માર્કેટ સમરી
નિફ્ટી 13700 પર બંધ આપવામાં સફળ
બેન્ચમાર્ક નિફ્ટીએ ગુરુવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતાં 13700ના સ્તરને આસાનીથી પાર કર્યું હતું. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારની તેજી ચાલુ રહી હતી. નિફ્ટી 13773ની ટોચ દર્શાવી 13674 થઈ 58 પોઈન્ટસના સુધારે 13441 પર બંધ રહ્યો હતો. 13200નું સ્તર પાર કર્યા બાદ નિફ્ટીને કોઈ અવરોધ નડ્યો નથી.
કેલેન્ડરમાં 13 ટકા રિટર્ન સાથે નિફ્ટી એશિયાનો ત્રીજો શ્રેષ્ઠ બેન્ચમાર્ક
એશિયન બજારોની વાત કરીએ તો નિફ્ટીએ ચાલુ કેલેન્ડરમાં ગુરુવારના બંધ ભાવે 12.92 ટકાનું વળતર નોંધાવ્યું હતું. જે તેને ત્રીજો શ્રેષ્ઠ એશિયાઈ બેન્ચમાર્ક બનાવતો હતો. કોરિયાનો કોસ્પી 27 ટકાથી વધુ રિટર્ન સાથે સૌથી સારુ પર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર પણ 23 ટકા સાથે બીજું શ્રેષ્ઠ બજાર બની રહ્યુ છે.
મેટલ, એફએમસીજી, એનર્જી, આઈટી નેગેટિવ રહ્યાં
ગુરુવારની તેજી બ્રોડ બેઝ નહોતી. મીડ અને સ્મોલ-કેપ્સમાં ઊંચા મથાળે વેચવાલી દેખીતી જોવા મળતી હતી ત્યારે સેક્ટર્સની રીતે જોઈએ તો મેટલ, એફએમસીજી, એનર્જી અને આઈટી નેગેટિવ રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 1.35 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારે એફએમસીજી પણ 0.35 ટકા નરમ બંધ રહ્યો હતો. જ્યારે એનર્જી ઈન્ડેક્સ પણ નરમ હતો. સતત ત્રણ સપ્તાહ બાદ ઓએનજીસી જેવા પીએસયૂ કાઉન્ટરમાં નરમાઈ જોવા મળી હતી.
મોર્ગેજ લેન્ડર એચડીએફસીનો શેર નવી ટોચ પર પહોંચ્યો
દેશમાં સૌથી મોટા મોર્ગેજ લેન્ડર એચડીએફસીનો શેર નવી ટોચ પર પહોંચ્યો છે. કંપનીનો શેર ગુરુવારે 3.5 ટકાથી વધુના સુધારે અગાઉના બંધ કરતાં રૂ. 85ના સુધારે રૂ. 2509ની ઐતિહાસિક ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપની રૂ. 4.5 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરી ગઈ હતી અને છઠ્ઠા ક્રમની સૌથી મોટી માર્કેટ-કેપ કંપની બની હતી. માર્ચ મહિનામાં રૂ. 1473ના તળિયા પર પટકાયેલો શેર 65 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. એ વાત નોંધવી રહી કે રૂ. 1700ના ભાવે ચાઈનીઝ ફંડ્સે પણ કંપનીના શેર ખરીદ્યાં હતાં.
ડિવીઝ લેબ લાખ કરોડથી વધુ એમ-કેપ ધરાવનાર બીજી ફાર્મા કંપની બની
ફાર્મા કંપનીઓમાં તેજીનું વલણ યથાવત છે. જેની પાછળ બલ્ક ડ્રગ્ઝ ઉત્પાદક ડિવીઝ લેબોરેટરી દેશમાં રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવનાર બીજી ફાર્મા કંપની બની છે. ગુરુવારે કંપનીનો શેર અગાઉના બંધ સામે રૂ. 130ના સુધારે રૂ. 3848ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો અને તે વખતે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.01 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. સન ફાર્મા બાદ લાખ કરોડના માર્કેટ-કેપ વાળી તે બીજી ભારતીય કંપની છે. સન ફાર્મા રૂ. 1.37 લાખ કરોડનું માર્કટ-કેપ ધરાવે છે. 2016માં સર્વોચ્ચ ભાવ પર તે રૂ. 3 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી હતી.
મીડ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ બ્રેડ્થ ખરડાઈ
ગુરુવારે બેન્ચમાર્ક્સ નવી ટોચ પર ટકી રહ્યાં હતાં. તેમજ અનેક કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જોકે દિવસ આગળ વધતો ગયો તેમ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બનતી જોવા મળી હતી. સવારે બજાર ખૂલ્યું ત્યારે 1800થી વધુ શેર્સમાં મજબૂતી સામે માર્કેટ બંધ થયું ત્યારે 1370 શેર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1600 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. આમ સુધરનારા શેર્સ કરતાં ઘટનારા શેર્સની સંખ્યા વધી ગઈ હતી. જે ઊંચા મથાળે મીડ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગનો સંકેત આપે છે.
બેઝ મેટલ્સ પાછળ ચાંદીમાં 14 સત્રોમાં રૂ. 10000થી વધુનો ઉછાળો
- એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો મહિનાની શરૂમાં રૂ. 57800ના તળિયેથી 17 ટકા સુધરી ગુરુવારે રૂ. 67800 પર ટ્રેડ થયો
- કોપર, ઝીંક અને નીકલ ઉપરાંત સોનાનો સપોર્ટ મળી રહેલાં રૂપેરી ધાતુ તેની બે મહિનાની ટોચ પર
- ચાંદી અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ખરીદી પાછળ બે મહિનાની ટોચ જોવા મળી છે. એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો ગુરુવારે 3 ટકાના ઉછાળે રૂ. 67838 પર ટ્રેડ થયો હતો. એક દિવસમાં તે રૂ. 1900 પ્રતિ કિગ્રાની વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે મહિનાની શરૂમાં તેણે દર્શાવેલા રૂ. 57800થી તે રૂ. 10500નો ઉછાળો સૂચવતો હતો. અંતિમ 14 ટ્રેડિંગ સત્રોમાં તેણે 17 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે ઓગસ્ટની શરૂમાં તેણે દર્શાવેલી રૂ. 78000ની ટોચથી તે હવે રૂ. 10 હજાર નીચે ટ્રેડ દર્શાવી રહ્યો છે.
- એનાલિસ્ટ્સના મતે ચાંદીએ રૂ. 66500નો મહત્વનો અવરોધ પાર કર્યો છે અને તેથી હવે ચાંદીમાં સ્પષ્ટપણે ખરીદી કરવી જોઈએ. જો ચાંદી રૂ. 70000ના સાયકોલોજિકલ લેવલને પાર કરશે તો રૂ. 72500 અને ત્યારબાદ રૂ. 75000ના સ્તર દર્શાવી શકે છે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ પણ ચાંદીમાં તેજીની શક્યતા જોઈ રહ્યાં છે. તેમના મતે સોનામાં નીચેના ભાવે જોવા મળેલી લેવાલીને કારણે ચાંદીને સપોર્ટ મળ્યો જ છે પરંતુ તેનાથી પણ વધુ મહત્વનો સપોર્ટ બેઝ મેટલ્સમાં તેજીને કારણે મળ્યો છે. આમ ચાંદીને બે બાજુથી લાભ મળી રહ્યો છે. કોપરમાં છેલ્લા બે મહિના દરમિયાન 18 ટકાનો સુધારો નોંધાયો છે. જ્યારે અન્ય મેટલ્સ જેવીકે ઝીંક, નીકલ વગેરેમાં પણ મજબૂતી જોવા મળી છે. જેની પાછળ ઔદ્યોગિક ધાતુ ચાંદીમાં ઝડપી રિકવરી જોવા મળી છે અને તે ઓગસ્ટમાં દર્શાવેલી ટોચની ઘણી નજીક આવી છે. ઓગસ્ટમાં તેણે રૂ. 78000ની ઐતિહાસિક ટોચ દર્શાવી હતી. જ્યાંથી ઝડપથી કરેક્ટ થઈ હતી અને છેલ્લા ઘણા સપ્તાહોથી તે રૂ. 58000 અને રૂ. 65000ની રેંજમાં દિશાહિન ટ્રેડ દર્શાવતી રહી હતી. જોકે હવે તેણે નિર્ણાયક બ્રેકઆઉટ દર્શાવ્યો છે એમ દેખાય છે. એમસીએક્સ સોનુ હજુ રૂ. 50000ના માનસિક સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ગુરુવારે એમસીએક્સ ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો 1 ટકાના સુધારે રૂ. 50100 પર ટ્રેડ થતો હતો. જો તે રૂ. 50 હજાર પર બંધ આપવામાં સફળ રહેશે તો ચાંદીને ઓર બળ મળશે અને ટૂંક સમયમાં તે રૂ. 70 હજારના સ્તરને પાર કરી દે તેવી પૂરી શક્યતા ઊભી થશે.
- એમસીએક્સ ખાતે ફ્યુચર્સમાં તેજી વચ્ચે હાજર બજારમાં ભાવ રૂ. 2000 ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યાં છે. અમદાવાદ ખાતે સ્પોટ માર્કેટમાં ચાંદી રૂ. 65000-65500ના ભાવે ટ્રેડ થતી હતી. અગાઉ જુલાઈ-ઓગસ્ટમાં પણ હાજર ચાંદી અને વાયદા વચ્ચે મોટો ગેપ જોવા મળતો હતો અને એમસીએક્સ વાયદો જ્યારે રૂ. 78000 પર ટ્રેડ થતો હતો ત્યારે હાજરમાં રૂ. 9000 નીચે રૂ. 69000માં ચાંદી મળી રહી હતી. જોકે ભાવ કરેક્ટ થયા ત્યારે ઓક્ટોબરમાં આ ગેપ ભરાય ગયો હતો અને બદલા ટ્રેડર્સને બેથી ત્રણ મહિનામાં મોટું રિટર્ન આપ્યું હતું. હાલમાં પણ ફરી 3 ટકાથી વધુનો બદલો જોવા મળી રહ્યો છે. જે ટ્રેડર્સને માર્કેટમાં પોઝીશન લેવા માટે આકર્ષે તેવું બને.