Market Summary 17 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં ઊંચા સ્તરે વેચવાલીનો સંકેત
શુક્રવારે બજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે બજાર નરમ બંધ આવ્યાં હતાં. ચાલુ સપ્તાહે જોવા મળેલી અવિરત તેજીને બ્રેક લાગી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 17792.95ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 17537.65નું તળિયું બનાવી 17585.15ના સ્તરે બંધ રહ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટી 0.38 ટકા સાથે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જોકે પીએસયૂ બેંક શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. કોટક મહિન્દ્રા બેંકમાં 4 ટકાથી વધુ સુધારા પાછળ બેંક નિફ્ટી ટક્યો હતો.
PSU બેંક ઈન્ડેક્સ 3 ટકા પટકાયો
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બેડ બેંકને લઈને મહત્વની જાહેરાત કર્યાંના બીજા દિવસે પીએસયૂ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.96 ટકા ગગડી 2466.60ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉના બે સત્રોમાં તેણે 8 ટકાથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. જોકે શુક્રવારે શરૂઆતથી જ પીએસયૂ બેંક્સમાં નરમાઈ જોવા મળી હતી અને જોત-જોતામાં તેમણે નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો. ઘટાડો દર્શાવનાર અગ્રણી જાહેર ક્ષેત્ર બેંક્સમાં પીએનબી 5 ટકા સાથે ટોપ પર હતી. જ્યારબાદ બેંક ઓફ બરોડા(4.2 ટકા), પંજાબ એન્ડ સિઁધ બેંક(4 ટકા), આઈઓબી(4 ટકા), બેંક ઓફ મહારાષ્ટ્ર(3.3 ટકા) અને યૂકો બેંક(3 ટકા)નો સમાવેશ થતો હતો. પીએસયૂ જાયન્ટ એસબીઆઈનો શેર સવારના ભાગમાં રૂ. 471ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી પ્રોફિટ બુકિંગ પાછળ 2 ટકાથી વધુ નરમાઈ દર્શાવતો હતો.
IDFC બોર્ડે એએમસી બિઝનેસ ડિસઈન્વેસ્ટમેન્ટને આપેલી મંજૂરી
નાણાકિય સેવાઓ સાથે જોડાયેલી આઈડીએફસી લિમિટેડના બોર્ડ ડિરેક્ટર્સે આઈડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટની મંજૂરી આપી હતી. કંપની આઈડીએફસીની ઈનડિરેક્ટ સબસિડિયરી છે. જ્યારે આઈડીએફસી ફાઈનાન્સિયલ હોલ્ડિંગની સીધી સબસિડિયરી છે. આઈડીએફસી એએમસીમાં આઈડીએફસી 99.96 ટકા હિસ્સો ધરાવે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરની વાત કરીએ તો આઈડીએફસી એએમસીનું સરેરાશ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 1,26,070 કરોડ પર જોવા મળતું હતું. આમ તે દેશની ટોચની 10 એએમસીમાં સ્થાન ધરાવતી હતી. અગાઉ 14 સપ્ટેમ્બરે આઈડીએફસી ઈન્વેસ્ટર્સના રોકાણકારોએ ધીમી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેમાં કેટલાક ઈન્વેસ્ટર્સે મેનેજમેન્ટને ડિસઈન્વેસ્ટમેન્ટમાં વધુ વિલંબ થશે તો કંપનીના મેનેજમેન્ટમાં બદલાવની ઝૂંબેશની ચિમકી પણ આપી હતી.
PNBએ RLLRમાં 25 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો
જાહેર ક્ષેત્રની બીજા ક્રમની બેંક પંજાબ નેશનલ બેંકે શુક્રવારે અમલમાં આવે તે રીતે તેના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ(RLLR)માં 25 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. જ્યારબાદ તે અગાઉના 6.8 ટકાના સ્તરેથી ઘટી 6.55 ટકા પર જોવા મળ્યો હતો. આરએલએલઆર મૂળે આરબીઆઈના રેપો રેટ સાથે જોડાયેલો હોય છે પરંતુ અસરકારક આરએલએલઆરનો આધાર લોન એમાઉન્ટ, લોન-ટુ-વેલ્યુ અને રિસ્ક ગ્રૂપ પર આધારિત હોય છે. આ રેટ ઉપર બેંક્સ સ્પ્રેડ અથવા માર્જિન ચાર્જ કરતી હોય છે. લોન ઈન્ટરેસ્ટ રેટનો આધાર આરએલએલઆર પર હોય છે. તાજેતરમાં અગ્રણી બેંકિંગ સંસ્થાઓ જેવીકે એસબીઆઈ અને બેંક ઓફ બરોડાએ તેમના હોમ લોન દરોમાં તથા પ્રાઈમ લેન્ડિંગ રેટ્સમાં ઘટાડો કર્યો છે. જે માર્કેટ્સમાં ક્રેડિટ ઓફ-ટેકમાં જોવા મળી રહેલી સુસ્તી તરફ નિર્દેશ કરે છે.

સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં જ સ્મોલ-કેપ્સમાં 87 ટકા સુધીનું તગડું રિટર્ન
બેન્ચમાર્ક્સમાં 4 ટકાથી વધુ રિટર્ન સામે વ્યક્તિગત કાઉન્ટર્સમાં તેજીનું તોફાન જોવા મળ્યું
શુક્રવારે ઊંચા મથાળે વેચવાલી દરમિયાન પણ આઈઆરસીટીસી અને પોલીકેબ જેવા કાઉન્ટર્સમાં મજબૂતી
સપ્ટેમ્બર મહિનામાં પસંદગીના સ્મોલ-કેપ્સમાં ફાટ-ફાટ તેજી જોવા મળી છે. બેન્ચમાર્ક્સ જ્યારે સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યાં હતાં ત્યારે આવા કાઉન્ટર્સ 87 ટકા સુધીનું રિટર્ન આપી ચૂક્યાં છે. આમાં કેટલાંક કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે અને એનાલિસ્ટ્સ તેમાં ઘટાડે ખરીદીની સલાહ આપી રહ્યાં છે.
શુક્રવારે લગભગ મહિનાના પ્રથમ પખવાડિયાના અંતે એનએસઈ-500 જૂથના શેર્સના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે જૂથના 500 કાઉન્ટર્સમાંથી 375 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં છે. જ્યારે બાકીના 125 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ સૂચવે છે. આમાં પોઝીટીવ દેખાવ દર્શાવી રહેલાં શેર્સ 11 ટ્રેડિંગ સત્રોમાં 87 ટકા જેટલું ઊંચું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જ્યારે નેગેટિવ કાઉન્ટર્સ 12 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયા અને સનોફી જેવા કાઉન્ટર્સ અગ્રણી છે. પખવાડિયામાં તીવ્ર સુધારો દર્શાવનાર શેર્સમાં વોડાફોન આઈડિયા ટોપ પર છે. સતત પોઝીટીવ અહેવાલો પાછળ શેરે ઓગસ્ટ મહિનાની આખરમાં તેના રૂ. 6.10ના બંધ સામે રૂ. 11.40ની ટોચ દર્શાવી હતી. છેલ્લાં બે વર્ષોમાં તે કાઉન્ટરનો સૌથી ઝડપી સુધારો છે. ડિશ ટીવીનો શેર પણ ઓગસ્ટ આખરના રૂ. 12.60ના સ્તરેથી ઊછળી રૂ. 20.75 પર જોવા મળ્યો હતો. તેણે 64.68 ટકાનું ઊંચું રિટર્ન આપ્યું હતું. કંપનીના મેનેજમેન્ટમાં બદલાવના લેન્ડર યસ બેંકના નિર્ણયના કારણે શેરમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઝી એન્ટરપ્રાઈઝના શેરમાં પણ એક દિવસમાં 40 ટકાના ઉછાળા સાથે સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 50.18 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહે કાઉન્ટરમાં જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા અને બોફા જેવા ફંડે ખરીદી કરી હતી. શેરનો ભાવ રૂ. 300 સુધી ઉછળ્યાં બાદ પરત ફર્યો છે અને શુક્રવારે રૂ. 255ના સ્તર આસપાસ ટ્રેડ થતો હતો. રેલ્વેની પેટાકંપની આઈઆરસીટીસીનો શેર રૂ. 2500ના સ્તરેથી ઉછળી શુક્રવારે રૂ. 4000ના સ્તરને પાર કરી ગયો હતો. રેલ્વેના ઓનલાઈન ટિકિટીંગ અને કેટરિંગમાં મોનોપોલી ધરાવતી સંસ્થાનો શેર ઓગસ્ટ આખરમાં રૂ. 2752ના સ્તરેથી 40.82 ટકાના રિટર્ન સાથે શુક્રવારે રૂ. 3875ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપની રૂ. 60 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. એક દિશામાં સુધારો દર્શાવનારા આવા અન્ય કાઉન્ટર્સમા હડસન એગ્રો(32 ટકા), આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ(31 ટકા), વોલ્ટાસ(26 ટકા), ડેલ્ટા કોર્પ(26 ટકા), કેપીઆર મિલ્સ(26 ટકા)નો સમાવેશ થાય છે.
એનએસઈ-500ના કેટલાંક અન્ડરપર્ફોર્મર્સમાં સનોફી(-12 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(-12 ટકા), ઈન્ફિબીમ(-10 ટકા), ક્રેડિટએક્સેસ ગ્રામીણ(-9 ટકા), કેએનઆર કન્સ્ટ્રક્શન(-9 ટકા), અને આલ્કિલ એમાઈન્સ(-9 ટકા)નો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બરમાં જંગી રિટર્ન દર્શાવતાં કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ ઓગસ્ટનો બંધ ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
આઈડિયા 6.10 11.40 86.89
ડિશ ટીવી 12.60 20.75 64.68
ઝી એન્ટર. 170.47 256.00 50.18
IRCTC 2752.00 3875.35 40.82
હટસન એગ્રો 1089.70 1434.00 31.60
IFB ઈન્ડ. 917.90 1200.00 30.73
વોલ્ટાસ 995.85 1258.80 26.40
ડેલ્ટા કોર્પ 181.25 228.50 26.07
KPR મિલ 1772.95 2212.00 24.76
ઈન્ડુસ ટાવર 215.35 268.65 24.75
JSW એનર્જિ 264.65 326.50 23.37
યસ બેંક 10.80 13.30 23.15
પોલીકેબ 2067.50 2530.00 22.37

ઓગસ્ટમાં મ્યુચ્યુલ ફંડે IPOsમાં મોટું રોકાણ દર્શાવ્યું
લાર્જ-કેપ્સમાં એક જ ક્ષેત્રમાં ફંડ્સનું ચર્નિંગ્સ જોવાયું
સ્થાનિક મ્ચુચ્યુલ ફંડ્સે ઓગસ્ટ મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં ઊંચું રોકાણ દર્શાવ્યું હતું. જ્યારે સેકન્ડરી માર્કેટમાં તેમણે આઈટી ક્ષેત્રે ચર્નિંગ કર્યું હતું સાથે ટેલિકોમ અને સ્ટીલ ક્ષેત્રમાં એક્સપોઝર ઘટાડ્યું હતું. તેમણે મીડ-કેપ આઈટી સ્પેસમાં રોકાણ વધાર્યું હતું.
ફંડ્સની ઓગસ્ટની કામગીરી અંગેના એક રિપોર્ટ મુજબ સ્થાનિક મ્યુચ્યુલ ફંડે મહિનામાં ઈન્ફોસિસ જેવા આઈટી કાઉન્ટરમાંથી નાણા બહાર ખેંચ્યા હતાં. કંપનીનો શેર બાયબેક ઓફર પાછળ ટૂંકા સમયગાળામાં નોંધપાત્ર સુધરતાં તેમણે આમ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ટેલિકોમ પ્લેયર ભારતી એરટેલમાં પણ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો. મેટલ ક્ષેત્રે તેમણે ટાટા સ્ટીલમાંથી હિસ્સો ઓછો કર્યો હતો. જોકે બીજી બાજુ તેમણે આઈટી ક્ષેત્રે ટીસીએસમાં ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જેની પાછળ કાઉન્ટર છેલ્લા કેટલાંક સત્રોમાં 15 ટકા જેટલો ઉછાળો દર્શાવી રહ્યો છે. ફંડ્સે પ્રાઈવેટ બેંકિંગ ક્ષેત્રે આઈસીઆઈસીઆઈમાં તેમનું રોકાણ વધાર્યું હતું. સાથે એસબીઆઈ લાઈફમાં પણ તેમણે ખરીદી કરી હતી. કન્ઝ્યૂમર ક્ષેત્રે તેમણે ટાટા કન્ઝ્યૂમરમાં ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. ટેક મહિન્દ્રામાં પણ તેમણે હિસ્સામાં ચોખ્ખો ઘટાડો નોંધાવ્યો હતો. ઈન્ફોસિસમાં તેમણે કુલ રૂ. 2755 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે ટેક મહિન્દ્રામાં રૂ. 1288 કરોડની વેચવાલી નોંધાવી હતી. ભારતી એરટેલમાં રૂ. 977 કરોડ અને ટાટા સ્ટીલમાં રૂ. 784 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકમાં તેમણે રૂ. 1800 કરોડની ખરીદી નોંધાવી હતી. જ્યારે ટીસીએસમાં રૂ. 1521 કરોડનું રોકાણ દર્શાવ્યું હતું.
બજારમાં ઓગસ્ટ દરમિયાન પ્રવેશેલા આઈપીઓમાં તેમણે કેમપ્લાસ્ટ સનમારમાં રૂ. 2299 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે નૂવોકો વિસ્ટાસમાં રૂ. 1590 કરોડ ઠાલવ્યાં હતાં. મીડ-કેપ સેગમેન્ટમાં તેમણે કોફોર્જમાં રૂ. 601 કરોડનું સૌથી મોટું રોકાણ કર્યું હતું. જ્યારે સ્મોલ-કેપ્સમાં આરબીએલ બેંકમાં રૂ. 161 કરોડ, મહિન્દ્રા સીઆઈઈમાં રૂ. 156 કરોડ અને કેનફીન હોમ્સમાં રૂ. 137 કરોડનું રોકાણ દર્શાવ્યું હતું. જ્યારે જીએમએમ ફોડલર, જસ્ટ ડાયલ, કેપીઆઈટી ટેક્નોલોજિસ જેવા કાઉન્ટર્સમાં તેમણે હોલ્ડિંગ્સમાં ઘટાડો કર્યો હતો એમ ડેટા સૂચવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage