Market Summary 17 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

વોલેટાઈલ ટ્રેડ વચ્ચે સૌથી ખરાબ સપ્તાહનો અંત
સેન્સેક્સે ઈન્ટ્રા-ડે 732 પોઈન્ટ્સની વધ-ઘટ દર્શાવી
એશિયન બજારોમાં ચીન-હોંગ કોંગને બાદ કરતાં નરમાઈ
યુરોપિયન બજારોમાં સુધારો
ફાર્મા, આઈટી, ઓટો, એફએમસીજીમાં 2 ટકા સુધીની વેચવાલી
નિફ્ટી આઈટી ઈન્ડેક્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું
બેંકિંગમાં અન્ડરટોન ટકેલો
એલઆઈસી ઈન્ડિયાનો શેર 2.2 ટકા ગગડી નવા તળિયે પહોંચ્યોં
શુક્રવારે વધુ એક દિવસ ઘટાડા સાથે કેલેન્ડરના સૌથી ખરાબ સપ્તાહનો અંત આવ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજાર બે બાજુની ઈન્ટ્રા-ડે વધ-ઘટ બાદ સતત છઠ્ઠા સત્ર દરમિયાન નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 135 પોઈન્ટ્સ ઘટાડે 51360ના સ્તરે જ્યારે નિફ્ટી 67.10 પોઈન્ટ્સ ગગડી 15293.50ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી માત્ર 12 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 38 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. બ્રોડ માર્કેટમાં લેવાલીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બે શેર્સથી વધુમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદી નોંધાઈ હતી.
સ્થાનિક બજાર માટે પૂરું થવા જઈ રહેલું સપ્તાહ ખૂબ જ નેગેટિવ જોવા મળ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસથી લઈને આખરી દિવસ સુધી તે ઉત્તરોત્તર ઘટતું રહ્યું હતું. જ્યારે આખરી બે સત્રો દરમિયાન તો તેણે નવા વાર્ષિક તળિયા નોંધાવ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી 15300ની સપાટી નીચે ઉતરી ગયો હતો. ભારતીય બજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. માર્કેટ એનાલિસ્ટ્સના મતે સૂચકાંકો મહત્વના સપોર્ટથી થોડે છેટે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. શોર્ટ ટર્મમાં ઓવરસોલ્ડ હોવા છતાં શોર્ટ કવરિંગનો સપોર્ટ સાંપડી રહ્યો નથી અને તેઓ નાના કોન્સોલિડેશન બાદ નવું બોટમ બનાવવાનું જાળવી રહ્યાં છે. નિફ્ટી માટે 15100નું સ્તર ખૂબ મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો તે વધુ પેનિક દર્શાવી શકે છે. આગામી સપ્તાહે વૈશ્વિક બજારોનો સપોર્ટ મળવો ખૂબ જરૂરી બન્યો છે એમ તેઓ ઉમેરે છે.
