Market Summary 17 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં મૂડ બદલાતાં તેજીનો વંટોળ ફૂંકાયો
નિફ્ટીએ 17000નું સ્તર કૂદાવ્યું
એશિયન બજારોમાં 2022નો સૌથી તેજીમય દિવસ
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.26 ટકા ગગડી 22.61ના સ્તરે
ઓટો, બેંકિંગ, મેટલમાં લેવાલી જળવાય
બ્રોડ માર્કેટમાં લેવાલીએ માર્કેટ-બ્રેડ્થ મજબૂત

યુએસ ફેડે અપેક્ષા મુજબ જ 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરતાં તથા રશિયા-યૂક્રેન વચ્ચે મંત્રણાના પોઝીટીવ ઉકેલની આશા વચ્ચે શેરબજારોમાં ધૂળેટીની પૂર્વસંધ્યાએ ભારે તેજી જોવા મળી હતી. ભારતીય બેન્ચમાર્ક્સે વધુ 2 ટકા આસપાસનો સુધારો દર્શાવી રોકાણકારોનો ફેસ્ટીવલ સુધાર્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1047 પોઈન્ટ્સના સુધારા સાથે 57864ના સ્તરે જ્યારે નિફ્ટી 312 પોઈન્ટ્સ ઉછળી 17287 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.26 ટકા ગગડી 22.61ના ત્રણ સપ્તાહના તળિયા પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 45 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 5 કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં.
બુધવારે રાતે યુએસ ફેડ તરફથી 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની જાહેરાત કરવામાં આવી હતી. સાથે તેણે હવેની ત્રણ બેઠકમાં પણ રેટ વૃદ્ધિ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ફેડે ત્રણ વર્ષોથી વધુ સમયબાદ રેટ વૃદ્ધિ કરી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે ફેડે અગાઉ દર્શાવ્યા મુજબ તબક્કાવાર રેટ વૃદ્ધિનો વ્યૂહ અપનાવ્યો છે. જે સૂચવે છે કે તે એકબાજુ ફુગાવા પર અંકુશ સ્થાપવા સાથે ગ્રોથ પણ ટકાવી રાખવા માગે છે. ફેબ્રુઆરીમાં એક તબક્કે 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની વાત હતી. શેરબજારો પણ 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હતાં. જોકે રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ ફેડે આક્રમક રેટ વૃદ્ધિ નહિ કરવાનું મન બનાવ્યું હતું અને તેથી તેણે 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી હતી. જેને બજારોને મોટી રાહત મળી હતી. ફેડની જાહેરાત બાદ યુએસ ખાતે ડાઉ જોન્સ 500થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો હતો. જ્યારે નાસ્ડેક 3.8 ટકા ઉછળ્યો હતો. ગુરુવારે સવારે એશિયન બજારો પણ 5 ટકા સુધીની વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ ટોચ પર હતું. બુધવારે 9 ટકા ઉછાળા બાદ ગુરુવારે પણ બેન્ચમાર્કે 7 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. જેની પાછળ જાપાન 3.5 ટકા, તાઈવાન 3 ટકા, ચીન 1.4 ટકા, કોરિયા 1.3 ટકા અને સિંગાપુર 1 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. કેલેન્ડર 2022માં એશિયન બજારો માટે ગુરુવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ પુરવાર થયો હતો. જોકે યુરોપ બજારોમાં એક ટકા સુધીની નરમાઈ જોવા મળી રહી હતી.
નિફ્ટી 17000નું સ્તર પાર કરી જતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ 17400-17500 સુધીના સુધારાની શક્યતાં જોઈ રહ્યાં છે. છેલ્લાં સાત ટ્રેડિંગ સત્રોમાં નોંધપાત્ર સુધારા બાદ કેલેન્ડર 2022માં નિફ્ટી ફરી એકવાર ફ્લેટ જોવા મળ્યો છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં નોંધપાત્ર રિટર્ન બાદ 18300 સુધીનો સુધારો દર્શાવી તે 8 માર્ચે 15670 સુધી પટકાયો હતો. જ્યાંથી સુધરી હવે કેલેન્ડરમાં ન્યૂટ્રલ પોઝીશન દર્શાવે છે. માર્કેટને છેલ્લાં સત્રોમાં તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો છે. જેમાં બેંકિંગ, મેટલ અને ઓટો મુખ્ય છે. ગુરુવારે બેંક નિફ્ટી 1.9 ટકા, મેટલ 1.95 ટકા અને ઓટોમાં 2.2 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફાર્મા, એફએમસીજી અને રિઅલ્ટી પણ નોંધપાત્ર મજબૂતી દર્શાવતા હતા. બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3529 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2099 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1303 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. 123 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 119 કાઉન્ટર્સે 52-સપ્તાહનું બોટમ નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 1.38 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.23 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં એચડીએફસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન, એસબીઆઈ લાઈફ અને કોટક મહિન્દ્રા બેંક 3-5 ટકા આસપાસનો સુધારો સૂચવતાં હતાં. જ્યારે ઈન્ફોસિસમાં 1.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રેન્ડ 8 ટકા, જીએનએફસી 7 ટકા, એલએન્ડટી ફાઈ. 7 ટકા, કોરોમંડલ ઈન્ટ. 6 ટકા અને પિરામલ એન્ટર. 6 ટકા સુધારા સાથે ટોચ પર હતાં.

ફેડ રેટ વૃદ્ધિ બાદ ક્રૂડ, સોનું-ચાંદી સહિતની કોમોડિટીઝમાં ઝડપી સુધારો
બ્રેન્ટ ક્રૂડ વાયદો 6 ટકા ઉછળી 104 ડોલરની સપાટીએ પરત ફર્યો
કોમેક્સ ગોલ્ડ વાયદો 39 ડોલર ઉછળી 1948 ડોલર પર ટ્રેડ થયો
વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. ચાલુ સપ્તાહના શરૂઆતી બે સત્રોમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યાં બાદ બુધવારે ક્રૂડ અને સોનું-ચાંદીના ભાવમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 6 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો હતો. જ્યારે કોમેક્સ ગોલ્ડ વાયદો 2 ટકાથી વધુ સુધર્યો હતો. નેચરલ ગેસ અને બેઝ મેટલ્સમાં પણ પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો.
બુધવારે યુએસ ફેડ રિઝર્વે 25 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરતાં ગોલ્ડના ભાવ ઉછળ્યાં હતાં. છેલ્લાં છ મહિનાથી રેટ વૃદ્ધિની વાતે ગોલ્ડના ભાવ પાછા પડી જતા જોવા મળતાં હતાં. જોકે આખરે ફેડે 25 બેસીસ પોઈન્ટસનો જ વધારો કરવાનું યોગ્ય માન્ય હતું. જે કારણ ઘણા સમય અગાઉ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું હતું અને તેને કારણે ગોલ્ડ પર તેની કોઈ નેગેટિવ અસર જોવા મળી નહોતી. ઊલટાનું ફેડની જાહેરાત બાદ ગોલ્ડ ઝડપથી ઉછળ્યું હતું. જોકે તે ગયા સપ્તાહની 2077 ડોલરની ટોચ પરથી ગગડી 1910 ડોલરના તળિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું આમ પ્રત્યાઘાતી સુધારો અપેક્ષિત હતો. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે રશિયા-યુક્રેન વચ્ચે સમાધાનની શક્યતા પાછળ ગોલ્ડમાં વધુ ઘટાડો થવો જોઈતો હતો. તેમજ ફેડે ચાલુ વર્ષે વધુ ત્રણ રેટ વૃદ્ધિની કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જેની પણ અસર થવી જોઈતી હતી. જોકે નીચા સ્તરે પીળી ધાતુમાં ખરીદી જોવા મળી રહી છે. જેનું કારણ જીઓપોલિટીકલ રિસ્ક છે. જ્યાં સુધી રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ જાહેર નહિ થાય ત્યાં સુધી ગોલ્ડમાં વધ-ઘટે મજબૂતી ટકેલી રહેશે. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 400ના સુધારે રૂ. 51600ના સ્તર પર ટ્રેડ થતો હતો. ચાંદીમાં પણ 1.4 ટકાનો મજબૂત સુધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ રૂ. 950ના ઉછાળે રૂ. 68250ના સ્તરને પાર કરી ગયો હતો. જોકે તાજેતરના રૂ. 73000ના ટોચના સ્તરેથી તે નોંધપાત્ર નીચે ટ્રેડ થઈ રહ્યો છે. નેચરલ ગેસ 2 ટકા સુધારે રૂ. 366 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો તે રૂ. 370ની સપાટી કૂદાવી જશે તો વધુ સુધારો દર્શાવે તેવી શક્યતાં છે. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ અને કોપરમાં મજબૂતી જોવા મળતી હતી. કોપર વાયદો ફરી રૂ. 800ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રિલાયન્સ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ટાળી શકે
વિશ્વમાં સૌથી મોટા રિફાઈનીંગ કોમ્પ્લેક્સ ઓપરેટર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને ધ્યાનમાં રાખતાં તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ટાળી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે તે રશિયા ખાતેથી કેટલોક જથ્થો ખરીદી શકે તેમ હશે તો પણ પ્રતિબંધોને કારણે તેમ નહિ કરે. રિલાયન્સ તેની રિફાઈનરીઝ માટે રશિયા ખાતેથી યુરલ્સ ક્રૂડ અને સ્ટ્રેઈટ રન ફ્યુઅલ ઓઈલની આયાત કરે છે. જોકે તે મોટાભાગના પેટ્રોકેમિકલ ફીડસ્ટોકની ખરીદી મધ્ય-પૂર્વ અને યુએસ ખાતેથી કરે છે. વિશ્વની અનેક રિફાઈનરી કંપનીઓએ રશિયન ઓઈલની ખરીદી બંધ કરી છે.
IOC પછી HPCLએ પણ 20 લાખ બેરલ રશિયન ક્રૂડની ખરીદી કરી
યુક્રેન પર હુમલા બાદ અનેક દેશો અને કંપનીઓએ રશિયા પાસેથી ઓઈલ ખરીદી બંધ કરી છે ત્યારે ભારત સરકારની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રશિયન ઓઈલ ખરીદી રહી છે. વર્તુળોના જણાવ્યા અનુસાર ગયા સપ્તાહે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 30 લાખ બેરલ્સ રશિયન ઓઈલની ખરીદી કર્યાં બાદ હિંદુસ્તાન પેટ્રોએ પણ 20 લાખ બેરલ રશિયન ઓઈલ ખરીદ્યું છે. તેમણે યુરોપિયન ટ્રેડર વાયટોલ મારફતે આ ઓઈલ ખરીદ્યું છે. મે ડિલિવરી માટે ખરીદેલું આ ઓઈલ બ્રેન્ટ ક્રૂડ વાયદાથી 20-25 ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટમાં મળ્યું હોવાનું પણ વર્તુળો જણાવે છે. ઓએનજીસીની પેટા કંપની એમઆરપીએલ પણ 10 લાખ લિટર રશિયન ઓઈલ ખરીદે તેવી શક્યતાં છે.
ડોલર સામે રૂપિયો વધુ 40 પૈસા ઉછળ્યો
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ સ્થાનિક ચલણ રૂપિયામાં પણ મજબૂતી જળવાય હતી. બુધવારે 42 પૈસાની મજબૂતી બાદ ગુરુવારે રૂપિયો વધુ 40 પૈસા સુધરી 76ની સપાટી અંદર પરત ફર્યો હતો. ઈક્વિટીઝમાં મજબૂતી પાછળ રૂપિયો 75.96ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ સુધરી 75.77ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજના અંતે 75.80ના સ્તરે બંધ રહ્યો હતો. બુધવારે તે 76.20ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.

દેશમાં ગોલ્ડ ઉત્પાદન વાર્ષિક 20 ટન સુધી પહોંચી શકેઃ ગોલ્ડ કાઉન્સિલ
કેલેન્ડર 2020 સુધીમાં દેશમાં માત્ર 1.6 ટક સોનું જ ઉત્પાદિત થયું હતું
વર્ષે 5 કરોડ ડોલરની રોયલ્ટીની આવક તથા મોટી રોજગારી ઊભી થઈ શકે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતની જમીનમાં મોટી માત્રામાં સોનુ ધરબાયેલું પડ્યું છે. જોકે આ ક્ષેત્રે નીચા રોકાણ અને પરંપરાગત સંશોધન પ્રક્રિયાને કારણે માઈનીંગ વિકાસ પામી શક્યું નથી. વાર્ષિક ધોરણે દેશમાં સોનાનું ઉત્પાદન તેની માગ સામે ખૂબ નજીવું છે. જેમકે 2020માં માત્ર 1.6 ટન સોનાનું ઉત્પાદન જોવા મળ્યું હતું. જો ગોલ્ડના સંશોધન પર ધ્યાન આપવામાં આવે તો વર્ષે 20 ટકા સુધી સોનુ પેદા કરી શકાય છે એમ કાઉન્સિલે નોંધ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સ્થાનિક સીઈઓના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં સૌનાનો સૌથી મોટો વપરાશકાર છે. જોકે ઉત્પાદનની બાબતમાં તે ખૂબ પાછળ છે. આ માટેનું કારણ માઈનીંગ માટે પૂરતો ક્ષમતા વિકાસ નથી થયો તે છે. સરકાર તરફથી તાજેતરમાં ખાણ અને ખનીજો (વિકાસ અને નિયમન) કાયદામાં બદલાવની સાથે તાજેતરના વર્ષોમાં ઘણા આશાસ્પદ સંકેતો આવ્યા છે અને રાષ્ટ્રિય મિનરલ પોલિસી અને રાષ્ટ્રિય મિનરલ્સ એક્સપ્લોરેશન પોલિસી રજૂ થઈ છે, તેનાથી ભારતનો જો આ ટ્રેન્ડ આગળ વધશે તો, ખાણનું ઉત્પાદન આગામી વર્ષોમાં અપેક્ષિત રીતે વધવાની સંભાવના છે. તેઓ ઉમેરે છે કે ગોલ્ડ માઈન્સમાં એટલી ક્ષમતા છે કે, તે ભારતના સામાજિક- આર્થિક વિકાસ માટે નોંધપાત્ર સ્થિરતા પૂરી પાડી શકે છે, સોનાની શોધ અને ખાણકામમાં રોકાણ જ નહીં પરંતુ કુશળ કર્મચારીઓને તાલિમ પણ આપી શકાય છે. વધુમાં માઇનિંગએ જે-તે વિસ્તારમાં માળખાકિય રોકાણ લાવશે તથા સર્વિસ ઉદ્યોગને પણ તેનાથી લાભ મળશે. જોકે ગોલ્ડ માઈનીંગ માટે કેટલાક બેઝિક અવરોધો છે. જેમકે રેગ્યુલેશન આકરાં છે. એક માઈનીંગ લાયસન્સ મેળવવા માટે 10-15 મંજૂરીઓ જરૂરી છે. જેથી પ્રોજેક્ટનો સમયગાળો અને મૂડીરોકાણ લંબાય જાય છે. આ કારણથી બહુરાષ્ટ્રીય કંપનીઓ રોકાણથી દૂર રહે છે. ઊંચા કરવેરાને કારણે પણ માઈનીંગથી રોકાણકારો દૂર રહે છે. સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે પરંતુ માઈનીંગ સાધનો પર આયાતવેરો અને અન્ય વેરા હરિફ દેશોની સરખામણીમાં ઘણા ઊંચા છે.
દેશમાં હાલમાં સોનાની કુલ રિઝર્વ 70.1 ટકા જેટલી માનવામાં આવે છે. જેનો 88 ટકા હિસ્સો કર્ણાટકમાં છે. જ્યારે 12 ટકા આંધ્ર પ્રદેશમાં અને 0.1 ટકા ઝારખંડમાં છે. 1947માં પુનઃશરૂઆતથી 2020 સુધીમાં કર્ણાટકના રાયચૂર જિલ્લામાં આવેલી હૂટ્ટી ગોલ્ડ માઈને કુલ 84 ટન ગોલ્ડ ઉત્પાદન કર્યું છે. 2019માં તે 22 ટકા ઉછળી 1.9 ટન પર હતું. જો પૂરતા પ્રયાસો કરવામાં આવે તો વાર્ષિક ઉત્પાદન 20 ટન પર પહોંચી શકે છે. જે વર્તમાન ગોલ્ડની કિંમતે રોયલ્ટી ચૂકવણીને ગણનામાં લઈએ તો વર્ષે 5 કરોડ ડોલરની આવક ઊભી થઈ શકે તેમ છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage