બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બેંકિંગ શેર્સ પાછળ શેરબજારમાં દબાણ જોવાયું
નિફ્ટી 19600 જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા વધી 11.82ના સ્તરે
નિફ્ટી ફાર્મા નવી ટોચે
એફએમસીજી, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી
નિફ્ટી બેંકમાં 1.4 ટકાનો ઘટાડો
વેરોક એન્જી., સોલાર ઈન્ડ., આઈઆરબી ઈન્ફ્રા નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સમાં નવું તળિયું
આરબીઆઈ તરફથી અનસિક્યોર્ડ લોન્સના રિસ્ક વેઈટેજમાં પાંચ ટકા વૃદ્ધિ પાછળ બેંકિંગ અને એનબીએફસી શેર્સમાં તીવ્ર વેચવાલી પાછળ શેરબજારમાં નરમાઈ જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 188 પોઈન્ટ્સ ગગડી 65795ની સપાટીએ જ્યારે નિફ્ટી50 33 પોઈન્ટ્સ ગગડી 19732ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, ખરીદી જળવાય હતી અને બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3864 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1996 કાઉન્ટર્સ ગ્રીન બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1736 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 360 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવ્યું હતું. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું બોટમ દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા વધી 11.82ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્કે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી અગાઉના 19765ના બંધ સામે 19675 પર ખૂલી એક સમયે 19806ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાર પછી સતત નેગેટિવ જળવાયો હતો. જોકે, 19700ની સપાટી જાળવી શક્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 19803ની સપાટીએ 68 પોઈન્ટ્સ પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં પ્રિમીયમ સમકક્ષ હતો. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશનના સંકેતો નથી. જે બજારમાં ઘટાડે ખરીદીનો વ્યૂહ અપનાવવા સૂચવે છે. ટેકનિકલી પણ માર્કેટ 19600-19700ની રેંજમાં સપોર્ટને ધ્યાને લોંગ રહી શકાય. ઉપરમાં 19800ની ઉપર ટકશે તો 20 હજારની સપાટી ફરી જોવા મળી શકે છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલ, લાર્સન, હીરો મોટોકોર્પ, એચયૂએલ, ડિવિઝ લેબ્સ, બજાજ ઓટો, ગ્રાસિમ, એશિયન પેઈન્ટ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, નેસ્લે, સિપ્લા, તાતા કન્ઝ્યૂમર, પાવર ગ્રીડ કોર્પો., એમએન્ડએમ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, બ્રિટાનિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એસબીઆઈ, એક્સિસ બેંક, ઓએનજીસી, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, હિંદાલ્કો, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટર દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજી, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી બેંકમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ફાર્મા લગભગ એક ટકો વધી નવી ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ઝાયડસ લાઈફ, સન ફાર્મા, બાયોકોન, લ્યુપિનમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી પણ 0.9 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, કોલગેટ, પીએન્ડજી, યુનાઈટેડ સ્પિરિટ્સ, એચયૂએલ, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, બ્રિટાનિયા, આઈટીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી કન્ઝ્મ્પ્શન 0.7 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એપોલો હોસ્પિટલ, મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, કોલગેટ, હીરો મોટોકોર્પ, બર્ગર પેઈન્ટ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, યુનાઈટેડ સ્પિરિટ્સ, એચયૂએલ, બજાજ ઓટો, ટ્રેન્ટ, એશિયન પેઈન્ટ્સમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, નિફ્ટી બેંક 1.31 ટકા ગગડ્યો હતો. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, બંધન બેંક, પીએનબી, આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક, બેંક ઓફ બરોડમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આઈઆરસીટીસી 4 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત, એસબીઆઈ લાઈફ, ટીવીએસ મોટર, એચડીએફસી એએમસી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એક્સાઈડ ઈન્ડ., ઓરોબિંદો ફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આરઈસી, મેક્સ ફાઈનાન્સિયલ, એચડીએફસી લાઈફ, મેરિકો, ભારત ઈલે, ભેલ, કેન ફિન હોમ્સ, દાલમિયા ભારત, ટોરેન્ટ ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ આરબીએલ બેંક, એલએન્ટી ફાઈનાન્સ, એબી કેપિટલ, એસબીઆઈ કાર્ડ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વેરોક એન્જી., સોલાર ઈન્ડ., આઈઆરબી ઈન્ફ્રા, જનરલ ઈન્શ્યોરન્સ, સોલાર ઈન્ડ, પીસીબીએલ, પ્રિઝમ જ્હોનસનનો સમાવેશ થતો હતો.
ઈમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં ભારતનું વજન છ વર્ષમાં બમણું
2018માં 8.2 ટકા સામે 2023માં ભારતનું વજન 16.3 ટકા
ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય કંપનીઓની સંખ્યા પણ 78 પરથી વધી 131 પર પહોંચી
ઈમર્જિંગ માર્કેટમાં ભારતીય શેરબજારના મહત્વમાં છેલ્લાં છ વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ(MSCI) EM ઈન્ડેક્સમાં ભારતીય કંપનીઓની સંખ્યામાં 70 ટકા વૃદ્ધિ જોવા મળી છે. આ પેસિવ ઈન્ડેક્સ 500 અબજ ડોલરનું ફંડ મેનેજમેન્ટ ધરાવે છે.
ચાલુ મહિનાની આખરમાં અમલી બનનારા એમએસસીઆઈના તાજા રિબેલેન્સિંગ પછી ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતનું વેઈટેજ 16.3 ટકાની સર્વોચ્ચ ટોચ પર પહોંચશે. જે 2018માં 8.2 ટકા પર જોવા મળતું હતું. બીજી બાજુ, ઈન્ડેક્સમાં ભારતીય કંપનીઓની સંખ્યા પણ વધી 131 પર પહોંચશે. જે 2018માં 78 પર જોવા મળતી હતી. આમ છેલ્લાં પાંચ વર્ષોમાં ભારતીય કંપનીઓની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. જે સ્થાનિક કોર્પોરેટ કંપનીઓના સતત સારા દેખાવને સૂચવે છે. આઈઆઈએફએલ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝના સિનિયર વાઈસ-પ્રેસિડેટ(અલ્ટરનેટીવ રિસર્ચ)ના જણાવ્યા મુજબ છેલ્લાં વર્ષોમાં ભારતના વેઈટેજમાં વૃદ્ધિ પાછળ ઘણા કારણો રહેલાં છે. જેમાં એક કારણ તો મોટા ફ્રિ-ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન સાથેની ભારતીય કંપનીઓની સંખ્યામાં વૃદ્ધિ એક ક્વોન્ટિટેટીવ પાસુ છે. જ્યારે બીજી બાજુ ભારત તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં વધુ સારી વૈવિધ્યતા પૂરી પાડી રહ્યું છે. જેમકે, તાઈવાનની વાત કરીએ તો તે માત્ર સેમીકંડક્ટર સેક્ટરમાં જ ઊંચું કોન્સન્ટ્રેશન ધરાવે છે. ચીનનું બજાર સતત અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. જ્યારે ભારત એકમાત્ર સતત વૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે. જેને કારણે ઈન્ડેક્સ પર તેનો પ્રભાવ વધ્યો છે. વ્યાપક ટ્રેકિંગ ધરાવતાં વૈશ્વિક ઈન્ડેક્સમાં ઊંચા પ્રતિનિધિત્વને કારણે અનેક સ્થાનિક કંપનીઓમાં ઊંચો ફ્લો મેળવવામાં સહાયતાં મળશે. નુવામા અલ્ટરનેટીવ એન્ડ ક્વોન્ટીટેટીવ રિસર્ચના હેડ જણાવે છે કે ઈન્ડેક્સમાં ભારતનું વેઈટેજ બમણુ કરવું એ નોઁધપાત્ર સિધ્ધિ છે. જેની પાછળના જવાબદાર પરિબળોમાં 2020માં વિદેશી માલિકીમાં વૃદ્ધિનો નિર્ણય, વ્યાપક બજારમાં તેજી અને ભારતની સરખામણીમાં હરિફ બજારોના પ્રમાણમાં અન્ડરપર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ચીનની વાત થઈ રહી છે. એનાલિસ્ટ ઉમેરે છે કે સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારો તરફથી સતત ઈનફ્લોને કારણે 2024 સુધીમાં એમએસસીઆઈ ઈમ ઈન્ડેક્સમાં ભારતનું વેઈટેજ 20 ટકાને પાર કરી જાય તેવી શક્યતાં રહેલી છે. મુખ્યત્વે દેશમાં ફોરેન પોર્ટફોલિયો ઈનફ્લો બે રીતે પ્રવેશતો હોય છે. જેમાં પેસિવ ફંડ્સ મારફતે ઈટીએફ્સ અને બીજું નોન-ઈટીએફ્સ મારફતે ફ્લો પ્રવેશે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઈટીએફ્સ મારફતે ઈનફ્લોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જેમકે સપ્ટેમ્બરમાં લિસ્ટેડ ગ્લોબલ ફંડ્સે ભારતીય ઈક્વિટી માર્કેટમાં 1.3 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જેને કારણે સમગ્ર મહિના દરમિયાન આઉટફ્લોને 50 કરોડ ડોલર પર નીચો જાળવવામાં સહાયતા મળી હતી. એમએસસીઆઈ ઈએમ ઈન્ડેક્સમાં ચીન પછી ભારત બીજા ક્રમનું સૌથી ઊંચું વેઈટેજ ધરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને વચ્ચેના ગાળામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. 2013માં ઈન્ડેક્સમાં ચીનનું વેઈટેજ 42.5 ટકા પર હતું. જે હાલમાં ઘટી 29.55 ટકા પર જોવા મળે છે. જ્યારે ભારતનું વેઈટેજ 6.4 ટકા પરથી વધી 16.3 ટકા પર પહોંચ્યું છે. ભારત વર્ષોથી પ્રાદેશિક બેન્ચમાર્ક્સમાં નીચું વેઈટેજ ધરાવતું હતું. જોકે, હવે સમય બદલાયો છે અને ભારતી કંપનીઓના ઊંચા વૃદ્ધિ દરને કારણે તેમનું વેઈટેજ ઝડપથી વધી રહ્યું છે.
MSCI EM ઈન્ડેક્સમાં ભારતીય કંપનીઓનું વધતું વર્ચસ્વ
કેલેન્ડર કંપનીઓની સંખ્યા
2018 78
2019 84
2020 96
2021 106
2022 115
2023 131
અદાણી એનર્જીની ESG ગ્લોબલ-રેટિંગ્સ સાથે સસ્ટેનેબલ ક્ષેત્રે આગેકૂચ
FTSE ESG સ્કોર 4 ગ્લોબલ ઇલેક્ટ્રિક યુટિલિટી સેક્ટરની સરેરાશ 2.7 કરતાં વધુ
સસ્ટેનાલિટીક્સનું ESG રિસ્ક રેટિંગ 31.5 જે ગ્લોબલ ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીની સરેરાશ 32.1 કરતાં વધુ
અદાણી જૂથના વૈશ્વિક પોર્ટફોલિયોના ભાગરૂપ ભારતમાં ખાનગી ક્ષેત્રે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સૌથી મોટી અદાણી એનર્જી સોલ્યુશન્સે પર્યાવરણ સંબંધી ESG નિયમોના અમલીકરણ માટે ટોચનું રેટિંગ ધરાવતી કંપનીઓમાં સ્થાન મેળવવાની દીશામાં હરણફાળ ભરી છે. કંપનીએ વિવિધ થર્ડ-પાર્ટી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી આકારણીમાં ચાલુ નાણાકીય વર્ષ ના જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં ESG કામગીરીના રેટિંગ્સમાં નોંધપાત્ર સુધારો નોંઘાવ્યો છે.
કંપનીનું જુલાઈની આખરમાં અદાણી ટ્રાન્સમિશનમાંથી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના નામે નામકરણ કરાયું હતું. કંપનીના વ્યૂહાત્મક પગલાં અને ESG સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને અનુરૂપ ગ્લોબલ ESG રેટિંગ એજન્સી CSRHUB તરફથી કંપનીને 86 ટકાનો પ્રભાવશાળી સ્કોર મળ્યો છે. જે વૈશ્વિક સ્તરે અગ્રણી દેખાવ છે. AESLનો 911નો સ્કોર ઇલેક્ટ્રીક અને ગેસ યુટિલિટીઝ ઉદ્યોગની વૈશ્વિક કંપનીઓની સરેરાશને વટાવી ગયો છે. ESG સંશોધન અને ડેટામાં ગ્લોબલ લીડર અને વિશ્વના અગ્રણી સંસ્થાકીય રોકાણકારો અને કોર્પોરેશનોને સેવા આપતા સસ્ટેનાલિટીક્સે AESL ને 31.5 નું ESG રિસ્ક રેટિંગ આપ્યું છે, જે વૈશ્વિક ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીની સરેરાશ 32.1 (ઓછુ જોખમ) સૂચવે છે. આ સિદ્ધિ AESLને ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત ગ્લોબલ ટોપ 40માં સ્થાન આપે છે, આ પર્યાવરણીય પ્રભારી અને સામાજિક જવાબદારી પ્રત્યે AESLની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વધુમાં MSCI એ AESL ને ‘BBB’ નું સ્થિર ESG રેટિંગ આપ્યું છે, જે મજબૂત ESG પ્રદર્શન માટે AESL ના સમર્પણને અન્ડરસ્કોર કરે છે. શેરબજાર સૂચકાંકો અને પોર્ટફોલિયો એનાલિટિક્સ સાધનોની અગ્રણી વૈશ્વિક પ્રોવાઈડર મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ (MSCI) રોકાણકારો તેમજ તેના દ્વારા નાણાકીય બજારો અને રોકાણ પોર્ટફોલિયોના પ્રદર્શન ઉપર સતત નજર રાખી મૂલ્યાંકન કરે છે. 2023ની આખરમાં અદાણી સમૂહ ભારતભરમાં તેના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો આસપાસના વિસ્તારોમાં સમગ્રતયા 10 કરોડ વૃક્ષો વાવવા પ્રતિબધ્ધ છે જેમાંથી 3 કરોડ વૃક્ષોની વાવણી થઈ ચૂકી છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર્સના પ્લેજ્ડ હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો
જૂન ક્વાર્ટરની આખરમાં 1.36 ટકા પરથી પ્લેજ્ડ હિસ્સો સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં ઘટી 1.22 ટકા પર જોવા મળ્યો
પ્લેજ્ડ શેર્સમાં ઘટાડો કંપનીના પ્રમોટર્સના સ્ટ્રેસમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે
દેશમાં ટોચની 500 કંપનીઓના પ્રમોટર્સના પ્લેજ્ડ શેર્સમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ કંપનીઓના પ્રમોટર્સ જૂન 2023ની આખરમાં 1.36 ટકા પ્લેજ્ડ શેર્સ ધરાવતાં હતાં. જે પ્રમાણ સપ્ટેમ્બર 2023ની આખરમાં ઘટી 1.22 ટકા પર જોવા મળ્યું હતું એમ કોટક સિક્યૂરિટીઝનો એક અભ્યાસ સૂચવે છે. આ ઘટના કંપનીના પ્રમોટર્સના તણાવમાં ઘટાડાનો સંકેત છે.
રિપોર્ટ જણાવે છે કે બીએસઈ-500 ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 82 કંપનીઓના પ્રમોટર્સ સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં તેમના હોલ્ડિંગ્સનો આંશિક પ્લેજ ધરાવતાં હતાં. ક્વાર્ટરની આખરમાં પ્રમોટર્સ તરફથી પ્લેજ્ડ શેર્સનું મૂલ્ય રૂ. 1.8 લાખ કરોડ થતું હતું. જે બીએસઈ-500 ઈન્ડેક્સના કુલ માર્કેટ-કેપિટલાઈઝેશનના 0.61 ટકા જેટલું હતું. એક વાત નોંધવી રહી કે પ્લેજિંગનો અર્થ એવો નથી જ કે કંપની કે તેના પ્રમોટર નાણાકિય તણાવ હેઠળ છે. બેંક્સ તરફથી અધિક સિક્યૂરિટીના ભાગરૂપે પ્રમોટર હિસ્સાની માગણી કરવામાં આવતી હોય છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં જોવા મળતાં કેટલાંક મહત્વના સંકેતોમાં જૂથમાં સમાવિષ્ટ એક પણ કંપનીના પ્રમોટર 75 ટકાથી વધુ હિસ્સાનું પ્લેજ નહોતા ધરાવતાં. કેટલીક કંપનીઓ કે જેમના પ્રમોટર પ્લેજમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. તેમાં ટીટીકે પ્રેસ્ટીજ, ઈન્ડસઈન્ડ બેંક, રામ્કો સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. આનાથી બીજી બાજુ જે કંપનીઓના પ્રમોટર્સના પ્લેજમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સુઝલોન એનર્જી, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, સોભા અને ઈમામીનો સમાવેશ થાય છે. ટીટીકે પ્રેસ્ટીજના પ્રમોટરે નવેસરથી પ્લેજ કર્યું હતું.
નિફ્ટી-50 બેન્ચમાર્કમાં સમાવેશ પામતી કંપનીઓમાં પાંચ ટકાથી વધુ પ્રમોટર હિસ્સાનું પ્લેજિંગ ધરાવતી કંપનીઓમાં એપોલો હોસ્પિટલ્સ(16.1 ટકા), એશિયન પેઈન્ટિસ(6.5 ટકા), ઈન્ડસઈન્ડ બેંક(47.3 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ(14.1 ટકા)નો સમાવેશ થાય છે. જીએમઆર એરપોર્ટ્સ, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને મેડપ્લસ હેલ્થ સર્વિસિઝના પ્રમોટર્સનો ઊંચું પ્લેજિંગ ધરાવે છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્લેજિંગમાં ઘટાડો કરનાર કંપની
કંપની જૂન ક્વાર્ટરમાં પ્લેજ્ડ હિસ્સો(ટકામાં) સપ્ટે. ક્વાર્ટરમાં પ્લેજ્ડ હિસ્સો(ટકામાં)
મેક્સ ફાઈ. 93.3 58.7
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 34.3 13.3
ઈમામી 33.3 17.7
અદાણી પાવર 25.1 16.2
રેમન્ડ 21.9 14.6
અશોક લેલેન્ડ 19.0 15.0
લેમન ટ્રી 6.4 3.3
કલ્પતરૂ પ્રોજેક્ટ્સ 47.0 44.6
જીએમઆર એરપોર્ટ્સ 71.0 68.7
તાતા ટેક IPO પાછળ તાતા ઈન્વેસ્ટમેન્ટ 20 ટકા ઉછળ્યો
છેલ્લાં વર્ષમાં કંપનીના શેરે 80 ટકાથી વધુનું રિટર્ન આપ્યું
તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનો શેર શુક્રવારે 20 ટકા ઉછળ્યો હતો. તાતા ટેક્નોલોજીસના આઈપીઓના લિસ્ટીંગ પાછળ વેલ્યૂ અનલોકિંગને કારણે શેરના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. તાતા ટેક એ તાત મોટર્સની સબસિડિયરી છે. જેમાં તાતા ઈન્વેસ્ટમેન્ટ એક પ્રમોટર કંપની છે.
એનબીએફસી કંપની એવી તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લોંગ-ટર્મ ઈન્વેસ્ટમેન્ટ્સમાં સંડોવાયેલી છે. તેમજ તે ઈક્વિટી સંબંધિત સિક્યૂરિટીઝમાં પણ રોકાણ કરે છે. તાતા મોટર્સ ઉપરાંત તે તાતા જૂથની અન્ય છ લિસ્ટેડ કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. જેમાં તાતા કેમિકલ્સ, તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ટ્રેન્ટ, તાતા એલેક્સી, તાતા સ્ટીલ અને ટીસીએસનો સમાવેશ થાય છે. શુક્રવારે તાતા ઈન્વેસ્ટમેન્ટનો શેર 20 ટકાની ઉપર સર્કિટમાં રૂ. 3908.90ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 19,777 કરોડ પર જોવા મળતું હતું. કંપનીના શેરમાં વાર્ષિક તળિયું રૂ. 1730 પર જોવા મળતું હતું. બીએસઈ ખાતે શુક્રવારે 24.69 લાખ શેર્સનું ટ્રેડિંગ જોવા મળતું હતું. કેલેન્ડર 2023માં શેરમાં 80 ટકા ઉછાળો નોંધાયો હતો. તાતા મોટર્સની સબસિડિયરી તાતા ટેક્નોલોજી આગામી 22 નવેમ્બરે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી રહી છે. કંપની રૂ. 3042 કરોડની રકમ માર્કેટમાંથી ઉઘરાવવા જઈ રહી છે.
અનસિક્યોર્ડ લોન રિસ્ક વેઈટેજ વધતાં લેન્ડર્સ વ્યાજ દર વધારે તેવી સંભાવના
રિસ્ક વેઈટમાં ઊછાળાને પગલે લેન્ડર્સે લોન્સ સામે ઊંચી મૂડી બાજુમાં રાખવી પડશે જેને મૂડી પર્યાપ્તતા દર પર અસર પડશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ કન્ઝ્યૂમર લોન્સને લઈ લીધેલાં તાજેતરના પગલાંની અસરે બેંક્સ અને એનબીએફસી કંપનીઓ કેટલાંક સેગમેન્ટ્સમાં વ્યાજ દરમાં વૃદ્ધિ કરી શકે છે એમ નિષ્ણાતોનું કહેવું છે. જેને પગલે બેંક્સ અને એનબીએફસીના નફા પર આગામી ક્વાર્ટર્સમાં કેટલુંક દબાણ પણ જોવા મળી શકે છે એમ નિષ્ણાતોનું માનવું છે. આરબીઆઈએ બેંક્સ અને એનબીએફસીની કન્ઝ્યૂમર લોન્સ પરના રિસ્ક વેઈટમાં 16 નવેમ્બરે 25 ટકા વૃદ્ધિ કરી હતી.
અગાઉ બેંક્સ 125 ટકાનું રિસ્ક વેઈટ જ્યારે એનબીએફસી 100 ટકાનું રિસ્ક વેઈટ આકર્ષતી હતી. જોકે, આરબીઆઈના પગલાં પછી આ રેશિયો બેંક માટે 150 ટકા અને એનબીએફસી માટે 125 ટકા પર જોવા મળશે. કન્ઝ્યૂમર લોન્સમાં ક્રેડિટ કાર્ડ્સ, કેટલીક પર્સનલ અને રિટેલ લોન્સનો સમાવેશ થાય છે. રિસ્ક વેઈટમાં વૃદ્ધિનો અર્થ એવો છે કે લેન્ડર્સે આવી લોન્સ સામે ઊંચી મૂડી બાજુ પર રાખવાની રહેશે. ઉદ્યોગ વર્તુળોના મતે આ ઘટનાને કારણે આગામી કેટલાંક ક્વાર્ટર્સમાં બેંક્સ અને એનબીએફસીના કન્ઝ્યૂમર લોન્સ પરના એક્સપોઝર પર માર્જિનલ દબાણ જોવા મળશે. આરબીઆઈના ભૂતપૂર્વ ડેપ્યૂટી ગવર્નર આર ગાંધીના જણાવ્યા મુજબ આ પગલાંને કારણે બેંક્સ તરફથી કેટલાંક સેગમેન્ટ્સમાં જોવા મળતી વૃદ્ધિની ઝડપમાં આપમેળે ઘટાડો જોવા મળશે. જેને કારણે નફામાં પણ ઘટાડો નોંધાશે. નફાનો આધાર બેંક્સ અધિક મૂડી માટેનો ખર્ચ કેટલાં અંશે બોરોઅર પર પસાર કરી શકે છે તેના પર રહેશે. અગાઉ બેંક્સ અને એનબીએફસીના અનસિક્યોર્ડ અને કન્ઝ્યૂમર લોન્સમાં વધી રહેલા એક્સપોઝર અંગે ઘણી ચર્ચા જોવા મળી હતી. વધુમાં, કેટલીક કન્ઝ્યૂમર લોન્સમાં વૃદ્ધિને ધીમી પાડવા માટે બેંક્સ અને એનબીએફસીએ તેમના ધિરાણ દરોમાં વૃદ્ધિ કરવાની રહેશે.
પર્સનલ-લોન નિયમોમાં બદલાવ પાછળ બેંકિંગ-એનબીએફસી શેર્સ તૂટ્યાં
આરબીએલ બેંક, એસબીઆઈ કાર્ડ જેવી કંપનીઓના શેર્સ 10 ટકા સુધી ગગડ્યાં
એસબીઆઈ કાર્ડ્સના એયૂએમનું 100 ટકા રકમ અનસિક્યોર્ડ લોન્સ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પર્સનલ લોન્સ અને ક્રેડિટ કાર્ડ્સને લઈને નિયમોને સખત બનાવતાં આરબીએલ બેંક, એસબીઆઈ કાર્ડ્સ સહિતની કંપનીઓના શેર્સમાં શુક્રવારે સવારના ભાગમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. મધ્યસ્થ બેંકે ગુરુવારે કન્ઝ્યૂમર લોન્સ પરના રિસ્ક વેઈટમાં વૃદ્ધિની જાહેરાત કરી હતી. જેની પાછળ આ કંપનીઓના શેર્સ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. અનસિક્યોર્ડ લોન્સને લઈને વધી રહેલી ચિંતાને ધ્યાનમાં રાખી આરબીઆઈએ આ પગલું ઉઠાવ્યું હતું.
બેંકના પગલાંને કારણે બેંકિંગ કંપનીઓ તથા એનબીએફસીની મૂડી જરૂરિયાતમાં વૃદ્ધિ થશે. જે અનસિક્યોર્ડ કસ્ટમર લોન્સમાં રેટ વૃદ્ધિનું કારણ બની શકે છે. આરબીએલ બેંક અને એસબીઆઈ કાર્ડ ઊંચો ક્રેડિટ કાર્ડ હિસ્સો ધરાવતાં હોવાથી તેમના પર આરબીઆઈના પગલાંની સૌથી ઊંચી અસર જોવા મળશે એમ નૂવામા ઈન્સ્ટીટ્યૂશ્નલ ઈક્વિટીઝ જણાવે છે. એસબીઆઈ કાર્ડ કંપનીના કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટમાં 100 ટકા અનસિક્યોર્ડ લોન્સ ધરાવે છે. આમ, તેના પર આરબીઆઈના પગલાની સૌથી પ્રતિકૂળ અસર જોવા મળશે. આરબીએલ બેંકની વાત કરીએ તો તેની કુલ લોનમાં 31.8 ટકા હિસ્સો અનસિક્યોર્ડ લોન્સનો છે. નૂવામાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર આખરમાં એસબીઆઈ કાર્ડ્સ માટે કેપિટલ એડિક્વસિ રેશિયો 23.3 ટકા પર હતો. જેમાં આરબીઆઈના વર્તમાન પગલાને કારણે 4.2 ટકાનો ઘટાડો જોવા મળશે.
RBIએ એક્સિસ બેંક, મણ્ણાપુરમ ફાઈનાન્સ પર દંડ ફટકાર્યો
સેન્ટ્રલ બેંકે આનંદ રાઠી ગ્લોબલ ફાઈનાન્સ પર પણ રૂ. 20 લાખનો દંડ લાગુ પાડ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે એક્સિસ બેંક પર રૂ. 90.92 લાખની પેનલ્ટી લાગુ પાડી હતી. તેમજ ગોલ્ડ ફાઈનાન્સ પૂરું પાડતી મણ્ણાપુરમ ફાઈનાન્સને રૂ. 42.78 લાખનો દંડ ફટકાર્યો હતો. બંને કંપનીઓને મધ્યસ્થ બેંકની કેટલીક માર્ગદર્શિકાઓના ભંગ બદલ દંડ લાગુ પાડવામાં આવ્યો હતો.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 2016માં જાહેર કરેલી કેટલીક માર્ગદર્શિકાઓનું પાલન નહિ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે 2 નવેમ્બરે એક્સિસ બેંક પર એક આદેશ જારી કરી રૂ. 90.92 લાખનો દંડ લાગુ પાડ્યો હતો. જેમાં નોંધ્યું હતું કે આ પગલું કેટલીક નિયમનકારી બાબતોના પાલનમાં ઊણપ બદલ લાગુ પાડવામાં આવ્યો છે. એક અન્ય નિવેદનમાં આરબીઆઈએ થ્રીસૂર સ્થિત મણ્ણાપુરમ ફાઈનાન્સ પર પણ એનબીએફસી સંબંધી કેટલાંક નિયમોનું પાલન નહિ કરવા બદલ રૂ. 42.78 લાખની પેનલ્ટી લાગુ પાડી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આનંદ રાઠી ગ્લોબલ ફાઈનાન્સ લિમિટેડ પર પણ 2016ની કેવાયસી માર્ગદર્શિકાઓનું પાલન નહિ કરવા બદલ દંડ ફટકારાયો હતો.
ભારત હજુ ઈન્ફ્લેશનની ચિંતામુક્ત નથી બન્યુઃ RBI
સેન્ટ્રલ બેંકરના મતે 13 નવેમ્બર સુધીનો ડેટા સૂચવે છે કે કઠોળ અને જાડાં ધાન્યોના ભાવમાં વધુ મજબૂતી જોવા મળી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ ગુરુવારે પ્રગટ કરેલા નવેમ્બર બૂલેટિનમાં નોંધ્યું હતું કે ભારત હજુ મોંઘવારીના દબાણમાંથી મુક્ત નથી બન્યું પરંતુ છેલ્લાં બે મહિનામાં રિટેલ ઈન્ફ્લેશનમાં ઘટાડાએ થોડી રાહત પૂરી પાડી છે.
બૂલેટીનમાં ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’ આર્ટિકલમાં આરબીઆઈએ નોંધ્યું છે કે હજુ આપણે ફુગાવાની સમસ્યામાંથી બહાર નથી આવ્યાં અને હજુ તેના માટે ઘણી વાર લાગશે, જોકે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અનુક્રમે 5 ટકા અને 4.9 ટકાનું કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન એક રાહતની બાબત છે. અગાઉ નાણા વર્ષ 2022-23માં તે સરેરાશ 6.7 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે જુલાઈ-ઓગસ્ટમાં તે 7.1 ટકા પર રહ્યું હતું. ઓક્ટોબરમાં વાર્ષિક રિટેલ ઈન્ફ્લેશન 4.87 ટકાના ચાર-મહિનના તળિયા પર જોવા મળ્યું હતું. જોકે, હજુ પણ તે આરબીઆઈના 4 ટકાના ટાર્ગેટ ઉપર જોવા મળ્યું હતું. બેંકની અપેક્ષા મુજબ 2023-24માં તે સરેરાશ 5.4 ટકાની સપાટીએ જોવા મળશે. બેંકના મતે 13 નવેમ્બર સુધીમાં હાઈ-ફ્રિકવન્સી ફૂડ પ્રાઈસ ડેટા સૂચવે છે કે ચાલુ મહિને જાડાં ધાન્યો અને કઠોળના ભાવ વધુ મજબૂત બન્યાં છે. જ્યારે બીજી બાજુ ખાદ્ય તેલોના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. આરબીઆઈના મતે ભારતની આર્થિક વૃદ્ધિનો આધાર સ્થાનિક માગ આધારિત છે. જે બાહ્ય આંચકાઓ સામે એક કૂશન પુરું પાડે છે. બૂલેટિનમાં નોંધ્યા મુજબ ભારતનું બાહ્ય સેક્ટર મધ્યમસરની ચાલુ ખાધાની ખાધ સાથે મજબૂત જોવા મળે છે. ભારતીય ચલણ વિશ્વમાં સૌથી ઓછું વોલેટાઈલ રહ્યું છે. જેની પાછળ મજબૂત વિદેશી હૂંડિયામણ લેવલ જવાબદાર છે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ ઊંચકાયો છે અને તહેવારોની માગ પાછળ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે જીડીપી વૃદ્ધિ દર ઊંચો જોવા મળે તેવી શક્યતાં છે. સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઊંચી વૃદ્ધિને કારણે ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પણ ઊંચી જોવા મળી રહી છે એમ બેંકે નોંધ્યું છે.
ડેલ્હીવેરીમાં હિસ્સો વેચી સોફ્ટ બેંકે રૂ. 747 કરોડ મેળવ્યાં
ઈ-કોમર્સ લોજિસ્ટીક્સ કંપની ડેલ્હીવેરીમાં જાપાનીઝ ટેક જાયન્ટ સોફ્ટબેંક તરફથી 2.51 ટકા ઈક્વિટી હિસ્સાના વેચાણ મારફતે રૂ. 747 કરોડ ઊભા કરવામાં આવ્યાં હોવાની શક્યતાં છે. અગાઉ ગુરુવારે સાંજે વર્તુળોએ જણાવ્યુ હતું કે સોફ્ટ બેંક તેની પેટાકંપની એસવીએફ ડોરબેલ(કાયમેન) મારફતે ડેલ્હીવેરીમાં રૂ. 1248 કરોડના હિસ્સાનું વેચાણ કરી શકે છે. શુક્રવારે આ હિસ્સા વેચાણ પાછળ ડેલ્હીવેરીનો શેર 3 ટકા નીચે રૂ. 402.80ની સપાટીએ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. એસવીએફ ડોરબેલ ડેલ્હીવેરીમાં ગુરુવાર સાંજ સુધી 14.46 ટકા હિસ્સો ધરાવતી હતી. આ બ્લોક ડીલ કોટક મહિન્દ્રા કેપિટલ તરફથી ફેસિલિટેટ કરવામાં આવ્યું હતું. શુક્રવારે ડેલ્હીવેરીના 1.8 કરોડ શેર્સના હાથ બદલો થયો હતો. ગયા મહિને સોફ્ટબેંકે ઝોમેટોમાં રૂ. 1000 કરોડ આસપાસ આંશિક હિસ્સાનું વેચાણ કર્યું હતું. અગાઉ ઓગસ્ટમાં પણ તે ઝોમેટોમાં રૂ. 940 કરોડના શેર્સ વેચ્યાં હતાં. ઓક્ટોબરની આખરમાં તેણે પીબી ફિનટેકમાં રૂ. 876 કરોડનો હિસ્સો વેચ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ દેશમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી કંપનીની સબસિડિયરીઝમાં અંબાણી પરિવારના સભ્યોની બોર્ડમાં નિમણૂંક માટે આરબીઆઈની મંજૂરી મળી ચૂકી છે. જેમાં જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ઈશઆ મુકેશ અંબાણી અને અન્ય બે ડિરેક્ટર્સની નિમણૂંક માટે મંજૂરી મળી છે. અન્ય બે ડિરેક્ટર્સમાં અંશુમાન ઠાકુર અને હિતેશ કુમાર સેઠિયાનો સમાવેશ થાય છે એમ જીઓ ફાઈ. સર્વિસિઝે જણાવ્યું હતું.
ઓએનજીસીઃ સરકારી ક્રૂડ ઓઈલ ઉત્પાદક ચાલુ મહિને 5 અબજ ડોલરના ડીપ-વોટર પ્રોજેક્ટમાંથી ઉત્પાદન શરૂ કરશે. આ પ્રોજેક્ટ ક્રિષ્ણા ગોદાવરી બેસીનમાં આવેલો છે. જ્યાંથી લાંબા સમયથી ઉત્પાદન વિલંબમાં જોવા મળી રહ્યું છે. એફપીએસઓ તરીકે ઓળખાતું આ ફ્લોટિંગ પ્રોડકઅશન યુનિટ્સ બ્લોકમાં રહેલાં ઓઈલ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાશે. કેટલીક ડેડલાઈનને ચૂકી ગયા પછી ઓએનજીસીએ શાપૂરજી પાલોનજી ઓઈલ એન્ડ ગેસને ચાલુ મહિને ઓઈલ મેળવવા તૈયાર રહેવા જણાવ્યું છે.
જેએસડબલ્યુ ઈન્ફ્રાઃ તાજેતરમાં શેરબજાર પર લિસ્ટ થયેલી કંપનીએ કર્ણાટકમાં કેની ખાતે ઓલ-વેધર, ડીપ-વોટર ગ્રીનફિલ્ડ પોર્ટના ડેવલપમેન્ટ માટે બીડ મેળવ્યું હોવાનું જણાવ્યું છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 4119 કરોડ થવા જાય છે. કર્ણાટક સરકારના કર્ણાટક મેરીટાઈમ બોર્ડે આ કોન્ટ્રેક્ટ ઈસ્યુ કર્યો છે. જેમાં શરૂઆતમાં 3 કરોડ ટનની ક્ષમતા બાંધવાની રહેશે. કંપની પ્રોજેક્ટ માટે એકમાત્ર બીડર તરીકે જાહેર થયાના નવ મહિના પછી ઓર્ડર આપવામાં આવ્યો છે.
ટેલિકોમ કંપનીઝઃ રિલાયન્સ જીઓએ ઓગસ્ટમાં નવા 32.4 લાખ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યાં હતાં એમ ટ્રાઈનો ડેટા સૂચવે છે. બીજી બાજુ વોડાફોન આઈડિયાએ 49,782 ગ્રાહકો ગુમાવ્યા હતાં. જે જુલાઈમાં તેણે ગુમાવેલા 12 લાખ ગ્રાહકોની સંખ્યા કરતાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. બીજા ક્રમની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે ઓગસ્ટમાં 12.17 લાખ ગ્રાહકોને ઉમેર્યાં હતાં.
ટીસીએસઃ આઈટી સર્વિસ જાયન્ટે તેની રૂ. 17 હજાર કરોડની બાયબેક ઓફર માટે 25 નવેમ્બરને રેકર્ડ ડેટ તરીકે નિર્ધારિત કરી છે. કંપનીએ અગાઉ સપ્ટેમ્બર ક્વાર્ટર પરિણામની રજૂઆત સાથે બાયબેકની જાહેરાત કરી હતી. જે મુજબ તે રૂ. 4150 પ્રતિ શેરના ભાવે શેર ખરીદશે. છેલ્લાં ચાર વર્ષોમાં આઈટી જાયન્ટની આ ચોથી બાયબેક ઓફર છે.