બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક શેરબજારોમાં ભારે કડાકોઃ સેન્સેક્સ 1600 પોઈન્ટ્સ પટકાયો
હોંગ કોંગ માર્કેટમાં 4 ટકા ઘટાડો, ચીન-કોરિયા-યૂકેના બજારો 2-3 ટકા પટકાયાં
વોલેટેલિટી ઈન્ડેક્સ 11 ટકા ઉછળી 15.08ના સ્તરે
બેંક નિફ્ટી 4 ટકા પટકાયો
એચડીએફસી બેંકમાં 8.5 ટકાનો ઘટાડો
આઈટી ઈન્ડેક્સ સિવાય તમામ સૂચકાંકોમાં ઘટાડો
ટીવી18 બ્રોડકાસ્ટ, રેલ વિકાસ, કોચીન શીપયાર્ડ, આઈઆરએફસી, હૂડકો, ઓરેકલ ફિન સર્વિસિસ નવી ટોચે
ભારતીય શેરબજારમાં છેલ્લાં એક વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી એક-એક ટકા જેટલૂં તૂટ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 1628 પોઈન્ટ્સ ગગડી 71500ની સપાટીએ જ્યારે નિફ્ટી 460 પોઈન્ટ્સ ગગડી 21,572ની સપાટીએ પટકાયા હતાં. બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3900 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2602 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1224 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 284 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ઉછળી 15.08ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે રાતે યુએસ શેરબજારમાં નરમાઈ પાછળ બુધવારે એશિયાઈ બજારો ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ભારે વેચવાલી દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ 5 ટકા જેટલો પટકાયો હતો અને 2009 પછીના તળિયા પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત, સાઉથ કોરિયા, ચીન અને યૂકેના બેન્ચમાર્ક્સ પણ 203 ટકા તૂટ્યાં હતાં. આ બધા વચ્ચે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગ વચ્ચે ઘટાડે 21550ની સપાટીએ ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 16 પોઈન્ટ્સ પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 2 પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ દર્શાવતો હતો. આમ, માર્કેટમાં ઘટાડે લોંગ પોઝીશનમાં સાધારણ ઉમેરો જોવા મળ્યો હોય તેમ જણાય છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ આપનારા કાઉન્ટર્સમાં એચસીએલ ટેક્નોલોજી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, ટાઈટન કંપની, પાવર ગ્રીડ કોર્પોરેશન અને નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચડીએફસી બેંક 8.5 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, તાતા સ્ટીલ, કોટક મહિન્દ્રા, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈસીઆઈસીઆઈ બેંક, યૂપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, ડિવિઝ લેબ્સ, ગ્રાસિમ, અદાણી પોર્ટ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બજાજ ઓટો, એસબીઆઈ, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, મારુતિ સુઝુકી, આઈટીસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો બેંક નિફ્ટીમાં 4 ટકાથી વધુ કડાકો બોલાઈ ગયો હતો અને તે 2061 પોઈન્ટ્સ ગગડી 46064 પર બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં એચડીએફસી બેંક 8.5 ટકા ગગડ્યો હતો. જ્યારે કોટક મહિન્દ્રા બેંક 3.4 ટકા, આઈડીએફસી ફર્સ્ટ બેંક 3.5 ટકા, એક્સિસ બેંક 3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.7 ટકા, ફેડરલ બેંક 2.5 ટકા, બેંક ઓફ બરોડા 2.5 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ 4.3 ટકા પટકાયો હતો. જેના ઘટકોમાં બેંકિંગ શેર્સ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝિસ 3 ટકા, આરઈસી 3 ટકા, બજાજ ફિનસર્વ 2.3 ટકા અને એસબીઆઈ કાર્ડ 2 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ 3 ટકા પટકાયો હતો. જેના ઘટકોમાં સેઈલ 5.4 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ, નાલ્કો, જિંદાલ સ્ટીલ, હિંદાલ્સો, વેદાંત, એનએમડીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એપીએલ એપોલો, જેએસડબલ્યુ સ્ટીલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસઈ, એનર્જી, એફએમસીજી, ફાર્માંમાં એક ટકા આસપાસ ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.64 ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 3.6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એચસીએલ ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ ટેક્નોલોજી, એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, ટેક મહિન્દ્રા, કોફોર્જમાં પણ મજબૂતી જોવા મળી હતી. એક માત્ર વિપ્રો 0.5 ટકા ઘટાડો સૂચવતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એલએન્ડટી ટેક્નોલોજી, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, બિરલાસોફ્ટ, પોલીકેબ, ભેલ, એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ફાઈનાન્સ, પર્સિસ્ટન્ટ, કેન ફિન હોમ્સ, મેક્સ ફાઈનાન્સિયલ, ટોરેન્ટ ફાર્મા, એમ્ફેસિસ, એસબીઆઈ લાઈફ અને લ્યુપિનમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ આઈઈએક્સ 10 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, એચડીએફસી બેંક, સેઈલ, વોડાફોન, સિટી યુનિયન બેંક, તાતા સ્ટીલ, સિટી યુનિયન બેંક, નાલ્કો, રામ્કો સિમેન્ટ્સ, ઈન્ડુસ ટાવર્સ, કોટક મહિન્દ્રા, આરબીએલ બેંક, જિંદાલ સ્ટીલ, કોન્કોર, આદિત્ય બિરલા ફેશન, આઈડીએફસી ફર્સ્ટ બેંક, શ્રી સિમેન્ટ્સ, હિંદાલ્કો, એક્સિસ બેંક, દિપક નાઈટ્રેટમાં ઊંચી વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ટીવી18 બ્રોડકાસ્ટ, રેઈલ વિકાસ, કોચીન શીપયાર્ડ, આઈઆરએફસી, હૂડકો, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કેપ્રી ગ્લોબલ, બિરલાસોફ્ટ, ભેલ, એસજેવીએન, માસ્ટેક, જ્યોતિ લેબ્સ, ઈન્ટીલેક્ટ ડિઝાઈનનો સમાવેશ થતો હતો.
MRFનો શેર રૂ. 1.5 લાખની સર્વોચ્ચ સપાટી સાથે સૌથી મોંઘો શેર બન્યો
ટાયર કંપની એમઆરએફનો શેર બુધવારે રૂ. 1.5 લાખ કરોડ પર પહોંચ્યો હતો. છેલ્લાં એક વર્ષમાં તે 48 ટકા જેટલો ઉછળ્યો છે. જેની સરખામણીમાં બેન્ચમાર્ક નિફ્ટી 20 ટકા વૃદ્ધિ સૂચવે છે. બુધવારે રૂ. 1.5 લાખની ટોચ બનાવ્યાં પછી જોકે કાઉન્ટમાં વેચવાલી નીકળી હતી અને બપોરે તે રૂ. 1,37,711ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરમાર્કેટમાં ભારે વેચવાલીને પગલે કાઉન્ટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મદ્રાસ રબર ફેકટરી(એમઆરએફ)નો શેર ભારતીય બજારનો સૌથી મોંઘો શેર બની રહ્યો છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 572 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે પાંચ ગણી વૃદ્ધિ સૂચવતો હતો.
પ્રાઈવેટ હોસ્પિટલ્સ ચારથી પાંચ વર્ષોમાં રૂ. 32 હજાર કરોડનું રોકાણ કરશેઃ ઈકરા
દેશમાં પ્રાઈવેટ હોસ્પિટલ્સ આગામી ચારથી પાંચ વર્ષોમાં રૂ. 32 હજાર કરોડનું રોકાણ કરશે અને 30 હજારથી વધુ બેડ્સનો ઉમેરો કરશે એમ ઈકરાનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે. જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલૂરુમાં નોંધપાત્ર સંખ્યામાં નવા બેડ્સમાં ઉમેરો થશે એમ રિપોર્ટ સૂચવે છે.
રિપોર્ટ મુજબ સેમ્પલમાં લેવામાં આવેલી કંપનીઓમાં 2023-24 દરમિયાન ઓક્યૂપન્સી રેટ 54-65 ટકા જેટલો હેલ્ધી રહેવાની અપેક્ષા છે. જેનું કારણ હેલ્થકેર સર્વિસિઝની ઊંચી માગ જવાબદાર છે. તેમજ મહામારી પછી મેડિકલ ટુરિઝમમાં રિવાઈવલ છે. મોટાભાગના પ્રાઈવેટ સેક્ટર હોસ્પિટલ ખેલાડીઓ ચારથી પાંચ વર્ષોમાં 30 હજારથી વધુ બેડ્સનો ઉમેરો કરશે. જે માટે તેઓ રૂ. 32500 કરોડનું રોકાણ કરશે એમ ઈકરાના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ એન્ડ સેક્ટલ હેડ મૈત્રી મચેર્લા જણાવે છે. મહાનગરો તેમની ક્ષમતા વિસ્તરણ માટે અગ્રણી બની રહેશે એમ તેણી ઉમેરે છે. જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલૂરુ મુખ્ય છે.
ઘઉઁ, ચોખા અને ખાંડ પરના નિકાસ પ્રતિબંધો ચાલુ રહેશે
કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું છે કે દેશમાંથી ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પરના પ્રતિબંધને દૂર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી અને તે ચાલુ જ રહેશે. જોકે, સરકાર ઘઉં કે ખાંડની આયાત પણ નહિ કરે એમ તેમણે જણાવ્યું હતું. સરકારે મે 2022માં દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ પાડ્યો હતો. જ્યારે જુલાઈ 2023થી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો હતો. જ્યારે ખાંડ પર ઓક્ટોબર 2023 પછી નિકાસ પ્રતિબંધ લાગુ પડ્યો હતો. મહત્વની એગ્રી કોમોડિટીઝ પર નિકાસ પ્રતિબંધનો હેતુ સ્થાનિક બજારમાં ખાદ્ય પદાર્થોને નિયંત્રણમાં જાળવી રાખવાનો હતો. પત્રકારોને જણાવતાં ગોયલે ઉમેર્યું હતું કે ભારત ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પરના પ્રતિબંધને દૂર નહિ કરે સાથે તેમની આયાત પણ નહિ કરે. આગામી લોકસભા ચૂંટણીઓને જોતાં સરકાર ખાદ્ય પદાર્થોના ભાવ અંકુશમાં જાળવવા સાથે રિટેલ ઈન્ફ્લેશનને નીચે લઈ જવા ધારે છે. જોકે, તાજેતરમાં ડિસેમ્બર માટેનો સીપીઆઈ ડેટા અપેક્ષા કરતાં ઊંચો જોવા મળ્યો હતો.
અદાણી જૂથ અદાણી વિલ્મેરમાં 7 ટકા હિસ્સો જાળવે તેવી શક્યતાં
અદાણી જૂથ તેના સંયુક્ત સાહસ અદાણી વિલ્મેર લિમિટેડમાં 7 ટકા હિસ્સો જાળવી રાખે તેવી શક્યતાં હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. કંપનીએ સૈધ્ધાંતિક રીતે તેનો હિસ્સો વૈશ્વિક અલ્ટરનેટિવ ઈન્વેસ્ટર્સને વેચવાલનું નક્કી કર્યું છે. જોકે, તેમ છતાં તે નાનો હિસ્સો જાળવશે. હાલમાં અદાણી જૂથ અને વિલ્મર મળીને કંપનીમાં 87.87 ટકા હિસ્સો ધરાવે છે. 1999માં સ્થાપિત કંપનીમાં અદામી જૂથ અને વિલ્મેર, બંને 43.97 ટકા હિસ્સો ધરાવે છે. કંપની ખાદ્યતેલો સહિત અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરે છે. ડિસેમ્બરમાં સ્ટોક એક્સચેન્જિસ ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું. પ્રમોટર કંપનીઓ 26 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં કુલ પેઈડ-અપ કેપિટલના 1.24 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એલટીઆઈમાઈન્ડટ્રીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1169 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 16.8 ટકા વૃદ્ઘિ સૂચવે છે. કંપનીએ જોકે એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં નીચો પ્રોફિટ નોંધાવ્યો છે. એનાલિસ્ટ્સ રૂ. 1176 કરોડના નેટ પ્રોફિટની અપેક્ષા રાખી રહ્યાં હતાં.
ભેલઃ પીએસયૂ એન્જીનીયરીંગ કંપનીએ અન્ય પીએસયૂ કંપની એનએલસી ઈન્ડિયા પાસેથી ઓડિશામાં 2400 મેગાવોટના ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટ માટે ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ કમ્પિટિટિવ બિડીંગ મારફતે પાવર સેક્ટરમાં સૌથી મોટું બીડ મેળવ્યું છે. તે 2400 મેગાવોટનો સુપરક્રિટિલક થર્મલ પાવર પ્રોજેક્ટ છે. જે હેઠળ 800 મેગાવોટના ત્રણ થર્મલ પાવર પ્રોજેક્ટ બાંધવાના રહેશે. જે માટે ઈપીસી કોન્ટ્રેક્ટર ભેલ હશે. તે એન્જિનીયરીંગ, મેન્યૂફેક્ચરિંગ, સપ્લાય, ઈરેક્શન અને કમિશ્નીંગની સેવા પૂરી પાડશે.
એલએન્ડટીઃ કંપનીની સબસિડિયરી એલએન્ડટી કન્સ્ટ્રક્શને ભારત અને ઓમાન ખાતે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે નોંધપાત્ર ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં કંપની મહારાષ્ટ્ર સરકાર માટે નવી મુંબઈમાં આર્થિકરીતે નબળા વર્ગ માટે 14 ટાવર્સ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક્સ કરશે. તે 42 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરશે. ઓમાન ખાતે મસ્કતમાં એલએન્ડટી ઓમાન એન્ટીટીને પ્રાઈવેટ ક્લાયન્ટ તરફથી મિક્સ્ડ-યૂઝ માટેનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. જેમાં 3-સ્ટાર હોટેલનો સમાવેશ થાય છે. જે 80-કિ હોટેલ રુમ્સ, 101 સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ અને 23-કિ રેસિડેન્શિયલ એપાર્ટમન્ટ અને ઓફિસ બ્લોક તથા સંબંધિત કામગીરી ધરાવે છે.
એશિયન પેઈન્ટ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1448 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 35 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ એનાલિસ્ટ્સની રૂ. 1404 કરોડની અપેક્ષા કરતાં ઊંચો નફો નોંધાવ્યો છે. કંપનીએ ડેકોરેટિવ સેગમેન્ટમાં 12 ટકા વોલ્યુમ ગ્રોથ દર્સાવ્યો છે. જે તેની આવકનો 80 ટકા હિસ્સો ધરાવે છે. જેની પાછળ કંપનીની આવક 5 ટકા વધી રૂ. 9076 કરોડ પર પહોંચી હતી. તહેવારોની સિઝનને કારણે કંપનીના ગ્રોથને સપોર્ટ મળ્યો હતો.