Market Summary 16 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઊંચા સ્તરે નવી ખરીદીના અભાવે માર્કેટમાં સુસ્તી
સતત ત્રીજા દિવસે પાંખા કામકાજ જોવાયાં
ઈન્ડિયા વિક્સ 3 ટકા ઉછળી 15.10ની સપાટીએ
બેંકિંગ અને આઈટીએ સપોર્ટ પૂરો પાડ્યો
મેટલ, રિઅલ્ટી, એનર્જી અને ઓટોમાં વેચવાલી
હૂડકો, આઈઆરએફસી, HAL, રેલ વિકાસ નવી ઊંચાઈએ
વોલ્ટાસ, ડીસીએમ શ્રીરામે નવુ તળિયું દર્શાવ્યું
અદાણી જૂથના શેર્સમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી

વૈશ્વિક બજારોમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે સતત ત્રીજા દિવસે ભારતીય બજાર રેંજ બાઉન્ડ જળવાયુ હતું. પાંખા કામકાજ વચ્ચે બીએસઈ સેન્સેક્સ 108 પોઈન્ટ્સ સુધારે 61981ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સાત પોઈન્ટ્સના સાધારણ સુધારે 18410 પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે ફ્યુચરનું પ્રિમીયમ ઘટાડો દર્શાવતું હતું. નિફ્ટી ફ્યુચર્સ 16 પોઈન્ટ્સના ઘટાડે 18446 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં લેવાલીના અભાવે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 30 નેગેટિવ કામકાજ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 20 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.17 ટકા મજબૂતીએ 15.10ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી.
બુધવારે એશિયન બજારોમાં મહ્દઅંશે નરમાઈ જોવા મળી હતી. હોંગ કોંગ, ચીન, કોરિયા, સિંગાપુર અને તાઈવાન સહિતના બજારો ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. એકમાત્ર જાપાન બજાર સાધારણ પોઝીટીવ જોવા મળ્યું હતું. જેને કારણે ભારતીય બજારની શરૂઆત સાધારણ નરમાઈ સાથે જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18403ના બંધ સામે 18398ની સપાટી પર ખૂલી ઉપરમાં 18442ની ટોચ દર્શાવી દિવસ દરમિયાન બે બાજુ અથડાયો હતો. બજારમાં બપોર બાદ એક તબક્કે નિફ્ટી 18344ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી પરત ફરી પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટેકનીકલ એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી માર્કેટ 18450ને પાર કરવામાં સફળ નહિ રહે ત્યાં સુધી આ પ્રકારની ચાલ દર્શાવશે. જો આ સ્તર પાર થશે તો તે નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરશે. જ્યારે નીચે 18300 મહત્વનો સપોર્ટ છે. જેની નીચે બજારમાં ઝડપી વેચવાલી સંભવ છે. જ્યારબાદ 17900નો સપોર્ટ રહેશે. જે તૂટશે તો માર્કેટમાં ટૂંકાગાળમાં વધુ ઘટાડાની શક્યતાં છે. છેલ્લાં ત્રણ સત્રોથી કામકાજ ઘટી ગયા છે. જે સૂચવે છે કે ટ્રેડર્સ પણ બજારને દૂરથી જોવામાં શાણપણ સમજી રહ્યાં છે. તેઓ નવી ખરીદીથી દૂર છે. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં કોઈ હલચલ જોવા મળી રહી નથી અને તે પણ બજારની અનિશ્ચિતતા સૂચવે છે.
માર્કેટને બુધવારે મુખ્ય સપોર્ટ બેંકિંગ અને આઈટી તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી બેંક 0.38 ટકા સુધારે 42535.30ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 42611.75ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેંક નિફ્ટીને સપોર્ટ આપવામાં કોટક મહિન્દ્રા બેંક અને એચડીએફસી બેંક મુખ્ય હતાં. કોટક મહિન્દ્રા બેંક 2.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક પણ એક ટકો સુધર્યો હતો. જોકે બીજી બાજુ ફેડરલ બેંક, બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડ્સઈન્ડ બેંક, એક્સિસ બેંક અને એસબીઆઈ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 0.3 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. જેમાં એમ્ફેસિસ, ટીસીએસ, ઈન્ફોસિસ અને વિપ્રો પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માઈન્ડટ્રી અને એલએન્ડટી ઈન્ફોટેકમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. બંને કાઉન્ટર્સ લગભગ 2-2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં મુખ્ય યોગદાન હિંદુસ્તાન એરોનોટિક્સનું હતું. શેર 7 ટકા ઉછળી રૂ. 2681ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, ભારત ઈલેક્ટ્રીક, ઓઈલ ઈન્ડિયા, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. મેટલમાં વેચવાલી પાછળ મેટલ ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો હતો. જેમાં સેઈલ 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નાલ્કો, વેદાંત, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસીમાં પણ એક ટકાથી લઈ ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન અદાણી ગ્રીન એનર્જીનું હતું. કંપનીનો શેર 4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત તાતા પાવર, એનટીપીસી, બીપીસીએલ, એચપીસીએલ અને રિલાયન્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં હનીવેલ ઓટોમેશન, દાલમિયાન ભારત, અમર રાજા બેટરીઝ, બલરામપુર ચીની, એલઆઈસી હાઉસિંગ, ટીવીએસ મોટર, સીજી કન્ઝ્યૂમરમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ મેટ્રોપોલિસ હેલ્થકેર, એપોલો ટાયર્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ડેલ્ટા કોર્પ, જીએસપીસી અને મૂથૂત ફાઈનાન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.


મેટ્રોપોલીસ હેલ્થકેરની ઓફિસે ITની સર્ચ
અદાણી અને એપોલો જૂથ મેટ્રોપોલીસમાં બહુમતી હિસ્સો ખરીદવા ઈચ્છુક હતા
બંને જૂથ મળી કંપનીમાં લગભગ રૂ. 7800 કરોડનું ડિલની શક્યતા જોવાતી હતી

અદાણી જૂથ અને એપોલો જૂથ દ્વારા સંયુક્તરીતે ખરીદી માટેના ટાર્ગેટ સમાન ડાયગ્નોસ્ટીક કંપની મેટ્રોપોલીસ હેલ્થકેરની મુંબઈ ઓફિસ ખાતે ઈન્કમ-ટેક્સ વિભાગે સર્ચ હાથ ધરી હતી. કંપની મુંબઈ ખાતે મેડિકલ ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ ચલાવે છે. આઈટી સર્ચના અહેવાલ પાછળ કંપનીનો શેર 8 ટકા તૂટી રૂ. 1435.90ના સ્તરે બંધ રહ્યો હતો. વર્તુળોના જણાવ્યા મુજબ મુંબઈ સ્થિત ઈન્કમ ટેક્સ વિભાગે રેડ હાથ ધરી હતી. કંપનીનો શેર તેના વાર્ષિક તળિયા નજીક બંધ રહ્યો હતો.
એ વાત ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ અને એપોલો જૂથ મળીને મેટ્રોપોલીસમાં બહુમતી હિસ્સો ખરીદવાની શક્યતાં ચકાસી રહ્યાં હતાં. આ ડીલ લગભગ રૂ. 7800-8000 કરોડ આસપાસનું રહેવાની શક્યતા પણ અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આ બાબતની એકપણ જૂથ તરફથી પુષ્ટી કરવામાં આવી નહોતી. મેટ્રોપોલીસે ગયા સપ્તાહે જ સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં હતાં. જેમાં તેણે રૂ. 40.5 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 58.4 કરોડ પર હતો. કંપનીની આવક પણ રૂ. 302.6 કરોડ પરથી ઘટી રૂ. 300.3 કરોડ પર રહી હતી.


ઊંચી ક્રેડિટ માગ પૂરી કરવા બેંક્સના બોરોઈંગમાં 100 ટકા વૃદ્ધિ
બેંક્સનું બોરોઈંગ માર્ચ આખરમાં રૂ. 2.74 લાખ પરથી 21 ઓક્ટોબર સુધીમાં વધી રૂ. 5.49 લાખ કરોડે પહોંચ્યું

