શોર્ટ કવરિંગ પાછળ ઈન્વેસ્ટર્સને બીજા દિવસે રાહત
બે સત્રો બાદ નિફ્ટી 17 હજાર પર પરત ફર્યો
વૈશ્વિક બજારોમાં પણ સાર્વત્રિક મજબૂતી જોવાઈ
બેંકિંગ શેર્સમાં નીચા મથાળે ખરીદી જોવા મળી
વોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ગગડી 14.76ના સ્તરે
રિઅલ્ટી, મેટલ, એનર્જીમાં મજબૂતી
ફાર્મા, ઓટો, એફએમસીજીમાં નરમાઈ
રિલાયન્સમાં આગળ વધતો ઘટાડો
કેપીઆઈટી ટેક, ગોદરેજ કન્ઝ્યૂમર નવી ટોચે
બાયોકોન, ઈમામી નવા તળિયે
વૈશ્વિક શેરબજારોમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં બીજા દિવસે સુધારો જળવાયો હતો. બે બાજુની તીવ્ર ઈન્ટ્રા-ડે વધ-ઘટ વચ્ચે બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 355 પોઈન્ટ્સ મજબૂતી સાથે 57,989.90ની સપાટીએ જ્યારે નિફ્ટી 114 પોઈન્ટ્સ સુધરી 17,100.05ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદીને પગલે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમા સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 અગાઉના બંધની સરખામણીમાં સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 13 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ટ્રેન્ડ પોઝીટીવ જોવાયો હતો. બીએસઈ ખાતે કુલ 3634 કાઉન્ટર્સમાંથી 2063 પોઝીટવ જળવાયા હતાં. જ્યારે 1443 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 234 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 64 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. 175 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 163 કાઉન્ટર્સ સેલર સર્કિટમાં જોવા મળતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 9 ટકા ગગડી 14.76ની સપાટીએ બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં માર્કેટે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે છેલ્લાં ઘણા સત્રોની માફક જ વેચવાલી પાછળ ગગડ્યો હતો અને મધ્યાંતર સુધી નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ત્યારબાદ બજારમાં ઝડપી શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને તે ઈન્ટ્રા-ડે ટોચ નજીક પહોંચ્યો હતો. નિફ્ટી 17100ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 89 પોઈન્ટ્સના પ્રિમીયમે બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 84 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ધિ દર્શાવે છે. જેને બજારમાં લોંગ પોઝીશનમાં ઉમેરા તરીકે જોઈ શકાય છે. આમ સોમવારે માર્કેટ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે માર્કેટ એક દિશામાં મૂવમેન્ટ આપે તેવી શક્યતાં ઓછી છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17250નો અવરોધ છે. જે પાર થતાં વધુ સુધારો શક્ય છે. જોકે આ માટે વૈશ્વિક બજારો તરફથી સપોર્ટ મળવો જરૂરી છે. નીચે 16850નો સપોર્ટ છે. જે તૂટે તો 17700-17600ની રેંજ જોવા મળી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ટોચના કાઉન્ટર્સમાં એચસીએલ ટેક્નોલોજી, હિંદાલ્કો, યૂપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, કોટક મહિન્દ્રા બેંક, તાતા કન્ઝ્યૂમર પ્રોડ્ટ્સ, ગ્રાસિમ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે આઈશર મોટર્સ, આઈટીસી, એનટીપીસી, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લા, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, હીરો મોટોકોર્પમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી, મેટલ, આઈટી, બેંકિગ, એનર્જીમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે ફાર્મા, ઓટો, એફએમસીજીમાં નરમાઈ જણાતી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.4 ટકા ઉછળ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન આપનાર કાઉન્ટર્સમાં સેઈલ 4 ટકા, વેદાંત 3.5 ટકા, જિંદાલ સ્ટીલ 3.3 ટકા, હિંદાલ્કો 3 ટકા, હિંદુસ્તાન ઝીંક 2.3 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ 2.11 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.2 ટકા સુધર્યો હતો. જેમાં એચસીએલ ટેક, એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા પોઝીટીવ જોવા મળતાં હતાં. જોકે ટીસીએસ અને એમ્ફેસિસ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સોભા, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટીનું હતું. નિફ્ટી બેંક પણ 1.2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, એચડીએફસી બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસબીઆઈ અને ફેડરલ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જોકે પીએનબી અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.5 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર મુખ્ય હતાં. જોકે ભારત ફોર્જ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા મોટર્સ સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.6 ટકા ગગડ્યો હતો. જેમાં બાયોકોનમાં 9 ટકા ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત લ્યુપિન, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મા પણ ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નવું વાર્ષિક લો બનાવ્યું હતું. અદાણી ગ્રીન એનર્જી 5 ટકા અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. જોકે એનટીપીસી, પાવર ગ્રીડ, એચપીસીએલ અને આઈઓસીમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ડીએલએફ 4.22 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય સેઈલ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ઈન્ટીલેક્ટ ડિઝાઈન, વેદાંત, એચસીએલ ટેક પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, બાયોકોન 9 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત એમએન્ડએમ ફાઈનાન્સિયલ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ડિયા સિમેન્ટ્, ડો. લાલ પેથલેબ્સ, આઈશર મોટર્સ, ટોરેન્ટ પાવર, બર્ગર પેઈન્ટ્સ, ઈન્ડસ ટાવર્સ, આઈટીસી અને એનટીપીસી નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં કેપીઆઈટી ટેક્નોલોજી, એનસીસી અને ગોદરેજ કન્ઝ્યૂમરનો સમાવેશ થાય છે. જ્યારે બાયોકોન, આવાસ ફાઈનાન્સિયર, આરતી ડ્રગ્ઝ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, પોલીપ્લેક્સ કોર્પે વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.
રશિયા ખાતેથી ખાતરની આયાત ત્રણ-વર્ષોની ટોચે
ભારતે ચાલુ નાણા વર્ષે રશિયા ખાતેથી છેલ્લાં ત્રણ વર્ષોમાં સૌથી વધુ ફર્ટિલાઈઝરની આયાત દર્શાવી છે. જેમાં યૂરિયા, ડીએપીનો સમાવેશ થાય છે એમ સંસદમાં રજૂ કરવામાં આવેલો ડેટા જણાવે છે. રશિયા-યૂક્રેન યુધ્ધ વચ્ચે પણ રશિયા ખાતેથી આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે. ફેબ્રુઆરીમાં રશિયા ખાતેથી યૂરિયાની આયાત ગયા વર્ષની સરખામણીમાં બમણી થઈ છે એમ રાજ્ય કક્ષાના ફર્ટિલાઈઝર્સ પ્રધાન ભગવંત ખૂબાએ લોકસભામાં એક લેખિત પ્રતિભાવમાં જણાવ્યું હતું. એપ્રિલ 2022થી ફેબ્રુઆરી સુધીમાં કુલ 34.19 લાખ ટનની કુલ આયાતમાંથી માત્ર 6.26 લાખ ટન યુરિયાની આયાત ફેબ્રુઆરીમાં જ જોવા મળી હતી. જે ગયા સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 2.80 લાખ ટન પર હતી. યૂરિયા ઉપરાંત રશિયા ખાતેથી ડાય-એમોનિયમ ફોસ્ફેટ(ડીએપી), મુરિયેટ ઓફ પોટાશ(એમઓપી) અને એનપીકેની આયાતમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલથી ફેબ્રુઆરીમાં ડીએપીની આયાત 7.65 લાખ ટન પર જોવા મળી હતી. જ્યારે એમઓપીની આયાત 0.43 લાખ ટન અને એનપીકેની આયાત 19.85 લાખ ટન પર જળવાય હતી. 2021-22માં રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની કુલ આયાત 19.15 લાખ ટન રહી હતી. જે 2020-21માં 19.15 લાખ ટન અને 2019-20માં 11.91 લાખ ટન પર હતી. યુરિયા અને ડીએપી દેશમાં બે સૌથી વધુ વપરાતાં ખાતર છે. પ્રધાને જણાવ્યું હતું કે સરકારે દેશમાં યુરિયાના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે ઘણા ઉપાયો હાથ ધર્યાં છે. જેમાં નવી ઈન્વેસ્ટમેન્ટ પોલિસી હેઠળ છ નવા યુરિયા યુનિટ્સની સ્થાપના કરવામાં આવી છે.
TCS, ઈન્ફોસિસનું યુએસની પ્રાદેશિક બેંક્સમાં સૌથી ઊંચુ એક્સપોઝરઃ જેપી મોર્ગન
દેશની ટોચની આઈટી સર્વિસિઝ કંપનીઓ ટીસીએસ અને ઈન્ફોસિસ હાલમાં તકલીફમાં મૂકાયેલી યુએસની પ્રાદેશિક બેંકોમાં સૌથી ઊંચું એક્સપોઝર ધરાવે છે એમ જેપી મોર્ગનના એનાલિસ્ટ્સનું કહેવું છે. યુએસ સ્થિત પ્રાદેશિક બેંકો તેમની આવકનો 2-3 ટકા હિસ્સો ધરાવે છે એમ તેમણે નોંધ્યું છે. તેમના મતે તાજેતરમાં જેનું પતન થયું હતું તે સિલિકોન વેલી બેંકમાં ટીસીએસ, ઈન્ફોસિસ અને તેમના કરતાં નાની એવી એલટીઆઈમાઈન્ડટ્રી 10-20 બેસીસ પોઈન્ટ્સનું એક્સપોઝર ધરાવતી હોય શકે છે. જેમાં તાતા જૂથની કંપનીનું એક્સપોઝર સૌથી ઊંચું હોય શકે છે. આ ત્રણેય કંપનીઓએ એસવીબીમાં તેમના એક્સપોઝર પાછળ ચોથા ક્વાર્ટરના પરિણામોમાં પ્રોવિઝન કરવાનું બનશે એમ નોટમાં જણાવ્યું છે. એસવીબી, સિગ્નેચર બેંકના પતન અને સમગ્ર યુએસ અને યુરોપમાં જોવા મળી રહેલી લિક્વિડીટીને લઈને ચિંતાને કારણે બેંક્સ તરફથી ટૂંકાગાળામાં ટેક્નોલોજીના ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે એમ જેપી મોર્ગને નોંધ્યું છે અને તેઓએ બેંકિંગને લઈ અન્ડરવેઈટ રેટિંગ આપ્યું છે. ભારતમાં આઈટી ઉદ્યોગ યુએસ અને યુરોપ જેવા તેના મુખ્ય બજારોમાં મેક્રોઈકોનોમિક માહોલને લઈને પડકારોનો સામનો કરી જ રહ્યાં છે. તેમાં બેંકિંગ કટોકટી નવા ડિલ્સમાં વિલંબનું કામ કરી શકે છે. જે આગામી બે ક્વાર્ટર્સમાં રેવન્યૂ કન્વર્ઝન્સ પર અસર કરી શકે છે. તે નવા ઓર્ડર્સના ક્લોઝરને પાછુ ઠેલું શકે છે. જે આગામી ચાર ક્વાર્ટર્સમાં આવક પર પ્રતિકૂળ અસર ઊપજાવે એમ જેપી મોર્ગનનું માનવું છે.
અર્શદ વારસી કેસમાં સેબીના આદેશ પર ચૂકાદો અનામત રાખતી સેટ
માર્કેટ રેગ્યુલેટરે એક્ટર અને તેના પત્ની પર સાધના બ્રોડકાસ્ટના શેરમાં મેનિપ્યુલેશનને કારણે પ્રતિબંધ ફરમાવ્યો હતો
સાધના બ્રોડકાસ્ટના શેરમાં ગેરરિતી આચરવા બદલ અર્શદ વારસી અને અન્યોએ માર્કેટ રેગ્યુલેટર્સ સેબીના વચગાળાના આદેશ વિરુધ્ધ સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)માં કરેલી અપીલ સામે સેટે તેનો ચૂકાદો અનામત રાખ્યો છે. 2-માર્ચે સેબીએ એક્સ-પાર્ટી ઓર્ડરમાં 31 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમણે માઈક્રો-કેપ કંપની સાધના બ્રોડકાસ્ટના શેરને લઈને યુટ્યુબ ચેનલ્સ મારફતે ભલામણો કરી કહેવાતી ગેરરિતી આચરી હતી. સેબીએ આદેશ મુજબ ખોટી માહિતીનો પ્રસાર કરી ‘પંપ-એન્ડ-ડંપ’ સ્કિમ હેઠળ કંપનીના શેર્સમાં ગેરરિતી આચરાઈ હતી. તેણે આદેશમાં પ્રમોટર્સ, યુટ્યુબ ચેનલ ઓપરેટર્સ અને વારસી દંપતી સહિત અન્યોના નામોનો ઉલ્લેખ કર્યો હતો.
સેબીએ વારસી અને તેની પત્નિ મારિયા ગોરેટ્ટી વારસીને વોલ્યુમ ઊભા કરનાર તરીકે ગણાવ્યાં હતાં. તેમજ બંનેએ અનુક્રમે રૂ. 29.43 લાખ અને રૂ. 37.56 લાખનો નફો ઘરભેગો કર્યો હોવાનું જણાવ્યું હતું. રેગ્યુલેટરે તેના ટેલેન્ટ મેનેજર આહૂતિ રસિક મિસ્ત્રીનું પણ વોલ્યુમ ક્રિએટર તરીકે નામ લીધું હતું. જોકે તેણીએ કોઈ નફો રળ્યો નહોતો. વારસીના વકિલે આક્ષેપોને ફગાવતાં જણાવ્યું હતું કે તેમણે એકપણ યુટ્યુબ વિડિયોમાં દેખા દીધી નહોતી કે તેનું પ્રમોશન પણ નથી કર્યું. જોકે તમણે યુટ્યુબ ચેનલ ઓપરેટર મનિષ મિશ્રા સાથેના જોડાણને માન્ય રાખ્યું હતું. વકીલે વારસી પરિવારના બેંક એકાઉન્ટ્સના ફ્રિઝિંગને દૂર કરવા માટેની વિનંતી પણ કરી હતી. સેબીએ તેના નિર્દેશમાં તેની મંજૂરી વિના કોઈપણ પ્રકારના નાણા ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ તેની દલીલમાં જણાવ્યું હતું કે અરજદારો એ કંપનીનોનો ભાગ હતાં, જેમણે વિડિયો જાહેર થયા પહેલા શેર્સની ખરીદી કરી હતી અને તેથી તેઓ વોલ્યુમ ક્રિએટર્સ તરીકે ભાગીદાર હતાં. માર્કેટ રેગ્યુલેટરે પ્લેયર્સને તેમણે ગેરકાયદે હાથ ધરેલો લાભ પરત કરવા જણાવ્યો હતો. સેબીએ ગયા વર્ષે 27 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન આ કેસની તપાસ હાથ ધરી હતી.
ચીન સાથે બિઝનેસ ધરાવતી ભારતીય કંપનીઓના શેરના ભાવ પર બૈજીંગની ચાંપતી નજર
ચાઈનીઝ માર્કેટ રેગ્યુલેટર્સ ભારતમાં લિસ્ટેડ કંપનીઓના વધુ પડતાં વેલ્યૂએશનનું મોનીટરીંગ કરી રહ્યાં છે
ચીનના નાણાકિય બજાર રેગ્યુલેટર્સ એશિયામાં ચાઈનીઝ મૂળની કંપનીઓ સાથે બિઝનેસ જોડાણ ધરાવતી ભારતમાં લિસ્ટેડ કંપનીઓના ઓવર વેલ્યૂએશન પર ચાંપતી નજર નાખી રહ્યો છે. તાજેતરમાં બંને દેશોની બે કંપનીઓ વચ્ચે વિવાદ નિવારણ બાદ તે આમ કરી રહ્યો હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે.
વર્તુળો આ માટે સિંગાપુર ઈન્ટરનેશનલ કમર્સિયલ કોર્ટ(એસઆઈસીસી)ના ચૂકાદાનો ઉલ્લેખ કરે છે. જેમાં ભારત સ્થિત કિરી ઈન્ડસ્ટ્રીઝ અને ચીનની સૌથી મોટી ડાય ઉત્પાદકની પેટા કંપની ડાયસ્ટાર ગ્લોબલ હોલ્ડિંગ્સ સંડોવાયેલા છે. હોંગ કોંગ સ્થિત વર્તુળોના જણાવ્યા મુજબ ડાયસ્ટાર તરફથી 60.38 કરોડ ડોલરમાં કિરી પાસે રહેલા તેના હિસ્સાની ખરીદીની કિરીની આશા પૂર્ણ થવાની શક્યતાં ધૂંધળી છે. વર્તુળોના જણાવ્યા મુજબ ડીલ હેઠળ ડાયસ્ટારમાં કિરીના 37.57 ટકા હિસ્સાનું 60.38 કરોડ ડોલરે વેલ્યૂએશન કરવામાં આવ્યું હતું. જોકે આવા તગડાં ફંડ આઉટફ્લો માટે ચાઈનીઝ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળવી અશક્ય છે. કેમકે બૈજિંગ સ્થિત રેગ્યુલેટર્સના મતે ભારતીય કંપનીના હિસ્સાનું મૂલ્ય સટ્ટાકિય સંડોવણીને કારણે ખૂબ ઊંચું છે. બૈજિંગ સાથે જોડાયેલી એવી હોંગ કોંગ સ્થિત સેન્ડા ઈન્ટરનેશનલ કેપિટલ ડાયસ્ટારમાં કિરીના હિસ્સાની ખરીદી કરે તેવી શક્યતાં છે એમ વર્તુળો જણાવે છે. વર્તુળોના મતે સેંડા પાસે તેની બેલેન્સ શીટ પર 6.5 કરોડથી વધુ રકમ નથી. જ્યાં સુધી કંપનીની પેરન્ટ કંપની ઝેઝીઆંગ લોંગશેંગ ગ્રૂપ તરફથી કોર્પોરેટ ગેરંટી પૂરી પાડવામાં આવે નહિ ત્યાં સુધી સેંડાના 60 કરોડ ડોલરથી વધુના ડીલને કોઈ બેંકર્સ તરફથી ફંડ મળવાની શક્યતાં નથી. ઝેઝીઆંગ લોંગશેંગ ગ્રૂપ શાંઘાઈ ખાતે લિસ્ટીંગ ધરાવે છે અને વિશ્વની 20 ટકા ટેક્સટાઈલ કંપનીઓને ડાય સપ્લાય કરે છે. વર્તુળોના મતે કિરીના હિસ્સાની ખરીદી માટે જે બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેઓ સેંડાના એક્વિઝીશન માટે ફંડ આપવા તૈયાર નહોતાં. 2010માં સેંડાએ કિરીના ડાયસ્ટારમાં શરૂઆતી એક્વિઝીશનને ઉગારવા માટે અતિ જરૂર ફંડ પૂરું પાડ્યું હતું.
તાતા કન્ઝ્યૂમરે રૂ. 7000 કરોડમાં બિસલેરીની ખરીદી પડતી મૂકી
તાતા જૂથની તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સે(ટીસીપીએલ) બિસલેરી ઈન્ટરનેશનલની ખરીદી માટેની ચર્ચા-વિચારણાને પડતી મૂકી હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. તેણે ઉમેર્યું છે કે કંપની આ મુદ્દે કોઈપણ પ્રકારના બંધન ધરાવતાં કરારમાં નથી પ્રવેશી. ગયા વર્ષે નવેમ્બરમાં બિસલેરી બ્રાન્ડમા માલિક રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ ટીસીપીએલ સાથે બિસલેરીમાં રૂ. 6000-7000 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદવાની વિચારણા કરી રહ્યાં છે. તેમણે આ સોદા 7-8 મહિનામાં પૂરો થશે એવી અપેક્ષા પણ દર્શાવી હતી. મૂળે ઈટાલીયન કંપની ફેલિસ બિસલેરીએ બિસલેરીની સ્થાપના કરી હતી. તેણે 1965માં મુંબઈ ખાતે પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર બ્રાન્ડ સાથે પ્રવેશ કર્યો હતો. ચાર વર્ષ પછી રમેશ ચૌહાણ અને તેમના ભાઈઓએ તેની રૂ. 4 લાખ કરોડમાં ખરીદી કરી હતી. 2021-22માં કંપનીએ રૂ. 12425 કરોડની આવક મેળવી હતી. કંપની 2022-23માં રૂ. 200 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવે તેવી શક્યતાં છે.
HDFC અને HDFC બેંકના મર્જરને NCLT તરફથી મંજૂરી
મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસી લિમિટેડના એચડીએફસી બેંકમાં મર્જર પર મંજૂરીની મહોર મારી દીધી છે. જેણે ભારતમાં સૌથી મોટા ફાઈનાન્સિયલ પ્લેયરની રચના માટેનો માર્ગ મોકળો કર્યો છે. સંયુક્ત કંપની રૂ. 14 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી હશે. જે તેના બીજા ક્રમના હરિફ કરતાં બમણાથી પણ મોટું કદ ધરાવતી હશે. અગાઉ મર્જરને સેબી, સીસીઆઈ, બંને કંપનીઓના શેરધારકો તરફથી મંજૂરી મળી ચૂકી છે. ઉપરાંત આરબીઆઈ અને બંને સ્ટોક એક્સચેન્જિસે પણ મર્જરને મંજૂરી આપી દીધી છે. એપ્રિલ 2022માં મર્જરની જાહેરાત કરવામાં આવી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચએએલઃ ડિફેન્સ એક્વિઝીશન કાઉન્સિલે ભારતીય સૈન્ય અને કોસ્ટ ગાર્ડ માટે રૂ. 70,500 કરોડના શસ્ત્રો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાંથી રૂ. 32000 કરોડનો ઓર્ડર હિંદુસ્તાન એરોનોટીક્સને ફાળે જશે. જેની પાછળ કંપનીના શેરમાં ઉછાળો જોવાયો હતો. છેલ્લાં પખવાડિયામાં કંપનીએ સરકાર તરફથી ત્રણ મોટા ઓર્ડર્સ મેળવ્યાં છે.
પિરામલ કેપિટલઃ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સે દિવાન હાઉસિંગ એન્ડ ફાઈનાન્સ પાસેથી મળેલા તેના રૂ. 5546 કરોડના બેડ લોન પોર્ટફોલિયોનું જેએમ ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. સ્વીસ ચેલેન્જ ઓક્શનમાં કંપની કાઉન્ટ ઓફર મેળવવામાં નિષ્ફળ જતાં તેણે આમ નક્કી કર્યું છ. જેએમ ફાઈનાન્સિયલ એઆરસીએ આ પોર્ટફોલિયો માટે રૂ. 2550 કરોડની ઓફર કરી છે. જે 46 ટકા રિકવરી રેટ સૂચવે છે.
ગેઈલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપનીએ શેલ એનર્જી ઈન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યો છે. કંપનીએ એનર્જી વેલ્યૂ ચેઈન ક્ષેત્રે રહેલી વિવિધ તકોની શોધ માટે આ કરાર કર્યો છે. જે ગેઈલને દેશમાં વેલ્યૂ એડિશનમાં ઉપયોગી બની શકે છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ સ્ટીલ કંપની ઝારખંડમાં વર્જિન કોકિંગ કોલ માઈનમાં વિકાસમાં રૂ. 2000 કરોડના રોકાણનું આયોજન કરી રહી છે. કંપનીને આ માઈન માટે સૌથી મોટા બીડર તરીકે જાહેર કરવામાં આવી છે. કંપની આગામી 2-3 વર્ષોમાં આ માઈનને કાર્યાન્વિત કરવાની અપેક્ષા રાખી રહી છે.
એનટીપીસીઃ સરકારી વીજ ઉત્પાદક કંપનીની ગ્રીન એનર્જી પાંખમાં હિસ્સો ખરીદવા માટે મલેશિયાની પેટ્રોનાસે ઓફર કરી હોવાનું જાણવા મળે છે. મલેશિયન કંપનીએ એનટીપીસીની સબસિડિયરીમાં 20 ટકા હિસ્સા માટે રૂ. 3800 કરોડની ઓફર કરી છે.
ટીસીએસઃ દેશમાં સૌથી મોટી આઈટી સર્વિસિઝ કંપનીના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથે આશ્ચર્યજનક ઘટનામાં રાજીનામું આપ્યું છે. કંપનીના નવા સીઈઓ તરીકે ક્રિતી ક્રિતીવાસનને હવાલો સોંપવામાં આવ્યો છે. જેઓ 34-વર્ષોથી કંપની સાથે જોડાયેલાં છે. સીઈઓ બન્યાં અગાઉ તેઓ ગ્લોબલ બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીઝ એન્ડ ઈન્શ્યોરન્સ બિઝનેસના ગ્રૂપ હેડની જવાબદારી સંભાળતાં હતાં.
ડો. રેડ્ડીઝ લેબ્સઃ અગ્રણી ફાર્મા કંપનીએ તેની નવ કોસ્મેટીક ડર્મેટોલોજી બ્રાન્ડ્સનું એરિસ લાઈફસાયન્સિઝને વેચાણ કર્યું છે. કંપનીએ રૂ. 275 કરોડમાં આ વેચાણ કર્યું છે. કંપનીની આ બ્રાન્ડ્સ 2021-22માં રૂ. 60 કરોડનું વાર્ષિક વેચાણ ધરાવતી હતી.
ગ્લેનમાર્ક લાઈફઃ કંપનીએ પ્રતિ શેર રૂ. 21નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જેની પાછળ પેરન્ટ કંપનીના શેરમાં શુક્રવારે મજબૂતી જોવા મળી હતી.
વોલ્ટાસઃ એન્જીનીયરીંગ કંપનીની પેટાકંપનીએ રૂ. 1770 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ પાવર ડિસ્ટ્રીબ્યુશન અને સોલાર પ્રોજેક્ટ્સના ઈન્સ્ટોલેશન માટે આ ઓર્ડર મેળવ્યો છે.
સ્ટીલ કંપનીઝઃ કેન્દ્રીય સ્ટીલ મંત્રાલયે પ્રોડક્શન લીંક્ડ ઈન્સેન્ટિવ્સ સ્કિમ હેઠળ 27 સ્ટીલ ઉત્પાદકો સાથએ 57 એમઓયૂ સાઈન કર્યું છે. જે હેઠળ ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર નવું રોકાણ જોવા મળશે.