને એફએમસીજીમાં નરમાઈ

વોલેટિલિટી ઈન્ડેક્સ 4.4 ટકા ઉછળી 24.52ની સપાટીએ

ભારતીય શેરબજારે લગભગ પાંચ સપ્તાહ બાદ પોઝીટીવ બંધ આપીને નવા સપ્તાહની શરૂઆત દર્શાવી હતી. વૈશ્વિક બજારોમાં સુસ્ત માહોલ વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ઘટ વચ્ચે સાધારણ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 180 પોઈન્ટ્સ ઉછળી 52974ની સપાટીએ જ્યારે એનએસઈનો નિફ્ટી 60 પોઈન્ટ્સના સુધારે 15842ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.4 ટકા ઉછળી 24.52ની તાજેતરની ટોચ પર જોવા મળ્યો હતો. એનએસઈના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 30 પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે 20 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં.

નવા સપ્તાહે ઈમર્જિંગ માર્કેટ્સમાં સુસ્તીન માહોલ જોવા મળતો હતો. ખાસ કરીને એશિયન બજારો જેવાકે કોરિયા અને ચીન નેગેટિવ જોવા મળતાં હતાં. જાપાન, હોંગ કોંગ અને તાઈવાન સાધારણ સુધારો દર્શાવતાં હતાં. વિકસિત બજારોમાં યુરોપ બજારો પણ ડલ જોવા મળતાં હતાં. જેમાં જર્મની, ફ્રાન્સ અને યૂકે, ત્રણેય નરમ ટ્રેડ દર્શાવતાં હતાં. આમ ભારતીય બજારને હરિફો તરફથી નૈતિક સપોર્ટ નહોતો. જેની પાછળ મજબૂત શરૂઆત બાદ તે ઘસાતું રહ્યું હતું અને સાધારણ પોઝીટીવ નોંધ સાથે બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન નિફ્ટી 17977ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે તે 16 હજારની સપાટીને સ્પર્શી શક્યો નહોતો. જે સૂચવે છે કે વર્તમાન રેંજમાં ટકવા માટે તેણે ખાસ્સી મહેનત કરવાની રહેશે. જો વૈશ્વિક સ્તરે વધુ વેચવાલી જોવા મળશે તો ભારતીય બજાર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવવામાં આગળ હોય શકે છે. કેમકે મે મહિના દરમિયાન તે ઘટાડો દર્શાવતાં ઈમર્જિંગ બજારોમાં ટોચમાં સમાવેશ પામે છે. એનાલિસ્ટ્સના મતે ટ્રેડર્સે 16400ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન જ જાળવવી જોઈએ. જ્યારે નવી લોંગ પોઝીશન માટે આ સ્તર પાર થાય ત્યારબાદ જ કોઈ પગલું ભરવું જોઈએ. માર્કેટને નીચે 15600નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો 15500થી 15200ની રેંજ જોવા મળી શકે છે.

સોમવારે બજારને સપોર્ટ પૂરો પાડવામાં બેંકિંગ, ઓટો, એનર્જી અને પીએસઈ કાઉન્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.27 ટકા ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી બેંક 1.44 ટકા, નિફ્ટી એનર્જી 1.22 ટકા અને નિફ્ટી પીએસઈ 1.22 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ડિફેન્સિવ નેચરના એવા આઈટી, એફએમસીજી અને ફાર્મા ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં આઈશર મોટર્સનો શેર 8 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ, એનટીપીસી, યૂપીએલ પણ સારો દેખાવ નોંધાવી રહ્યાં હતાં. બીજી બાજુ અલ્ટ્રાટેક સિમેન્ટ 3 ટકા, શ્રી સિમેન્ટ્સ 2.6 ટકા, એશિયન પેઈન્ટ્સ 2 ટકા અને આઈટીસી 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3577 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2232 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1165 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં વોડાફોન આઈડિયા 13 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. એ ઉપરાંત બાલક્રિશ્ણા ઈન્ડ., બંધન બેંક, ઈન્ડિયા સિમેન્ટ્સ, એસ્કોર્ટ્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ પણ 6 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ હનીવેલ ઓટોમેશન 6 ટકા, એબી કેપિટલ 5 ટકા, નિપ્પોન 4 ટકા, બર્ગર પેઈન્ટ્સ 3.5 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં.

