બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં બુલ્સ પરત ફરતાં પખવાડિયાની ટોચ જોવાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 10.69ના સ્તરે
પીએસઈ, એનર્જી, મેટલ, બેંકિંગમાં મજબૂતી
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં લેવાલી ચાલુ
આઈટીઆઈ, ગુજરાત પીપાવાવ, એમઆરપીએલ નવી ટોચે
ભારતીય શેરબજારમાં તેજીવાળાઓ પરત ફરતાં બેન્ચમાર્ક્સ બે સપ્તાહની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. સેન્સેક્સ 261 પોઈન્ટ્સ મજબૂતી સાથે 66428ની સપાટીએ જ્યારે નિફ્ટી 80 પોઈન્ટ્સ સુધારે 19812ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી પાછળ બ્રેડ્થ પોઝીટવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3825 કાઉન્ટર્સમાંથી 2184 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1506 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 330 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે જોવા મળ્યાં હતાં. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે સાત કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સ સૂચવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 10.69ના સ્તરે બંધ રહ્યો હતો
મંગળવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી મજબૂતી જાળવી રાખી હતી. દિવસ દરમિયાન તે ગ્રીન ઝોનમાં જ ટ્રેડ થયું હતું. નિફ્ટી જોકે ઈન્ટ્રા-ડે 19850ની ટોચ પરથી ગગડી 19776ના બોટમ પર ટ્રેડ થઈ 19800 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 3 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19809ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં એક પોઈન્ટ પ્રિમીયમ દર્શાવતો હતો. આમ, બજારમાં સુધારા દરમિયાન લોંગ પોઝીશનમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નહોતી. જે સૂચવે છે કે માર્કેટ હજુ પણ એક દિશામાં સુધારો જાળવે તેવી શક્યતાં ઓછી છે. તેને ઉપરમાં 19900 આસપાસ અવરોધ નડી શકે છે. જ્યારે નીચે 19600નો સપોર્ટ મળી શકે છે. આમ, બેન્ચમાર્ક રેંજ બાઉન્ડ ટ્રેડ જાળવી રાખે તેવું જણાય છે. નિફ્ટીને મંગળવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, એનટીપીસી, આઈટીસી, એલટીઆઈમાઈન્ડટ્રી, નેસ્લે, બજાજ ફિનસર્વ, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, તાતા મોટર્સ, લાર્સન, યૂપીએલ, ઈન્ડ્સઈન્ડ બેંક, ટીસીએસ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર કરીએ તો તમામ સૂચકાંકો પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જોકે પીએસઈ, એનર્જી, મેટલ, બેંકિંગમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ એક ટકા વૃદ્ધિ સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પો, એચપીસીએલ, એનએચપીસી, કોલ ઈન્ડિયા, આઈઆરસીટીસી, ગેઈલ, આઈઓસી, એનટીપીસી, ભેલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી પણ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં પીએસયૂ કંપનીઓ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 0.5 ટકા મજબૂતીનું યોગદાન જોવા મળતું હતું. નિફ્ટી બેંક 0.42 ટકા સુધારા સાથે પોઝીટીવ જળવાયો હતો. જેમાં કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, એક્સિસ બેંક ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.5 ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી, નેસ્લે, વરુણ બેવરેજીસ, યુનાઈટેડ સ્પિરિટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ડાબર ઈન્ડિયા, મેરિકોમાં સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો કેન ફિન હોમ્સ 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એલએન્ડટી ફાઈનાન્સ, એપોલો ટાયર્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, જેકે સિમેન્ટ, એસબીઆઈ લાઈફ, એચપીસીએલ, બિરલાસોફ્ટ, એચડીએફસી લાઈફ, ડેલ્ટા કોર્પ, કોલ ઈન્ડિયા, ઈન્ડુસ ટાવર્સ, કેનેરા બેંક, મેક્સ ફાઈનાન્સિયલ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, આઈઆરસીટીસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એમ્ફેસિસ, દાલમિયા ભારત, જીએનએફસી, હેવેલ્સ ઈન્ડિયા, બંધન બેંક, બોશ, એલએન્ડટી ટેક્નોલોજી, તાતા મોટર્સ, ટ્રેન્ટ, લાર્સન, હિંદ કોપર, યૂપીએલ, પર્સિસ્ટન્ટ, નાલ્કો, રામ્કો સિમેન્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, આઈટીઆઈ, ગુજરાત પીપાવાવ, એમઆરપીએલ, હોમ ફર્સ્ટ, એમએમટીસી, કરુર વૈશ્ય, કલ્યાણ જ્વેલર્સ, ઓઈલ ઈન્ડિયા, મોતીલાલ ઓસ્વાલનો સમાવેશ થતો હતો.
વૈશ્વિક ટેક જાયન્ટ્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 600 અબજ ડોલરનું M-Cap ગુમાવ્યું
એપલના માર્કેટ-કેપમાં 266 અબજ ડોલરનો સૌથી ઊંચો ઘટાડો નોંધાયો
જ્યારપછીના ક્રમે માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટીસીએમએસી, સેમસંગના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો
વિશ્વમાં ટોચની 25 ટેક્નોલોજી જાયન્ટ્સના માર્કેટ-કેપમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તીવ્ર ધોવાણ નોંધાયું છે. આ 25 કંપનીઓએ કુલ મળીને ત્રણ મહિનામાં તેમના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં 600 અબજ ડોલરનો ઘટાડો દર્શાવ્યો છે. જેમાં ટોચની યુએસ કંપનીઓ ઉપરાંત કોરિયા અને તાઈવાનની કંપનીઓનો સમાવેશ થાય છે.
લંડન સ્થિત ગ્લોબલડેટાના રિપોર્ટ અનુસાર યુએસ ટ્રેઝરી બોન્ડ્સમાં ઊંચી વૃદ્ધિ પાછળ ટેક્નોલોજી સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બોન્ડ યિલ્ડ્સે જૂન 2023થી શરા થયેલી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની આગેવાનીની તેજીમાં ખાચરો પાડ્યો હતો અને કંપનીઓએ તેમનો આંશિક સુધારો ગુમાવ્યો હતો. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને લઈ ચિંતા પાછળ પણ ટેક્નોલોજી શેર્સ તૂટ્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે વિશ્વમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી એપલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની ટોચ બનાવી હતી. તેણે 31 જુલાઈના રોજ 3.07 ટ્રિલીયન ડોલરનું વેલ્યૂએશન દર્શાવ્યું હતું. જોકે, ચીન સરકારે તેની સરકારી કંપનીઓ અને સરકાર-પ્રેરિત કંપનીઓ તરફથી આઈફોન્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં તેજી અટકી હતી અને સરવાળે એપલનો શેર ક્વાર્ટર દરમિયાન 13 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. આમ તેના માર્કેટ-કેપમાં 267 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. પાછળથી ચીન સરકારે આ પ્રકારના કોઈપણ નિર્દેશનો ઈન્કાર કર્યો હતો. જોકે, એપલના શેરમાં બાઉન્સ નહોતું જોવા મળ્યું. એપલ ઉપરાંત માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી યુએસ ટેક જાયન્ટ્સ કંપનીઓના શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. વેલ્યૂએશનમાં બીજા ક્રમની માઈક્રોસોફ્ટનું માર્કેટ-કેપ 233 અબજ ડોલર અથવા 8 ટકા જેટલું તૂટ્યું હતું. જોકે, ગૂગલની પેરન્ટ આલ્ફાબેટનું માર્કેટ-કેપ 167 અબજ ડોલર અથવા 9 ટકા જેટલી વૃદ્ધિ સૂચવતું હતું. તેમજ એનવિડિયાના માર્કેટ-કેપમાં પણ 2 ટકાની મજબૂતી જોવા મળી હતી. એમેઝોનનું માર્કેટ-કેપ 130 અબજ ડોલર અથવા 2.8 ટકા જેટલું ગગડ્યું હતું. જ્યારે મેટાનું માર્કેટ-કેપ 78 અબજ ડોલર અથવા 6.3 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતું હતું.
તાઈવાનની કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ટીસીએમસીનું માર્કેટ-કેપ 42 અબજ ડોલર અથવા 12.4 ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે ટેન્સેન્ટનું માર્કેટ-કેપ 8 ટકા અથવા 37.3 અબજ ડોલર ઘટાડો સૂચવતું હતું. કોરિયન કંપની સેમસંગનું માર્કેટ-કેપ પણ 33.4 અબજ ડોલર અથવા 7.8 ટકા ગગડ્યું હતું.
નવી સિઝનના પ્રથમ પખવાડિયામાં સરકારે છ ટકા વધુ ચોખા ખરીદ્યાં
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખરીદીમાં વૃદ્ધિ
જોકે તમિલનાડુ ખાતે ચોખાની ખરીદીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો
ખરિફ માર્કેટિંગ સિઝનની શરૂઆત સાથે સરકારે ચોખાની ખરીદી શરૂ કરી છે. જેના પ્રથમ પખવાડિયામાં ગયા વર્ષની સરખામણીમાં 6 ટકા ઊંચી ખરીદી જોવા મળી છે. જેની પાછળ ખેડૂતો તરફથી કાપણીની વહેલી શરૂઆત પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
સરકારી ડેટા મુજબ 15 ઓક્ટોબર સુધીમાં કુલ 37.58 લાખ ટન ચોખાની ખરીદી થઈ ચૂકી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 35.48 લાખ ટન ખરીદીની સરખામણીમાં 5.9 ટકા ઊંચી છે. સરકારે ખરિફ ચોખા ખરીદી માટે 521.27 લાખ ટન ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો છે. 2022-23માં તેણે ખરિફ અને રવિ સિઝન મળીને કુલ 569.4 લાખ ટન ચોખા ખરીદ્યાં હતાં. સરકારે હરિયાણા ખાતે 25 સપ્ટેમ્બરથી ખરીદી શરૂ કરી દીધી હતી. જ્યારે તમિલનાડુ ખાતે 1 સપ્ટેમ્બરથી ખરીદી શરૂ થઈ હતી. જ્યારે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 1 ઓક્ટોબરથી ખરીદી શરૂ કરવામાં આવી હતી. પૂર્વીય ઉત્તર પ્રદેશમાંથી 1 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવશે. કેમકે ચાલુ વર્ષે ત્યાં કાપણીની શરૂઆત વિલંબિત જોવા મળી રહી છે. કેન્દ્રિય અનાજ ભંડારમાં ચોખાનું સૌથી મોટું યોગદાન આપતાં પંજાબમાંથી 15 ઓક્ટોબર સુધીમાં 13.2 લાખ ટન ચોખા ખરીદવામાં આવ્યાં છે. જે ગયા વર્ષની સરખામણીમાં ચાર ટકા વધુ છે. જ્યારે હરિયાણા ખાતેથી 22.2 લાખ ટન ચોખા ખરીદાયાં છે. જે 15.6 ટકા જેટલા વધુ છે. જોકે, તમિલનાડુ ખાતેથી ચોખાની ખરીદી 44.6 ટકાના તીવ્ર ઘટાડા સાથે 1.92 લાખ ટન પર જોવા મળી છે. રાજ્યમાં સિંચાઈના અભાવે ડાંગરના પાક પર અસર થવાથી આમ બન્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ શરૂઆત સારી જોવા મળી રહી છે. ગયા વર્ષે સમાનગાળામાં 488 ટન સામે ચાલુ વર્ષે 6844 ટન ચોખા ખરીદાયાં છે.
કેન્દ્ર સરકાર પંજાબ ખાતેથી 122 લાખ ટન, હરિયાણા ખાતેથી 40 લાખ ટન, ઉત્તર પ્રદેશ ખાતેથી 44 લાખ ટન અને તમિલનાડુ ખાતેથી 15 લાખ ટન ચોખાની ખરીદીનો લક્ષ્યાંક ધરાવે છે. સરકારે ગયા સપ્તાહે દેશમાંથી પારબોઈન્ડ ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટીની મુદત 31 માર્ચ, 2024 સુધી લંબાવી દીધી હતી. જ્યારે વ્હાઈટ રાઈસ પર નિકાસ પ્રતિબંધ ચાલુ છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયે હજુ સુધી ખરિફ સિઝનમાં પાકના અંદાજો રજૂ કર્યાં નથી. જેની પાછળ ઉત્પાદનમાં ઘટાડાની અટકળો ચાલુ થઈ છે. ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેવાથી ઘણે ઠેકાણે ઉત્પાદક્તા પર અસરની ચિંતા જોવા મળી રહી છે. દેશમાં ઓગસ્ટમાં 1901 પછી 36 ટકાની સૌથી ઊંચી વરસાદી ખાધ જોવા મળી હતી. જોકે, શરૂઆતમાં વિલંબિત જોવા મળ્યાં પછી દેશમાં ડાંગરનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 2 ટકા વૃદ્ધિ સાથે 411.96 લાખ હેકટર પર નોંધાયું હતું. જે ગયા વર્ષે 404.27 લાખ હેકટર પર જોવા મળતું હતું.
જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય બોન્ડ્સના પ્રવેશ પછી રોકાણ બમણું
વિદેશી રોકાણકારોએ જાહેરાત પછી સાપ્તાહિક ધોરણે સરેરાશ રૂ. 2300 કરોડનું બોન્ડ રોકાણ કર્યું
જેપીમોર્ગનના ઈમર્જિંગ માર્કેટ બોન્ડ ઈન્ડેક્સમાં ભારત સરકારના બોન્ડ્સના સમાવેશની જાહેરાત પછી વિદેશી રોકાણકારોએ ઈન્ડેક્સમાં સમાવેશ પામનારા ભારતીય બોન્ડ્સની ખરીદીમાં બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવી છે. જોકે, બેંક ટ્રેઝરી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આગામી વર્ષે જ્યાં સુધી બોન્ડ્સનો ઈન્ડેક્સમાં ઔપચારિક સમાવેશ ના થાય ત્યાં સુધી મોટો ઈનફ્લો નહિ જોવા મળે.
જેપીમોર્ગને 22 સપ્ટેમ્બરે ભારતીય બોન્ડને ઈન્ડેક્સમાં સમાવેશની જાહેરાત કર્યાં પછી ‘ફૂલ્લી એક્સેસિબલ રૂટ’ અથવા FAR હેઠળ છેલ્લાં ત્રણ સપ્તાહ દરમિયાન સરેરાશ રૂ. 2300 કરોડ અથવા 27.625 કરોડ ડોલરના બોન્ડ્સની ખરીદી જોવા મળી છે એમ ક્લિઅરિંગ કોર્પોરેશનનો ડેટા સૂચવે છે. જે કેલેન્ડર 2023માં જાહેરાત અગાઉ જોવા મળેલા બોન્ડ રોકાણની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. જેપીમોર્ગન જૂન 2024થી ભારત સરકારના 23 બોન્ડ્સનો તેના ઈન્ડેક્સમાં સમાવેશ કરશે. બીએનપી પારિબા ઈન્ડિયાના ગ્લોબલ માર્કેટ્સના હેડ જણાવે છે કે જે રોકાણકારો ભારતીય બોન્ડ્સના ઈન્ડેક્સ સમાવેશની રાહ જોઈ રહ્યાં હતાં તેમના તરફથી ઈનફલો જોવા મળ્યો છે. જોકે આ ગતિ નજીકના સમયગાળામાં જળવાય રહેવાની શક્યતાં ઓછી છે. કેમકે રોકાણકારોની નજર મધ્ય-પૂર્વમાં તંગદિલી પર છે. તેમજ આ ઘટનાની ઓઈલના ભાવો પર કેવી અસર પડે છે તેમાં સહુકોઈ ચાંપતી નજર રાખી રહ્યાં છે. વિદેશી રોકાણકારો FAR કેટેગરીમાં કુલ રૂ. 1.02 લાખ કરોડ અથવા આઉટસ્ટેન્ડિંગ સિક્યૂરિટીઝનો 3.5 ટકા હિસ્સો ધરાવે છે. તેમની સૌથી મોટી ખરીદી બેન્ચમાર્ક 7.18 ટકા 2033 બોન્ડમાં અને પાંચ-વર્ષ માટેના 7.06 ટકા 2028 પેપરમાં છે. જેણે 22 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં અનુક્રમે રૂ. 3400 કરોડ અને રૂ. 2500 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો છે. FAR કેટેગરી બોન્ડ્સમાં અન્ય બોન્ડ્સની માફક વિદેશી રોકાણ પર કોઈ મર્યાદા નથી હોતી. ઈન્ડેક્સમાં પ્રવેશની યોગ્યતા ધરાવતી સરકારી જામીનગીરીઓમાં 66 ટકામાં 5-14 વર્ષની મેચ્યોરિટી વય બાકી રહી છે. આમ, આ સેગમેન્ટમાં બલ્ક ઈનફ્લોની શક્યતાં છે. નિષ્ણાતો ભારતીય બોન્ડ્સના ઈન્ડેક્સમાં સમાવેશથી લઈ 2025ની શરૂઆત સુધીમાં 20 અબજ ડોલરથી 25 અબજ ડોલરની રેંજમાં ઈનફ્લોની અપેક્ષા રાખે છે. હાલમાં તેઓ વધુ સારા એન્ટ્રી લેવલ્સની રાહ જોઈ રહ્યાં હોવાનું તેઓ માને છે.
મારુતિ ગુજરાત પ્લાન્ટ માટે પેરન્ટ સુઝુકી મોટરને 1.54 અબજ ડોલર ચૂકવશે
કંપની રૂ. 10420.85 પ્રતિ શેરના ભાવે સુઝુકી મોટરને 1.23 કરોડ પ્રેફરન્સિયલ શેર્સ ઈસ્યુ કરશે
દેશમાં ટોચની કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા તેની પેરન્ટ કંપની સુઝુકી મોટરને રૂ. 12,841 કરોડ(1.54 અબજ ડોલર)ના પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરશે. જાપાનીઝ પેરન્ટ પાસેથી ગુજરાત સ્થિત પ્લાન્ટ ખરીદવા માટે કંપની આમ કરશે. મારુતિએ પ્રથમવાર ગુજરાત સ્થિત પ્લાન્ટનું મૂલ્ય જાહેર કર્યું હતું. તેણે ગયા જુલાઈમાં પ્રથમવાર આ પ્લાન્ટ ખરીદશે તેમ જાહેરાત કરી હતી.
મારુતિ તેની પેરન્ટ કંપનીને 1.23 કરોડ પ્રેફરન્સ શેર્સ ઈસ્યુ કરશે. તે રૂ. 10,420.85 પ્રતિ શેરના ભાવે આ શેર્સ ઈસ્યુ કરશે. જે સોમવારે કંપનીના શેરના બંધ ભાવથી 2.7 ટકાનું ડિસ્કાઉન્ટ દર્શાવતો હતો. મંગળવારે શેર 0.6 ટકા ઘટાડો સૂચવતો હતો. આ શેર્સ ઈસ્યુ કર્યાં પછી મારુતિ સુઝુકીમાં સુઝુકી કોર્પોરેશનનો હિસ્સો વર્તમાન 56.48 ટકાથી વધી 58.19 ટકા પર જોવા મળશે. જે ઓગસ્ટમાં કંપનીના અંદાજ જેટલો જ છે. કેલેન્ડર 2014થી અત્યાર સુધીમાં સુઝુકીએ પ્લાન્ટમાં રૂ. 18000 કરોડનું રોકાણ કર્યું છે. જે મારુતિ માટે કાર્સ બનાવે છે. પ્લાન્ટે 2017માં કામગીરીની શરૂઆત કરી હતી. તે વાર્ષિક 7.5 લાખ યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. મારુતિએ જણાવ્યા મુજબ તે પ્લાન્ટની સંપૂર્ણ માલિકીની અપેક્ષા ધરાવે છે. જે તેને પ્રોડક્શન પર વધુ સારી ગ્રીપ પૂરી પાડશે. જેમાં ઈવીનો સમાવેશ પણ થતો હશે. તેમજ માગ મુજબ તેને ઉત્પાદનમાં ફેરફાર કરવામાં સહાયરૂપ બનશે. કંપની તેની પ્રથમ ઈવી એસયૂવી ગુજરાત પ્લાન્ટ ખાતે બનાવશે. તે 2030 સુધીમાં છ ઈવી મોડલ્સ લોંચ કરવા વિચારે છે. જે તમામ ગુજરાત સ્થિત પ્લાન્ટ ખાતે ઉત્પાદિત હશે.
JFL તેની હાજરી વધારવા લોન પ્રોડક્ટ્સ લોંચ કરશે
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ ઓટો, હોમ લોન્સ અને અન્ય પ્રોડક્ટ્સ શરૂ કરશે
રિલાયન્સ જૂથની જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ તેની હાજરી વધારવા માટે ઓટો, હોમ લોન્સ અને અન્ય પ્રોડક્ટ્સ લોંચ કરવા માટે વિચારી રહી છે. મુકેશ અંબાણી સમર્થિત કંપની ઝડપથી વૃદ્ધિ પામી રહેલા ફાઈનાન્સિયલ માર્કેટમાં એક સંપૂર્ણ સર્વિસ પૂરી પાડતી ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની તરીકે પોતાને સ્થાપિત કરવા ઈચ્છે છે.
મજબૂત વૃદ્ધિ દર છતાં અર્થતંત્રનું કદ જોતાં ભારતમાં ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સનો વ્યાપ પ્રમાણમાં ઘણો ઓછો છે. અંબાણી ટેલિકોમ અને રિટેલ સેક્ટર્સમાં ડિસ્રપ્ટીવ પ્રવેશ પછી આમાં પણ તે રીતે જ પ્રવેશવા ઈચ્છી રહ્યાં છે. જેએફએસે મુંબઈમાં સેલરાઈડ અને સેલ્ફ-એમ્પ્લોય્ડ ઈન્ડિવિડ્યુઅલ્સ માટે પર્સનલ લોન્સ પ્રોડક્ટ્સ લોંચ કરી દીધી છે. તેમજ ભારતમાં 300 સ્ટોર્સ પર કન્ઝ્યૂમર ડ્યૂરેબલ લોન્સ પણ લોંચ કરી છે એમ સોમવારે તેણે એનાલિસ્ટ્સ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું. હવે તે સેલ્ફ-એમ્પ્લોય્ડ ઈન્ડિવિડ્યૂઅલ્સ માટે બિઝનેસ અને મર્ચન્ટ લોન્સ લોંચ કરશે એમ તેણે જણાવ્યું છે. કંપનીની ઈન્શ્યોરન્સ બ્રોકિંગ પાંખે પણ 24 ઈન્શ્યોરન્સ કંપનીઝ સાથે ભાગીદારી કરી છે. જ્યારે સેવિંગ્ઝ એકાઉન્ટ અને બિલ પેમેન્ટ સર્વિસિઝને ફરીથી લોંચ કરનાર તેનું પેમેન્ટ બેંક ડિવિઝન ડેબિટ કાર્ડ્સ લોંચ કરવાનું વિચારી રહ્યું છે. ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને કંપની તેના માટે વૃદ્ધિના એક મહત્વના માપદંડ તરીકે જોઈ રહી છે. કંપની તેની પ્રોડક્ટ્સ માટે એક એપ પર પણ કામ કરી રહી છે. કંપનીએ સોમવારે તેનું પ્રથમ પરિણામ રજૂ કર્યું હતું. જેની પાછળ મંગળવારે કંપનીનો શેર શરૂઆતી સત્રમાં 3.7 ટકા મજબૂતી સાથે ટ્રેડ દર્શાવી રહ્યો હતો.
JFLનો પ્રોફિટ બમણો થયો
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 668.18 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે જૂન ક્વાર્ટરની આખરમાં જોવા મળતાં રૂ. 331.92 કરોડના નફાની સરખામણીમાં 101.30 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કામકાજી આવક જૂન ક્વાર્ટરના રૂ. 414.13 કરોડ પરથી 46 ટકા ઉછળી રૂ. 608.04 કરોડ પર રહી હતી. જેમાં રૂ. 216.85 કરોડની ડિવિડન્ડની આવકનો સમાવેશ થતો હતો. કંપનીનો ખર્ચ 32.74 ટકા વધી રૂ. 71.43 કરોડ પર નોંધાયો હતો.
RIL બોર્ડમાં અનંત અંબાણીની નિમણૂંકના પ્રસ્તાવ સામે બે સંસ્થાકિય રોકાણકારોનો વિરોધ
મુંબઈ સ્થિત IIAS અને ISSએ અનંતની વયનું કારણ આપી નિમણૂંકના પ્રસ્તાવનો વિરોધ કર્યો
બિલિયોનર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નિમણૂંકના પ્રસ્તાવનો બે સંસ્થાકિય રોકાણકારો વિરોધ કરી રહ્યાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય પ્રોક્સિ એડવાઈઝરી કંપની ઈન્સ્ટીટ્યુશ્નલ શેરહોલ્ડર સર્વિસિસ ઈન્ક(ISS) અને મુંબઈ સ્થિત ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસિઝ(IIAS), બંનેએ અનંત અંબાણીની વયનું કારણ નિમણૂંકને ટેકો નહિ આપવાનું કારણ આપ્યું છે.
ISSએ 12 ઓક્ટોબરે એક નોંધમાં જણાવ્યું છે કે અનંત અંબાણીના છ વર્ષ આસપાસન લીડરશીપ/બોર્ડ અનુભવને જોતાં બોર્ડના ઠરાવ સામે વોટની જરૂરિયાત રહે છે. ISSએ મુકેશ અંબાણીના મોટા સંતાનો ઈશા અને આકાશની બોર્ડ નિમણૂંકોને સપોર્ટ કર્યો છે. વર્તુળોના જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ પ્રોક્સિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓને જણાવ્યું છે કે અનંત પાસે કોંગ્લોમેરટના બિઝનેસમાં ભાગીદારી જોતાં બોર્ડના નિર્ણયોમાં મૂલ્ય વૃદ્ધિ માટે પૂરતો અનુભવ અને પરિપક્વતા છે. તેમજ તેણે સિનિયર લીડરશીપ તરફથી વર્ષોની એક પ્રકારની તાલીમ મેળવી છે અને તે નવી ભૂમિકા માટે તૈયાર છે. એક અન્ય પ્રોક્સિ કંપની ગ્લાસ લ્યૂઈસ અનંત અંબાણીની નિમણૂંકની તરફેણમાં છે. કંપનીના ડિરેક્ટર ડેકી વિન્ડાર્ટોના જણાવ્યા મુજબ તેઓ અનંત અંબાણીના અનુભવને લઈને તેનો વિરોધ નથી કરી રહ્યાં. અન્ય બે ડિરેક્ટર્સ અનંત અંબાણી કરતાં ત્રણ વર્ષો મોટા છે પરંતુ સમાન અનુભવ ધરાવે છે અને ગ્લાસ લ્યૂઈસ જણાવે છે. 26 ઓક્ટોબરે યોજાનારો શેરધારકનું વોટિંગ મુકેશ અંબાણીના સક્સેશન પ્લાન મહત્વનું છે. તાજેતરની વાર્ષિક સાધારણ સભામાં અંબાણીએ ગ્રૂપના બોર્ડમાં ઈશા, આકાશ અને અનંતના ત્રણ બાળકોની નોન-એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સ તરીકે નિમણૂંકની જાહેરાત કરી હતી. જે માટે શેરધારકોની મંજૂરી અનિવાર્ય બની રહેશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ તેમના ત્રણ બાળકોના મેન્ટર બનશે. જેથી તેઓ એક કલેક્ટીવ લીડરશીપ પૂરી પાડી શકે. તેઓ કંપનીના ચેરમેન અને એમડી તરીકે વધુ પાંચ વર્ષો માટે જવાબદારી જાળવી રાખશે એમ પણ ઉમેર્યું હતું. ગયા વર્ષે, રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના ચેરમેન તરીકે આકાશ અંબાણીનું નામ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઈશાને રિલાયન્સની રિટેલ પાંખના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર નીમવામાં આવ્યાં હતાં. જ્યારે અનંત ન્યૂ એનર્જી બિઝનેસની કામગીરી સંભાળે છે.
ઊંચી માગ પાછળ ઘઉંના ભાવ આંઠ મહિનાની ટોચે
મંગળવારે નવી દિલ્હી ખાતે ઘઉંના ભાવ 1.6 ટકા ઉછળી રૂ. 27,930 પ્રતિ ટન પર બોલાયા
છેલ્લાં છ મહિનામાં કોમોડિટીના ભાવમાં 22 ટકાની વૃદ્ધિ નોંધાઈ
ભારતીય બજારમાં ઘઉંના ભાવ મંગળવારે આંઠ-મહિનાની ટોચે બોલાયાં હતાં. તહેવારો પાછળ ઊંચી માગ અને તંગ પુરવઠા વચ્ચે ઘઉંના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. ઘઉંની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ હોવાથી ફ્લોર મિલ્સ તરફથી આયાતમાં પડતરના અભાવે સ્થાનિક પુરવઠા પર દબાણ જોવા મળી રહ્યું છે એમ વર્તુળો જણાવે છે.
ઘઉંના ભાવમાં અવિરત વૃદ્ધિ સરકારેને મુક્ત બજારમાં કેટલોક વધુ જથ્થો છૂટો કરવા માટે ફરજ પાડે તેવી શક્યતાં જોવાઈ રહી છે. ઉપરાંત, ધાન્ય પાકોની દેશમાં આયાત પર વસૂલવામાં આવતી ડ્યૂટીને દૂર કરવામાં આવે તેવી શક્યતાં પણ છે. દેશના મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓને જોતાં સરકાર માટે ઘઉં જેવા મુખ્ય સ્ટેપલ પાકના ભાવ નિયંત્રણમાં જળવાયેલા રહે તે મહત્વની બાબત છે. ઘઉંના ભાવમાં વૃદ્ધિ ફૂડ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ નોંતરી શકે છે. મંગળવારે નવી દિલ્હી ખાતે ઘઉઁના ભાવ 1.6 ટકા ઉછળી રૂ. 27,390 પ્રતિ ટનની સપાટીએ જોવા મળ્યાં હતાં. જે ચાલુ કેલેન્ડરમાં 10 ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ભાવ સપાટી હતી. છેલ્લાં છ મહિનામાં દેશમાં ઘઉંના ભાવમાં 22 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ પ્રમોદ કુમારના જણાવ્યા મુજબ તહેવારોની પાછળ ઘઉઁના ભાવમાં મજબૂતી નીકળી છે. સરકારે દેશમાં ભાવને અઁકુશમાં લાવવા માટે ડ્યુટી-ફ્રી આયાતની છૂટ આપવાની જરૂરિયાત છે એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, સરકાર ઘઉંની આયાત પર લાગુ 40 ટકા આયાત ડ્યુટીને ઘટાડવાની કોઈ યોજના નહિ ધરાવતી હોવાનું સરકારી વર્તુળોએ ગયા મહિને જણાવ્યું હતું.
ઓક્ટોબરની શરૂઆતમાં સરકારી ગોદામોમાં 2.4 કરોડ ટન ઘઉઁનો જથ્થો પ્રાપ્ય હતો. જે પાંચ વર્ષના 3.76 કરોડ ટનના સરેરાશ જથ્થાની સરખામણીમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે ઘઉંના ભાવમાં વૃદ્ધિનું કારણ આયાતનો અભાવ અને સરકાર તરફથી નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઘઉંની નીચી ખરીદી છે. 2023માં સરકાર તેણે નક્કી કરેલાં 3.415 કરોડ ટનના લક્ષ્યાંક સામે 2.62 કરોડ ટન ઘઉંની ખરીદી કરી શકી હતી. સરકારે 2023માં દેશમાં 11.274 કરોડ ટનના વિક્રમી ઘઉં ઉત્પાદનનો ટાર્ગેટ બાંધ્યો હતો. જોકે, વેપારી વર્તુળોના મતે સરકારના અંદાજ કરતાં ઉત્પાદન 10 ટકા જેટલું નીચું જોવા મળ્યું હતું. તેમના મતે આગામી મહિનાઓમાં સપ્લાયની સ્થિતિ વધુ તીવ્ર બને તેવી શક્યતાં છે. તેમજ ઘઉંના ભાવ રૂ. 30 હજાર પ્રતિ ટનની સપાટી પાર કરી જાય તેવું જોખમ રહેલું છે.
સરકાર બાસમતી ચોખાની MEPની સમીક્ષા કરે તેવી શક્યતાં
કેન્દ્ર સરકાર બાસમતીની નિકાસ માટે નિર્ધારિત કરેલી લઘુત્તમ નિકાસ પ્રાઈસ(MEP)ની સમીક્ષા કરે તેવી શક્યતાં છે. દેશમાંથી ચોખા નિકાસકારોએ સરકારને વર્તમાન 1200 ડોલર પ્રતિ ટનની એમઈપીને ઘટાડી 850 ડોલર કરવાનું જણાવતાં સરકાર આ અંગે વિચાર કરી શકે છે. ગયા મહિને સરકારે 1200 ડોલરથી નીચા ભાવે બાસમતીની નિકાસની છૂટ નહોતી આપી. જેને કારણે પ્રિમીયમ ચોખા તરીકે ખપાવી સસ્તાં ચોખાની ગેરકાયદે નિકાસ વધી હતી. સરકારે 27 ઓગસ્ટે એપેડાને 1200 ડોલરથી નીચે નિકાસ ઓર્ડર સાઈન નહિ કરવા માટે જણાવ્યું હતું. સરકાર દેશમાં ચોખાના સપ્લાયમાં વૃદ્ધિ માટેના પ્રયાસ કરી રહી છે. જોકે, હવે બાસમતીનો નવો પાક બજારમાં આવવાથી ભાવમાં ઘટાડાની શક્યતાં પાછળ સરકાર બાસમતીની એમઈપીમાં ઘટાડાની સમીક્ષા કરે તેવી શક્યતાં ઊભી થઈ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
બજાજ ફાઈનાન્સઃ દેશમાં ટોચની એનબીએફસીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3551 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં કુલ 85.3 લાખ નવા લોન એકાઉન્ટ્સ ખોલ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં 67.6 લાખની સરખામણીમાં 26 ટકા વધુ હતાં. કંપનીની ગ્રોસ એનપીએ 1.17 ટકા પરથી સુધરી 0.91 ટકા પર જોવા મળી હતી.
ડાબરઃ એફએમસીજી કંપનીએ જીએસટી હેઠળ રૂ. 320.6 કરોડની ટેક્સની માગણી કરતી નોટિસ મેળવી છે. કંપનીએ આ માગણી સામે લડવાનો નિર્ણય લીધો છે અને તે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ તેનો પ્રતિભાવ રજૂ કરશે એમ જણાવ્યું છે. કંપનીને સીજીએસટી એક્ટ, 2017 હેઠળ ઓછો ટેક્સ ચૂકવવા બદલ અથવા ટેક્સ નહિ ચૂકવવા બદલ આ નોટિસ પાઠવાઈ છે.
એનએલસી ઈન્ડિયાઃ કેન્દ્ર સરકારનું માઈનીંગ-કમ-પાવર સાહસ તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એનએલસી ઈન્ડિયા રિન્યૂએબલ્સ પાસે રહેલી 1421 મેગાવોટની રિન્યૂએબલ એનર્જી એસેટ્સના વેચાણની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેણે એનએલસી ઈન્ડિયા ગ્રીન એનર્જીની રચના કરી છે. જે ટેન્ડર્સમાં ભાગ લેશે અને પ્રોજેક્ટ્સ મેળવશે.
ગ્રાસિમઃ આદિત્ય બિરલા જૂથની કંપનીના બોર્ડે રાઈટ્સ ઈસ્યુ મારફતે રૂ. 4000 કરોડ ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંપની વર્તમાન કેપેક્સ માટે તેમજ અગાઉના ડેટની ચૂકવણી માટે ફંડ ઊભું કરશે. પ્રમોટર્સ અને પ્રમોટર્સ જૂથ કંપનીઓએ રાઈટ ઈશ્યુમાં ભાગ લેશે તેમ ખાતરી આપી છે. તેઓ તેમના રાઈટ્સના અધિકારને સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ કરશે.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 920 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 535 કરોડના નફાની સરખામણીમાં 72 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 29 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2432 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે રૂ. 1887 કરોડ પર હતી. કંપનીની અન્ય આવક 33 ટકા વધી રૂ. 668 કરોડ પર રહી હતી.