શુક્રવારે માર્કેટમાં ડિફેન્સિવ્સ સેક્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટાડો સૂચવતો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં આલ્કેમ લેબોરેટરીને બાદ કરતાં તમામ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ 3.28 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો સૂચવતો હતો. આ સિવાય સિપ્લા 2.8 ટકા, સન ફાર્મા 2.6 ટકા, બાયોકોન 2.4 ટકા, ડિવિઝ લેબ્સ 2.4 ટકા, ઝાયડસ લાઈફ 2.2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી વધુ 1.5 ટકા જેટલો તૂટ્યો હતો અને વર્ષના તળિયા પર ટ્રેડ થયો હતો. એકમાત્ર કોફોર્જમાં 2.42 ટકાના સુધારાને બાદ કરતાં ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ કાઉન્ટર્સ રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતાં હતાં. જેમાં એમ્ફેસિસ 5 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે વિપ્રો 4 ટકા, ટીસીએસ 1.7 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 1.53 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 1.4 ટકા, માઈન્ડટ્રી 1.22 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.2 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં હીરો મોટોકોર્પ 2 ટકા, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 2 ટકા, મારુતિ સુઝુકી 1.9 ટકા, આઈશર મોટર્સ 1.8 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ 1 ટકા જેટલો ઘટાડો સૂચવતો હતો. જેમાં જ્યુબિલિઅન્ટ ફૂડ 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. જ્યારે વરુણ બેવરેજીસ 3.61 ટકા, ડાબર ઈન્ડિયા 2.5 ટકા, કોલગેટ 2.4 ટકા અને મેરિકો 2.4 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજ બંધુઓ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, એપોલો હોસ્પિટલ્સ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી પોઝીટીવ બંધ રહ્યાં હોવા છતાં બેન્ચમાર્ક નેગિટિવ જોવા મળતો હતો. આ તમામ કાઉન્ટર્સ 0.8 ટકાથી 3 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ વિપ્રો, એચડીએફસી લાઈફ, શ્રી સિમેન્ટ, બીપીસીએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એશિયન પેઈન્ટ્સમાં 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બ્રોડ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3421 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 2330 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે માત્ર 999 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. 50 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જેની સામે 448 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. આમ માર્કેટમાં સેન્ટિમેન્ટ ખૂબ જ નેગેટિવ હોવાનો ખ્યાલ આવતો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જોકે કેટલાંક કાઉન્ટર્સ નોંધપાત્ર ખરીદી દર્શાવતાં હતાં. જેમાં ડેલ્ટા કાર્પોરેશન 12.4 ટકા ઉછળ્યો હતો. સન ટીવી નેટવર્ક 5.8 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 5.7 ટકા, સ્ટ્રાઈડ્સ ફાર્મા 4.7 ટકાનો સુધારો દર્શાવતા હતાં. બીજી બાજુ ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ 6 ટકા તૂટ્યો હતો. લૌરસ લેબ્સ 5 ટકા, પેટ્રોનેટ એલએનજી 4.9 ટકા, પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝ 4.7 ટકા અને એસ્કોર્ટ્સ 4 ટકા ગગડ્યાં હતાં.

રિલાયન્સની યુએસ સ્થિત કોસ્મેટિક ફર્મ રેવલોનને ખરીદવાની વિચારણા

ભારતીય કોન્ગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ યુનાઈટેડ સ્ટેટ્સ ખાતે રેવલોન ઈન્કને ખરીદવાની વિચારણા કરી રહ્યું હોવાનું એક બિઝનેસ ચેનલના અહેવાલમાં જણાવાયું છે. કેટલાંક દિવસો અગાઉ કોસ્મેટીક જાયન્ટે બેંક્ટ્રપ્સી માટે કરેલા ફાઈલીંગ બાદ આમ જાણવા મળ્યું છે. રેવલોને ચાલુ સપ્તાહની શરૂઆતમાં નાદારી માટે ફાઈલીંગ કર્યું હતું. ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે રો-મટિરિયલ કોસ્ટ્સમાં વૃદ્ધિ અને તેની પાછળ વેન્ડર્સ તરફથી અપફ્રન્ટ પેમેન્ટની માગને કારણે તેણે આમ કરવું પડ્યું હતું. તાજેતરમાં રિલાયન્સે ફેશન અને પર્સનલ કેર બિઝનેસિસમાં નોંધપાત્ર પ્રવેશ કર્યો છે. જૂથ તેના કોર એવા ઓઈલ બિઝનેસમાંથી ડાયવર્સિફેકેશન કરી રહ્યું છે. તેણે ટેલિકોમ અને રિટેલ સેક્ટર્સમાં તેની મજબૂત હાજરી સ્થાપિત કરી છે. રિલાયન્સ દ્વારા ખરીદીની વિચારણાના અહેવાલ પાછળ રેવલોનને શેર 20 ટકા ઉછળી પ્રિમાર્કેટ ટ્રેડમાં 2.36 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડ.નો શેર શુક્રવારે 1.9 ટકા સુધારો સૂચવતો હતો.
માર્ચ 2022માં બેંકોની ગ્રોસ NPA 6 ટકા નીચે જોવાઈ
દેશના બેંકિંગ સેક્ટરની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ માર્ચ 2022માં ઘટીને 6 ટકા નીચે જોવા મળી હતી. જે 2016 પછીનું સૌથી નીચું એનપીએ લેવલ હતું. બેંક્સનું નેટ એનપીએ લેવલ માર્ચ મહિના દરમિયાન ઘટીને 1.7 ટકાના સ્તરે જોવા મળ્યું હતું. જે સૂચવે છે કે બેંકિંગ સેક્ટર કોવિડની પ્રતિકૂળ અસરોથી બચ્યું હતું. આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર એમ રાજેશ્વર રાવના જણાવ્યા મુજબ એસેટ ક્વોલિટીમાં જોવા મળેલો સુધારો વ્યાપક હતો કે માત્ર નિયમનકારી બાબતોને કારણે જ આમ બન્યું હતું. જોકે બેંકિંગ સેક્ટરનું પ્રિલિમનરી એસેસમેન્ટ સૂચવે છે કે તેમની હેલ્થમાં સુધારો નોંધાયો છે. ભારતીય બેંકિંગ કંપનીઓની એસેટ ક્વોલિટીમાં ગયા દાયકાની શરૂઆતથી ખરાબી શરૂ થઈ હતી. જેણે માર્ચ 2018માં પીક બનાવી દીધી હતી. જે દરમિયાન બેંકોના કુલ એડવાન્સિસ સામે તેમની ગ્રોસ એનપીએનું સ્તર 11.5 ટકાના વિક્રમી સ્તરે જોવા મળ્યું હતું. ત્યારબાદથી બેંકોની એસેટ ક્વોલિટીમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સની ગ્રોસ એનપીએ માર્ચ 2021માં 7.3 ટકા પર હતી અને સપ્ટેમ્બર 2021માં 6.9 ટકા પર જોવા મળી હતી.
હવે ઘઉંના લોટ નિકાસ પર પ્રતિબંધ ચકાસી રહેલી સરકાર
ગયા મહિને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં બાદ કેન્દ્ર સરકાર હવે ઘઉંના લોટ પર નિકાસ પ્રતિબંધ માટેની ચકાસણી કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે. આ માટે સરકાર સુગરની જેમ ઘઉંના લોટની નિકાસ માટે પણ નિકાસકારો તરફથી રજિસ્ટ્રેશનને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર મૂકેલા પ્રતિબંધ બાદ અત્યાર સુધીમાં સ્થાનિક બજારમાં ઘઉંના લોટના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ. 1-3ના ઘટાડા છતાં સરકાર લોટની નિકાસ પર પ્રતિબંધ માટે વિચારી રહી છે. ઘઉં સંબંધી અન્ય પ્રોડક્ટ્સ પણ આંશિક નિયંત્રણોના દાયરામાં આવી શકે છે એમ ટ્રેડ વર્તુળો ઉમેરે છે. તેમના મતે સરકારની આ વિચારણા પાછળનો હેતુ કેટલાંક ફ્લાય-બાય-નાઈટ ઓપરેટર્સ તરફથી અસાધારણ માત્રામાં ઘઉંના લોટની નિકાસને અટકાવવાનો છે.
પાંચ નવા લિસ્ટીંગ્સના ફૂટ્સી સમાવેશથી 10.5 કરોડ ડોલરના ફ્લોની શક્યતાં
છેલ્લાં કેટલાંક મહિનાઓણાં લિસ્ટ થયેલી પાંચ કંપનીઓના ફૂટ્સી ગ્લોબલ સૂચકાંકોમાં પ્રવેશને કારણે 10.5 કરોડના ઈનફ્લોની શક્યતા જોવાઈ રહી છે. શુક્રવારે તેમનો ફૂટ્સી સૂચકાંકોમાં પ્રવેશ થશે. આવી કંપનીઓમાં પીબી ઈન્ફોટેક, સ્ટાર હેલ્થ, નાયકા, પેટીએમ અને અદાણી વિલ્મેરનો સમાવેશ થાય છે. એકવાર આ કંપનીઓનો ફૂટ્સી ઈન્ડાઈસિસમાં સમાવેશ થશે એટલે આ સૂચકાંકોને ટ્રેક કરી રહેલા પેસિવ ફંડ્સે આ શેર્સની ખરીદી કરવાની બનશે. જેને કારણે ફ્લો જોવા મળશે એમ વર્તુળો જણાવે છે.

ઈન્સાઈડર ટ્રેડિંગ રોકવા ફંડ હાઉસિસે નવા પ્રતિબંધો લાગુ પાડ્યાં
વોટ્સએપનો પર પ્રતિબંધ, પરિવારના સભ્યોના રોકાણનું ટ્રેકિંગ, મોબાઈલ અને ટર્મિનલ્સમાં મોનિટરિંગ એપ્લિકેશન્સ ઈન્સ્ટોલ કરવા જેવી બાબતોનો સમાવેશ
અગ્રણી મ્યુચ્યુલ ફંડ ગૃહોએ ઈન્સાઈડર ટ્રેડિંગ અટકાવવા માટે કેટલાંક વિશેષ ઉપાયો હાથ ધર્યાં છે. જેમાં વર્ક ફોન્સમાં વોટ્સએપ જેવા એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ્સના ઉપયોગને બંધ કરવા સહિતના પગલાઓનો સમાવેશ થાય છે. કેટલાંક બ્રોકરેજિસે તેમના ચાવીરૂપ કર્મચારીઓના ટર્મિનલ્સ અને ફોન્સમાં મોનિટરીંગ એપ્લિકેશન્સ પણ ઈન્સ્ટોલ કરી છે. જ્યારે અન્ય કંપનીઓએ તેમના સ્ટાફના પરિવારજનો દ્વારા કરવામાં આવતાં રોકાણકારોને ટ્રેક કરવાનું શરૂ કર્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી વધી રહેલાં ફ્રન્ટ-રનીંગ અથવા ઈન્સાઈડર ટ્રેડિંગના કિસ્સાઓને ધ્યાનમાં રાખી વિવિધ સ્થાનિક ફંડ ગૃહો અને બ્રોકિંગ ગૃહો આ પ્રકારના પગલાં લઈ રહ્યાં છે. આ કંપનીઓ તેમના એમ્પ્લોયી કોન્ટ્રેક્ટ્સમાં ઉપરોક્ત શરતો લાગુ પાડવા વિચારણા કરી રહી છે.
માર્કેટ પાર્ટિસિપન્ટ્સના જણાવ્યા મુજબ વધેલી સર્વેલન્સ સિસ્ટમનો અર્થ કામકાજી કલાકો દરમિયાન કર્મચારી કોના સંપર્કમાં હતો તેનું ધ્યાન રાખવાનો છે. જેથી કોઈપણ પ્રાઈસ-સેન્સિટીવ ઈન્ફોર્મેશન સંબંધી કોઈ બાબત લીક થઈ છે કે નહિ તેનો ખ્યાલ આવે. આ પ્રકારના ઉપાયો અનૈતિક કાર્યપ્રણાલી સામે એક અવરોધ ઊભો કરશે. કેટલીક ફાઈનાન્સ કંપનીઓ તમામ રેકોર્ડેડ ડેટાની પેટર્ન ચકાસવા માટે એનાલિટીકલ ટુલ્સનો ઉપયોગ પણ કરી રહી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં રેગ્યુલેટરી સ્ક્રિટીની કરવાની બની હોય તેવા ઈન્સાઈડર ટ્રેડિંગને સંડોવતાં ઓછામાં ઓછા ત્રણ કિસ્સાઓ બહાર આવ્યાં છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. આવી ઘટનાઓમાં સંસ્થા પોતે જ રેગ્યુલેટરી એક્શન સામે એક્સપોઝ થઈ શકતી હોય છે. એક્સિસ મ્યુચ્યુલ ફંડે તાજેતરમાં જ તેના બે ફંડ મેનેજર્સને તપાસમાં ગેરરિતી માલૂમ પડ્યાં બાદ પાણીચું આપવું પડ્યું હતું. જેમાં ફ્રન્ટ-રનીંગ અને સ્ટોક બ્રોકર્સ પાસેથી લાંચ લેવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. કંપનીઓને એ વાતની ચિંતા સતાવી રહી છે કે ગણ્યા-ગાંઠ્યા કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરિતીને કારણે તેણે રેગ્યુલેટરી પગલાઓનો સામનો કરવાનો થશે તેમજ માધ્યમોમાં છબી ખરડાશે એ પણ ખરું.
જેનાથી બચવા માટે તેમણે પ્રાઈસ-સેન્સિટિવ ઈન્ફોર્મેશન સાથે કામ કરતાં માત્ર ચાવીરૂપ કર્મચારીઓ પૂરતી જ વધારેલા સર્વેલન્સ પગલાઓ હાથ ધર્યાં છે. તેમણે એવા જોબ કોન્ટ્રેક્ટ્સ પણ ડિઝાઈન કર્યાં છે, જે આવા વિશેષ ઉપાયોને આવરી લે છે. જેથી આવા ટોચના સ્ટાફને વર્કિંગ અવર્સ દરમિયાન તેમની મંજૂરીથી ટ્રેક કરી શકાય એમ એક કાનૂની નિષ્ણાત જણાવે છે. તેંમના મતે આવા પગલાઓને કારણે કર્મચારીઓની પ્રાઈવસીના ભંગ જેવા મુદ્દાઓ ઊભા થઈ શકે છે પરંતુ તેમના હોદ્દાને જોતાં અને કંપની તરફથી તેમને આપવામાં આવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખતાં આમ કરવું અનિવાર્ય બની રહે છે.

પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે ફંડ રેઈઝીંગ આંઠ વર્ષોના તળિયે
2021માં મે સુધીમાં રૂ. 2.56 લાખ કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1.96 લાખ કરોડ ઊભા કર્યાં
વિવિધ કંપનીઓએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે મેળવેલા નાણા છેલ્લાં આંઠ વર્ષોમાં સૌથી નીચા સ્તરે જોવા મળી રહ્યાં છે. ચાલુ કેલેન્ડર 2022માં મે મહિના સુધીના પ્રથમ પાંચ મહિના દરમિયાન કંપનીઓએ કુલ રૂ. 1.96 લાખ કરોડ એકત્ર કર્યાં છે. જે રકમ કેલેન્ડર 2014માં પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે સમાનગાળામાં મેળવવામાં આવેલી રૂ. 1.17 લાખ કરોડ બાદ સૌથી નીચી રકમ છે. કેલેન્ડર 2021માં પ્રથમ પાંચ મહિના દરમિયાન કંપનીઓએ રૂ. 2.56 લાખ કરોડની રકમ ઊભી કરી હતી. આમ ચાલુ વર્ષે તે રૂ. 60 હજાર કરોડ જેટલો ઊંચો ઘટાડો દર્શાવી રહી છે.
કંપનીઓ કોઈપણ પ્રકારની જાહેરાત વિના પસંદગીના અને મર્યાદિત લોકો પાસેથી જે નાણા ઊભા કરે છે તેને પ્રાઈવેટ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. નીચા ખર્ચ અને ઝડપી ફંડ રેઈઝીંગની અનૂકૂળતાને કારણે કંપનીઓમાં મૂડી ઊભી કરવાનો આ એક પસંદગીનો વિકલ્પ છે. વર્તુળોના જણાવ્યા મુજબ પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં ઘટાડો થવાના બે મુખ્ય કારણોમાં ફંડની નીચી જરૂરિયાત તેમજ ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ છે. અગ્રણી ફંડ મેનેજમેન્ટ કંપનીના ફિક્સ્ડ ઈન્કમ હેડના મતે અનેક કોર્પોરેટ્સ પાસે હાથ પર સરપ્લસ લિક્વિડીટી રહેલી છે જ્યારે તેમની જરૂરિયાત ખૂબ જ મર્યાદિત છે. જેનો અર્થ એવો થાય છે કે હાલના માહોલમાં તેમને તત્કાળ ફંડ ઊભું કરવાની આવશ્યક્તા નથી. સામાન્યરીતે પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે ઊંચી રકમ ઊભી કરનારી જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ ચાલુ વર્ષે ગેરહાજર જોવા મળે છે. આમાંની ઘણી કંપનીઓ સરકાર તરફથી સરળ ફંડ ફ્લોને કારણે તેમના ડેટની પણ પુનઃચૂકવણી કરી રહી છે. સહુ કોઈ ડિલેવરેજિંગ પર ફોકસ કરી રહ્યાં છે એમ તેઓ ઉમેરે છે.
જો કંપનીઓ ફરીથી કેપિટલ એક્સપેન્ડિચર(કેપેક્સ) તરફ નજર દોડાવશે તો જ વર્તમાન સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે. આવા ખર્ચાઓમાં નવી ફેકટરીઝનું બાંધકામ અથવા ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કે પછી કામકાજી આવકની જરૂરિયાતમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરને લઈને જોવા મળી રહેલા પ્રતિકૂળ માહોલને જોતાં કંપનીઓ નવેસરથી બોરોઈંગમાં ધીમી ગતિ અપવાની રહી છે. જેને કારણે તેમની નવા રોકાણની જરૂરિયાતો પણ મર્યાદિત જોવા મળે છે. રોકાણકારો વોલેટાઈલ ઈન્ટરેસ્ટ રેટની સ્થિતિમાં નવા ફંડની ફાળવણી પણ નથી કરી રહ્યાં એમ વર્તુળો જણાવે છે. હાલમાં મૂડી ખર્ચની જરૂરિયાત ખૂબ નીચી જોવા મળી રહી છે.

કેલેન્ડરના પ્રથમ પાંચ મહિનામાં 24 અબજ ડોલરનું PE રોકાણ
ગયા વર્ષે સમાનગાળામાં 19 અબજ ડોલરના સોદા નોંધાયા હતા

ઈન્ફ્લેશન અને જીઓ-પોલિટિકલ જઓખમો વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિમાં જોવા મળી રહેલા ઘટાડા વચ્ચે પ્રાઈવેટ ઈક્વિટી તેમજ વેન્ચર કેપિટાલિસ્ટ તરફથી થતાં સોદાઓનું મૂલ્ય વાર્ષિક ધોરણે 5 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવે છે. કેલેન્ડર 2021માં જાન્યુઆરીથી મે મહિના સુધીના શરૂઆતી પાંચ મહિનાઓ દરમિયાન 19 અબજ ડોલરના કુલ 775 ડિલ્સ સામે ચાલુ કેલેન્ડરમાં સમાનગાળામાં 24 અબજ ડોલરના મૂલ્યના 630 ડીલ્સ થઈ ચૂક્યાં છે.
બેઈન અને ઈન્ડિયન વેન્ચર એન્ડ અલ્ટરનેટ કેપિટલ એસોસિએશનના રિપોર્ટ મુજબ ફંડ્સ તેમની ચેક સાઈઝનું વિસ્તરણ કરીને ફેરફારોના સ્વીકાર માટે તેમની સ્ટ્રેટેજી બદલી રહ્યાં છે. તેઓ ઊંડી ટાર્ગેટ રિલેશનશિપ્સમાં રોકાણ કરી રહ્યાં છે અને વેલ્યૂ-ક્રિએશન કેપેબિલિટીઝ વધારી રહ્યાં છે. ખાસ કરીને પોર્ટફોલિયો ટીમ્સની રચના કરીને આમ કરી રહ્યાં છે. છેલ્લાં એક ક્વાર્ટરમાં ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમે વેલ્યૂએશન્સમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે. તેમ છતાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું આકર્ષણ ઘટ્યું નથી. ઘણા સ્ટાટઅપ્સે કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો બન્યો છે. તેમજ તેમના વેલ્યૂએશન ઘટતાં તેઓ પૂરતું ફંડ ઊભું કરી નથી શક્યાં. જોકે આ બધા વચ્ચે પીઈ ફંડ્સ તરફથી ઉત્સાહમાં કોઈ ઓટ નથી આવી.
ઈન્ડિયા પ્રાઈવેટ ઈક્વિટી રિપોર્ટ 2022ના જણાવ્યા મુજબ ફુગાવાને લઈને જોવા મળતાં તણાવ, જીઓપોલિટીકલ અનિશ્ચિતતાઓ અને સપ્લાય ચેઈન અવરોધોને કારણે 2022 માટે ફંડીંગ આઉટલૂક મધ્યમસરનું જળવાય રહેવાની અપેક્ષા છે. તે 2021ની જેમ ઊંચી ડિલ કામગીરી અને એક્ઝિટ્સ દર્શાવે તેવી શક્યતાં નથી. એક પીઢ નિરીક્ષકના મતે ફંડીંગ ખર્ચ વધ્યો છે અને વેલ્યૂએશન્સમાં કેટલોક ઘટાડો નોંધાઈ શકે છે. જે સ્થિતિમાં આપણે ઘટાડાતરફી ટ્રેન્ડ જોઈ શકીએ છીએ. જે નીચા ફંડ રેઈઝીંગ તરફ લઈ જઈ શકે છે અથવા તો અલગ સ્ટ્રક્ચર ઊભું કરી શકે છે. જેથી કંપનીની ઈમેજ પર પ્રતિકૂળ અસર ના પડે. જોકે આમ થશે કે નહિ તે અંગે આગાહી કરવી અઘરી છે એમ તેઓ ઉમેરે છે. જોકે ફંડીંગ રાઉન્ડ્સ પાછા ઠેલાઈ શકે છે અથવા રદ થઈ શકે છે એમ તેઓનું કહેવું છે. કેટલાંક પરંપરાગત ફંડ્સ બાયઆઉટ તકો તરફ નજર દોડાવી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં આવા ફંડ્સમાં બ્લેકસ્ટોન, બેરિંગ, કાર્લાઈલ, એડવેન્ટ, જીઆઈસી અને કેકેઆરે એક અબજ ડોલરથી ઊંચા મૂલ્ય ધરાવતાં બાયઆઉટ્સ કર્યાં છે. બાયઆઉટ્સ વધુ આકર્ષક હોય છે કેમકે તે પીઈ ફંડ્સને હાઈ-વેલ્યૂ ડીલ્સમાં વેલ્યૂ ક્રિએશન માટે ઊંચો અંકુશ પૂરો પાડે છે. આગામી સમયગાળામાં ભારતીય બજારમાં આ પ્રકારના કેટલીક વધુ ડિફરેન્શિએટેડ ફંડ સ્ટ્રેટેજિસ જોવા મળી શકે છે. કેમકે વધુને વધુ રોકાણકારો આકર્ષાઈ રહ્યાં છે એમ રિપોર્ટ જણાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ટેલિકોમ કંપનીઝઃ રિલાયન્સ જીઓએ એપ્રિલમાં 16.82 લાખ સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો છે. જ્યારે બીજા ક્રમે ભારતી એરટેલે સમાનગાળામાં 8.16 લાખ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યાં છે. ત્રીજા ક્રમની વોડાફોને એપ્રિલમાં 15.7 લાખ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યાં હતાં.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને જણાવ્યું છે કે આરઆઈએલની એન્યૂઅલ જનરલ મિટિંગમાં ટેલિકોમ સાહસ જીઓ અને રિટેલ સાહસ રિલાયન્સ રિટેલના આઈપીઓને લઈને જાહેરાત થવાની શક્યતાં છે. જોકે કંપનીમાંથી રિટેલ અને ટેલિકોમ બિઝનેસિસના ડિ-મર્જરની શક્યતાં જળવાઈ છે.
સ્માર્ટફોન શીપમેન્ટ્સઃ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન્સના શીપમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તેમણે 4.8 કરોડનો આંકડો પાર કર્યો હતો એમ એક અભ્યાસમાં જણાવાયું છે. જોકે ફિચર ફોનના ઉત્પાદનમાં વાર્ષિક 41 ટકા ઘટાડો નોંધાયો હતો.
એવરેડી ઈન્ડસ્ટ્રીઝઃ ડાબર ઈન્ડિયાના પ્રમોટર બર્મન પરિવારે એવરેડી ઈન્ડસ્ટ્રીઝમાં ઓપન ઓફર મારફતે 14.3 ટકા હિસ્સાની ખરીદી કરી છે. દેશમાં સૌથી મોટી ડ્રાય સેલ બેટરી ઉત્પાદક કંપની માટેની ઓપર ઓફર ગુરુવારે પૂરી થઈ હતી. આ સાથે કંપનીમાં તેમનો હિસ્સો વધી 38.3 ટકા પર પહોંચ્યો છે.
રાઈટ્સઃ રેલ્વેની પેટાકંપનીએ રૂ. 365 કરોડના મૂલ્યનો નવો ઓર્ડર મેળવ્યો છે. કંપનીને આ ઓર્ડર પીએસયૂ કંપની કન્ટેનર કોર્પોરેશન તરફથી 10 વર્ષ માટે શંટીંગ લોકોમોટીવના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે મળ્યો છે.
ઈન્ડિગો એરલાઈન્સઃ ઉડ્ડયન કંપનીએ જણાવ્યું છે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં સતત વૃદ્ધિ તથા ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે એવિએશન ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.
હનુંગ ટોય્ઝઃ કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઈએ હનુંગ ટોય્ઝના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ સામે ચાર્જ શીટ ફાઈલ કરી છે. સીબીઆઈએ રૂ. 2040 કરોડના બેંક ફ્રોડના કેસમાં આ ચાર્જ શીટ ફાઈલ કરી છે.
પીએસયૂ કંપનીઝઃ લિસ્ટેડ સરકારી કંપનીઓ 2022-23માં રૂ. 21 લાખ કરોડનો મૂડીખર્ચ દર્શાવે તેમ એક બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ સૂચવે છે. સરકાર 2015-16થી 2017-18 દરમિયાન તેણે દર્શાવેલા રૂ. 10-12 લાખના મૂડી ખર્ચને ડબલ કરશે એમ બ્રોકરેજ જણાવે છે.
એલએન્ડટી ઈન્ફોટેકઃ વૈશ્વિક ટેક કન્સલ્ટીંગ અને ડિજીટલ સોલ્યુશન્સ કંપનીએ કોલકોતા ખાતે તેની કામગીરીનો વ્યાપ વધાર્યો છે. તેણે મેટ્રો ખાતે નવી સુવિધા શરૂ કરી છે. સોલ્ટ લેક ઈલેક્ટ્રોનિક્સ કોમ્પલેક્સ ખાતે તેણે 300 કર્મચારીઓને સમાવી શકાય તેવી સુવિધા બનાવી છે.
એસબીઆઈ કાર્ડ્સઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માસ્ટરકાર્ડ એશિયા પરનો પ્રતિબંધ ઉઠાવતાં ક્રેડિટ કાર્ડ કંપનીઓને લાભ થશે. જેમાં એસબીઆઈ કાર્ડ્સ અગ્રણી છે.
સીજી પાવરઃ ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે પાવર કંપનીના લોંગ-ટર્મ રેટિંગને એએ- પરથી અપગ્રેડ કરી એએ કર્યું છે.
બજાજ ઓટોઃ દેશમાં બીજા ક્રમની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની 27 જૂનના રોજ શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
ડો. રેડ્ડીઝ લેબોઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં તેનો ઈક્વિટી હિસ્સો 3.64 ટકાથી વધારી 5.65 ટકા કર્યો છે.
વિપ્રોઃ આઈટી કંપનીએ ઈરોસ ઈન્વેસ્ટમેન્ટ્સ સાથે સબટાઈટલીંગ અને ડબીંગ સર્વિસિસ માટે કરાર કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage