બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ હવે 16600 કૂદાવ્યું
ભારતીય બજાર હાથીની ચાલ દર્શાવી રહ્યું છે. તે વિશ્વના અન્ય બજારોને નજરઅંદાજ કરીને પોતાની મસ્તીમાં મગ્ન જોવા મળે છે. મંગળવારે ચીનનું બજાર 2 ટકા ડાઉન હોવા છતાં ભારતીય બજારે શરૂઆતી હાફમાં જોવા મળતો સાધારણ ઘટાડો ભૂંસીને આખરે પોઝીટીવ બંધ આપ્યું હતું. નિફ્ટી 51.55 પોઈન્ટ્સના સુધારા સાથે 16615ની સપાટી પર બંધ આવ્યો હતો. બજારને આઈટી અને એફએમસીજી ક્ષેત્રોનો સપોર્ટ સાંપડ્યો હતો. જોકે બેંક નિફ્ટી 0.63 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ નવી ટોચ પર
મંગળવારે સ્થાનિક બજારને સપોર્ટ પૂરો પાડવામાં આઈટી સાથે એફએમસીજી ક્ષેત્ર પણ જોડાયું હતું. નિફ્ટી એફએમસીજી 1.42 ટકા સુધારા સાથે 37478.55ના સ્તરે પર બંધ રહ્યો હતો. એફએમસીજી ઈન્ડેક્સના મુખ્ય ઘટકોમાં ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સનો શેર 4 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. આ સિવાય જ્યુબિલિઅન્ટ ફૂડ્ઝે પણ 3.7 ટકા સાથે નવી ટોચ દર્શાવી હતી. મજબૂતી દર્શાવનાર અન્ય કાઉન્ટર્સમાં ઈમામી, નેસ્લે, એચયૂએલ અને વરુણ બેવરેજિસનો સમાવેશ થતો હતો.
વોડાફોન આઈડિયાની ડેટ રિફાઈનાન્સિંગ માટે મંત્રણા
મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી વોડાફોન આઈડિયા તેના આગામી ચાર-છ મહિનામાં પરત ચૂકવવાના થતાં રૂ. 6000 કરોડના ડેટના રિફાઈનાન્સિંગ માટે બોન્ડ હોલ્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. ટેલિકોમ ક્ષેત્રે તીવ્ર સ્પર્ધાને કારણે કંપનીની કામગીરી પર અસર પડી છે. જ્યારે બીજી બાજુ તે રૂ. 1.9 લાખ કરોડનું ઋણ ધરાવે છે. જેને કારણે કંપની પાસે નેટવર્ક અપગ્રેડેશન માટે કોઈ સરપ્લસ રહેતી નથી. કંપનીના રૂ. 25 હજાર કરોડ ઊભા કરવાના પ્લાનને પણ રોકાણકારો તરફથી પોઝીટીવ પ્રતિસાદ સાંપડ્યો નથી.
સોનુ-ચાંદીમાં મક્કમ અન્ડરટોન
વૈશ્વિક બજારમાં સુધારા પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે પણ સોનું-ચાંદી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ઓક્ટોબર ગોલ્ડ વાયદો રૂ. 221ના સુધારે 47446 સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે સતત બીજા દિવસે રૂ. 47 હજારની સપાટી જાળવી રાખી હતી. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1800 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યું હતું. જો તે 1800 ડોલરની સપાટી વટાવશે તો ઝડપી સુધારો દર્શાવે તેવું એનાલિસ્ટ્સ માને છે. ગોલ્ડની સરખામણીમાં જોકે ચાંદી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહી છે. એમસીએક્સ સપ્ટેમ્બર સિલ્વર વાયદો રૂ. 170ના સાધારણ સુધારે રૂ. 63627ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
કોટનમાં ખાંડીએ રૂ. 200નો સુધારો
નવી સિઝન શરૂ થવાને હજુ એક મહિનાની વાર છે ત્યારે કોટનના ભાવમાં મજબૂતી જળવાયેલી છે. સારી ક્વોલિટીના કોટનના ભાવ સપ્તાહ દરમિયાન ખાંડીએ રૂ. 200ના સુધારા સાથે રૂ. 57700ના સ્તરે જોવા મળતાં હતાં. બજાર વર્તુળોના મતે ક્વોલિટી માલોની અછત જોવા મળી રહી છે. સીસીઆઈ પાસે ખૂબ ઓછો માલ પડ્યો છે. ઉત્તરમાં નવા પાકોની શરૂઆત થઈ છે.
કેલન્ડરના બીજા હાફમાં પણ વૈશ્વિક સ્તરે ભારતીય બજારનો દબદબો
જૂન મહિનાના બંધ ભાવથી મંગળવાર સુધી અગ્રણી સૂચકાંકોમાં 6.31 ટકા રિટર્ન સાથે સેન્સેક્સ મોખરે
ભારતીય બજાર બાદ ફ્રાન્સ, યુએસ, જર્મની અને યૂકેના બજારોનો સારો દેખાવ
ઈમર્જિંગ માર્કેટ્સમાં ચીન, બ્રાઝિલ, તાઈવાન, કોરિયા અને હોંગ કોંગના બજારોમાં 10 ટકા સુધીનો ઘટાડો
જુલાઈ મહિનાથી શરૂ થયેલા કેલેન્ડર 2021ના બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં ભારતીય બજાર અવ્વલ જોવા મળે છે. વિશ્વના અગ્રણી વિકસિત અને વિકાસશીલ બેન્ચમાર્ક્સની સરખામણીમાં ભારતીય સૂચકાંકોનો દેખાવ ચઢિયાતો રહ્યો છે. 30 જૂનના બંધ ભાવથી મંગળવારના બંધ ભાવને ગણનામાં લઈએ તો બીએસઈ સેન્સેક્સે 6.31 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જે ટોચના 15 સૂચકાંકોમાં સૌથી ઊંચું છે. બીજા ક્રમે 5.68 ટકા સાથે એનએસઈનો નિફ્ટી-50 આવે છે. આમ બંને ભારતીય બેન્ચમાર્ક્સ દેખાવમાં ટોચ પર છે.
આશ્ચર્યની બાબત એ છે કે ઈમર્જિંગ માર્કેટ્સમાં એકમાત્ર ભારતીય બજારે છેલ્લા દોઢ મહિનામાં નોંધપાત્ર દેખાવ દર્શાવ્યો છે. જ્યારે બાકીના મોટાભાગના ઈમર્જિંગ માર્કેટ્સ નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. ભારતીય બજાર બાદ સારો દેખાવ દર્શાવવામાં વિકસિત બજારોનો સમાવેશ થાય છે. જેમકે ત્રીજા ક્રમે ફ્રાન્સનો કેક 4.6 ટકા રિટર્ન સાથે જોવા મળે છે. જ્યારબાદ એસએન્ડપી 500(4.24 ટકા), ડાઉ જોન્સ(3.25 ટકા), જર્મનીનો ડેક્સ(2.3 ટકા), નાસ્ડેક(2 ટકા) અને યૂકેનો ફૂટ્સી(1.78 ટકા)નો ક્રમ આવે છે. ઈમર્જિંગ બજારોમાં ભારત ઉપરાંત એકમાત્ર રશિયન માર્કેટ 1.5 ટકા સાથે પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યું છે. જ્યારે બ્રાઝિલ, ચીન, કોરિયા, તાઈવાન અને હોંગ કોંગના બજારો 10 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. મંગળવારે 2 ટકાના દૈનિક ઘટાડા સાથે ચીનનો શાંઘાઈ કંપોઝીટ છેલ્લા દોઢ મહિનામાં 4 ટકાથી વધુ નરમાઈ દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ તો 10 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો સૂચવે છે. કોરિયાનો કોસ્પી પણ લગભગ 5 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યો છે.
જૂનના બંધ ભાવથી મહત્વના સૂચકાંકોનો દેખાવ
સૂચકાંક જૂન આખરનો બંધ(રૂ.) 17 ઓગસ્ટે બંધ ફેરફાર(ટકામાં)
BSE સેન્સેક્સ 52482.71 55792.27 6.31%
નિફ્ટી 50 15721.5 16614.6 5.68%
કેક 40(ફ્રાન્સ) 6507.83 6805.46 4.57%
S&P 500 4297.5 4479.71 4.24%
ડાઉ જોન્સ(યુએસ) 34502.51 35625.4 3.25%
ડેક્સ(જર્મની) 15531.04 15888.21 2.30%
નાસ્ડેક 14503.95 14793.76 2.00%
ફૂટ્સી(યૂકે) 7037.47 7162.95 1.78%
શાંઘાઈ કંપોઝીટ 3591.197 3446.98 -4.02%
કોસ્પી(કોરિયા) 3296.68 3143.09 -4.66%
નિક્કાઈ(જાપાન) 28791.53 27424.47 -4.75%
હેંગ સેંગ 28827.95 25745.87 -10.69%
આઈટી શેર્સમાં સતત ખરીદી પાછળ BSE IT ઈન્ડેક્સ મહિનામાં 12 ટકા ઉછળ્યો
સમાનગાળામાં બીએસઈ સેન્સેક્સે તથા નિફ્ટીએ લગભગ 6 ટકાનો સુધારો નોંધાવ્યો
ટીસીએસે રૂ. 3500ની સપાટી પાર કરવા સાથે રૂ. 13 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું
કેપીઆઈટી ટેકનો શેર 34 ટકા જ્યારે ટેક મહિન્દ્રાએ 25 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો
છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન ઈન્ફર્મેશન ટેક્નોલોજી કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી છે. જેની પાછળ બીએસઈ આઈટી ઈન્ડેક્સમાં 12 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. સમાનગાળામાં બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 6 ટકાનો સુધારો નોંધાવ્યો છે. મંગળવારે અગ્રણી આઈટી કંપની ટીસીએસનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો અને તેણે રૂ. 13 લાખ કરોડના માર્કેટ-કેપની સપાટી પાર કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાદ તે આ સીમાચિહ્ન હાંસલ કરનાર બીજી કંપની છે. લાંબાગાળા બાદ આઈટી ક્ષેત્રે સાર્વત્રિક ખરીદી જોવા મળી છે. મંગળવારે અનેક લાર્જ-કેપ્સ તથા મીડ-કેપ્સ સહિતના કાઉન્ટર્સ તેમની ઐતિહાસિક ટોચ પર ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં.
જો વ્યક્તિગત આઈટી શેર્સના દેખાવનો અભ્યાસ કરીએ તો તેમણે એક જ મહિનામાં 34 ટકા જેટલું તીવ્ર રિટર્ન નોંધાવ્યું છે. જેમાં કેપીઆઈટી ટેક્નોલોજીનો શેર્સ દેખાવની બાબતમાં ટોચ પર છે. કંપનીનો શેર મહિના અગાઉ રૂ. 266ના સ્તરેથી સુધરતો રહી મંગળવારે રૂ. 363ની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે 3 ટકાથી વધુ સુધારો દર્શાવ્યો હતો. આઈટી શેર્સમાં સુધારાની શરુઆત જૂન મહિનાના પરિણામ સાથે થઈ હતી. ઈન્ફોસિસ ટેક્નોલોજીએ તેના ગાઈડન્સમાં સુધારો કરતાં લગભગ તમામ આઈટી શેર્સમાં ખરીદી જોવા મળી હતી અને તે હજુ સુધી જળવાયેલી રહી છે. જેનું મુખ્ય કારણ આઈટી કંપનીઓનું રિ-રેટિંગ થઈ રહ્યું હોવાનું એનાલિસ્ટ્સ માને છે. કંપનીઓએ તેમની ઓફશોર રિક્રૂટમેન્ટ ઉપરાંત ઓનશોર નિમણૂંકો માટે પણ મોટો લક્ષ્યાંક મૂક્યો છે. કંપનીઓ પાસે મજબૂત ઓર્ડર બુક જોવા મળી રહી છે. પ્રમાણમાં પાછળથી પરિણામ જાહેર કરનાર એચસીએલ ટેક્નોલોજીએ પણ 2021-22 માટે દ્વિઅંકી રેવન્યૂ ગ્રોથનું ગાઈડન્સ આપ્યું હતું. ઈન્ફોસિસ અને એચસીએલ બંનેએ મજબૂત પાઈપલાઈન ડીલ દર્શાવ્યાં હતાં. પાંચમા ક્રમે આવતી ટેક મહિન્દ્રાનો શેર જૂન પરિણામની રજૂઆત બાદ તીવ્ર સુધારા પાછળ 28 ટકા જેટલો ઉછળ્યો છે. કંપનીનો શેર રૂ. 1116 પરથી રૂ. 1417 સુધી સુધરતો જોવા મળ્યો છે. ઊંચો સુધારો દર્શાવનાર કેટલાક અન્ય આઈટી કાઉન્ટર્સમાં ઝેનસાર ટેક્નોલોજીસ(21 ટકા), એમ્ફેસિસ(17 ટકા), એનઆઈઆઈટી(16 ટકા), એલએન્ડટી ઈન્ફોટેક(15 ટકા) અને ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસ(14 ટકા)નો સમાવેશ થાય છે.
ટીસીએસે રૂ. 13 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું છે. તો ગયા સપ્તાહે ઈન્ફોસિસે રૂ. 7 લાખ કરોડનું એમ-કેપ દર્શાવ્યું હતું. જ્યારે વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજીએ રૂ. 3 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. બેંકિંગમાં સતત અન્ડરપર્ફોર્મન્સને જોતાં આઈટી કંપનીઓનું વેઈટેજ બેન્ચમાર્ક્સમાં વધી ગયું છે. ઓગસ્ટમાં 12 ટ્રેડિંગ સત્રોમાં ટીસીએસનો શેર 11.4 ટકા જેટલો ઉછળ્યો છે. ઈન્ફોસિસ ટેક્નોલોજીનો શેર પણ સમાનગાળામાં 12 ટકાનો સુધારો સૂચવે છે.
આઈટી શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ એક મહિનામાં રિટર્ન(%)
કેપીઆઈટી ટેક્નોલોજી 34
નેલ્કો 30
ટેક મહિન્દ્રા 29
ઝેનસાર ટેક 21
એમ્ફેસિસ 17
એનઆઈઆઈટી 16
એલએન્ડટી ઈન્ફોટેક 15
ઓરેકલ ફાઈનાન્સ 15
એચસીએલ ટેકનોલોજી 14