બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક નરમાઈ વચ્ચે સ્થાનિક શેરબજારમાં સ્થિરતા
બેન્ચમાર્ક્સ સાંકડી ટ્રેડિંગ રેંજ દર્શાવી પોઝીટીવ બંધ
ઈન્ડિયા વિક્સ 1 ટકો મજબૂતી સાથે 12.12ના સ્તરે
એનર્જી, પીએસઈ, આઈટી, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ
કોચીન શીપયાર્ડ 17 ટકા ઉછળ્યો
એસ્કોર્ટ્સ, લ્યુપિન નવી ટોચે
ઈઝી ટ્રીપ,વેદાંત નવા તળિયે
બુધવારે વિશ્વભરમાં મોટાભાગના શેરબજારોમાં નોંધપાત્ર નરમાઈ વચ્ચે ભારતીય બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 137.50 પોઈન્ટ્સ સુધરી 6,5539.42ની સપાટીએ જ્યારે નિફ્ટી 30.45 પોઈન્ટ્સના સુધારે 19,465.00ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી વચ્ચે બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3757 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1847 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1784 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 212 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 44 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 7 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકો મજબૂતી સાથે 12.12ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19434.55ના બંધ ભાવ સામે 19,369 પર ખૂલી શરૂઆતી દોરમાં નરમાઈ દર્શાવતો રહ્યો હતો. જોકે, પાછળથી તેણે ધીમો સુધારો જાળવ્યો હતો અને 19,482.75ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી તેની નજીક જ બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર માત્ર એક પોઈન્ટ પ્રિમિયમ સાથે 19466 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 37 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે તીવ્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ એવો કરી શકાય કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઘટાડો જોવા મળ્યો છે. જે બજારમાં વધુ સુધારાની શક્યતાં ઓછી હોવાનું દર્શાવે છે. જોકે, માર્કેટ 19300ના સપોર્ટથી પરત ફરતું જોવા મળ્યું છે અને તેથી હાલમાં તે બેઝ બનાવવાની પ્રક્રિયામાં જણાય છે. ઉપરમાં 19600ની સપાટી એક અવરોધ બની શકે છે. આમ બેન્ચમાર્ક્સમાં રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં સટ્ટો જળવાય રહે તેવું અનુમાન છે. કેમકે જુલાઈ અને ઓગસ્ટમાં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક્સ ફ્લેટ રહ્યાં છે ત્યારે અનેક મીડ અને સ્મોલ-કેપ્સે નોંધપાત્ર રિટર્ન આપ્યું છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં એપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, તાતા મોટર્સ, ઈન્ફોસિસ, એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન, મારુતિ સુઝુકી, વિપ્રો, સન ફાર્મા અને એસબીઆઈનો સમાવેશ થાય છે. બીજી બાજુ, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, હિંદાલ્કો, એચડીએફસી લાઈફ, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો એનર્જી, પીએસઈ, આઈટી, ઓટો, રિઅલ્ટી મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.6 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એનટીપીસી, તાતા પાવર, પાવર ગ્રીડ, ગેઈલ, આઈઓસી, ઓએનજીસી, બીપીસીએલ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી પણ 0.6 ટકા સાથે 31 હજારની સપાટી પર ટકી ગયો હતો. જેના ઘટકોમાં ઈન્ફોસિસ, વિપ્રો, એલએન્ડટી ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ અને ટેક મહિન્દ્રા મજબૂત જોવા મળતાં હતાં. નિફ્ટી ઓટો પણ 0.6 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં તાતા મોટર્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, સોના બીએલડબલ્યુ, બોશ, એમઆરએફમાં મજબૂતી જોવા મળી હતી. પીએસયૂ બેંક શેર્સમાં પણ નોઁધપાત્ર ખરીદી નીકળી હતી. જેમાં આઈઓબી 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, જેકે બેંક, યુનિયન બેંકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જોકે, પ્રાઈવેટ બેંકિંગ એકમાત્ર નરમાઈ દર્શાવતું હતું. જેને કારણે બેંક નિફ્ટી નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. તેના મુખ્ય ઘટકોમાં બંધન બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક બેંકમાં ઘટાડો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 5.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એસ્કોર્ટ્સ કુબોટા, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, લ્યુપિન, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એપોલો હોસ્પિટલ, ઝાયડસ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી એએમસી, પોલીકેબ, ડિક્સોન ટેક્નોલોજી, એનટીપીસી, તાતા મોટર્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, હિંદ કોપર, સીજી કન્ઝ્યૂમર, ઈન્ડસ ટાવર્સ, કોફોર્જ, ઈન્ટરગ્લોબ એવિએશન, વોડાફોન, સેઈલ, આરબીએલ બેંક, એમ્ફેસિસ, જિંદાલ સ્ટીલ, મૂથૂત ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં કોચીન શીપયાર્ડ, કલ્યાણ જ્વેલર્સ, જેએસડબલ્યુ એનર્જી, યુનો મિંડા, એસ્કોર્ટ્સ કુબોટા, અપાર ઈન્ડસ્ટ્રીઝ, લ્યુપિન, ઓરેકલ ફાઈ., વરુણ બેવરેજીસ, ઓઈલ ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. પીએસયૂ કંપની કોચીન શીપયાર્ડનો શેર 17 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઈઝી ટ્રીપ,વેદાંત નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
ભારતની માથાદિઠ આવક 2047 સુધીમાં સાત ગણી વધશેઃ SBI રિસર્ચ
દેશની માથાદિઠ આવક વર્તમાન 2500 ડોલર પરથી 12,400 ડોલર થવાની અપેક્ષા
ઈન્કમ-ટેક્સ ફાઈલીંગ પરથી મળતાં અંદાજ મુજબ ભારતીયોની માથાદિઠ આવક 2022-23ના રૂ. 2 લાખ પરથી 2046-47માં રૂ. 14.9 લાખ પર પહોંચશે એમ એસબીઆઈ રિસર્ચનો અભ્યાસ જણાવે છે. ડોલર સંદર્ભમાં જોઈએ તો ભારતની માથાદિઠ આવક ગયા નાણા વર્ષના 2500 ડોલર પરથી વધી 12,400 ડોલર પર નોંધાશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષના જણાવ્યા મુજબ 2013-14માં વેઈટેડ સરેરાશ ઈન્કમ રૂ. 4.4 લાખ પર હતી. જે 2022-23માં વધી રૂ. 13 લાખ પર પહોંચી હતી. ટેક્સ-ફાઈલર્સની સંખ્યામાં વૃદ્ધિએ આ સુધારાને વેગ આપ્યો છે. ઘોષના જણાવ્યા મુજબ દેશમાં મીડલ ક્લાસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ વર્ગ ભરપૂર આશાઓ ધરાવે છે. ઔપચારિક થવા તરફ જઈ રહેલા અર્થતંત્રમાં ઊભી થઈ રહેલી તકોને ઝડપવા માટે તૈયાર છે. 2046-47 સુધીમાં દેશની વસ્તી વધીને 160 કરોડે પહોંચવાની અપેક્ષા છે. જે હાલમાં 140 કરોડ આસપાસ છે. જેને ધ્યાનમાં રાખતાં દેશમાં કામ કરનારાઓની સંખ્યા 2022-23માં 53 કરોડ પરથી વધુ 2046-47માં 72.5 કરોડે પહોંચશે. આનો અર્થ એ થાય છે તે દેશની કુલ વસ્તીમાં વર્કફોર્સનું પ્રમાણ 2022-23ના 37.9 ટકા પરથી વધી 2046-47માં 45 ટકા પર પહોંચશે. એસબીઆઈ રિસર્ચના જણાવ્યા મુજબ ટેક્સ ચૂકવતાં વર્કફોર્સની સંખ્યા પણ 2046-47માં વધીને 56.5 કરોડ પર પહોંચશે. જે 2022-23માં 31.3 કરોડ પર હતી. ઈન્કમ-ટેક્સ ફાઈલર્સની સંખ્યા પણ 2022-23ના 7 કરોડ પરથી વધી 2046-47માં 48.2 કરોડે પહોંચે તેવી અપેક્ષા અભ્યાસ રાખી રહ્યો છે.
ફિચે જેપી મોર્ગન સહિતની બેંક્સના રેટિંગ ડાઉનગ્રેડની ચેતવણી આપી
જૂનમાં રેટિંગ એજન્સીએ અનેક યુએસ બેંક્સના રેટિંગને એએ પરથી ઘટાડી એએ- કર્યું હતું
ટોચની રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સના એનાલિસ્ટે જેપી મોર્ગન ચેસ સહિતની યુએસ બેંક્સના રેટિંગમાં ઘટાડાની ચેતવણી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે એકવાર ઉદ્યોગ ક્ષેત્રના કામકાજી માહોલના મૂલ્યાંકન પછી જરૂર પડશે તો તે રેટિંગ ડાઉનગ્રેડ કરશે એમ એક અહેવાલ નોંધે છે.
ગયા જૂનમાં ફિચે યુએસ બેંકિંગ ઉદ્યોગમાં સંખ્યાબંધ બેંક્સના રેટિંગને એએ પરથી ઘટાડી એએ- કર્યું હતું. તેણે દેશના ક્રેડિટ રેટિંગ પર દબાણનું કારણ આપી આમ કર્યું હતું. આ ઉપરાંત રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં ઊણપો અને ઈન્ટરેસ્ટ વૃદ્ધિને લઈને જોવા મળતી અનિશ્ચિતતાનું પણ કારણ આપ્યું હતું. એક તબક્કા નીચેનું રેટિંગ ડાઉનગ્રેડ પણ ફિચને 70થી વધુ યુએસ બેંક્સ માટે તેના રેટિંગના ફરીથી મૂલ્યાંકન માટે દબાણ ઊભું કરશે. ચાલુ મહિનાની શરૂમાં ફિચના હરિફ મૂડીઝે યુએસ સ્થિત 10 મધ્યમ-કદની બેંક્સના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું હતું અને કેટલીક વધુ બેંક્સના રેટિંગને ઘટાડવાની ચેતવણી આપી હતી. ગયા માર્ચ મહિનામાં યુએસ ખાતે પ્રાદેશિક બેંકિંગ સેક્ટરમાં કટોકટી જોવા મળી હતી. ત્રણ જેટલી બેંક્સે ઉઠમણું કર્યું હતું.
એપલના સપ્લાયર ફોક્સકોને આઈફોન 15નું ઉત્પાદન શરૂ કર્યું
એપલ ઈન્કના નેક્સ્ટ-જનરેશન આઈફોન 15નું તમિલનાડુ ખાતે ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. જે ભારતીય ઓપેરેશન્સ અને ચીનમાં કંપનીના મેન્યૂફેક્ચરિંગ બેઝ વચ્ચેના ગેપને વધુ સાંકડો કરશે. તાઈવાનના ફોક્સકોન ટેક્નોલોજી જૂથે શ્રીપેરૂમ્બૂદૂર ખાતે સૌથી નવી ડિવાઈઝસના ઉત્પાદન માટેની પ્રક્રિયા આરંભી દીધી છે. કંપની ભારતમાં આઈફોન ઉત્પાદનમાં ધીરે-ધીરે વૃદ્ધિ કરવા ઈચ્છે છે. કેલિફોર્નિયા સ્થિત ક્યૂપર્ટિનો પણ ચીન ખાતેથી તેના મેન્યૂફેક્ચરિંગને ડાયવર્સિફાઈ કરવા માગે છે અને તે મલ્ટીયર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
આઈફોન 14 અગાઉ એપલ ભારતમાં માત્ર જૂજ આઈફોન એસેમ્બલી ધરાવતી હતી. નવી ડિવાઈસ માટે ચીનમાં ઉત્પાદનની સામે ભારતમાં છથી નવ મહિનાનો સમય લાગતો હતો. જોકે, ગયા વર્ષે આ અંતરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને એપલે માર્ચમાં પૂરાં થતાં વર્ષ દરમિયાન ભારતમાં તેના ઓઈફોન્સનું સાત ટકા ઉત્પાદન ભારતમાં કર્યું હતું. ચાલુ વર્ષે કંપનીનો હેતુ ભારત અને ચીન વચ્ચે શીપમેન્ટ ટાઈમિંગમાં સમાનતા લાવવાનો છે. જોકે, સપ્લાયર હજુ આ બાબત હાંસલ થઈ શકશે કે તેને લઈને હજુ શંકા સેવી રહ્યાં છે. ભારતમાં આઈફોન 15ના ઉત્પાદનનો આધાર દેશમાં કોમ્પોનેન્ટ્સની ઉપલબ્ધતા પર રહેશે. હાલમાં મોટા ભાગના કોમ્પોનેન્ટ્સ આયાત કરવામાં આવે છે. નવો આઈફોન 12 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતાં વર્તુળો દર્શાવે છે.
ઓનલાઈન મની ગેમીંગ કંપનીઓને ટેક્સ પેટે રૂ. 45 હજાર કરોડનો બોજ
ગેમ્સ ઓફ સ્કિલ્સ ઓફર કરી રહેલાં પ્લેટફોર્મ્સ તરીકે પોતાને રજૂ કરી રહેલી ઓનલાઈન ગેમીંગ કંપનીઓએ વધારાના ટેક્સ પેટે રૂ. 45000 કરોડ ચૂકવવાના થઈ શકે છે એવો અંદાજ બાંધ્યો હોવાનું એક અહેવાલ જણાવે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે આ કંપનીઓની 2017થી લઈને ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ(જીએસટી) લાયેબિલિટીઝની ગણતરી કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ કંપનીઓએ તેમની ગ્રોસ ગેમીંગ રેવન્યૂ પર 18 ટકાનો ટેક્સ ચૂકવ્યો છે. કાયદા મુજબ 28 ટકા સામે તેમણે ગેમ્સ ઓફ સ્કીલની કેટેગરી હેઠળ આ ગણતરી કરી છે. જોકે, હવે ગેમ્સ ઓફ સ્કિલ અને ગેમ્સ ઓફ ચાન્સ જેવી કેટેગરીઝ હેઠળ ટેક્સના દરોમાં તફાવત હવે દૂર થયો છે. સિનિયર ટેક્સ અધિકારીના જણાવ્યા મુજબ તેમના આંતરિક મૂલ્યાંકન મુજબ જીએસટીના અમલથી લઈને અત્યાર સુધીમાં ગેમીંગ ઉદ્યોગે કરવેરા પેટા રૂ. 45000 કરોડનું ઓછું ચૂકવણું કર્યું છે. જીએસટી ઈન્ટેલિજન્સના ડિરેક્ટરોરેટ જનરલ આ કંપનીઓને નોટિસ પાઠવવાની પ્રક્રિયામાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 2017થી અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમીંગ ઉદ્યોગે જીએસટી પેટે રૂ. 5000 કરોડથી નીચી ચૂકવણી કરી છે. જ્યારે વાસ્તવિક જવાબદારી રૂ. 50000 કરોડ હોવાનો અંદાજ છે. જેમાં ઓફશોર ગેમીંગ કંપનીઓ પાસેથી રૂ. 12000 કરોડ અને ગેમ્સક્રાફ્ટ પર રૂ. 21000 કરોડની માગ રજૂ કરવામાં આવી છે. ચાલુ મહિનાની શરૂમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક હાઈ કોર્ટના ગેમ્સક્રાફ્ટ પર ડીજીજીઆઈએ લાગેલી ટેક્સ માગણીની નોટિસને દૂર કરતાં નિર્ણયની સામે સ્પેશ્યલ લિવ પિટીશન શરૂ કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ જીએસટીમાં તાજેતરના સુધારાએ એક વાત સ્પષ્ટ કરી છે કે દરેક ઓનલાઈન મની ગેમીંગ કંપનીએ 28 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે.
ઈન્ફીએ ટેલ્કો લિબર્ટી ગ્લોબલ સાથે 1.6 અબજ ડોલરનું ડિલ સાઈન કર્યું
આઈટી જાયન્ટ ઈન્ફોસિસ ટેક્નોલોજીએ લંડન સ્થિત ટેલિકોમ કંપની લિબર્ટી ગ્લોબલ સાથે 1.64 અબજ ડોલરનું ડીલ સાઈન કર્યું છે. કંપનીએ ટેલ્કોના ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ અને કનેક્ટિવિટી પ્લેટફોર્મ્સ સંબંધમાં પાંચ વર્ષ માટેનું આ ડિલ હાથ ધર્યું છે. બંને કંપનીઓ વચ્ચે એગ્રીમેન્ટના ભાગરૂપે જો કોન્ટ્રેક્ટને 8 વર્ષ માટે લંબાવવામાં આવશે તો તેનું કદ 2.5 અબજ ડોલરે પહોંચશે. આ જોડાણને કારણે લિબર્ટી ગ્લોબલને વાર્ષિક 10.9 કરોડ ડોલરના રન-રેટથી બચતની તક મળશે. જેમાં અન્ય સેવિંગ્ઝ અને ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થશે.
ડાબર જૂથે રેલીગેરમાં વધુ 5 ટકા હિસ્સો ખરીદ્યાની શક્યતાં
ડાબર જૂથમાં બહુમતી ધરાવતાં બર્મન પરિવારે રેલીગેર એન્ટરપ્રાઈઝિસમાં 16 ઓગસ્ટે બ્લોક ડીલ મારફતે અધિક 5 ટકા હિસ્સો ખરીદ્યો હોવાનું માનવામાં આવે છે. જે સાથે કંપનીમાં બર્મન પરિવારનો હિસ્સો 14 ટકા પાર કરી ગયો છે એમ વર્તુળો જણાવે છે. બર્મન પરિવાર તેમની માલિકીની કેટલીક કંપનીઓ મારફતે આ હિસ્સો ધરાવે છે. રેલીગેર ફિનવેસ્ટની સબસિડીયરી રેલીગેર એન્ટરપ્રાઈઝિસ એકવાર લેન્ડર્સ સાથે વન-ટાઈમ સેટલમેન્ટ પછી ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ પ્લેસમેન્ટ મારફતે રૂ. 800 કરોડ ઊભા કરવાનો ઈરાદો ધરાવે છે. કંપનીએ ઓટીએસની રકમ ચૂકવી દીધી છે અને ચાલુ વર્ષે માર્ચમાં રૂ. 400 કરોડ ચૂકવી ફાઈનલ પેમેન્ટ કરી દીધું છે.
ભારતમાં રશિયન આયાત એપ્રિલથી જુલાઈમાં બમણી થઈ 20 અબજ ડોલરે પહોંચી
આયાતમાં ઊંચી વૃદ્ધિ પાછળ ઓઈલ અને ફર્ટિલાઈઝર્સ શીપમેન્ટ્સ જવાબદાર
ભારત ખાતે રશિયાની આયાતમાં નાણા વર્ષના પ્રથમ ચાર મહિનામાં 100 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. એપ્રિલ 2023થી જૂલાઈ 2023 સુધીના સમયગાળા દરમિયાન રશિયન આયાત 20.45 અબજ ડોલર પર નોંધાઈ હતી. ઓઈલ અને ફર્ટિલાઈઝર્સની જંગી આયાત પાછળ આમ બન્યું હોવાનું કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયનો ડેટા સૂચવે છે. આ સાથે રશિયા ગણતરીમાં લીધેલાં ચાર મહિના માટે દેશમાં બીજો મોટો આયાતકાર બની રહ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં રશિયા ખાતેથી ભારતમાં 10.42 અબજ ડોલરના માલ-સામાનની આયાત જોવા મળી હતી.
રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધની શરૂઆત પહેલાં ભારતમાં આયાત બાસ્કેટમાં રશિયાનો હિસ્સો 1 ટકાથી પણ નીચો હતો. જોકે, બંને પડોશીઓ વચ્ચે જંગ પછી ભારતીય ઓઈલ આયાતમાં રશિયાનો હિસ્સો 40 ટકાથી ઉપર જોવા મળી રહ્યો છે. ચીન અને યુનાઈટેડ સ્ટેટ્સ પછી ભારત, વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર છે. યુક્રેન સાથે યુધ્ધ પછી પશ્ચિમી દેશો તરફથી રશિયન નિકાસ પર પ્રતિબંધને કારણે ભારતને સસ્તાં ભાવે રશિયન ઓઈલ પ્રાપ્ય બનતાં ભારતે તેની મોટા પ્રમાણમાં આયાત કરવાનું શરૂ કર્યું હતું. વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ એપ્રિલથી જુલાઈ દરમિયાન ચીન ખાતેથી ભારતમાં આયાતમાં ઘટાડો નોંધાયો હતો અને તે 32.7 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 34.55 અબજ ડોલર પર જોવા મળતી હતી. આ જ રીતે યુએસ ખાતેથી આયાત પણ ગયા વર્ષે એપ્રિલ-જુલાઈ દરમિયાન 17.16 અબજ ડોલરની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 14.23 અબજ ડોલર પર રહી હતી. યુએઈ ખાતેથી ભારતમાં આયાતમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને ગયા વર્ષે એપ્રિલ-જુલાઈમાં 18.45 અબજ ડોલર સામે ચાલુ વર્ષે તે 13.39 અબજ ડોલર પર રહી હતી. નિકાસની વાત કરીએ તો ભારતમાંથી નિકાસ થતી હોય તેવા ટોચના 10 દેશોમાંથી સાતમાં નિકાસ ઘટી હતી. ચાલુ નાણા વર્ષના પ્રથમ ચાર મહિના દરમિયાન યુએસ, યૂએઈ, ચીન, સિંગાપુર, જર્મની, બાંગ્લાદેશ અને ઈટાલી ખાતે નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજી બાજુ, યુકે, નેધરલેન્ડ અને સાઉદી અરેબિયા ખાતે નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હતી. ભારતમાંથી નિકાસમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો નોંધાયો હતો અને જુલાઈમાં તે 15.88 ટકા ગગડી 32.25 અબજ ડોલર પર રહી હતી. જેની પાછળ વૈશ્વિક સ્તરે આર્થિક મંદીને કારણે પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા સેક્ટર્સમાં નિકાસમાં ઘટાડો કારણભૂત હતો. જુલાઈમાં આયાતમાં પણ 17 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને તે 52.92 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 63.77 અબજ ડોલર પર હતી. જુલાઈ 2023માં દેશની વેપાર ખાધ 20.67 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 25.43 અબજ ડોલર પર જોવા મળતી હતી.
જિયોએ દેશવ્યાપી 5જી-આધારિત કનેક્ટિવિટીને રોલઆઉટ કરી
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે જણાવ્યા મુજબ તેણે 17મી ઓગસ્ટ, 2022ના રોજ કંપનીને ફાળવવામાં આવેલા 26 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની શરતો હેઠળ નિર્ધારિત સમય પહેલાં, દરેક સ્પેક્ટ્રમ બેન્ડમાં, 22 લાઈસન્સ્ડ સર્વિસ એરિયામાંના પ્રત્યેકમાં રોલ-આઉટની પોતાની લઘુતમ ફરજોને પૂર્ણ કરી છે. RJILએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સાથે પ્રથમ તબક્કાની લઘુતમ રોલ આઉટ શરતોને પરિપૂર્ણ કરવાની દિશામાં 19મી જુલાઈ, 2023ના રોજ અને 11મી ઓગસ્ટ 2023 સુધીમાં તમામ સર્કલમાં રોલ આઉટ પૂર્ણ કરવા માટે જરૂરી DoT ટેસ્ટિંગને પૂરાં કર્યાં છે. જિયોએ લો-બેન્ડ, મિડ-બેન્ડ અને એમએમવેવ સ્પેક્ટ્રમનું અનોખું મિશ્રણ હાંસલ કર્યું છે. જે તેના ફાઈબર નેટવર્ક તથા સ્વદેશી ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે મળી જિયોને દરેક જગ્યાએ 5જી સેવા પૂરી પાડવા સક્ષમ બનાવશે. જિયો સર્વાધિક સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ ધરાવે છે.
ભારત વિશ્વમાં બીજા સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો
2014-2022 સુધીમાં ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ દેશમાંથી 200 કરોડ મોબાઈલ ફોન શીપમેન્ટ નોંધાયાં
કેન્દ્ર સરકારના પ્રયાસો, ઊંચી આંતરિક માગ અને વધતી ડિજીટલ લિટરસીને કારણે ભારત વિશ્વમાં બીજા ક્રમનો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે એમ વૈશ્વિક રિસર્ચ કંપની કાઉન્ટરપોઈન્ટે તેના રિપોર્ટમાં જણાવ્યું છે.
તેના જણાવ્યા મુજબ 2014-2022 સુધીમાં ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ ભારતમાંથી મોબાઈલ શીપમેન્ટ્સ 200 કરોડના આંકને પાર કરી ગયું છે. તેણે વાર્ષિક 23 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવ્યો છે. વધુમાં 2022માં ભારતમાં 98 ટકા શીપમેન્ટ્સ મેડ ઈન ઈન્ડિયા હતાં. જે 2014માં જોવા મળતાં માત્ર 19 ટકા કરતાં નોંધપાત્ર ઊંચા છે.
કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ ડિરેક્ટરના જણાવ્યા મુજબ અમે સ્થાનિક સ્તરે વેલ્યૂ એડિશનમાં વૃદ્ધિ પણ જોઈ છે. તેમજ દેશમાં સપ્લાય ચેઈન ડેવલપમેન્ટ પણ જોવા મળ્યું છે. હાલમાં દેશમાં લોકલ વેલ્યૂ એડિશન સરેરાશ 15 ટકા કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે. જે આઁઠ વર્ષ અગાઉ નીચા એકઅંકી દરે જોવા મળતું હતું એમ તેઓ જણાવે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફેઝ્ડ મેન્યૂફેક્ચરિંગ પ્રોગ્રામ(PMP), મેક ઈન ઈન્ડિયા, પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટીવ(પીએલઆઈ) અને આત્મ-નિર્ભર ભારત જેવા કાર્યક્રમોએ સ્માર્ટફોન્સ માટે સ્થાનિક ઉત્પાદન અને વેલ્યૂ એડિશનમાં વૃદ્ધિ આણી છે. કેન્દ્ર સરકારે ફેઝ્ડ મેન્યૂફેક્ચરિંગ પ્રોગ્રામ હેઠળ મેક ઈન ઈન્ડિયાની પહેલ રજૂ કરી હતી. તેણે સ્થાનિક સ્તરે મેન્યૂફેક્ચરિંગને વેગ આપવા માટે મોબાઈલની તથા મહત્વના કોમ્પોનેન્ટ્સની આયાત પર ડ્યુટીમાં વધારો કર્યો હતો. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સરકારે 14 ક્ષેત્રો માટે પીએલઆઈ સ્કિમ રજૂ કરી હતી. જેમાં મોબાઈલ ફોન મેન્યૂફેક્ચરિંગનો પણ સમાવેશ થતો હતો. આ સઘળાં પ્રયાસોને કારણે ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસને વેગ મળ્યો હતો એમ રિપોર્ટ જણાવે છે. ઘણી કંપનીઓ હાલમાં ભારતમાં મોબાઈલ ફોન્સના તથા કોમ્પોનેન્ટ્સના ઉત્પાદન માટે એકમો સ્થાપી રહી છે. જેની પાછળ ઈન્વેસ્ટમેન્ટ્સ વધી રહ્યું છે. નવી જોબ્સ વધી રહી છે અને સમગ્રતયા ઈકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે.
બેંક્સના NBFCના ધિરાણમાં જૂન ક્વાર્ટરમાં 35 ટકા વૃદ્ધિ નોંધાઈ
બેંક્સના નોન-બેકિંગ ફાઈનાન્સ કંપનીઝ(એનબીએફ)ને ધિરાણમાં એપ્રિલ ક્વાર્ટરમાં 35.1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 14.2 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જેની પાછળ એનબીએફસીનો સમગ્ર ક્રેડિટ માર્કેટમાં હિસ્સો વાર્ષિક ધોરણે 8.5 ટકા પરથી વધી 9.9 ટકા પર પહોંચ્યો હતો. એનબીએફસી તરફથી ઈન્ટરનેશનલ બોરોઈંગ્સમાં ઘટાડા પાછળ તેમનું સ્થાનિક સ્તરે બોરોઈંગ્સ વધ્યું હતું એમ કેર રેટિંગ્સના સિનિયર ડિરેક્ટર જણાવે છે.
જોકે, રિપોર્ટ સૂચવે છે કે એચડીએફસીના એચડીએફસી બેંક સાથેના મર્જરને કારણે 1 જુલાઈથી બેંક્સના એનબીએફસી એક્સપોઝરના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. કેમકે એચડીએફસી બેંકનું બોરોઈંગ્સ હંગામી રિક્લાસિફિકેશન માટે જશે. દરમિયાનમાં મ્યુચ્યુલ ફંડ્સના એનબીએફસીને ડેટ એક્સપોઝરમાં પણ વૃદ્ધિ નોંધાઈ હતી અને તે વાર્ષિક ધોરણે 14.5 ટકા વધી જૂનમાં રૂ. 1.62 લાખ કરોડ રહ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા મુજબ એનબીએફસીની ડેટ એસેટ્સમાં એમએફનું એક્સપોઝર સતત 10 ટકા આસપાસ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ, એનબીએફસીને બેંક તરફથી એડવાન્સિસનો હિસ્સો ફેબ્રુઆરી 2018માં 4.5 ટકા પરકથી બમણા કરતા પણ વધી વધુ જૂન 2023માં 10 ટકા પર જોવા મળતો હતો. જે એનબીએફસીના બેંક લેન્ડિંગ પર વધતા અવલંબનને સૂચવે છે. રિપોર્ટ મુજબ એનબીએફસી કંપનીઓને બેંક ક્રેડિટનો હિસ્સો 2021-22ના બીજા અર્ધવાર્ષિક ગાળા પછી સતત વધી રહ્યો છે.
ચાલુ નાણા વર્ષે ટેલિકોમ ક્ષેત્ર રૂ. 70 હજાર કરોડનું કેપેક્સ દર્શાવશે
સેક્ટર વાર્ષિક ધોરણે 7-9 ટકાની આવક વૃદ્ધિ નોંધાવે તેવો ઈકરાનો અંદાજ
દેશનો ટેલિકોમ સર્વિસ ઉદ્યોગ ચાલુ નાણા વર્ષ 2023-24માં 7-9 ટકા રેવન્યૂ ગ્રોથ દર્શાવે તેવી અપેક્ષા હોવાનું રેટિંગ એજન્સી ઈકરાનો રિપોર્ટ જણાવે છે. કંપનીઓ તરફથી નજીકના સમયગાળામાં ટેરિફમાં વૃદ્ધિની શક્યતાં નહિ હોવાથી એવરેજ રેવન્યૂ પર યુઝર(ARPU) પ્રમાણમાં મંદ રહેવાની શક્યતાં પાછળ ઉદ્યોગની આવક વૃદ્ધિ નીચી જોવા મળશે.
ઉદ્યોગ 5જી ક્ષેત્રે તેનું રોકાણ વધારી રહ્યો છે. ઈકરાના મતે 2023-24 દરમિયાન તે રૂ. 70 હજાર કરોડનું રોકાણ કરશે. જ્યારે આગામી 4-5 વર્ષોમાં તેનું રોકાણ રૂ. 3 લાખ કરોડે પહોંચશે. ઈકરાના મતે વર્તમાન 5જી ઓલ-આઉટને કારણે નેટવર્ક વધુ ગીચ બની રહ્યું છે તેમજ નોંધપાત્ર ફાઈબર નાખવામાં આવી રહ્યાં છે. જે નજીકના સમયગાળાથી લઈ મધ્યમ ગાળામાં મૂડી ખર્ચમાં ઓર વૃદ્ધિનું કારણ બનશે. જેની પાછળ કંપનીઓનું ડેટ લેવલ ઊંચા સ્તરો પર જળવાયેલું રહેશે. માર્ચ 2024 સુધીમાં તે રૂ. 6.1-6.2 લાખ કરોડ પર જોવા મળશે. જે માર્ચ 2023ની આખરમાં રૂ. 6.3 લાખ કરોડ પર હતું. ટેલિકોમ કંપનીએ 7-9 ટકા આસપાસનો મધ્યમ રેવન્યૂ ગ્રોથ નોંધાવી શકશે. કેમકે તેમના આર્પૂમાં ખાસ વિસ્તરણની સંભાવના નથી. ઈકરાના કોર્પોરેટ રેટિંગ્સ હેડના જણાવ્યા મુજબ ત્રણેય ટેલિકોમ કંપનીઓએ મળીને 4જી સબસ્ક્રાઈબર્સમાં 80 ટકા પેનિટ્રેશન હાંસલ કર્યું છે. જેને કારણે સબસ્ક્રાઈબર્સમાં વધુ અપગ્રેડેશન માટે હવે કોઈ જગા રહી નથી. વધુમાં, ટેલિકોમ કંપનીઓ તરફથી રજૂ કરવામાં આવેલી 5જી સર્વિસિઝ હજુ સુધી મોનેટાઈઝ થઈ નથી. હજુ કોઈ 5જી સ્પેસિફિક પ્લાન્સ જોવા મળતાં નથી. જે આર્પુ લેવલ્સને ઊંચે લઈ જઈ શકે. ટેરિફમાં વૃદ્ધિની ગેરહાજરી સાથે ઉપરોક્ત પરિબળોને જોતાં રેવન્યૂમાં વૃદ્ધિ મધ્યમ રહેશે. ઈકરાના રિપોર્ટ મુજબ કંપનીઓનો એવરેજ આર્પૂ સુધરીને રૂ. 182-185 રહેશે. જે વર્ષ અગાઉ રૂ. 175 પર હતો. ટેલિકોમ ઉદ્યોગની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 2.9-3 લાખ કરોડ પર જોવા મળશે. જ્યારે ઓપરેશન એબિટા રૂ. 1.5-1.6 લાખ કરોડ રહી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
કોન્કોરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 242 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 294 કરોડની સરખામણીમાં 18 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1993 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 4 ટકા ગગડી સમાનગાળામાં રૂ. 1922 કરોડ પર જોવા મળી હતી.
હનીવેલ ઓટોમેશનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 103.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 102 કરોડની સરખામણીમાં એક ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 786 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 24 ટકા વધી સમાનગાળામાં રૂ. 932 કરોડ પર જોવા મળી હતી.
રોલેક્સ રિંગ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 48 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 50 કરોડની સરખામણીમાં સાધારણ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 285 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 10 ટકા વધી સમાનગાળામાં રૂ. 311 કરોડ જોવા મળી હતી.
નાલ્કોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 333.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 558 કરોડની સરખામણીમાં 40 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3795 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 20 ટકા ગગડી સમાનગાળામાંરૂ. 3178 કરોડ પર જોવા મળી હતી.
સિટી યુનિયન બેંકઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 227.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 225.1 કરોડની સરખામણીમાં 1 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની ગ્રોસ એનપીએ માર્ચ ક્વાર્ટરમાં 4.37 ટકા પરથી વધી જૂન ક્વાર્ટરમાં 4.91 ટકા પર નોંધાઈ હતી. જેની પાછળ શેરમાં વેચવાલી જોવા મળી હતી.
ટીસીએનએસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 37 કરોડની ખોટ નોંધાવી હતી. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 276 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 10 ટકા ગગડી સમાનગાળામાંરૂ. 244 કરોડ પર જોવા મળી હતી.
આઈટીઆઈઃ પીએસયૂ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 102.8 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 99.7 કરોડની ખોટની સરખામણીમાં વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 166 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 6 ટકા ઘટી રૂ. 157 કરોડ પર રહી હતી.