દાયકાની ટોચ પર જોવા મળી રહેલા ક્રેડિટ ગ્રોથને કારણે બેંક્સેના શોર્ટ-ટર્મ બોરોઈંગમાં 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. ચાલુ નાણાકિય વર્ષે અત્યાર સુધીમાં લેન્ડર્સે લોન માગને પૂરી કરવા માટે જ્યાંથી મળે ત્યાંથી નાણા ઊભા કરવાનો માર્ગ અપનાવ્યો છે. આરબીઆઈએ રજૂ કરેલા તાજાં આંકડા અનુસાર 21 ઓક્ટોબર 2022ના રોજ બેંક્સની બોરોઈંગ વધીને રૂ. 5.49 લાખ કરોડ પર જોવા મળી હતી. જે 25 માર્ચ 2022 સુધીમાં રૂ. 2.74 લાખ કરોડ પર હતી. આમ બોરોઇંગ બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે.
આરબીઆઈના રિપોર્ટમાં દર્શાવવામાં આવેલું આ બોરોઈંગ મુખ્યત્વે શોર્ટ-ટર્મ બોરોઈંગ હતું. જેમાં ઈન્ટરબેંક રેપો ઓપરેશન્સ અને ટ્રાઈ-પાર્ટી રેપોસનો સમાવેશ થાય છે. ઉપરાંત એડિશ્નલ ટીયર-1 બોન્ડ્સ જેવા ઈન્સ્ટુમેન્ટ્સના ઈસ્યુનો પણ આમાં સમાવેશ થાય છે એમ રિપોર્ટ ઉમેરે છે. બેંક્સની બોરોઈંગમાં જૂન મહિનાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. 3 જૂને તેમનું બોરોઈંગ 3.78 લાખ કરોડ પર હતું. જે 26 માર્ચે 2.44 લાખ કરોડ પરથી વધ્યું હતું. બેંકિંગ સિસ્ટમની લિક્વિડીટીમાં તીવ્ર ઘટાડો થવાને કારણે લેન્ડર્સે શોર્ટ-ટર્મ માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સના સહારે જવું પડ્યું હતું એમ વર્તુળો જણાવે છે. અગ્રણી રેટિંગ એજન્સીના ડિરેક્ટરના મતે બેંક્સ તરફથી જોવા મળી રહેલા શોર્ટ-ટર્મ બોરોઈંગની રકમ ખૂબ જ ઊંચી છે. શોર્ટ-ટર્મ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સાથે બેંક્સે લોંગ-ટર્મ ડિપોઝીટ્સ પર પણ ભાર મૂકવો પડશે. લાંબા સમય સુધી શોર્ટ-ટર્મ બોરોઈંગ પર આધારિત રહેવું એ બજારમાં લિક્વિડીટીની સ્થિતિ ટાઈટ હોવાનો સંકેત છે એમ તેઓ ઉમેરે છે. જો ક્રેડિટ ગ્રોથ ઊંચા સ્તરે જળવાશે અને બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં સુધારો નહિ જોવા મળે તો પરિસ્થિતિ પડકારજનક બની શકે છે.
એપ્રિલ 2022ની શરૂમાં માર્કેટમાં 7-8 લાખ કરોડની સરપ્લસ લિક્વિડિટી જોવા મળતી હતી. જે ઓક્ટોબરમાં માત્ર રૂ. 1.35 લાખ કરોડ પર રહી ગઈ હતી. છેલ્લાં બે મહિનામાં એવા કિસ્સાઓ પણ જોવા મળ્યાં છે જ્યારે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી સરપ્લસમાંથી ખાધ(ડેફિસિટ)માં જતી રહી હતી. આરબીઆઈ ફુગાવા સામેની લડાઈમાં એકોમોડેટીવ પોલિસી છોડી રહી છે અને તેને કારણે અત્યાર સુધીમાં ચાર વાર રેટ વૃદ્ધિ દર્શાવી ચૂકી છે. એનાલિસ્ટ્સ હજુ પણ એક રાઉન્ડ રેટ વૃદ્ધિની શક્યતાં જોઈ રહ્યાં છે. બેંકર્સ માટે ચિંતાની બાબત એ છે કે તેમના ક્રેડિટ ગ્રોથ સામે ડિપોઝીટ ગ્રોથ લગભગ અડધો જોવા મળી રહ્યો છે. 21 ઓક્ટોબરના આરબીઆઈના રિપોર્ટ મુજબ બેંક્સે વાર્ષિક ધોરણે 17.9 ટકા ક્રેડિટ ગ્રોથ સામે ડિપોઝીટ ક્ષેત્રે માત્ર 9.5 ટકા ગ્રોથ જ નોઁધાવ્યો હતો.


વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં મજબૂતી યથાવત
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ જળવાઈ રહેવાથી ગોલ્ડમાં મજબૂતી ટકી છે. બુધવારે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ રૂ. 1775 ડોલર પર મક્કમ જોવા મળી રહ્યું હતું. જ્યારે કોમેક્સ ગોલ્ડ વાયદો 10 ડોલરથી વધુ સુધારે 1788 ડોલરની તાજેતરની ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે ગોલ્ડ 1800 ડોલરની સપાટી પાર કરશે તો તેમાં વધુ શોર્ટ કવરિંગની સંભાવના છે. જેની પાછળ તે કેલેન્ડર પૂરું થતું પહેલા 1850 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. ડોલર ઈન્ડેક્સ 105-106ની સપાટી પર છેલ્લાં ત્રણ સત્રોથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે. ટૂંકાગાળામાં તે ઓવરસોલ્ડ હોવાથી એક બાઉન્સની શક્યતાં ઊભી છે.
ઓક્ટોબરમાં ભારત ફરીથી સ્ટીલનું ચોખ્ખું આયાતકાર બન્યું
ઓક્ટોબરમાં ભારત ફરીથી સ્ટીલનું નેટ ઈમ્પોર્ટર બન્યું હતું. ઓક્ટોબરમાં દેશમાં 5,93,000 ટન સ્ટીલની આયાત જોવા મળી હતી. જેની સામે દેશમાંથી 3,60,000 ટનની નિકાસ થઈ હતી. ઓક્ટોબરમાં બે વર્ષોની સૌથી ઊંચી આયાત જોવા મળી હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવે છે. ચાલુ નાણા વર્ષે બીજીવાર દેશમાં સ્ટીલની આયાત જોવા મળી છે. અગાઉ જુલાઈમાં પણ દેશ સ્ટીલનું આયાતકાર બન્યો હતો. ઓક્ટોબરમાં નોન-અલોય્ડ સ્ટીલની આયાત 69 ટકા ઉછળી 3.64 લાખ ટન રહી હતી. જ્યારે એલોય્ડ અને સ્ટેનલેસ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે 41 ટકા વધી 2.3 લાખ ટન પર જોવા મળી હતી.


નાયકાનો શેર બોનસ લિસ્ટીંગ બાદ બે સત્રોમાં 17 ટકા ગગડ્યો
લિસ્ટીંગ વખતે રૂ. 1 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ હાલમાં રૂ. 52 હજાર કરોડ રહ્યું
પેટીએમના ટોચના ઈન્વેસ્ટર્સનો લોક-ઈન પિરિયડ ચાલુ સપ્તાહે પૂરો થતાં શેર પર દબાણની સંભાવના
શેર ઓફરભાવથી 72 ટકા ડિસ્કાઉન્ટ્સમાં ટ્રેડ થઈ રહ્યો છે

ન્યૂ-જેન ટેક સ્ટાર્ટ-અપ્સમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ અટકી રહ્યું નથી. એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સની પેરન્ટ કંપની નાયકાનો શેર બુધવારે 4 ટકા ગગડી રૂ. 184.45ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે શેર 9 ટકા જેટલો ગગડી રૂ. 177 નજીક પહોંચ્યો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં શેરમાં 17 ટકાનું ગાબડું પડી ચૂક્યું છે. કંપનીના બોનસ શેર્સના લિસ્ટીંગ બાદ કાઉન્ટર પર દબાણ જોવા મળ્યું હતું. ગયા સપ્તાહે એક વર્ષ માટેનો લોક-ઈન પિરિયડ પણ ખૂલતાં ફંડ્સ તરફથી વેચવાલી નીકળી હતી અને શેરમાં નરમાઈ જોવા મળી હતી.
દરમિયાનમાં અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ કંપની પેટીએમના શેરમાં પણ આગામી સપ્તાહે દબાણની શક્યતાં છે. કેમકે ચાલુ સપ્તાહે પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સમાં સૌથી મોટા શેરધારકો અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ તથા તેની ફિનટેક સહયોગી એન્ટ ગ્રૂપ તેમજ જાપાનના સોફ્ટબેંક ગ્રૂપ કોર્પ માટે લોક-અપ પિરિયડ સમાપ્ત થઈ રહ્યો છે. હવેથી તેઓ કંપનીના શેર્સમાં વેચાણ કરી શકશે. જેને કારણે અગાઉથી જ લિસ્ટીંગ ભાવથી 72 ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહેલા શેર્સ પર દબાણ ઊભું થઈ શકે છે. કંપનીએ રૂ. 2150ના ભાવે શેર્સ ઓફર કર્યો હતો. જ્યારે હાલમાં તે રૂ. 601.5ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ પણ રૂ. 1.40 લાખ કરોડ સામે રૂ. 39036 કરોડ પર જોવા મળી રહ્યું છે. પેટીએમમાં એન્ટ અને અલીબાબા મળી 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે સોફ્ટબેંક 17.5 ટકા જ્યારે બર્કશાયર હાથવે ઈન્ક 2.5 ટકા હિસ્સો ધરાવે છે. આ રોકાણકારો હવે કંપનીમાં તેમણે પ્રાઈવેટ ઈક્વિટીના ભાગરૂપે લીધેલાં શેર્સ કોઈપણ સમયે વેચી શકે છે. જે કાઉન્ટર પર દબાણ સર્જી શકે છે.
નાયકાની વાત કરીએ તો કંપનીએ એક શેર સામે પાંચ બોનસ શેર્સ આપ્યાં હતાં. જે માટે ગયા શુક્રવારે 11 નવેમ્બરને રેકર્ડ ડેટ નિર્ધારિત કરાઈ હતી. નવા શેર્સ બુધવારે લિસ્ટ થયાં હતાં. જ્યારબાદ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. કાઉન્ટરમાં છેલ્લાં કેટલાંક સત્રોથી જંગી કામકાજ જોવા મળી રહ્યાં છે. બુધવારે એનએસઈ ખાતે કુલ 32 કરોડથી વધુ શેર્સ ટ્રેડ થયાં હતાં. 28 ઓક્ટોબરે કંપનીના શેરે રૂ. 162.59નું ઓલ-ટાઈમ દર્શાવ્યું હતું. જ્યાંથી થોડો સુધર્યો હતો. જોકે મોટા રોકાણકારો માટે લોક-ઈન પિરિયડ દૂર થવાને કારણે કંપનીના શેરમાં વેચવાલી ચાલુ રહેવાની શક્યતાં છે. કેમકે અન્ય ન્યૂ જેન ટેક કંપનીઓ કરતાં નાયકાના શેરમાં વર્તમાન ભાવે ઓછા નુકસાને એક્ઝિટ મળી રહી છે.

ન્યૂ-ટેક કંપનીઓનો દેખાવ
કંપની લિસ્ટીંગ ભાવ(રૂ.) વર્તમાન બજારભાવ(રૂ.) માર્કેટ-કેપ(લિસ્ટીંગ) માર્કેટ-કેપ(અત્યારે)
નાયકા 1125 184.5 રૂ. 52550 રૂ. 103000
પેટીએમ 2150 601.5 રૂ. 39036 રૂ. 139530



કોર્પોરેટ હેડલાઈન્સ

એનએમડીસીઃ પીએસયૂ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 885.7 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે રૂ. 954 કરોડની અપેક્ષા કરતાં નીચો રહ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. 3380 કરોડની અપેક્ષા સામે રૂ. 3328 કરોડ પર જોવા મળી હતી. પરિણામ બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સીઈએસઈઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 305 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 335 કરોડના નફા સામે 9 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 3494 કરોડ સામે 12 ટકા વધી રૂ. 3913 કરોડ પર રહી હતી.
રેડિકોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 54.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 73.1 કરોડના નફા સામે 25.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 3070 કરોડ સામે 2 ટકા ઘટી રૂ. 3019 કરોડ પર રહી હતી.
કેપલીન પોઈન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 92 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75 કરોડના નફા સામે 21 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 300 કરોડ સામે 20 ટકા વધી રૂ. 359 કરોડ પર રહી હતી.
જીઈ શીપીંગઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 768 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 223 કરોડના નફા સામે 200 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 885 કરોડ સામે 55 ટકા વધી રૂ. 1447 કરોડ પર રહી હતી.
આરસીએફઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 257 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 116 કરોડના નફા સામે 120 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ.
ફોર્ટિસ હેલ્થકેરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 204 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 107 કરોડના નફા સામે 92 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 1463 કરોડ સામે 15 ટકા વધી રૂ. 1607 કરોડ પર રહી હતી.
ઈરકોનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 174 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 126 કરોડના નફા સામે 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 1523 કરોડ સામે 40 ટકા વધી રૂ. 2239 કરોડ પર રહી હતી.
એમએન્ડએમઃ એમએન્ડએમ ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરે પિથમપુર ખાતે ટ્રેકટર સિવાયના તેના પ્રથમ સમર્પિત ફાર્મ મશીનરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે.
સ્પાઈસજેટઃ ઉડ્ડયન કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 577.7 કરોડની ખોટ દર્શાવી હતી. જેમાં રૂ. 260 કરોડના નોન-કેશ ફોરેક્સ લોસનો સમાવેશ થતો નથી.
બાલક્રિષ્ણા ઈન્ડઃ કંપનીએ પડકારદાયી મેક્રો એન્વાર્ય્મેન્ટને કારણે 2022-23માં 3.2-3.2 લાખ ટનના તેના ગાઈડન્સને પરત ખેંચ્યું છે.
એચબીએલ પાવરઃ ઓમાન ઈન્ડિયા જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે કંપનીમાં રૂ. 98.16 પ્રતિ શેરના ભાવે એચબીએલ પાવરમાં 40.27 લાખ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage