Market Summary 17 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી





LICના નબળા માર્કેટ પ્રવેશ વચ્ચે બેન્ચમાર્ક્સ અઢી ટકા ઉછળ્યાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.3 ટકા ગગડી 22.74ના સ્તરે બંધ રહ્યો
મેટલ ઈન્ડેક્સમાં 7 ટકાનો તીવ્ર બાઉન્સ નોંધાયો
ઓટો, આઈટી, બેંકિંગ અને એફએમસીજીમાં 2 ટકા સુધીનો સુધારો
એનર્જી, મિડિયા, રિઅલ્ટીમાં પણ જોવા મળેલી લેવાલી
બ્રોડ માર્કેટમાં ત્રણ શેર્સમાં ખરીદી સામે એકમાં વેચવાલી
નવા સપ્તાહના સતત બીજા દિવસે તેજીવાળાઓએ પોતાની પકડ મજબૂત જાળવી હતી અને છેલ્લાં કેટલાંક સત્રોથી મંદીવાળાઓના હેમરિંગનો વળતો જવાબ આપ્યો હતો. જેમાં બેન્ચમાર્ક્સ અઢી ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1345 પોઈન્ટ્સ ઉછાળા સાથે 54318ની સપાટીએ જ્યારે નિફ્ટી 417 પોઈન્ટ્સના ઉછાળે 16259ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ વિક્સ 7.3 ટકા ઘટાડા સાથે 22.74ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી માત્ર એક જ કાઉન્ટર નેગેટિવ બંધ દર્શાવી રહ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ ઊંચી એક્ટિવિટી જોવા મળી હતી અને બીએસઈ ખાતે ત્રણથી વધુ શેર્સમાં ખરીદી વચ્ચે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો.
એકબાજુ એપ્રિલ માટેનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ સતત 13મી સિરિઝમાં વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો. જ્યારે સરકારના મહત્વાકાંક્ષી અને મેગા આઈપીઓ એલઆઈસીનું પણ ડિસ્કાઉન્ટ સાથે નબળુ લિસ્ટીંગ જોવા મળ્યું હતું ત્યારે બજારમાં બીજી બાજુ શોર્ટ કવરિંગ તથા તેજીવાળાઓના બાર્ગેન હંટીંગ પાછળ ઝડપી સુધારો જોવા મળ્યો હતો. જેને કારણે 16000ની નીચે ઓપનીંગ દર્શાવ્યાં બાદ બેન્ચમાર્ક નિફ્ટી દિવસ દરમિયાન ઝડપથી સુધરતો રહી 16284ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 7 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 16266ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના ઘટક કાઉન્ટર્સમાં હિંદાલ્કોમાં 9.6 ટકા સાથએ સૌથી ઊંચો સુધારો જોવા મળ્યો હતો. જ્યારબાદ ટાટા સ્ટીલ 8 ટકા, કોલ ઈન્ડિયા 7.5 ટકા, જેએસડબલ્યુ 7 ટકા, ઓએનજીસી 6 ટકા અને ટાટા મોટર્સ 5 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. એકમાત્ર ટાટા કન્ઝ્યૂમર પ્રોડ્ક્ટ્સનો શેર 0.17 ટકાના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ શેર્સમાં ભારે લેવાલી પાછળ મેટલ ઈન્ડેક્સ 6.9 ટકા ઉછળ્યો હતો. જે તેનો ચાલુ કેલેન્ડરનો શ્રેષ્ઠ એક દિવસીય દેખાવ હતો. આ ઉપરાંત મોટાભાગના સૂચકાંકો 2 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. જેમાં આઈટી, ઓટો, એફએમસીજી, બેંક, એનર્જી, મિડિયા અને પીએસઈનો સમાવેશ થતો હતો. આઈટી ક્ષેત્રે નોંધપાત્ર સમયગાળા બાદ ખરીદી નીકળી હતી અને ઈન્ડેક્સ બાઉન્સ દર્શાવતો હતો. આઈટી કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેકનોલોજી 8 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 5 ટકા, માઈન્ડટ્રી 4.5 ટકા, વિપ્રો 4 ટકા, એમ્ફેસિસ 4 ટકા, કોફોર્જ 4 ટકા અને એચસીએલ ટેક 3.7 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સ ઉપરાંત મારુતિ સુઝુકી, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, આઈશર મોટર્સ, બોશ અને ભારત ફોર્જ સુધારો સૂચવી રહ્યાં હતાં. પીએસઈ ક્ષેત્રે ઓઈલ ઈન્ડિયા 8.5 ટકા, નાલ્કો 8 ટકા, કોલ ઈન્ડિયા 7.5 ટકા, ઓએનજીસી 6 ટકા, સેઈલ 5 ટકા, આઈઆરસીટીસી 4.5 ટકા અને એચએએલ 4 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3462 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2624એ પોઝીટીવ બંધ આપ્યું હતું. જ્યારે 714 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 49 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જયારે 52 કાઉન્ટર્સ વાર્ષિક તળિયું બનાવ્યું હતું. બીએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં વેદાંત 12 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ટીલેક્ટ ડિઝાઈન, હિંદ કોપર, રેઈન ઈન્ડ, એબી કેપિટલમાં સુધાર જોવા મળતો હતો. જ્યારે બીજી બાજુ ઓરોબિંદો ફાર્મા, એસ્કોર્ટ્સ, દાલમિયા ભારત, ડો. લાલ પેથલેબ્સ, ગુજરાત ગેસ અને પેજ ઈન્ડસ્ટ્રીઝમાં નરમાઈ જોવા મળતી હતી.
વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારે તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જે સ્થાનિક નાણાનો સપોર્ટ સૂચવે છે. એશિયન બજારો એક ટકા સુધી સુધારો સૂચવતાં હતાં. જ્યારે યુરોપિયન બજારો પણ તેટલો જ સુધારો દર્શાવતાં હતાં. ભારે લેવાલીને કારણે એક જ દિવસમાં રોકાણકારની વેલ્થમાં રૂ. 12 લાખ કરોડથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈનું માર્કેટ-કેપ સોમવારના રૂ. 243.49 લાખ કરોડ પરથી 12.06 લાખ કરોડ વધી રૂ. 255.55 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.
LICના લિસ્ટીંગ સાથે જ રોકાણકારોના રૂ. 42500 કરોડનું ધોવાણ
દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીના લિસ્ટીંગ સાથે જ રોકાણકારોના રૂ. 42500 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. કંપનીના રૂ. 949ના ઓફર પ્રાઈસ સામે મંગળવારે કંપનીનો શેર બીએસઈ ખાતે 8.62 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 867.20ની સપાટીએ લિસ્ટ થયો હતો. જ્યારે એનએસઈ ખાતે 8.11 ટકા ઘટાડે રૂ. 872 પર લિસ્ટીંગ જોવા મળ્યું હતું. લિસ્ટીંગ અગાઉ જ પ્રિ-માર્કેટમાં તે 12 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. પેટીએમ બાદ સતત બીજા મેગા એવા એલઆઈસી આઈપીઓએ પણ રોકાણકારોને નિરાશ કર્યાં હતાં.
દિવસ દરમિયાન કંપનીનો શેર ઊંચામાં રૂ. 918.95ની સપાટીએ જ્યારે નીચામાં રૂ. 860ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજની આખરમાં 7.77 ટકાના ઘટાડે રૂ. 875.25 પર બંધ જોવા મળ્યો હતો. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 5.54 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે સાથે તે દેશના શેરબજાર પર પાંચમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની હતી. ટોચની ચાર કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. કંપનીએ રૂ. 6.02 લાખ કરોડના માર્કેટ વેલ્યૂએશન સાથે આઈપીઓ કર્યો હતો.
સ્ટીલ નિકાસમાં 25 ટકા વૃદ્ધિ નોંધાઈ
નાણાકિય વર્ષ 2021-22માં દેશમાંથી સ્ટીલ નિકાસમાં 25 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ભારતીય સ્ટીલના સૌથી મોટા આયાતકાર વિયેટનામ ખાતેથી ઓર્ડર્સમાં 20 ટકા ઘટાડા છતાં દેશમાંથી નિકાસ વધી હતી. જેનું મુખ્ય કારણ ભારતીય કંપનીઓને મળેલા નવા માર્કેટ્સ છે. જેમાં તૂર્કી, યૂએઈ, બેલ્જિયમ અને ઈટાલીનો સમાવેશ થાય છે. કેન્દ્રિય સ્ટીલ મંત્રાલયના આંકડા મુજબ 2021-22માં ફિનિશ્ડ સ્ટીલ નિકાસ 1.35 કરોડ ટન પર રહી હતી. જે 2020-21માં 1.08 કરોડ ટનની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. 2021-22માં 17 લાખ ટનની નિકાસ સાથે વિયેટનામ હજુ પણ સૌથી મોટો આયાતકાર દેશ બની રહ્યો હતો. 2020-21માં દેશમાં ફિનિશ્ડ સ્ટીલની નિકાસ 22 લાખ ટન પર રહી હતી. ભારતમાંથી ફિનિશ્ડ સ્ટીલમાં મુખ્યત્વે હોટ રોલ્ડ કોઈલ્સ, બાર્સ, સ્ટ્રીપ્સ, પ્લેટ્સ, ટીન ફ્રી સ્ટીલ, ટીપ પ્લેટ્સ, કોલ્ડ રોલ્ડ કોઈલ્સ, ગેલ્વેનાઈઝ્ડ પાઈપ તથા અન્ય પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
ક્રૂડ-ગોલ્ડ સહિતની કોમોડિટીઝમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં છેલ્લાં બે સત્રોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 115 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. છેલ્લાં એક સપ્તાહમાં તે સતત સુધારો નોંધાવતો રહ્યો છે અને તેણે 15 ડોલરની મજબૂતી દર્શાવી છે. વૈશ્વિક સ્તરે ટાઈટ સપ્લાયને કારણે ક્રૂડના ભાવ સાધારણ કરેક્ટ થયા બાદ પરત ફરી જાય છે. બીજી બાજુ કિંમતી ધાતુઓના ભાવમાં પણ મંગળવારે સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ 15 ડોલર સુધરી 1829 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોમવારે એક તબક્કે 1800 ડોલરની નીચે ટ્રેડ થઈ પરત ફર્યાં બાદ બીજા દિવસે સુધારાતરફી જોવા મળતું હતું. નેચરલ ગેસ અને બેઝ મેટલ્સમાં પણ સુધારો નોંધાયો હતો.
ઈ-મુદ્રા બજારમાંથી રૂ. 412 કરોડ ઊભા કરશે
લાયસન્સ્ડ સર્ટિફાઈંગ ઓથોરિટી કંપની 20 મેના રોજ પ્રાઈમરી બજારમાં પ્રવેશી રૂ. 412 કરોડ એકત્ર કરશે. કંપની રૂ. 243-256ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. ઈસ્યુમાં રૂ. 161 કરોડ ફ્રેશ ઈક્વિટી મારફતે જ્યારે બાકીનો ઈસ્યુ ઓફર ફોર સેલ હશે. રિટેલ માટે લઘુત્તમ લોટ 58 શેર્સનો રહેશે.

વૈશ્વિક ઘઉંના ભાવ વિક્રમી સપાટી પર પહોંચ્યાં
ભારતે ઘઉં નિકાસ બંધ કરતાં સીબોટ ખાતે બેન્ચમાર્ક ફ્યુચર્સ 5.9 ટકા ઉછળી 12.475 પ્રતિ બૂશેલ પર પહોંચ્યો
ભારત સરકારે ગયા સપ્તાહાંતે દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં વૈશ્વિક ઘઉંના ભાવ વિક્રમી ટોચ પર પહોંચ્યાં છે. નવા સપ્તાહે યુરોપિયન માર્કેટ ખાતે ભાવ 435 યુરો પ્રતિ ટનની ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ ખાતે બેન્ચમાર્ક ફ્યુચર્સ 5.9 ટકા ઉછળી 12.475 ડોલર પ્રતિ બૂશેલ પર જોવા મળ્યો હતો. જે છેલ્લાં બે મહિનાની ટોચ પર હતો. જ્યારે રશિયાના યુક્રેનમાં પ્રવેશ બાદની સર્વોચ્ચ સપાટીની એક ડોલરની રેંજમાં જોવા મળ્યો હતો.
યુએનની ફૂડ એજન્સી દ્વારા ગણવામાં આવતાં વૈશ્વિક ફૂડ પ્રાઈસિસની વૃદ્ધિમાં ઘઉંનું સૌથી મોટું યોગદાન જોવા મળે છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીની આખરમાં રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ બાદ ભાવ ઉછળ્યાં હતાં. કેમકે બ્લેક સીમાંથી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાયો હતો. જ્યારે હવે ઘઉંના બીજા ક્રમના ઉત્પાદક ભારતે પણ નિકાસ પર પ્રતિબંધ મૂકતાં વૈશ્વિક સ્તરે સપ્લાયમાં મોટો ગેપ જોવા મળે તેવો ગભરાટ પ્રવર્તી રહ્યો છે. બીજી બાજુ ઉત્પાદન પણ ગઈ સિઝનની સરખામણીમાં નીચું જોવા મળી રહ્યું છે. આમ ઘઉંના ભાવમાં ઝડપથી ઘટાડાની શક્યતાં એનાલિસ્ટ્સ નથી જોઈ રહ્યાં. રાબોબેંક ખાતે કોમોડિટીઝ રિસર્ચ એનાલિસ્ટના મતે હાલમાં બજાર ટાઈટ છે અને ઘઉંનો સ્ટોક ઘટી રહ્યો છે. ખાસ કરીને નિકાસકાર દેશોમાં ઘઉંનો જથ્થો ઘટી રહ્યો છે. ઘઉં એક સંવેદનશીલ બાબત છે. અનેક દેશોમાં ફૂડ સિક્યૂરિટીને લઈને ચિંતા જોવા મળી રહી છે. ફૂડ ઈન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને જ ઘણા દેશોએ તેમના સરપ્લસ ઉત્પાદનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ઈન્ડોનેશિયા દ્વારા પામ ઓઈલના ઉત્પાદન પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સમાવેશ પણ થાય છે.
પોર્ટ્સ ખાતે 18 લાખ ટન ઘઉંનો જથ્થો અટવાયો
ભારત સરકારે ઘઉં નિકાસ પર પ્રતિબંધ મૂકતાં દેશના બંદરો ખાતે નિકાસ માટે તૈયાર પડેલો 18 લાખ ટન ઘઉંનો જથ્થો અટવાયો છે. જેને કારણે ટ્રેડર્સે ઊંચું નુકસાન ઉઠાવવાનું બની શકે છે એમ ડિલર્સ જણાવે છે. સરકારે માત્ર 13 મે સુધી લેટર્સ ઓફ ક્રેડિટ અથવા તો પેમેન્ટ ગેરંટીઝ ધરાવતી નિકાસને જ રવાનગીની છૂટ આપી છે. હાલમાં પોર્ટ્સ પર પડેલા 22 લાખ ટન ઘઉંમાંથી માત્ર 4 લાખ ટન ઘઉં માટે જ એલસી પ્રાપ્ય હોવાનું મુંબઈ સ્થિત ટ્રેડર જણાવે છે. આમ મોટાભાગનો માલ અટવાઈ પડ્યો છે.

અદાણી જૂથનું કુલ ડેટ રૂ. 2.22 લાખ કરોડ પર પહોંચ્યું
2021-22ની આખરમાં વાર્ષિક ધોરણે ડેટમાં 42 ટકા વૃદ્ધિ જોવા મળી
જૂથનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો 2.36ની ચાર વર્ષોની ટોચ પર નોંધાયો
અદાણી જૂથે તેના વર્તમાન બિઝનેસિસના વિસ્તરણ માટે તેમજ નવા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશ માટે ડેટ ફાઈનાન્સિંગનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું છે. ગયા નાણાકિય વર્ષની આખરમાં જૂથ કંપનીઓનું સંયુક્ત ડેટ રૂ. 2.22 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. વર્ષ અગાઉ તે રૂ. 1.57 લાખ કરોડ પર હતું એમ કેપિટલાઈને તૈયાર કરેલો ડેટા સૂચવે છે. ડેટમાં વૃદ્ધિને કારણે જૂથનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો માર્ચની આખરમાં 2.36ની ચાર વર્ષની ટોચ પર જોવા મળતો હતો. જે 2018-19ની આશરમાં 1.98ની સપાટી પર હતો. જોકે 2012-13ની આખરમાં જોવા મળતાં 3.25ના ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો કરતાં હાલમાં તે નોંધપાત્ર નીચો જોવા મળી રહ્યો છે.
જૂથની વિવિધ કંપનીઓ પાસે પ્રાપ્ય કેશ અને બેંક બેલેન્સને ગણનામાં લઈએ તો જૂથનો ચોખ્ખો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો 2021-22ની આખરમાં વધીને 2.07 પર જોવા મળતો હતો. જે 2017-18 પછીના સૌથી ઊંચા સ્તરે હતો. જે અદાણી જૂથને દેશના ટોચના બિઝનેસ જૂથોમાં સૌથી ઊંચું ડેટ ધરાવતાં જૂથોમાંની એક બનાવે છે. માર્ચ મહિનાની આખરમાં અદાણી જૂથ કંપનીઓ પાસે કેશ અને બેંક બેલેન્સ મળી રૂ. 26989 કરોડની રકમ હતી. જો અગ્રણી ઔદ્યોગિક જૂથો સાથે સરખામણી કરીએ તો તાતા જૂથની લિસ્ટેડ કંપનીઓએ માર્ચ 2022ની આખરમાં કુલ રૂ. 3.35 લાખ કરોડનું ડેટ નોંધ્યું હતું. જે વાર્ષિક ધોરણે 1.3 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. જૂથનો ગ્રોસ ડેટ-ટુ-ઈક્વિટી રેશિય સુધરી 1.01 પર જોવા મળ્યો હતો. જે વર્ષ અગાઉ 1.2ના સ્તરે હતો. અદાણી જૂથ માટે તેની કુલ સાત લિસ્ટેડ કંપનીઓને ગણનામાં લેવામાં આવી છે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ટોટલ અને અદાણી વિલ્મેરનો સમાવેશ થાય છે. અદાણી પોર્ટે હજુ 2021-22 માટેનું પરિણામ જાહેર કરવાનું બાકી છે અને તેથી તેને માટે પ્રથમ અર્ધવાર્ષિક બેલેન્સ શીટ ગણનામાં લીધી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો 2021-22ની આખરમાં કંપનીનું ડેટ 4.2 ટકા વધી રૂ. 2.82 લાખ કરોડ થયું હતું. જોકે તેનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો સુધરીને 0.36 ટકા જોવા મળ્યો હતો. આ જ રીતે એવી બિરલા જૂથની વાત કરીએ તો 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિ ગાળા બાદ જૂથની લિસ્ટેડ કંપનીઓનું ડેટ 6.1 ટકા ઘટી રૂ. 1.43 લાખ કરોડ પર હતું. જ્યારે જૂથનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો 0.99 ટકા પર હતો. એનાલિસ્ટ્સ માને છે કે અદાણી જૂથ કંપનીઓનું હેડલાઈન ડેટ ઊંચું દેખાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં જૂથ કંપનીઓની ડેટ-સર્વિસિંગ ક્ષમતામાં મોટો સુધારો જોવા મળ્યો છે.
છેલ્લાં પાંચ વર્ષોમાં અદાણી જૂથના ડેટની સ્થિતિ
નાણાકિય વર્ષ ડેટ(રૂ. લાખ કરોડમાં)
2017-18 1.16
2018-19 1.19
2019-20 1.39
2020-21 1.57
2021-22 2.23
અદાણી જૂથે એરપોર્ટ્સ ડેવલપમેન્ટ માટે 25 કરોડ ડોલર ઊભા કર્યાં
અદાણી એન્ટરપ્રાઈઝિસની સંપૂર્ણ માલિકીની એવી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એન્ડ બાર્ક્લેઝ બેંકના કોન્સોર્ટિયમ પાસેથી 25 કરોડ ડોલર(અંદાજે રૂ. 1950 કરોડ) ઊભા કર્યાં છે. સાથે કંપની વધુ 20 કરોડ ડોલર ઊભા કરવાનો વિકલ્પ પણ ધરાવે છે. આ ફંડ સિનિયર સિક્યોર્ડ થ્રી-યર એક્સ્ટર્નલ કમર્સિયલ બોરોઈંગ મારફતે મેળવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ જૂથ દ્વારા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ મારફતે કરવામાં આવતાં છ એરપોર્ટ્સના ડેવલપમેન્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવામાં આવશે.

કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઓસીઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની આઈઓસીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6022 કરોડનો નફો રળ્યો છે. જે વાર્ષિક ધોરણે 31.4 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 8781 કરોડનો નફો નોંધાવ્યો હતો. ઓપરેશન્સમાંથી કંપનીની આવક 25.6 ટકા ઉછળી રૂ.2.06 લાખ કરોડ પર રહી હતી. કંપનીના બોર્ડે બે શેર્સ સામે એક બોનસ શેર માટેની ભલામણ કરી હતી. સાથે પ્રતિ શેર રૂ. 3.6ના ફાઈનલ ડિવિડન્ડની ભલામણ પણ કરી હતી.
એમસીએક્સઃ કોમોડિટી એક્સચેન્જે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 36.53 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 5 ટકા ઘટાડો દર્શાવે છે. માર્ચ 2021 ક્વાર્ટરમાં તેણે રૂ. 38.44 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા ઉછળી રૂ. 106.46 કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે રૂ. 96.97 કરોડ પર હતું.
બંધન બેંકઃ ખાનગી ક્ષેત્રની બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1902.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 1747 ટકાનો ઉછાળો દર્શાવે છે. કંપનીની લોન બુક વાર્ષિક 14.1 ટક વૃદ્ધિ સાથે રૂ. 99338 કરોડ પર જ્યારે ડિપોઝીટ બુક 23.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 96331 કરોડ પર જોવા મળી હતી. બેંકનો કાસા 18.5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેમાં રિટેલ હિસ્સો 77 ટકા હતો. ગ્રાહકોની સંખ્યા 2.63 કરોડ પર પહોંચી હતી.
વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 12 કરોડનો નફો નોંધાવ્યો છે. તેણે એક વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 4 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીએ રૂ. 361.73 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 406.74 કરોડ પર હતી.
નિયોજન કેમિકલ્સઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 69 ટકા વૃદ્ધિ સાથે રૂ. 156.8 કરોડ જ્યારે 2021-22માં 45 ટકા વૃદ્ધિ સાથે રૂ. 487.3 કરોડની આવક નોંધાવી છે. માર્ચ ક્વાર્ટરમાં નફો રૂ. 15.6 કરોડ જ્યારે વાર્ષિક ધોરણે રૂ. 44.6 કરોડનો નફો દર્શાવ્યો છે. શેરદીઠ રૂ. 2.57નું ડિવિડન્ડ આપ્યું છે.
આરઈસીઃ રુરલ ઈલેક્ટ્રિફિકેશન કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 229 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 207 કરોડ પર હતો.
એચએએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3100 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1610 કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે 93 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
એવિએશન સ્ટોક્સઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને નવી દિલ્હી ખાતે તેના જેટ ફ્યુઅલના ભાવમાં 5 ટકા વૃદ્ધિ કરી તેને રૂ. 1.23 લાખ પ્રતિ કિલોલિટર કર્યાં છે. જે વિક્રમી સ્તરે જોવા મળી રહ્યાં છે.
મેક્સ હેલ્થકેરઃ હોસ્પિટલ કંપનીના બોર્ડે આલ્પ્સ અને મેક્સ હોસ્પિટલ્સના યુનિટ્સના મર્જરને મંજૂરી આપી છે.
એસજેવીએનઃ સરકારી જળવિદ્યુત ઉત્પાદક કંપની સતલજ જળ વિદ્યુત યોજનાએ નેપાલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી સાથે રૂ. 4900 કરોડના પ્રોજેક્ટ માટે કરાર સાઈન કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage