Market Summary 16 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઈન્વેસ્ટર્સની અવિરત વેચવાલીએ માર્કેટમાં મંદીની હેટ્રિક
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ, ચીનનો ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 19.82ની સપાટીએ
આઈટીમાં વણથંભી વેચવાલીએ ઈન્ડેક્સ 4 ટકા તૂટ્યો
મેટલ, એફએમસીજી, ફાર્મા અને બેંકિંગમાં પણ વેચવાલી
બ્રોડ માર્કેટમાં ત્રણ શેરમાં વેચવાલી સામે એકમાં લેવાલી
ઈન્ડસઈન્ડ બેંક, કરુર વૈશ્ય બેંકે વાર્ષિક ટોચ દર્શાવી
વોલ્ટાસ, બાયોકોન 52-સપ્તાહના તળિયે પટકાયાં


શેરબજારો પર મંદીવાળાઓ અંકુશ મેળવવામાં સફળ રહ્યાં છે. જેની પાછળ સતત ત્રીજા સત્રમાં ભારતીય બજારે ઘટાડો નોંધાવ્યો હતો. લાંબા સમયગાળા બાદ જોવા મળેલી બ્રોડ બેઝ્ડ વેચવાલીમાં બેન્ચમાર્ક્સ લગભગ 2 ટકા નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 1093 પોઈન્ટ્સ ગગડી 58841ની સપાટીએ જ્યારે નિફ્ટી 346 પોઈન્ટ્સના ઘટાડે 17530 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી વચ્ચે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર 2 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 48 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. લગભગ ચાર મહિના બાદ નિફ્ટી કાઉન્ટર્સમાં આટલી ઊંચી નેગેટિવ બ્રેડ્થ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં પણ તીવ્ર વેચવાલીને પગલે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 19.82ની સપાટી પર પહોંચ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં ઊંચી વધ-ઘટ જોવા મળી શકે છે.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળતી હતી. જેમાં એશિયન બજારોમાં 2 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો અને તે બે મહિનાના તળિયા પર બંધ રહ્યું હતું. જાપાન સહિતના બજારો પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. યુએસ ખાતે ઓગસ્ટ સીપીઆઈ ડેટા અપેક્ષાથી સાધારણ ઊંચો આવ્યાં બાદ ચાર સત્રોથી યુએસ બજારો ઘટાડાતરફી જોવા મળે છે. માર્કેટનું સેન્ટિમેન્ટ નોંધપાત્ર ખરડાઈ ચૂક્યું છે. આ વચ્ચે બુધવારે મોટા ગેપ-ડાઉન ઓપનીંગ બાદ ફ્લેટ બનીને સાધારણ ઘટાડે બંધ રહેલાં ભારતીય બજારમાં બે સત્રોથી વેચવાલીનું દબાણ અનુભવી જોવા મળ્યું હતું. શુક્રવારે નિફ્ટી અગાઉ બંધની સરખામણીમાં 80 પોઈન્ટ્સ નીચે ખૂલ્યાં બાદ સતત ઘસાતું રહ્યું હતું. એક તબક્કે સેન્સેક્સ 1200 પોઈન્ટ્સથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યાંથી 100 પોઈન્ટ્સ જેટલો પરત ફર્યો હતો. જોકે શુક્રવારની વેચવાલી વ્યાપક હતી અને તેથી જાતે-જાતમાં લેણ ફૂંકાયા હોવાનું માલૂમ પડતું હતું. નિફ્ટી 17771ના બુધવારના તળિયાને તોડ્યાં બાદ 17600 અને 17500ની નીચે ઉતરી ગયો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17497નો નાનો સપોર્ટ છે જ્યારબાદ 17350નો સપોર્ટ રહેશે. જે તૂટશે તો 17200 સુધીની જગા થઈ શકે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ અંકુશમાં હોવા છતાં ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર તેની કોઈ અસર જોવા મળી નહોતી. આગામી સપ્તાહે ફેડ 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે છે કે 100 બેસીસ પોઈન્ટ્સની તેના પર બજારની નજર છે. જો ફેડ 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ સાથે આગળ વધશે તો બજાર રાહત મેળવવા સાથે બાઉન્સ દર્શાવી શકે છે. ટ્રેડર્સના મતે દિવાળી સુધી માર્કેટની રેંજ 1700-18300ની જોવા મળે તેવી શક્યતાં છે.
શુક્રવારે તમામ સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી હતી. જોકે મંદીની આગેવાની આઈટીએ સતત ચોથા દિવસે જાળવી રાખી હતી. નિફ્ટી આઈટી 3.71 ટકા ગગડી વાર્ષિક તળિયા નજીક બંધ રહ્યો હતો. તૂટવામાં એલએન્ડટી ટેક્નોલોજી ટોચ પર હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, ટેક મહિન્દ્રા, કોફોર્જ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, વિપ્રો અને ટીસીએસ 3 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 2 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં વેદાંત 7.5 ટકા ઘટાડા સાથે ટોચ પર હતો. અન્ય મેટલ કાઉન્ટર્સમાં હિંદાલ્કો, નાલ્કો, જિંદાલ સ્ટીલ, સેઈલમાં 2 ટકાથી ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી બે ટકા ગગડ્યો હતો. જેમાં ઈમામી 6 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, કોલગેટ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, નેસ્લે, ડાબર ઈન્ડિયા અને મેરિકોમાં 3 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. એકમાત્ર વરુણ બેવરેજીસ પોઝીટીવ બંધ જળવાયો હતો. નિફ્ટી ઓટો તેની સર્વોચ્ચ ટોચ પરથી 2.71 ટકા ગગડ્યો હતો. ટાયર શેર્સમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી અને તેઓ ઊંધા માથે પટકાયાં હતાં. બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 6 ટકા ગગડ્યો હતો. અમર રાજા બેટરીઝ 5 ટકા, ભારત ફોર્જ 5 ટકા, હીરો મોટોકોર્પ 4 ટકા, એમએન્ડએમ 4 ટકા, એક્સાઈડ ઈન્ડ 3.5 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યાં હતાં. એનર્જી, ફાર્મા, રિઅલ્ટી અને મિડિયામાં પણ 4 ટકા સુધીનો ઊંચો ઘટાડો નોંધાયો હતો. જોકે બેંક નિફ્ટીમાં વેચવાલીએ રોકાણકારોને ઊંઘતાં ઝડપ્યાં હતાં. છેલ્લાં કેટલાક સત્રોમાં સતત સુધારો દર્શાવતું રહેલું બેકિંગ મધ્યાહન બાદ વેચવાલીમાં જોડાયું હતું. પ્રાઈવેટ બેંક્સની સરખામણીમાં પીએસયૂ બેંક્સમાં વેચવાલી આકરી જોવા મળી હતી. જેથી જ બેંકનિફ્ટી 1 ટકા ઘટાડો સૂચવતો હતો. જ્યારે પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.3 ટકા જેટલો ગગડ્યો હતો. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ મહારાષ્ટ્ર 5.3 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ સિવાય ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી અને કેનેરા બેંકમાં 3 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે પ્રાઈવેટ બેંક્સમાં આઈડીએફસી બેંક 3.4 ટકા, એયૂ સ્મોલ ફાઈ. બેંક 3 ટકા સાથે ટોચનો ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો માત્ર છ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં ઈન્ડ્સઈન્ડ બેંક 2.7 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ડેલ્ટા કોર્પ, મેક્સ ફાઈનાન્સિયલ, સિપ્લા, ગેઈલ અને ઈન્ડસ ટાવર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. બીજી બાજુ અનેક કાઉન્ટર્સ 5 ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જેમાં એમઆરએફ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એસ્ટ્રાલ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, જીએનએફસી, એપોલો ટાયર્સ, ટાટા કેમિકલ્સ, દિપક નાઈટ્રેટ, ગ્લેનમાર્ક, ડીએલએફ, યૂપીએલ, આઈડીએફસી, ઓબેરોય રિઅલ્ટી, મહાનગર ગેસ, અમર રાજા બેટરીઝ અને એસીસીનો સમાવેશ થાય છે. કરુર વૈશ્ય બેંક, સુમિટોમો, ભારત ડાયનેમિક્સ, વેસ્ટલાઈફ ડેવ, થર્મેક્સ, મઝગાંવ ડોક, કોચીન શીપયાર્ડ જેવા કાઉન્ટર્સ તેમની વાર્ષિક અથવા તો સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયા હતા. બીજી બાજુ વોલ્ટાસ, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, મેડપ્લસ હેલ્થ, એમ્ફેસિસ, બિરલા સોફ્ટ, બાયોકોન 52-સપ્તાહના તળિયા પર જોવા મળ્યાં હતાં. બીએસઈ ખાતે 3610 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2532 ઘટાડો દર્શાવતાં હતાં જ્યારે માત્ર 972 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં.હોલ્સિમે અદાણી સાથે અંબુજા સિમેન્ટ અને ACC માટેનું ડિલ ક્લોઝ કર્યું
સ્વીસ કંપની હોલ્સિમે અંબુજા સિમેન્ટ અને એસીસીમાંના તેના હિસ્સાને અદાણી જૂથને વેચવાનું ડિલ ક્લોઝ કર્યું છે. જેના ભાગરૂપે કંપનીએ 6.4 અબજ ડોલની કેશ મેળવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શન બાદ હોલ્સિમની બેલેન્સ શીટ મજબૂત બની છે અને તેને કારણે કંપની તેની એક્વિઝિશન સ્ટ્રેટેજીને જાળવી શકશે. તેમજ સોલ્યુશન્સ અને પ્રોડક્ટ્સમાં તાજેતરના 5 અબજ સ્વીસ ફ્રાંકના રોકાણ કરી શકી છે. આ ટ્રાન્ઝેક્શનમાં અંબુજા સિમેન્ટમાં હોલ્સિમના 63.11 ટકા હિસ્સાને ખરીદવામાં આવ્યો હતો. અંબુજા સિમેન્ટ એસીસીનો 50.05 ટકા હિસ્સો ધરાવે છે.
મેનકાઇન્ડ ફાર્મા બજારમાંથી રૂ. 5500 કરોડ ઊભા કરશે
દેશમાં ફાર્મા કંપની તરફથી સૌથી મોટા આઈપીઓમાં મેનકાઈન્ડ ફાર્મા પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 5500 કરોડ ઊભા કરે તેવી શક્યતાં છે. આ માટે કંપનીએ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની વેચાણ વોલ્યુમની રીતે દેશમાં બીજા ક્રમે આવે છે. આઈપીઓમાં પ્રમોટર્સ અને રોકાણકારો તરફથી ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ 2021-22માં સ્થાનિક બજારમાંથી રૂ. 7600 કરોડની આવક દર્શાવી હતી. કંપની ફોર્મ્યુલેશન્સ સાથે કન્ઝ્યૂમર હેલ્થકેર પ્રોડક્ટ્સ બનાવે છે.
અદાણી પોર્ટ્સ હલ્દિયા ડોકની ક્ષમતાનું વિસ્તરણ કરશે
દેશમાં ટોચની પ્રાઈવેટ પોર્ટ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન તેની સંપૂર્ણ માલિકીના એવા બંગાળ સ્થિત એચડીસી બલ્ક ટર્મિનલ(એચબીટીએલ)ની ક્ષમતા વિસ્તારશે. એચબીટીએલે શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કોલકોત્તા(એસએમપીકે) સાથે હલ્દિયા પોર્ટના બર્થ નં. 2ના મિકેનાઈઝેશન માટે કન્સેશન એગ્રીમન્ટ પર હસ્તાક્ષર કરી પોર્ટ ક્ષેત્રે પાંખ વિસ્તારી છે. એસએમપીકે અને હલ્દિયા બલ્ક ટર્મિનલ વચ્ચેના એગ્રીમેન્ટ અનુસાર આગામી 30 વર્ષના કન્સેશન સમય દરમિયાન વાર્ષિક 37.4 લાખ ટનના ટર્મિનલની ડિઝાઈન, નિર્માણ, ધિરાણ, સંચાલન, જાણવણીના અધિકારો પ્રાપ્ત થશે.


RRBsને IPO મારફતે ફંડ ઊભું કરવાની છૂટ માટે નાણા મંત્રાલય તૈયાર
પ્રાદેશિક ગ્રામીણ બેંક્સ પસંદગીના રોકાણકારો, મોટી બેંક્સ, ઈન્શ્યોરન્સ કંપનીને રાઈટ્સ ઈસ્યૂ, પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ મારફતે નાણા ઊભા કરી શકશે
RRBsએ પ્રથમ સ્પોન્સર બેંકને શેર્સ ઓફર કરવાના રહેશે, જો તે ઈન્કાર કરે તો આઈપીઓ કરી શકે છે

કેન્દ્રિય નાણા વિભાગે રિજિયોનલ રૂરલ બેંક્સ(RRBs) મૂડી બજારમાંથી નાણાં ઊભા કરી શકે તે માટેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. જેને કારણે પ્રાદેશિક ગ્રામીણ બેંક્સ પસંદગીના રોકાણકારો જેવાકે મોટી બેંકિંગ કંપનીઓ, ઈન્શ્યોરન્સ કંપનીઓ તથા વ્યક્તિગત રોકાણકારો પાસેથી રાઈટ્સ ઈશ્યૂ કે પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ મારફતે ફંડ ઊભું કરી શકે છે. તેમજ તેઓ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ મારફતે પણ નાણા ઊભા કરી શકે છે.
હાલમાં દેશમાં કુલ 34 RRBs આવેલી છે. જેમની સ્પોન્સરસ 12 શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ છે. RRBs દેશમાં લગભગ 22 હજાર બેંકિંગ શાખાઓ સાથે વિશાળ નેટવર્ક ધરાવે છે અને તેઓ બીજી અને ત્રીજા હરોળના શહેરો ઉપરાંત ગામડામાં વિસ્તરેલી છે. માર્ચ 2022ની આખરમાં RRBs પાસે કુલ રૂ. 5,62,538 કરોડની ડિપોઝીટ્સ અને રૂ. 3,42,479 કરોડના એડવાન્સિસ જોવા મળતાં હતાં. ભારત સરકાર, સંબંધિત રાજ્ય સરકાર અને સ્પોન્સર બેંક સંયુક્તપણે RRBsની માલિકી ધરાવે છે. જેમાં કેન્દ્ર સરકાર 50 ટકા હિસ્સો ધરાવે છે. રાજ્ય સરકારો 15 ટકા જ્યારે સ્પોન્સર બેંક 35 ટકા હિસ્સો ધરાવે છે.
નાણા વિભાગે જાહેર કરેલી નવી માર્ગદર્શિકાઓ મુજબ RRBsએ આઈપીઓ મારફતે જાહેર જનતાને શેર્સનું વેચાણ કરતાં અગાઉ મર્ચન્ટ બેંકર્સ અને સ્પોન્સર બેંક સાથે વિચાર-વિમર્શ કરી બોનસ ઈસ્યૂ અથવા રાઈટ્સ ઈશ્યુની વિચારણા કરવી જોઈએ. મંત્રાલયના જણાવ્યા મુજબ ઈસ્યુનું સમગ્ર વેલ્યૂ પ્રથમ રાઈટ્સ ઈસ્યુ મારફતે મેળવવું જોઈએ. જેમાં પ્રમોટર શેરધારકને ઈસ્યુની ઓફર સબસ્ક્રાઈબ કરવાની કે ત્યાગ કરવાની છૂટ હોવી જોઈએ. જ્યારે આ ઓફરને પૂરી સ્વીકારવામાં ના આવે ત્યારે જ તેનો બાકી રહેલો હિસ્સો આઈપીઓ મારફતે જાહેર જનતાને ઓફર કરી શકાય. જેમાં મેરિટ્સ મહત્વનું પરિબળ બની રહેશે. તેમજ ઈસ્યૂની સાઈઝ પણ એક અગત્યનું અંગ ગણાશે. ઈસ્યુના કદને ધ્યાનમાં રાખતાં પસંદગીના રોકાણકારોને RRBs તરફથી પ્રાઈવેટ પ્લેસમેન્ટ અંગે પણ વિચારણા કરી શકાશે. જેમાં મોટી બેંકિંગ કંપનીઓ અથવા એલઆઈસી જેવી ઈન્શ્યોરન્સ કંપનીઓને ઈક્વિટી શેર્સ ઓફર કરી શકાય. આ ઉપરાંત અન્ય પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓ, પેન્શન ફંડ્સ અને મ્યુચ્યુલ ફંડ્સનો પણ બુક-બિલ્ડીંગ પ્રોસેસ સબસ્ક્રાઈબ કરવા માટે સંપર્ક કરી શકાય એમ મંત્રાલયની એડવાઈઝરીમાં જણાવાયું છે. જો રાજ્ય સરકારનો હિસ્સો RRBsમાં 15 ટકાથી નીચે લઈ જઈ શકાતો હોય તો ફાઈનાન્સિયલ સર્વિસિસ ડિપાર્ટમેન્ટ સંબંધિત રાજ્ય સરકાર સાથે વિચારણા કરીને નિર્ણય લઈ શકે છે. રાજ્ય સરકાર તેનો હિસ્સો લઘુત્તમ 15 ટકા પર જળવાય રહે તે માટે અધિક મૂડી દાખલ કરી શકે છે. મૂડી ઊભા કરવા માટે જરૂરી કેટલાક માપદંડોમાં પાછલા ત્રણ વર્ષો દરમિયાન નેટ વર્થ ઓછામાં ઓછી રૂ. 300 કરોડથી વધુ હોવી જરૂરી છે. કેપિટલ ટુ રિસ્ક-વેઈટેડ એસેટ્સ રેશિયો ત્રણ વર્ષો દરમિયાન લઘુત્તમ 9 ટકાથી ઉપર રહેવો જરૂરી છે. સાથે નફાકારક્તાનો ટ્રેક રેકર્ડ પણ ફરજિયાત છે. છેલ્લાં પાંચ વર્ષોમાઁથી ત્રણ વર્ષો દરમિયાન ટેક્સ અગાઉ લઘુત્તમ રૂ. 15 કરોડનો નફો કરેલો હોવો જોઈએ એમ માર્ગદર્શિકા સૂચવે છે. જેમાં કોઈ અસાધારણ આઈટમ્સનો સમાવેશ થતો હોવો જોઈએ નહિ.


સ્ટીલ પરની એક્સપોર્ટ ડ્યૂટી તબક્કાવાર દૂર કરવાનું સૂચન

સ્ટીલ ઉદ્યોગ માટે રાહત આપતાં અહેવાલમાં કેન્દ્રિય સ્ટીલ મંત્રાલયે વાણિજ્ય વિભાગ સાથે મળીને સ્ટીલ પરની નિકાસ ડ્યુટીને તબક્કાવાર દૂર કરવા માટેની સમીક્ષા શરૂ કરી છે. મંત્રાલયે તબક્કાવાર રીતે નિકાસ ડ્યુટી દૂર કરવાનું સૂચન કર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં સ્ટીલ મંત્રાલય સ્ટેનલેસ સ્ટીલ પરની ડ્યુટી દૂર થાય તેની તરફેણ કરી રહ્યું છે. સ્ટીલ મંત્રાલયના એક આંતરિક ડોક્યૂમેન્ટમાં જણાવાયું છે કે સ્ટેનલેસ સ્ટીલ એક નિકાસ આધારિત પ્રોડક્ટ છે અને તેના પરની નિકાસ ડ્યુટીને દૂર કરવાથી શિપમેન્ટ્સમાં સુધારો જોવા મળશે. જોકે સ્ટીલ નિકાસમાં મહત્વના ચાલક બળ એવા એચઆર કોઈલ્સ અને સીઆર કોઈલ્સ પરની નિકાસ તત્કાળ દૂર થાય થવી જોઈએ નહિ. કેમકે તેમ કરવાથી સ્થાનિક સ્ટીલના ભાવોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. આ બે પ્રોડક્ટ્સ પરની ડ્યુટીને એકવાર બજારમાં વોલેટિલિટી હળવી થાય પછી દૂર કરવાનું વિચારવામાં આવશે. સરકારે જૂન મહિનામાં સ્થાનિક સ્તરે સતત વધતાં સ્ટીલ ભાવોને અંકુશમાં રાખવા માટે સ્ટીલ એક્સપોર્ટ્સ પર 15 ટકા લેખે એક્સપોર્ટ ડ્યૂટી લાગુ પાડી હતી. જોકે ત્યારબાદ દેશમાંથી નિકાસ અટકવા સાથે આયાતમાં વૃદ્ધિ જોવા મળી હતી.કોર્પોરેટ હેડલાઈન્સ

ટેલિકોમ કંપનીઝઃ જુલાઈમાં રિલાયન્સ જીઓએ નવા 29.5 લાખ ગ્રાહકો ઉમેર્યાં હતાં. જ્યારે બીજા ક્રમે ભારતી એરટેલે 5.13 લાખ ગ્રાહકોનો ઉમેરો કર્યો હતો. બીજી બાજુ વીના સબસ્ક્રાઈબર બેઝમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એફએમસીજી કંપનીઓઃ રો-મટિરિયલ્સના ખર્ચમાં નોઁધપાત્ર ઘટાડા બાદ એફએમસીજી કંપનીઓએ તેની પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડા સાથે ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં અગ્રણી સોપ્સ કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સના બંડલ પેક્સ પર ભાવ ઘટાડવા સાથે વધુ વેઈટ ઓફર કર્યું છે.
પતંજલિ ગ્રૂપઃ પતંજલિ જૂથ આગામી પાંચ વર્ષોમાં તેની ચાર કંપનીઓના લિસ્ટીંગ્સ માટે વિચારી રહ્યું છે. હાલમાં જૂથની એક કંપની લિસ્ટેડ છે. શેર માર્કેટ પર તે કુલ રૂ. 5 લાખ કરોડના માર્કેટ-કેપિટલાઈઝેશનનો ટાર્ગેટ રાખી રહ્યું છે. લિસ્ટ થનારી કંપનીઓમાં પતંજલિ વેલનેસ, પતંજલિ આયુર્વેદ, પતંજલિ લાઈફસ્ટાઈલ અને પતંજલિ મેડિસીનનો સમાવેશ થતો હશે.
વેદાંતાઃ મેટલ અને એનર્જી બિઝનેસ જૂથે એક સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં તેના તરફથી સ્થપાનારો સેમીકંડક્ટર બિઝનેસ વેદાંતા લિ.નો ભાગ નથી. ચિપ પ્લાન્ટમાં રોકાણ વોલ્કન ઈન્વેસ્ટમેન્ટ તરફથી કરવામાં આવશે.
જેએસડબલ્યુ પેઈન્ટ્સઃ કંપની એશિયન પેઈન્ટ્સ સામેના તેના આક્ષેપોને ખારીજ કરતાં કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના આદેશ સામે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યૂનલમાં અરજી કરવાની વિચારણા કરી રહી છે.
પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સઃ જાહેર ક્ષેત્રની જે કંપનીઓ તેમની સબસિડિયરીઝમાં હિસ્સાનું વેચાણ કરવા ઈચ્છતી હોય તેમણે સંબંધિત વહીવટી મંત્રાલયને આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે એમ દિપમ મંત્રાલયે ગુરુવારે એક માર્ગદર્શિકામાં જણાવ્યું હતું.
એરલાઈન્સ કંપનીઓઃ ઓગસ્ટ મહિનામાં ડોમેસ્ટીક એર પેસેન્જર ટ્રાફિકમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 1.02 કરોડ પર રહ્યો હોવાનું રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે. જ્યારે ઈન્ટરનેશનલ ટ્રાફિક કોવિડ અગાઉના 19.8 લાખના સ્તર કરતાં 32 ટકા ઊંચો જોવા મળ્યો હતો.
પીવીઆરઃ ત્રણ કંપનીઓએ મલ્ટીપ્લેક્સ ઓપરેટર કંપનીના શેર્સમાં વેચાણ નોંધાવ્યું છે. તેમણે પીવીઆરના 40 લાખથી વધુ શેર્સ માર્કેટમાં ઓફલોડ કરી રૂ. 759.14 કરોડ ઊભા કર્યાં છે. શેર વેચનારાઓમાં પ્લેન્ટી પ્રાઈવેટ ઈક્વિટી એફઆઈઆઈ 1 અને ગ્રે બીર્ચ ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.
ગોદાવરી પાવરઃ કંપનીએ તેના આયર્ન ઓર પેલેટ પ્લાન્ટની વધારેલી ક્ષમતાને કાર્યાન્વિત કરવા માટેની જરૂરી મંજૂરી મેળવી લીધી છે.
યૂપીએલઃ કંપની ક્લિનમેક્સ એન્વાર્યો એનર્જી સાથે મળીને સંયુક્ત સ્તરે હાઈબ્રીડ સોલાર-વિન્ડ એનર્જી પાવર પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ ગુજરાત સ્થિત હશે.
ટ્રાઈજન ટેક્નોલોજિસઃ આઈટી કંપનીએ ન્યૂ યોર્ક સિટી પાસેથી સિટીવાઈડ સિસ્ટમ્સ ઈન્ટિગ્રેશન સર્વિસિસ પૂરી પાડવા માટેનો એન્ટરપ્રાઈઝ ટાસ્ક ઓર્ડર મેળવ્યો છે.
એમટાર ટેક્નોલોજિસઃ ટેક્નોલોજી કંપનીએ સિવિલ ન્યૂકલિયર પાવર સહિતના ક્લિન એનર્જી સેગમેન્ટમાં રૂ. 540 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
પીએસએલઃ પાઈપ્સ ઉત્પાદક કંપની સામે કેન્દ્રિય તપાસ સંસ્થા સીબીઆઈ રૂ. 429 કરોડની છેતરપિંડીના આક્ષેપસર કેસ ફાઈલ કર્યો છે. કેનેરા બેંકની ફરિયાદને આધારે આમ કરવામાં આવ્યું છે.
ઉજ્જીવન એસએફબીઃ ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના બોર્ડે રૂ. 21 પ્રતિ શેરના ભાવે ક્વિપ ઈસ્યૂને મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage