યુએસ ડેટા પાછળ માર્કેટમાં ત્રણ દિવસની તેજીને વિરામ
વૈશ્વિક બજારોમાં પણ નવેસરથી વેચવાલી
નિફ્ટી ફરી 18 હજાર નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સમાં 1.5 ટકાની વૃદ્ધિ
બેંકિંગ, આઈટી, મેટલ, રિઅલ્ટીમાં ભારે વેચવાલી
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ નરમાઈ
અલ્ટ્રાટેક સિમેન્ટ પીએનબી હાઉસિંગમાં નવી ટોચ
અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સ, ઈપ્કા લેબમાં વાર્ષિક તળિયુ
સપ્તાહના આખરી સત્રમાં વેચવાલીના દબાણે ભારતીય બજારમાં ત્રણ સત્રોની તેજી અટકી હતી. બીએસઈ સેન્સેક્સ 317 પોઈન્ટ્સના ઘટાડે 61003ની સપાટીએ જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ્સ ગગડી 17994 પર બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 36 અગાઉના બંધ સામે ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ સાથે બંધ જળવાયાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ વિપરીત જોવા મળી હતી. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદીના અભાવે બ્રેડ્થ નેગેટિવ હતી. બીએસઈ ખાતે કુલ 3590 ટ્રેડેડ કંપનીઓમાંથી 2053 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1401 પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. બીજી બાજુ 126 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 75 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા વૃદ્ધિ સાથે 13.08 ટકાની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યા બાદ સતત રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18036ના બંધ સામે 17885ની સપાટી પર ખૂલી શરૂઆતમાં સુધરી 18034ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી ઘટતો જોવા મળ્યો હતો. તે 17885ની ઈન્ટ્રા-ડે લો બનાવ્યા બાદ કોન્સોલિડેશનમાં જળવાયો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 10 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17954ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. આમ પ્રિમીયમ અગાઉના સત્રમાં 24 પોઈન્ટ્સ પરથી ઘટાડો દર્શાવતું હતું. જે સૂચવે છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ છે. જે આગામી સત્રમાં પણ દબાણ જોવા મળે તેનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્ના મતે વૈશ્વિક બજારમાં નવેસરથી વેચાણને જોતાં ભારતીય બજાર તેમાંથી બાકાત રહી શકશે નહિ. ચાલુ સપ્તાહે એક સત્ર દરમિયાન તેણે હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જે અલ્પજીવી નીવડ્યું હતું. બેન્ચમાર્ક 18000ની નીચે ઉતરતાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17700ના સ્ટોપલોસને જાળવી લોંગ પોઝીશન ઊભી રાખી શકાય. જો આ સ્તર તૂટશે તો બેન્ચમાર્ક 17500 અને 17300ના સ્તર દર્શાવી શકે છે. શુક્રવારે નિફ્ટીને મહત્વનો સપોર્ટ પૂરો પાડનાર કાઉન્ટર્સમાં લાર્સન, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ્, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એનટીપીસી મુખ્ય હતાં. બીજી બાજુ ઘટાડો દર્શાવવામાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, એસબીઆઈ અને એચસીએલ ટેક મુખ્ય હતાં. નિફ્ટીના ત્રીજા ભાગના કાઉન્ટર્સથી વધુમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી એનર્જી, કોમોડિટીઝી અને પીએસઈને બાદ કરતાં તમામ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક 1.2 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં પીએસયૂ અને પ્રાઈવેટ, બંને સેક્ટર્સની બેંકોમાં વેચવાલી જોવા મળી હતી. ઈન્ડસઈન્ડ બેંક 3 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. આ સિવાય બંધન બેંક, ફેડરલ બેંક, પીએનબી, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક પણ નોંધપાત્ર નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી આઈટી 1.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. લગભગ ત્રણ સત્રો બાદ આઈટી કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. જેમાં એલટીઆઈ માઈન્ડટ્રી 2 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. આ સિવાય એલએન્ડટી ટેક્નોલોજી, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, એમ્ફેસિસ, ઈન્ફોસિસમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ એક ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ ઘટવામાં અગ્રણી હતો. આ સિવાય જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, એનએમડીસી, વેદાંત, હિંદુસ્તાન ઝીંકમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. નિફ્ટી એનર્જી કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં અદાણી ગ્રીન એનર્જી 2 ટકા સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી, ઓએનજીસી, રિલાયન્સ અને એનટીપીસી પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સ પર નજર નાખીએ તો સુધારો દર્શાવવામાં સિમેન્ટ શેર્સનું પ્રભુત્વ જળવાયું હતું. જેમાં જેકે સિમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, લાર્સન, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં બાયોકોન 4 ટકા ઘટાડે ટોચ પર હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસ, મહાનગર ગેસ, ઈપ્કા લેબ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, વોડાફઓન આઈડિયા, પીવીઆર, નેસ્લે, બંધન બેંકમાં ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, પીએનબી હાઉસિંગ, દાલમિયા ભારત, પોલીકેબ, કેપીઆઈટી ટેક અને એપીએલ એપોલોનો સમાવેશ થતો હતો. જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, ઈપ્કા લેબ્સ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, બીએસઈ લિમિટેડ, બાટા ઈન્ડિયા, ગ્રેફાઈટ ઈન્ડિયા, શીલા ફોમ અને વેરોક એન્જિનીયરીંગે વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.
સરકાર ડેટ માર્કેટ માટે ચાર અબજ ડોલરનું બેકસ્ટોપ ફંડ સ્થાપશે
ક્રેડિટ કટોકટીના કિસ્સામાં આ ફંડ્સ લિક્વિડ બોન્ડ્સમાં ખરીદી કરી માર્કેટને સપોર્ટ પૂરો પાડશે
ડેટ માર્કેટમાં તણાવ, પેનિક સેલીંગ અને રિડમ્પ્શનના દબાણને હળવું કરવા માટે ભારત સરકાર રૂ. 33 હજાર કરોડ(લગભગ 4 અબજ ડોલર)નું ડેટ ફંડ સ્થાપશે એમ એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે જણાવ્યું છે. આ ફંડમાં 90 ટકા રકમ સરકાર તરફથી પૂરી પડાશે. જ્યારે બાકીની રકમ અન્ય એસેટ મેનેજર્સ ઉપલબ્ધ કરાવશે એમ એસબીઆઈની સબસિડિયરી એસબીઆઈ મ્યુચ્યુલ ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું.
આ બેકસ્ટોપ ફંડના વહીવટની જવાબદારી એસબીઆઈ મ્યુચ્યુલ ફંડને સોંપવામાં આવી છે. કોવિડ બાદ દેશના ડેટ માર્કેટમાં પ્રથમવાર હાઈ-પ્રોફાઈલ ડિફોલ્ટ્સ બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ પ્રકારના ફંડ માટેનો પ્રસ્તાવરજૂ કર્યો હતો. એસબીઆઈ એમએફના જણાવ્યા મુજબ અગાઉ આપણે જોયું છે કે જ્યારે પણ ક્રેડિટ માર્કેટમાં સમસ્યા ઊભી થાય છે ત્યારે રોકાણકારો રિડમ્પ્શન માટે દોટ મૂકે છે. જેને કારણે લિક્વિડીટી પર દબાણ ઊભું થતું હોય છે. આ ફંડ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે આકસ્મિક કોઈ ઈવેન્ટ ઊભી થાય ત્યારે રિડમ્પ્શન દબાણને પચાવવાનો હેતુ ધરાવે છે. તણાવના સમયે બેકસ્ટોપ ફંડ માર્કેટમાં આગળ આવીને પ્રમાણમાં લિક્વિડ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ બોન્ડ્સમાં ખરીદી શરૂ કરશે. એપ્રિલ 2020માં ફ્રેન્કલીન ટેમ્પલ્ટન ઈન્ડિયાએ તેની છ ડેટ સ્કીમ્સ માટે ડિમ્પ્શનને અટકાવવાની ફરજ પડી હતી. કેમકે એકબાજુ રોકાણકારો નાણા પરત ખેંચી રહ્યાં હતાં. જ્યારે બીજીબાજુ ફંડ હાઉસ ડેટ ઈન્વેસ્ટમેન્ટને વેચી શકવામાં અક્ષમ જોવા મળતું હતું. હાલમાં સેકન્ડરી કોર્પોરેટ બોન્ડ્સ માર્કેટ ખૂબ જ છીછરું છે અને તેથી પ્રતિકૂળ ઘટના વખતે છેલ્લા ઉપાય તરીકે બાયર અને સેલરની જરૂરિયાત રહેતી હોય છે. જે કામગીરી બેકસ્ટોપ ફંડ નીભાવશે. ગયા વર્ષે નાણા પ્રધાન નિર્મળા સીતારામણે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે સરકારે બેકસ્ટોપ ફંડ માટેના સેબીના પ્રસ્તાવને વિચારણામાં લીધો છે. જોકે રૂ. 39 લાખ કરોડ(471 અબજ ડોલર)ના ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટની સરખામમીમાં આ ફંડનું કદ પ્રમાણમાં ઘણુ નાનુ છે એમ વર્તુળો જણાવે છે.
એર ઈન્ડિયાને 470 વિમાનો માટે 6500થી વધુ પાયલોટ્સની જરૂરિયાત રહેશે
હાલમાં તાતા જૂથની એરલાઈન્સ કંપનીઓ મળીને કુલ 3000 પાયલોટ્સ ધરાવે છે
એર ઈન્ડિયાને 470 વિમાનો ચલાવવા માટે 6500થી વધુ પાયલોટ્સની જરૂર ઊભી થશે એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે. તાતા જૂથની એરલાઈન કંપનીએ તાજેતરમાં જ એરબસ અને બોઈંગ પાસેથી ઐતિહાસિક વિમાન ખરીદી સોદો કર્યો છે.
કંપનીના વર્તુળોના જણાવ્યા મુજબ તેમણે બે અગ્રણી એરલાઈન કંપનીઓ સાથે 840 એરક્રાફ્ટ ખરીદી માટેનો ઓર્ડર કર્યો છે. જેમાં 370 વિમાનો ખરીદવાનો વિકલ્પનો સમાવેશ થાય છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોઈપણ એરલાઈન કંપની તરફથી આપવામાં આવેલો આ સૌથી મોટો ઓર્ડર છે. હાલમાં એર ઈન્ડિયા તેનો 113 વિમાનોનો કાફલો ચલાવવા માટે 1600 પાયલોટ્સ ધરાવે છે. તાજેતરમાં એવા પ્રસંગો બન્યાં છે, જેમાં અલ્ટ્રા-લોંગ હોલ ફ્લાઈટ્સના કિસ્સામાં ચાલક દળની અછતને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હોય અથવા તેમાં વિલંબનો સામનો કરવાનો બન્યો હોય. એરલાઈનની બે પેટાકંપનીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયા મળીને તેમની 54 ફ્લાયટ્સ માટે 850 પાયલોટ્સ ધરાવે છે. જ્યારે જોઈન્ટ વેન્ચર વિસ્તારા 600 પાયલોટ્સ ધરાવે છે. વિસ્તારો પાસે 53 એરક્રાફ્ટ રહેલા છે. એર ઈન્ડિયા, એર એશિયા એક્સપ્રેસ, વિસ્તારા અને એરએશિયા ઈન્ડિયા મળીને કુલ 3000થી વધુ પાયલોટ્સ ધરાવે છે. જેઓ કુલ 220 વિમાનોની ઉડાન માટે જવાબદાર છે. વર્તુળોના જણાવ્યા મુજબ એક બોઈંગ 777 માટે 26 પાયલોટ્સની જરૂરિયાત રહેતી હોય છે. જો એરલાઈન કંપની આવા 10 વિમાનોને કાફલામાં સમાવે તો તેને 260 પાયલોટ્સની જરૂર રહે. જ્યારે 20 બોઈંગ 787 વિમાનો માટે 400 પાયલોટ્સની જરૂરિયાત રહે છે. બોઈંગ 787 માટે 20 પાયલોટ્સની જરૂર રહે છે. જેમાં 10 કમાન્ડર્સ અને 10 ફર્સ્ટ ઓફિસર્સનો સમાવેશ થાય છે. જો 30 વાઈડ-બોડી બોઈંગ વિમાનોની વાત કરીએ તો તે માટે કુલ 660 પાયલોટ્સની જરૂરિયાત રહેશે એમ વર્તુળો જણાવે છે. જ્યારે દરેક નેરો-બોડી પ્લેન માટે એક વિમાને 12 પાયલોટ્સને ગણનામાં લઈએ તો 4800 પાયલોટ્સની જરૂરિયાત રહેશે. નેરો-બોડી વિમાનમાં એરબસ એ320 અથવા બોઈંગ 737 મેક્સનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર્સનો પ્લેજ હિસ્સો વધી રૂ. 2.2 લાખ કરોડે પહોંચ્યો
બીએસઈ-500 જૂથ કંપનીઓના કુલ 1.61 ટકા હિસ્સો પ્લેજ કરાયો છે
ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘણા ભારતીય કોર્પોરેટ પ્રમોટર્સે તેના પ્લેજ હિસ્સામાં વૃદ્ધિ દર્શાવી હતી. વૈશ્વિક સ્તરે પોલિસિ ટાઈટનીંગ પાછળ બજારોમાં ઊંચી વોલેટેલિટીને કારણે આમ જોવા મળ્યું હોવાનું એક રિસર્ચ રિપોર્ટ જણાવે છે. અભ્યાસ મુજબ બીએસઈ-500 કંપનીઓમાં પ્રમોટર્સ તરફથી પ્લેજ હિસ્સો વધી 1.61 ટકા પર જોવા મળ્યો હતો. જે અગાઉના ક્વાર્ટરની આખરમાં 1.57 ટકા પર હતો. ડિસેમ્બરની આખરમાં પ્લેજ હિસ્સાનું મૂલ્ય રૂ. 2.2 લાખ કરોડ થતું હતું એમ અભ્યાસ સૂચવે છે. જે બીએસઈ-500 ઈન્ડેક્સના કુલ માર્કેટ-કેપિટલાઈઝેશનનું 0.83 ટકા જેટલું એમ-કેપ થવા જાય છે.
અગ્રણી બ્રોકરેજ હાઉસે હાથ ધરેલા સર્વે મુજબ જે કંપનીના પ્રમોટર્સે 90 ટકા કરતાં વધુ હિસ્સો પ્લેજ કર્યો છે તેમાં મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને થાયરોકેર ટેક્નોલોજિસનો સમાવેશ થાય છે. પ્રમોટર્સ તરફથી પ્લેજ કરવામાં આવ્યું હોય તેવી કંપનીઓમાં લોયડ્સ મેટલ્સ, હેપ્પીએસ્ટ માઈન્ડ્સ, વોખાર્ડ, ઈમામી અને અજંતા ફાર્માનો સમાવેશ થાય છે. આ કંપનીઓના પ્લેજ્ડ શેર્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટી-50માં સમાવિષ્ટ કંપનીઓમાં પ્રમોટર હિસ્સાના 5 ટકાથી વધુ પ્લેજ હિસ્સો ધરાવતી કંપનીઓમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, એપોલો હોસ્પિટલ્સ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થાય છે. ઈન્ડસઈન્ડ બેંકના પ્રમોટર્સે તેમની પાસે કંપનીના 16 ટકા હિસ્સાનો 45.5 ટકા હિસ્સો પ્લેજ કર્યો છે. જ્યારે એપોલો હોસ્પિટલ્સના પ્રમોટર્સે તેમના હિસ્સામાંથી 16.4 ટકા શેર્સ પ્લેજ કર્યાં છે. જેએસડબલ્યુ સ્ટીલ પ્રમોટર્સે 17.6 ટકા જેટલો જ્યારે એશિયન પેઈન્ટ્સ પ્રમોટરે 7.6 ટકા શેર્સ પ્લેજ કર્યાં છે.
BSE-500 જૂથની કંપનીઓના પ્લેજ શેર્સ
કંપની પ્રમોટર્સ હિસ્સાનું પ્લેજિંગ(ટકામાં)
મેક્સ ફાઈનાન્સિયલ 93
થાયરોકેર ટેક 92.9
સુઝલોન એનર્જી 80.8
જીએમઆર એરપોર્ટ્સ 67.2
સુંદરમ ક્લેયટોન 63.5
વોખાર્ડ 56.1
મેડપ્લસ હેલ્થ 50.5
કલ્પતરુ પાવર 48.8
ઈન્ડસઈન્ડ બેંક 45.5
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 39.2
MF AUMમાં SIPનો હિસ્સો 17 ટકાની વિક્રમી સપાટીએ
જાન્યુઆરીમાં મ્યુચ્યુલ ફંડ્સની કુલ એસેટ્સમાં એસઆઈપીનું એયૂએમ રૂ. 6.7 લાખ કરોડ પર જોવા મળ્યું
SIP એકાઉન્ટ્સની સંખ્યા 6.2 કરોડ પર પહોંચી
રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)માં સતત મજબૂત ઈનફ્લો જળવાયેલો રહેતાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગના કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM)માં સિપનો હિસ્સો વિક્રમી સ્તરે જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં એસઆઈપી ફંડ્સનું એયૂએમ રૂ. 6.7 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે ફંડ ઉદ્યોગના કુલ એયૂએમના 17 ટકાની વિક્રમી સપાટી પર જોવા મળતું હતું. સિપ એયૂએમના કુલ એયૂએમમાં હિસ્સાની લોંગ ટર્મ એવરેજ 11.5 ટકાની છે.
જોકે જાન્યુઆરીમાં એસઆઈપીનું કુલ એયૂએમ બે મહિના અગાઉ તેણે બનાવેલી સર્વોચ્ચ ટોચ કરતાં 1.7 ટકા નીચું જોવા મળ્યું હતું. દેશના શેરબજારોનું કુલ માર્કેટ-કેપ જાન્યુઆરી 2022ની ટોચ સામે 14 ટકા ઘટાડો દર્શાવે છે. જાન્યુઆરીમાં સિપ મારફતે રૂ. 13858 કરોડનો ફ્લો જોવા મળ્યો હતો. જે રૂ. 13 હજારથી વધુનો સિપ ઈનફ્લો દર્શાવનાર સતત પાંચમો મહિનો હતો. જાન્યુઆરીમાં પ્રથમવાર સિપ લિંક્ડ વાર્ષિક ફંડ ફ્લો રૂ. 1.5 લાખ કરોડનો આંક પાર કરી ગયો હતો. ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સના મતે સિપ એકાઉન્ટ્સનો 90 ટકા ઈનફ્લો ઈક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યો છે. મજબૂત સિપ ઈનફ્લોને કારણે વિદેશી રોકાણકારોની વેચવાલીને પચાવવામાં આઁશિક રાહત મળી છે. છેલ્લાં 12-મહિનાઓમાં એફપીઆઈએ ભારતીય શેરબજારમાં કુલ રૂ. 1.2 લાખ કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષોમાં સીપ એયૂએમ વાર્ષિક ધોરણે 26.6 ટકા વૃદ્ધિ દર્શાવે હતી. જ્યારે વાર્ષિક ધોરણે તેમાં 25.7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. તથા સિપ એકાઉન્ટ્સમાં માસિક ધોરણે 15.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કુલ મ્યુચ્યુલ ફંડ એયૂએમમાં સમાનગાળામાં વાર્ષિક 12.1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જાન્યુઆરીની આખરમાં કુલ સિપ એકાઉન્ટ્સ 6.2 કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યાં હતાં. જેમાં છેલ્લાં ત્રણ મહિનામાં નવા 20 લાખ એકાઉન્ટ્સનો ઉમેરો થયો હતો. જ્યારે લોંગ ટર્મ એવરેજ 12 લાખ એકાઉન્ટ્સની છે. જાન્યુઆરી 2023માં સિપ એકાઉન્ટ્સમાં સરેરાશ પ્રતિ એકાઉન્ટ રૂ. 2229નું સરેરાશ ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું હતું. અગાઉ સતત ત્રણ મહિના સુધી ઘટાડા બાદ સરેરાશ ઈન્વેસ્ટમન્ટમાં વૃદ્ધિ જોવા મળી છે. જેનું મુખ્ય કેટલાંક ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફથી રૂ. 500 પ્રતિ માસ જેટલું નાનું રોકાણ કારણભૂત છે.
વૈશ્વિક ગોલ્ડમાં અવિરત વેચવાલી ચાલુ
યુએસ ખાતે પ્રોડ્યુસર્સ પ્રાઈસ ઈન્ડેક્સ અપેક્ષાથી ઊંચો આવતાં ફેડની રેટ વૃદ્ધિનો ક્રમ યથાવત રહેવાની સંભાવના પાછળ યુએસ ડોલરમાં મજબૂતીએ ગોલ્ડમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. શુક્રવારે કોમેક્સ ગોલ્ડ 15 ડોલરથી વધુ ગગડી 1836 ડોલરની સપાટીએ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. સ્થાનિક બજારમાં પણ ગોલ્ડમાં અડધા ટકાથી વધુ નરમાઈ જોવા મળી રહી હતી. એમસીએક્સ ગોલ્ડવાયદો રૂ. 320ના ઘટાડે રૂ. 55910 આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 1000ના ઘટાડે રૂ. 64620 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. કિંમતી ધાતુઓ સાથે ક્રૂડમાં પણ 3 ટકાથી વધુ નરમાઈ જોવા મળી રહી હતી. બેઝ મેટલ્સ પણ નરમાઈ દર્શાવતાં હતાં.
FPIએ છ સત્રોમાં 87.6 કરોડ ડોલરની કરેલી ખરીદી
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ છેલ્લાં છ ટ્રેડિંગ સત્રોમાં ભારતીય શેરબજારમાં ચોખ્ખી ખરીદી દર્શાવી છે. તેમણે સ્થાનિક બજારમાં કુલ 87.6 કરોડ ડોલરની ખરીદી કરી છે. એટલેકે લગભગ રૂ. 5000 કરોડથી વધુનું રોકાણ દર્શાવ્યું છે. એનએસડીએલના ડેટા મુજબ વિદેશી સંસ્થાઓએ 6 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં પોઝીટીવ ટ્રેન્ડ જાળવ્યો છે. 16 ફેબ્રુઆરીએ પણ તેમણે રૂ. 19 કરોડ ડોલરની ખરીદ દર્શાવી હતી,. જોકે ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં તેઓ ચોખ્ખું વેચાણ દર્શાવી રહ્યાં છે. તેમણે કુલ 3.6 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચઈજીઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 104.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 114 કરોડના પ્રોફિટ સામે 7.8 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 597.3 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 11.2 ટકા ગગડી રૂ. 530.3 કરોડ પર રહી હતી.
એનએમડીસીઃ સરકારી ખનીજ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 912.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે એનાલિસ્ટ્સના રૂ. 890 કરોડના અંદાજથી સારો દેખાવ દર્શાવ્યો છે. કંપનીની આવક રૂ. 3809 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 3720 કરોડ પર જોવા મળી હતી.
એનબીસીસીઃ પીએસયૂ કન્સ્ટ્રક્શન કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 69.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 82.6 કરોડના નફાની સરખામણીમાં 16.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1995.5 કરોડ સામે 7 ટકા વધી રૂ. 2135.8 કરોડ પર જોવા મળી હતી.
સીઈએસઈઃ વીજ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 319 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 305 કરોડના નફાની સરખામણીમાં 5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3290 કરોડ સામે 6 ટકા ઘટી રૂ. 3129 કરોડ પર જોવા મળી હતી.
વોડાફોન આઈડિયાઃ ટેલિકોમ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 7990 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7,595.5 કરોડની ખોટની સરખામણીમાં લગભગ 4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બરમાં રૂ. 10615 કરોડની સરખામણીમાં 0.1 ટકા ગગડી રૂ. 10,620.6 કરોડ રહી હતી.
એસ્ટર ડીએમઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 139.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 148 કરોડના નફાની સરખામણીમાં 6 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2549.6 કરોડ સામે 21 ટકા વધી રૂ. 3192.1 કરોડ પર જોવા મળી હતી.
મેકલોડ રસેલઃ ટી સેક્ટરની કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 70.8 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43.6 કરોડની ખોટની સરખામણીમાં લગભગ 90 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બરમાં રૂ. 388.8 કરોડની સરખામણીમાં 26 ટકા ગગડી રૂ. 488.6 કરોડ રહી હતી.
જેપી એસોસિએટ્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 314.5 કરોડની ખોટ દર્શાવી છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 348.3 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1888.6 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 0.4 ટકા વધી રૂ. 1896.2 કરોડ પર રહી હતી.