એલએન્ડટી ટૂંકમાં જ ઝીરો ડેટ કંપની બનશે

દેશની સૌથી મોટી એન્જીનીયરિંગ,કન્સ્ટ્રક્શન અને મેન્યૂફેક્ચરિંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રો ટૂંકમાં જ ઝીરો ડેટ કંપની બનવાનો ઈરાદો ધરાવતી હોવાનું કંપનીના એમડી અને સીઈઓએ જણાવ્યું છે. આ માટે પની તેની નોન-કોર એસેટ્સ તેમજ લોસ-મેકિંગ પ્રોજેક્ટ્સનું વેચાણ કરશે એમ તેમણે ઉમેર્યું હતું. કંપની હાલમાં સંભવિત રોકાણકારો સાથે વાતચીત ચલાવી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરશે એમ તેમણે નોંધ્યું હતું. કંપનીએ હિસ્સા વેચાણ માટે ત્રણ કંપનીઓની ઓળખ કરી છે. જેમાં હૈદરાબાદ મેટ્રો, નભ પાવર અને એલએન્ડટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. જેના ઉપયોગ વડે કંપની રૂ. 40 હજાર કરોડના ડેટમાં ઘટાડો કરશે. એલએન્ડટીનું કુલ ડેટ રૂ. 1.24 લાખ કરોડ જેટલું છે. જેમાં રૂ. 84 હજાર કરોડ એલએન્ડટી ફાઈનાન્સનું છે. આમ એલએન્ડટીનું ચોખ્ખું દેવું રૂ. 40 હજાર કરોડ જ છે.

ઉનાળુ વાવેતરમાં બાજરી, મગ અને અડદના વાવેતરમાં વૃદ્ધિ

દેશના ખેડૂતોએ પૂરી થયેલી ઉનાળુ વાવેતર સિઝનમાં બાજરી જેવા જાડા ધાન્ય તથા મગ અને અડદ જેવા કઠોળ પાકોના વાવેતર પર પસંદગી ઉતારી છે. સમગ્રતયા ઉનાળુ વાવેતર હેઠળના વિસ્તારમાં 5.4 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જેમાં બાજરી, અડદ અને મગના વાવેતરમાં સુધારો જોવા મળે છે. જ્યારે ચોખા અને મગફળી જેવા પાકોમાં ઘટાડો નોંધાય છે. ગયા સપ્તાહની આખર સુધીમાં ઉનાળુ વાવેતર 73.2 લાખ હેકટર્સમાં થઈ ચૂક્યું હતું. જે અગાઉના વર્ષે 70 લાખ હેકટરમાં જોવા મળતું હતું. ઉનાળુ ડાંગરનું વાવેતર 4 ટકા ઘટી 29.80 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જ્યારે તેલિબિયાં હેઠળના વિસ્તારમાં 3.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 11.04 લાખ હેકટર પર નોંધાયું હતું. જાડાં ધાન્યોનું વાવેતર 5.4 લાખ હેકટર વધી 11.33 લાખ હેકટરમાં જોવા મળ્યું હતું. કઠોળનું વાવેતર 23 ટકા ઉછળી 21.41 લાખ હેકટરમાં રહ્યું હતું. જેમાં મગનું વાવેતર 22 ટકા વધી 17.48 લાખના વિક્રમી વિસ્તારમાં નોંધાયું હતું. ઉનાળુ સિઝનમાં મગનું આટલું ઊંચું વાવેતર પ્રથમવાર જોવા મળ્યું છે.

 

પ્રિમીયમ ડીલ સાથે અદાણી દેશમાં બીજા મોટા સિમેન્ટ ઉત્પાદક બનશે

જૂથ દેશમાં 12 ટકા ઉત્પાદન ક્ષમતા અને ત્રણ બ્રાન્ડ્સ સાથે દેશવ્યાપી હાજરી ધરાવતું હશે

જૂથના અત્યાર સુધીના સૌથી મોટા એક્વિઝીશનમાં અદાણી અંબુજા સિમેન્ટ અને એસીસીની ખરીદી બાદ દેશમાં બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બનશે. બે ટોચના સિમેન્ટ ઉત્પાદકોની ખરીદી બાદ અદાણી જૂથ વાર્ષિક 6.8 કરોડ ટન ઉત્પાદન ક્ષમતા સાથે દેશમાં 12 ટકા ક્ષમતા ધરાવતું હશે. હોલ્સિમ સાથેના  10.5 અબજ ડોલરના ડીલ સાઈઝમાં કંપનીએ બે લિસ્ટેડ સિમેન્ટ કંપનો માટે કરવાની રહેલી ઓપન ઓફરનો સમાવેશ પણ થાય છે. બંને કંપનીઓની ખરીદી બાદ અદાણી જૂથ દેશવ્યાપી હાજરી ધરાવતું હશે. તે ટોચના ડીલર નેટવર્ક સાથે પ્રિમીયમ બ્રાન્ડ્સ ધરાવતું હશે. બંને કંપનીઓ હાલમાં 80 ટકા વપરાશ ધરાવે છે. આમ કંપનીએ કોસ્ટ ઓપ્ટીમાઈઝેશન પર વધુ ધ્યાન આપવું પડશે. અદાણી અંબુજા સિમેન્ટમાં 63.11 ટકા હિસ્સો ખરીદશે. જ્યારે એસીસીમાં 4.48 ટકા તેમજ અંબુજા હોલ્ડિંગ પાસેનો 54.5 ટકા હિસ્સો ખરીદશે. અંબુજાન હિસ્સો રૂ. 385 પ્રતિ શેર ખરીદશે. જે શુક્રવારના બંધ ભાવથી 7.3 ટકા પ્રિમીયમ સૂચવે છે. જ્યારે એસીસીનો શેર રૂ. 2300 પ્રતિ શેરના ભાવે ખરીદશે. જે શુક્રવારના બંધભાવેથી રૂ. 8.8 ટકાના પ્રિમીયમે ખરીદશે. કંપની હોલ્સિમને 6.5 અબજ ડોલરની કુલ ચૂકવણી કરશે. હોલ્સિમનો હિસ્સો ખરીદવામાં જેએસડબલ્યુ સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ સ્પર્ધામાં હતાં. અલ્ટ્રાટેક સિમેન્ટ દેશમાં 11.4 કરોડ ટનની ક્ષમતા સાથે સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક છે. અદાણીએ આ ડીલ અગાઉની ગણતરી કરતાં ઊંચા પ્રિમિયમે મેળવ્યું છે. અગાઉ 100-170 ડોલર પ્રતિ મેટ્રીક ટનની ગણતરી સામે અદાણીએ અંબુજાનો હિસ્સો 170-180 ડોલર પ્રતિ મેટ્રીક ટનના ભાવે ખરીદ્યો છે. અંબુજા અને એસીસી મળીને 15 રાજ્યોમાં ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ઉત્તર અને પશ્ચિમમાં અંબુજા 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે દક્ષિણમાં 5.5 ટકા સાથે નીચ હિસ્સો ધરાવે છે. છેલ્લાં બે વર્ષમાં અંબુજા સિમેન્ટે પૂર્વ અને મધ્ય ભારતમાં ક્ષમતા વૃદ્ધિની યોજના બનાવી છે. બંને કંપનીઓ મજબૂત ડિલર નેટવર્ક ધરાવે છે. છેલ્લાં દસકામાં એસીસી-અંબુજા જૂથે માર્કેટ-હિસ્સો ગુમાવ્યો છે. જોકે બંનેના મેનેજમેન્ટે ગ્રોથ અને કોસ્ટ ઓપ્ટીમાઈઝેશન પર ફોકસ કરતાં સ્થિતિ બદલાઈ છે.

 

દેશની વિકાસ ગાથા પર મજબૂત વિશ્વાસઃ ગૌતમ અદાણી

દેશમાં બે અગ્રણી સિમેન્ટ કંપનીઓની ખરીદીમાં હરિફોની સરખામણીમાં નોંધપાત્ર પ્રિમીયમ ચૂકવવાના અદાણી જૂથના નિર્ણય પાછળ જૂથના પ્રમોટર ગૌતમ અદાણીનો દેશની વિકાસ ગાથા પર મજબૂત વિશ્વાસ સૂચવે છે. રૂ. 82 હજાર કરોડ(10.5 અબજ યુએસ ડોલર)ના જંગી ડિલ પાછળનો તર્ક સમજાવતાં અદાણી જણાવે છે કે સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ દેશના વિકાસમાં અમારો વિશ્વાસ દર્શાવે છે. ભારતમાં આગામી વર્ષોમાં કોમોડિટીની ઊંચી માગ જોવા મળશે. જેમાં સિમેન્ટ મુખ્ય બની રહેશે. હાલમાં ભારત સિમેન્ટનું બીજું મોટું બજાર છે. જોકે તેમ છતાં દેશમાં માથાદિઠ સિમેન્ટ વપરાશ અડધા કરતાં પણ ઓછો છે. જો મુખ્ય હરિફ ચીન સાથે સરખામણી કરીએ ત ભારતમાં સિમેન્ટ વપરાશ ચીન કરતાં 7 ગણો ઓછો છે. એક અગ્રણી માધ્યમ સાથે વાતચીતમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી તકો જોવા મળી રહી છે. જેને જોતાં લાંબા ગાળે આ સોદો ખૂબ લાભદાયી બની રહેશે. સાથે જૂથના પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, એનર્જી અને રિયલ એસ્ટેટની સાથે આ સોદાને જોડીને જોવામાં આવે તો જૂથ એક એવું બિઝનેસ મોડેલ ઉભું કરશે જે સ્પર્ધાત્મક હોવાની સાથે બજારમાં મજબૂત સ્થિતિ પણ ધરાવતું હશે.
તેમણે રૂ. 82 હજાર કરોડની ડીલ માટે ફંડની વ્યવસ્થા અંગેના ઉત્તરમાં જણાવ્યું હતું કે આ સોદો અદાણી પરિવારના ઓફશોર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા કરવામાં આવશે જે ગ્રુપની કોઈપણ લિસ્ટેડ કંપનીનો ભાગ નથી. અદાણી ફેમિલી દ્વારા ઈક્વિટી ઈન્ફ્યુઝન કરવાની સાથે ગ્રુપની પાર્ટનર બેંકો સાથે મળીને પણ તેના માટે ફંડ ઉભું કરવામાં આવશે. આ સિવાય ભારતમાં સીમેન્ટની ડિમાન્ડમાં કેટલો અવકાશ છે તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ભારતનો માથાદીઠ સીમેન્ટ વપરાશ 240 કિલો છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 525 કિલો છે. દેશમાં મિડલક્લાસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે જો ચીન સાથે ભારતની સરખામણી કરવામાં આવે તો આપણે ઘણા પાછળ છીએ કારણકે ચીનનો માથાદીઠ સીમેન્ટ વપરાશ 1600 કિલો જેટલો છે. આ સિવાય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ ધ્યાન આપી રહી છે, દેશમાં 100 સ્માર્ટ સિટી, 200 નવા એરપો્રટ અને પીએમ આવાસ યોજના હેઠળ તમામ લોકોને ઘર પૂરા પાડવા માટે કામ થઈ રહ્યું છે. દેશમાં મોટાપાયે કોંક્રિટના હાઈવે પણ બનાવાઈ રહ્યા છે, ફ્રેઈટ કોરિડોર્સ બની રહ્યા છે, આ સિવાય બીજી પણ કેટલીક બાબતોને કારણે ભારતમાં સીમેન્ટની ડીમાન્ડનો જાણે કોઈ અંત જ નથી. વળી, સીમેન્ટ એવી વસ્તુ નથી કે જેને તમે આયાત કરી શકો, તેના માટે આત્મનિર્ભર જ બનવું પડે.

 

હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સિમેન્ટ માગમાં 12 ટકાના દરે વધશે

2020-21માં 26 કરોડ ટન સામે 2026-27માં 42 કરોડ ટન માગ જોવાશે

વિશ્વમાં ભારત બીજા ક્રમનો સિમેન્ટ ઉત્પાદક દેશ છે અને તે વૈશ્વિક સ્તરે સ્થાપિત ક્ષમતાનો 7 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જોકે દેશમાં હાઉસિંગ, કમર્સિયલ પ્રોપર્ટીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માગમાં ઊંચી વૃદ્ધિને જોતાં સિમેન્ટની માગ નવા નાણા વર્ષમાં 12 ટકાના દરે વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. અગ્રણી રેટિંગ એજન્સીના અંદાજ મુજબ 2026-27માં દેશમાં સિમેન્ટની માગ 42 કરોડ ટન પર પહોંચશે. જે 2020-21 દરમિયાન 26 કરોડ ટન આસપાસ હતી. દેશ પાસે ઊંચા જથ્થા સાથે સારી ગુણવત્તાવાળો લાઈમસ્ટોનનો જથ્થો આવેલો છે. આમ સિમેન્ટ ઉદ્યોગ મોટી વૃદ્ધિની શક્યતા દર્શાવે છે. દેશમાં 210 મોટા પ્લાન્ટ્સ આવેલા છે. જેમની કુલ ઉત્પાદન ક્ષમતા 41 કરોડ ટન જેટલી છે. જ્યારે 350 મિનિ સિમેન્ટ પ્લાન્ટ્સ આવેલા છે. જેઓ બાકીની ક્ષમતા ધરાવે છે.  દેશમાં સિમેન્ટનું ઉત્પાદન ગયા નાણા વર્ષ દરમિયાન 10-12 ટકાના દરે વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે ક્ષમતા વપરાશમાં 65 ટકાના દરે વૃદ્ધિ જવા મળી હતી. અર્થતંત્રમાં નવી કેપેક્સ સાઈકલની શરૂઆત બાદ ઈન્ડસ્ટ્રીઅલ ડિમાન્ડમાં ઊંચી વૃદ્ધિની શક્યતાં છે. સાથે ગ્રામીણ હાઉસિંગ ક્ષેત્રે ઊંચા વૃદ્ધિ દર પાછળ રૂરલ ડિમાન્ડ ઊંચી રહેશે. ક્રિસિલના જણાવ્યા મુજબ ભારતીય સિમેન્ટ ઉદ્યોગ 2023-24 સુધીમાં 8 કરોડ ટન નવો ક્ષમતા ઉમેરો કરશે. જે છેલ્લાં 10 વર્ષોમાં સૌથી ઊંચો હશે. સરકારે 2022-23ના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરેલી ઊંચી ફાળવણીને જોતાં સિમેન્ટની માગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળશે. સરકારે રોડ્સ માટે 27 અબજ ડોલર જ્યારે રેલ્વેઝ માટે 19 અબજ ડોલર ફાળવ્યાં છે. ઉપરાંત સ્માર્ટ સિટિઝ અને સ્વચ્છ ભારત અભિયાન માટે પણ 7 અબજ ડોલરની ફાળવણી કરાઈ છે. જે સિમેન્ટની ઊંચી માગ માટે પૂરક બનશે.

અંબુજા, એસીસીના વેચાણ પર કેપિટલ ગેઈન્સની અપેક્ષા નથીઃ હોલ્સિમ

વિશ્વમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક હોલ્સિમ જૂથે તેની ભારતીય એસેટ્સ અંબુજા સિમેન્ટ્સ તથા એસીસીના અદાણી જૂથને વેચાણ પર કોઈપણ પ્રકારના કેપિટલ ગેઈન્સ ટેક્સની અપેક્ષા નહિ હોવાનું જણાવ્યું છે. હોલ્સિમને ભારતીય સિમેન્ટ કંપનીઓના વેચાણમાંથી 6.4 અબજ સ્વિસ ફ્રાન્ક્સની ચૂકવણી થશે એમ હોલ્સિમના સીઈઓ જેન જેનીશે જણાવ્યું હતું. એક એનાલિસ્ટ કોલમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મતે આ ટ્રાન્ઝેક્શન માટે કેપિટલ ગેઈન ટેક્સ કે અન્ય કોઈપણ પ્રકારનો ટેક્સ લાગુ પડતો નથી. હોલ્સિમના ભારતીય બિઝનેસિસના વિચાણમાં એક ઓફશોર હોલ્ડિંગ કંપની અદાણી જૂથ સ્થાપિત અન્ય ઓફશોર વેહીકલ કંપનીને તેના હિસ્સાનું વેચાણ કરશે.

અંબુજા અને એસીસી સામે કાર્ટલાઈઝેશનનો કેસ

અંબુજા સિમેન્ટ અને એસીસી હાલમાં સુપ્રીમ કોર્ટમાં કાર્ટલાઈઝેશનના આક્ષેપસર કેસ લડી રહ્યાં છે. આ કેસ હેઠળ 2016માં તેમની સામે પેનલ્ટી લાગુ પાડવામાં આવી હતી. આ બે કંપનીઓ સાથે અન્ય નવ સિમેન્ટ કંપનીઓ સામે પણ કાર્ટલાઈઝેશનનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ દોષિત ઠરતાં કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ રૂ. 6300 કરોડની પેનલ્ટી લાગુ પાડી હતી. જેમાં અંબુજા સિમેન્ટે રૂ. 1164 કરોડ જ્યારે એસીસીએ રૂ. 1148 કરોડ ચૂકવવાના બને છે.

 

રિલાયન્સ રિટેલ ડઝન જેટલી બ્રાન્ડ્સને હસ્તગત કરે તેવી શક્યતા

આગામી પાંચ વર્ષમાં બિઝનેસિસમાંથી 6.5 બિલિયન ડોલરના વાર્ષિક વેચાણ હાંસલનો લક્ષ્ય

ભારતની સૌથી મોટી ઓર્ગેનાઈઝ્ડ રિટેલર રિલાયન્સ રિટેલ 6.5 બિલિયન ડોલરના કન્ઝ્યુમર ગુડ્સ બિઝનેસની રચના કરવાના તેના લક્ષ્યના ભાગરૂપે ઘણી નાની ગ્રોસરી અને નોન-ફુડ બ્રાન્ડ્સને હસ્તગત કરે તેવી શક્યતા છે, જેથી યુનિલિવર જેવી મોટી વિદેશી કંપનીઓને પડકાર આપી શકાય, તેવું જાણકાર વર્તુળો જણાવે છે.

મૂકેશ અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ છ મહિનામાં 50થી60 ગ્રોસરી, હાઉસહોલ્ડ અને પર્સનલ કેર બ્રાન્ડ્સના પોર્ટફોલિયોની રચના કરવાની યોજના ધરાવે છે તથા ડિસ્ટ્રિબ્યુટર્સની વિશાળ ફોજ દ્વારા દેશભરના મોટા રિટેઇલ આઉટલેટ તથા મોમ-એન્ડ-પોપ સ્ટોર્સ સુધી તેને લઇ જવા માગે છે. ભારતના લગભગ 900 બિલિયન ડોલરના રિટેલ માર્કેટમાં જિયોમાર્ટ ઇ-કોમર્સ હેઠળ ચાલી રહેલાં વિસ્તરણ તથા 2,000થી વધુ ગ્રોસરી આઉટલેટ્સના બ્રિક-એન્ડ-મોર્ટાર સ્ટોર નેટવર્કના ટોચ ઉપર રિલાયન્સ રિટેલ કન્ઝ્યુમર બ્રાન્ડ હેઠળ કન્ઝ્યુમર ગુડ્સને વેગ અપાશે.

કંપની દ્વારા બ્રાન્ડ્સને હસ્તગત કરવા માટે કુલ રોકાણની યોજનાઓ હજૂ સ્પષ્ટ નથી, પરંતુ સુત્રોના કહેવા અનુસાર રિલાયન્સે પાંચ વર્ષમાં બિઝનેસિસમાંથી 6.5 બિલિયન ડોલરના વાર્ષિક વેચાણ હાંસલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. નવા બિઝનેસ પ્લાન સાથે રિલાયન્સ નેસલે, યુનિલિવર, પેપ્સીકો ઇન્ક અને કોકા-કોલા જેવી વિશ્વના મોટા કન્ઝ્યુમર ગ્રૂપને પડકારવાની યોજના ધરાવે છે. આ બ્રાન્ડ્સ વર્ષોથી ભારતમાં કામગીરી ધરાવે છે. પહેલેથી સ્થાપિત મોટી બ્રાન્ડ્સને પડકાર ફેંકવો મૂશ્કેલ છે કારણકે તેઓ ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે તથા સમગ્ર દેશના 1.4 અબજ લોકો સુધી પોન્ડ્સ ક્રીમ અથવા મેગી નુડલ્સ જેવી પ્રોડક્ટ્સને લઇ જવા માટે હજારો ડિસ્ટ્રિબ્યુટર્સ ધરાવે છે.

 

સેબી ટૂંક સમયમાં એફપીઆઇ એક્સપર્ટ પેનલની રચના કરશે

દેશમાં FPI જંગી વેચવાલી દર્શાવી રહી છે ત્યારે માર્કેટ રેગ્યુલેટરનું પગલું

ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ની ચિંતાઓના સરળ ઉકેલ તથા દેશમાં મૂડી પ્રવાહને વધુ અનુકૂળ બનાવવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ટૂંક સમયમાં એક એક્સપર્ટ કમીટીની રચના કરશે. સુત્રોના કહેવા અનુસાર બજાર નિયામક હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ – રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મારફતે ભંડોળ એકત્ર કરવા બાબતે એડવાઇઝરી કમીટીની પણ રચના કરવાની યોજના ધરાવે છે, જેથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગને વેગ આપી શકાય.

બે નવી એડવાઇઝરી કમીટી રચવાની પહેલ સેબીના નવા ચેરપર્સન દ્વારા શરૂ કરાયેલા માળખાકીય બદલાવનો હિસ્સો છે. જાણકારોનું માનવું છે કે એડવાઇઝરી કમીટીની સ્થાપનાથી મહત્વપૂર્ણ બાબતો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. હાલમાં વિવિધ કમીટી દ્વારા એફપીઆઇના મંતવ્યોને ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે, તે પ્રતિસાદ પ્રાપ્ત કરવા માટે સિંલગ-વિન્ડો તરીકે પણ કામ કરશે. એક્સપર્ટ ગ્રૂપની રચના કરવાનું પગલું એવા સમયે લેવાયું છે કે જ્યારે ઘરેલુ બજારોમાંથી મોટાપાયે વિદેશી રોકાણ પાછું ખેંચાઇ રહ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વે તેની નીતિઓને વધુ આકરી કરતાં એફપીઆઇએ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 25.2 બિલિયન ડોલર જેટલી રકમ પાછી ખેંચી છે. જોકે, તેમના દ્વારા જબરદસ્ત વેચવાલી સામે ઘરેલુ રોકાણકારો તરફથી પ્રવાહ સતત જળવાઇ રહેતાં બજારને ટેકો મળ્યો છે. જોકે, ભારતની મૂડીની ભારે જરૂરિયાતો તથા વિદેશી રોકાણ ઉપર નિર્ભરતાને જોતાં માત્ર ઘરેલુ ફંડિંગથી માર્કેટને મેનેજ કરવું મૂશ્કેલ બની રહે છે. જાણકારોનું કહેવું છે કે એડવાઇઝરી કમીટી મહત્વપૂર્ણ નીતિઓના સરળ અમલીકરણમાં મદદરૂપ બનશે. આ પહેલાં પણ સેબી અને એફપીઆઇ વચ્ચે મતબેદ થયા હોવાના કિસ્સા જોવા મળ્યાં છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1778.77 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેણે ગયા વર્ષે રૂ. 1046.5 કરોડની ખોટ દર્શાવી હતી. બેંકે સમગ્ર 2021-22 માટે રૂ. 7272 કરોડનો નફો દર્શાવ્યો છે. જે અગાઉના વર્ષે રૂ. 829 કરોડ પર હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 8511.6 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 7106 કરોડ પર જોવા મળતી હતી.

આઈશર મોટર્સઃ ઓટોમોબાઈલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 610 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિ ધોરણે 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ એનાલિસ્ટ્સના રૂ. 596 કરોડના અંદાજ કરતાં ઊંચો નફો નોંધાવ્યો હતો. જેની પાછળ શેર 8 ટકા ઉછળ્યો હતો.

ટેક મહિન્દ્રાઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1506 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 39 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 24.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12116 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9730 કરોડ પર હતી.

બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2374 કરોડની આવક નોંધાવી છે. જે વાર્ષિક ધોરણે 35.4 ટકાનો જ્યારે ત્રિમાસિક ધોરણે 16.05 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ 2021-22 માટે રૂ. 8295 કરોડની આવક દર્શાવી હતી. જે વાર્ષિક 43 ટકા વૃદ્ધિ દર્સાવે છે. કંપનીની નેટ કેશમાં 32.3 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

મેક્સ વેન્ચર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 319 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 32.68 કરોડ પર હતો. કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 34.50 કરડ પર જોવા મળી હતી. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 39.68 કરોડ પર હતી.

નઝારા ટેક્નોલોજિસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4.90 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે નોંધાવેલા રૂ. 17.10 કરોડના નફાની સરખામણીમાં 71 ટકાનો ઘટાડો સૂચવે છે.

યૂકો બેંકઃ પીએસયૂ બેંકે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 312 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 80 કરોડ પર હતો.

આરઈસીઃ રુરલ ઈલેક્ટ્રિફિકેશન કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 229 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 207 કરોડ પર હતો.

એચએએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3100 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1610 કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે 93 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

એવિએશન સ્ટોક્સઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને નવી દિલ્હી ખાતે તેના જેટ ફ્યુઅલના ભાવમાં 5 ટકા વૃદ્ધિ કરી તેને રૂ. 1.23 લાખ પ્રતિ કિલોલિટર કર્યાં છે. જે વિક્રમી સ્તરે જોવા મળી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage